ખેડૂતોની સમૃદ્ધિ માટે પોલીહાઉસમાં શાકભાજી ઉત્પાદનની ટેકનોલૉજી (Polyhouse vegetable production technology for farmer’s prosperity)

                સમગ્ર ભારતમાં હવે વાસ્તવિક સ્વરૂપે પૉલીહાઉસમાં પાક ઉત્પાદન થવા લાગ્યું છે. યુરોપમાંથી ઉદભવેલ ગ્રીનહાઉસના ઉપયોગથી મળેલ ઉત્પાદનની સફળતાને લઈ વિશ્વના અન્ય ભાગોમાં તેનો પ્રસાર થયો છે. ઉત્તર યુરોપ થી વિશ્વના અન્ય ભાગોમાં વિવિધ ખેત હવામાન પરિસ્થિતિને કારણે આ ટેક્નોલૉજી સરળ રીતે અપનાવવી શક્ય નથી તેમ જોવામાં આવેલ છે. છેલ્લા 20 વર્ષોમાં ગ્રીનહાઉસના ઉત્પાદન માટે આમૂલ પરિવર્તન જોવા મળેલ છે જેમાં ગ્રીનહાઉસનું માળખુ, તેને આવરિત કરવા માટે વપરાતા પદાર્થો, મલ્ચિંગ, છોડની કેળવણી અને છાંટણી, ઊંચુ ઉત્પાદન આપતી જાતોનો ઉપયોગ, પરાગનયન માટે કીટકોનો ઉપયોગ, હવામાન નિયંત્રણ, જમીનનું સૌરકરણ, પોષણ વ્યવસ્થાપન અને અન્ય ટેકનોલૉજીનો સમાવેશ થાય છે. દેશના લોકોના જીવનધોરણમાં સુધારો થતાં ઊંચી ગુણવત્તા અને સલામત બાગાયતી પેદાશોની માંગમાં વધારો થવા પામેલ છે.   

        ગ્રીનહાઉસની ખેતીમાં તાપમાન, ભેજ, પ્રકાશ અને દિવસની લંબાઈ, પવન અને અંગારવાયુની સાંદ્રતા વગેરે હવામાનની સ્થિતિઓનું નિયમન કરવામાં આવે છે તેમજ ગ્રીનહાઉસની ટેકનોલૉજી યુવાનોને રોજગારી અને આવક પુરી પાડશે તેવું માનવામાં આવે છે. દેશના આદિવાસી વિસ્તારોમાં ઓછા દબાણવાળી ટપક પિયત પદ્ધતિ અને ઓછા ખર્ચે નર્સરી ઉછેરવાની ટેકનોલૉજી આજીવિકાની સુરક્ષા માટે અનુકુળ છે. છેલ્લા બે વર્ષમાં ઝારખંડ અને મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તારમાં આ બે ટેક્નોલૉજીનો અમલ દેશના અન્ય ભાગોમાં રહેતા નબળા સંસાધનો ધરાવતા આદિવાસી ખેડૂતો કરે તે માટેના પ્રયાસો કરવા જોઈએ.  

હવામાન આધારિત પોલીહાઉસની રચના :

        પૉલીહાઉસમાં મોટા ભાગના છોડ સરેરાશ 170 થી 270 સે. તાપમાનમાં હૂંફાળી ઋતુમાં થાય છે જેમાં ઓછામાં ઓછું 100 સે. અને વધુમાં વધુ 350 સે. તાપમાનમાં પણ છોડ થાય છે. જો બહારનું સરેરાશ તાપમાન 100 સે. થી વધુ હોય તો ખાસ કરીને રાત્રિના સમયે ગરમી (હીટીંગ) ની જરૂર રહે છે. જો બહારનું સરેરાશ વધુમાં વધુ તાપમાન 270 સે. હોય તો વેન્ટિલેશન ધ્વારા દિવસ દરમ્યાન અંદર વધતું તાપમાન અટકાવી શકાય છે. તેમ છતાં જો સરેરાશ વધુમાં વધુ તાપમાન 270 સે.થી ઓછું હોય તો કૃત્રિમ કૂલિંગ કરવું જરૂરી છે. ગ્રીનહાઉસમાં લાંબા સમય માટે તાપમાન 300 થી 350 સે. થી વધવું ન જોઈએ.   

હાઈટેક નર્સરી ઉછેર :

        શાકભાજીમાં ઊંચી ઉત્પાદકતા અને ગુણવત્તાની ખાત્રી માટે યોગ્ય સમયે સારી ગુણવત્તા ધરાવતા બીજનો ઉપયોગ કરવો એ સસ્તો અને મહત્વનો રસ્તો છે. સામાન્ય રીતે ભારતમાં ખેડૂતો ખુલ્લા ખેતરોમાં શાકભાજીના ધરૂ ઉછેરે છે કે જે મોટે ભાગે ઉતરતી ગુણવત્તાવાળા હોય છે. એકબાજુ ગરમ ઉનાળો અને ચોમાસા દરમ્યાન ધરૂ ઉછેરતાં જમીનજન્ય ફુગ અને કૃમિના ઉપદ્રવને કારણે ગંભીર પ્રશ્નો પેદા થાય છે જ્યારે બીજી બાજુએ વધુ ઊંચા ખર્ચે મળતા શાકભાજીના સંકર બિયારણો ખેડૂતોને પરંપરાગત નર્સરી ઉછેર પદ્ધતિમાં ફેરફાર કરી શાકભાજીની ઉત્પાદકતા અને ગુણવત્તામાં વધારો કરવાની ખાત્રી આપે છે. આજકાલ પ્લગ ટ્રે નર્સરીમાં છોડ ઉછેરવાનો ધંધો વિકસ્યો છે. આ પદ્ધતિ હેઠળ ગ્રીનહાઉસના નાના વિસ્તારમાં જમીન વિહોણા માધ્યમ ધ્વારા પ્લાસ્ટિક પ્લગ ટ્રેમાં મુખ્ય ઋતુમાં અથવા ઋતુ સિવાય (ઑફ સીઝન)ના સમયે પણ શાકભાજી ઉગાડી શકાય છે. દેશના મુખ્ય શાકભાજી ઉગાડતા વિસ્તારોમાં કૃષિ ઉદ્યોગસાહસિકો સફળ થયા છે.    

શૂન્ય ઊર્જાવાળા કુદરતી હવાની અવરજવરવાળાં ગ્રીનહાઉસ (ઝીરો એનર્જી નેચરલી વેન્ટિલેટેડ) માં ઊંચુ મૂલ્ય ધરાવતા શાકભાજીની ખેતી :

        કુદરતી હવાની અવરજવર સંરક્ષિત માળખુ ધરાવતા ગ્રીનહાઉસ કે જેમાં હવામાનના નિયંત્રણ માટે કોઈ હીંટિંગ કે કૂલિંગના સાધનો હોતા નથી. આ સાદા અને મધ્યમ ખર્ચવાળા ગ્રીનહાઉસ છે તેનો ચોરસ મીટર દીઠ ` 650 થી 700 નો ખર્ચ થાય છે. જેનો ઉપયોગ 8 થી 9 માસ દરમ્યાન કાકડી, ટામેટી, ઑફ સીઝનમાં સક્કરટેટી અને સિમલા મરચાં (સ્વીટ પીપર) સફળતાપૂર્વક અને અસરકારક રીતે ઉગાડવા માટે થાય છે. તેના બાંધકામમાં જરૂર મુજબ માનવ વડે સંચાલિત ક્રોસ વેન્ટિલેટેડ સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે. મેટ્રોપોલિટન શહેરોમાં આવેલ પંચતારક હોટલો અને એમ્બેસીની શોપ વગેરે ખાતે સમગ્ર વર્ષ દરમ્યાન આવા ઊંચુ મૂલ્ય ધરાવતા શાકભાજીની બજારમાં ઊંચી માંગ રહે છે. આવા ઊંચી ગુણવત્તાવાળા શાકભાજી ખરીદવા માટે તેઓ ઊંચુ મૂલ્ય ચૂકવવા માટે તૈયાર હોય છે. તેથી દેશના મેટ્રો શહેરોમાં આવી ટેકનોલૉજી ધરાવતા નફાકારક સાહસો શરૂ કરવા જોઈએ.  

શેડ નેટહાઉસમાં ઑફ સીઝનમાં શાકભાજીની ખેતી :   

        શેડ નેટસ વળી શકે તેવા પ્લાસ્ટિક મટીરિયલ્સમાં બનાવેલ હોય છે કે જે સૂર્યપ્રકાશને પ્રવેશતો અટકાવી તાપમાનને મર્યાદિત રાખી ઊંચા તાપમાનને કારણે છોડના પાન ઉપર થતી નુકસાનકારક અસરને અટકાવે છે. આવી નેટ 25 ટકાથી 75 ટકા શેડવાળી મળી રહે છે. સામાન્ય રીતે લીલાં પાંદડાંવાળાં શાકભાજીની શેડ નેટમાં ઉછેરવા માટે ભલામણ કરવામાં આવે છે કારણ કે ખુલ્લા ખેતરોની સ્થિતિ કરતાં શેડ નેટમાં છોડનો વિકાસ સારો થાય છે.  

વૉક-ઈન-ટનલમાં ઑફ સીઝનમાં શાકભાજીની ખેતી :

        દેશના ઉત્તરીય મેદાનોમાં શિયાળુ ઋતુમાં ઑફ સીઝનમાં વેલાવાળા શાકભાજીની ખેતી કરવા માટે વૉક-ઈન-ટનલ એ સરળ અને નફાકારક ટેકનોલૉજી છે. આ પ્રકારનું કામચલાઉ માળખું જી.આઈ. પાઈપો અને પારદર્શક પ્લાસ્ટિકના ઉપયોગ વડે ઊભું કરવામાં આવે છે અને તેનો સંપૂર્ણ ઉપયોગ ઑફ સીઝનમાં થતા શાકભાજી ઉગાડવા માટે થાય છે. વૉક-ઈન-ટનલનું આદર્શ માપ 4 મીટર પહોળાઈ અને 30 મીટર લંબાઈ (120 ચો.મી.) છે. તેને ઊભુ કરવાનો કુલ ખર્ચ ` 18,000 થી 25,000 થાય છે. તેનો પ્રાથમિક હેતુ ઑફ સીઝનમાં શાકભાજીના ઊંચા ભાવો મેળવી એકમ વિસ્તાર દીઠ વધુ નફો મેળવવાનો છે.  

પ્લાસ્ટિક લો ટનલ હેઠળ ઑફ સીઝનમાં શાકભાજીની ખેતી :

        શિયાળુ ઋતુમાં જ્યારે તાપમાન 80 સે.થી નીચે હોય ત્યારે ખુલ્લા ખેતરોમાં એક કે વધુ શાકભાજીની હારમાં છોડના આજુબાજુની હવાને હૂંફાળી રાખી છોડના વિકાસમાં વધારો કરવા માટે ફ્લેક્સીબલ પારદર્શક કવર ધરાવતી પ્લાસ્ટિક લો ટનલ ઊભી કરવામાં આવે છે. જી.આઈ.વાયર અને 20 થી 30 માઈક્રોનવાળા પારદર્શક પ્લાસ્ટિકનો ઉપયોગ કરી લો ટનલ તૈયાર કરવામાં આવે છે. ઑફ સીઝનમાં કારેલી અને ગોળ તડબૂચની માંગ વધુ રહેતી હોઈ તેના ઊંચા ભાવો મળે છે અને પ્લાસ્ટિક લો ટનલમાં તે સફળતાપૂર્વક ઉછેરી શકાય છે. ભારતના ઉત્તરના મેદાનોમાં રહેતા ખેડૂતો માટે આ ટેકનોલૉજી વધુ અનુકુળ અને નફાકારક છે.   

સુરક્ષિત સ્થિતિમાં શાકભાજીનું ગુણવત્તાયુક્ત બીજ ઉત્પાદન :

        છેલ્લા થોડા વર્ષોમાં સંરક્ષિત ખેતીમાં ઊંચું મૂલ્ય ધરાવતા મહત્વના શાકભાજીના ઊંચી ગુણવત્તા ધરાવતા સંકર બિયારણોનું ઉત્પાદન થવા લાગ્યું છે. સામાન્ય રીતે અર્ધ-હવામાન નિયંત્રિત ગ્રીનહાઉસ ટામેટી, સિમલા મરચાં, કાકડી વગેરે જેવા ઊંચુ મૂલ્ય ધરાવતા શાકભાજી પાકોની સંકર જાતોના બીજ ઉત્પાદન માટે અનુકુળ છે. તેમાં ખુલ્લા ખેતરોની સરખામણીએ સામાન્ય રીતે બીજનું ઉત્પાદન 2 થી 3 ગણું અને બીજ ઉત્પાદનનો ખર્ચ ફક્ત ત્રીજા ભાગનો થાય છે. આ માટે મોટે ભાગે કીટકો પ્રવેશી ન શકે તેવા નેટહાઉસ અને ઓછા ખર્ચ ધરાવતું સંરક્ષિત માળખુ અનુકુળ છે જેનો ઉપયોગ અનેક શાકભાજીના ગુણવત્તા યુક્ત બીજ ઉત્પાદન માટે થાય છે.    

પાક સંરક્ષિત નેટસ :

        છોડને વધુ સૂર્યપ્રકાશ, પક્ષીઓ, કીટકો, બરફ (સ્નો), હિમના તોફાનો, પવન, ભારે વરસાદ વગેરેથી રક્ષણ આપવા માટે નેટ જરૂરી છે. હવામાનની સ્થિતિ સામે ટકી શકે તેવી વિવિધ મેશના માપની અથવા મજબૂતાઈ ધરાવતી વિવિધ નેટમાંથી જરૂરિયાત મુજબના માપની નેટ પસંદ કરવામાં આવે છે. આવી નેટનો શાકભાજીની ખેતી માટે અસરકારક રીતે ઉપયોગ કરવામાં આવે છે.   

હાઈડ્રોપોનિકસ પદ્ધતિ :

        ગ્રીનહાઉસમાં શાકભાજી પેદા કરવા માટે હાઈડ્રોપોનિકસ રીતનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં શાકભાજીના પાકને પોષણની જરૂરિયાત પુરી પાડી સંપૂર્ણ નિયંત્રણ હેઠળ ઊંચી ગુણવત્તા સહિત વધુ ઉત્પાદન મેળવાય છે. આ પદ્ધતિમાં ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિકનો ઉપયોગ કરી વિવિધ મીડિયામાં છોડ ઉછેરવામાં આવે છે. તેમાં પોલીથીલીન ટ્યુબમાં છોડને રાખી તેના મૂળતંત્રને પોષક પ્રવાહી પંપ મારફતે ટ્યૂબમાં આપવામાં આવે છે. કેટલીક પદ્ધતિમાં રોકવૂલનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં પાણી આપવા માટે એક જાતની ઓટોમેશન પદ્ધતિની જરૂર પડે છે.   

ગ્રીનહાઉસમાં શાકભાજી ઉત્પાદનનું અર્થકરણ :   

        ગ્રીનહાઉસનું બાંધકામ અને તેને ચલાવવું એ ખર્ચાળ છે. શેડ નેટ, ફર્ટિગેશન, ફોગર્સ અને વેન્ટિલેશન સહિત સારી રીતે સુસજ્જ એક એકર વિસ્તારના વેપારી ગ્રીનહાઉસનો ખર્ચ ` 35 થી 49 લાખની વચ્ચે થાય છે. તેની સામે ઓછા ખર્ચવાળા કુદરતી વેન્ટિલેટેડ સાદા ગ્રીનહાઉસ કે જેમાં પથ્થર કે લાકડાના થાંભલા અને પ્લાસ્ટિકની નાયલોન નેટહાઉસનો ઉપયોગ કરતાં સરેરાશ ખર્ચ ` 10 લાખ થાય છે અને તેમાં એક એકર દીઠ પાકની યોગ્ય કાળજી અને દેખરેખ માટે દૈનિક પાંચ મજૂરોની જરૂરિયાત રહે છે. તેમાં જાળવણી ખર્ચ ઓછામાં ઓછો થાય તે માટે હવામાનની સ્થિતિમાં વિક્ષેપ ઓછો આવે તેવા વિસ્તારો જેવા કે બેંગ્લુરૂ, પુના, નાસિક અને તેની આજુબાજુના વિસ્તારો આખુ વર્ષ દરમ્યાન શાકભાજીની ખેતી કરવા માટે આદર્શ છે. ઉનાળામાં ગરમ હવામાનને કારણે કૂલિંગ માટે ઊંચો ખર્ચ થાય છે જે ઉત્પાદન ખર્ચમાં વધારો કરે છે પરંતુ વેપારી ધોરણે મેળવાતા શાકભાજી ઉત્પાદનના બજારમાં ઊંચા ભાવો મળતાં આર્થિક રીતે ફાયદો થાય છે.

આર્થિક લાભો :

(1) ઉત્પાદન અને ગુણવત્તામાં વધારો :

        ગ્રીનહાઉસ અને હાઈ ટનલમાંનું નિયંત્રિત વાતાવરણ છોડના વિકાસ માટે યોગ્ય પરિસ્થિતિ પુરી પાડે છે. ખેડૂતો વિવિધ પાકોમાં પ્રકાશ, તાપમાન અને ભેજની આદર્શ સ્થિતિ પેદા કરી શકે છે.  

(2) વાવેતરની ઋતુમાં વિસ્તાર :

        સંરક્ષિત ખેતી નિયંત્રિત હવામાન પૂરૂ પાડે છે જેમાં તાપમાન અને ભેજનું નિયમન થાય છે. આ બાબત આખુ વર્ષ અથવા વાવેતરની ઋતુનો વિસ્તાર કરી પ્રતિકુળ હવામાનની પરિસ્થિતિના સમયે પણ પાકનું ઉત્પાદન મેળવી શકાય છે.   

(3) પાકમાં નુક્સાન ઘટાડવું :  

        પ્રતિકુળ હવામાન, જીવાત અને રોગો ધ્વારા થતા નુકસાનના જોખમ સામે રક્ષણ આપી શકાય છે. આમ પાકના નુકસાનમાં ઘટાડો થતાં નાણાકીય ઘટ ઓછી થાય છે અને ખેડૂતની આવકમાં વધારો થાય છે.  

(4) સંસાધનોની અસરકારકતામાં સુધારો :

        કૃષિમાં નિયંત્રિત વાતાવરણ પાણી અને ખાતરો જેવા સંસાધનોનો અસરકારક રીતે ઉપયોગ કરે છે. ચોકસાઈપૂર્વકનું પિયત અને પોષણ વ્યવસ્થાપનને પરિણામે સંસાધનોનો બગાડ ઘટે છે અને સરવાળે ખર્ચમાં બચત થાય છે.  

(5) પાક વૈવિધ્યકરણ :

        ગ્રીનહાઉસ અને હાઈ ટનલ પદ્ધતિ ખેડૂતોને પોતાના પાકોનું વૈવિધ્યકરણ કરવાની તકો પુરી પાડે છે. વિવિધ પાકોનો ઉછેર કરી ખેડૂતો બહુવિધ માર્કેટમાં તેની પેદાશ વેચી એક જ પાક ઉપર આધારિત રહેવાનું છોડે છે અને તે રીતે નાણાના જોખમથી દૂર રહે છે.    

(6) પાકની ગુણવત્તા અને વેચાણ ક્ષમતામાં વધારો :

        તેમાં બજારના સ્ટાન્ડર્ડ મુજબ ઊંચી ગુણવત્તા ધરાવતા પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે. ખેડૂતો ઉત્તમ ગુણવત્તાવાળી પ્રોડક્ટસનો અનુમાનિત જથ્થો પુરો પાડી બજારમાં તેના ઊંચા ભાવો જાળવી શકે છે.   

(7) ઊર્જાની અસરકારકતા અને ટકાઉતા :

        ગ્રીનહાઉસ ટેકનોલૉજીમાં આધુનિકરણનો ઉપયોગ અસરકારકતામાં સુધારો કરે છે. સોલર પેનલ, અસરકારક હીટિંગ અને કૂલિંગ પદ્ધતિ અને ઊર્જા બચત પદ્ધતિઓનો ઉપયોગ નોંધપાત્ર રીતે સંચાલન ખર્ચમાં ઘટાડો અને પર્યાવરણીય અસર કરે છે.   

(8) રોજગાર સર્જન :

        ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં સંરક્ષિત ખેતીની સવલતો ઊભી કરવા અને તેના સંચાલન માટે રોજગારીની તકો પેદા કરે છે. આમ રોજગારીના સર્જનથી સ્થાનિક અર્થકરણને ઉત્તેજન આપે છે અને સ્થાયી આવકનો સ્ત્રોત પુરો પાડે છે.  

(9) નિકાસ ક્ષમતામાં વધારો :  

        ઊંચી ગુણવત્તાવાળુ નિયમિત ઉત્પાદન આખુ વર્ષ મળી રહેતાં નિકાસની તકો ખુલે છે જેથી વિદેશી હૂંડિયામણમાં વધારો થશે અને કૃષિ ક્ષેત્ર સક્ષમ બનતાં દેશના અર્થકરણમાં નોંધપાત્ર ફાળો આપશે.  

(10) જ્ઞાનની આપલે અને નવિનીકરણ :

        સંરક્ષિત ખેતીને અપનાવવાથી કૃષિમાં સંશોધન અને નવિનીકરણમાં વધારો થયો છે. ખેડૂતો નિયંત્રિત વાતાવરણમાં કૃષિ અંગેનું નવું જ્ઞાન અને કુશળતા પ્રાપ્ત કરે છે જે ઉદ્યોગમાં નવા આધુનિકરણ તરફ દોરી જાય છે.   

પર્યાવરણીય લાભો :

(1) સંસાધનોનો અસરકારક ઉપયોગ :

        સંરક્ષિત ખેતીમાં પિયતનું ચોકસાઈપૂર્વક નિયંત્રણ થાય છે જેથી પાણીનો ઓછામાં ઓછો બગાડ થીય છે. ટપક પિયત પદ્ધતિ મારફતે છોડના મૂળતંત્રને પાણી આપતાં ખુલ્લા ખેતરમાં થતી ખેતીની સરખામણીએ સંરક્ષિત ખેતીમાં 70 ટકા પાણીના વપરાશમાં ઘટાડો થાય છે.    

(2) ઊર્જાની અસરકારકતા :

        આધુનિક ગ્રીનહાઉસની રચનામાં ઊર્જાની અસરકારક ટેકનોલૉજીનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં પેસિવ સોલર હીટિંગ, કુદરતી વેન્ટિલેશન અને ઊર્જા અસરકારક લાઈટિંગ સીસ્ટમનો સમાવેશ થાય છે. કૃષિ કાર્યોની એનર્જી ફૂટપ્રિન્ટ ઓછામાં ઓછી કરીને પરંપરાગત ખેતી કરતાં ગ્રીનહાઉસની ખેતીમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો કરે છે.  

(3) હવામાનની વિવિધતામાં અનુકુલનતા :

        હવામાનમાં થતો ફેરફાર હવામાનની પેટર્નમાં અનિશ્ચિત ફેરફારો લાવે છે જ્યારે સંરક્ષિત ખેતીમાં પરિસ્થિતિમાં ફેરફાર ધ્વારા અનુકૂલન સાધવામાં આવે છે. ગ્રીનહાઉસમાં નિયંત્રિત વાતાવરણમાં પાકોની ખેતી કરી શકાય છે કે જે વિપરીત હવામાનને કારણે પ્રતિકુળ પરિસ્થિતિને કારણે શક્ય નથી.

સામાજીક લાભો :  

(1) રોજગારીની તકો :

        સંરક્ષિત ખેતીનો એક મુખ્ય મહત્વનો સામાજીક લાભ રોજગારીની તકો પેદા કરવાનો છે. પૉલીહાઉસની સવલત માટે ખેડૂતો, ટેકનીસીયનો, સંશોધકો અને સપોર્ટિંગ સ્ટાફ વગેરે વિવિધ લોકોની જરૂર પડે છે. તે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્થાયી રોજગારી પુરી પાડે છે જેથી બેરોજગારીના દરમાં ઘટાડો થાય છે અને સ્થાનિક અર્થકરણમાં સુધારો થાય છે.  

(2) કુશળતાનો વિકાસ :  

        નિયંત્રિત વાતાવરણમાં ખેતી કરવા માટે ખાસ પ્રકારની કુશળતા અને જ્ઞાન જરૂરી છે. વ્યક્તિગત રીતે આ અંગેની કુશળતા પ્રાપ્ત કરી વધુ રોજગારક્ષમ બનાવે છે અને ઊંચુ વેતન મેળવી શકે છે.  

(3) સ્થાયી આવક :

        સંરક્ષિત ખેતીમાં આખુ વર્ષ ઉત્પાદન મળી રહેતું હોઈ કૃષિ કામદારોને સ્થિર આવક મળી રહે છે. પરંપરાગત ખેતી એ ઋતુ પ્રમાણે થતી હોઈ અસ્થાયી આવક થાય છે. ગ્રીનહાઉસ ખેતીમાં સ્થિર આવક મળી રહેતાં કુટુંબની ગરીબાઈ દૂર કરવામાં મદદ કરે છે અને નાણાકીય સલામતીને ટેકો પુરો પાડે છે.  

(4) સામાજીક સહયોગ :

        શૈક્ષણિક કાર્યક્રમો, વર્કશોપ અને જાહેર ઈવેન્ટ કે કાર્યક્રમો મારફતે સ્થાનિક સમાજ પોલીહાઉસ સવલતો સાથે જોડાયેલો રહે છે. આવી શરૂઆતને લઈ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રની વ્યક્તિઓ વચ્ચે સામાજીક ભાગીદારી અને સહકારનો વિકાસ થતાં એકબીજા સાથે મજબૂત રીતે જોડાય છે.   

(5) મહિલાઓનું સશક્તિકરણ :

        નિયંત્રિત વાતાવરણ અને ગ્રીનહાઉસની ટેકનોલૉજી મહિલાઓ માટે સુલભ બનતાં પોતાની રીતે કામના કલાકો નક્કી કરે છે, રોજગારીમાં જાતિગત અસમાનતામાં ઘટાડો કરે છે અને કૃષિ ક્ષેત્રે નેતાગિરિને લઈ મહિલાઓ સશક્ત બને છે.     

સારાંશ :

        ઊંચુ મૂલ્ય ધરાવતાં અને ઑફ સીઝનમાં થતાં શાકભાજીની માંગ વધતી જાય છે તે જોતાં સંરક્ષિત ખેતી કે ગ્રીનહાઉસ ધ્વારા વધુ ઉત્પાદકતા અને ગુણવત્તાવાળાં શાકભાજીનું વધુ ઉત્પાદન કરવાની ખાસ જરૂરિયાત છે. દિન-પ્રતિદિન વસ્તીમાં થતો વધારો, ઝડપી શહેરીકરણ અને ઔદ્યોગિકરણને કારણે પરંપરાગત રીતે થતી ખેતીમાં ફેરફાર કરી વિવિધતા લાવવી જરૂરી છે. નીચા દબાણયુક્ત ટપક પિયત પદ્ધતિ અપનાવી અને ઓછા ખર્ચે નર્સરી ઉછેર જેવી ટેકનોલૉજીનો ભારતના અન્ય પ્રદેશોમાં અમલ કરી દેશના સંસાધનોનો યોગ્ય ઉપયોગ ધ્વારા ગરીબ અને આદિવાસી ખેડૂતોનું ઉત્થાન કરવું જોઈએ.  


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, નવેમ્બર 2024    


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *