ખેડૂત મહિલાઓ માટે પારજાંબલી (અલ્ટ્રાવાયોલેટ) કિરણોથી રક્ષણ મેળવવા માટે સ્કાર્ફ માસ્કનો ઉપયોગ (Development of UV protective scarf masks for farm women)

                અલ્ટ્રાવાયોલેટ એટલે કે સૂર્યના પારજાંબલી કિરણો એ કેન્સરકારક છે. સૂર્યના પારજાંબલી કિરણોથી રક્ષણ મેળવવા માટે સારામાં સારો ઉપાય ચામડીને ઢાંકવાનો છે. આ માટે શરીરના ખુલ્લા ભાગને સનસ્ક્રીન લોશન વડે આવરીને અથવા કપડાથી ઢાંકીને રક્ષણ મેળવી શકાય છે. કાપડ ભૌતિક રીતે સૂર્યના કિરણોને આવતા અટકાવે છે. કાપડ વધુ વિશ્વસનીય રક્ષણ આપતું, વાપરવામાં સરળ, ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું અને ઓછું ખર્ચાળ છે.

        વર્તમાન સમયમાં પારજાંબલી કિરણોથી થતું નુક્સાન વધવા પામેલ છે તે જોતાં તેની સામે રક્ષણ અંગેની સભાનતામાં વધારો થયો છે. કાપડ અંગેના સંશોધનમાં પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે તેવા કાપડની વિચારણા થયેલ છે જેમાં રેસાની જાત, રાસાયણિક બંધારણ, કાપડની બનાવટ, એડિટિવ્ઝ, ટેક્ષટાઈલ પ્રોસેસિંગના સાધનો, રંગ વગેરે ધ્યાને લેવામાં આવે છે. કાપડમાં પારજાંબલી કિરણો સામે રક્ષણ મેળવવા માટે હર્બલ ફિનિશ કરવામાં આવે છે. લોકોમાં સગવડદાયક, સલામત અને પર્યાવરણ-મિત્ર ટેક્ષટાઈલ કાપડની માંગમાં વધારો થવા પામેલ છે કે જે કુદરતી સ્ત્રોતોમાંથી બનેલ તથા પારજાંબલી કિરણો સામે રક્ષણના ગુણો ધરાવે છે. જાંબુના પાનનો નિષ્કર્ષ એ નુક્સાનકારક પારજાંબલી કિરણો સામે રક્ષણ મેળવવા માટેનો એક ઉત્તમ કુદરતી સ્ત્રોત છે.     

પારજાંબલી કિરણો સામે રક્ષણ આપતો સ્કાર્ફ માસ્કનો વિકાસ અને વિતરણ :  

        ઉત્તરાખંડના નૈનિતાલ જીલ્લાના લામજલા ગામની મહિલા ખેડૂતો 4 થી 6 કલાક સુધી ખેતરમાં સૂર્યપ્રકાશના સમયે કામ કરતી હતી તેવું મોજણી દરમ્યાન જાણવા મળેલ. આ મહિલાઓને પારજાંબલી કિરણોની નુક્સાનકારક અસર થતી હતી. આવા કિરણો સામે રક્ષણ આપવા માટે જાંબુના પાનના નિષ્કર્ષનો ઉપયોગ કરી વિકસાવેલ કપાસના કાપડમાંથી સ્કાર્ફ માસ્કનો ઉપયોગ કરવામાં આવેલ.

        અલ્ટ્રાવાયોલેટ પ્રોટેક્શન ફેક્ટર (UPF) ને આધારે જાંબુના પાનના નિષ્કર્ષનો ઉપયોગ કરી આવું     કાપડ તૈયાર કરવામાં આવેલ. આ કાપડને 7 ટકા જાંબુના પાનનો નિષ્કર્ષ, અને 6 ટકા સાઈટ્રિક એસિડ કોન્સન્ટ્રેટને 900 સે. તાપમાને 60 મિનિટની માવજત આપી તેનો આદર્શ યુપીએફ 51 મળે છે. આ રીતે તૈયાર થતું કાપડ 50 વખત ધોઈ શકાય તેવું ટકાઉ હોય છે.

        આ રીતે તૈયાર કરેલા પારજાંબલી કિરણો સામે રક્ષણ પૂરૂ પાડતા કાપડમાંથી ખેડૂત મહિલાઓ માટે સ્કાર્ફ માસ્ક બનાવવામાં આવે છે.  

અલ્ટ્રાવાયોલેટ સ્કાર્ફ માસ્કની વિશેષતા :  

(1) માથાને અને કપાળને સારી રીતે કવર કરી ફીટ બેસે છે.

(2) ચહેરાના રક્ષણ માટે ઢાંકણ આપેલ હોય છે.

(3) પાછળ બાંધવા માટે દોરી આપેલી હોય છે.

(4) આગળ-પાછળનો ભાગ ગળા અને ખભાને રક્ષણ આપે છે.

        આ પ્રકારના સ્કાર્ફ માસ્ક લામજલા ગામની 30 નિયમિત રીતે ખેતરમાં કામ કરતી મહિલા ખેડૂતોને ચકાસણી માટે આપવામાં આવેલ જે વધુ ઉપયોગી અને અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાનિકારક અસર સામે રક્ષણ પૂરૂ પાડતા માલૂમ પડેલ તેમજ તેની રચનાને કારણે ખેતરમાંની ધૂળ, કચરો અને અન્ય એલર્જી કરતા પદાર્થોથી રક્ષણ મળેલ.  

સ્કાર્ફ માસ્કનું વ્યાપારીકરણ :   

        ઉપર જણાવ્યા મુજબ વિકસાવેલ સ્કાર્ફ માસ્કની ટેક્નોલૉજીના વ્યાપારીકરણ માટેની ઉજળી તકો રહેલી છે. ઓલ ઈન્ડિયા કો-ઓર્નિડેટેડ રિસર્ચ પ્રોજેક્ટ ઑફ હોમ સાયન્સ કોલેજના ક્લોથિંગ એન્ડ ટેક્ષટાઈલ્સ વિભાગ ધ્વારા આવા 60 સ્કાર્ફ માસ્ક આવેલ ઓર્ડર મુજબ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કાશીપુર અને જ્યોલિકોટને મોકલવામાં આવેલ. ત્યાંની ખેડૂત મહિલાઓને આ ટેક્નોલૉજી ઉપયોગી માલૂમ પડેલ.

ટેકનોલૉજીની અસર :

        ખેડૂત મહિલાઓ ખેતરમાંની પ્રવૃત્તિઓ (જેવી કે થ્રેસિંગ, વિનોઈંગ, ખેડકાર્ય વગેરે) કરે ત્યારે નિયમિત રીતે સ્કાર્ફ માસ્ક પહેરતી હતી જેના કારણે તેઓ સીધા સૂર્યપ્રકાશ અને ધૂળ સાથે સંપર્કમાં નહિ આવતાં આરોગ્યને લગતા પ્રશ્નોમાં ઘટાડો જોવા મળેલ. ડાંગરની કુશ્કીને કારણે માથાનો દુઃખાવો, આંખમાં  ખંજવાળ અને બળતરા થવી, નાકમાંથી પાણી આવવું કે છીંકો આવવી વગેરે પ્રકારના નુક્સાન સામે સ્કાર્ફ માસ્કના ઉપયોગથી રક્ષણ મળેલ.

        આ પ્રકારના સ્કાર્ફ માસ્કનો ઉપયોગ કોવિડ-19ના ચેપ સામે ઉપયોગી માલૂમ પડેલ. આ પ્રકારની ટેકનોલૉજી સ્થાનિક અને છોડના સ્ત્રોતમાંથી મેળવેલ હોઈ વધુ મદદકર્તા છે.


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ડિસેમ્બર – 2022   


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *