ફાયટોએસ્ટ્રોજન એ છોડ ધ્વારા ઉત્પાદિત બિનસ્ટેરોયડલ ઓઈસ્ટ્રોજન જેવો રાસાયણિક પદાર્થ છે જે સોયાબીન, ઘઉં, જવ, મકાઈ, રજકો અને ઓટ જેવા કુદરતી આહાર સ્ત્રોતમાં રહેલો હોય છે. તે સ્તનધારી ઓઈસ્ટ્રોજનોને અનુસરે છે તેથી કેન્સર, હૃદયરોગ, રજોનિવૃત્તિના લક્ષણો અને ઓસ્ટીયોપોરોસીસને અટકાવવા માટે મહત્ત્વના છે. ઓઈસ્ટ્રોજન મહિલાઓ અને પુરૂષોમાં પ્રજનન અવયવોના વિકાસ અને કાર્ય પધ્ધતિને પ્રભાવિત કરે છે, તે કંકાલતંત્ર અને ચેતાતંત્રની જાળવણી કરે છે, હૃદયની સુરક્ષા કરે છે અને આંતરડાનું કેન્સર તથા ત્વચા ઉપર વધતી ઉંમરની અસરને અટકાવે છે. ઓઈસ્ટ્રોજન જેવી જૈવિક ક્રિયા ધરાવતા છોડનો ઉપયોગ પરંપરાગત ચિકિત્સા પ્રણાલીઓમાં અને લોક કહેવતોમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે દાડમ પ્રજનન ક્ષમતા સાથે જોડાયેલ છે જ્યારે થાઈ વેલ (Pueraria mirifica) ને પુનઃયૌવન આપનાર તથા કામોદ્દીપક માનવામાં આવે છે. ફાયટોકેમિકલ્સ કે જેને ફાયટોએસ્ટ્રોજન્સ કહે છે તેની હાજરી હોય તેવા ૧૦૦ થી પણ વધુ છોડ શોધી કાઢવામાં આવ્યા છે કે જે ઓસ્ટ્રોજનીય ક્રિયાઓ કરે છે. અંતઃસ્ત્રાવના ઉત્પાદનમાં વિક્ષેપ થતાં તેને સંબંધિત રોગોની સારવાર માટે તેની ભલામણ કરવામાં આવે છે.
ફાયટોએસ્ટ્રોજન એવો પદાર્થ છે કે જે સ્તનધારીઓમાં ઓઈસ્ટ્રોજનીય ક્રિયાઓને પ્રોત્સાહન આપે છે. આવા ફાયટોએસ્ટ્રોજનના પાંચ વર્ગ છે. તે ક્યા આહારમાંથી પ્રાપ્ત થાય તેની માહિતી કોઠા-૧માં દર્શાવેલ છે.
કોઠો–૧ : માનવ આહાર માટે ફાયટોએસ્ટ્રોજન્સના સ્ત્રોતો
| ક્રમ | ફાયટોએસ્ટ્રોજનનો વર્ગ | આહારના સ્ત્રોતો |
| ૧ | આઈસોફલેવોન્સ | સોયાબીન, મગફળી, ફલાવર, સૂર્યમુખીના બીજ, અખરોટ |
| ૨ | ફ્લેવોન્સ | પાર્સલે, સેલેરી, લીંબુની છાલ |
| ૩ | સ્ટીલ બીન્સ | સિમલા મરચા, મરી, દ્રાક્ષ, મગફળી |
| ૪ | લિગ્નન્સ | સોયાબીન, મગફળી, બ્રોકોલી, કાજુ, કિવી, દાડમ, ટ્રિટિકેલ સ્ટ્રો, અળસી |
| ૫ | કૂમૈસ્ટેન્સ | ફણગાવેલ મગ કે સોયાબીન |
ફાયટોએસ્ટ્રોજન્સથી માનવીને થતા સ્વાસ્થ્ય લાભો :
એક સંશોધન મુજબ એશિયાની માનવ વસ્તીમાં સોયાબીનનો આહારામાં ઉપયોગ થતો હોઈ તેમાં રહેલ ફાયટોએસ્ટ્રોજન્સને કારણે રૂધિરાભિસરણ તંત્રને લગતી બિમારી, અસ્થિભંગ અને મહિલાઓમાં સ્તન કેન્સરનું પ્રમાણ ઓછું જોવા મળેલ છે. કેટલાક અભ્યાસોમાં બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, ગર્ભાશયનું કેન્સર અને યકૃતના રોગોમાં ફાયટોએસ્ટ્રોજન્સનો ઉપયોગ અસરકારક જણાયો છે જેની વિગત અત્રે દર્શાવેલ છે.
(૧) બ્રેસ્ટ કેન્સર :
બ્રેસ્ટ કેન્સરના અભ્યાસમાં આહારમાં સોયાબીન અને લિગ્નનની અસર અને ફાયટોએસ્ટ્રોજેનિક કાર્યની સ્તનની પેશીઓ ઉપર અસર અંગેની ફેર તપાસ કરવામાં આવી છે. બ્રેસ્ટ કેન્સરથી પિડાતી મહિલાઓ માટે ઓઈસ્ટ્રોજન રીપ્લેસમેન્ટ થેરાપીને શોધ ચાલુ છે. બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ મેળવવા માટે ફાયટોએસ્ટ્રોજન યુક્ત આહારનો ઉપયોગ એક ઉપાય છે. રજોનિવૃત્તિ પહેલાં જ્યારે ઉચ્ચ ઓઈસ્ટ્રોજન પરિસ્થિતિ હોય ત્યારે ફાયટોએસ્ટ્રોજન બ્રેસ્ટ કેન્સરથી બચાવે છે અને
રજોનિવૃત્તિ બાદ જ્યારે નીચી ઓઈસ્ટ્રોજન પરિસ્થિતિ હોય ત્યારે બ્રેસ્ટ કેન્સરની સ્થિતિને સંતુલિત રાખે છે.
(૨) પ્રોસ્ટેટ કેન્સર :
ઈનિવિટ્રો અભ્યાસમાં ઊંચા પ્રમાણમાં ફાયટોએસ્ટ્રોજન્સનો ઉપયોગ માનવીમાં પ્રોસ્ટેટ કેન્સરના કોષોનો વિકાસ અટકાવે છે. ઉંદરોને સોયાબીન અને રાઈનું થુલુ ખવડાવતાં તેઓમાં પ્રોસ્ટેટની ગાંઠના વિકાસમાં વિલંબ જોવા મળેલ છે. કેન્સર અંગેના કેટલાક અભ્યાસોમાં પ્રોસ્ટેટ કેન્સરને ઓછુ કરવા માટે ફાયટોએસ્ટ્રોજન યુક્ત આહારનો ઉપયોગ લાભદાયક જણાયેલ છે. અન્ય અભ્યાસોમાં પ્રોસ્ટેટ કેન્સરના દર્દીઓમાં વધુ સ્ત્રાવને ઓછો કરવા માટેના એક વિકલ્પ તરીકે સોયાબીન, કાળી ફૂલકોબી (Black cohosh) વિટામિન ઈ અને રેડ ક્લોવર (Red Clover) નો સંભવિત ઉપયોગ કરવાનું જણાવેલ છે.
(૩) હૃદયરોગ :
રજોનિવૃત્તિ બાદ ઓઈસ્ટ્રોજનની ખામીને કારણે હૃદયરોગનું જોખમી વધી જાય છે. લિપિડ પ્રોફાઈલ, વાહિનીક પ્રતિક્રિયા, કોષોનો પ્રસાર અને લોહી ગંઠાઈ જવું વગેરે કારણોસર હૃદયરોગ થાય છે. તેને અટકાવવા માટે ફાયટોએસ્ટ્રોજન્સ લાભકારી માલૂમ પડેલ છે.
(૪) ઓસ્ટીયોપોરોસીસ :
ઓસ્ટીયોપોરોસીસ એ રજોનિવૃત્તિ સાથે જોડાયેલ છે અટલે રજોનિવૃત્તિ બાદ મહિલાઓમાં ઓસ્ટીયોપોરોસીસને થતો અટકાવવા માટે ઓઈસ્ટ્રોજન રીપ્લેસમેન્ટ થેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. સંશોધકોના જણાવ્યા મુજબ આઈસોફલેવોન્સ યુક્ત આહાર હાડકાંને સુરક્ષા પુરી પાડે છે. સોયાબીનમાં કુદરતી રીતે જિનિસ્ટાઈન નામનું ફાયટોએસ્ટ્રોજન રહેલું છે. રજોનિવૃત્ત મહિલાઓ ઉપર તેના અલગ અલગ પ્રયોગોમાં હાડકાંની ખનીજ ઘનતામાં વધારો માલૂમ પડેલ છે. તેના ઉપયોગથી મૂત્ર દ્વારા જતા કેલ્શિયમને અટકાવી શકાય છે, અસ્થિકારકો પર લાભદાયી અસર થાય છે અને હાડકાનાં અવશોષણને રોકનાર કેલ્સીટોનિનના સ્ત્રાવ ઉપર સારી અસર થાય છે.
(૫) રજોનિવૃત્તિના લક્ષણ :
રજોનિવૃત્તિ સાથે જોડાયેલ લક્ષણો માટે કેટલીક મહિલાઓને ડાકટર પાસે તપાસ કરીવવી પડે છે. વધુ પડતા સ્ત્રાવને ઓછો કરવા માટે હોર્મોન રીપ્લેસમેન્ટ થેરાપી સારી માલૂમ પડી છે પરંતુ તેનાથી બ્રેસ્ટ કેન્સર અને ગર્ભાશયના કેન્સરનું જોખમ વધે છે તેવું મનાય છે પણ તે સાબિત થયું નથી. ફાયટોએસ્ટ્રોજન અને રજોનિવૃત્તિના લક્ષણો અંગે કેટલાક સંશોધનોમાં ફાયદાકારક અને વિરોધાભાસી પ્રમાણ જોવા મળેલ છે.
(૬) સમજણ અને યાદશક્તિ :
રજોનિવૃત્તિની આસપાસના સમયમાં મહિલાઓની સમજણ અને યાદશક્તિમાં ઘટાડો થાય છે. આ અંગે ઓઈસ્ટ્રોજન રીપ્લેસમેન્ટ થેરાપી અને ફાયટોએસ્ટ્રોજનના સંબંધમાં સંશોધનો થયા છે પરંતુ તે સીમિત છે. આ સંશોધનો એવું દર્શાવે છે કે ફાયટોએસ્ટ્રોજન પીડિત મહિલાઓની કરોડરજ્જૂની ઘનતામાં વધારો કરે છે તથા વયસ્ક મહિલાઓમાં કરોડરજ્જૂની સારી રીતે વૃદ્ધિ થાય છે.
ફાયટોએસ્ટ્રોજનના હર્બલ સ્ત્રોત :
ફાયટોએસ્ટ્રોજન્સ અનાજ, શાકભાજી અને ફળોમાં જોવા મળે છે પરંતુ કઠોળવર્ગના છોડમાં ફાયટોએસ્ટ્રોજન્સનું પ્રમાણ ઊંચુ રહેલું છે. ફળોમાં જોવા મળતું સહુથી સામાન્ય ફાયટોએસ્ટ્રોજન્સ આઈસોફ્લેવોનોઈડ છે. સોયાબીન, જેઠીમધ, રેડ ક્લોવર અને અળસી એ ફાયટોએસ્ટ્રોજનના સારા સ્ત્રોત છે. સોયાબીન એ જિનિસ્ટાઈનનો સારો સ્ત્રોત છે કે જેમાં રહેલ ગ્લાયકોસાઈડ અને ડાઈડજોઈનમાં એસ્ટ્રોજેનિક ક્રિયાશીલતા રહેલી છે.
અળસીમાં એવા પદાર્થ રહેલા છે કે જે હોર્મોન ઉપર આધારિત કેન્સર અને હૃદયરોગના જોખમને ઘટાડી શકે છે. તેના બીજના તેલમાં રહેલ લિનોલેનિક એસિડ કોલેસ્ટીરોલનું પ્રમાણ ઘટાડે છે અને એન્ટિઓક્સીડેન્ટ તરીકે કાર્ય કરે છે.
રેડ ક્લોવર નામના ફૂલછોડમાં જિનિસ્ટાઈન, ડાઈડજોઈન, ફોરમોનોનેટિન અને બાયોકેનિન એ જેવા એઈસોફલેવોનોઈડ ફાયટોએસ્ટ્રોજન રહેલા છે કે જે કોઈપણ નકારાત્મક અસર કર્યા વિના હોર્મોનના સ્તરને જાળવવામાં મદદ કરે છે. રજોનિવૃત્તિવાળી મહિલાઓ ઉપર કરવામાં આવેલા નિયંત્રિત પ્રયોગોમાં રેડ કલોવરના ઉપયોગથી હાડકાંનું ઘનત્વ સચવાય છે અને રાત્રે થતા વધુ સ્ત્રાવમાં ઘટાડો થાય છે.
હોપ્સ (Humulus lupulus) એ બળતરા અને સોજા માટે એક ટોનિક રૂપે વપરાય છે. હોપ્સના માદા ફૂલોને એસ્ટ્રોજનીય માનવામાં આવે છે. હોપ્સમાં સૌથી પ્રબળ ફાયટોએસ્ટ્રોજન ૮-પ્રેનિલનેરિન્જેનિન રહેલું છે જે બીયરમાં ઓછી માત્રામાં જોવા મળે છે. માસિકધર્મની અનિયમિતતામાં તેનો ઉપયોગ ફાયદાકારક છે.
ડોંગ ક્વી (Dong quai – Angelica sinesis) તેનો ઉપયોગ જીનેસિંગ તરીકે ઓળખાય છે. શરીરના વિવિધ અંગો માટે તરીકે ઓળખાય છે. તેનો રક્ત ટોનિક તથા ડેકોજીસ્ટેન્ટ ઉપયોગ તરીકે કરવામાં આવે છે. મોટા ભાગે તેના મૂળ (જડો) નો ઉપયોગ અન્ય જડીબુટ્ટીઓ સાથે મેળવીને મહિલાઓને કષ્ટાર્તવ, અનિયમિત રજોધર્મ, કબજીયાત, એનેમીયા અને પેટના દર્દો વગેરેની સારવાર માટે કરવામાં આવે છે.
જેઠીમધનો ઉપયોગ હજારો વર્ષોથી ભારત અને ચીનમાં તેની સ્વાદ અને મીઠાશને લઈને સ્વાસ્થ્યને નિરોગી રાખવા અને ઝેરની અસરને મારી નાખવા (બિનઝેરીકરણ) માટે કરવામાં આવે છે. ઔષદ્યિય તરીકે તેનો ઉપયોગ શામક અને કફોત્સારક રૂપે કરવામાં આવે છે. તે એન્ટિઓક્સીડેન્ટ અને રોગાણુવિરોધી ગુણ ધરાવે છે. જેઠીમધનું મુખ્ય ઘટક ગ્લાઈસીરાઈઝીન જે ખાંડથી પણ વધુ ગળ્યુ છે અને ગ્લાઈસીરેટેનિક એસિડ છે. આ ઘટકોને લીધે હાયપરલીપીડીમીયા એલર્જીમાં થતા સોજા અને બળતરા, ચામડીનો સોજો (ત્વચાકોપ) અને એથિરોસ્કેલરોસિસની સારવારમાં તેનો ઉપયોગ થાય છે. મહિલાઓમાં રજોધર્મ પહેલા ઉત્તેજનશીલતા, પેટનું ફૂલવું (આફુલ્લન) અને સ્તનોમાં થતા દુઃખાવાને દૂર કરવા માટે જેઠીમધ ઉપયોગી છે કારણ કે જેઠીમધમાં રહેલ ફાયટોએસ્ટ્રોજનથી એક હળવી આઈસ્ટ્રોજેનિક અસર થાય છે.
સારાંશ :
વનસ્પતિજ ઉત્પાદનો યુક્ત આહારનો ઉપયોગ માનવ શરીરમાં જરૂરી ફાયટોએસ્ટ્રોજન્સની આપૂર્તિ કરે છે. મનુષ્યની વધતી જતી ઉંમર તથા મહિલાઓમાં રજોનિવૃત્તિ બાદ ઓઈસ્ટ્રોજન સંબંધી સ્થિતિઓ જેવી કે ઓસ્ટીયોપોરોસીસ, બોધનશીલતા અને હૃદયરોગ, બ્રેસ્ટ કેન્સરના જોખમો વધવા પામે છે જેથી ગુણવત્તા યુક્ત જીવન જીવવાની ક્ષમતા ઘટતી જાય છે. આ અંગે કરવામાં આવેલ સંશોધનના પરિણામોના આંકડા દર્શાવે છે કે માનવ સ્વાસ્થ્ય ઉપર ફાયટોએસ્ટ્રોજનની લાભદાયી અસર થાય છે.
સંદર્ભ : ડ્રીમ-ર૦૪૭, જુલાઈ-ર૦૧૬
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

