ધી ઈન્ટરગર્વમેન્ટલ પેનલ ઓન ક્લાઈમેટ એઈન્જ (IPCC) એ સને 2014માં આપેલ વ્યાખ્યા પ્રમાણે આબોહવા (ક્લાઈમેટ) એ ‘સરેરાશ હવામાન’ છે જે ચોક્કસ સમયનું મહિનાઓ થી હજારો અથવા લાખો વર્ષનો સંબંધિત જથ્થો છે જે આંકડાકીય રીતે સરેરાશ અને વધઘટ (પરિવર્તનશીલતા) દર્શાવે છે. હવામાન ફેરફાર એ એક પ્રકારનો વધુ ગંભીર પર્યાવરણીય પ્રશ્ન છે જે વૈશ્વિક સમાજને પણ લાગુ પડે છે. યુનાઈટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેઈન્જ (UNFCCC) એ સને 2010 માં જણાવ્યા મુજબ હવામાન ફેરફાર એટલે ‘હવામાન ફેરફાર કે જે સીધી કે આડકતરી રીતે માનવીય પ્રવૃત્તિને અસર કરે છે કે જે વૈશ્વિક વાતાવરણની રચનામાં ફેરફાર કરે છે અને તુલનાત્મક સમયગાળા દરમ્યાન કુદરતી હવામાનની વિવિધતાનું અવલોકન કરે છે.’ હવામાન ફેરફાર એ એક પડકારજનક બાબત છે જેનો લોકોએ ભવિષ્યમાં સામનો કરવો પડશે. હવામાન ફેરફારને કારણે કૃષિ, અન્નની સલામતી અને વિશ્વમાં વિવિધ સ્થળોએ રહેતા લાખો લોકોની આજીવિકા ઉપર એક મોટો ભય પેદા થવા પામ્યો છે. ભવિષ્યમાં આવનાર વર્ષોમાં હવામાન ફેરફારની ધાન્યપાકના ઉત્પાદન ઉપર થનાર અસરના એક અંદાજ મુજબ ડાંગરમાં 35 ટકા, ઘઉંમાં 20 ટકા, જુવારમાં 50 ટકા, જવમાં 13 ટકા, મકાઈમાં 60 ટકાનો ઉત્પાદન ઘટાડો થશે.
એશિયા ખંડના હિમાલય વિસ્તારમાં ગરમીના પ્રમાણમાં વધારો થતાં સને 2050માં કૃષિ પાકોના ઉત્પાદનમાં 5 થી 30 ટકાનો ઘટાડો થશે જે અન્નની અસલામતી તરફ દોરી જશે અને માનવજાત માટે ભવિષ્યમાં ગંભીર મુશ્કેલી પેદા કરશે. ઊંચું ઉષ્ણતામાન ઈચ્છિત પાકોના ઉત્પાદનમાં ઘટાડો કરશે અને નીંદણ તથા જીવાતોના ફેલાવામાં વધારાને પ્રોત્સાહિત કરશે. હવામાન ફેરફારની અસર થવાને કારણે પાક, સ્થળ અને ભાવિ હવામાનના પરિપ્રેક્ષ્યના આધારે અંદાજે 60 ટકા સુધી પાક ઉત્પાદનમાં ઘટાડો થશે. કૃષિ ઉત્પાદન પદ્ધતિઓમાં સ્થિતિસ્થાપકતા અને સંસાધનોના વપરાશની અસરકારકતામાં વધારો કરી ખેડૂતોની અનુકુલન ક્ષમતા વધારી ઉપરોક્ત ભયમાં ઘટાડો કરી શકાશે. હવામાન ફેરફારને કારણે પેદા થતા પડકારોને દૂર કરવા માટે કૃષિને આબોહવા સ્માર્ટ બનાવવી પડશે. તેના પ્રત્યુત્તર રૂપે આબોહવા સ્માર્ટ કૃષિ (Climate Smart Agriculture – CSA) નો અભિગમ વિકસાવવામાં આવેલ છે જેના મુખ્ય ત્રણ પાયા અન્નની સલામતી, અનુકુલન અને શમન છે. આબોહવા સ્માર્ટ કૃષિ એ એક અભિગમ છે જેમાં કૃષિ પદ્ધતિઓમાં ફેરફાર કે બદલાવ અને નવસંસ્કરણ કરી જરૂરી માર્ગદર્શન મુજબના કાર્યો કરી અસરકારક વિકાસ ધ્વારા ટેકો પુરો પાડી હવામાન ફેરફાર સામે અન્નની સલામતી પુરી પાડવામાં આવે છે.
આબોહવા સ્માર્ટ કૃષિનો અભિગમ :
ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) એ સને 2014માં આબોહવા સ્માર્ટ કૃષિ (CSA) ની વ્યાખ્યા આપેલ તે મુજબ ‘નવા હવામાન ફેરફારની વાસ્તવિકતા હેઠળ કૃષિ વિકાસમાં બદલાવ અને નવસંસ્કરણ કરવા માટેનો અભિગમ.’ આબોહવા સ્માર્ટ કૃષિ અંગેની બાબતનો સૌ પ્રથમ ઉપયોગ સને 2009માં થયેલ. હેગ ખાતે સને 2010માં યોજાયેલ પ્રથમ વૈશ્વિક ‘કોન્ફરન્સ ઓન એગ્રિકલ્ચર, ફૂડ સીક્યોરિટી એન્ડ ક્લાઈમેટ ચેઈન્જ’ માં રજૂ થયેલ ‘ક્લાઈમેટ સ્માર્ટ એગ્રિકલ્ચર : પોલિસીસ, પ્રેક્ટાઈસીસ એન્ડ ફાયનાન્સિંગ ફોર ફૂડ સીક્યોરિટી, એડેપ્ટેશન એન્ડ મિટિગેશન’ ના પેપરમાં તેનો ઉલ્લેખ કરવામાં આવેલ. તે અન્ન સલામતી અને હવામાન ફેરફાર જેવા એકબીજાને સંબંધિત માનવજાતના પડકારો અંગેનો સંકલિત અભિગમ છે જે મુખ્ય ત્રણ હેતુઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે :
(1) ટકાઉ રીતે કૃષિ ઉત્પાદકતા અને આવકમાં વધારો કરી અન્નની સલામતીમાં વધારો કરવો
(2) સ્થિતિસ્થાપકતાનું નિર્માણ અને હવામાન ફેરફાર સામે અનુકુલન સાધવું.
(3) કૃષિમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરવા માટેની તકોનો વિકાસ કરવો
આ અભિગમની દરેક સ્તરે મોટી શરૂઆત અને મૂડીરોકાણ કરી તે અંગેની નીતિઓ, ક્ષમતા નિર્માણ, સલામતી અને આર્થિક બાબતો અંગે અનેક સંસ્થાઓને જોડી કામગીરી કરવી જરૂરી છે. હવામાન સંબંધિત જ્ઞાનનું અનુકુલન, ટેકનોલૉજી અને પદ્ધતિઓનું સ્થાનિક પરિસ્થિતિ મુજબ ખેડૂતો, સંશોધકો અને વિસ્તરણ કાર્યકરોને આ અભિગમનો વિશાળ પાયે પ્રચાર કરવો એ એક મુશ્કેલભરી બાબત છે. આ અભિગમ એકબીજા પડકારો સાથે જોડાયેલ છે જે સર્વગ્રાહી અને અસરકારક છે.
આબોહવા સ્માર્ટ કૃષિના ત્રણ પાયા :
(1) ઉત્પાદકતા :
આ અભિગમનો મુખ્ય હેતુ પર્યાવરણને નકારાત્મક અસર કર્યા વિના પાકો, પશુપાલન અને મત્સ્યમાંથી કૃષિ ઉત્પાદકતા અને આવકમાં ટકાઉ રીતે વધારો કરવાનો છે. આમ તેના વડે અન્ન અને પોષણની સલામતીમાં વધારો થશે. ટકાઉ રીતે તીવ્રતાથી ઉત્પાદકતા વઘારવી એ તેનો ચાવી રૂપ અભિગમ છે.
(2) અનુકૂલન :
આ અભિગમનો હેતુ ખેડૂતોને ટુંકા ગાળાના હવામાનના જોખમોના સંપર્કમાં ઘટાડો કરી તેઓની સ્થિતિસ્થાપકતાને સઘન બનાવી ટુંકા ગાળાના તણાવનો સામનો કરવા માટે અનુકુલન સાધી સક્ષમ બનાવવાનો છે. ઈકોસીસ્ટમનું રક્ષણ કરવા માટે ખાસ પ્રકારનું ધ્યાન રાખી ખેડૂતો અને અન્યને ઈકોસીસ્ટમની સેવા પુરી પાડવામાં આવે છે. આ પ્રકારની સેવા ઉત્પાદકતાની જાળવણી અને હવામાન ફેરફાર સામે અનુકુળ ક્ષમતામાં વધારો કરવા માટે જરૂરી છે.
(3) શમન :
તેનો હેતુ અન્ન, રેસા અને બળતણ ધ્વારા ઉત્પન્ન થતા ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનનું નિયંત્રણ કરવાનો છે. તે જમીન અને વૃક્ષોની એવી વ્યવસ્થા કરે છે કે જે કાર્બન લેયર તરીકે ફાળો ભજવી મદદ કરે છે અને પર્યાવરણમાંના અંગારવાયુનું શોષણ કરે છે. એફએઓના જણાવ્યા મુજબ શમન એ એવી ક્ષમતાવાળી પદ્ધતિ છે કે જે સમાજ, જૂથ અથવા વ્યક્તિગત રીતે જોખમ સામે રક્ષણ પૂરૂ પાડે છે કે જોખમને અટકાવે છે અને તણાવમાંથી બહાર કાઢે છે.
આબોહવા સ્માર્ટ ગામડાંઓ : મોડેલ અભિગમ
હવામાનમાં અનિયમિત, અણધાર્યા અને અનપેક્ષિત ફેરફારો થાય છે જે કૃષિ ઉત્પાદકતા તેમજ ગ્રામ્ય સમાજમાં આજીવિકાની સલામતી માટે ભયજનક બાબત છે. ખેડૂતોને હવામાન ફેરફારની ભારે અસર થાય છે અને તેઓ હવામાનના જોખમો અને અનિશ્ચિતતાઓને જાણી તેની ખરાબ અસરોનું શમન કરવા માટે ખાસ પ્રકારના પગલાં લે છે. આ માટે આબોહવા સ્માર્ટ કૃષિ અપનાવવાની જરૂર છે.
હવામાન ફેરફારને લક્ષમાં લઈ ‘ક્લાઈમેટ ચેઈન્જ, એગ્રિકલ્ચર એન્ડ ફૂડ સિક્યોરિટી (CCAFS) એ હવામાન સ્માર્ટ ગામ (ક્લાઈમેટ સ્માર્ટ વિલેજ – CSVs) નો અભિગમ વિક્સાવેલ છે જે એગ્રિકલ્ચરલ રિસર્ચ ફોર ડેવલપમેન્ટ (AR4D) નું એક સાધન છે.
આ અભિગમને ખેડૂતો, સંશોધકો, ખાનગી ક્ષેત્રો, સમાજ અને નીતિ ઘડવૈયાઓ વગેરેનું સંકલન સાધી હવામાનમાં સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપવાના રસ્તાઓ શોધી કાર્યો કરવા જોઈએ કે જે અત્રે દર્શાવેલ ચાર મુખ્ય કાર્યો વડે પ્રાપ્ત કરી શકાય તેમ છે :
(1) પૂરાવા રાખવા જોઈએ.
(2) સ્થાનિક સંસ્થાકીય અસરકારકતામાં વધારો કરવો જોઈએ.
(3) હવામાન અને કૃષિ નીતિઓ વચ્ચે સુસંગતતા હોવી જોઈએ.
(4) હવામાન અને કૃષિ ધિરાણ વચ્ચે જોડાણ હોવું જોઈએ.
આબોહવા કૃષિ ગામડાંઓ બનાવવાની રીત :
આબોહવા કૃષિ ગામના પ્રોજેક્ટનું સ્થળ હવામાનના જોખમની વિગતો અને ખેડૂતોની ઈચ્છા તથા સ્થાનિક સરકારની ભાગીદારી મુજબ પસંદ કરવું જોઈએ. સંશોધકોએ વર્તમાન સામાજીક-આર્થિક સ્થિતિ સંસાધનોની પ્રાપ્તિનું પૃથક્કરણ, સરેરાશ ઉત્પાદન તથા આવક વગેરે બાબતો અંગે પાયાના આધારે સર્વેક્ષણ કરવું જોઈએ જેથી ચોક્કસ સમયગાળા બાદ આ પ્રોજેક્ટના અમલ થકી શું ફાયદાઓ થયા તે અંગે જાણી શકાય. સ્થાનિક પરિસ્થિતિમાં કઈ બાબત હિસ્સેદારને ઉત્તમ રીતે અનુકુળ આવી તે જાણી શકાય. આ જાતની માહિતી પસંદગીયુક્ત પ્રયોગ ધ્વારા ટેકનોલૉજીની પસંદગી અને ઈચ્છા અંગેની માહિતી પૃથક્કરણથી મેળવી શકાય છે.
આબોહવા સ્માર્ટ કૃષિની પદ્ધતિઓની માહિતીનો પ્રચાર અને ક્ષમતા નિર્માણ પ્રક્રિયામાં તેના મહત્વના ફાળા વિષે જાણી શકાય છે. ખેડૂતોને નિયમિત ગાળે આ અંગેના પ્રમાણપત્રો અને સંશોધકો અને સમાજને પ્રતિભાવ પુરા પાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આબોહવા સ્માર્ટ કૃષિ માટે શીખેલા પાઠ :
આબોહવા સ્માર્ટ ગામનો મુખ્ય હેતુ હવામાન ફેરફારને કારણે પેદા થતા ઉત્સર્જનને ઘટાડવા માટે આબોહવા સ્માર્ટ કૃષિની પદ્ધતિઓનો ખેડૂતો અમલ કરી તેના ધ્વારા મળતી તકો સાથે જોડાય તે અંગે પ્રોત્સાહન પૂરૂ પાડવાનો છે. આ અંગેના ઘણા ક્ષેત્રો છે જેમાં હવામાન સ્માર્ટ પદ્ધતિઓની લિંગ (જાતિ) આધારિત પ્રતિભાવનું પૃથક્કરણ અને અગ્રિમતા, ખેડૂત થી ખેડૂત અને સમાજ મુજબ સામાજીક શિક્ષણ, હવામાન સ્માર્ટ કૃષિના વિકલ્પો અને લાભોની અસર અંગે અગ્રિમતા, વાસ્તવિક સમયમાં સાધનોનો ઉપયોગ કરી હવામાન સ્માર્ટ કૃષિની દેખરેખ અને હસ્તક્ષેપ, વિવિધ અભિગમોના જોડાણ ધ્વારા ટકાઉતામાં વધારો, સ્થાનિક માલિકીને પ્રોત્સાહન, સતત તાંત્રિક ટેકો પુરો પાડવો, આબોહવા સ્માર્ટ કૃષિ અપનાવવા માટેના મર્યાદિત પરિબળો અંગેની સમજ, આબોહવા સ્માર્ટ કૃષિને પ્રોત્સાહન આપવા કે અપનાવવા માટે યોગ્ય નીતિઓ ઘડવી વગેરેનો સમાવેશ થાય છે. આબોહવા સ્માર્ટ કૃષિ પદ્ધતિઓને અપનાવવામાં વધારો કરવા માટે તૂરત જ કાર્ય કરી તેના ઉપર ભાર મૂકવાની ખાસ જરૂરિયાત છે.
આબોહવા સ્માર્ટ કૃષિની ભાવિ અસરો :
આબોહવા સ્માર્ટ કૃષિનો ચાવી રૂપ વિચાર જે તે સ્થળ માટે ખાસ પ્રકારની આબોહવા સ્માર્ટ ટેક્નોલૉજી પુરી પાડવાનો છે. આ માટે સરકાર, નાગરિક સમાજ, વિજ્ઞાન અને ખાનગી ક્ષેત્રો વગેરે તેના હિસ્સેદારો છે. લાખો ખેડૂતોને ડિજિટલ મીડિયા મારફતે સ્થળ મુજબની ખાસ ટેકનોલૉજી અંગેની કૃષિ સલાહ આપવામાં આવે છે. આબોહવા સ્માર્ટ કૃષિ પદ્ધતિઓ અપનાવવા માટે આઈસીટીનો ઉપયોગ કરી જાતિ મુજબનો અભિગમ, જાહેર-ખાનગી ભાગીદારી વગેરે ધ્વારા હવામાન ફેરફાર સંબંધિત માર્ગદર્શન આપીને ઉત્પાદન અને સ્થિતિસ્થાપકતામાં વધારો કરી શકાય છે. આબોહવા સ્માર્ટ કૃષિના અમલથી વિશ્વમાંના લાખો ખેડૂતોના વર્તન, રણનીતિ અને કૃષિ પદ્ધતિઓમાં ફેરફાર થશે. ખેડૂતોને હવામાન ફેરફારની અસર સમજાવવા અને આબોહવા સ્માર્ટ કૃષિની પદ્ધતિઓને અપનાવવા માટે ટેકો આપવાની ખાસ જરૂરિયાત છે.
સારાંશ :
હવામાન ફેરફાર એ અન્ય પરિસ્થિતિકીય પ્રશ્નો કરતાં વધુ જટીલ અને ડરામણો પ્રશ્ન છે. હવામાન ફેરફાર સામે લડવા માટે પરિસ્થિતિકીય, આર્થિક અને સામાજીક દબાણ આધારિત કેટલીક ખેડૂત પદ્ધતિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. સ્થળ મુજબની ખાસ આબોહવા સ્માર્ટ કૃષિ પદ્ધતિઓને અપનાવી અને નીતિ વિષયક માળખાના ટેકા વડે ખેડૂતો હવામાન ફેરફાર સામે યોગ્ય વ્યવસ્થા કરી શકે છે, આથી ખેડૂતોએ હવામાન સ્માર્ટ કૃષિની પદ્ધતિઓને ઓળખી અને અગ્રિમતા આપી તેનો ત્વરિત અમલ કરવાની જરૂરિયાત છે. આ માટે વૈજ્ઞાનિકો, સરકારી અને બિનસરકારી એજન્ટો અને અન્ય હિસ્સેદારોએ આબોહવા સ્માર્ટ કૃષિ અંગેના જાગૃતિ નિર્માણ ઉપર ધ્યાન આપવાની જરૂર છે જેથી હવામાન ફેરફારના જોખમો સામે રક્ષણ પૂરૂ પાડવામાં મદદરૂપ થઈ શકાય.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, નવેમ્બર – 2022
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

