કિસાન ક્રેડિટ કાર્ડની મુદત પાંચ વર્ષની હોય છે જેને દર વર્ષે રીન્યુ કરવામાં આવે છે. આ કાર્ડ મારફતે ખેડૂતો ધિરાણ મેળવી શકે છે અને તેનો રેકોર્ડ પાસબુકમાં રહે છે.
કિસાન ક્રેડિટ કાર્ડનો ઈતિહાસ :
સને ૧૯૯૮-૯૯ ના બજેટમાં તે સમયના નાણાપ્રધાન શ્રી યશવંત સિંહા ધ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાની શરૂઆત કરવામાં આવેલ કે જેથી ખેડૂતો પાકની ઋતુ દરમ્યાન ટુંકા ગાળા માટેનું ધિરાણ બેંક ધ્વારા મેળવી શકે. ભારતમાં ખેડૂતોને નાણાકીય ધિરાણ પુરૂ પાડવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે જેની શરૂઆત રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) અને નેશનલ બેંક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) એ સાથે મળીને કરેલ.
કિસાન ક્રેડિટ કાર્ડની પાછળ રહેલ તર્ક :
ખેડૂતોએ બેંક પાસેથી ધિરાણ મેળવવા માટે કેટલીક મુશ્કેલીઓ વેઠવી પડે છે જેવી કે યોગ્ય પૂરાવા અને તે અંગેની પ્રક્રિયા, બેંક અને અન્ય નાણાંકીય સંસ્થાઓની ગૂંચવણભરેલી પધ્ધતિઓ, પ્રોસેસિંગમાં મોડું થવું, અને બેંકની પધ્ધતિઓ અને લાભો વિષે જાણકારી ન હોવી વગેરે.મોટા ભાગના ખેડૂતો બિયારણ, ખાતરો, જંતુનાશક દવાઓ વગેરેની ખરીદી માટે બિન નાણાંકીય સંસ્થાઓ મારફતે ધિરાણ મેળવે છે જે મોંઘુ એટલે કે ખર્ચાળ હોય છે. બેંક મારફતે કિસાન ક્રેડિટ કાર્ડ ધ્વારા ખેડૂત સમયસર ખેતી અને તેને સંલગ્ન હેતુઓ માટે ઓછા વ્યાજે ધિરાણ મેળવી શકે છે. ખેડૂત પોતાની ખેતી માટેની જરૂરિયાતો પુરી કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ મારફતે જરૂરી નાણાં મેળવી તેને સંલગ્ન ખર્ચ કરી શકે છે.
કિસાન ક્રેડિટ કાર્ડ કેવી રીતે કામ આપે છે ?
આ કાર્ડને વાપરવાની રીત એકદમ સરળ છે. જમીન ધારણ શક્તિ અને આવક મુજબ બેંક કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતને આપે છે. આ માટે ખેડૂતોનો અગાઉ મેળવેલ ધિરાણનો રેકોર્ડ સારો હોવો જરૂરી છે. જેઓ કિસાન ક્રેડિટ કાર્ડ મેળવે છે તેઓને નામ સાથે પાસબુક, જમીન ધારણ ક્ષમતાની વિગત, સરનામુ, કાર્ડની સમય મર્યાદા અને ધિરાણની મર્યાદા વગેરેની સવલતો મળે છે.
કિસાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરી શકાય ?
આ યોજના હેઠળ ખેડૂત પોતાને જોઈતી રકમ સ્લીપ ધ્વારા રોકડ સ્વરૂપે કિસાન ક્રેડિટ કાર્ડ કમ પાસબુકમાંથી ઉપાડી શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોની ધિરાણ મર્યાદા રૂપિયા ૨૫,૦૦૦ કે તેથી વધુ હોય તેઓને ચેકબુકની સવલત પણ આપવામાં આવે છે એટલે કે ખેડૂત ચેકથી પોતાના ઈનપુટસની ખરીદી કરી શકે છે.
વિશેષતાઓ :
વિભાગીય ગ્રામીણ બેંકો, સહકારી બેન્કો અને જાહેર ક્ષેત્રની વ્યાપારી બેંકોએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અમલમાં મૂકેલ છે. તેનો પ્રાથમિક હેતુ ખેડૂતોને ટુંકા ગાળા માટે ધિરાણ પુરૂ પાડવાનો છે. કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રો માટેની ટર્મ લોનનો પણ તેમાં સમાવેશ કરેલ છે. આ યોજના હેઠળ હાલમાં નીચે મુજબના લાભો આપવામાં આવે છે.
(૧) કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રો માટેની નાણાંકીય જરૂરિયાત પુરી પાડવા માટે ધિરાણ આપવું.
(૨) પાક ઉત્પાદન અને અન્ય ચાલુ ખર્ચા માટે ધિરાણ આપવું.
(૩) કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં વીમાની સવલત આપવી.
(૪) કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવનારને રાષ્ટ્રીય પાક વિમા યોજનાનો લાભ આપવો કે જેમાં ચોક્કસ પાકો માટે કિસાન ક્રેડિટ કાર્ડ ધ્વારા આપવામાં આવેલ પાક લોનનો સમાવેશ થાય છે.
(૫) જીવાતનો ઉપદ્રવ કે કુદરતી આપદાને કારણે પાકને નુકસાન થાય તો તેની સામે રક્ષણ પુરૂ પાડવું.
(૬) કેટલાક કિસ્સામાં સમાંતર જામીનગીરી પુરી પાડવામાં આવે છે. રૂપિયા એક લાખથી વધુ લોન હોય તો કાર્ડ ધારક પોતાની જમીનને ગીરો મૂકી શકે છે અને ઊભા પાકનું અનુમાન કરી શકે છે.
અન્ય સુવિધાઓ :
(૧) જે ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ માટે લાયક હોય તેને પાસબુક અથવા કાર્ડ કમ પાસબુક આપવામાં આવે છે.
(૨) રૂપિયા ૫૦૦૦ કે તેથી વધુ મૂલ્યનું ઉત્પાદન મેળવનાર ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે હકદાર છે.
(૩) બેંક કિસાન ક્રેડિટ કાર્ડની પેટા-મર્યાદા નક્કી કરે છે.
(૪) ક્રેડિટ મર્યાદા મુજબ રકમ ઉપાડવા અને પરત મૂકવા માટે બેંક રીવોિલ્વંગ ક્રેડિટની સવલત આપે છે. ધિરાણની મર્યાદા વ્યક્તિગત ખેડૂતની જમીનનું માપ, નાણાંની જરૂરિયાત, વાર્ષિક ઉત્પાદન માટે ધિરાણની જરૂરિયાત વગેરે ઉપર આધારિત છે.
(૫) કાર્ડના વાર્ષિક સમિક્ષાને આધારે ક્રેડિટ કાર્ડની મુદત ત્રણ વર્ષની રાખવામાં આવે છે.
(૬) ઉછીના લીધેલ નાણાંની પરત ચૂકવણી ૧૨ માસની અંદર કરવાની રહે છે.
(૭) પાકના માળખામાં ફેરફાર, ખર્ચમાં વધારો, ક્રેડિટ અંગેનો સારો રેકોર્ડ વગેરે ધ્યાને લઈ ધિરાણની મર્યાદામાં વધારો કરવામાં આવે છે.
(૮) કુદરતી આપત્તિને કારણે પાકમાં ખોટ ગઈ હોય તેવી સ્થિતિમાં લોનના માળખા કે હપ્તામાં ફેરફાર કરવામાં આવે છે.
(૯) રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નીતિનિયમો મુજબ સલામતી ગાળો (માર્જીન), વ્યાજનો દર વગેરે નક્કી કરવામાં આવે છે.
કિસાન ક્રેડિટ કાર્ડના લાભો :
(૧) અનુકુળતા મુજબ પરત ચૂકવણી કરી શકાય છે.
(૨) કોઈપણ મુશ્કેલી વગર ધિરાણ મેળવવાની પ્રક્રિયા છે.
(૩) કૃષિની તમામ જરૂરિયાતો માટે સિંગલ ધિરાણ કે ટર્મ લોનની સવલત આપે છે.
(૪) સહેલાઈથી ધિરાણની પ્રાપ્યતા કે જેમાં ખેડૂત ઉપર વ્યાજનું ભારણ ઓછુ રહે છે.
(૫) રાસાયણિક ખાતરો, બિયારણ વગેરેની ખરીદીમાં મદદ કરે છે.
(૭) ત્રણ વર્ષની મર્યાદામાં ધિરાણ પ્રાપ્ય બને છે.
(૮) ખેતીના સ્ત્રોતોમાંથી મળતી આવક વધુમાં વધુ ધિરાણની મર્યાદા નક્કી કરે છે.
(૯) બેંક ધ્વારા જે મર્યાદા નક્કી કરવામાં આવેલ હોય તેટલી રકમ કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવનાર ખેડૂત રોકડેથી બેંકમાંથી ઉપાડી શકે છે.
(૧૦) કાપણી પુરી થયા બાદ એક વખતમાં લોનની પરત ચૂકવણી કરી શકાય છે.
(૧૧) વ્યાજના દર ઘણા ઓછા હોય છે.
(૧૨) કૃષિ માટે અાગોતરા નાણા મેળવવા માટે માર્જીન સુરક્ષા અને દસ્તાવેજીકરણના જે નિયમો છે તે જ નિયમો કિસાન ક્રેડિટ કાર્ડ ધારકને લાગુ પડે છે.
(૧૩) ખેતીની વાર્ષિક જરૂરિયાત અને ખર્ચા માટે ધિરાણ પ્રાપ્ય છે.
(૧૪) બેંકમાંથી જરૂરી ફંડ ઉપાડવા માટે ઓછામાં ઓછા પૂરાવા અને ઉપાડ માટે વધુમાં વધુ સુગમતા પુરી પાડવામાં આવે છે.
(૧૫) બેંક એ જણાવ્યા મુજબ તેની કોઈપણ શાખામાંથી નાણાં ઉપાડી શકાય છે.
કિસોન ક્રેડિટ કાર્ડ ઉપર વ્યાજ અને અન્ય ચાર્જ :
જે તે બેન્કના નિયમો મુજબ કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર વ્યાજના દર અને ધિરાણ મર્યાદામાં ફેરફાર હોય છે. સામાન્ય રીતે કિસાન ક્રેડિટ કાર્ડની ધિરાણ મર્યાદા રૂપિયા ત્રણ લાખની અને વાર્ષિક વ્યાજદર ૯ ટકા હોય છે. કાર્ડધારકનો ધિરાણ રેકોર્ડ સારો હોય તો વ્યાજના દર ઉપર કેન્દ્ર સરકાર ધ્વારા સબસિડી પણ આપવામાં આવતી હોય છે. કાર્ડધારકના ત્રણ વર્ષનો ધિરાણ રેકોર્ડ સારો હોય તો વ્યાજના દરમાં બે ટકા સબસિડી અને ધિરાણની મર્યાદામાં વધારો કરવામાં આવે છે. આ યોજના હેઠળ ધિરાણ મેળવવા માટે વીમાનું પ્રીમિયમ, પ્રોસેસિંગ ફી, પાસપોર્ટ સાઈઝના ફોટા અને જમીન ગીરોખત ડીડ માટેનો અન્ય ખર્ચ કરવાનો રહે છે.
બેંકને થતા લાભો :
આ યોજના બેંક માટે લાભદાયી છે કારણ કે તેમાં સમય બચે છે અને ખર્ચ ઓછો થાય છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં દર વખતે પૂરાવા લેવાની જરૂર પડતી નથી. રોકડ નાણાં ઉપાડવા માટે ઘણું ઓછુ પેપરવર્ક કરવું પડે છે જે કાર્ડ ધારક માટે સાદી અને મુશ્કેલી વગરની પ્રક્રિયા છે. તેમાં કોઈ લેવડદેવડ ખર્ચ થતો નથી તેમજ લોન પરત મેળવવામાં જોખમ ઓછુ રહે છે.
ભારતમાં કિસાન ક્રેડિટ કાર્ડની સવલત આપતી અગ્રણી બેંકો :
(૧) નાબાર્ડ : ખેડૂતોને કૃષિના ખર્ચ અંગેની મૂળભુત જરૂરિયાતો પુરી પાડવા માટે નાબાર્ડ ખેડૂતોને ટર્મ લોન અને ધિરાણ પુરૂ પાડે છે.
(૨) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા : ખેડૂતોને ટુંકા ગાળાનું ધિરાણ આ બેંક પુરૂ પાડે છે કે જેથી ખેડૂત પાક ઉત્પાદન માટેની જરૂરિયાતો, તેને સંલગ્ન પ્રવૃત્તિઓ માટેનો ખર્ચ તથા વપરાશી ખર્ચ ધિરાણ મારફતે મેળવી શકે.
(૩) બેંક ઓફ ઈન્ડિયા : ખેડૂતોને ઓછા ખર્ચે ખેતી અને બિનખેતી કાર્યો માટે નાણાકીય મદદ આપે છે.
(૪) આઈડીબીઆઈ : આઈડીબીઆઈ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપે છે તેની સાથે ખેતીના ખર્ચ માટે પાકલોન, રોકાણ ક્રેડિટ અને કાર્યકરી મૂડી આપે છે. કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતો, ભાડૂત ખેડૂતો, જમીનના માલિકો, વ્યક્તિગત ખેડૂત અને ખેતીમાં ભાગીદાર ખેડૂતને આપવામાં આવે છે.
(૫) નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) : આ સંસ્થા ધ્વારા નજીકના ભવિષ્યમાં કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવનાર છે.
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ વિમો :
જે ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ ધરાવતો હોય તેનો સમાવેશ વ્યક્તિગત અકસ્માત વિમા હેઠળ કરવામાં આવે છે. તેમાં જા ખેડૂતનું મૃત્યુ થાય તો ત ૫૦,૦૦૦/- અને અપંગતા ના કેસમાં ત ૨૫,૦૦૦/- ની રકમ આપવામાં આવે છે.આ લાભ મેળવનાર ખેડૂતની ઉંમર ૭૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
નોંધ: સરકારશ્રી ધ્વારા સદર યોજનામાં જે તે સમયે થતા ફેરફાર ધ્યાને લેવા જરૃરી છે.
સ્ત્રોત: ઇિન્ડયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જૂન-2020
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in