આપણી પૃથ્વી પરના કિંમતી સંસાધનોમાં ઘટાડો કર્યા વિના આપણે પૃથ્વી પર વધતી જતી વસ્તીને કેવી રીતે ખોરાક પુરો પાડી શકીશું ? એ એક કૃષિ ઉદ્યોગ માટે મોટી પડકારજનક બાબત છે. પૃથ્વી પર ખોરાકની માંગ જેમ જેમ વધતી જશે તેમ તેમ પરંપરાગત ખેતીમાં ફેરફાર કરી તેને નવો ઓપ આપી ક્રાંતિકારી ફેરફારો લાવવા પડશે. આ હેતુથી ખેતી ક્ષેત્રે સંસાધનોના ઉપયોગમાં ઘટાડા અંગે એક નવીન અભિગમ વિકસ્યો છે કે જેના વડે ખોરાકની સલામતી, જળનું સંરક્ષણ, જૈવવૈવિધ્યતાની જાળવણી થશે અને હવામાન ફેરફાર સામે રક્ષણ પૂરૂ પાડી શકાશે.
સંસાધનોના વપરાશમાં ઘટાડો કરો એ એક શબ્દસમૂહ છે કે જે કાર્ય કરવાની પ્રેરણા આપે છે. પાણીની અછતમાં થતો વધારો, ખેતીલાયક જમીનમાં થતો ઘટાડો અને પર્યાવરણને હાનિકારક અસરને કારણે કૃષિ ક્ષેત્ર ઉપર દબાણ વધવા પામ્યું છે. આ બાબતો ધ્યાને લઈ પાણીનો આદર્શ રીતે ઉપયોગ, રાસાયણિક ઈનપુટસનો લઘુત્તમ ઉપયોગ, જમીનનો મહત્તમ ઉપયોગ કરવો અને ઊર્જા વપરાશ ઉપર જરૂરી કાપ મૂકવો જોઈએ. આ લેખમાં નવીનતમ અને ટકાઉ પદ્ધતિઓ દર્શાવેલ છે જે દેશને સમૃદ્ધિ ભવિષ્ય તરફ દોરી જશે.
(ક) પાણી-જીવન માટેનું અમૃત :
પાણી એ પૃથ્વી પરનો તમામ જીવો માટે અમૃત છે. જેના વિના જીવન શક્ય નથી. કૃષિ માટે પાણી એટલું જ મહત્વનું છે. પરંપરાગત કૃષિ પદ્ધતિઓમાં પાણીનો વધારે પડતો ઉપયોગ પર્યાવરણને નુક્સાન પહોંચાડે છે અને તેની કાર્યક્ષમતામાં ઘટાડો કરે છે. વિશ્વની વધતી જતી વસ્તી અને હવામાન ફેરફારને કારણે ઊભી થયેલ પાણીની અછતના સંદર્ભમાં કૃષિ ક્ષેત્ર માટે કિંમતી એવા પાણીના સંસાધનની યોગ્ય વ્યવસ્થા કરવી પડશે. આ માટે સંસાધનોના વપરાશમાં ઘટાડા અંગેનો અભિગમ અપનાવી નીચે પ્રમાણે પાણીની વ્યવસ્થા અપનાવવી પડશે.
(1) ચોકસાઈપૂર્વક સિંચાઈ આપવાની રીત :
કૃષિમાં વધુ અસરકારક રીતે પાણી આપવું કે જેથી છોડ તેનો અસરકારક રીતે ઉપયોગ કરી શકે. ટપક પિયત અને ફુવારા પિયત પદ્ધતિમાં આપવામાં આવતું પાણી છોડના મૂળતંત્રને સીધુ મળતું હોઈ તેના એકેએક ટીપાનો ઉપયોગ છોડ કરી શકે છે. તે પાણીનો બગાડ અટકાવે છે, સંસાધનનું સંરક્ષણ કરે છે અને આદર્શપણે પાકના ઉત્પાદનમાં વધારો કરે છે.
(2) વરસાદી પાણીનો સંગ્રહ :
વરસાદના પાણીનો સંગ્રહ એ એક નૂતન અભિગમ છે. વરસાદી પાણીનો સંગ્રહ કરી કૃષિમાં જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરી ઉત્પાદન મેળવી શકાય છે. ઘરના છાપરા પર પડતુ પાણી, જળ એકત્ર થતું હોય તેવા વિસ્તારો કે ભૂગર્ભ ટાંકી બનાવી તેમાં પાણીનો સંગ્રહ કરી ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવે છે.
(3) જમીનમાંના ભેજ માટેના સેન્સર્સ :
ખેતીની આધુનિક પદ્ધતિમાં જમીનમાંના ભેજ માટે સેન્સર્સ વાપરવામાં આવે છે જે જમીનમાં રહેલ ભેજની સાચી આંકડાકીય માહિતી પુરી પાડે છે જેથી ખેડૂત પાકને કેટલા પ્રમાણમાં ભેજની જરૂરિયાત છે તે જાણી શકે છે. આવા આંકડા આધારિત અભિગમને કારણે વધારે પડતા પાણીનો ઉપયોગ નિવારી પાણીનો બગાડ અટકાવી શકાય છે અને જળ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવી શકાય છે.
(4) ટકાઉ પાકની પસંદગી :
એવી પાકની જાતો પસંદ કરવી કે જે સ્થાનિક વાતાવરણને અનુકુળ અને ઓછા પાણીની જરૂરિયાત ધરાવતી હોય. જે તે ચોક્કસ વિભાગ મુજબ, દુષ્કાળનો સામનો કરી શકે તેવા પાકો પસંદ કરવા કે જેથી ખેતીમાં થતો પાણીનો વપરાશ મહત્તમ રીતે ઘટાડી શકાય.
(5) પાણીનો ફેરઉપયોગ :
કેટલાક કિસ્સાઓમાં કૃષિમાં પેદા થતાં ગંદા પાણીને માવજત આપી ફરીથી વાપરી શકાય તેવું બનાવવામાં આવે છે. આ રીત પાણીનું સંરક્ષણ કરે છે અને પ્રદૂષકોને કુદરતી જળમાં ભળતા અટકાવે છે.
(ખ) રાસાયણિક ખાતરો :
કૃષિમાં વધુ ઉત્પાદન માટે રાસાયણિક ખાતરો મહત્વનો ફાળો આપે છે. તે પાકને જરૂરી પોષકતત્વો પુરાં પાડે છે. આવા પોષકતત્વો ધોવાણ થઈ પાણીમાં જતાં આલ્ગીનો વિકાસ કરે છે અને જમીનમાંના પાણીને દૂષિત બનાવે છે. તેની સાથેસાથ પર્યાવરણ અને આરોગ્યને લગતા કેટલાક પ્રશ્નો પેદા કરે છે. તે જોતાં સંસાધનોના વપરાશમાં ઘટાડો કરવાના અભિગમ મુજબ ખાતરો નામના કિંમતી સંસાધનના ઉપયોગમાં નીચે મુજબના ઉપાયો હાથ ધરવા જોઈએ.
(1) ચોકસાઈપૂર્વક ખાતરો આપવાં :
ખેતીની આધુનિક પદ્ધતિઓમાં જીપીએસ અને આંકડાકીય માહિતી મુજબ ચોકસાઈપૂર્વક યોગ્ય માત્રામાં ખાતરો જમીનમાં આપી શકાય છે કે જ્યારે તેની પાકને વધુ જરૂર હોય. આ પોષકતત્વોનું સંરક્ષણ કરે છે એટલું જ નહિ વધારાના પોષકતત્વોને ધોવાતાં અટકાવે છે.
(2) કન્ટ્રોલ્ડ-રીલીઝ ખાતરો :
પાકના વિકાસ મુજબ જરૂર જણાય તેમ ખાતરોમાંથી પોષકતત્વો છૂટા પડી પાકને લભ્ય બને છે. આ અભિગમથી પોષકતત્વોનો નિતાર ઘટે છે અને બગાડ થયા સિવાય છોડને જરૂરી પોષકતત્વો મળી રહે છે.
(3) સેન્દ્રિય અને જૈવિક પોષકતત્વોના સ્ત્રોત :
સેન્દ્રિય ખેતી પદ્ધતિમાં સેન્દ્રિય અને જૈવિક ખાતરોનો ઉપયોગ કરી પાકને પોષકતત્વો આપવામાં આવે છે જેવા કે છાણિયું ખાતર, કમ્પોસ્ટ, કવરપાક. તેના ઉપયોગથી પાકને પોષકતત્વો ધીરે ધીરે મળે છે, જમીનનું આરોગ્ય સુધરે છે અને કૃત્રિમ ખાતરોના ઉપયોગમાં ઘટાડો થાય છે.
(ગ) જંતુનાશક દવાઓ :
પાકને રોગ-જીવાત સામે રક્ષણ આપવા માટે જંતુનાશક દવાઓ આપવામાં આવે છે જે કેટલીક વખત અનિચ્છનીય અસરો પેદા કરે છે, લાભકર્તા કીટકો-જીવોને નુકસાન કરે છે અને જંતુનાશકો સામે પ્રતિકારકતા વિકસાવે છે. આ માટે સંસાધનોમાં વપરાશના ઘટાડાનો અભિગમ અપનાવી નીચેના ઉપાયો હાથ ધરવા જોઈએ.
(1) સંકલિત જીવાત વ્યવસ્થાપન (આઈપીએમ – IPM) :
આ એક પવિત્ર અભિગમ છે કે જેમાં જૈવિક નિયંત્રણ અને લાભકર્તા કીટકોનો ઉપયોગ તથા રાસાયણિક જંતુનાશકોનો ઉપયોગ ઘટાડવામાં આવે છે તથા પાકમાં બારીકાઈ પૂર્વક જીવાતનું નિરીક્ષણ કરી આઈપીએમનો અમલ કરી રાસાયણિક દવાઓની જરૂરિયાત ઘટાડવામાં આવે છે.
(2) ઓર્ગેનિક જીવાત નિયંત્રણ :
સેન્દ્રિય ખેતીમાં જીવાતોના નિયંત્રણ માટે જૈવિક નિયંત્રણની પદ્ધતિઓ ઉપર ભાર મૂકવામાં આવે છે જેવી કે, કુદરતી પરજીવીઓનો ઉપયોગ, બે જાતના પાકોનું સાથે વાવેતર વગેરે. આ પ્રકારની પદ્ધતિનો ઉપયોગ કરવાથી લાભકર્તા જીવોની સમતુલા જંતુનાશકોના વધુ ઉપયોગ કર્યા વિના જાળવી શકાય છે.
(3) રસાયણોના જથ્થામાં ઘટાડો કરવો :
વૈજ્ઞાનિક ભલામણ અનુસાર જંતુનાશક દવાનો ઓછા પ્રમાણમાં આદર્શ રીતે ઉપયોગ કરવો જેથી જંતુનાશકોના વધુ પ્રમાણમાં વપરાશ ઘટાડી શકાય. તેના વડે પાકમાં રસાયણોના અવશેષોનું પ્રમાણ ઘટાડી શકાય છે અને જીવાતોમાં જંતુનાશકો સામેની પ્રતિકારક શક્તિ વિકાસ પામતી અટકાવી શકાય છે.
(ઘ) જમીનનો મહત્તમ ઉપયોગ :
ખેતીની જમીનો શહેરીકરણને કારણે ઝડપથી ઘટી રહી છે જેથી વનસ્પતિઓ, જંગલી જીવોના આવાસો અને જૈવવૈવિધ્યતાઓ નાશ પામે છે. સંસાધનોના વપરાશમાં ઘટાડો એ અભિગમ જમીનના વપરાશ અંગે ફેરવિચારણા માંગે છે. વર્ટિકલ ખેતી (Vertical agriculture) અને નિયંત્રિત વાતાવરણમાં ખેતી (Controlled Environment Agriculture – CEA) એ ખેતીના નૂતન અભિગમો છે જેના વડે ઓછી જગ્યાનો મહત્તમ ઉપયોગ કરી ખેતીમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આમ જમીન સંરક્ષણની જરૂરિયાત ઘટાડી કુદરતી જીવોનું રક્ષણ કરી શકાય છે.
(ચ) ઊર્જા :
કૃષિમાં પિયત અને પરિવહનની કામગીરી માટે ઊર્જા જરૂરી છે. સૂર્ય અને પવન ધ્વારા મેળવાતી ઊર્જાનો ઉપયોગ કરી કોલસો, ડીઝલ, પેટ્રોલ વગેરે આધારિત બળતણનો ઉપયોગ ઘટાડી શકાય છે. સીઈએ પદ્ધતિનો ઉપયોગ કરી લેડ લાઈટિંગ અને ઓટોમેશન વડે ઊર્જાનો બગાડ અટકાવી ઊર્જાની અસરકારકતા વધારી શકાય છે. શહેરી વિસ્તારની નજીક વર્ટિકલ ખેતી વડે ખોરાકનું ઉત્પાદન કરી સ્થાનિક બજારમાં પહોંચાડી પરિવહનના ખર્ચમાં પણ ઘટાડો કરી શકાય છે.
પડકારો અને વિચારણા :
કૃષિમાં સંસાધનોના વપરાશમાં ઘટાડો કરવા માટેના આ અભિગમમાં અનેક પડકારો રહેલા છે. શરૂઆતના તબક્કે કાર્યક્ષમ સિંચાઈ વડે પાણી આપવું, ચોકસાઈપૂર્વકની ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરવો અને સીઈએ માટેનું માળખું ઊભું કરવું એ બાબતે તાત્કાલિક શરૂઆત કરવી પડે. વધુમાં પરંપરાગત ખેતી પદ્ધતિઓને બદલે ટકાઉ ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડે.
પાકની પસંદગી કરવી એ પણ એક વિચારવાલાયક મુદ્દો છે. કેટલાક પાકો નિયંત્રિત વાતાવરણમાં થઈ ના શકે તો તેને અનુકુળ પદ્ધતિ વિષે પણ વિચારવું પડે. વધુમાં આ માટે કાયદાકીય ફેરફારો, ગ્રાહકોને જાણકારી પુરી પાડવી અને શિક્ષણ આપવું જરૂરી છે કે જેથી સંસાધનોના વપરાશમાં ઘટાડાના અભિગમને પ્રોત્સાહન આપી શકાય.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, મે – 2024
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

