ગલગંડ (ગોયટર) લક્ષણો, કારણો અને સારવાર (Symptoms, causes and treatment of goitre)

                થાઈરોઈડ એ ગળાની નીચે આવેલ પતંગિયા આકાર ધરાવતી ગ્રંથિ છે. આ ગ્રંથિ થાયરોક્સીન (ટી-૪) અને ટ્રાયઆયડોથાયરોનિન (ટી-૩) એમ બે  પ્રકારના મખ્ય અંતઃસ્ત્રાવો પેદા કરે છે. આ બંને અંતઃસ્ત્રાવો લોહીના પ્રવાહમાં ભળતા રહે છે અને ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે. તેના દ્વારા શરીરની ચરબી તેમજ કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ કરવાના દરનું નિયમન થાય છે, શરીરનું તાપમાન નિયંત્રણમાં રહે છે, હૃદયની ગતિને પ્રભાવિત કરે છે તેમજ પ્રોટીન ઉત્પાદનના નિયમનમાં સહાયતા કરે છે. થાઈરોઈડ ગ્રંથિ કેલ્સિટોનિનનું ઉત્પાદન પણ કરે છે જે એવો અંતઃસ્ત્રાવ છે કે જે લોહીમાં કેલ્શિયમની માત્રાને જાળવી રાખે છે.                                                                                                                                                                                                                                                       

આયોડિન અને માનવ શરીર :

                આયોડિન એ મુખ્ય સૂક્ષ્મ પોષકતત્વ છે કે જે મનુષ્યના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. માનવ શરીરને પ્રતિદિન ૧૦૦ થી ૧પ૦ માઈક્રોગ્રામ આયોડિનની જરૂર પડે છે. આયોડિનની નિયમિત આપૂર્તિ થાઈરોઈડ અંતઃસ્ત્રાવ પેદા કરવા માટે જરૂરી  છે કે જે માનવ શરીરની સામાન્ય વૃદ્ધિ અને વિકાસનો આધાર છે.

આયોડિનના કુદરતી સ્ત્રોત :

                આયોડિન થાયરોઈડ અંતઃસ્ત્રાવને પેદા કરવા માટે અનિવાર્ય છે અને તે મુખ્યત્વે દરિયા કિનારાનું પાણી તેમજ દરિયા કિનારાની જમીનમાં મળી રહે છે. આ પ્રકારના ભૌગોલિક સ્થળો ખાતેની જમીનમાં ઉગાડવામાં આવતા ખાદ્યપદાર્થોમાં પણ આયોડિન વિપુલ પ્રમાણમાં હોય છે અને તે આયોડિનના ઉત્તમ કુદરતી સ્ત્રોત છે.

આયોડિનની ઉણપથી થતી હાનિકારક અસરો :

                આપણા દેશની મોટા ભાગની જમીન અને ભૂજળમાં આયોડિનની ઉણપ છે તેના કારણે આપણા શરીરમાં આયોડિનની ઉણપ ઊભી થાય છે. જેના પરિણામ સ્વરૂપે થાયરોઈડ ગ્રંથિ થાયરોકસીન(ટી૪) અને ટ્રાય-આયડોથાયરોનિન (ટી૩) નામના અંતઃસ્ત્રાવો શરીરની આપૂર્તિ માટે પેદા કરવા અત્યંત મુશ્કેલ બને છે. આ ગ્રંથિ પોતાનું કાર્ય કરવા માટે ભરચક પ્રયત્નો કરે છે અને તેથી વધુ કાર્ય કરવાને કારણે તેનો આકાર મોટા થઈ જાય છે. થાઈરોઈડ ગ્રંથિની આ અસામાન્ય વૃદ્ધિને ગલગંડ (ગોયટર) કહેવામાં આવે છે.

                કુદરતી રીતે આયોડિનની ઉણપ હોય તેવા વિસ્તારોમાં રહેતા દરેક ઉંમરના લોકોમાં આ પ્રકારની આરોગ્ય સમસ્યા જોવા મળે છે. ભલે પછી તેઓનું સામાજીક કે આર્થિક સ્તર ગમે તે હોય. તેની ઉણપથી શરીરમાં કેટલાક વિકારો પેદા થાય છે. જેને ‘આયોડિનની ઉણપથી થતા રોગો’ તરીકે ઓળખવામાં આવે છે.

                આયાડિનની ઉણપના કારણે શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે. જે વિસ્તારોમાં આયોડિન પુરતા પ્રમાણમાં સુલભ છે તેની સરખામણીએ આયોડિનની ઉણપવાળા વિસ્તારોના લોકોનો બુદ્ધિ આંક (ઈન્ટેલિજન્ટ કવોટન્ટ-આઈક્યુ) ૧૩.પ ટકા જેટલો ઘટી શકે છે. માનસિક દુર્બળતાની આ સૂક્ષ્મ કમી બાળકના શાળાના ભણતરમાં, તેની બુદ્ધિ ક્ષમતામાં અને કાર્ય કુશળતામાં તત્કાળ અસર કરે છે જેનો કોઈપણ સમુદાયના જીવનની ગુણવત્તા તેમજ ઉત્પાદકતા પર સીધો પ્રભાવ પડે છે.

                થાઈરોઈડ ગ્રંથિમાં અસામાન્ય વધારો થાય ત્યારે તે ગલગંડ બની જાય છે. ઘણી એવી સ્થિતિઓમાં તેની વૃદ્ધિ થાય છે. વિશ્વભરમાં જોવા મળેલ સર્વાધિક કારણોમાંનું સામાન્ય કારણ આહારમાં આયોડિનની ઉણપ છે. આજકાલ તેની ઉણપ પુરી પાડવા માટે આયોડિયુક્ત મીઠાનો ઉપયોગ પ્રચલિત થયો છે જેના પરિણામ સ્વરૂપ ગલગડના રોગમાં ઘટાડો થયો છે. હાલમાં થાયરોઈડ અંતઃસ્ત્રાવ ઓછો કે વધુ પેદા થવાને કારણે થાયરોઈડ વૃદ્ધિ જોવા મળે છે.

ગલગંડનું પ્રમાણ :

                ઈન્ડિયન કાઉન્સીલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર), કેન્દ્ર અને રાજ્યના સ્વાસ્થ્ય નિયામકશ્રીઓ તથા મેડિકલ  સંસ્થાઓ દ્વારા દેશભરમાં કરવામાં આવેલ કેટલીક મોજણીઓ દરમ્યાન એવું જાણવા મળેલ છે કે દેશના ૮ર ટકા જીલ્લાઓની જમીન અને ભૂજળમાં આયોડિનની ઉણપ છે. આવા વિસ્તારોમાં રહેતા લોકોને આયોડિનની ઉણપથી થતા વિકારો થવાની આશંકા વધુ પ્રમાણમાં રહે છે. એક અનુમાન મુજબ ભારતમાં ૧૭.૬ કરોડ લોકો આયોડિનની ઉણપથી થતા વિકારોની ઝપટમાં આવી શકે છે. પ.૪૪ કરોડ લોકો ગલગંડથી પીડાય છે અને ૮૮ લાખ લોકો આયોડિનની ઉણપથી થતા માનસિક અને શારીરિક અપંગતા સંબંધી વિકલાંગતાથી પીડાય છે.

રોગના લક્ષણો અને સંકેત :

                હંમેશા દરેક પ્રકારના ગલગંડમાં રોગના લક્ષણો જોવા મળે તેવું નથી. જો ગલગંડ નાનો હોય, તેનાથી કોઈ તકલીફ ના થતી હોય તો તેની સારવારની જરૂર પડતી નથી. પરંતુ ગલગંડ મોટો થઈ જાય  ત્યારે કેટલાક રોગના લક્ષણો કે સંકેત જોવા મળે છે જેવા કે

  1. ગરદનની નીચેના ભાગમાં સોજો જે મેકપ કે દાઢી કરતી વખતે જોવા મળે છે.
  2. ગળામાં સખ્તાઈ (કઠણ) લાગે
  3. ઉધરસ આવે
  4. અવાજ ભારે થઈ જાય
  5. ખોરાક લેવામાં મુશ્કેલી પડે
  6. શ્વાસ લેવામાં મુશ્કેલી પડે

                ગલગંડ થાય એનો મતલબ એવો નથી કે થાઈરોઈડ ગ્રંથી અવશ્ય  તેનું કાર્ય નહી કરી રહી હોય. ગલગંડ મોટી થઈ જાય તો પણ થાઈરોઈડ ગ્રંથિ પર્યાપ્ત માત્રામાં અંતઃસ્ત્રાવો પેદા કરી શકે છે. પરંતુ એવો સંભવ છે કે તે ઘણા ઓછા પ્રમાણમાં કે ઘણા વધુ પ્રમાણમાં થાયરોક્સિન તથા ટી-૩ પેદા કરી રહેલ હોય.

સામાન્ય જોખમના પરિબળો :

        કોઈપણ વ્યક્તિને ગલગંડ થઈ શકે છે, તે જન્મજાત પણ હોઈ શકે છે અને જીવનમાં ગમે ત્યારે થઈ શકે છે. જો કે ૪૦ વર્ષની ઉંમર પછી વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગલગંડના કેટલાક સામાન્ય જોખમના પરિબળો આ પ્રમાણે છે.

() આહારમાં આયોડિનની ખામી : એવા ભૌગોલિક વિસ્તારો કે જયાં કુદરતી રૂપે જ આયોડિનની ઉણપ હોય અને જેને પૂરક રૂપે આયોડિન સુલભ ન થઈ રહેલ હોય તેવા વિસ્તારોના લોકોને ગલગંડ થવાનું જોખમ વધુ પ્રમાણમાં રહે છે.

() મહિલા વર્ગ : મહિલાઓમાં થાયરોઈડ સંબંધી વિકારો અને ગોયટર થવાની આશંકા વધુ રહે છે. મહિલાઓમાં થાયરોઈડ સંબંધી વિકારો તરૂણાવસ્થા, ગર્ભાવસ્થા અને રજોનિવૃત્તિ દરમ્યાન વધુ પ્રમાણમાં જોવા મળે છે. સંભવતઃ તેનું કારણ આ સમયે અંતઃસ્ત્રાવમાં થતા ફેરફાર અને શરીરમાં અંતઃસ્ત્રાવ સંબંધી જરૂરિયાતોનું વધુ પ્રમાણ હોય છે. ગર્ભાવસ્થા દરમ્યાન પેદા થતો ‘હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન’ (એચસીજી) અંતઃસ્ત્રાવ પણ ગલગંડની મામુલી વૃદ્ધિ માટે જવાબદાર હોઈ શકે છે.

આરોગ્યનો ઈતિહાસ :

                થાયરોઈડ ગ્રંથિના સોજાને ‘થાયરોયડાઈટિસ’ કહે છે. કોઈપણ સ્વપ્રતિયરક્ષિકરણ રોગ (ઓટોઈમ્યુન ડિસીઝ)ના ભાગ રૂપે થઈ શકે છે. વ્યક્તિગત કે કૌટુંબિક સ્તરે જો આ પ્રકારના રોગનો ઈતિહાસ હોય તો તે વ્યક્તિ માટે રોગનું જોખમ વધી જાય છે. જો આમ હોય તો થાયરોઈડ ગ્રંથિમાં દર્દ અને સોજો આવે છે. જેના પરિણામ સ્વરૂપ થાયરોઈડ અંતઃસ્ત્રાવ એાછો અથવા તો જરૂરિયાતથી વધુ પ્રમાણમાં પેદા થાય છે.

() કેટલીક દવાઓનો ઉપયોગ : કેટલાક ઔષધિય ઉપચાર જેમાં ઈમ્યૂનોસપ્રેસેન્ટસ, એન્ટ્રિરેટ્રોવાયરલ અને હૃદયરોગમાં આપવામાં આવતી એમિઓડેરોન અને મનોરોગમાં આપવામાં આવતી લિથિયમ દવાનો સમાવેશ થાય છે. આ દવાઓ લેવાથી પણ ગલગંડ થવાનું જોખમ વધી જાય છે.

() રેડિયેશન સંપર્ક : વ્યક્તિના ગળાના કે છાતીનો ભાગે રેડિયા થેરાપી સમયે રેડિયેશન આપવામાં આવે તો પણ ગલગંડ થવાનું જોખમી વધી જાય છે.

રોગ નિદાન :

                ડૉકટર દ્વારા ગલગંડનું  રોગનિદાન ગરદનના સ્પર્શથી અને દર્દીને કોઈ પ્રવાહી પદાર્થ પીવા આપવાથી સંભવ છે. કેટલીક વાર થાયરોઈડ ગ્રંથિની પૂર્ણ વૃદ્ધિ દરમ્યાન માથાના બંને ભાગ ઉપર ગંડિકાઓ (નોડ્યુલ્સ) બને છે. કેટલાક લોકોને થાયરોઈડ ગ્રંથિના એક માથાના ભાગ ઉપર ગંડિકા બને છે. આ ગંડિકાઓ કેન્સર રહિત હોય છે અને કેન્સરના રૂપમાં  પરિવર્તિત થતી નથી. જો કે કેટલાક કિસ્સાઓમાં કેન્સર થવાનો સંભવ રહે છે. એક સારી વાત એ છે કે કેન્સર રહિત ગંડિકાઓની સરખામણીએ થાયરોઈડ કેન્સરના દાખલા ઘણા ઓછા જોવા મળે છે. સમય રહેતા આવા દાખલાઓ જોવા મળે તો તેની સારવાર કરવી સંભવ છે. અત્રે દર્શાવેલ કેટલીક કસોટીઓ દ્વારા રોગનિદાન કરવામાં મદદ મળે છે.

() હોર્મોન (અંતઃસ્ત્રાવ) કસોટી : લોહીનું પરિક્ષણ કરવાથી જાણવા મળે છે કે વ્યક્તિની થાયરોઈડ અને પિચ્યુટરી ગ્રંથિ કેટલી માત્રામાં અંતઃસ્ત્રાવ  પેદા કરે છે. થાયરોઈડ ગ્રંથિ અલ્પ સક્રિય હોય તો થાયરાઈડ અંતઃસ્ત્રાવ ઓછો બનાવે છે. આથી થાયરોઈડ ઉત્તેજક અંતઃસ્ત્રાવ (ટીએસએચ)નું પ્રમાણ વધી જાય છે કારણ કે પિચ્યુટરી ગ્રંથિ ત્યારે થાયરોઈડ ગ્રંથિને વધુ અંતઃસ્ત્રાવ પેદા કરવા માટે પ્રેરિત કરે છે.  થાયરોઈડ ગ્રંથિ વધુ સક્રિય હોય તો ગલગંડની સ્થિતિમાં લોહીમાં  થાયરોઈડ અંતઃસ્ત્રાવનું પ્રમાણ સામાન્ય કરતા ઊંચુ રહે છે અને ટીએસએચનું પ્રમાણ સામાન્ય કરતાં ઓછું જોવા મળે છે.

() એન્ટિબોડી (પ્રતિદ્રવ્ય)કસોટી : કોઈવાર ગલગંડ થવાનું કારણ અસામાન્ય એન્ટિબોડી (પ્રતિદ્રવ્ય) બનવાને લીધે પણ  હોય છે. લોહીનું પરિક્ષણ કરવાથી અસામાન્ય એન્ટિબોડીની ઉપસ્થિતિને પુષ્ટિ મળે છે. આ પરિક્ષણ ખાસ કરીને એવા લોકો માટે ઉપયેાગી છે કે જેઓમાં ઈન્ફલેમેટરી ઓટોઈમ્યુન થાયરોયડિટિસ થવાની શક્યતા હોય.

() અલ્ટ્રાસોનોગ્રાફી : આ પરિક્ષણમાં વાઢકાપ (સર્જરી) કરવાની જરૂર પડતી નથી અને તે દર્દરહિત છે  જેમાં ‘ટ્રાન્સડયુસર’ નામનું  એક સાધન ગળા ઉપર રાખવામાં આવે છે તેના દ્વારા અવાજના મોજાં (ધ્વનિ તરંગો) ગળા પર ટકરાઈને પરત આવે છે જેનું પ્રતિબિંબ કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર જોઈ શકાય છે. આ પ્રતિબિંબ થાયરોઈડની સાથે તેના માથા ઉપર આવેલ ગંડિકાઓ પણ બતાવે છે કે જે સામાન્ય પરિક્ષણ દરમ્યાન જોવા મળતી નથી.

() થાયરોઈડ સ્કેન : થાયરોઈડ સ્કેન કરતી વખતે એક રેડિયોએક્ટિવ આઈસોટોપ કોણીની શિરામાં ઈન્જેક્શન દ્વારા દાખલ કરવામાં આવે છે. ત્યારબાદ દર્દીને તેનું માથુ એક ટેબલ પર પાછળની બાજુ ખેંચી સૂવડાવવામાં આવે છે. એક ખાસ કેમેરો કમ્પ્યુટર સ્ક્રીન ઉપર દર્દીના થાયરોઈડને પ્રતિબિંબિત કરે છે. આ પ્રક્રિયામાં લાગતો સમય આઈસોટોપ દર્દીના થાયરોઈડ ગ્રંથિ સુધી પહોંચવામાં કેટલો સમય લે છે તેના ઉપર આધારિત છે.  આ પ્રક્રિયામાં થાયરોઈડ ગ્રંથિની પ્રકૃત્તિ અને કદની જાણકારી મળે છે પરંતુ તે માટે દર્દીને ઈન્જેકશન આપવું પડે છે, વધુ સમય લાગે છે અને આ પ્રક્રિયા અલ્ટ્રાસાઉન્ડ પરિક્ષણ કરતાં વધુ ખર્ચાળ એટલે કે મોંઘી પણ છે.

() પરીક્ષણ (બાયોપ્સી): એક સૂક્ષ્મ સોય દ્વારા કરવામાં આવતી બાયોપ્સીમાં અલ્ટ્રાસાઉન્ડની  મદદ વડે સોયને થાયરોઈડમાં દાખલ કરવામાં આવે છે જેથી પરિક્ષણ માટે પેશી કે પ્રવાહીને કસોટી માટે મેળવી શકાય.

સારવાર :

                ગલગંડની સારવાર તેનો આકાર, રોગના લક્ષણ અને તેના કારણો પર આધાર રાખે છે. કેટલીક ગલગંડ કે જે હોવા છતાં નડતર રૂપ ન હોય કે  કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ પેદા ન કરતી હોય તો તેની ખાસ કોઈ સારવાર કરાવવાની જરૂર રહેતી નથી પરંતુ આકારમાં મોટી ગલગંડને કારણે શ્વાસ લેવામાં કે ખોરાક લેવામાં તકલીફ પડતી હોય અને તેને કારણે ઉધરસ અને અવાજમાં ભારેપણું આવી જતું હોય યા અન્ય કારણો જેવા કે હાઈપોથાયરોડિઝમ કે હાઈપરથાયરાડિઝમમાં વિવિધ લક્ષણો જોવા મળે છે જેમાં થાક લાગવો, વજનમાં વધારો થવો, અચાનક વજન ઘટી જવું, ચીડીયાપણું, ઊંઘ આવવામાં મુશ્કેલી થવી વગેરેનો સમાવેશ થાય છે. જે તે  વ્યક્તિના રોગની ખાસિયતોને અધારે ડૉકટર અત્રે દર્શાવેલ  માર્ગદર્શન આપી શકે છે.

() થોડી રાહ જૂઓ :

                જો ગલગંડ આકારમાં નાની હોય, કોઈ ખાસ તકલીફ ન પેદા કરતી હોય અને થાઈરોઈડ ગ્રંથિ બરાબર રીતે કાર્ય કરી રહી હોય તેવી સ્થિતિમાં ડૉકટર કેટલોક સમય રાહ જોવાની સલાહ આપે છે. આ માટે વ્યક્તિને નિયમિત રીતે ડૉકટર પાસે ચેકઅપ કરવાનું અને સલાહ લેવાનું માર્ગદર્શન આપવામાં આવે છે.

() ઔષધિ ઉપચાર :

(૧) અંતઃસ્ત્રાવનું પુનઃસ્થાપન (હોર્મોન રીપ્લેસમેન્ટ) : હાઈપોથાયરાડિઝમ થયેલ હોય તો અંતઃસ્ત્રાવના પુનઃસ્થાપન માટે લેવોથાયરોક્સીન (એલટ્રોકસીન, લિવોથ્રાઈડ, સિનથ્રાઈડ)નો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી હાઈપોથાયરાડિઝમ રોગના લક્ષણો દૂર થાય છે અને તેની સાથે પિચ્યુટરી ગ્રંથિમાં થાયરાઈડ ઉત્તેજક અંતઃસ્ત્રાવનું ઉત્સર્જન મંદ થાય છે જેથી ગલગંડનો આકાર પણ ઘટી જાય છે.

() એસ્પિરિન કે કોર્ટિકોસ્ટેરોઈડ : જો થાયરાઈડ ગ્રંથિમાં સોજો હોય તો એસ્પિરિન કે કોર્ટિકોસ્ટેરોઈડ દવાઓનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે.

() થાયરોઈડરોધક દવાઓ : હાયપરથાયરાડિઝમના કારણે થતા ગલગંડમાં દવાઓની જરૂર પડે છે કે જેમાં થાયરોઈડ ગ્રંથિ ઓછા માત્રામાં થાયરાઈડ અંતઃસ્ત્રાવ બનાવે છે. એન્ટિથાયરોઈડ દવાઓમાં કાર્બિમેઝોલ, મેથીમેઝોલ તેમજ પ્રોપાઈલ થાયોયુરે મુખ્ય છે. આ સિવાય એક ઓછી પ્રચલિત થાયરોઈડરોધક પોટેશીયમ પરકલોરેટ છે.

() વાઢકાપ (સર્જરી) : ગલગંડનું કદ વધી જવાને કારણે શ્વાસ કે ખોરાક લેવામાં મુશ્કેલી પડે તો આખી ગલગંડને કે તેના કેટલાક ભાગને વાઢકાપ (સર્જરી) કરી દૂર કરવામાં આવે છે જેને ‘ટોટલ’ કે ‘પાર્શિયલ’ થાયરોડેકટમી કહે છે. કેટલાક કિસ્સામાં ગલગંડના માથા ઉપર ગંડિકા હોય અને હાયપરથાયરાડિઝમનું કારણ હોય તો પણ સર્જરી કરવાની જરૂર પડે છે. થાયરોઈડ કેન્સરમાં પણ સર્જરી કરવામાં આવે છે. સર્જરી પછી થાયરોઈડ ગ્રંથિનો કેટલો ભાગ દૂર કરવામાં આવ્યો છે  તેના આધારે લેવોથાયરોક્સીન લેવાની જરૂર પડી શકે છે.

() કિરણોત્સર્ગી (રેડિયોએક્ટિવ) આયોડિન : કોઈવાર વધુ સક્રિય થાયરોઈડ ગ્રંથિના ઉપચાર માટે કિરોણોત્સર્ગી આયોડિનનો ઉપયોગ કરવામાં આવે છે. કિરણોત્સર્ગી આયાડિન એ મોં વાટે લેવાની દવા છે જે લોહીના પ્રવાહના માધ્યમ દ્વારા થાયરોઈડ ગ્રંથિ સુધી પહોંચે છે અને થાયરોઈડ કોશિકાઓનો નાશ કરે છે. આ ઉપચાર બાદ ગલગંડનો આકાર ઘટી જાય છે, પરંતુ અંતે તેના પરિણામ સ્વરૂપ થાયરોઈડ ગ્રંથિ ઓછી સક્રિય રહે છે. આ કારણે સિન્થેટિક થાયરોઈડ અંતઃસ્ત્રાવ લેવોથાયરોક્સીન વડે થાઈરોઈડ અંતઃસ્ત્રાવને પ્રતિસ્થાપિત કરવામાં આવે છે કે જે જીવનભર લેવાનું જરૂરી બની જાય છે.

રોગથી બચવાના ઉપાય :

                આયોડિનની ઉણપથી થતા ગલગંડથી બચવાનો એક મૂળ મંત્ર છે – પર્યાપ્ત માત્રામાં ઓયોડિનનું સેવન. આ માટે આયોડિન યુક્ત મીઠું અથવા દરિયાઈ ખોરાક કે સીવીડ એ આયોડિનના ઉત્તમ સ્ત્રોત છે કે જે અઠવાડીયામાં બે વખત ખોરાકમાં લેવા જાઈએ. ઝીંગા અને શેલફિશમાં આયોડીન ભરપુર માત્રામાં હોય છે. જે વ્યક્તિ દરિયા કિનારે રહેતો હોય તો સ્થાનિક ઉગાડતા ફળો અને શાકભાજીમાં પણ આયોડિનનું  પ્રમાણ હોવાનો સંભવ છે. આ રીતે આ વિસ્તારની ગાયોના દૂધ અને તેમાંથી બનાવેલ દહીંમાં પણ આ ગુણ હોય છે.

                પ્રત્યેક વ્યક્તિ પ્રતિદિન ૧પ૦ માઈક્રોગ્રામ (અડધી ચમચીથી ઓછું આયોડીન યુક્ત મીઠું) આયોડિનની જરૂર પડે છે.  સગર્ભા મહિલાઓ અને દૂગ્ધપાન કરાવતી માતાઓની સાથે બાળકોને પણ પુરતી માત્રામાં આયોડિન મળવું જરૂરી છે.

                ભારતના મોટા ભાગના જમીન વિસ્તારોમાં આયોડિનની ઉણપ છે એટલે જ આયોડિનની ઉણપથી થતા વિકારો ઘટાડવા માટે ભારતમાં વ્યાપક સ્તરે આવા વિસ્તારોમાં વપરાતા મીઠાને આયોડિન યુક્ત બનાવવાની રણનીતિ અપનાવવામાં આવેલ છે. સને ૧૯૮૩ થી ખોરાક માટે વપરાતા દરેક બ્રાન્ડના મીઠાને આયોડિનયુક્ત બનાવવાનું અનિવાર્ય કરવામાં આવેલ છે કે જેથી આયોડિનની ઉણપ સામે ઝઝૂમી શકાય.

                ભારત સરકારે સને ૧૯૯રમાં ફરીથી ‘નેશનલ આયોડિન ડેફીસીયન્સી ડિસઓડર્સ કંટ્રોલ પ્રોગ્રામ’ની શરૂઆત કરી છે કે જેથી આયોડિનની ઉણપથી થતા વિકારો પર અંકુશ લગાવી શકાય. આ સાથે જોડાયેલી એક જાહેરાત મુજબ કેન્દ્ર સરકારે ૧૭-૦પ-ર૦૦૬ થી આયોડિન રહિત મીઠાના વેચાણ પર ‘ફૂડ એડલ્ટેશન એકટ’ હેઠળ દેશભરમાં પ્રતિબંધ મૂકેલ છે.

                જો કે તેમ છતાં આજે પણ કેટલાક લોકો દ્વારા આયોડિન રહિત મીઠાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ-૩ મુજબ આવા લોકોની સંખ્યા ર૪ ટકા જોવા મળી છે. જો કે આજે આવા લોકોની સંખ્યા ઘટી હશે પરંતુ આયોડિનની ઉણપથી થતા વિકારો આજે પણ લોકોના સ્વાસ્થ્ય માટે એક જાહેર પડકાર છે અને તેના માટે સરકારે વિશેષ યોજનાઓ શરૂ કરવાની જરૂર છે.


સ્ત્રોત : ડ્રીમ ર૦૪૭, ડિસે-2015


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *