ખેતરમાં બીની વાવણીથી શરૂ કરી પાકની કાપણી સુધીના દરેક કાર્યોમાં મહિલાઓ મહત્ત્વની ભૂમિકા ભજવે છે જે કૃષિ ક્ષેત્રે તેમનું યોગદાન સૂચવે છે. કૃષિમાં પાકની કાપણી સુધી જ મહિલાઓનું યોગદાન સિમિત નથી ત્યારબાદની કામગીરીમાં તેઓનું મહત્ત્વ વધી જાય છે. મહિલાઓ દ્વારા ઘરગથ્થુ રીતે તેમજ વેપારી ધોરણે ખાદ્યાન્નની જાળવણી કરવામાં આવે છે જેમાં મહિલાઓ દ્વારા બનાવવામાં આવતા મરચી/કેરીના અથાણાં, આમળાનો મુરબ્બો, ટામેટો કેચઅપ, ટામેટા સોસ, બટાટાની કાતરી, ચિપ્સ, ચોખાની પાપડી, અડદના પાપડ વગેરે જેવી અનેક બનાવટોનો સમાવેશ થાય છે.
સૃષ્ટિની શરૂઆતથી જ મહિલાઓ અને પુરૂષોએ સાથે મળીને પોતાના જીવન નિર્વાહ માટે કૃષિ વ્યવસાય અપનાવ્યો છે. તેની સાથોસાથ મહિલાઓઓ ઘરના કાર્યો પણ સારી રીતે કર્યા છે. કૃષિ ઉત્પાદનને તેના મૂળ સ્વરૂપે બહુ જ ઓછું ઉપયોગમાં લેવામાં આવે છે. જો તેના મૂળ સ્વરૂપમાં થોડો પણ ફેરફાર કરવામાં આવે તો તેના સ્વાદ અને મૂલ્ય બંનેમાં વધારો થવા પામે છે. કૃષિ ઉત્પાદનના મૂળ સ્વરૂપમાં ફેરફાર કરવા માટે મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ નાના પાયા પર આ કાર્ય મહિલાઓ જાતે જ કરે છે.
કૃષિના કોઈપણ ઉત્પાદનની વાત કરીએ દા.ત. તેની કાપણી બાદ મહિલાઓ દ્વારા ઘઉંની સફાઈ કરવામાં આવે છે. સફાઈ કર્યા બાદ મશીનથી સંચાલિત ઘંટી દ્વારા ઘઉંનો લોટ તૈયાર કરવામાં આવે છે. આ લોટમાંથી મહિલાઓ ઘરે રોટલીઓ બનાવે છે. રોટલીઓ સિવાય બાટી, હલવો, શીરો વગેરે અનેક બનાવટો મહિલાઓ બનાવે છે. આ જ રીતે ડાંગરમાંથી મશીન દ્વારા પૌઆ બનાવવામાં આવે છે. ગામડાઓમાં મહિલાઓ ડાંગરને કુટીને પૌવા બનાવે છે.
કઠોળ પાકની વાત કરીએ તો કઠોળમાંથી દાળ, બેસન, નાસ્તો, શાક તરીકે કઠોળ અને મીઠાઈઓ પણ મહિલાઓ બનાવે છે. ઘરમાં રાખેલી ઘરઘંટી દ્વારા મહિલાઓ તુવેર, ચણા, વટાણા, મગ, અડદ, લોંગ વગેરેની દાળ પાડે છે. દાળ પાડતી વખતે મળતા ભૂકાને પાણીમાં પલાળી તેમાંથી સ્વાદિષ્ટ વાનગી પણ મહિલાઓ બનાવે છે.
શેરડીમાંથી રસ કાઢી તેનો ગોળ બનાવવાની કામગીરીમાં પણ મહિલાઓ મુખ્ય ભાગ ભજવે છે. આ ગોળમાં મગફળી વાપરીને મગફળીની ચીકી, મગફળીની સુખડી તૈયાર કરે છે.
બટાટાને ખોદયા બાદ તેનું ગ્રેડિંગ કરવાનું તથા ઘેર ઘેર બટાટાની કાતરી / ચિપ્સ બનાવવાનું કામ મહિલાઓ કરે છે. કપાસના પાકમાં કાલાં વીણી રૂ જૂદુ પાડી, ગ્રેડિંગ કરી બજારમાં વેચાણલાયક બનાવવાનું કામ મહિલાઓ જ કરે છે.
ટામેટાની ચટણી, કચુંબર, સલાડ, શાકભાજી તેમજ કેરી, લીંબુ, મરચી વગેરેના અથાણાં વગેરે બનાવવાનું કામ પણ મહિલાઓ કરે છે. જાંબુના અર્ધપક્વ ફળોને એક અઠવાડીયું રાખ્યા બાદ તેમાં મીઠું નાખીને સરકો બનાવવામાં આવે છે જે પેટ સંબંધી રોગોની સારવારમાં ઉપયોગી છે. જાંબુના ઠળીયાને સૂકવી, દળીને પાઉડર બનાવવામાં આવે છે જેનો ડાયાબીટીસના દર્દીઓ મુખ્ય રૂપે ઉપયોગમાં લે છે.
ફૂલોની ખેતી થતી હોય તેવા ઘરોમાં રહેતી મહિલાઓ ફૂલોની છટણી, માળા બનાવવી, ફૂલોમાંથી અત્તર બનાવવું વગેરે કામગીરી કરે છે. ફૂલોની સજાવટ કરવામાં પણ મહિલાઓ આગળ પડતો ભાગ ભજવે છે. આ ઉપરાંત કટ ફલાવર તૈયાર કરવા, ગુલાબજળ અને ગુલકંદ બનાવવાનું કામ પણ કરે છે.
ચાના બગીઆઓમાં ચાની પત્તી વીણવાનું કામ મહિલાઓ દ્વારા જ થાય છે. કેસરની ખેતીમાં પણ મહિલાઓ જ પુરી લગનીથી કામ કરે છે.

પશુપાલન ક્ષેત્રે મહિલાઓ એકદમ નજીકથી જોડાયેલી છે. તેઓ ઘાસચારાની કાપણી બાદ ચાફકટર દ્વારા ઘાસના નાના ટુકડાઓ કરવાનું કામ કામ કરે છે જેથી પશુઓ તેનો ખોરાકમાં સારી રીતે ઉપયોગ કરી શકે છે અને ચારાનો બગાડ થતો નથી. જંગલના વિસ્તારોમાં ફરીને મહિલાઓ પશુઓના ચારા માટે પાંદડા અકઠા કરવાનું કામ પણ કરે છે.

મધમાખીપાલનમાં પણ મહિલાઓ સજાગતાથી મધપેટીઓની જાળવણી કરી મધ ઉત્પાદનમાં મોટું યોગદાન આપે છે. મશરૂમ ઉત્પાદન તો મહિલાઓ પોતાના ઘરમાં જ કરે છે અને તેનું પેકિંગ કરી બજારમાં વેચી સારો નફો મેળવે છે. શેતુરના ઉત્પાદનમાં તેના કીડાને પાંદડા ખવડાવી તેના કોશેટા એકત્ર કરી રેશમનો કાચો માલ પણ મહિલાઓ તૈયાર કરે છે. આ જ રીતે વન્ય વિસ્તારમાંથી લાખ એકત્ર કરી તેના ઉત્પાદનમાં મદદ કરે છે.
ઉપર જણાવેલ કાર્યો એવા છે કે જે બહુ મહત્ત્વના લાગતા નથી પરંતુ વર્તમાન સમયે માનવજીવનમાં સમયનો અભાવ હોઈ મૂલ્ય વર્ધન દવારા મહિલાઓ તૈયાર કરવામાં આવેલ ખોરાકનો ઉપયોગ રોજીંદા કાર્યો અને જીવનશૈલીને સરળ બનાવવામાં ઉપયોગી નીવડે છે. આજે કોઈપણ ખાદ્યાન્ન આપણે કોઈપણ સમયે પ્રાપ્ત કરી શકીએ છીએ. બજારમાં મળતા રેડીમેઈડ એટલે કે તૈયાર ખાદ્ય ઉત્પાદનો સમયની પણ બચત કરે છે.
કેટલાય વર્ષોથી મહિલાઓ ઘરમાં ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે અનાજ, ફળ, શાકભાજી વગેરેની મદદ લઈ આહાર તૈયાર કરે છે જે આજે એક વ્યાપાર બની ગયો છે. ખાદ્યપદાર્થોની જાળવણી કરવી પણ એક વ્યવસાય છે એટલે એમ કહી શકાય કે ફૂડ પ્રોસેસિંગ એ મહિલાઓ દવારા ઊભો કરવામાં આવેલ વ્યવસાય છે.

પહેલાંના સમયમાં પાક તૈયાર થયે સીધો જ ખેતરમાંથી વેચવામાં આવતો હતો જેમાં કેટલીકવાર ખેડૂતો અને વેપારીઓને નુકસાન થતું હતું. ઉત્પાદનનો સીમિત માત્રામાં ઉપયોગ થતો હોઈ ગુણવત્તા હોવા છતાં તેના સારા ભાવ મળતા ન્હોતા. કેટલીકવાર પાકનું ઉત્પાદન અધિક માત્રામાં થતાં પણ બજારમાં તેના ભાવ સારા મળતા નથી. આ સંજોગોમાં ઉત્પાદનના અન્ય ઉપયોગી ખાદ્યપદાર્થોમાં રૂપાંતર કરી વેચવામાં આવે તો વધુ ભાવ મળી શકે. દા.ત. ટામેટાની ખેતીમાં વધુ ઉત્પાદન થતાં તેના બજારમાં સારા ભાવ મળતા નથી. વળી તેને વધુ સમય રાખી શકાતા નથી એટલે કે ટામેટા જલ્દીથી બગડી પણ જાય છે. કેટલીકવાર બજારની પાસે ટામેટાનો કોહવાયેલો જથ્થો પડી રહેલા જોવા મળે છે. આ સમસ્યાના નિવારણ માટે ટામેટામાંથી કેચપ કે સોસ બનાવી શકાય છે. ટામેટાનો કેચપ કે સોસ બનાવવાની પદ્ધતિ સરળ હોઈ મહિલાઓ સરળતાથી બનાવી શકે છે. આથી ટામેટા ઉત્પાદનનો બગાડ થતો અટકાવી નુકસાનથી બચી શકાય છે તેમજ તેની સાથે મૂલ્ય વર્ધનનો લાભ મળી શકે છે.

આ રીતે મહિલાઓ વટાણાને પેક કરી કોલ્ડ સ્ટોરેજ સરળતાથી રાખી શકે છે અને કમોસમામાં તેનો ઉપયોગ કરી શકે છે. હાલમાં કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ વટાણાની કમોસમના સમયમાં વધુ માંગ જોવા મળે છે.
મહિલાઓ મકાઈના દાણા છૂટા પાડી તેનાં લોટ બનાવી તેમાંથી વિવિધ વાનગીઓ બનાવે છે. નાગલીની પાપડી અને ચોખાની પાપડી બનાવે છે. અડદની વડીઓ બનાવી તેની સૂકવણી મહિલાઓ કરે છે. અડદને પીસીને તેની સ્વાદિષ્ટ મીઠાઈ પણ મહિલાઓ બનાવે છે. જવ અને ચણાને પીસીને બનાવેલ સીતુનો ઉપયેાગ મહિલાઓ ગરમીની ઋતુમાં કરે છે. વિવિધ દાળનો ઉપયોગ કરી મહિલાઓ કચોરી બનાવે છે જે પ્રખ્યાત વાનગી છે. તલ શેકીને ગાળ સાથે મેળવી તલની ચીકી બનાવે છે. અળસીના બીની ચટણી અને ચોખાનો લોટ મેળવી તેમાં સ્વાદ અનુસાર ગાળ કે ખાંડ ઉમેરી લાડુ બનાવે છે. અળસીના બીમાં ઓમેગા-૩ વધુમાં માત્રામાં હોઈ શરીર માટે ફાયદાકારક છે.
આમ ઉપરોક્ત વિગતો પરથી માલૂમ પડે છે. કે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સારૂ યોગદાન આપે છે. ખેતર પર પેદા થતા ઉત્પાદનને જમવાના સમયે પીરસેલી થાળીમાં જતાં પહેલા તેમાં ફેરફાર કરી મહિલાઓ તેની વેલ્યૂ વધારે છે. જો મહિલાઓના નાના નાના જૂથો બનાવવામાં આવે અને આ જૂથો દ્વારા ઉત્પાદનોને હાટ કે બજારમાં વેચવામાં આવે તો ઉત્પાદનની સારી કિંમત મળી શકે. આ માટે આખા દેશમાં પેદા થતા વિવિધ કૃષિ ઉત્પાદનોની વિગતો મેળવી બજાર સાથે જોડવી જોઈએ જેથી તેના વેચાણની સંભાવનાઓ વધે. આ રીતે મહિલાઓને બજાર સાથે પ્રચાર-પ્રસાર વડે જોડવામાં આવે તો તેમના જીવન સ્તરમાં સુધારો થઈ શકે. જે ઉત્પાદન ઓછી માત્રામાં બનાવવામાં આવે છે તેનું ઉત્પાદન મહિલાઓ દ્વારા વધુ માત્રામાં કરવામાં આવે તો મહિલાઓની આર્થિક દશામાં સુધારો થઈ શકે અને તેઓનું સામાજીક સ્તર પણ ઊંચુ આવે.
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in