કૃષિ કામદારોના આરોગ્ય અને સલામતી માટેની વ્યવસ્થા અને ઉપાયો (Health and safety measures for agricultural workers)

          આજે પણ બાંધકામ ઉદ્યોગ બાદ ખેતી ઉદ્યોગની ગણના વધુ જોખમી ઉદ્યોગ તરીકે થાય છે.તેનું મુખ્ય કારણ ખેતીનો ધંધો માનવ મજૂરી ઉપર વધુ આધારીત છે જેમાં કૃષિના વિવિધ કાર્યો સાથે અનેકવિધ બાબતો સંકળાયેલી છે.આ બાબતોને જોખમ કહે છે.જો કે કૃષિમાં યાંત્રિકરણનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પણ માનવની બેકાળજી કે જાણકારીનો અભાવ હોય તો તેને પરિણામે પણ કેટલીકવાર જોખમી પરિણામો જોવા મળે છે.આ ઉપરાંત ખેડૂતો ખેતરમાં રસાયણો/જતુંનાશકોનો ઉપયોગ કરે છે ત્યારે રાખવામાં આવતી બેકાળજીને લીધે પણ ખેડૂતોને નુકસાન થાય છે.

                આવા જોખમોને કારણો કૃષિમાં કાર્યરત કામદારની ઉત્પાદકતા ઉપર અસર થવા પામે છે તે જોતાં કૃષિ કામદારોના આરોગ્ય અને સલામતી તરફ નોંધપાત્ર ધ્યાન આપવાની જરૂરિયાત છે.વળી કૃષિ ક્ષેત્ર એ અનૌપચારિક અને અસંગઠીત ક્ષેત્રે હોવાથી તેમાં જોખમ સામે કાર્ય કરવું વધુ જટીલ બને છે.

                કૃષિ કામદારોના પશ્નો પણ એક વિસ્તારથી બીજા વિસ્તારમાં અને એક ઋતુથી બીજી ઋતુમાં અલગ અલગ અને જટીલ હોય છે.પરંગપરાગત પદ્ધતિથી ખેતી અને યાંત્રિકરણ પદ્ધતિથી ખેતી કરવામાં પણ પશ્નો અલગ અલગ જોવા મળે છે.આમાં કુદરતના પરિબળોની વિવિધતાને કારણે પણ પશ્નો જટીલ બને છે.વાતાવરણ,તેમાં રહેતા લોકો,તેમની જીવનશૈલી,જીવનધોરણ,પોષણ વગેરે પણ કૃષિ કામદારોના આરોગ્ય ઉપર અસર કરે છે.ભારત જેવા વિકાસશીલ દેશમાં અસંગઠીત ક્ષેત્ર પૈકી ખેતીમાં કામદારોના આરોગ્ય માટે કોઇ ચોક્કસ નીતિ નક્કી ન હોઇ આરોગ્યલક્ષી  સવલતો પ્રાપ્ત થતી નથી.ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ ઉપર આધારીત કામદારોના આરોગ્ય માટેની સંભાળ રાખવી મુશકેલ બાબત છે.

                કૃષિ કામદારોને કૃષિમાં જોખમો અને તેની સલામતી અંગેનું શિક્ષણ આપવામાં આવે તો તેઓના જ્ઞાનમાં વધારો કરી ખેતીમાંના જોખમો સામે રક્ષણ પૂરૂ પાડી શકાય.જોે કૃષિ કામદારોને શિક્ષણ ધ્વારા જોખમો સામે અવગત કરાવવામાં આવે તો ૩૦ થી ૪૦ ટકા કૃષિ કામદારોને જોખમો સામે રક્ષિત કરી શકાય છે અને તેઓની સલામતીમાં ૩૫ થી ૪૫ ટકાનો વધારો કરી શકાય છે તેવું સંશોધન થી જણાયેલ છે.વળી કૃષિ એ અસંગઠીત ક્ષેત્ર હોઇ તેને ધંધા માટે આરોગ્ય અને સલામતીના કાયદાઓ લાગુ પાડી શકાય નહિ.અન્ય ઉદ્યોગોમાં તબીબી દેખરેખ રાખવામાં આવે છે જે કૃષિમાં નથી.ઉદ્યોગોમાં જે તે જોખમ મુજબ સાવચેતી લેવામાં આવે છે તેવી તબીબી દેખરેખ કૃષિમાં લેવામાં આવતી નથી.કૃષિમાં અકસ્માત થાય કે શરીરમાં કોઇ ઇજા થાય તો તેની યોગ્ય રીતે નોંધ લેવામાં આવતી નથી. વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઔદ્યોગિક ક્ષેત્રના કામદારો તરફ જ ધ્યાન આપવામાં આવે છે તેવું ધ્યાન કૃષિ ક્ષેત્રના કામદારો તરફ આપવામાં આવતું નથી.

વ્યવસાયલક્ષી આરોગ્ય :

            વ્યવસાયલક્ષી આરોગ્ય એટલે કામદારોના કામના સ્થળે રહેલ જોખમોની ઓળખ અને નિયંત્રણ કરી કામદારોને સલામતી અને તંદુરસ્ત વાતાવરણ પૂરૂ પાડવું.આ વ્યાખ્યા ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (ILO) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)એ સંયુકત રીતે સ્વિકારેલ છે.

                વ્યવસાયલક્ષી આરોગ્યનો હેતુ દરેક વ્યવસાયમાં કાર્યરત કામદારોને શારીરિક,માનસિક અને સામાજીક સુખાકારીમાં વધારો અને તેની જાળવણી કરવાનો,જે તે સ્થળે કામ કરતી વખતે ઊભા થતા જોખમોની હાનિકારક અસરો સામે રક્ષણ પૂરૂ પાડવાનો,તેઓની દહેધાર્મિક અને મનોવૈજ્ઞાનિક ક્ષમતાઓને તે ધંધામાં અનુકૂલન સાધવાનો અને એક માનવથી બીજા માનવ સુધી તેના કાર્યમાં અનુકુલન સાધવાનો છે.

                વ્યવસાયલક્ષી આરોગ્યમાં મુખ્ય ત્રણ વિવિધ હેતુઓ તરફ નોંધપાત્ર ધ્યાન આપવાની જરૂરિયાત છે જેમાં કામદારોના આરોગ્ય અને કાર્યક્ષમતાની જાળવણી કરવી,કામદાર જ્યાં કામ કરે તેના વાતાવરણમાં જોખમો અને આરોગ્યની સલામતીને અનુલક્ષીને સુધારણા કરવી તથા કામ દરમ્યાન કામદારોને આરોગ્ય અને સલામતી માટેની દોરવણી આપવી.

કૃષિમાં રહેલી આરોગ્યલક્ષી જોખમો :

                કૃષિમાં જોખમ એટલે કે કૃષિકાર્યમાં રોકાયેલ માનવોને કૃષિ કામગીરી દરમ્યાન શારીરિક અથવા માનસિક રીતે આરોગ્યને નુકસાન થવા પામે તેને જોખમ કહેવાય કે જે વાતાવરણ,સાધનો,ઓજારો,પાક અને પશુઓ/પ્રાણીઓ મારફતે થઇ શકે છે.આ બાબત ધ્યાને લઇ કૃષિમાં રહેલ નીચે દર્શાવેલ જોખમો વિષે જાણી તેની માનવ આરોગ્ય ઉપર થતી હાનિકારક અસરો સામે કઇ રીતે સમયસર રક્ષણ મેળવી શકાય તે જાણવું જરૂરી છેઃ

() ભૌતિક જોખમો :

                કૃષિ કામદારોને નીચે દર્શાવેલ પરિબળોથી ભૌતિક જોખમો ઊભા થતા હોય છે.

() વધુ પડતી ગરમી અથવા ઠંડી :

                કુદરતી વાતાવરણમાં ખેતી કરવામાં આવે છે ગરમ ઉનાળાના દિવસોમાં ખેતીમાં કાર્યરત કામદારોના શરીર ઉપર સીધો જ સૂર્યનો તડકો પડે છે. ઊંચુ ઉષ્ણતામાન,ઊંચો ભેજ અને સૂર્યપ્રકાશને કારણે કૃષિ કામદાર ઉપર ગરમીથી તણાવ, હીટ સ્ટ્રોક,ગરમીને કારણે  ખેંચ આવવી,ગરમીથી થકાવટ અને ચામડી ઉપર એલર્જી કે બળતરા વગેરેમાં વધારો થાય છે.તેની આડકતરી અસરો થવાને કારણે કૃષિ કામદારની કાર્યક્ષમતા ઘટે છે,થાક વર્તાય છે અને અકસ્માતના પરિણામમાં વધારો જોવા મળે છે.ગરમીને કારણે હાથપગમાં વધુ પરસેવો થવાને કારણે કાર્ય કરતી વખતે અન્ય ઇજા થવાનો પણ સંભવ રહે છે.આવી તનાવભરી પરિસ્થિતિમાં શારીરિક કામ કરવાને કારણે કૃષિ કામદારોના આરોગ્ય ઉપર હાનિકારક અસર થાય છે.શિયાળાના ઠંડા દિવસો દરમ્યાન કૃષિ કામદારોએે ઠંડીનો સામનો કરવો પડે છે.ઠંડીને કારણે હીમથી ચામડી સૂજી જવી,ઠંડીને કારણે પગ જકડાઇ જવા અને હાયપોથર્મિયા(શરીર ઠંડુ થઇ જાય)વગેરે નુકસાન થાય છે.આ માટે વાતાવરણમાં ઠંડી ને સંબંધિત નીચું ઉષ્ણાતાપમાન,ઠંડા સૂસવાટા પવનો,ભીનાશ અને ઠંડુ પાણી વગેરે જવાબદાર છે.વરસાદ અને ઠંડી બંનેને કારણે શ્વસનતંત્રમાં ચેપ લાગે છે અને ચામડી ફાટી જાય છે.

() અવાજ/ઘોંઘાટ :

                કૃષિ કામદારો લાંબા સમય સુધી ટ્રેકટર,કમ્બાઇન્સ,ચોપર્સ,ગ્રેઇન ડ્રાયર્સ વગેરે મશીનનો ઉપયોગ કરી કાર્ય કરે ત્યારે તેના વધારે પડતા અવાજ/ઘોંઘાટને કારણે શ્રવણશકિતની  ક્ષમતામાં કાયમી ધોરણે ઘટાડો થવા પામે છે સિવાય કે તે મોટેના યોગ્ય પગલાં લીધેલા હોય.કેટલા પ્રમાણમાં શ્રવણશક્તિની ક્રિયામાં ઘટાડો થાય છે તેનો આધાર કેટલો સમય અને કેટલી તીવ્રતાથી કામદાર અવાજ/ઘોંઘાટ સાથે રહે તેના ઉપર આધારીત છે.જોે ૮૫ ટકા ડેસિબલથી વધુ અવાજમાં આઠ કલાક જેટલો સમય કામદારો ગાળે તો તેની શ્રવણશકિત ઘટવાનું જોખમ રહે છે.આમ વ્યવસાયને કારણે ઘોંઘાટયુકત વાતાવરણને કારણે કાયમી રીતે શ્રવણશક્તિનો નાશ થવાની શકયતા રહે છે જે સંશોધનથી પ્રસ્થાપિત થયેલ છે.

() મર્યાદિત જગ્યાઓ :   

                કૃષિ કામદારો એવી મર્યાદિત જગ્યાઓમાં આવજા કરે કે જ્યાં પ્રતિકુળ પરિસ્થિતિ હોય તેના કારણે પણ આરોગ્ય ઉપર અસર થવા પામે છે.આવી જગ્યાઓમાં કોલ્ડ સ્ટોરેજ(શીતાગાર)અને જમીનમાં બાંધવામાં આવેલ ઓરડાઓ છે કે જ્યાં હવાની પુરતી અવરજવર હોતી નથી.આવી જગ્યાઓમાં ફકત કૃષિ કામદારો જ નહી પરંતુ તે સ્થળોએ મુલાકાત લેનાર વ્યકતિઓને પણ વધુ સમય રહેતાં આરોગ્યને નુકસાન થવા સંભવ છે.

() રોશની(પ્રકાશ) :

                કામદારોએ ઘણી વખત ઓછી રોશની(પ્રકાશ)કે વધુ પડતી રોશનીમાં કામ કરવું પડે છે.જો રોશની ઓછી હોય તો આંખો ઉપર તણાવ પડે છે,માથું દુઃખે છે,આંખોમાં દર્દ થાય છે અને આંખોમાં થાક વર્તાય છે.વધુ પડતી રોશનીથી આંજી નાખે એવો પ્રકાશ આવતાં અગવડ ભરેલું લાગે છે અને આંખોને થાક વર્તાય છે.એકદમ આંજી નાખે તેવા પ્રકાશને કારણે ઝાંખુ દેખાતાં અકસ્માત થવાનો ભય રહે છે.આથી રાત્રે કે દિવસે,અંદર કે બહાર કામ કરતા કૃષિ કામદારોને પુરતા પ્રમાણમાં અને અનુકુળ લાગે તેવી કુદરતી કે કૃત્રિમ રોશની મળવી જોઇએ.

() રાસાયણિક જોખમો :

                ખેતીપાકોમાં વધુ ઉત્પાદન મેળવવા માટે રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે.તેનો ઉપયોગ જમીનને તૈયાર કરતી વખતે, બીજ માવજત તરીકે રોગના નિયંત્રણ માટે,નીંદણોને દૂર કરવા માટે અને અનાજને સંગ્રહ કરવા માટે કરવામાં આવે છે.રસાયણોે સામાન્ય રીતે શ્વાસ મારફતે અને ચામડી ધ્વારા આપણા શરીરમાં દાખલ થાય છે.જંતુનાશક રસાયણો અને અન્ય કૃષિ રસાયણોની ઝેરી અસર થતાં માંદગી કે મોત અને કેટલાકને કેન્સર થાય છે.

                કૃષિ રસાયણોના કારણે આરોગ્યને થતા નુકસાનનો આધાર કયા પાકની ખેતી છે,કયુ કૃષિ રસાયણ વાપરેલ છે,તેને આપવાની પદ્ધતિ કઇ છે,રસાયણ સામે વ્યકિતગત સંવેદનશીલતા કેવી છે અને હવામાનની પરિસ્થિતિ કેવી છે વગેરે ઉપર રહેલો છે.જંતુનાશકો તરીકે ગેસનો ઉપયોગ(જેવા કે હાઇડ્રોજન સલ્ફાઇડ,ફોસ્જીન,કલોરીન વગેરે)કરવામાં આવે તો તેનાથી મોં-નાક વાટે શ્વસનતંત્રમાં જતાં ઝેરી અસર થતાં શ્વાસનળીની હાયપરએકટીવિટી જોવા મળે છે.વ્યવસાયિક રોગો થવાનું કારણ જંતુનાશક દવાઓમાં રહેલ રાસાયણિક પદાર્થો છે.આવા પદાર્થો દવાયુકત હાથે ખોરાક લેતાં  કે ધૂમ્રપાન કરતાં શરીરમાં દાખલ થઇ નુકસાન કરતા હોય છે.ખેતીમાં જંતુનાશક દવાઓનો કેટલાક શાકભાજી ઉપર છંટકાવ કરતાં તેની અસરોને કારણે કૃષિ કામદારોમાં વ્યવસાયિક રીતે ત્વચાકોષ(ડરમેટીટીસ)થાય છે જેમાં ચામડી ઉપર લાલ ચકામાં પડે છે ને ખંજવાળ આવે છે,ફોલ્લીઓ કે ફોલ્લા પણ થાય છે.

() યાંત્રિક જોખમો :

                કૃષિમાં ઉપયોગમાં લેવાતી મશીનરી કે તેના ભાગો મારફતે યાંત્રિક જોખમો પેદા થાય છે.ખેતરમાં મશીનરીના ઉપયોગ કરતી વખતે કૃષિ કામદારોને શરીરે ઇજા થવાનું ને કોઇવાર મોતનું જોખમ રહે છે.યાંત્રિકરણની સાથે સંકળાયેલ જોખમોમાં મશીનરીના પાર્ટસની હેરફેર કરવી,મશીનરીની ધાર કાઢવી,ઊંચા વીજ દબાણવાળા સાધનો/મશીનોનો ઉપયોગ કરવો,ગરમીવાળી સપાટી,માલ લઇ જનાર ભારવાહક વાહનો વગેરેમાં ગમે તે કારણોસર ભાંગફોડ થાય કે સળગે કે તુટી જાય કે અકસ્માત થાય થાય ત્યારે કૃષિ કામદાર ઉપર જોખમ ઊભું થવા પામે છે.જેથી ઉપરોકત તમામ કામગીરી કૃષિ કામદારોએ સાવચેતી પૂર્વક અને સલામતીને ધ્યાને લઇ કરવી જોઇએ.કૃષિ મશીનરીના વિવિધ ભાગોમાં ઓઇલ અને ગ્રીસ લગાવવાને કારણે વ્યવસાવિક જોખમ તરીકે ખીલ થવા સંભવ રહે છે.

                ટ્રેકટર અને હાર્વેસ્ટર જેવી મશીનરીના ઉપયોગ વખતે ઇજા થાય તો મોતનું જોેખમ વધુ રહે છે.કંપન(આંચકા)આપનાર મશીનરી તેમજ સીડ ડ્રિલ,ટ્રેકટર,હાર્વેસ્ટર,થ્રેસર,હેમર વગેરે સાથે કામ કરતા કામદારોને માંદગી અને ઇજા થવાનું જોખમ વધુ રહે છે.તેમાં હાથ અને હાથના  પંજા ને આંગળીઓને અસર થવા સંભવ છે.કંપનને કારણે હાથ,કોણી કે ખભાના સાંધા ઉપર ઇજા થવાનો ભય રહે છે.આવી કામગીરી કરતા કૃષિ કામદારોને સલામત રીતે મશીનરી કે વાહન ચલાવવા માટેની તાલીમ આપવામાં આવતી નથી.

() ઇલેકટ્રીક(વીજળીને લગતા) જોખમો :

                જો વીજળીથી ચાલતા સાધનોનો બેકાળજીપૂર્વક ઉપયોગ કરવામાં આવે તો માનવ કે પશુ-પ્રાણીઓને વીજળીનો કરંટ લાગે છે તેમજ સાધનને આગ લાગતાં નુકસાન થવા પામે છે.જો વિજળીની લાઇન પસાર થતી હોય અને યોગ્ય ઇન્સયુલેશન ન કરેલ હોય તો પણ વીજળીથી નુકસાન થવાનું જોેખમ રહે છે.જ્યારે વીજળીથી ચાલતા યાંત્રિક મશીનોનો ઉપયોગ કરવામાં આવે ત્યારે આ બાબતે વધુ કાળજી રાખવી જરૂરી છે.જો પાકની કાપણી બાદ ઉપયોગમાં લેવાતાં સાધનો જેવા કે થ્રેશર,ઉણપવાનો પંખો વગેરે અંગે કૃષિ કામદાર બેકાળજી દાખવે તો તેના જીવનને જોખમ રહે છે.તેથી આવા મશીનો કે સાધનો ચલાવતી વખતે કૃષિ કામદારે સ્લીપર કે બુટ અવશ્ય પહેરવા જોઇએ અને જે જગ્યાએ મશીન મૂકેલ હોય તે જગ્યા ભીની હોવી જોઇએ નહિ.

()  જૈવિક જોખમો :

                ખેતી, બાગાયતી, ઘાસચારો કે વૃક્ષોની સાથે સંકળાયેલ કામદારોને જીવાણુ,ફુગ,માઇટસ વડે તેમજ પશુઓ, પ્રાણીઓ,પરોપજીવીઓ  અને માંકડ જેવા કીટકો ધ્વારા ચેપ લાગવા જોખમ રહે છે.ધાન્ય પાઉડર, લોટ,મરીમસાલા વગેરેની કામગીરી દરમ્યાન ઉડતી ધૂળને કારણે શ્વસનતંત્રને ચેપ લાગતાં ખેડૂતોને,એલર્જી થાય છે ને ફેફસામાં શ્વાસ લેવાની,દમ વગેરે તકલીફો પેદા થાય છે.કૃષિ કામદારોને પરોપજીવીઓ મારફતે પણ ચેપ લાગે છે.જંગલી જીવો અને કીટકોના વહન મારફતે પણ કેટલાક રોગોનું જૈવિક જોખમ રહે છે.કેટલાક છોડનો સ્પર્શ એલર્જી પેદા કરે છે જેમ કે કોંગ્રેસ ઘાસ.ખેતીમાં કામ કરતા કામદારો કે ખેડૂતો શ્વસનતંત્રના અનેકવિધિ રોગોથી પીડાય છે જેવા કે ન્યુમોનિયા,દીર્ધકાલિન બ્રોન્કાઇટિસ,કફ ને શ્વાસ લેવામાં મુશ્કેલી, એમ્ફિસીમા, કાર્ડિયાક અપૂર્ણતા વગેરે.  

                કૃષિ કામદારોને ખેતીના કાર્યોે કરતી વખતે ઉડતી ધૂળને કારણે માંદગી સાથે તાવ,માથાનો દુઃખાવો અને સ્નાયુનો દુઃખાવો જેવા  લક્ષણો પેદા થાય છે.મોલ્ડયુક્ત ઘાસ,સ્ટ્રો અને દાણામાંથી ઉડતી ધૂળ શ્વાસમાં જતાં ખેડૂતોને એલર્જી થાય છે.આવી ધૂળ બારેબાર ફેફસામાં જાય તો ફેફસાં કઠણ બનતાં દીર્ઘકાલિન બ્રોન્કાઇટિસ અને વ્યવસાયિક દમ(શ્વાસ)ની તકલીફ પેદા થાય છ.શાકભાજીની કાપણી સમયે ઉડતી ધૂળ પણ નુકસાન કરે છે.

()  ખેતીની કામગીરી દરમ્યાન શારીરિક જોખમો :

                ખેતીના ભારે કાર્યો કરતી વખતે શરીરને વધુ જોર આપી અયોેગ્ય રીતે અગવડદાયક સ્થિતિમાં  રાખવામાં આવે ત્યારે આવા શારીરિક જોખમો પેદા થાય છે.ઘણા કૃષિ કામદારો પાંચથી છ કલાક કામ કરતી વખતે એક જ સ્થિતિમાં રહી કામ કરે ત્યારે સ્નાયુ ને હાડકાંમાં દુઃખાવો થાય છે કારણકે તેનાથી ગરદન,ખભા,કોણી,હાથ,કાંડા.આંગળીઓ,પીઠ વગેરેના સ્નાયુ અને સાંધાઓ ઉપર તનાવ આવતાં ખરાબ અસર થાય છે.સામાન્યતઃ પરંપરાગત રીતે વપરાતાં સાધનો અને પદ્ધતિઓ વધુ માનવ શકિત માંગે છે અને જોખમમાં વધારો કરે છે.આવું નુકસાન એકની એક કામગીરી વધુ સમય સુધી કરવામાં આવે ત્યારે સ્નાયુ-સાંધાનો દુઃખાવો કાયમી બની જાય છે.આની સીધી અસર કામદારોના શારીરિક વજનના આંક(બીએમઆઇ)ઉપર અસર થાય છે.આવા જોખમો દૂર કરવા માટે સારી રચના ધરાવતાં મશીનો કે સાધનો વાપરવાં જોઇએ અને એક સ્થિતિમાં વધુ સમયમાં રહી કાર્યો ન કરવાં જોઇએ.

જોખમો અટકાવવા માટેના અસરકારક ઉપાયો :

                કૃષિ કામદારોને વિવિધ જોખમોનો સામનો કરવો પડે છે જેથી તેઓને આરોગ્યના જોખમો સામે રક્ષણ પૂરૂ પાડવું જરૂરી  છે. જોખમની સમયસર ઓળખ,ચકાસણી,સારવાર વગેરે માટે અસરકારક વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે.જે તે કૃષિ કામગીરીની જગ્યા એ સંભવિત જોખમો નિવારવા માટે નિયમિત ધોરણે તપાસ કરવી જોઇએ.દરેક પ્રવૃતિ/કાર્ય માટેના જોખમો જાણી તેને અટકાવવા અને નિયંત્રણ કરવા માટેના ચોક્કસ રચનાત્મક ઉપાયો હાથ ધરવા જોઇએ જેથી જોખમનું નિવારણ કરી શકાય.

જોખમની નાબૂદી :

                આ જોખમ નિયંત્રણ માટેનું પ્રથમ પગલું છે.જો જોખમને દૂર કરવામાં આવે તો ઇજા થવાનો ભય રહેતો નથી.જો જોખમને દૂર કરી શકાય તેમ ન હોય તો સલામત મટીરિયલ,પ્રક્રિયા કાર્ય કે સાધનની દેખરેખ રાખી જોખમ ઓછુ કરી શકાય.

ઇજનેરી નિયંત્રણ :

                ઇજનેરી નિયંત્રણ એટલે કે મશીનરીની રચનામાં એવો ફેરફાર કરવો કે જેથી જોખમ દૂર થાય અથવા તો જોખમની તીવ્રતામાં ઘટાડો થવા પામે.કામગીરી માટેનું વાતાવરણ અને કામગીરીની રચના એવી રીતે કરવી કે જેથી જોખમનું પ્રમાણ ઘટે.જો જોખમને દૂર કરવાનું શકય ન હોય તો મશીનરીના ભાગો બદલતી વખતે સલામતીના ઉપાયો હાથ ધરવા કે જેથી જોખમ ઘટે.કામગીરીની જગ્યાની એવી રચના કરવી કે જેથી શરીરને અગવડ ન પડે તે સ્થિતિમાં મશીનરીને રાખી કાર્ય કરી શકાય અને શરીરના સ્નાયુઓને કોઇ કષ્ટ ન પહોંચે.

વહીવટી નિયંત્રણ :

                જોખમો અંગેના વહીવટી નિયંત્રણમાં તાલીમ કામગીરી/કાર્યનું આયોજન,કામગીરીમાં વારાબંધી અને સમયપત્રક,કાર્ય પદ્ધતિમાં ફેરફાર,કામગીરીના સ્થળે સંરક્ષણ,કામગીરીના સમયમાં ઘટાડો વગેરેનો સમાવેશ થાય છે.આમ વહીવટી રીતે ચોક્કસ પ્રકિયા દરમ્યાન  દૈનિક સમયે મર્યાદિત રીતે યોગ્ય પ્રમાણમાં કામગીરી કરાવતાં જોખમનું નિયંત્રિત કરી સલામતી અને આરોગ્ય નિયમોનું પાલન કરી શકાય છે.કામની કાર્ય પદ્ધતિ ધ્વારા નિયંત્રણ  રીતે કામદારો કામ કરતા થાય છે જેમાં કામ કરવાની ટેવમાં ફેરફાર,સ્વચ્છતા અને આરોગ્યલક્ષી સુધારણા અથવા કામગીરી માટે અન્ય કામગીરી માટે અન્ય જરૂરી ફેરફાર કરવા વગેરેનો સમાવેશ થાય છે.

વ્યકતિગત સંરક્ષક સાધનોઃ

                જો કોઇ કારણોસર જોખમ કે ભય દૂર કરવાનું શકય ન હોય તેવા સંજોગોમાં છેલ્લા વિકલ્પ તરીકે વ્યકિતગત સંરક્ષક સાધનોનો ઉપયોગ કરી જોખમને ટાળી શકાય છે પરંતુ તેને અટકાવી શકાતું નથી.ખેતીકાર્યો દરમ્યાન આંખોના રક્ષણ માટે ચશ્મા,પગના રક્ષણ માટેના બુટ,હાથમોજા,શ્રવણશકિતના રક્ષણ તેમજ શ્વસન માટેનો,સાધનોજ,હેલ્મેટ અને કોટ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે.વ્યક્તિગત સંરક્ષણ સાધનોના અસરકારક ઉપયોગ અંગે કૃષિ કામદારોને યોગ્ય માહિતી,સૂચનાઓ અને તાલીમ આપવી જરૂરી છે.

                આમ વિકસિત દેશો કે જ્યાં ખેતી ક્ષેત્રે વિશાળ સંખ્યામાં કામદારો કામગીરી કરે છે તેઓને અનેકવિધ જોખમો અને ભય સામે રક્ષણ પુરૂ પાડવા તેમજ તેઓની ઉત્પાદકતા અને અસરકારકતામાં વધારો કરવા માટે જોખમો દૂર કરવા માટેના આદર્શ ઉપાયો હાથ ધરવા જોઇએ.


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મિંગ, જુલાઇ-2021


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *