ફાધર ઑફ મેડિસિન તરીકે જાણીતા હીપોક્રેટસના જણાવ્યા મુજબ ખોરાક એ ઔષધનું કાર્ય કરે છે (Let Food be Thy Medicine). ગ્રાહકોમાં થયેલ જાણકારીનો વધારો તથા બાયોટેક, એનાલિટિકલ અને ઔષધિય વિજ્ઞાનની આગેકૂચના કારણે ફળોના પોષણમૂલ્ય અને રોગ નિવારક ગુણોની પરખ થવાને લીધે ફળોના ઉપયોગ તરફ લોકોનું ધ્યાન દોરાયું છે. કરમદાં એ સખત, કાંટાવાળુ ઝાડવું છે જે નાનાં ખાદ્ય ફળો આપે છે. ફળો આયર્ન, ફીનોલ્સ, અસ્કોર્બિક એસિડ અને એન્થોસાયનીનથી સમૃદ્ધ છે અને ઊંચુ પોષણમૂલ્ય ધરાવે છે જેનો આયુર્વેદ, યુનાની અને હોમિયોપેથી પદ્ધતિઓમાં થતો ઉપયોગ જાણીતો છે. આ લેખમાં કરમદાના ઔષધિય મૂલ્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે.
કરમદાંને સંસ્કૃતમાં કરમર્દ, કૃષ્ણપાકફૂલ, ક્ષીર ફેના તથા સુષેણ કહે છે. હિન્દીમાં તેને કરોંદો, કોરાદા, કરોના, ગોથો, કરોંદી , બંગાળમાં કરમચાં, કરચા, કરંજા અને મરાઠીમાં કરવંદ, કરવંદી, હરદુન્ડી કહે છે.
કરમદાનું વૈજ્ઞાનિક નામ Carissa carandas, L છે જે એપોસાયનેસી કુટુંબનું સખત અને કાંટાળુ ઝાડવું છે. તે ભારતમાં ઉપયોગી ઔષધિય છોડ તરીકે પ્રખ્યાત છે. તે ઉષ્ણ કટિબંધ અને ઉપોષ્ણ કટિબંધના વિસ્તારમાં મોટા પાયે જોવા મળે છે. ભારતના હિમાલય વિસ્તાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ગુજરાત રાજ્યમાં જોવા મળે છે. તે વરસાદ આધારિત વિસ્તારમાં ઓછામાં ઓછી માવજત સાથે વધુ ઉત્પાદન આપે છે. તે સૂકા વિસ્તારો, ઉતરતી ગુણવત્તા ધરાવતી કે ઉતરતું ઉત્પાદન આપતી જમીન તેમજ ખરાબાની જમીનમાં સફળતાપૂર્વક ઉછેરી શકાય છે. ફળફળાદીના બગીચાની ફરતે જીવંત વાડ તરીકે તેનો ઉછેર કરી કરમદાંનાં નાનાં ખાદ્ય ફળો મેળવી શકાય છે.
કરમદાંનો ઉપયોગ હજારો વર્ષોથી આયુર્વેદ, યુનાની અને હોમિયોપેથિક પદ્ધતિમાં દવા તરીકે કરવામાં આવે છે. કરમદાંના પાકાં કે કાચાં એમ બંને પ્રકારના ફળો ઊંચું પોષણમૂલ્ય ધરાવે છે. તેના ફળો રાયણ જેવડાં કદનાં, અણીદાર ગોળ આકારનાં, ગુલાબ-સફેદ-જાંબલી મિશ્ર રંગ છાંટવાળાં, સ્વાદમાં ખાટાં અને વચ્ચે ઠળિયાવાળાં હોય છે. તેના ફળો પાકે ત્યારે ગાઢ ગુલાબી કે અથવા કાળા રંગનાં દેખાય છે તથા સ્વાદે મીઠાં હોય છે. તેના કાચા અને પાકાં એમ બંને જાતના ફળોનો ઉપયોગ વિવિધ મૂલ્ય વર્ધક બનાવટો તૈયાર કરવા માટે થાય છે.
કાચાં ફળોનો ઉપયોગ અથાણું, ચટણી અને પાઉડર બનાવવા જ્યારે પાકાં ફળોનો ઉપયોગ જામ, જેલી, સ્કવૉશ, વાઈન અને કેન્ડી બનાવવા માટે થાય છે. ઉત્તર ભારતમાં ઓગષ્ટ થી ઓક્ટોબર દરમ્યાન ફળો પાકે ત્યારે પ્રોસેસિંગ ઉદ્યોગો ધ્વારા સ્થાનિક ઉપયોગ માટે તેમજ નિકાસના હેતુથી મૂલ્ય વર્ધક બનાવટો તૈયાર કરવામાં આવે છે. ફળોમાંથી શરબત પણ બનાવાય છે. આ ફળ વધુ ન ખાવા હિતાવહ છે.
પોષણ મૂલ્ય :
કરમદાં એ આયર્નનો સમૃદ્ધ સ્ત્રોત છે જેના 100 ગ્રામ ફળમાં 39.1 મિ.ગ્રા. આયર્ન ધરાવે છે અને તે 100 ગ્રામ ફળમાં 1.6 થી 17.9 મિ.ગ્રા. વિટામિન સી ધરાવે છે. આ ઉપરાંત કરમદાં વિટામિન એ, બી કોમ્પલેક્સ, રેસા, કાર્બોહાઈડ્રેટસ અને કેલ્શિયમ, ફોસ્ફરસ, પૉટેશિયમ, સોડિયમ તથા સલ્ફર જેવા મિનરલ્સનો ઉત્તમ સ્ત્રોત છે. કરમદાંના ફળો ફીનોલ્સ, એન્થોસાયનીન્સ, એસ્કોર્બિક એસિડ, ફ્લેવૉનોઈડસ, સ્ટીરોઈડસ, કાર્બોહાઈડ્રેટસ, આલ્કલૉઈડસ અને વોલેટાઈલ ઓઈલ વગેરે એન્ટિઓક્સીડેન્ટ પદાર્થો ધરાવે છે જેના કારણે વિવિધ રોગોને અટકાવી આરોગ્યને ફાયદો કરે છે.
કરમદાના ગુણધર્મો :
કરમદાં કાચાં હોય ત્યારે રસ અને વિપાકમાં ખાટાં તથા ઉષ્ણવીર્ય (ગરમ) હોય છે. તે વાયુ દોષને શાંત કરે છે પણ પિત્ત અને કફદોષ વધારે છે. કરમદાં ભૂખ-રૂચિ વધારે છે. પચવામાં ભારે છે. તે વધુ ખાવાથી દાહ, આફરો અને રક્તપિત્ત કરે છે. લોહીને બગાડે છે પણ મળની શદ્ધિ કરે છે. તેનું અથાણું પાચનકર્તા ભૂખવર્ધક અને ઉધરસનાશક છે. કાચું કાપતાં દૂધ જેવું નીકળે છે જે ત્વચા પર લાગી જાય તો ત્વચા પર તતડાટ જેવું થાય છે, કદીક છાલાં પણ પડે છે.
કરમદાંનું પાકું ફળ સ્વાદમાં મધુર-ખાટું, વિપાકમાં મધુર અને ગુણમાં શીતવીર્ય (ઠંડુ) છે. આ ફળ પચવામાં હળવું, વાયુ-પિત્ત અને રક્તપ્રકોપશામક, તૃષા શાંત કરનાર, પાચનકર્તા, રૂચિવર્ધક, ગ્રાહી (ઝાડાને બાંધનાર), ત્વચા દોષનાશક તથા પિત્તના ઝાડા મટાડનાર છે.
વિવિધ રોગોમાં ઉપયોગ :
(1) તેના ફળોનો ઉપયોગ એનીમીયા અને પિત્તપ્રકોપની સારવાર માટે થાય છે.
(2) તાજેતરમાં થયેલ અભ્યાસ મુજબ તેના ફળોનો રસ ફેફસાં અને ઓવરીમાં થતા કેન્સર સામે રક્ષણ આપે છે.
(3) કરમદાંના ફળોનો પરંપરાગત રીતે ઉપયોગ મેલેરીયા, રક્તપિત્ત, જ્ઞાનતંત્રના રોગો, લોહીની શુદ્ધિ, ખંજવાળ, માથાનો દુઃખાવો વગેરે માટે કરવામાં આવે છે.
(4) તેનો ઉપયોગ લોહીમાંની શર્કરાને નિયંત્રિત કરવા અને યકૃતને થયેલ નુકસાન સામે રક્ષણ આપવા માટે પણ થાય છે.
(5) તેનાં પાકાં ફળોનો રસ એપિટાઈઝર એટલે કે ભૂખ વધારનાર છે અને શક્તિશાળી કફનાશક તરીકે કાર્ય કરે છે.
(6) કરમદાંના ફળો કૃમિનાશક ગુણો ધરાવતા હોઈ આંતરડાંમાં રહેલ પરોપજીવી કૃમિનો નાશ કરવામાં મદદરૂપ થાય છે.
(7) તેના પાનનો રસ રક્તપિત્તના રોગમાં ચામડી ઉપર ચોપડવા માટે થાય છે. તે સૂક્ષ્મજીવપ્રતિરોધક અને ફુગપ્રતિરોધક ગુણો ધરાવતો હોઈ ચામડી પર પડેલ ઘાને સાફ કરવા માટે વપરાય છે.
(8) તેનાં સૂકાં પાંદડાંને પાણીમાં નાખી ઉકાળીને મળતું દ્રાવણ તાવ, ઝાડા અને કાનના દુઃખાવાની સારવારમાં ઉપયોગી છે.
(9) તેના મૂળનો રસ કમરનો દુઃખાવો, છાતીના ફરિયાદો અને સંભોગ – સક્રામક રોગોની સારવારમાં વપરાય છે.
(10) તેના થડની છાલ ચામડીના રોગો અને નસ (કંડરા)ને મજબૂત બનાવવા માટેની સારવાર માટે ઉપયોગી છે.
(11) તેનો આખો છોડ કેન્સરગ્રસ્ત ઘા એટલે કે કર્કરોગના ઘા માટે વપરાય છે.
(3) ઔષધ પ્રયોગો :
(1) ઉદરશૂળ : કરમદાંને સૂકવી તેનું ચૂર્ણ બનાવી, સાકર તથા એલચી ઉમેરીને લેવાથી પેટનું શૂળ મટે છે. કરમદાંનું શરબત પણ આ માટે લઈ શકાય છે.
(2) પિત્તની ગરમી : કરમદાના રસમાં દેશી ખાંડ તથા એલચી ચૂર્ણ મેળવી અથવા તેનું શરબત બનાવી રોજ લેવાથી પિત્તદોષની ગરમી મટે છે. ખોટી દાહ-બળતરા શમે છે.
સ્ત્રોત : (1) ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, એપ્રિલ – 2023, (2) શાકભાજી, ફળો અને સૂકો મેવો લે. વૈદ્ય બળદેવ પ્રસાદ પનારા, (3) આર્યભિષક – લે. શંકર દાજી પદે
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

