કાંગને અંગ્રેજીમાં Foxtail millet કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ Setaria italica છે. તે અંગ્રેજીમાં ઇટાલિયન મિલેટ, (Italian millet) હિન્દીમાં કંગની, તેલુગુમાં કોરાલુ, તમિલમાં કકુમ કે થિનાઇ, બંગાળીમાં કૌન દાના અને કન્નડમાં નવનક્કી એમ વિવિધ નામે ઓળખાય છે. તેના બી ઘણાં નાનાં, ૨ મિ.મી. નો વ્યાસ ધરાવતાં અને તેના ઉપર પાતળુ પડ હોય છે જેને પ્રોેસેસિંગ કરી સહેલાઇથી દૂર કરી શકાય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ઘાત્રી અને સગર્ભા માતાઓને પ્રવાહી ખોરાક બનાવી આપવા માટે થાય છે. તેનું મુળ વતન ચીન છે અને સમગ્ર વિશ્વમાં તેનું વાવેતર થાય છે. તે ઉદ્યોગોમાં બીજા નંબર ધરાવતુ મિલેટ છે કે જેનો અંદાજે ૬૦ લાખ ટન ખોરાક બનાવવામાં ઉપયોગ થાય છે. તે દક્ષિણ યુરોપ, ગરમ અને ઉપોષ્ણ તથા ઉષ્ણ કટીબંધવાળા એશિયાના દેશોમાં ઉગાડાય છે. તેનું વાવેતર બાજરી, કપાસ, મગફળી, રાગી, દિવેલા અને તુવેરની સાથે થાય છે.
પોષણ અને આરોગ્યલક્ષીની ફાયદાઓ :
(૧) કાંગ ૧૨.૩ ટકા ક્રુુડ પ્રોટીન, ૪.૩ ટકા ફેટ, ૬૦.૦૯ ટકા કાર્બોહાઈડ્રેટ અને ૮ ટકા ક્રુડ ફાયબર ધરાવે છે. તેમાં ચોખા કરતાં બમણું પ્રોટીન હોય છે.
(૨) તે ૧૦૦ ગ્રામ પ્રમાણમાં ૩૧ મિ.ગ્રા. કેલ્શિયમ, ૨૯૦ મિ.ગ્રા. ફોરફરસ, ૨.૮ મિ.ગ્રા. આયર્ન અને ૨.૪ મિ.ગ્રા. ઝિન્ક ધરાવે છે.
(૩) તે વિટામિન બી-૧૨ થી સમૃદ્ધ છે કે જે હૃદયની તંદુરસ્તી જાળવવા, જ્ઞાનતંત્રની સરળ કામગીરી અને ચામડી તથા વાળના વિકાસ માટે જરૂરી છે.
(૪) કાંગનો આહારમાં ઉપયોગ કરવાથી લોહીમાંના ગ્લુકોઝનું પ્રમાણ અને કોલેસ્ટીરોલનું સ્તર ઘટે છે.
(૫) કાંગ ૮ ટકાથી વધુ ફાયબર ધરાવે છે જેથી કબજીયાત અને અપચો વગેરે તકલીફો દૂર કરવામાં ઉપયોગી છે.
(૬) કાંગ ટ્રીપ્ટોફેન નામનો એમિનો એસિડ ધરાવે છે જે ધીમે ધીમે ખોરાકને પચાવે છે અને વધારાની કેલેરી લેવાની જરૂર વ્યક્તિને પડતી નથી એટલે વજનને જાળવવા કે ઘટાડવા માટે મદદરૂપ થાય છે.
વાનગીઓ :
કાંગમાંથી ઉપમા અને ઢોસાની વાનગી બનાવી શકાય છે જેની માહિતી અત્રે દર્શાવેલ છેઃ
(ક) કાંગનીઉપમા :

ક્રમ | પદાર્થ | પ્રમાણ |
૧ | કાંગ | ૧ કપ |
૨ | લીલા વટાણા | પોણો કપ |
૩ | ગાજરનું છીણ | અડધો કપ |
૪ | તેલ | એક ચમચી |
૫ | ચણાની દાળ | એક ચમચી |
૬ | રાઇના દાણા | જરૂર મુજબ |
૭ | આખા લાલ મરચાં | ૩ થી ૪ નંગ |
૮ | હળદર (પાઉડર) | પા ચમચી |
૯ | કાપેલાં લીલાં મરચાં | એક ચમચી |
૧૦ | આદુનું છીણ | એક ચમચી |
૧૧ | મીઠા લીમડાના પાન | જરૂર મુજબ |
૧૨ | મીઠુ | સ્વાદ મુજબ |
૧૩ | પાણી | એક કપ |
રીત :
(૧) કાંગને ચાલુ પાણીથી ધોઇ નિતારીને ત્યારબાદ બાઉલમાં ૧૫ થી ૨૦ મિનિટ પાણીમાં ભીંજવો.
(૨) એક કડાઇ લઇ તેમાં તેલ મૂકી તે ગરમ થયે તેમાં ચણાની દાળ, રાઇ અને આખા લાલ મરચાં ઉમેરો. રાઇને તતડવા દો.
(૩) ત્યાર બાદ તેમાં ગાજરનું છીણ અને લીલા વટાણા ઉમેરી તેને ધીમા તાપે થોડી સેકન્ડ થવા દો.
(૪) પછી તેમાં આદુનું છીણ, લીલાં મરચાં અને મીઠા લીમડાના પાન ઉમેરી થોડી સેકન્ડ થવા દો.
(૫) હવે તેમાં હળદર, મીઠું, પલાળેલ કાંગ ઉમેરી બરાબર મિશ્ર કરો અને પાણી ઉડી જાય ત્યાં સુધી થોડી મિનિટ રહેવા દો.
(૬) ત્યારબાદ તેને પ્રેસર કૂકરમાં લઇ પાણી ઉમેરી બરાબર મિશ્ર કરી ચાર સીટી વાગવા દો.
(૭) કૂકર સ્હેજ ઠડું થયા બાદ તેનું ઢાંકણ ખોલી તૈયાર થયેલ ઉપમાને તાવેતાથી હલાવો.
(૮) ત્યારબાદ તેમાં લીલા ધાણાના પાન ઉમેરી ગરમ ગરમ પીરસો.
(ખ) કાંગના ઢોસા :

ક્રમ | પદાર્થ | પ્રમાણ |
૧ | કાંગ | ૨૦૦ ગ્રામ |
૨ | અડદની દાળ | ૮૦ ગ્રામ |
૩ | મેથીના દાણા | દોઢ ચમચી |
૪ | મીઠુ | સ્વાદ મુજબ |
૫ | તેલ | જરૂરિયાત મુજબ |
રીત :
(૧) ચાલુ પાણીમાં કાંગ અને અડદની દાળને બરાબર ધોવો.
(૨) ત્યારબાદ એક બાઉલમાં કાંગ અને બીજા બાઉલમાં અડદની દાળ તથા મેથીના દાણા લઇ એક રાત્રિ સુધી પાણીમાં પલાળી રાખો.
(૩) બીજા દિવસે બંને બાઉલમાં પલાળેલ પદાર્થોને જરૂરી પાણી ઉમેરી બ્લેન્ડર વડે સ્મુથ ખીરુ તૈયાર કરો.
(૪) આ ખીરાને એક બાઉલમાં લઇ આથો લાવવા છ કલાક માટે મૂકી રાખો.
(૫) આથો આવ્યા બાદ તેને હલાવીને બરાબર મિશ્ર કરો.
(૬) ધીમા તાપે તવાને ગરમ કરી તેના ઉપર થોડું તેલ લગાવી મધ્યમાં ખીરાને લઇ ગોળાકારે તાવેતાથી પ્રસારવું અને રાંધવા માટે ૧૦ થી ૧૫ સેકન્ડ રાખવું.
(૭) ત્યારબાદ ઢોસાની ધાર ઉપર થોડું તેલ લગાવી હળવેથી તવામાંથી ઉપાડી ફેરવવું.
(૮) બંને બાજુ બરાબર સોનેરી કથ્થાઇ રંગ થાય ત્યાં સુધી તેને થવા દેવો.
(૯) ઢોસાને સંભાર તથા નાળિયેરની ચટણી સાથે પીરસો.
સ્ત્રોત : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જૂન ૨૦૨૩
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in