એન્ટિઓક્સિડેન્ટ ફાયટોકેમિકલ્સ-તંદુરસ્તી માટે લાભકર્તા (Antioxidant phytochemicals for health benefit)

        પ્રતિક્રિયાશીલ ઓક્સિજન પ્રજાતિઓ રાસાયણિક રીતે પ્રતિક્રિયા રસાયણ પ્રજાતિઓ છે કે જે ઓકસીજન ધરાવે છે. પેરોકસાઈડ, સુપર ઓકસાઈડ અને હાડ્રોકસીલ કણો તેના ઉદાહરણ છે તે સૂર્યનો પ્રકાશ, એકસરે, ઓઝોન, તમાકુનો ધૂમાડો, ઓટોમોબાઈલ ઉત્સર્જન, પર્યાવરણીય પ્રદૂષણ અને કેટલીક દેહધાર્મક પ્રક્રિયાઓનો સંપર્કમાં આવતાં ઉત્પન્ન થાય છે. તેમની બહારની કક્ષામાં રહેલ અયુગ્મ ઈલેકટ્રોનની હાજરી તેને વધુ પ્રતિક્રિયાશીલ બનાવે છે અને તે ન્યૂક્લિક એસિડ, પ્રોટીન, લિપિડ અને કાર્બોહાઈડ્રેટને નુકસાન પહોંચાડી શકે છે. જેના પરિણામ સ્વરૂપે પ્રતિરક્ષા કાર્યોને પ્રભાવિત કરી શકે છે જેથી અપક્ષીય (ડીજનરેટીવ) રોગો થઈ શકે છે. જ્યારે પ્રતિક્રિયાશીલ ઓકસીજન પ્રજાતિઓનું નિર્માણ શરીરની એન્ટિઓક્સિડેન્ટ રક્ષા પ્રણાલીની ક્ષમતાથી વધી જાય છે ત્યારે શરીરમાં ઓકસીકારી તણાવ પેદા થાય છે જે મુખ્ય રૂપે ઓકસીડેન્ટના નિર્માણમાં વૃદ્ધિ,  એન્ટિઓક્સિડેન્ટના સંરક્ષણમાં ઘટાડો અને ઓકસીકારી નુકસાનની જાળવણીમાં નિષ્ફળતાથી ઉત્પન્ન થાય છે. રોગકારકોનો સંપર્ક, અનુચિત જીવનશૈલી, વધુ પડતો વ્યાયામ અને સામાન્ય ચયાપચયની આડપેદાશ ઓકસીકારી તણાવના ઘટકોની વૃદ્ધિ કરે છે. આ કોષોના કાર્યોને પ્રભાવિત કરી આગળ જતાં પ્રતિરક્ષાને પ્રભાવિત કરી કેન્સર, ડાયાબિટીસ, અલ્સર (ચાંદા), સોજા અને હૃદયરોગો જેવા અપક્ષયી રોગો તરફ દોરી જાય છે. એન્ટિઓક્સિડેન્ટ ઓકસીકારી તણાવ અને તેને સંબંધિત વિકારોને ઘટાડવાના હેતુથી અગ્રણી પ્રતિક્રિયાશીલ ઓક્સીજન પ્રજાતિઓને પ્રભાવહીન કરવા માટે જાણીતા છે.

                એન્ટિઓક્સિડેન્ટ ક્ષમતા ધરાવતા રાસાયણિક પદાર્થો આહાર, ફળ અને શાકભાજીઓમાં સ્વભાવિક રૂપે હાજર હોય છે જે માનવ સ્વાસ્થ્ય માટે વધુ લાભકર્તા છે કારણ કે તે ઓકસીકારી તણાવ સામે સુરક્ષા પુરી પાડે છે. મહામારી વિજ્ઞાન અને પશુ સંબંધી થયેલ અભ્યાસો દર્શાવે છે કે ફળ, શાકભાજી અને આખા અનાજ નિયમિત રૂપે ખોરાકમાં લેવાથી કેન્સર, ડાયાબીટીસ, સોજા, ચેતાતંત્ર સંબંધી રોગો, ઓકસીકરણના તણાવને કારણે વૃદ્ધત્વ (બુઢાપો) વગેરે બિમારીઓનો જોખમને ઘટાડે છે. સામાન્ય રીતે વિવિધ ખાદ્યપદાર્થોમાં પોલીફીનોલ્સ, કેરોટીનોઈડ, ટોકોફેરોલ, એસ્કોર્બેટસ અને લિપોઈક એસિડ જેવા કુદરતી એન્ટિઓક્સિડેન્ટ પદાર્થો હાજર હોય છે. જેમાં મુક્ત કણોની સફાઈ કરવાની ક્ષમતા રહેલી છે. સુપરઓકસાઈડ ડિસમ્યૂટેજ (એસઓડી), કેટેજ, ગ્લુટાથિયોન પરઆક્સીડેજ રીડકટેસ, ખનીજ જેવા કે સેલેનિયમ, મેંગેનીઝ, કોપર, ઝિંક વગેરે), વિટામિન એ, સી અને ઈ કેરોટીનોઈડસ, લિમોનોઈડસ અને પોલીફીનોલ્સ મુક્ત કણોની સફાઈમાં મદદ કરે છે.

                ફાયટોકેમિકલ્સ પ્રતિક્રિયાશીલ ઓકસીજન પ્રજાતિઓને દૂર કરવામાં  મહત્વપૂર્ણ છે જેના પરિણામ સ્વરૂપે તે સંબધિત વિકારોને રોકે છે. જૈવિક રૂપે સક્રિય પોલીફીનનોલ્સના મુખ્ય સ્ત્રોત જાંબુ, રેડવાઈન, ડુંગળી, સફરજન, લાલ દ્રાક્ષ, ખાટાં ફળો, ગ્રીન ટી, જેઠીમધ, રોઝબેરી, અજવાયન, ફળ અને શાકભાજી છે. ડૈડેજિન અને જેનિસ્ટીન જેવા આઈસોફ્લેવોન મસુર, ચણા, સોયાબીન જેવા કઠોળમાં મહ્‌દ અંશે રહેલા છે જે ગાંઠ અને સ્તન કે ગર્ભાશયના કેન્સરને અટકાવવા માટે વધુ લાભકર્તા છે.  કેરોટીનોઈડ, ટોકોફેરોલ, એસ્કોબેટસ, લિપોઈક એસિડ અને પોલીફીનોલ જેવા કુદરતી એન્ટિઓક્સિડેન્ટ મુક્ત કણોની હાનિકારક અસરથી બચાવે છે. બ્યૂટાઈલ હાઈડ્રોક્સી એસોલે (બીએચએ), બ્યૂટાઈલ હાઈડ્રોક્સી ટોલીન (સીએચટી) જેવા સિન્થેટિક એન્ટિઓક્સીડેન્ટસ ખાદ્ય અને દવા ઉદ્યોગોમાં ઉપયોગી છે. અત્રે એન્ટિઓક્સિડેન્ટ ધરવાતા મુખ્ય ફાયટોકેમિકલ્સની માહિતી દર્શાવેલ છે.

() પોલીફીનોલ્સ :

                પોલીફીનોલ ફ્લેવોનોઈડ અને ફીનોલિક એસિડથી બને છે જે કુલ ફીનોલના અનુક્રમે ૬૦ ટકા અને ૩૦ ટકા હોય છે. એલાજીક અમ્લ સૌથી વધુ શક્તિશાળી કુદરતી રસાયણ-નિવારક એજન્ટ છે જે સંયોજક પેશીઓને ઓકસીકરણથી થતી ક્ષતિને રોકે છે અને રક્તવાહિનીઓની દિવાલમાં રહેલા ક્ષતિગ્રસ્ત પ્રોટીનની મરામત કરે છે. ફ્લેવોનોઈડ મુક્ત કણોની સફાઈ માટે આદર્શ સંરચના ધાવે છે અને તે ઈનિવટ્રો સ્થિતિમાં ટોકોફેરોલ અને એસ્કોર્બિક એસિડની સરખામણીએ વધુ અસરકારક એન્ટિઓક્સિડેન્ટ ધરાવે છે. વનસ્પતિઓમાં ૪૦૦૦ થી પણ વધુ ફલેવોઈડની જાણકારી મળેલ છે જે શાકભાજી, ફળો, અનાજ, બીજ, પાન, ફૂલ, છાલ અને તેમાંથી મળતા ઉત્પાદનોના રંગ માટે જવાબદાર છે. લુટીઓલિન, કેમ્ફેરોલ, કવેરસેટિન, રૂટીન, માઈરિસિટિન અને વિટામિન ‘સી’ એ શક્તિશાળી ઓન્ટિઓકસીડેન્ટ છે જે એલડીએલ (લો હેન્સિીટી લીપોપ્રોટીન)ના ઓકસીકરણને રોકે છે જે એથેરોસ્કલેરોસિસમાં વધારો કરનાર મુખ્ય કારણ છે કે જેમાં ધમનીઓની દિવાલ જાડી થાય છે જેને પરિણામે હાર્ટ એટેક કે સ્ટ્રોક આવી શકે છે. સોયાબીન, ચણા અને મસૂર જેવા કઠોળ  હાઈડેજિન અને જેનિસ્ટિન જેવા આઈસોફલેવોન પ્રચુર માત્રામાં ધરાવે છે જેમાં ગાંઠની વૃદ્ધિ અને કેન્સર સામે રક્ષણ પુરા પાડતા પોષકતતવો રહેલા છે.

                પોલીફીનોલ જૈવિક રૂપે બહુ જ અસરકારક છે જે જઠર અને આંતરડાના રોગો, સમય પહેલાં ઘડપણ (બુઢાપો), સોજો, ચયાપચયમાં શિથિલતા, કેન્સર, મગજ અને હૃદયના રોગો સામે સુરક્ષા પુરી પાડે છે. કેટલાક અભ્યાસ ઉપરથી જાણવા થયેલ છે કે પોલીફીનોલ્સથી ભરપુર પીણાં અને ખાદ્યપદાર્થોનું આહારમાં સેવન કરવામાં આવે તો કેન્સર અને હૃદય સંબંધી બિમારીઓનું જોખમ ઘટે છે. તે વિટામિન ‘સી’ ની અસરકારકતામાં વધારો કરે છે. જેના પરિણામે ઉપર જણાવેલ બિમારીઓનું જોખમ ઘટે છે અને હાઈ બીપી (ઉચ્ચ રક્તચાપ) નિયંત્રિત કરવામાં અસરકારક છે.

() કેરોટીનોઈડ :

                સામાન્ય રીતે ૭૦૦ થી વધુ પ્રકારના કેરોટીનોઈડ જોવા મળે છે જે જૈવિક એન્ટિઓક્સિડેન્ટના રૂપે કાર્ય કરે છે અને કોષિકાઓ તથા પેશીઓને મુક્ત કણોની હાનિકારક અસરથી બચાવે છે.  ગાજર, ટામેટા, અજમો, નારંગી અને લીલા પાનવાળી શાકભાજી (જેવી કે તાંદળજો, ચીલ), રાઈ, મેથી, પાલક, કોબીજ, કોળુ અને પપૈયા એ કેરોટીનોઈડના સમૃદ્ધ સ્ત્રોત છે.  કેરોટીનોમાં ફક્ત આલ્ફા, બીટા અને એપ્સિલોન કેરોટીનમાં જ વિટામિન ‘એ’ ની સક્રિયતા વધુ હોય છે અને તેમાં બીટા કેરોટીન સૌથી વધુ સક્રિય છે. કુદરતી રીતે બીટા કેરોટીન એ વિટામિન ‘એ’ નો એક સ્ત્રોત છે જે આંખના રોગો અને કેન્સરની સામે લડવાની ક્ષમતા ધરાવે છે. કેરોટીન રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને  અલ્ટ્રાવાયોલેટ કિરણોની સામે ચામડીના કોષોની રક્ષા કરે છે. તે હૃદયરોગો, ઉંમરને સંબંધિત દૃષ્ટિના વિકારો, દમ અને સોજાનું જોખમ ઓછું કરવામાં મદદ કરે છે. લાયકોપીન ટામેટાને લાલ રંગ આપે છે અને મુક્ત કણોની હાનિકારક અસર સામે રક્ષણ પૂરૂ પાડે છે.  કેરોટીન અને લ્યૂટિનની સાથે તે ફેફસાં, સ્તન, ગર્ભાશય અને પ્રોસ્ટેટના કેન્સર સામે સુરક્ષા પુરી પાડે છે.

                લીલા પાનવાળી શાકભાજી અને મકાઈ લ્યૂટિન અને જેકસૈન્થિન જેવા જેન્થોફીલનાં સૌથી વધુ સારા સ્ત્રોત છે. એવું માનવામાં આવે છે કે તે માનવ આંખોની રેટિનાની સુરક્ષા પુરી પાડવા માટે એન્ટિઓક્સિડેન્ટ તરીકે કાર્ય કરે છે. અસ્તાજેન્થિન એ સમુદ્રના ખાદ્યપદાર્થોમાં જોવા મળતો એક જેન્થોફીલ શક્તિશાળી એન્ટિઓક્સીડેન્ટ છે.  ખાટા ફળોમાં  લિમોનાઈડ નામનો જૈવિક રૂપે સક્રિય ફાયટોકેમિકલ રહેલો છે જે એન્ટિઓક્સિડેન્ટ તરીકે કાર્ય કરે છે. તે ફેફસાની પેશીઓને પ્રતિક્રિયાશીલ ઓકસીજન પ્રજાતિઓથી બચાવે છે અને સ્તન કેન્સરના ફેલાવાને રોકવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

                આ સિવાય કેરોટીનોઈડ યુક્ત આહારના સેવનથી કેન્સર, હૃદય અને અન્ય બિમારીઓનું જોખમ ઓછું થવા પામે છે.

() વિટામિન (ટોકોફેરોલ) :

                પશુભૃણના સામાન્ય વિકાસ માટેના આવશ્યક પોષક તત્વો તરીકે ટોકોફેરોલની મુખ્ય જાણ થવા પામેલ. આલ્ફા-ટોકોફેરોલમાં વિટામિન ‘ઈ’ પ્રચુર માત્રામાં જોવા મળે છે. જે અન્ય પ્રકારના ટેકોફેરોલની સરખામણીએ તેમાં મુક્ત કણોથી બચવા માટેની અધિક ક્ષમતા રહેલી છે. ગામા-ટોકોફેરોલ નાઈટ્રોજન ડાયોકસાઈડની સાંદ્રતાને સૌથી વધુ અસરકારક રીતે ઘટાડે છે કે જે કેન્સર, ગાંઠો, (સંધિવા) અને જ્ઞાનતંત્રના રોગો થવા માટે જવાબદાર ઘટક છે. ટોકોફેરોલ કેન્સર, અલ્ઝાઈમર, હૃદયરોગ, કોલેસ્ટીરોલ ઘટાડવાની ક્ષમતા અને ઓછી ઘનતાવાળા લાઈપોપ્રોટીન (એલડીએલ)ના ઓકસીકરણના સંદર્ભમાં ઉપયોગી એથેરોસ્કલેરોસિસ અને હૃદયરોગને રોકવા માટે વિટામિન ‘ઈ’ નો ઉપયોગ થાય છે જે આલ્ફા ટોકોફેરોલ એલડીએલ કોલેસ્ટીરોલના ઓકસીકરણને રોકે છે તેવા તર્કને આધારે છે. બદામ પાલક, શક્કરીયા, એવોકડો, અંકુરીત ઘઉં, સૂર્યમુખીનું તેલ, પામનું તેલ, બટરનટ સ્કવોશ અને ઓલિવ તેલ એ વિટામિન ‘ઈ’ ના સારા સ્ત્રોત છે.

() વિટામિન સી (એસ્કોર્બિક એસિડ) :

                ફળો અને શાકભાજીમાં રહેલ એસ્કોર્બિક એસિડ એ એક મુખ્ય કુદરતી એન્ટિઓકસીડેન્ટ છે જે સ્વાસ્થય પર મુક્ત કણોના જોખમનો ઘટાડો કરે છે અને તે કેન્સરવિરોધી છે. તે કેટલાક પ્રકારના કેન્સર અને હૃદયરોગોને અટકાવવાનું કાર્ય કરે છે. એસ્કોર્બિક એસિડ અને ટોકોફેરોલને પૂરક તરીકે લેવાથી ઓકસીકરણથી થતું નુકસાન અને તેને સંબંધિત બિમારીઓમાં સુધારો થાય છે. તેની અસર ધૂમ્રપાન નહિ કરનારને સારી થાય છે.  ધૂમ્રપાનમાં ઉત્પન્ન થતા ધૂમાડાને કારણે મુક્ત કણોથી ઓકસીકરણ તણાવ પેદા થાય છે અને અસ્કોર્બિક એસિડથી બનતા મુક્ત કણો ધૂમ્રપાન કરવાવાળામાં પ્રો-ઓકસીડેન્ટના રૂપે કાર્ય કરે છે. (પ્રો-ઓક્સીડેન્ટ એવા રસાયણ છે કે જે ઓકસીકરણ તણાવને પ્રેરિત કરે છે.) પ્રતિક્રિયાશીલ ઓકસીજન પ્રજાતિઓમાં એક વધારાનો ઈલેકટ્રોન હોય છે અને  આ રીતે આણ્વિક સ્તર પર માનવીઓ અને છોડ માટે  વધુ પ્રતિક્રિયાશીલ અને હાનિકારક હોય છે. આ ન્યુક્લિક એસિડ, પ્રોટીન અને લિપિડની સાથે તેની અરસપરસની ક્રિયાનું પરિણામ છે. સંતરા, કીવી, મરચાં, કેળા, કાલે સ્પ્રાઉટ, બ્રોકોલી, સ્ટ્રોબેરી, દ્રાક્ષ, જામફળ અને ખાટાં ફળો એ વિટામિન ‘સી’ ના સારા સ્ત્રોત છે.

() લિપોઈક એસિડ :

                માંસમાં રહેલ કેટલાક સલ્ફર યુક્ત પદાર્થો જેવા કે ગ્લૂટાથિઓન (જીએસએચ), લિપોઈડ એસિડ (૧,ર-ડિથિલેન-૩-પેન્ટાનોઈક અમ્લ) અને ડાઈહાડ્રોકલિપોઈક એસિડ એન્ટિઓક્સિડેન્ટના કાર્યો દર્શાવે છે. તે પ્રોટીનના ઓકસીકરણથી થતું નુકસાન અટકાવે છે. યકૃત, મૂત્રપિંડ અને ફેફસાની પેશીઓમાં ગ્લૂટાથિઓનને પુનઃજીવિત કરે છે. ડાયાબીટીસને સંબંધિત ઉત્પન્ન થતી પરિસ્થિતિને અને લોહીમાં શર્કરાની સાંદ્રતાને ઓછી કરવામાં તે મહત્વની ભૂમિકા ભજવે છે. લિપોઈક એસિડ માઈટોકોન્ડ્રિયલના પડની ક્ષમતા, ઉંમરને સબંધિત સ્મૃતિ ભ્રંશ અને મગજની બિમારીઓ જેવી કે અલ્ઝાઈમર્સ અને પાર્કિન્સન રોગ વગેરેને ઘટાડાવામાં મદદ કરે તેવી સાબિતીઓ મળેલ છે. સ્વાસ્થ્યમાં તેની આવશ્યક ભૂમિકાને કારણે આલ્ફા લિપોઈક એસીડ બહુ સારી રીતે વિટામિન સી અને ઈ ની શ્રેણીમાં સામેલ થઈ શકે છે અન મુક્ત કણોની સામે રક્ષણ આપવામાં પ્રથમ પંક્તિમાં હાજર રહે છે. અન્ય એન્ટિબાયોટિક્સની માફક આલ્ફા લ્પોઈક એસીડ કોષોના નુકસાનને ઘટાડાવામાં મદદ કરે છે. કે જે કેન્સર, હૃદયરોગ અન ડાયાબિટીસ જેવી બિમારીઓ થવાનું મૂળ કારણ છે. લિપોઈક એસિડ  મોટાભાગે દરેક ખોરાકમાં ઘણી ઓછી માત્રામાં હોય છે પરંતુ તે પાલક, બ્રોકોલી અને યીસ્ટમાં થોડુ વધારે હોય છે.

સારાંશ :

                પ્રતિક્રિયાશીલ ઓકસીન પ્રજાતિઓના વધુ ઉત્પાદનના પરિણામ સ્વરૂપ ઓક્સીકરણ તણાવ થાય છે જે એક ઘાતક પ્રક્રિયા છે. તે કોષોની સંરચનાના નુકસાનમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે.જેના કારણે વિવિધ ગંભીર બિમારીઓ પેદા થાય છે. ફળો, શાકભાજી, અનાજ અને કઠોળમાં રહેલ કેરોટીનોઈડ, ફલેવોનોઈડ, વિટામિન ‘સી’ અને ‘ઈ’ જેવા એન્ટિઓકસીડેન્ટ યુક્ત ફાયટોકેમિકલ ઓકસીકારી તણાવને નિયંત્રિત કરવામાં મહત્ત્વપૂર્ણ છે અને કેન્સર ડાયાબીટીસ, અલ્સર (ચાંદા), સોજો, ચેતાતંત્રના અને હૃદયના રોગો સામે સુરક્ષા પુરી પાડે છે. આમ એન્ટિઓક્સિડેન્ટ પદાર્થો માનવજાતને રોગમુક્ત જીવનશૈલી પુરી પાડવામાં મદદ કરે છે.


સ્ત્રોત : ડ્રીમ ૨૦૪૭, માર્ચ ૨૦૧૯


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *