કુદરતી મીઠાશ આપનાર સ્ટીવિયા વિષે જાણો (Know about natural sweetener – Stevia)

                મોરસ એટલે કે ખાંડ એ નુકસાનકારક છે. તેના કારણે લોકો ખાંડના અન્ય વિકલ્પો શોધી રહ્યા છે કે જે તંદુરસ્તી માટે નુકસાનકર્તા ન હોય. બજારમાં ઓછી કેલેરી ધરાવતા ઘણા મીઠાશ યુક્ત પદાર્થો ઉપલબ્ધ છે પણ તેમાંના મોટા ભાગના કૃત્રિમ રીતે બનાવેલ છે. કેટલાક કુદરતી મીઠાશ ધરાવતા પદાર્થો છે કે જે સ્વાદે સારા છે. તેમાંનો એક પદાર્થ સ્ટીવિયા છે. તાજેતરમાં તેની કુદરતી મીઠાશ માટે ખ્યાતિ વધવા પામી છે.

            સ્ટીવિયા એ લીલા રંગનો પાન ધરાવતો છોડ છે. તેનું મુળ વતન દક્ષિણ અમેરિકા છે. સ્ટીવિયાની ઘણા દેશોમાં ખેતી થાય છે પરંતુ વર્તમાન સમયે ચીન સ્ટીવિયાની બનાવટોનો મોટા પાયે નિકાસ કરતો દેશ છે. ભારતમાં તેને ‘મીઠી તુલસી’ તરીકે ઓળખવામાં આવે છે. સ્ટીવિયા જૈવ વિવિધતા માટે અગત્યનો ભાગ ભજવે છે કારણ કે ખેડૂતો  અન્ય પાકને બદલે સ્ટીવિયાને જમીનના નાના પ્લોટમાં વાવેતર કરી શકે છે.

            સ્ટીવિયા એ મીઠાશ ધરાવતો પાક છે જેને અન્ય મીઠાશ આપતા પાકો કરતાં તેનાં પાંચમાં ભાગની જમીન જોઈએ છે અને ઓછા પાણીએ પાક થાય છે. ઘણા દેશોમાં તેનો ઓષદ્યિ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. બજારમાં ઓછી કેલેરી ધરાવતા મીઠાશવાળા પદાર્થો મળે છે પણ તેમાંના મોટા ભાગના કૃત્રિમ પદાર્થો છે. ઘણા ઓછા પદાર્થો કુદરતી મીઠાશ ધરાવે છે સ્ટીવિયા ૧૦૦ ટકા કુદરતી, શૂન્ય કેલેરી ધરાવતો મીઠાશયુક્ત પદાર્થ છે જે તંદુરસ્તી માટે પણ અનેક રીતે લાભકર્તા છે. સ્ટીવિયા આધારીત મીઠાશવાળા પદાર્થો આહારમાં શૂન્ય કે ઓછી કેલેરી આપે છે જે કયા ખાદ્ય પદાર્થો સાથે આપવામાં આવે તેના પર આધારિત છે. તે વધારે વજનને અથવા ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે હકારાત્મક અસર કરે છે.

સ્ટીવિયા આરોગ્ય માટે લાભકર્તા :

() ડાયાબિટીસ નિયંત્રણ :

            સ્ટીવિયા માનવીના લોહીમાં રહેલ સુગરના સ્તરને નિયમન કરવાની ક્ષમતા ધરાવે છે. સ્ટીવિયા એ મોરસના જેવી જ મીઠાશ ધરાવે છે. તે સ્ટીવિયોસોઈડ નામનો બિન કાર્બોહાઈડ્રેટ ગ્લાયકોસાઈડ પદાર્થ ધરાવે છે. જ્યારે સ્ટીવિયોસાઈડનું ભંગાણ થાય ત્યારે તેમાંથી છૂટા પડતા ગ્લુકોઝના કણો આંતરડામાં રહેલ બેકટેરીયા શોષી લે છે એટલે તે લોહીમાં ન ભળતાં શરીરમાંના લોહીમાં ગ્લુકોઝના સ્તરને અસર કરે છે. આમ સામાન્ય મારસને બદલે સ્ટીવિયા એ એક આદર્શ મીઠાશ છે કે જે ડાયાબીટીસ ધરાવતા લોકો ખોરાકમાં લે તો તેઓને ડાયાબિટીસ અંગેની ચિંતા રહેતી નથી.

() વજનમાં ઘટાડો :

            સ્ટીવિયા એ ઘણી ઓછી કેલેરી ધરાવે છે અને મોરસ કરતાં વિવિધ જાતોના નિષ્કર્ષ મુજબ ૪૦ થી ૩૦૦ ગણી મીઠાશ ધરાવે છે એટલે કેક, કૂકીઝ અને અન્ય મીઠાશ ધરાવતા ખોરાક લેતા લોકો મોરસને બદલે સ્ટીવિયાના ઉપયોગથી બનાવેલ ખોરાક લે તો વજન અને કેલેરી વધવાની કોઈ ચિંતા રહેતી નથી અને સહેલાઈથી શરીરના વજનમાં ઘટાડો થાય છે.

() લોહીનું દબાણ (બ્લડ પ્રેસર) :

            સ્ટીવિયોસાઈડ નામનો ગ્લુયકોસાઈડ સ્ટીવિયામાં રહેલો છે પરંતુ તે સિવાય પણ તેમાં અન્ય ગ્લુકોસાઈડ રહેલા છે કે જે રક્તવાહિનીઓને રીલેક્સ કરે છે, પેશાબ વધારે છે અને શરીરમાંથી સોડિયમની નાબૂદી કરે છે. સ્ટીવિયા હૃદયની તંદુરસ્તીનું રક્ષણ કરે છે અને એથેરોસ્કેલેરોસિસ, હાર્ટએટેક અને સ્ટ્રોક જેવી પરિસ્થિતિ ઊભી થતી અટકાવે છે.

() મોંની તંદુરસ્તી :

            ટુથપેસ્ટ અને માઉથવોશમાં સ્ટીવિયાનો ઉપયોગ કરતાં તે મોંમાં જીવાણુઓનો ઉપદ્રવ થવા દેતું નથી. સ્ટીવિયા મોંના દાંતમાં થતુ પોલાણ અને પેઢાની પેશીઓને થતું નુકસાન અટકાવે છે જે શુક્રોઝ કરી શકતું નથી.

() ત્વચાની તંદુરસ્તી :

            ખરજવું અને ચામડીનો સોજો વગેરે ત્વચાના રોગોમાં સ્ટીવિયા જીવાણુ વિરોધ કાર્ય કરે છે. તે જીવાણુઓના ફેલાવાને અટકાવે છે અને ઘણા લોકોને એક વિકલ્પ તરીકે સ્ટીરોઈડનું કાર્ય કરે છે.

() હાડકાંની તંદુરસ્તી :

            સ્ટીવિયા હાંડકાને મજબૂત કરવામાં મદદ કરે છે અને ઓસ્ટીયોપોરોસિસ થવાની શક્યતામાં ઘટાડો કરે છે. મરઘીઓ ઉપર કરેલ અભ્યાસમાં જોવા મળેલ છે કે તેઓને ખોરાકમાં સ્ટીવિયા આપતાં ઈડાનું કોચલુ નોંધપાત્ર રીતે થયેલ  જાડું અને તેમાં કેલ્શિયમનું પ્રમાણ ઊંચુ જોવા મળેલ.

() કેન્સરનો અટકાવ :

            સ્ટીવિયામાં વિશાળ માત્રામાં એન્ટિએકસીડેન્ટસ પદાર્થો રહેલા છે જેથી સ્ટીવિયાને આપતાં તે કેન્સર થતું અટકાવે છે. ક્યુરસેટિન, કેએમ્પફેરોલ અને અન્ય ગ્લુકોસાઈડ પદાર્થો સ્ટીવિયા ધરાવે છે જે શરીરમાંના ફ્રી રેડિકલ્સને દૂર કરે છે અને તંદુરસ્ત કોષોને કેન્સર કોષમાં પરિવર્તિત થતા અટકાવે છે. એન્ટિઓેક્સીડેન્ટસ પદાર્થો વહેલું ઘડપણ આવતું તેમજ હૃદયરોગ જેવી અન્ય ગંભીર પરિસ્થિતિ ઊભી થતી અટકાવે છે.

સ્ટીવિયાનો ઉપયોગ :

            હાલ વિશ્વમાં ૫૦૦૦ થી વધુ ખાદ્ય બનાવટો અને પીણાઓમાં સ્ટીવિયાનો ઉપયોગ થાય છે. એશિયા અને દક્ષિણ અમેરિકામાં આઈસ્ક્રીમ, ડેઝર્ટસ, સોસ, યોગર્ટ, અથાણાં, બ્રેડ, હળવાં પીણાં, ચુઈંગમ કેન્ડી વગેરે ઘણી ખાદ્ય બનાવટોમાં સ્ટીવિયાનો ઉપયોગ કરવામાં આવે છે.

શું સ્ટીવિયા સલામત છે ?

            સ્ટીવિયાની તંદુરસ્તી ઉપર અસર માટે કેટલાક અનિશ્ચિતતા દર્શાવે છે પરંતુ થયેલ સંશોધન તેને મીઠાશ આપનાર તરીકે અને ખોરાકમાં પૂરક તરીકેના ઉપયોગને સમર્થન આપે છે. જો કે કેટલાક લોકોને તેની એલર્જી થાય છે કે જેઓ રેગવીડ, હજારી (મેરીગોલ્ડ), ડેઈઝી (લીલી) અને તેને સંબંધિત છોડની એલર્જીથી પીડાતા હોય. કેટલાક લોકો સ્ટીવિયાને ખોરાકમાં લીધા બાદ પેટનું ફૂલવું અને ખેંચાણ થવાની તેમજ કોઈકવાર માથાનો દુઃખાવો અથવા ચક્કર આવવાની ફરીયાદ કરે છે પરંતુ આવા કિસ્સા ઘણા ઓછા જોવા મળે છે એટલે વિશ્વમાં સ્ટીવિયા એ સલામત અને લાભકર્તા મીઠાશ ધરાવતો પદાર્થ છે. લેબોરેટરીમાં પ્રાણીઓ ઉપર કરવામાં આવેલ અખતરાઓમાં સ્ટીવિયામાં રહેલ સ્ટીવિયોસાઈડ નામનો ગ્લુકોસાઈડ બિનઝેરી માલૂમ પડેલ છે તેમજ તેની કોઈ ખરાબ અસર જોવા મળેલ નથી. સને ૨૦૦૮ માં એફડીએ (FDA) મારફતે સ્ટીવિયાના ખોરાક અને પાણીમાં ઉપયોગ સલામત ગણવામાં આવેલ છે.


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જુલાઈ-૨૦૨૦


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *