કરમદા એ બારમાસી લીલુ રહેતુ કાંટાવાળું ઝાડવું છે જેનું વૈજ્ઞાનિક Carissa carandas નામ છે. તે ઉષ્ણ અને ઉપોષ્ણ કટીબંધવાળી આબોહવા અને સૂકી પરિસ્થિતિવાળા વિસ્તારોમાં વાડ તરીકે પ્રખ્યાત છે. તે દુષ્કાળ સામે ટક્કર જીલે છે અને ઓછી માવજત અને સંભાળ વિના સારી રીતે થઈ શકે છે. તેનો વાડ બનાવવા માટે ઉપયોગ થાય છે તે ઉપરાંત તેના ફળો સારૂ પોષણમૂલ્ય ધરાવતાં હોઈ ચટણી, અથાણું અને કેન્ડી બનાવવાના ઉપયોગમાં લેવાય છે.
મરૂ ગૌરવ જાત :
આ સુધારેલી વધુ ઉત્પાદન આપતી ‘મરૂ ગૌરવ’ જાત સેન્ટ્રલ એરિડ ઝોન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, જોધપુર ખાતે સને ૨૦૦૬ થી ૨૦૧૭ દરમ્યાન લાંબા ગાળાના સંશોધન બાદ પસંદગી ધ્વારા વિકસાવવામાં આવી છે. તેના છોડ જૂસ્સાદાર, ફેલાવાવાળા અને ગીચ છત્ર ધરાવે છે. છોડની સરેરાશ ઊંચાઈ ૩.૧૯ મીટર, પૂર્વ-પશ્ચિમનો ફેલાવો ૩.૭ મીટર અને ઉત્તર-દક્ષિણનો ફેલાવો ૩.૩૧ મીટર જેટલો થાય છે. તેના પાંદડા ૨.૪ સે.મી. પહોળા અને ૪.૧૮ સે.મી. લાબા હોય છે. બીમાંથી ઉછરેલા છોડ રોપણી બાદ ચોથા વર્ષથી જ્યારે ગુટી કલમ કે કલિકા રોપણથી ઉછેરેલા છોડ બીજા વર્ષથી ફૂલો અને ફળો આપવાનું શરૂ કરે છે. તેને માર્ચ-એપ્રિલમાં સારા ફૂલો આવે છે અને એપ્રિલ માસ દરમ્યાન ફળો બેસે છે. ફળો આગષ્ટ-સપ્ટેમ્બર માસ દરમ્યાન પકવ થાય છે. આઠ વર્ષ અને ત્યારબાદ સરેરાશ ૪૦ કિ.ગ્રા. કે તેથી વધુ ફળો છોડદીઠ મળે છે. એક ફળનું સરેરાશ વજન ૩.૭૪ ગ્રામ, ફળની લંબાઈ ૨.૧૮ સે.મી. અને ઘેરાવો ૧.૬૩ સે.મી. કે તેથી વધુ ફળમાં ૬ જેટલા બીજ, માવો ૮૮.૫ ટકા, ટીએસએસ-૯.૪૦ બ્રિક્સ, અમ્લતા-૨.૮ ટકા, વિટામિન ‘સી’ ૩૫.૮૮ મિ.ગ્રા/૧૦૦ ગ્રામ, સૂકો પદાર્થ-૧૨.૮૫ ટકા, કુલ શર્કરા ૫.૬૩ ટકા અને રીડ્યુસિંગ શર્કરા ૩.૫૬ ટકા ધરાવે છે.
ખેતી પધ્ધતિ :
વર્ધન :
(૧) બી વડે :
બી ધ્વારા કરમદાનો ઉછેર કરવો એ સામાન્ય રીતે વધુ ઉપયોગમાં લેવાતી અને સરળ રીત છે. આ માટે આગષ્ટ-સપ્ટેમ્બર માસમાં મળતા પુરેપુરા પકવ ફળોમાંથી બી મેળવવામાં આવે છે. પકવ ફળો કાળા પડી નીચે ખરી પડે છે જેને બી માટે એકત્ર કરવામાં આવે છે. તે લાંબા સમય સુધી સંગ્રહી શકાતા ન હોઈ તેનાં તાજા બીની તરત જ વાવણી કરવામાં આવે છે. તેના બી ને પાણીથી ધોઈ તેના ઉપરનો માવો દૂર કરી છાંયડે સૂકવવામાં આવે છે. વાવણી પહેલાં એક કિ.ગ્રા. બી દીઠ ૪ ગ્રામ બાવિસ્ટીનનો પટ આપવામાં આવે છે. પોલીથીન બેગમાં ઑગષ્ટ-સપ્ટેમ્બર માસ દરમ્યાન બીની વાવણી કરવામાં આવે છે. બી કદમાં નાના હોઈ ૧ સે.મી.થી વધુ ઊંડા વાવવાં નહી. બી ની વાવણી બાદ તૂરત જ પાણી આપવું. વધારે પડતું પાણી આપવાથી દૂર રહેવું જેથી કોલર રોટ કે અન્ય ફુગથી થતા રોગો થાય નહી. વાવણીના ૨૦ થી ૪૦ દિવસમાં બીનું સ્ફુરણ થઈને છોડ ઉગે છે. એક વર્ષ બાદ છોડ એટલે કે રોપા વાવણી માટે તૈયાર થાય છે.
(૨) વાનસ્પતિક રીતે :
જાતની શુધ્ધતા, જરૂરી ઉત્પાદન અને સારા લક્ષણો ધરાવતા છોડ મેળવવા માટે કરમદાનું વર્ધન કટકા કલમ, ગુટી કલમ કે કલિકારોપણ જેવી વાનસ્પતિક રીતો વડે કરવું જોઈએ.
(ક) કટકા કલમ :
કટકા કલમ વડે તેનું વર્ધન શક્ય છે પરંતુ તે મુશ્કેલ છે. જો કે તેની કટકા કલમોને પોલીહાઉસમાં રાખતાં ભેજવાળું વાતાવરણ મૂળ ફુટવામાં મદદ કરે છે. કોમળ અને અર્ધકોમળ કટકા કલમોની સફળતા ભેજવાળા કાષ્ટમય વાતાવરણમાં મળે છે. કટકાને ૫૦૦ પીપીએમ ઈન્ડોલ બ્યુટરિક એસિડ (આઈબીએ) ની માવજત આપવાથી મૂળ ફુટવામાં મદદરૂપ નીવડે છે તેવું નોંધાયેલ છે. આવા ૨૫ થી ૩૦ સે.મી. લાંબા કટકા એક વર્ષ જૂની ડાળીમાંથી લેવા જોઈએ.
(ખ) ગુટી કલમ :
કરમદામાં વૃદ્ધિ નિયંત્રકોનો ઉપયોગ કરી સફળતાપૂર્વક ગુટી કલમ તૈયાર કરી શકાય છે. તે ચોમાસાની શરૂઆતમાં કરવામાં આવે છે. શાખાની ડાળી ઉપરની ૫ સે.મી.ની ગોળાકારે છાલ દૂર કરવામાં આવે છે ત્યારબાદ તે ભાગ ઉપર લેનોલાઈને પેસ્ટ રૂપે ૫૦૦૦ પીપીએમ આઈબીએની માવજત આપવામાં આવે છે. ત્યારબાદ તે ભાગ ઉપર સ્ફેગનમ મોસ ધાસ પાથરી તે ભાગને પ્લાસ્ટિક શીટથી ઢાંકી દેવો. આ ભાગને ભીનો રાખવા ઈન્જેકશન વડે નિયમિત પાણી આપતા રહેવું. જુલાઈ-આગષ્ટ માસ એ ગુટી કલમ કરવા માટેનો ઉત્તમ સમય છે. ત્રણ માસ પછી માતૃછોડથી ગુટીઓ જુદી કરવી અને રોપણી માટે ઉપયોગમાં લેવી.
(ગ) કલિકારોપણ :
થીંગડાકાર કલિકારોપણ પધ્ધતિ વડે કરમદામાં સફળતાપૂર્વક કલમ કરી શકાય છે. કલિકારોપણથી વર્ધન કરવા માટે ચોમાસાની ઋતુ ઉત્તમ છે આ માટે જુલાઈ-આગષ્ટ દરમ્યાન એક વર્ષ જૂના બી ધ્વારા ઉછેરેલ છોડનો કલિકારોપણ માટે ઉપયોગ કરવામાં આવે છે.
રોપણી :
કરમદાની મરૂ ગૌરવ કે અન્ય જાતની રોપણી ખેતરની આજુબાજુ જીવંત વાડ તરીકે કરી શકાય છે. તેનું ખેતરમાં તેમજ ખેતરની હદ ઉપર હારમાં જીવંત વાડ તરીકે વાવેતર કરી શકાય છે. ખેતરમાં વાવેતર કરવા માટે ખેતરમાંથી નકામાં ઝાડવા કે નીંદણો દૂર કરી, ઊંડી ખેડ કરી, જમીન સમતલ કરવી. ત્યારબાદ ચોરસ કે લંબચોરસ રોપણી પધ્ધતિ વડે ૪ થી ૫ મીટરના અંતરે રોપણી કરવી. વાડ તરીકે ૦.૯૦ સે.મી. થી ૨ મીટર અને ખેતરમાં પાક તરીકે ૪ થી ૫ મીટર અંતર રાખવું. મરૂ ગૌરવ જાત ફેલાતી હોઈ તેની રોપણી ૫ મીટર X ૫ મીટરની અંતરે સમચોરસ પધ્ધતિ વડે કરવી. રોપણીના એક માસ અગાઉ ૬૦ સે.મી. X ૬૦ સે.મી. X ૬૦ સે.મી. ના માપના ખાડા તૈયાર કરવા અને તમાં ૬:૧ પ્રમાણે માટી અને સારા કહોવાયેલ છાણીયા ખાતરનું મિશ્રણ ભરવું. ખાડામાં રોપણી બાદ તરત જ પાણી આપવું અને જ્યાં સુધી છોડ બરાબર ચોંટી ન જાય ત્યાં સુધી દર ૩ થી ૪ દિવસે પાણી આપતા રહેવું. જુલાઈ માસ રોપણી માટે ઉત્તમ છે પરંતુ પિયતની સગવડ હોય તો ફેબ્રુઆરી-માર્ચ માસમાં પણ તેવી રોપણી કરી શકાય છે. છોડની રોપણી સમયે તેને લાકડીનો ટેકો આપવો જરૂરી છે.
ખાતરો :
એક વર્ષ જૂના છોડને ૨ કિ.ગ્રા. છાણિયું ખાતર અને ૨૦:૧૦:૧૦ ગ્રામ ના ફો.પો. પ્રતિ છોડ દીઠ આપવું. ૧૦ વર્ષ સુધી આ પ્રમાણમાં દર વર્ષે એકસરખો વધારો કરવો. આમ પુરા વિકસિત ઝાડવાને ૨૦ કિ.ગ્રા. છાણિયું ખાતર અને ૨૦૦ : ૧૦૦ : ૧૦૦ ગ્રામ ના.ફો.પો. ની જરૂર રહેશે. પુરેપરુ છાણિયું ખાતર અને ફોસ્ફરસ તથા પોટાશનો જથ્થો તથા અડધો નાઈટ્રોજન જુલાઈ માસમાં જ્યારે બાકીનો અડધા નાઈટ્રોજનનો જથ્થો ઑગષ્ટના અંતમાં ફળોના વિકાસ માટે આપવો જોઈએ. છાણિયું ખાતર અને રાસાયણિક ખાતરોને બરાબર મિશ્ર કરી ઝાડની આજુબાજુના વિસ્તારમાં આપવા જોઈએ.
કેળવણી અને છાંટણી :
ઝાડવાંની ડાળીઓને ઈચ્છિત કદ અને આકાર આપવા માટે કેળવણી અને છાંટણી કરવી જોઈએ. શરૂઆતમાં છોડની સરખા અંતરે ૩ થી ૪ ડાળીઓ રાખી તેનો વિકાસ થવા દેવો. ફૂલો આપતા છોડને છાંટણીની જરૂરિયાત નથી તેમ છતાં છોડના નીચેના ભાગેથી ફુટતી ડાળીઓની માર્ચ-એપ્રિલ માસમાં છાંટણી કરવી. સમય જતાં ઝાડવાંના વિકાસને લીધે ખેતરની ગીચ વાડ તૈયાર થાય છે પરંતુ ખેતરમાં ફળોનું ઉત્પાદન લેવા માટે તેને સારો સૂર્યપ્રકાશ અને હવા મળે તેમજ ફળની ગુણવત્તા સુધારવા માટે કેટલીક ડાળીઓની છાંટણી કરવી હિતાવહ છે. તૂટેલી, સૂકોલી કે રોગિષ્ટ ડાળીઓ છાંટણી કરી દૂર કરવી. જૂની વાડને ઉપરના ભાગેથી છાંટણી કરતાં નવો વિકાસ થાય છે.
પિયત વ્યવસ્થા :
કરમદાનો છોડ એકવાર ઉછેરી જાય પછી તેને પાણીની જરૂર પડતી નથી. ખેતરના નવા વાવેતરમાં ઉનાળામાં દર અઠવાડીયે અને શિયાળામાં દર પખવાડીયે પાકના સારા વિકાસ માટે પાણી આપતા રહેવું જોઈએ. સૂકા વિસ્તારોમાં માર્ચથી જૂન દરમ્યાન ખેતરમાં ઉગાડેલા પાકને જીવાડવા માટે દર પખવાડીયે પિયત આપવું જોઈએ કે જેથી સારા ફૂલો બેસે અને ફળોનું સારૂ ઉત્પાદન મળી શકે.
આંતરખેડ અને નીંદામણ :
ચોમાસા દરમ્યાન બે હાર વચ્ચે આંતરખેડ કરી નીંદામણ દૂર કરતા રહેવું. છોડના ખામણા એટલે કે આજુબાજુનો વિસ્તાર પણ નીંદણ મુક્ત રાખવો.
રોગ અને જીવાત :
ગરમ અને સૂકા વિસ્તારોની આબોહવામાં થતો પાક હોઈ ખાસ કોઈ રોગ અને જીવાતનો ઉપદ્રવ જોવા મળતો નથી. તેમ છતાં કેટલાક વિસ્તારોમાં નવા વાવેતરમાં પાન ખાનારી ઈયળ અને કાતરાનો ઉપદ્રવ થાય તો તે પાન ખાઈ જાય છે. આવી ઈયળોના નિયંત્રણ માટે નુવાક્રોન (૦.૦૫ ટકા) અથવા મીથાઈલ પેરાથિયોન (૦.૦૪ ટકા) નો છંટકાવ કરવો.
રોગોમાં એન્થ્રેકનોઝ રોગથી પાનને નુકસાન થાય છે. ફુગના ઉપદ્રવથી પાન ઉપર કથ્થાઈ ટપકાં પડતાં કુમળા પાન અને પાતળી ડૂંખો મરી જાય છે. તેના નિયંત્રણ માટે બ્લાઈટોક્ષ-૫૦ અથવા ફાયટોલાન (૦.૨ ટકા) નો છંટકાવ કરવો. ડાળીઓ ઉપર કાપા કે ઘા પડેલ હોય તો તેના ઉપર બોર્ડો પેસ્ટ ચોપડવી. જમીનમાં રહેલી ફુગથી ડાયબેક નામનો રોગ થાય છે જેમાં મૂળ કહોવાઈ જઈ છોડ મરી જાય છે. તેના નિયંત્રણ માટે ઉનાળામાં ઊંડી ખેડ કરવી અને બેનોમીલ અથવા કાર્બેન્ડાઝીમ (૦.૨૫ ટકા) ના દ્રાવણનું ડ્રેન્ચિંગ કરવું.
કાપણી :
પકવ ફળો એક બાજુ મરૂન રંગના અને બીજી બાજુ પ્રકાશમાં જોતાં આછાં લીલા રંગના હોય છે. આગષ્ટની મધ્ય ભાગ સુધીમાં ફળો પકવ થતા હોય છે જ્યારે પુરેપુરા પાકેલા ફળો સપ્ટેમ્બરના અંત સુધીમાં મળે છે. પકવ થયેલ ફળો ચટણી, અથાણાં અને કેન્ડી બનાવવા માટે ઉતારવામાં આવે છે. વધુ પડતા પાકા ફળો બી મેળવવા તથા પીણાં માટેનો રસ મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મિંગ, માર્ચ-એપ્રિલ-૨૦૧૯
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in