લો ટનલ્સમાં શાકભાજી ઉછેરવાના અનેક ફાયદાઓ છે જેવા કે, વહેલી કાપણી, ઉત્પાદનમાં વધારો, જમીનનું સંરક્ષણ, પવન અને હિમથી છોડનું રક્ષણ અને છેલ્લે ખેડૂતોના ચોખ્ખા નફામાં વધારો વગેરે.
ઓછા ખર્ચાળ પોલીટનકલ્સ શું છે ?
પ્લાસ્ટિક ટનલ એ ઓછા ખર્ચાળ પોલીટનલ્સ તરીકે જાણીતું નાનું માળખું છે કે જેમાં અંગ્રેજી ‘યુ’ આકારના લોખંડના સળીયા અને પોલીથીન શીટનો ઉપયોગ કરી ઓછી ઊંચાઈવાળા ધરૂ/રોપા ઉછેરવામાં આવે છે. આ ટેક્નોલૉજીનો અન્ય લાભ એ છે કે લો ટનલ્સને સહેલાઈથી છૂટી પાડી બીજા વર્ષે ઉપયોગમાં લઈ શકાય છે. લો ટનલ્સનો ઉપયોગ ગરમ હવામાનનું સંરક્ષણ કરે છે, અંકુરણ અને વહેલી વૃદ્ધિને ઉત્તેજન આપે છે, છોડને થતા નુક્સાનથી બચાવે છે અને પાકની ગુણવત્તામાં સુધારો કરે છે એટલે પોલીટન્સની અંદર ધરૂ/રોપાનો વિકાસ સારો થાય છે. આ બાંધકામમાં ઉછરતા છોડ દિવસે પ્રથમ પ્રકાશ મેળવે ત્યારે વહેલી સવારે અંગારવાયુનો ઉપયોગ કરી પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં વધારો કરે છે. ફેબ્રુઆરી-માર્ચ દરમ્યાન કાકડી, ટામેટી, મરચી, કેપ્સિકમ, રીંગણી વગેરે પાકોની સમયસર રોપણી કરવા માટે શાકભાજીના ધરૂની મોટી માંગ હોય છે. ખુલ્લા ખેતરોમાં નવેમ્બર થી જાન્યુઆરી માસ દરમ્યાન નીચુ તાપમાન હોઈ આ પ્રકારના શાકભાજીનું ધરૂ ઉછેરવું શક્ય બનતું નથી. તેથી ગ્રીનહાઉસ, પોલીહાઉસ, હાઈ ટનલ, ઓછી ખર્ચાળ પોલીટનલ જેવા સંરક્ષિત માળખાનો ઉપયોગ કરી સફળતાપૂર્વક શાકભાજીના ધરૂનો ઉછેર કરી શકાય છે. ઓછા ખર્ચાળ પોલીટનલ સિવાયના માળખાઓ માટે પ્રારંભિક તબક્કે વધુ ખર્ચ કરવો પડે છે જે તેની મુખ્ય મુશ્કેલી છે.
ઓછી ખર્ચાળ પોલીટનલ્સ સસ્તી અને સહેલાઈથી ઊભી કરી શકાતી હોઈ શિયાળામાં શાકભાજીની નર્સરી કરવા માટે વધુ અનુકુળ છે. અન્ય સામાન્ય પાકોની ખેતીની સરખામણીએ ખેડૂતો સંસાધનોનો પુરેપુરો ઉપયોગ કરી આખુ વર્ષ શાકભાજીનો ઉછેર કરી ઉત્પાદન મેળવી પૂરક આવક મેળવી શકે છે. આ ટેક્નોલૉજીનો ઉપયોગ કરી ખેડૂતો બજારમાં શાકભાજીને ઋતુ પહેલાં મોકલીને વધુ ભાવ મેળવી પોતાની પેદાશનું વધુ સારૂ વળતર મેળવી શકે છે.
ચોમાસાની ઋતુ દરમ્યાન આ ટનલ્સનો ઉપયોગ નર્સરીના છોડ ઉછેરવા માટે કરી શકાય છે પરંતુ તે માટે પોલીથીન શીટને બદલે ગ્રીન શેડ નેટનો ઉપયોગ કરવો પડે છે જે છોડને કાળઝાળ ગરમીથી બચાવે છે. લો ટનલ્સ એ હંગામી માળખુ છે જેથી તેને પાક મુજબ સહેલાઈથી જોડી શકાય છે અને અલગ કરી શકાય છે. હાઈ ટનલ કરતાં આ પ્રકારની ટનલમાં જોડવા અને અલગ કરવાનો લાભ એ છે કે તે કવર પાક સાથે પાકની ફેરબદલી (રોટેશન) અથવા અન્ય ખેતીપાકોને સુધારવાની અને જમીનનું આરોગ્ય તથા ઉત્પાદકતા જાળવવાની કામગીરી કરે છે. તે અસરકારક રીતે હવા અને જમીનમાંના તાપમાનમાં વધારો કરી પાકનું ઠંડા ઉષ્ણતામાન સામે રક્ષણ પુરૂ પાડે છે.
નર્સરી ઉછેરની પદ્ધતિ :
નર્સરીના ક્યારાઓ, જમીનવિહોણા માધ્યમ ધરાવતી પ્રોટ્રે અને પોલીથીન બેગમાં શાકભાજીના પાકોનું ધરૂ ઉછેરી શકાય છે. ગાદીવાળા ક્યારાઓમાં ટામેટી, મરચી, કેપ્સિકમ અને રીંગણીના બીને સીધાં વાવી સફળતાપૂર્વક ધરૂ ઉછેરી શકાય છે. આવા ગાદીવાળા ક્યારા 1 થી 1.5 મીટર પહોળા અને 20 સે.મી. ઊંચા અને તેની લંબાઈ જરૂર મુજબની રાખી બનાવાય છે અને એક લિટર દીઠ 15 થી 20 મિ.લિ. ફોર્માલિનની માવજત આપવામાં આવે છે. આવા ક્યારાઓને 2 થી 3 દિવસ સુધી પ્લાસ્ટિક શીટ વડે ઢાંકવામાં આવે છે. 4 થી 5 દિવસ સુધી દિવસમાં એકવાર ક્યારાની જમીનને ફેરવવામાં આવે છે કે જેથી ક્યારામાંથી ફોર્માલિન દૂર થાય. ફુગથી થતા રોગો આવતા અટકાવવા માટે એક કિલો બિયારણ દીઠ 3 ગ્રામ કેપ્ટાન દવાનો પટ આપવામાં આવે છે. બિયારણને ક્યારામાં 1 થી 2 સે.મી. ઊંડે અને 5 સે.મી.નું અંતર રહે તેમ હારમાં વાવવામાં આવે છે. ફુગથી થતા રોગોને અટકાવવા માટે દર 7 થી 10 દિવસે એક લિટર પાણીમાં 4 ગ્રામ કેપ્ટાન દવા લઈ ધરૂને ભીંજવવામાં આવે છે.
કાકડી, કોળુ, તરબૂચ, દૂધી, તુરીયાં, વગેરે વેલાવાળા શાકભાજીના બીને જમીનવિહોણા માધ્યમયુક્ત પ્રો ટ્રે અથવા પોલીથીન બેગમાં સફળતાપૂર્વક ઉછેરી શકાય છે. કોકોપીટ, વર્મિક્યુલાઈટ અને પરલાઈટનું 3:1:1 ના પ્રમાણમાં જમીનવિહોણું માધ્યમ બનાવી પ્રો ટ્રેમાં ભરીને ધરૂ ઉછેરવામાં આવે છે. પ્લગમાં અડધું માધ્યમ ભરી તેમાં બી વાવી ત્યારબાદ બાકીનો ભાગ માધ્યમથી ભરી દેવો. આવી પ્રો ટ્રેને હારમાં અથવા સપાટ ક્યારામાં અથવા નર્સરીના ક્યારાઓમાં રાખવી જેથી રક્ષણ પૂરૂ પાડી શકાય. વેલાવાળા શાકભાજીના ધરૂ 100 ગેજ જાડાઈવાળી 15 સે.મી. × 10 સે.મી. ના માપની પોલીથીન બેગમાં ઉછેરી શકાય છે. આવી બેગના તળીયે એક કાણું પાડવામાં આવે છે અને તેમાં છાણિયું ખાતર અને માટી સરખે ભાગે લઈ ભરવામાં આવે છે. નવેમ્બર થી ફેબ્રુઆરી માસ દરમ્યાન જે તે પાકની નર્સરી માટેની વિગતો કોઠા – 1માં દર્શાવેલ છે :
કોઠો – 1 : ઓછા ખર્ચાળ પોલીટનલ્સમાં ગુણવત્તાયુક્ત શાકભાજીની નર્સરી ઉછેર માટેનું સમયપત્રક
| ક્રમ | પાક | વાવણી | વાવણીની રીત | રક્ષણ માટેનો સમય | ફેરરોપણીનો સમય |
| 1 | ટામેટી | નવેમ્બર અંત | ગાદીવાળા ક્યારા | ડિસેમ્બર-ફેબ્રુઆરીની શરૂઆત | ફેબ્રુઆરી |
| 2 | મરચી | ઓકટોબર અંતથી નવેમ્બરની મધ્ય સુધી | ગાદીવાળા ક્યારા | નવેમ્બર અંત થી ફેબ્રુઆરીનું પ્રથમ પખવાડીયું | ફેબ્રુઆરીની મધ્યમાં |
| 3 | સ્વીટ પીપર (કેપ્સિકમ) | ઓક્ટોબરના અંતથી નવેમ્બરની મધ્યમાં | ગાદીવાળા ક્યારા | નવેમ્બર અંત થી ફેબ્રુઆરીનું પ્રથમ પખવાડીયું | ફેબ્રુઆરીની મધ્યમાં |
| 4 | રીંગણી | નવેમ્બર | ગાદીવાળા ક્યારા | નવેમ્બર અંત થી ફેબ્રુઆરીનું પ્રથમ પખવાડીયું | ફેબ્રુઆરીની મધ્યમાં |
| 5 | વેલાવાળાં શાકભાજી | જાન્યુઆરી અંતથી ફેબ્રુઆરીની શરૂઆત | પ્રો ટ્રે અથવા પોલીથીન બેગમાં | જાન્યુઆરી થી ફેબ્રુઆરી ની શરૂઆત | ફેબ્રુઆરી અંતથી માર્ચની શરૂઆત |
લો ટનલ્સમાં ગુણવત્તા યુક્ત ધરૂઉછેર માટે સલામતીના ઉપાયો :
લો ટનલ્સમાં ગુણવત્તા યુક્ત શાકભાજીના ધરૂઉછેર માટે નીચે દર્શાવેલ વિગતો ધ્યાનમાં રાખવી જોઈએ :
(1) પોલીથીન શીટની જાડાઈ 50 માઈક્રોન હોવી જોઈએ.
(2) નર્સરીમાં દરરોજ બપોર બાદ ઝારા વડે પિયત આપવું જોઈએ.
(3) સાંજના સમયે હિમ અંગેનું જોખમ ધ્યાને લઈ નર્સરીના ક્યારાઓને પોલીથીન શીટ વડે સંપૂર્ણ પણે ઢાંકી દેવા જોઈએ. ગરમ કે પ્રકાશવાળા દિવસોમાં દિવસ દરમ્યાન ક્યારાઓને ખુલ્લા રાખવા જોઈએ.
(4) જો લાંબા ગાળા સુધી હિમ પડવાની શક્યતા હોય તો ટનલ્સમાં દિવસ દરમ્યાન વેન્ટિલેશન એટલે કે હવાની અવરજવર કરવી.
સારાંશ :
ઉત્તમ ભારતમાં શાકભાજીનું ધરૂ ઉછેરવામાં પડતી મુખ્ય મુશ્કેલીઓમાં નીચું તાપમાન, ઠંડા પવનો તથા નવેમ્બર થી ફેબ્રુઆરી માસ દરમ્યાન પડતું હિમ છે. પ્લાસ્ટિક શીટને આવરિત કરી બનાવેલ લો ટનલ ધ્વારા કેટલેક અંશે આવી મર્યાદાઓ ઉપર અંકુશ મેળવી પાકની સૂક્ષ્મ હવામાનની સ્થિતિમાં સુધારો કરી, બાસ્પીભવન અને પાણીની જરૂરિયાતમાં ઘટાડો કરી શકાય છે. વધુમાં તે જીવાતો સામે ભૌતિક અવરોધનું કાર્ય કરે છે. ટુંકમાં હાઈ ટનલ કરતાં લો ટનલ એ વધુ સસ્તી છે એટલે ખેડૂતો આ ટેકનોલૉજી વિષે વધુ જાણવા માગે છે. આથી ઋતુ સિવાયના સમયે લો ટનલની ટેકનોલૉજી અપાનાવીને શાકભાજી નર્સરી ઉછેરી ખેડૂતો શાકભાજીના ધરૂની વહેલી રોપણી કરીને ઋતુ પહેલાં જે તે શાકભાજીનું ઉત્પાદન મેળવી તેના માર્કેટિંગ ધ્વારા વધુ લાભો મેળવી શકે છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, મે 2023
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

