કુંવારપાઠાની ખેતી પદ્ધતિ અને ઉપયોગો (Aloevera farming and its uses)

        કુંવારપાઠાની ખેતી સામાન્ય રીતે ઔષધિય અને સૌંદયપ્રસાધન હેતુથી કરવામાં  આવે છે.તેની એલોય બાર્બેડેનિસ (Aloe barbadenis) એ.ફેરોક્ષ (A.ferox), એ.પેરી(A.perryi) અને સંકર જાત એ ફેરોક્ષ એકસ સ્પિકાટા (A.ferox ex spicata) જાતોનું વાવેતર કરવામાં આવે છે.ભારતમાં ઘણા ઓછા પ્રમાણમાં તેનું વાવેતર રાજસ્થાનના અલવર, આંધ્રપ્રદેશના સતનાપલ્લી અને ગુજરાતના રાજપીપળા વિસ્તારમાં થાય છે.તે મોટા ભાગે નરવંધ્ય ગુણ ધરાવતું હોઇ તેનું વર્ધન વાનસ્પતિક રીતે કરવામાં આવે છે.તે વિવિધ પ્રકારના હવામાનમાં અને હલકી જમીનમાં પણ થાય છે.તે હિમનો સામનો કરી શકતું નથી.એલોય બાર્બેડેનિસ જાત સોડિયમ અને પોટેશીયમ ક્ષાર સહિત ઊંચો પીએચ ધરાવતી જમીનમાં પણ થાય છે. તેનું વાવેતર સારી રીતે તૈયાર કરેલ જમીનમાં ૬૦ સે.મી. X ૩૦ સે.મી ના અંતરે પીલા ધ્વારા કરવામાં આવે છે.તે ૫ થી ૩૦ સે.મી વાર્ષિક વરસાદ ધરાવતા સૂકા વિસ્તારમાં પણ સારી રીતે થાય છે.દર વર્ષે તેના પાનની કાપણી કરવામાં આવે છે.એક એકર વિસ્તારમાંથી વર્ષે ૧૫,૦૦૦ થી ૩૫,૦૦૦ કિ.ગ્રા તાજાં પાન મળે છે.છ વર્ષે બાદ પાનના ઉત્પાદનમાં ઘટાડો થાય છે.તેને ઓલ્ટરનેરીયા ઓલ્ટરનાટા અને ફયુઝેરીયમ સોલાની ધ્વારા થતાં પાનનાં ટપકાંથી નુકસાન થાય છે.

હવામાન અને વિસ્તાર :

        તેને ભારતના ગરમ હવામાન સિવાય સતત સૂકી પરિસ્થિતિ સહિત દરેક પ્રકારના વિસ્તારમાં ઉછેરી શકાય છે.તેનું વાવેતર ખાસ કરીને રાજસ્થાન,ગુજરાત,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોના સૂકા અને અર્ધ સૂકા વિસ્તારોમાં કરી શકાય છે.

 જમીન :

        ઓછી ફળદ્રુપ જમીનમાં પણ તેનું વાવેતર સફળતાપૂર્વક કરી શકાય છે તેના છોડ સોડિયમ અને પોટેશીયમના ઊંચા ક્ષાર ધરાવતી ઊંચા પીએચ વાળી જમીનમાં પણ થઇ શકે છે.મધ્ય ભારતની કપાસની કાળી જમીન જેવી મધ્ય ફળદ્રુપતા ધરાવતી ભારે જમીનોમાં પણ તેની ઝડપી વૃદ્ધિ થાય છે.તેના વેપારી ધોરણે વાવેતર માટે સારા નિતારવાવી લોમથી રેતાળ લોમ પ્રકારની મધ્યમ ફળદ્રુપતા અને ૮.૫ સુધીના પી એચ વાળી જમીન પસંદ કરવામાં આવે છે.

જમીનની તૈયારી :

        કુંવારપાઠાના મૂળીયાં જમીનમાં ૨૦ થી ૩૦ સે.મીની ઊંડાઇ સુધી જતાં હોઇ તે પ્રમાણેની ઊંડાઇ સુધી જમીનને ખેડી તૈયાર કરવી. ખેત હવામાન પરિસ્થિતિ અને જમીનના પ્રકાર મુજબ એક થી બે હળની ખેડ કરી સમાર મારી જમીન સમતલ કરવાની ભલામણ છે.ખેતરના ઢાળ અને પિપતના સ્ત્રોત મુજબ ખેતરમાં ૧૦ થી ૧૫ મીટર X ૩ મીટર ના કયારા તૈયાર કરવા.

રોપણી સમયઃ

        સારા વિકાસ અને વધુ જીવંત છોડ મેળવવા માટે જુલાઇ-ઓગષ્ટ દરમ્યાન પીલાની રોપણી કરવી.પિયતની સગવડ હોય તો શિયાળાના મહિનાઓ (નવેમ્બર થી ફ્રેબુઆરી)સિવાય આખુ વર્ષ ગમે ત્યારે રોપણી કરી શકાય છે.

પ્રસર્જનઃ

        વેપારી ધોરણે ખેતી કરવા માટે કુંવારપાઠાના પીલાની ભલામણ કરવામાં આવે છે.સામાન્ય રીતે ૩ થી ૪ મહિના જૂના પીલા કે જે ૪ થી ૫ પાન ધરાવતા હોય અને ૨૦ થી ૨૫ સે.મી લાંબા હોય તેની રોપણી માટે ભલામણ કરવામાં આવે છે.

રોપણી અંતર અને પીલાની જરૂરિયાત : પીલા ૬૦ સે.મી X ૬૦સે.મી.અંતરે અંદાજે ૧૫ સે.મી ઊંડા ખાડા કરી રોપવામાં આવે છે અને તેના ઉપર માટી વાળી દબાવવામાં આવે છે કે જેથી પોલાણ ન રહે.એક હેકટર વિસ્તાર માટે અંદાજે ૨૫,૦૦૦ પીલાની જરૂરિયાત રહે છે.

ખાતર :

        સામાન્ય રીતે પાક છાણિયા અથવા કમ્પોસ્ટ ખાતરનો સારો પ્રતિભાવ આપે છે જમીન તૈયાર કરતી વખતે અને ત્યારબાદ દર વર્ષે અંદાજે ૧૦ થી ૧૫ ટન છાણિયુ ખાતર આપવામાં આવે છે.જો લાકડાની રાખ ઉપલ્બધ હોય તો રોપણી સમયે ખાડામાં નાખવામાં આવે છે જેનાથી છોડનો વિકાસ સારો થાય છે.

પિપત :

                પિયતની અછત હોય તો પણ આ પાક સારો થાય છે પરંતુ પાકના સારા વિકાસ અને ઉત્પાદન માટે નીચે જણાવેલ તબક્કાએ પિપત આપવું જોઇએઃ

  • રોપણી બાદ તરત જ પ્રથમ પિપત આપવું
  • રોપા પુરેપુરા ચોંટી જાય તે માટ ૨ થી  ૩ પિયત આપવા અને સારા વિકાસ માટે જરૂરિયાત મૂજબ વર્ષમાં ૪ થી ૬ પિપત આપવા.
  • ઉપલબ્ધ પાણીના આધારે પાનની કાપણી બાદ તરત જ એક હળવું પિપત આપવું

આંતરખેડ :

        પાકના વિકાસ સમય દરમ્યાન ખેતર નીંદણથી મુકત રાખવું. બે થી ત્રણ હાથ નીંદામણ કરવા અને કરબડીથી એક હળવી ખેડ કરવી જેથી પાકનો વિકાસ સારો થાય.રોપણી બાદ એક મહિનાની અંદર એક હાથનીંદામણ અને કરબડી મારવી.ત્યારબાદ દર વષે બે હાથ નીંદામણ અને એક હળવી કરબડી મારવી જેથી નીંદામણને કાબૂમાં રાખી શકાય.રોગિષ્ઠ છોડ અને સૂકાયેલ ફૂલોની દાંડીઓને નિયમિત રીતે દૂર કરતા રહેવું.

કાપણી અને ઉત્પાદન :

        રોપણી બાદ બીજા વર્ષથી પાંચમા વર્ષ સુધી વેપારી ધોરણે ઉત્પાદન મેળવી શકાય છે.સામાન્ય રીતે વ વર્ષમાં ૩ થી ૪ વખત પાનની કાપણી કરવામાં આવે છે.ભલામણ કરેલી પદ્ધતિ મુજબ કુંવરપાઠાની ખેતી કરવામાં આવેલ હોય તો રોપણી બાદ બીજા વર્ષે સરેરાશ ૧૫ થી ૨૦ ટન તાજાં પાનનું ઉત્પાદન મળે છે.તેના પાનમાંથી જ્યુસ(રસ)  તૈયાર કરવા માટે બરાબર વિકસિત થયેલ પુખ્ત પાન પસંદ કરવામાં આવે છે.

બજાર : 

આંતરરાષ્ટ્રીય બજારમાં તેની માંગ જોતાં આ પાકની ખેતી અને બજાર અંગેની વિશાળ શકયતાઓ રહેલી છે તેમછતાં સ્થાનિક અને જીલ્લા કક્ષાએ તેની બજારમાં માંગ જાણી વેપારી ધારણે વાવેતર કરવાનું નક્કી કરવું  હિતાવહ છે.

 પ્રોસેસિંગ :

        કુંવારપાઠાના પાંદડાંને કાપીને તેમાંથી ઔષધ તરીકે વપરાતો એલોય નામનો પદાર્થ મેળવવામાં આવે છે.પાંદડાંને કાપી તેમાંથી એક વાસણમાં રસ નિતારી લઇ બાસ્પીભવનથી કે ઉકાળીને એલોય મેળવાય છે. તાજો રસ રંગહીન અથવા પીળો હોય છે પરંતુ તેને ઉકાળતાં તે ગાઢ બદામી રંગનો થાય છે સૂર્યના પ્રકાશમાં સૂકવેલ અથવા સાંદ્રિત એલોય મેળવાય છે. સૂર્યના પ્રકાશમાં સૂકવેલ અથવા સાંદ્રિત એલોય જયુસને ગરમ કરતાં આકારહીન,અપારદર્શક અને મીણીયો અર્ક મળે છે જે હિપેટિક અથવા લિવરી એલોય તરીકે ઓળખાય છે.વધુ ગરમી આપી રસને ઝડપથી સાંદ્રિત કરવામાં આવે અને ત્યારબાદ ઠંડુ પાડતાં આકારહીન અને અર્ધ પારદર્શક પદાર્થ મળે છે જે ગ્લોસી અથવા વિટ્રીયસ એલોય તરીકે ઓળખાય છે.

        સૂકવેલ રસ ઉપરાંત જેલ પણ એક મહત્ત્વની પેદાશ છે.પાંદડાંમાંથી મળતો ગુંદર જેવો ચીકણો માવો કે જે કુદરતી રીતે પોલીસેકેરાઇડસનો બનેલો છે. તે સૌંદયપ્રસાધનોના ઉદ્યોગો અને માનવીને થતા ઘણા રોગોની સારવારમાં વપરાય છે. પાંદડામાંથી નિષ્કર્ષણ ધ્વારા મેળવેલ  મ્યુસિલેજને બ્લેન્ડર ધ્વારા બરાબર મિશ્ર કરી એકરસ દ્રાવણ તૈયાર કરવામાં આવે છે.આ મિશ્રણને મસલીન કાપડ વડે ગાળવામાં આવે છે.કેન્દ્રત્યાગી બળ વડે નિષ્કર્ષણમાંથી જેલને અલગ પાડવામાં આવે છે.આ જેલને સહેજ હૂંફાળા ગરમ પાણીમાં લઇ ઓગાળવામાં આવે છે અને તેને ૧૦૦0 સે.થી વધુ તાપમાને વેઇટ એન્ડ ડ્રાઇડ નામની ટયુબમાં રાખવામાં આવે છે.

અર્થકરણઃ

         ઓછી ફળદ્રુપતાવાળી જમીનના વાવેતરમાંથી પાંદડાંના વેચાણ ધ્વારા હેકટર દીઠ ૮,૦૦૦ થી ૧૨,૦૦૦ રૂપિયાનો ચોખ્ખો નફો મળે છે.જો મધ્યમ ફળદ્ધુપતાવાળી જમીન હોય તો આ નફાકારકતા હેકટરદીઠ ૨૫,૦૦૦ રૂપિયા સુધી પણ મળી શકે છે. વિશેષમાં બીજા વર્ષથી તેના પીલાનું રોપણી માટે વેચાણ કરવાથી વધારાની આવક મેળવી શકાય છે.

ઉપયોગ :

(૧) સૌંદયપ્રસાધન તરીકેઃ

                સામાન્ય રીતે માનવી અને પ્રાણીઓ બંને માટે કુંવારપાઠું અનેક રીતે ઉપયોગી છે.તેના છોડમાંથી મેળવાતી મુખ્ય ત્રણ બનાવટો (૧)કુંવારપાઠાનું લેટેક્ષ (૨) કુંવારપાઠાની જેલ અને (૩) કુંવારપાઠાના આખા પાનનો અર્ક છે.

        કુંવારપાઠાનો સૌંદયપ્રસાધન તરીકેનો ઉપયોગ કોઇ નવી બાબત નથી.બજારમાં મળતી અનેક બનાવટોમાં ૧ થી ૯૮ ટકા સુધી કુંવારપાઠાનો ઉપયોગ થાય છે. તેના છોડમાં રહેલા એલોય જેલ લાંબા સમય સુધી ભેજને જાળવી રાખે છે અને તેની અસર સુખદાયક છે.આથી સૌંદયપ્રસાધન અને ટોઇલેટરી ઉદ્યોગોમાં બનતી વિવિધ બનાવટો જેવી કે મોઇશ્વરાઇઝર્સ કિલન્સસ, સન લોશન્સ, ટુથપેસ્ટ, માઉથવોશ, સેવિંગ ક્રીમ, ડીઓડોરન્ટસ અને શેમ્પુ વગેરેમાં તેનો મોટા વપરાશ થાય છે.કુંવારપાઠાની બનાવટોનો સૌંદયપ્રસાધનો બનાવવામાં ઉપયોગ થાય ત્યારે તેમાં એન્થ્રોકિવનોનનું સ્તર ૫૦ પીપીએમ થી વધારે ન હોવું જોઇએ અને ફાયટોટોક્સીસીટી ઓછી કરવા માટે તેની સાંદ્રતા ઓછી હોવી જોઇએ.યુનાઇટેડ સ્ટેટસમાં ફૂડ એન્ડ એડમિનિસ્ટ્રેશન ધ્વારા ફકત સૌંદયપ્રસાધનોની બનાવટમાં એલો વેરા જેલનો બાહ્ય પદાર્થ તરીકે ઉપયોગ કરવાથી છૂટ આપેલ છે.

() ખોરાક તરીકે :

                ખોરાક અને પાણી તરીકેના બજારમાં કુંવારપાઠાનો ઉપયોગ એ એક પ્રોત્સાહક બાબત છે.તે યોગર્ટ,આરોગ્ય માટેના પીણાં (ચા સહિત)વગેરે કાર્યાત્મક આહાર(ફંકશનલ ફૂડ) ની બનાવટ માટેનો એક સ્ત્રોત છે માનવીના આરોગ્ય અને રોગો થતા અટકાવવા માટે વનસ્પતિ પેદાશોના પોષણની પૂરવણી માટે ખોરાકમાં તેનો ઉપયાગ વધતો જાય છે જે એક જાણીતી બાબત છે.તાજી પ્રોડકટસની ગુણવત્તા જાળવવા અને સલામત રાખવા માટે એલો વેરા જેલનો ઉપયોગ તેના ઉપર ખાદ્ય આવરણ ચડાવવા માટે થાય છે.દ્રાક્ષને એલોય જેલથી આવરિત કરવાથી તેમાં રહેલા ફીનોલિક અને એસ્કોર્બિક એસિડ જેવા પદાર્થોની ઘટ પડતી અટકાવી શકાય છે.કુંવારપાઠું માનવીમાં ખોરાકને લીધે બિમારી પેદા કરતાં સૂક્ષ્મજીવોની વૃદ્ધિને અને ખોરાકને બગડતો અટકાવે છે.કુંવારપાઠાને કારણે ખોરાકનો સ્વાદ અથવા દેખાવ પર કોઇ અસર થતી ન હોઇ તે સલામત,કુદરતી અને પર્યાવરણ મિત્ર છે તેમજ પરંપરાગત રીતે વપરાતા કૃત્રિમ પરિરક્ષકોના વિકલ્પ  તરીકે વાપરી શકાય છે.

() ઓષધિ તરીકે :

() ઘાની રૂઝ લાવવા માટેઃ

                કુંવારપાઠામાં રહેલા પોલીસેકેરાઇડસ અને જીબ્રેલિન્સ અંતઃસ્ત્રાવને કારણે કરચલી વગર ઝડપથી ઘામાં રૂઝ લાવે છે.એક લિટરમાં ૧૦,૦૦૦ થી ૨૦,૦૦૦ મ્યુકોપોલીસેકરાઇડસ રહેલા હોઇ કુંવારપાઠું ઊંચી હીલિંગ ક્ષમતા ધરાવે છે.ચામડી ઉપર  પડેલા ચાંદાંની અસરકારક સારવાર માટે તેનો ઉપયોગ થાય છે.નવા કોષો બનાવવા માટે તેમાં રહેલ એમિનો એસિડ કાર્ય કરે છે અને તેમાં રહેલ ઉત્સેચકો ચામડીના અંદરના સ્તરને ઝડપી રીતે બનાવે છે.

() બળતરા વિરોધી કાર્ય અને રોગપ્રતિકારક તરીકે :

                તેમાં રહેલ એલિસાયલિક એસિડ પીડાનાશક અને બળતરા વિરોધી ગુણો ધરાવતો હોઇ તેનો ઉપયોગ સંધિવા અને સાંધાને લગતા રોગો માટે થાય છે.કુંવારપાઠામાં રહેલ પોલીસેકેરાઇડસ રોગપ્રતિકારક શકિતમાં વધારો કરે છે.

(૩)અલ્ટ્રાવાયોલેટ અને એકસ કિરણોત્સર્ગને કારણે ચામડી પર થતી અસરઃ

                પ્રથમ અને દ્રિતિય પ્રકારની ડીગ્રીના દાઝયા પર કુંવારપાઠાનો ઉપયોગ ઝડપથી રૂઝ લાવે છે.તેમાં રહેલ લેકટીન આ માટે જવાબદાર ગણવામાં આવે છે જે રોગનિવારક અસર ધરાવે છે.

() અલ્સર(ચાંદાં)પર અસર :

                મોંમાં પડતા ચાંદાં, હર્પિસ સિમ્પલેકસ અને સોરાયસીસ વગેરેની સામાન્ય સારવાર માટે કુંવરપાઠાનો સફળતાપૂર્વક ઉપયોગ થાય છે.તે જઠરમાં પડતાં ચાંદાંને અટકાવવા માટે ઉપયોગી છે.

() ડાયાબીટીસ વિરોધી કાર્ય :

                કુંવારપાઠામાં રહેલ વેનેડિયમ મેંગેનીઝ અને કોપર જેવા અકાર્બનિક તત્ત્વો અને ખાસ કરીને પોલીસેકેરાઇડને કારણે તે નોંધપાત્ર રીતે ડાયાબીટીસ વિરોધી કાર્ય કરે છે.તેનો ઉપયોગ ડાયાબીટીસમાં લોહીમાં ગ્લુકોજ અને લિપિડના સ્તરને ઘટાડે છે.તે હાયપર લિપિડેમિક દર્દીમાં અંદાજે ૩૦ ટકા કોલેસ્ટીરોલનું પ્રમાણ ઘટાડે છે.

(૬) એન્ટિઓકસીડેન્ટ કાર્ય :

                કુંવારપાઠું આલ્ફા-ટોકોફીરોલની સમાન કાર્ય કરે છે. આ માટે છોડના વિકાસનો તબક્કો મહત્ત્વનો છે.

() સારક અસરઃ

                કુંવારપાઠામાં રહેલ એન્થ્રાક્વિનોન્સ સારકની ક્ષમતા ધરાવે છે જેથી આંતરડાની સારકતામાં વધારો કરે છે.           

() જીવાણુઓ સામે પ્રતિકારકતાના ગુણોઃ

                કુંવારપાઠું મનુષ્ય અને પ્રાણીઓમાં સૂક્ષ્મજીવો (જેવા કે સ્ટ્રે.પ્યોજીન્સ,શિગેલ્લા ફલેસનેરી,કલેબસિલ્લા સ્પી.ખાસ કરીને ગ્રામ-પોઝીટીવ જીવાણુઓ ધ્વારા ખોરાકમાં ઝેર થતું તથા રોગો થતા અટકાવે છે.

() ફૂગવિરોધી કાર્યઃ

                કેન્ડિડા ફુગની પ્રવૃત્તિને અટકાવવાનું નોંધવામાં આવેલ છે.કુંવારપાઠાનો ઉપયોગ મત્સ્ય તળાવમાં જલપ્રાનુકૂલન (વોટર કન્ડિશનર) તરીકે થાય છે.

(૧૦) વિષાણુ અને ટયુમરવિરોધી કાયઃ

                એન્થ્રાકિવનોન્સને કારણે સીધી રીતે અને પ્રતિકારક શકિતને ઉત્તેજીને આડકતરી રીતે કુંવારપાઠું અસર કરે છે.તેથી એચઆઇવી-એઇડસ અને કેન્સરની સારવારમાં કુંવારપાઠાનો ઉપયોગ થાય છે.

(૧૧) ઉંમર સંબંધિત અસર :

                કુંવારપાઠાનો ઉંદર પર કરવામાં આવેલ ઉંમર સંબંધિત રોગોમાં પ્રોત્સાહજનક પરિણામો મળેલ છે.


 સ્ત્રોતઃ ઇન્ડિયન ફામર્સ ડાયજેસ્ટ, મે-૨૦૨૦


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *