ગરણીને સંસ્કૃતમાં ગોકર્ણી, વિષ્ણુકાન્તા, ગિરિકર્ણિકા, ગોકર્ણિકા અને અપરાજિતા, હિન્દીમાં કોયલ અને અંગ્રેજીમાં Indian mezorian, Menzorian butterfly pea flower અને Wing leaved clitoria તરીકે ઓળખવામાં આવે છે. તે ફેબેસી કુટુંબની વનસ્પતિ છે. તેનું વૈજ્ઞાનિક નામ clitoria ternatea છે. તે એક સુશોભિત બારમાસી વેલ છે. તેનું મૂળ વતન એશિયાનો ઉષ્ણ કટીબંધિય વિસ્તાર છે ત્યાંથી તેનો ફેલાવો દક્ષિણ અમેરિકા, મધ્ય અમેરિકા, ઈસ્ટ ઈન્ડિઝ, વેસ્ટ ઈન્ડિઝ, ચીન અને ભારતમાં થયેલ છે.
ગરણી પુરતા પ્રમાણમાં જૈવસક્રિય પદાર્થો ધરાવે છે જેથી તેની એક સ્માર્ટ હર્બ (Smart herb) તરીકેની ગણના થાય છે. તેના ફૂલો ટેરનાટિન, એન્થોસાયનિન્સ અને માયરિસેટિનના વિવિધ ફ્લેવોનોલ ગ્લાયકોસાઈડસ ધરાવે છે. તે આયુર્વેદ ઔષધમાં ‘બટરફ્લાય પી’ (Butterfly pea) તરીકે પ્રખ્યાત છે અને તે કબજીયાત, અપચો, સંધિવા, ચામડીના દર્દો અને યકૃત તથા આંતરડાની સમસ્યાઓની સારવારમાં ઘણા લાંબા સમયથી વપરાય છે. તેનો સુશોભિત ફૂલોવાળા છોડ તરીકે ઉપયોગ થાય છે. ઈતિહાસમાં ખાદ્ય રંગના એજન્ટ (ફૂડ કલરિંગ એજન્ટ) તરીકેના ઉપયોગનો ઉલ્લેખ છે. તે બારમાસી નીંદણોને દબાવી દે છે અને નાઈટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ કરી જમીનની ગુણવત્તામાં સુધારો કરે છે.
છોડનું વર્ણન :
તેની 60 જેટલી પ્રજાતિઓ છે જે ઉષ્ણ કટિબંધીય વિસ્તારો અને કેટલાક ગરમ પ્રદેશોમાં જોવા મળે છે. તે ઊંડા મૂળ ધરાવે છે, 2 થી 3 મીટર ઊંચી થાય છે, બારમાસી કઠોળ વર્ગની વનસ્પતિ છે જેની વૃદ્ધિનો આધાર વાતાવરણ ઉપર રહેલો છે. તેના વેલા સુતળી કે તારની માફક આડાઅવળા ઝાડ કે ઘાસને વીંટાળાયેલા હોય છે. એમાંથી તાર જેવી પાતળી શાખાઓ ઘણી નીકળેલી હોય છે. તેની દાંડી ભૂરા કે લીલા રંગની હોય છે. પાન સંયુક્ત આંતરે આવેલાં હોય છે. પાનની મુખ્ય ડીંટડી ઉપર 5 થી 7 નાનાં પાન આવેલાં હોય છે. તેમાં 2 થી 3 પાન જોડીએ સામસામાં અને છેવટનું એક પાન મુખ્ય ડીંટડીને ટેરવે હોય છે. મુખ્ય ડીંટડી ઉપર આવેલાં પાન 3 સે.મી. પહોળાં અને 5 સે.મી. લાંબા હોય છે. તેના ફૂલો આકારે ગાયના કાન જેવાં હોય છે. ફૂલો 9 મિ.મી. લાંબા, સુંદર અને રંગે સફેદ, મીયુવી (Mauve), આછો વાદળી કે ગાઢ રંગનાં એકલ કે જોડીમાં હોય છે. તેની લંબાઈ 4 થી 9 મિ.મી. જેટલી હોય છે. તેનું ફૂલ ગરણી આકારનું અને વધુમાં વધુ 2.2 સે.મી લાંબુ હોય છે. તેના ફૂલોમાં કીટકો ધ્વારા પરાગનયન થાય છે અને સ્વપરાગિત ફૂલો છે. તેની શીંગો પ્રથમ લીલી અને પાકે ત્યારે પીળાશ લેતા ભુરા રંગની થાય છે જે જાત મુજબ 4 થી 13 સે.મી. લાંબી અને 0.9 થી 1.2 સે.મી. પહોળી હોય છે. એક શીંગ 6 થી 10 બીજ ધરાવે છે જે 3 થ 4 મિ.મી. પહોળાં અને 5 થી 7 મિ.મી. લાંબા હોય છે. બીજ કાળાશ લેતા ભુરા રંગનાં, લીસાં, ચળકતાં અને લીલાશ લેતા પીળા રંગની બાનકવાળા હોય છે. તે ચપટાં, લંબગોળ અને તેની એક કોર ઉપર ધોળો ચાંદલો હોય છે. બીજની અંદરનો દળ પીળાશ લેતો, ઉગ્ર વાસવાળો, કડવા સ્વાદવાળો અને તેલવાળો હોય છે.
ખેતી :
તેના સારા વિકાસ માટે ફળદ્રુપ લોમી અને સારા નિતારવાળી જમીન માફક આવે છે. તેને 5.5 થી 8.9 પીએચ ધરાવતી અને ચૂનાવાળી જમીન વધુ માફક આવે છે. તે ઉષ્ણ કટીબંધીય વિસ્તારનો છોડ હોઈ મધ્યમ પાણી (700 થી 1500 મિ.મી.) અને 190 થી 250 સે. તાપમાનવાળી સ્થિતિમાં સારી રીતે ઉગે છે. તે વધુ વરસાદવાળા તેમજ લાંબો દુષ્કાળ પડે તેવા વિસ્તારોમાં જીવી શકે છે. તેને પૂર્ણ સૂર્યપ્રકાશ જોઈએ છે પરંતુ અંશતઃ છાંયાવાળા વાતાવરણમાં પણ થઈ શકે છે. તે સહેલાઈથી ઉગે છે અને ટુંકો જીવનકાળ ધરાવે છે. તે દુષ્કાળની સ્થિતિમાં પણ 7 થી 8 મહિના સુધી જીવી શકે છે.
તેનું વર્ધન બીજ મારફતે થાય છે. બીજને વાવતાં પહેલાં સારા અંકુરણ માટે એક રાત્રિ સુધી પાણીમાં પલાળી રાખવાં. વાવણી બાદ એક કે બે અઠવાડીયામાં સ્ફુરણ થાય છે અને ચાર અઠવાડિયે ફૂલો આવવાનું શરૂ થાય છે તેના છોડને ઓછામાં ઓછી જાળવણીની જરૂર પડે છે. તેના ઉછેર માટે ભેજ હોવો જોઈએ. એકવાર ઉછેર્યા બાદ તે દુષ્કાળ સામે પ્રતિકારક છે. તેના વેલા બગીચામાં થતી જીવાતો સામે પ્રતિકારકતા ધરાવે છે તેમ છતાં કોઈ વાર ઈયળો, સફેદમાખી અને સ્પાઈડર માઈટસ (કથીરી) જેવી જીવાતો અને એન્થ્રેકનોઝ તથા જીવાણુથી થતો પોચો સડો જેવા રોગોનું નુકસાન નોંધાયેલ છે.
ગરણીની જાતો :
તેની બે જાતો જોવા મળે છે. એક સફેદ (ધોળા) ફૂલવાળી અને બીજી આસમાની ફૂલોવાળી. કેટલીક વાર એક જ વેલા ઉપર આસમાની અને ધોળાશ લેતાં ફૂલ પણ જોવામાં આવે છે.
અન્ય જાત :
અમેરિકન ગરણી (Clitoria cajanaefolia)
આ જાતની વેલ ઉષ્ણકટિબંધ, મલાયા અને અમેરિકામાં થાય છે. તેના ફૂલો જાંબુડી રંગના અને સુંદર હોઈ તેનું બગીચામાં વાવેતર થાય છે.
પોષણ મૂલ્ય :
ગરણી કેટલાક જૈવસક્રિય પદાર્થો ધરાવે છે જેને ઓળખી અલગ પાડવામાં આવેલ છે. વાદળી, એસીલેટેડ એન્થોસાયનિન્સ કે જે ટેરનાટિન્સ તરીકે ઓળખાય છે તે ડેલ્ફિનિડિનમાંથી છૂટા પાડવામાં આવેલ છે. તેના ફૂલોમાં છ જેટલા પ્રાથમિક એન્થોસાયનિન્સ (ટેરનાટિન્સ એ1, એ2, બી1, બી2, ડી1 અને ડી2) શોધી કાઢવામાં આવેલ છે. ફ્લેવેનોલ્સ સહિત તેના ફૂલોનું પોષણ અંગેનું પૃથક્કરણ કરતાં 0.32 ટકા પ્રોટીન, 2.1 ટકા રેસા, 2.2 ટકા કાર્બોહાઈડ્રેટસ અને 2.5 ટકા ફેટ ધરાવે છે. ફૂલો ઊંચા પ્રમાણમાં પ્રતિ ગ્રામ દીઠ 3.09 મિ.ગ્રા. કેલ્શિયમ, 2.23 મિ.ગ્રા. મેગ્નેશિયમ, 1.25 મિ.ગ્રા. પોટેશિયમ, 0.59 મિ.ગ્રા. ઝિન્ક, 0.14 મિ.ગ્રા. સોડિયમ અને 0.14 મિ.ગ્રા. આયર્ન ધરાવે છે.
ઔષધિય ગુણો :
ગરણી સારક, મૂત્રલ અને ઉપલેપક ગુણદોષ ધરાવે છે. ધોળી ગરણી વધારે ગુણવાળી છે.
ધોળી ગરણી તીખી, શીત, કડવી, બુદ્ધિપ્રદ, ચક્ષુસ્ય, તુરી, સારક તથા વિષનાશક અને ત્રિદોષ, મસ્તક શૂળ, દાહ, કોઢ, શૂળ, આમ, પિત્તોપદ્રવ, સોજો, કૃમિ, વ્રણ, કફ, ગ્રહપીડા, શીર્ષરોગ તથા સર્વ વિષનો નાશ કરે છે.
કાળી ગરણી કડવી, સ્નિગ્ધ, ત્રિદોષનાશક તથા શીતવીર્ય છે અને વાયુ, પિત્ત, કફ, જવર, દાહ, શ્રમ, રક્તાતિસાર, ઉન્માદ, મદ, દમ, કોઢ, કૃમિ તથા ક્ષયનો નાશ કરે છે. તેના મૂળ સારક, મૂત્રલ, કફઘ્ન, ભેદન અને વેદનાસ્થાપન ગુણ ધરાવે છે.
વિવિધ રોગોમાં ઉપયોગ :
(1) કોઢ : ધોળી ગરણીનાં મૂળ પાણીમાં ઘસી લેપ કરવાથી ધોળો કોઢ એક મહિનામાં જાય છે.
(2) રેચ : ગરણીના બીજ ઘીમાં તળી તેનું ચૂર્ણ ગરમ પાણીમાં નાખીને પીવાથી રેચ થાય છે. બીજ જવખાર અને સૂંઠ સાથે સાદા રેચ માટે લેવાય છે.
(3) મસ્તકશૂળ અને આધાશીશી : ધોળી ગરણીનાં મૂળ પાણીમાં ઘસી નાકે સુંઘવું. તેનાં બી તથા મૂળ એકત્ર વાટી તેનો લેપ કરવો.
(4) તણખિયા પરમા : ધોળી ગરણીનાં મૂળ પાણીમાં ઘસી સાત દિવસ સુધી પાવાં.
(5) હરતાલનું વિષ : ધોળી ગરણીનાં પાનનો રસ પાવો.
(6) કફવિકાર : ધોળી ગરણીના મૂળનો રસ શક્તિ પ્રમાણે બે તોલા પર્યત ગાયના તાજા દૂધમાં પાવો.
(7) એકાંતરો જવર (તાવ) : ગરણીના રસનું નસ્ય આપવું.
(8) ગર્ભપાત : ધોળી ગરણીનાં મૂળ દૂધમાં ઘસીને પાવાં એટલે પડનારા ગર્ભનું સ્તંભન થાય છે.
(9) વાળા : ધોળી ગરણીનાં મૂળ દૂધમાં વાટી લેપ કરવો.
(10) યકૃત, પ્લીહા અને જળોદર : ગરણીના બીજનું ચૂર્ણ ત્રણ માસ ગરમ પાણી સાથે પાવું.
(11) વીંછી કે સર્પદંશ : તેના મૂળ પાણીમાં ઘસીને વીંછીના ડંખ ઉપર ચોપડાય છે.
(12) કાનના દર્દ : તેના પાનનો રસ જરા ગરમ કરી તેલની સાથે મેળવી તેનું ટીપું કાનમાં નાખવામાં આવે છે.
(13) કઠણ ગૂમડાં : તેના પાનને વાટી તેનો લેપડો કઠણ ગૂંમડાં પર બાંધવામાં આવે છે.
(14) બાળકનું પેટ ચડવું અને કબજીયાત : તેનાં બીજ શેકીને તેમાં ગોળ નાખી તે માતાના ધાવણમાં બાળકોને અપાય છે. બીજનું ચૂર્ણ બચ્ચાંના પેટમાં ભાર રહ્યો હોય તો ગરમાળાના ગોળ કે સોનામુખી કે હીમજ સાથે અપાય છે.
(15) પેશાબના રોગો : તેના બીજ મૂત્રલ હોવાથી પેશાબના રોગોમાં ફાયદો કરે છે.
(16) શીતળા, ઓરી : તેનાં પાંદડાંનો ઉકાળો પીવાય છે.
ઔષધિય મૂલ્ય :
(1) ગરણી મગજનું આરોગ્ય જાળવવામાં અને મગજના કાર્યોને ઝડપી બનાવવામાં મદદ કરે છે. તે મગજ ઉપર શાંત અસર કરે છે તેથી તે વારંવાર ચક્કર આવવાં અને મગજની નબળાઈ ઉપર વપરાય છે.
(2) તે અનિયમિત માસિક ચક્રની સારવારમાં ઉપયોગી છે. વિશેષમાં તેના ફૂલો પ્રજનન સમસ્યાઓમાં મદદ કરે છે.
(3) તેના મૂળ સફેદ કોઢ (લ્યૂકોડર્મા)ની સારવારમાં ઉપયોગી છે.
(4) તે સંધિવાના દર્દમાં રાહત આપે છે તેના પાંદડાંની પેસ્ટ સોજા કે ફૂલેલા ભાગ ઉપર ચોપડવામાં આવે છે.
(5) ગરણીમાં પ્રોએન્થોસાયનિડિન નામનો એન્ટિઓક્સીડેન્ટ પુરતા પ્રમાણમાં રહેલો છે જે લોહીમાંથી આંખના કોષોમાં પહોંચે છે જે ઝામર, ઝાંખુ દેખાવું અને રક્તસ્ત્રાવને દૂર કરવા માટે જરૂરી છે.
(6) આયુર્વેદમાં પંચકર્મની સારવારમાં ગરણીનો ઉપયોગ થાય છે. તે શરીરની આંતરિક અને બાહ્ય બિનઝેરીકરણ પ્રક્રિયામાં ફાયદાકારક છે.
(7) તેના બીજ પેટ અને અન્ય આંતરિક અંગોની સફાઈ માટે ઉપયોગી છે. તે પાચનમાં સુધારો કરે છે અને પેટનો દુઃખાવો ઘટાડે છે.
(8) તે ડાયાબીટીસના દર્દીઓમાં લોહીતંત્રમાંના શર્કરાના સ્તરનું નિયમન કરે છે. ભોજન લીધા બાદ ગરણીના ફૂલોની એક કપ ચા પીવાથી લોહીમાંની શર્કરાના સ્તરનું નિયમન થાય છે અને તેમાં થતી વધઘટ દૂર થાય છે.
(9) ગરણી કોલેસ્ટીરોલ અને ટ્રાયગ્લીસરાઈડસને ઘટાડે છે. તેના મૂળ કોલેસ્ટીરોલની સારવારમાં જાણીતા છે. તેના બીજ અને મૂળ ટ્રાયગ્લીસરાઈડસમાં ઘટાડો કરે છે.
સ્ત્રોત : (1) વનસ્પતિ વર્ણન લે. જ. ઈ. ઠાકર, (2) વનસ્પતિ સૃષ્ટિ લે. ગો. ખી. બાંભડાઈ, (3) આર્યભિષક લે. શંકર દાજીપદે અને (4) ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, એપ્રિલ 2025
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

