ખાસ કરીને વિશ્વમાં ભારત જેવા વિકાસશીલ દેશ માટે અન્નની સલામતી એ એક મોટો પડકાર છે. ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (IFPRI) ના એક અહેવાલ મુજબ વિશ્વ ભૂખમરા આંક (ગ્લોબલ હંગર ઈન્ડેક્ષ) 2017 મુજબ કુલ 119 દેશોમાં ભારત દેશ 100મા ક્રમાંકે છે. મલેશિયા, મેક્સિકો, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા જેવા વિકસિત દેશોની સરખામણીએ વિશ્વ અન્ન સલામતી આંક (ગ્લોબલ ફૂડ સિક્યુરિટી ઈન્ડેક્ષ) 2017 મુજબ ભારત દેશ 74મા નંબરે છે. વિશ્વમાં વૈશ્વિક છૂપી ભૂખ આંક (ગ્લોબલ હિડન હંગર ઈન્ડેક્ષ – GHHI) મુજબ કુલ 149 દેશોમાં ભારત દેશનો પ્રથમ 20 દેશોમાં (જીએચએચઆઈ = 48.3 સાથે) સમાવેશ થાય છે.
દેશની વસ્તી અન્ન મેળવવા માટે સલામત છે એ ત્યારે જ કહી શકાય કે જ્યારે દેશમાં રહેતા લોકો પોતાના ખોરાકની ભૌતિક જરૂરિયાત પોતાની પસંદગી મુજબ દરેક સમયે મેળવી પૂર્ણ કરી કાર્યરત અને આરોગ્યદાયક જીવન જીવે. પરંતુ પોષણની સલામતી ત્યારે જ મેળવી શકાય કે જ્યારે દરેક સમયે તમામ લોકો આહાર ધ્વારા પુરતા પોષકતત્વો મેળવે અને તે વડે આરોગ્યપ્રદ અને કાર્યરત જીવન જીવે.
દેશની વસ્તીના દરેક વર્ગમાં અપુરતું પોષણ અને સૂક્ષ્મતત્વોની ઉણપ જોવા મળતી હતી તેમાં નોંધપાત્ર ઘટાડો થવા પામેલ છે. છેલ્લા 50 વર્ષમાં અલ્પ પોષણના દરમાં ઘણો ઓછો ઘટાડો થયો છે, મૃત્યુ પ્રમાણમાં 50 ટકા, પ્રજનન દરમાં 40 ટકા અને ઓછુ વજન ધરાવતી વસ્તીમાં 20 ટકા ઘટાડો થવા પામેલ છે.
ભારતના તમામ લોકોને અન્નની સલામતી પુરી પાડવા માટે ભારતમાં સસ્તા દરે અનાજ પુરૂ પાડવાનો કાર્યક્રમ શરૂ કરેલ. આ માટે જાહેર વિતરણ પદ્ધતિનો સને 1947 થી અમલ કરી સને 1997માં ગરીબીની રેખા નીચે જીવતા લોકો (બીપીએલ – BPL) ને આવરી લેવામાં આવેલ. જો કે આ કાર્યક્રમથી ઘઉં અને ચોખાનો વપરાશ વધ્યો અને જાડાં ધાન્યોનો વપરાશ ઘટ્યો તેમ છતાં ગરીબ લોકોની પોષણ ક્ષમતામાં સુધારો જોવા ન મળ્યો.
સને 2006માં ઘરેલું આહારની વિવિધતાનો આંક (Household Dietary Diversity Score – HDDS) ની શરૂઆત કરવામાં આવી જે ઘરે લેવાતા આહારની ગુણવત્તા અને વિવિધ આહાર બાબતની માહિતી દર્શાવે છે. તે વ્યક્તિગત આહાર બાબતે પોષકતત્વોની પર્યાપ્તતાનો સૂચક આંક દર્શાવે છે. વધારાનો વૈવિધ્યસભર ઘરેલું ખોરાક પુરતા પ્રમાણમાં કેલોરી અને પ્રોટીન, પ્રાણીજ સ્ત્રોતમાં રહેલ પ્રોટીનનું પ્રમાણ અને ઘરની આવક સાથે સંકળાયેલી બાબત છે. વૈવિધ્યસભર ખોરાક જન્મ સમયે સારૂ વજન, બાળકનો વિકાસ અને હીમોગ્લોબીનના પ્રમાણ ઉપર અસર કરે છે તેવા વૈજ્ઞાનિક પૂરાવાઓ છે.
આહાર અને પોષણની અસલામતીને કારણે કુપોષણના ભય પેદા થાય છે ભારતમાં અતિ ભૂખા અને કુપોષણ મોટા પાયે જોવા મળે છે. વસ્તીમાં વૃદ્ધિ, ખેતીની જમીનોમાં થતો ઘટાડો, પાણીની અછત અને હવામાન ફેરફારને કારણે અન્ન ઉત્પાદન અને સલામતી ક્ષેત્રે હાનિકારક અસર થવા પામી છે. ભારતમાં અન્ન અને પોષણની સલામતી માટે અનેકવિધ કાર્યક્રમો અને યોજનાઓ ચાલે છે પણ તે દરેકના હેતુઓ સમાન નથી જે એક હકીકત છે. આથી આપણે એવી વ્યૂહરચના અપનાવવી જોઈએ કે જેથી ભારત દેશ કુપોષણ મુક્ત દેશ બને. અન્ન અને પોષણની અસલામતી એ એક રાષ્ટ્રીય સ્તરનો પ્રશ્ન છે પરંતુ તે માટે દરેક કુટુંબને સક્ષમ બનાવવું પડે તો જ આ પ્રશ્નનો ઉકેલ આવે. ભારતનો ખેડૂત એ સમાજનો એક ભાગ છે કે જે અન્ન ઉત્પાદન અને તેના વપરાશ ક્ષેત્રે સંકળાયેલ છે. તેથી નીચે જણાવેલ વ્યૂહરચનાઓ અપનાવી ખેડૂતોને વધુ સક્ષમ બનાવી અન્ન અને પોષણની સલામતી મેળવી શકાય :
(1) ડાંગર અને ઘઉંની સાથે ઊંચું પોષણ મૂલ્ય ધરાવતા જાડાં ધાન્યોની માંગ વધે તે માટે પ્રોત્સાહન પૂરૂ પાડવું.
(2) ફળો, શાકભાજી, કઠોળ અને પ્રાણીજ ખોરાક ધ્વારા પ્રોટીન પ્રાપ્ત કરવા માટે ખેતી, બાગાયત, શાકભાજી બગીચા, પાક સાથે પશુપાલન એમ સંયુક્ત ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવું.
(3) મૂલ્ય વર્ધિત આહારના ઉપયોગ વડે આહારની ગુણવત્તામાં વધારો કરવો.
(4) પોષણની રીતે નબળા લોકોને આહાર સિવાયની પોષણ સલામતીની બાબતો (જેવી કે પીવાનું સ્વચ્છ પાણી, પર્યાવરણીય સ્વચ્છતા અને સફાઈ વગેરે) અંગેની જાણકારી પુરી પાડવી.
(5) પોષણ, ખેતી અને અન્ય ખેતી પદ્ધતિઓને જાહેરમાં નીતિ વિષયક ટેકો પુરો પાડી તેના ઉપર સઘન દેખરેખ રાખવી.
આહાર અને પોષણની અસલામતી દૂર કરવા માટે શાકભાજી બગીચા :
પોષણની રીતે જોતાં ભારતીય આહારમાં પ્રોટીનની સરખામણીએ વિટામિનો અને ખનીજતત્વોની વધુ ઉણપ જોવા મળે છે ફળો અને શાકભાજી વિટામિનો, ખનીજ તત્વો, ખાદ્ય રેસા, એન્ટિઓક્સીડેન્ટસ અને અન્ય ફાયટો-ન્યૂટ્રિયન્ટસ ધરાવતા હોઈ રક્ષિત આહાર તરીકે જાણીતા છે. ફળો, શાકભાજી, પશુઓના દૂધ અને દૂધની બનાવટો, માછલીનું માંસ અને ઈંડાં અને કઠોળ વગેરેનો આહારમાં ઉપયોગ એ આવક આધારિત છે. આવો આહાર શાકભાજી બગીચા ઉછેરી મેળવવામાં આવે તો અન્ન અને પોષણની અસલામતીનો પ્રશ્ન ઓછા ઈનપુટસ થકી સરળ રીતે અને ઓછા સમયમાં હલ કરી શકાય.
શાકભાજીના બગીચા એ એક એવી જગ્યા છે કે જ્યાં ઘરની આજુબાજુના વિસ્તારમાં શાકભાજી, ફળો અને ઔષધિના છોડ ઉછેરી તેમાંથી મળતા ઉત્પાદનનો ઘરેલું આહારમાં વપરાશ કરવામાં આવે છે. ગરીબ લોકોને શાકભાજીના બગીચા ધ્વારા આખુ વર્ષ તાજાં ફળો અને શાકભાજી મળી રહે છે જે સૂક્ષ્મતત્વોની આહારમાં પૂર્તિ કરે છે. આ બાબત ગ્રામ્ય વિસ્તાર માટે અતિ મહત્વની છે કારણ કે ગ્રામ્ય લોકો માટે આવક પેદા કરવાની તકો મર્યાદિત છે અને ગરીબાઈને કારણે બજારમાંથી ખોરાક ખરીદી શકતા નથી.
શાકભાજીના બગીચામાં પાકની કાપણી કરી ઉત્પાદિત થતો આહાર સીધો ઘરેલું ખોરાકમાં કુટુંબના સભ્યોને આપી અન્નની સલામતી પુરી પાડી શકાય છે. ઘરની આજુબાજુ આવેલ પડતર જમીનનો ઉપયોગ શાકભાજી બગીચા માટે કરી શકાય છે અથવા તો મહિલાઓ ભેગી મળી એક જગ્યા પસંદ કરી સામૂહિક રીતે શાકભાજી બગીચાની જગ્યા નક્કી કરી શાકભાજી બગીચા બનાવી શકે છે. શાકભાજીના બગીચા ધ્વારા અનેકવિધ સામાજીક લાભો મેળવી શકાય છે જેવા કે સારૂ આરોગ્ય અને પોષણ આવકમાં વધારો, રોજગારી, અન્નની સલામતી અને સામાજીક જીવનમાં વૃદ્ધિ વગેરે.
ઈન્ડિયન કાઉન્સીલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)ના નિષ્ણાત જૂથે કરેલ ભલામણ મુજબ દરેક વ્યક્તિએ દૈનિક આહારમાં 300 ગ્રામ શાકભાજી (50 ગ્રામ લીલાં પાંદડાંવાળી ભાજી, 200 ગ્રામ મૂળ અને 50 ગ્રામ કંદ) અને 100 ગ્રામ તાજાં ફળો લેવાં જોઈએ. જો કે વ્યક્તિદીઠ હાલમાં શાકભાજીની ઉપલબ્ધતા અપુરતી છે.
બે પુખ્ત વ્યક્તિ અને બે બાળકો એમ ચાર વ્યક્તિના કુટુંબને વાર્ષિક અંદાજ મુજબ 330 કિ.ગ્રા. શાકભાજી અને 146 કિ.ગ્રા. ફળોની જરૂરિયાત રહે છે. આવા 3 થી 4 વ્યક્તિ ધરાવતા કુટુંબને આખા વર્ષ દરમ્યાન શાકભાજી પુરી પાડવા માટે 100 ચો.મી. નો વિસ્તાર શાકભાજી બગીચા માટે જોઈએ જે તેની શાકભાજીની માંગના 74 ટકા માંગ પુરી પાડી શકે છે. કેળ, પપૈયા, જામફળ, લીંબુ, પાઈનેપલ, ચીકુ વગેરે ફળપાકો ઉછેરી કુટુંબની જરૂરિયાત મુજબ ગુણવત્તાવાળુ વધુ ઉત્પાદન મેળવવા માટે શાકભાજીના બગીચામાં પાકની ઋતુ અને સમય મુજબ આયોજન કરી પાકચક્ર એવી રીતે ગોઠવવું કે જેથી આખુ વર્ષ શાકભાજી અને ફળો મળી રહે. સારી ગુણવત્તા ધરાવતા બીજ, વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી ઉત્પાદન પદ્ધતિઓ, સેન્દ્રિય ખાતરો અને પુરતી પિયત વ્યવસ્થા ધ્વારા મર્યાદિત જમીન વિસ્તારમાંથી વધુ ઉત્પાદન મેળવી ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. આ ઉપરાંત વધારે ઉત્પાદિત શાકભાજીનું બજારમાં વેચાણ કરી વધારાની આવક પેદા કરી કુટુંબનો સામાજીક-આર્થિક મોભો વધારી શકાય છે. ફુરસદના સમયે કુટુંબના દરેક સભ્યો શાકભાજી બગીચામાં મજૂરી કરી વ્યક્તિગત રીતે ફાળો આપી શકે છે.
મહિલા સશક્તિકરણ :
ભારતના મહત્વના અન્ન ઉત્પાદન કાર્યમાં 78 ટકા જેટલી મહિલાઓ સંકળાયેલી છે. મોટે ભાગે 50 ટકા મહિલાઓ ખેતમજૂર તરીકે અને 37 ટકા મહિલાઓ ખેડૂત તરીકે વર્ગીકૃત થયેલી છે. અંદાજે 70 ટકા ખેતીકાર્યો મહિલાઓ ધ્વારા કરવામાં આવે છે. આથી શાકભાજી બગીચામાં શાકભાજી, ફળો વગેરેને ઉછેરવા માટે નાની અને સીમાંત મહિલા ખેડૂતોને તાલીમ આપી કુટુંબમાં પોષણનું સ્તર સુધારી શકાય તેમ છે. ગામડાઓમાં મહિલાઓના સ્વ સહાય જૂથો બનાવી માહિતી, શિક્ષણ અને સંદેશાવ્યવહાર ધ્વારા શાકભાજી બગીચા ઉછેર અને શાકભાજી બીજ ઉત્પાદન અંગે તાલીમ આપી તેઓને અન્ન અને પોષણની સલામતી પુરી પાડવા સક્ષમ બનાવી શકાય છે. તેની સાથે તેઓનો આર્થિક-સામાજીક મોભો પણ વધે છે. બીજ ઉત્પાદનની તાલીમ થકી વર્ષોવર્ષ સારૂ બિયારણ મેળવી શકે છે અને વધારાનું બિયારણ સારી કિંમતે વેચીને આવક પેદા કરી નાણાકીય સલામતી પેદા કરી શકે છે.
ઘરઆંગણે ઉપલબ્ધ જમીનનો ઉપયોગ કરી શાકભાજી, ફળો, ઔષધિઓના ઉછેર માટે શાકભાજી બગીચા બનાવી કુટુંબની જરૂરિયાત મુજબના શાકભાજી, ફળો વગેરે પ્રાપ્ત કરી શકે છે. આ રીતે પોષણની સલામતી જળવાતાં આરોગ્યને લગતો ખર્ચ ઘટે છે, શાકભાજી-ફળ માટે થતો ખર્ચ પણ ઘટે છે, કુટુંબના સભ્યોને સમતોલ આહાર મળી રહે છે. ઉપલબ્ધ ફુરસદના સમયનો સારો ઉપયોગ થાય છે, વ્યક્તિગત ખર્ચ કરવા માટેની સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે. કુશળતામાં વધારો થાય છે અને મહિલાઓને એકબીજાના અનુભવોની આપલે કરવાની તક મળે છે.
સંકલિત ખેતી પદ્ધતિઓ :
ખેતી પદ્ધતિઓ પોષણ સાથે સંકળાયેલી છે જે ઘરેલું આહારમાં વિવિધતા અને પોષણની સમતુલા ઉપર અસર કરે છે. સંકલિત કૃષિ પદ્ધતિઓ કૃષિ, બાગાયત, રેશમ ઉછેર અને પશુપાલન (માછલી, મરઘાં, બતકાં, ડુક્કર વગેરે) વગેરેના ઉત્પાદનને એકબીજા સાથે જોડે છે. આ પદ્ધતિ ધ્વારા કોઈપણ જાતનો બગાડ થયા સિવાય ઉત્પાદિત થતી આડપેદાશોનો ઉપયોગ કરી ઉત્પાદન મેળવવામાં આવે છે. આ પદ્ધતિ ખાસ કરીને ઓછી જમીન ધારણ કરતા અને થોડા પ્રમાણમાં પશુઓ રાખતા ખેડૂતો માટે વધુ ઉત્તમ અને અનુકુળ જણાઈ છે કે જેના વડે ગ્રામ્ય અર્થકરણને વેગ આપી ખેડૂતોના આર્થિક સ્તરમાં સુધારો કરી વિવિધ પ્રકારના ગુણવત્તા યુક્ત અન્નના વધુ ઉત્પાદન ધ્વારા પોષણની સલામતીમાં વધારો કરી શકાશે. વિવિધ ખેત-હવામાન વિભાગો મુજબ વિવિધ પ્રકારના સંકલિત ખેતી પદ્ધતિઓના મોડેલ અપનાવી શકાય જેમ કે મરઘાં પાલન-મત્સ્ય પાલન,પશુપાલન-મત્સ્યપાલન, બતકપાલન-મત્સ્યપાલન, ભૂંડપાલન-મત્સ્યપાલન, પશુપાલન-પાક ઉત્પાદન (ડાંગર, ફળો, શાકભાજી, ફૂલપાકો વગેરે) વગેરે.
સંકલિત ખેતી પદ્ધતિમાં થોડી જમીન મત્સ્ય પાલન માટે ફાળવવામાં આવે છે. એક ખેડૂત કોઈપણ જાતના કૃત્રિમ ખોરાક અને ખાતરોનો ખર્ચ કર્યા વગર એક હેક્ટર વિસ્તારમાંથી અંદાજે 1,500 કિલો મત્સ્ય ઉત્પાદન મેળવી શકે છે. આ પદ્ધતિ અપનાવી ખેડૂત 60 ટકા જેટલી ચોખ્ખી વધારાની આવક અન્ય સામાન્ય ખેડૂતની સરખામણીએ મેળવી શકે છે. આવી ખેતી દુષ્કાળનો સામનો કરી શકે છે અને 18 ટકા વધુ ઉત્પાદન આપી અન્નની સલામતી પુરી પાડે છે. માછલીઓને ધાન્યોનું ભૂસું ખવડાવાય છે અને બકરાં, મરઘાં, સસલાના લીંડી-હગાર વગેરે તળાવમાં ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે. આ સંસાધનોની ઉણપ ધરાવતા નાના ખેડૂતો માટે સરળ અને ઓછો ખર્ચ ધરાવતી પદ્ધતિ છે. આ પદ્ધતિના ઉપયોગથી ખેડૂત કુટુંબને ઊંચી ગુણવત્તા ધરાવતું પ્રાણીજ પ્રોટીન મળે છે અને તેના વધારાની આવક ખેડૂત મેળવી શકે છે. ખેડૂત તળાવમાં રહેલ પાણીનો ઉપયોગ શાકભાજી તથા તળાવને કિનારે ઉગાડેલ ફળપાકને સિંચાઈ આપવા માટે પણ કરી શકે છે. તળાવમાંની માટી ખેતરમાં સેન્દ્રિય ખાતર તરીકે રાસાયણિક ખાતરોના બદલે વાપરી શકાય છે. વર્ષમાં એક વખત તળાવની માટી ખેતરમાં નાખી શકાય છે. તળાવમાંના પાણીનો ઉપયોગ દુષ્કાળના સમયે કટોકટી સમયે પિયત તરીકે કરી શકાય છે.
સંકલિત ખેતી પદ્ધતિમાં 30 મીટર × 22 મીટર × 2.5 મીટર નું માપ ધરાવતા તળવમાં રોહુ અને કટલા જાતિની માછલીઓની ખેતી, ઋતુ પ્રમાણે શાકભાજી, વાર્ષિક ફળો આપતા ફળઝાડ (કેળ, પપૈયા, લીંબુ, પાઈનેપલ વગેરે) અને બતક પાલન કરવાથી ખેડૂત એક રૂપિયાના ખર્ચ સામે રૂપિયા 1.58 ની આવક મેળવી શકે છે.
ખેતપેદાશનું મૂલ્ય વર્ધન :
ખેતપેદાશને તેના મૂળ સ્વરૂપમાં પ્રક્રિયા કરી બદલાવ લાવી નવી પ્રોડક્ટ બનાવી મૂલ્ય વધારવાની ક્રિયાને મૂલ્ય વર્ધન કહેવાય. બીજા અર્થમાં મૂલ્ય વર્ધન એટલે ખોરાક પર એવી પ્રક્રિયા કરવી કે જેથી પ્રોડક્ટમાં ગ્રાહક/વપરાશકારને પસંદ આવે તેવો સુધારો અને તેના મૂલ્યમાં વધારો થાય. પ્રોડક્ટના રંગ, સુગંધ, સ્વાદ, બાંધો વગેરેમાં ફેરફાર ખાદ્ય પૂરકો, પરિરક્ષકો વગેરે ઉમેરી પોષકતત્વોને જાળવી રાખી તેને આકર્ષક પેકિંગમાં પેક કરી વધુ નફો મેળવવાની પ્રક્રિયા કરવામાં આવે છે. ખેડૂતો ધ્વારા ઉત્પાદિત 30 થી 40 ટકા ખેતપેદાશ અયોગ્ય સંગ્રહ વ્યવસ્થા, કાપણી પછીની હેરફેર, રોગ-જીવાતનો ચેપ, બજારની સવલતનો અભાવ, ફળોનું વધુ પરંતુ પક્વ બનવું, અપુરતી પ્રોસેસિંગ પદ્ધતિઓ વગેરે કારણોસર બગડી જાય છે કે નાશ પામે છે જેને પરિણામે ખેડૂતની આવકમાં ઘટાડો થાય છે. પોષણની સલામતી અને ખેતીની આવક વધારવા માટે મૂલ્ય વર્ધન એક અગત્યની ચાવી રૂપ બાબત છે. ભારત વિશ્વમાં ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં દ્વિતિય ક્રમાંકે છે. ભારતમાં લીંબુ, જામફળ, પાઈનેપલ, કેરી, જેકફ્રુટ, લીચી, પપૈયા, કેળ વગેરે ઋતુગત ફળો પુરતા પ્રમાણમાં પ્રાપ્ય છે. આવા ફળો વપરાશી હોઈ જલ્દીથી બગડે છે તેથી તેમાંથી બેવરેજીસ (પીણાં), સ્કવૉશ, કોર્ડિયલ, જામ, જેલી, માર્ખલેડ, ચિપ્સ, અથાણાં, ફ્રૂટ બાર, પાપડ વગેરે બનાવટો બનાવી તેનું મૂલ્ય વર્ધન કરી ખેતીની આવકમાં વધારો કરી કુટુંબ માટે ખોરાકમાં વિવિધતા દ્વારા પોષણની સલામતી સમગ્ર વર્ષ માટે પુરી પાડી શકાય છે. આ જ રીતે ટામેટા, કોલીફ્લાવર, ગાજર, બીટ, આદુ અને મૂળા વગેરેને પરિરક્ષણ ધ્વારા સોસ, કેચપ, અથાણાં, કેન્ડી વગેરે બનાવી શકાય છે. ખેડૂત ખાદ્ય પ્રોસેસિંગ એકમના ઉપયોગથી મૂલ્ય વર્ધન ધ્વારા 50 થી 60 ટકા જેટલો નફો મેળવી શકે છે. બાયોફોર્ટિફાઈડ પ્લાન્ટની માહિતીનું જ્ઞાન મેળવી ખેડૂત સરગવો, શક્કરીયાં, આમળાં વગેરેના ઉપયોગ વડે સૂક્ષ્મતત્વોની ઉણપ વડે પેદા થતા કુપોષણને દૂર કરવામાં મદદ કરે છે એટલે કે છૂપી ભૂખને દૂર કરે છે.
પોષણ માટે સંવેદનશીલ વસ્તીની કાળજી
પોષણ એ વિકાસને માપવા માટેનું એક મહત્વનુ પરિબળ છે. નબળી વસ્તીને અન્ન અને પોષણની સલામતી પુરી પાડવી એ અત્યંત જરૂરી છે. આ માટે બાળકોને માતાના દૂધનું સ્તનપાન, શિશુઓને ફરજીયાત ખોરાક, માંદગી દરમ્યાન રસીકરણ અને આરોગ્યની કાળજી રાખવાની સવલત, ઘરમાં લેવાતા આહારમાં પૂરક ખોરાક, બાળકો અને તરૂણોને જંક ફૂડ કે ફાસ્ટ ફૂડનો ઉપયોગથી દૂર રાખવા, રક્ષિત આહાર પોષણથી સમૃદ્ધ આહાર અને કાર્યાત્મક આહાર ધ્વારા ખોરાકમાં વિવિધતાનો ઉપયોગ, શિક્ષણ, હક્ક અને પ્રજનન સ્વાસ્થ્ય સંભાળ ધ્વારા મહિલાઓને સક્ષમ બનાવવી વગેરે પગલાં અપનાવી પોષણ માટે સંવેદનશીલ વસ્તીની કાળજી લઈ શકાય. આ ઉપરાંત વિટામિન એ ની ઉણપ ધરાવતા લોકોને વિટામિન એ થી સમૃદ્ધિ લીલાં પાનવાળાં શાકભાજી, ગાજર, પપૈયા, કોલીફ્લાવર, પીળા અને નારંગી રંગનાં ફળો અને શાકભાજી વગેરે ખોરાકમાં પુરાં પાડવાં જોઈએ. સગર્ભા અને ધાત્રી માતાઓ, એનીમીયાથી પીડાતા બાળકો અને તરૂણોને આયર્ન અને ફોલિક એસિડની ટીકડીઓ આપવી જોઈએ. જે વિસ્તારમાં ગોઈટરનો રોગ થતો હોય તે વિસ્તારના લોકોને આયોડિનયુકત મીઠું અને આયોડિનથી સમૃદ્ધ ખોરાક આપવો અત્યંત જરૂરી છે. આવા વિસ્તારના લોકોને પોષણ અને આરોગ્યને લગતા સરકારી કાર્યક્રમો અને નીતિની જાણકારી પુરી પાડવી જોઈએ. જાહેર વિતરણ વ્યવસ્થાને સઘન બનાવી વસ્તીને યોગ્ય પ્રમાણમાં આહાર પુરો પાડવો જોઈએ. આ માટે પોષણ આધારિત પાક પદ્ધતિ ધ્વારા પરંપરાગત અને નવીનતમ ટેકનોલોજી અપનાવી પાક ઉત્પાદન વધારી, પાકની કાપણી બાદ યોગ્ય વ્યવસ્થા વડે બગાડ અટકાવી અન્નની પેદાશ પુરી પાડી કુપોષણમાં ઘટાડો કરી શકાય છે.
સ્વચ્છ પર્યાવરણ અને પીવાનું સલામત પાણી :
સ્વચ્છ મન અને શરીર માટે સ્વચ્છ પર્યાવરણ જરૂરી છે. શરીરને પોષણદાયી રાખવા માટે આરોગ્યની કાળજી અને સેવા, પર્યાવરણીય સ્વચ્છતા, મૂળભૂત શિક્ષણ, ચેપી રોગોથી મુક્ત, સ્વચ્છ પાણીની પ્રાપ્યતા વગેરે બાબતો વધુ સારી રીતે અસર કરે છે. ગ્રામ્ય અને શહેરોમાંના ઝૂપડપટ્ટીના વિસ્તારોમાં રહેતા લોકો ખોરાકના શોષણ થકી પીડાય છે એટલે કે તેમના શરીરો ખોરાકમાંથી જોઈતા પોષકતત્વો મેળવી શક્તા નથી પરિણામે અન્ન અને પોષણની અસલામતી અનુભવે છે. સારા આરોગ્ય માટે સ્વચ્છ પાણી ખોરાકના જેટલું જ મહત્વનું છે. નેત્રખીલ, ઝાડા, ટાઈફોઈડ, કોલેરા અને પરજીવીઓથી થતા રોગો વગેરે પાણીજન્ય રોગચાળો છે જે અસ્વચ્છ પાણી વડે ફેલાય છે તેથી પાણીને સ્વચ્છ કરી પીવાના ઉપયોગમાં લેવું જોઈએ.
ભારત દેશની 64 ટકા વસ્તીને પૂરતી સ્વચ્છતા મળતી નથી. સરકારના પીવાના પાણી અને આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ સને 2017 સુધીમાં ગ્રામ્ય વિસ્તારના 1678 લાખ ઘરો પૈકી ફક્ત 269 લાખ ઘરો (16 ટકા)ને પાઈપલાઈન ધ્વારા પાણી પૂરૂ પાડવામાં આવે છે. ભારતની અંદાજે 6.3 ટકા વસ્તીને સલામત પાણી લભ્ય નથી. દર વર્ષે પાંચ વર્ષથી નીચેની આયુ ધરાવતા 60,000 બાળકો ગંદા પાણી અને આરોગ્યને કારણોસર ઝાડા જેવા રોગોથી મરણ પામે છે.
ધી વોશ (WASH- Water Sanitation and Hygiene) નામના કાર્યક્રમ વડે બાળકોના પોષણમાં સુધારો થવા પામ્યો છે. આ જોતાં પોષણની સલામતી માટે સ્વચ્છ પીવાનું પાણી, પર્યાવરણીય આરોગ્ય અને સ્વચ્છતા જેવી અન્ય બાબતો અંગે નબળા લોકોને જાણકારી પુરી પાડી ધ્યાન દોરવું હિતાવહ છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ફેબ્રુઆરી-2018
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

