જળ શકિત અભિયાન-જળ સંરક્ષણ માટેનું જન આંદોલન (Jal Shakti Abhiyan for water conservation)

                ભારત સરકારના જળ શકિત મંત્રાલય ધ્વારા જળ શકિત અભિયાન શરૂ કરવામાં આવેલ છે.માન.પ્રધાનમંત્રી ધ્વારા જળસંચયના એક ખાસ ભાગ તરીકે મે ૨૦૧૯ માં જળ શક્તિ અભિયાનની રચના કરવામાં આવેલ.આ એક સમય બદ્ધ અને જળ સંરક્ષણ ઝૂંબેશ છે જે એક જન આંદોલન બન્યું છે.તાજા  પાણીનુ સંરક્ષણ કરવું એ મહત્ત્વનું છે જે નીચેની બાબતો ઉપરથી સમજાશેઃ

                લોકોએ વિચારવું જોઇએ કે આપણે જળ સંરક્ષણ શા માટે કરવું જોઇએ પૃથ્વીનો ૭૧ ટકા વિસ્તાર પાણીની છવાયેલો છે.પૃથ્વી ઉપર પાણીની વહેંચણી નીચે મુજબ છેઃ

  • ૯૭ ટકા પાણી પૃથ્વી પર ક્ષાર રૂપે છે જે પીવા માટે કે ખેતી માટે અનકુળ નથી.
  • ફકત ૩ ટકા પાણી તાજુ પાણી છે જેમાંનું ફકત ૦.૫ ટકા આપણા માટે પ્રાપ્ય છે.
  • અન્ય ૨.૫ ટકા તાજુ પાણી (ફ્રેશ વોટર) આઇસ કેપ્સ, ગ્લેસીયરમાં બરફ રૂપે, વાતાવરણ, જમીન અથવા પૃથ્વીની સપાટી ઉપર રહેલું છે વળી તેમાંનું કેટલુંક પ્રદુષણ યુકત હોઇ વાપરી શકાય તેમ નથી.

                આમ ઉપરોકત વિગતો જોતાં આપણે જળસ્ત્રોતોની જાળવણી કરવી અગત્યની છે. આપણે આ મર્યાદિત તાજા પાણીના પૂરવઠાનો ડહાપણભર્યો ઉપયોગ કરી તેની યોગ્ય જાળવણી કરવી જોઇએ તેને જ જળ સંરક્ષણ કહેવાય. આપણું જીવન આ તાજા પાણી ઉપર જ આધારીત છે જેથી આ જળસ્ત્રોતોનું સંરક્ષણ કરી ભવિષ્યની પેઢીને સલામત રાખી શકાય.આ જ હેતુથી તાજા પાણીના સ્ત્રોતોની ટકાઉ વ્યવસ્થા કરવા માટે વિશ્વમાં દર વર્ષ ૨૨ મી માર્ચે વિશ્વ જળ દિવસ (વર્લ્ડ વોટર ડે) ઉજવવામાં આવે છે.તેની શરૂઆત સને ૧૯૯૩ માં વિશ્વમાં આવેલ જળસ્ત્રોતોનું રક્ષણ કરવા અંગેની લોકોમાં જાણકારી પુરી પાડવા તથા લોક ભાગીદારી માટે કરવામાં આવી હતી.

પાણીની ખેંચ :

                વિશ્વની ૪૦૦ કરોડ આબાદી પાણીની અછતવાળા વિસ્તારોમાં રહે છે કે જ્યાં પાણીના પૂરવઠાની સામે પાણીની માંગ વધુ છે. આ સંખ્યા વધીને સને ૨૦૫૦ માં ૫૦૦ કરોડ એ પહોંચશે તેવો અંદાજ છે.જળની વધતી જતી માંગ અને વસ્તીમાં થતો વધારો તથા વાતાવરણ ફેરફારને લીધે ભૌતિક રીતે જળની પ્રાપ્તિ માટે વધુ ખરાબ પરિસ્થિતિ આવનાર છે.સને ૨૦૫૦ સુધીમાં અંદાજે વિશ્વની ૨૦ ટકા વસ્તી ઉપર પુરનું જોખમ ઊભુ છે સને ૨૦૪૦ માં દુનિયાના ૩૩ દેશો પાણી માટે ટળવળશે જેમાં મધ્ય પૂવના દેશો,ઉત્તર આફ્રિકાના દેશો,પાકિસ્તાન,અફઘાનિસ્તાન અને સ્પેનનો સમાવેશ થાય છે.ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, યુએસએ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ ભવિષ્યમાં પાણીની  ખેંચ પડશે.એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ ભારતના ૧૦૦ કરોડ લોકો ભૌતિક રીતે પાણીના ખેંચવાળા વિસ્તારોમાં રહે છે જે  પૈકી ૬૦ કરોડ લોકો વધુ પાણીની ખેંચવાળા વિસ્તારોમાં રહે છે.

                ભારતના તામિલનાડુ રાજ્યમાં ખાસ કરીને ચેન્નાઇ,મદુરાઇ વગેરે શહેરોમાં પાણીની મુશ્કેલીને લઇ રેલ્વેના વેગનો મારફતે પીવાંનુ  પાણી પૂરૂ પાડવામાં આવે છે.હાલમાં મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તાર,ઓરિસ્સામાં મહાનદી સૂકાઇ જવી, કણાટક અને તામિલનાડુ રાજય વચ્ચે પાણી માટેનો વિખવાદ જોવા મળેલ છે ભવિષ્યમાં બેંગલુરૂ,દિલ્હી વગેરે શહેરોમાં પણ પાણીની ખેંચ પડવાનો અંદાજ છે. તેથી દેશમાં આવેલા જળસ્ત્રોતોના નીતિ વિષયક નિણયો લઇ યોગ્ય આયોજન કરવું પડશે.ભારતમાં તાજા પાણીના સ્ત્રોતો ની વિગત કોઠા-૧ માં દશાવેલ છેઃ

કોઠો-૧ ભારતના જળસ્ત્રોત

ક્રમ વિગત યુનિટ (૧ કરોડ ઘનમીટર પ્રતિ વર્ષ)
વાર્ષિક જળ પ્રાપ્યતા ૧૮૬૯
વાપરી શકાય તેવું જળ ૧૧૨૩
સપાટી પરનું જળ ૬૯૦
ભૂગર્ભ જળ ૪૩૩

સ્ત્રોતઃ-સેન્ટ્રલ વોટર કમિશન,ભારત સરકાર

           પાણીનો વપરાશ મુખ્યતવે ખેતી,ઔદ્યોગિક ઉત્પાદન અને ઘરગથ્થુ હેતુઓ માટે ઉપરાંત મત્સ્યઉછેર,જળ વિદ્યુત ઉત્પાદન, વાહનવ્યવહાર અને જૈવવૈવિધ્યતા તથા પરિસ્થિતિકીય સમતુલા માટે થાય છે.વિવિધ દેશોના માનવોની જીવનચર્યા,ઔદ્યોગિક વિકાસ અને પાણીની કાર્યક્ષમતા મુજબ કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે પાણીના વપરાશમાં વિવિધતા જોવા મળે છે જે કોઠા-૨ માં દશાવેલ છેઃ

કોઠો- ૨:પાણીનો વર્તમાન વપરાશ(ટકા)

ક્રમ વપરાશ વિશ્વ યુરોપ આફ્રિકા ભારત
કૃષિ ૬૯ ૩૩ ૮૮ ૮૩
ઉદ્યોગો ૨૩ ૫૪ ૦૫ ૧૨
ધરવપરાશ ૦૮ ૧૩ ૦૭ ૦૫

                વિકસિત દેશો કૃષિ ક્ષેત્રે ઓછુ પાણી અને ઉદ્યોગો માટે વધુ પાણી વાપરે છે જ્યારે આફ્રિકા અને એશિયા જેવા વિકાસ પામતા દેશો ૮૦ થી ૯૦ ટકા પાણી કૃષિ ક્ષેત્રે અને ફકત ૫ થી ૧૨ ટકા ઉદ્યોગો માટે વાપરે છે.આ આંકડા દશાવે છે કે કૃષિ ક્ષેત્રે પાણીનો બિનઅસરકારક રીતે અને ઉદ્યોગોના વિકાસ માટે ઓછો ઉપયોગ થાય છે.વધતુ જતું શહેરીકરણ  અને ઉદ્યોગોના વિકાસને કારણે આવતા વર્ષોમાં પાણીનો વપરાશ વધવા પામશે જે કોઠા-૩ માં દશાવેલ છેઃ

કોઠો-૩:ભવિષ્યમાં પાણીનો વપરાશ (કરોડ લિટર પ્રતિ દિન)

દેશ વષ કૃષિ ઉદ્યોગો ઘરવપરાશ કુલ
ભારત ૨૦૦૦ ૧૬૫૮ ૧૧૫ ૯૩ ૧૮૬૬
૨૦૫૦ ૧૭૪૫ ૪૪૧ ૨૨૭ ૨૪૧૩
ચીન ૨૦૦૦ ૧૦૨૪ ૩૯૨ ૧૦૫ ૧૫૨૧
૨૦૫૦ ૧૧૫૧ ૮૨૨ ૨૧૯ ૨૧૯૨
યુએસએ ૨૦૦૦ ૫૪૨ ૬૦૫ ૧૬૬ ૧૩૧૩
૨૦૫૦ ૩૧૫ ૬૬૫ ૧૮૭ ૧૧૬૭

        ભારતમાં હાલ પ્રતિ દિન પાણીના વપરાશ ૧૮૬૬ કરોડ લિટર છે જે સને ૨૦૫૦માં વધીને  પ્રતિ દિન ૨૪૧૩ કરોડ લિટર થશે જ્યારે યુએસએમાં સને ૨૦૫૦માં પાણીનો વ્યક્તિદીઠ વપરાશ ૧૩૧૩ કરોડ લિટર થી ઘટીને ૧૧૬૭ કરોડ લિટર થશે.સને ૨૦૫૦ માં ભારત  વિશ્વમાં ૨૪૧૩ લિટર પ્રતિ દિન પાણીના વપરાશ સાથે પાણીની માંગ માટેનો પ્રથમ દેશ બનશે જ્યારે ચીન અને યુએસએમાં અનુક્રમે ૨૧૯૨ અને ૧૧૬૭ કરોડ લિટર પ્રતિ દિન પાણીના વપરાશની માંગ રહેશે.

        ભારતમાં વર્ષ દરમ્યાન ૫ થી ૬ મહિનામાં વહેંચાયેલો સારો એવો વરસાદ પડે છે જે એક કુદરતની કૃપા છે. ભારતનો સરેરાશ વાષિક વરસાદ ૧૧૭૦ મિ.મી.છે જે રાજસ્થાનના રણ વિસ્તારમાં ૧૦૦ મિ.મી. થી માંડી ચેરાપુંજીમાં ૧૦,૦૦૦ મિ.મી.વચ્ચે વહેંચાયેલો છે.આપણા દેશમાં વાર્ષિક કુલ ૪૦૦૦ કરોડ ઘનમીટર મીઠું પાણી ઉપ્લબ્ધ થાય છે.આ  પૈકી ૧૦૪૭ કરોડ ઘનમીટર પાણી બાસ્પીભવન ,ઉત્સ્વેદન અને ધોવાણથી નાશ પામે છે જેથી પ્રાપ્ય પાણીનું પ્રમાણ ઘટીને ૧૯૫૩ કરોડ ઘનમીટર અને વપરાશ યોગ્ય પાણી ૧૧૨૩ કરોડ ઘનમીટર રહે છે.ફકત વરસાદના ૧૮ ટકા પાણીનો અસરકારક રીતે ઉપયોગ થાય છે જ્યારે ૪૮ ટકા પાણી નદીઓ મારફતે સમુદ્રમાં પહોંચે છે.કુલ વપરાશ યોગ્ય પાણીમાં ૭૨૮ કરોડ ઘનમીટર સપાટી પરનું પાણી અને૩૯૫ કરોડ ઘનમીટર જમીનમાં સંગ્રહાયેલ પાણીનો સમાવેશ થાય છે.ભારત સરકારના સને ૨૦૦૯ ના અહેવાલ મુજબ ભારતમાં સને ૨૦૦૬ માં ૮૨૯ કરોડ ઘનમીટર પાણીનો વપરાશ થવા પામેલ જે સને ૨૦૨૫ માં વધીને ૧૦૯૩ કરોડ ઘનમીટર અને સને ૨૦૫૦માં વધીને ૧૦૪૭ કરોડ ઘનમીટર થશે.પાણીના વપરાશનું પ્રમાણ ભાગ્યે જ ૫ થી ૨૦ ટકા જેટલુ વધારી શકાય છે તે જોતાં ભવિષ્યમાં પાણીની સમસ્યાનો ભયંકર સામનો કરવો પડશે તેવું જણાય છે

        પાણીનો વપરાશ એક મહત્વની બાબત છે તે જોતાં વધતી જતી વસ્તી માટે અન્નની સલામતીના હેતુથી અન્નની ઉત્પાદન વધારવા તથા પશુઉછેર માટે પણ પાણીની વ્યવસ્થા કરવી પડશે.વસ્તીનો વધારો ભવિષ્યમાં વ્યકિત દીઠ પાણીની પ્રાપ્યતાને અસર પહોંચાડશેં જેની વિગત કોઠા-૪ માં દશાવેલ છેઃ

કોઠો-૪: ભારતમાં વ્યક્તિદીઠ પાણીની પ્રાપ્યતા

વર્ષ વસ્તી (કરોડમાં)   વ્યકિતદીઠ પાણીની પ્રાપ્યતા (ઘનમીટર પ્રતિ વર્ષ)
૧૯૫૧ ૩૬૧ ૫૧૭૭
૧૯૫૫ ૩૯૫ ૪૭૩૨
૧૯૯૧ ૮૪૬ ૨૨૦૯
૨૦૦૧ ૧૦૨૭ ૧૩૪૧
૨૦૨૫ ૧૩૯૪ ૧૩૪૧
૨૦૫૦ ૧૬૪૦ ૧૧૪૦

સ્ત્રોતઃભારત સરકાર,૨૦૦૯

        ઉપરોકત કોઠા-૪ માં દર્શાવ્યા મુજબ સને ૧૯૫૧ માં વ્યકિત દીઠ પાણીની પ્રાપ્યતા ૫૧૭૭ ઘનમીટર હતી જે વસ્તી વધારો થતાં ઘટીને સને ૨૦૨૧ માં ૧૮૨૦ ઘનમીટર થયેલ.આ પ્રમાણે સને ૨૦૨૫ અને સને ૨૦૫૦ માં વ્યકિતદીઠ પાણીની પ્રાપ્યતા ઘટીને અનુક્રમે ૧૩૪૧ અને ૧૧૪૦ ઘનમીટર પ્રતિ વર્ષ થશે.વિવિધ હેતુઓ માટે સરેરાશ પાણીની જરૂરીયાત ધ્યાને લેતાં વાર્ષિક ૧૦૦૦ થી ૧૭૦૦ ઘનમીટર પ્રતિ વર્ષ પાણીના વપરાશ ધરાવતો વિસ્તાર પાણીની ખેંચવાળો જ્યારે ૧૦૦૦ ઘનમીટર પ્રતિ વર્ષ પાણીના વપરાશ ધરાવતો વિસ્તાર પાણીની અછતવાળો વિસ્તાર ગણાય છે.ભારતમાં થતો વરસાદ જમીનમાં સંગ્રહેલ પાણી અને નદી કિનારાના વિસ્તારોમાં રહેલ પાણીની વિવિધતા મુજબ સને ૨૦૨૦માં પાણીની ખેંચ વર્તાશે અને સને ૨૦૫૦ માં પાણીની અછત સર્જાશે તેવો એક અંદાજ છે.આમ પાણીની અછત એ ભવિષ્યમાં અન્નની સલામતીને જોખમમાં મૂકશે.

        ભારતમાં ભૂગર્ભજળમાં રહેલ પાણીનો ઘટાડો સને ૨૦૦૦ થી ૨૦૧૦ દરમ્યાન ૨૩ ટકા જેટલો જોવા મળેલ છે.એક અહેવાલમાં જણાવ્યા મુજબ વિશ્વના કુલ ભૂગર્ભજળના ૨૪ ટકા ભૂગર્ભજળનો ભારત વપરાશ કરે છે. જે ચીન અને યુએસએ કરતાં ઘણો વધારે છે.

ભારતમાં પાણીની અછત કૃષિ ક્ષેત્રને આધારીત છેઃ

                એક અહેવાલ મુજબ ડાંગર અને ઘઉં એ મુખ્ય બે પાકો પાણીનો વધુ વપરાશ કરે છે.જો ડાંગર અને ઘઉંને બદલે સાનુકુળ ભૌગોલિક પરિસ્થતિ મુજબ મકાઇ,બાજરી જુવાર વગેરે પાકો લેવામાં આવે તો પિયતના પાણીની માંગમાં ૩૩ ટકા જેટલો ઘટાડો કરી શકાય.ડાંગર અને ઘઉંના પાકને બદલે બીજા પાકો લેવા એક પડકાર છે કારણકે પાકને અનૂરૂપ પરિસ્થિતિ અને જે તે વિસ્તારમાં પાણીની લભ્યતા મુજબ પાકની પસંદગી કરવી મુશ્કેલ છે.એક  કિલો ડાંગર પેદા કરવા માટે સરેરાશ ૨૮૦૦ લિટર પાણી અને ૨૪ કિલો ઘઉં પેદા કરવા માટે સરેરાશ ૧૬૫૪ લિટર પાણીની જરૂર પડે છે.તેથી જો ફકત ચાર માણસનું કુટુંબ એક મહિના સુધી ડાંગરનો ખોરાકમાં વપરાશ કરે તો અંદાજે ૮૪,૬૦૦ લિટર પાણીનો વપરાશ કર્યો ગણાય.

        સને ૨૦૧૪-૧૫ દરમ્યાન ભારતમાંથી ૩૭.૨ લાખ ટન બાસમતી ચોખાની નિકાસ કરવામાં આવી હતી આ ડાંગરના જથ્થાના ઉત્પાદન માટે દેશના અંદાજે ૧૦ ટ્રીલીયન (૧૦ પરાર્ધ /૧૦૧૨) લિટર પાણીનો વપરાશ થયેલ એટલે કે ભારત દેશમાંથી ૧૦ ટ્રીલીયન પાણીની નિકાસ થઇ તેમ કહેવાય.વિશ્વ જળ દિવસ (૨૨ માર્ચ) એ યુનેસ્કો (UNESCO) ના રિપોર્ટમાં દરેક ભારતીયે પાણીના વપરાશ અંગે સાવચેત  રહેવા જણાવેલ છે.એક અંદાજ મુજબ સને ૨૦૫૦ માં મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં પાણીની કારમી અછત સર્જાશે.

        ધી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા મુજબ નદીઓમાં મોટા પ્રમાણમાં સુએજનો નિકાલ થતાં છેલ્લા પાંચ વર્ષમાં પ્રદૂષિત નદીઓની સંખ્યા ૧૨૧ થી વધીને ૨૭૫ એ પહોંચી છે.દેશની મોટા ભાગની નદીઓમાં પાણીનો પૂરવઠો ઘટવા પામ્યો છે તે એક સારી નિશાની નથી.આંધ્રપ્રદેશના ખેડૂતોને ઘઉં અને શેરડી જેવા વધુ પાણી વાપરતા પાકો કરતાં ઓછુ પાણી વપરાય તેવા પાકો લેવા માટે કહેવામાં આવ્યું છે.

        ખેતીમાં અનિયમિતતા અને જમીનમાંથી પાણીનો વધુ ઉપાડ કરવાથી જળવાહી સ્તરોમાં પાણીનું પ્રમાણ ઘટે છે.નદીઓ પ્રદુષિત થાય તો તેના કારણે જળવાહી સ્તરો નાશ પામે છે જે ફરીથી પ્રાપ્ય બનતા નથી.                  

                કૃષિ ઉત્પાદન એ પાણી ઉપર આધારીત છે એટલે પાણી ન હોય તો કૃષિ ઉત્પાદન સામે જોખમ ઊભું થાય છે.વધુમાં કૃષિ ક્ષેત્ર વિશાળ છે અને પાણીનો વધુ વપરાશ કરે છે તે જોતાં કૃષિ ક્ષેત્રે જળ વ્યવસ્થા અંગેના યોગ્ય ઉપાયો હાથ ધરવા જોઇએ.

     દેશના અનેક ભાગોમાં વારંવાર પડતા દુષ્કાળને કારણે કૃષિ ઉત્પાદનને ગંભીર અસર પહોંચે છે.આ સિવાય અવારનવાર આવતા નદીઓમાં પુર,વાવાઝોડાં જેવા કુદરતી પ્રકોપોથી પણ નુકસાન થવા પામે છે.હવામાન ફેરફારને કારણે વરસાદની અનિયિંમતતા,બરફના સ્તરમાં ઘટાડો,ગ્લેસીયરમાં બરફ ઓગળવો વગેરે કારણોસર પણ પાકને પાણીની જરૂરિયાત ઉપર અસર થવા પામે છે.

 જળ શકિત અભિયાન :

                માન પ્રધાનમંત્રીશ્રીની પ્રેરણાથી જળ સંરક્ષણ ઝૂંબેશ રૂપે આ અભિયાન શરૂ કરવામાં આવેલ છે.આ ઝૂંબેશમાં ભારત સરકારશ્રીના અધિકારીઓ, ભૂગર્ભજળ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો સાથે મળીને રાજ્ય તથા જીલ્લા કક્ષાએ મુખ્ય જળની અછત દર્શાવતા વિસ્તારોમાં જળ સંરક્ષણ અને જળસ્ત્રાવ વ્યવસ્થાની કામગીરી હાથ ધરશે.પ્રચાર અને પ્રસાર ધ્વારા જળ સંરક્ષણ અંગે એક જળ આંદોલન  ઊભું કરવામાં આવશે. આ અભિગમને બે ભાગમાં વહેંચવામાં આવેલ છેઃ

ભાગ-૧:૧ જુલાઇ થી ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૯ (બધા રાજ્યો તથા કેન્દ્રશસિત વિસ્તારો)

ભાગ-૨:૨ ૧ ઓકટોબર  થી ૩૦ નવેમ્બર ૨૦૧૯(રાજ્યો તથા કેન્દ્રશાસિત વિસ્તારો-આંધ્રપ્રદેશ, કર્ણાટક, પોંડીચેરી અને તામિલનાડુ)

જળ શક્તિ આભિયાનના વિસ્તારોઃ

(૧) જળ સંરક્ષણ અને વરસાદના પાણીનો સંગ્રહ

(૨) પરંપરાગત જળસ્ત્રોતો, ટાંકી વગેરેની મરામત/નવિનીકરણ

(૩) માળખાઓનો પુનઃઉપયોગ અને પુનઃવપરાશ

(૪) જળસ્ત્રાવ વિકાસ

(૫) ઘનિષ્ઠ વનીકરણ

જળ શકિત અભિયાનના ખાસ વિસ્તારોઃ

(૧) તાલુકા અને જીલ્લા જળ સંરક્ષણ પ્લાનઃ-જીલ્લાના પિયત પ્લાન સાથે સાંકળીને તાલુકા અને જીલ્લા કક્ષાની જળ સંરક્ષણ યોજનાઓનો વિકાસ કરવો

(૨) કિસાન મેળાઃ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ધ્વારા પિયતના પાણીના અસરકારક ઉપયોગ અને જળ સંરક્ષણ માટે પાકની પસંદગી ઉપર કિસાન મેળાઓ યોજવા

(૩) શહેરોના વેસ્ટ વોટરનો પુનઃઉપયોગઃ ઉદ્યોગો અને કૃષિ માટે શહેરોના વેસ્ટ વોટરનો ઉપયોગ કરી શકાય તે માટેના પ્લાન વિકસાવવા અને મંજૂર કરવા.મ્યુનિસિપાલિટી ધ્વારા ગ્રે વોટર અને બ્લેક વોટરને જૂદુ પાડવા માટેના અલગથી કાયદાઓ પસાર કરવા.

(૪ ) વૈજ્ઞાનિકો અને આઇટી નિષ્ણાતોઃરાષ્ટ્રીય કક્ષાએ ટીમોનો સહકાર આપવા માટે વૈજ્ઞાનિકો અને આઇટી  નિષ્ણાતોને મોકલવા.

(૫) થ્રીડી વિલેજ કન્ટુર મેપિંગઃદરેક ગામના થ્રીડી  વિલેજ કન્ટુર મેપ તૈયાર કરવા કે જેથી જે તે વિસ્તારોનું અસરકારક રીતે આયોજન થઇ શકે.

જળ સ્ત્રોતોના સંરક્ષણમાં વૃદ્ધિ :

        દેશના તાજા પાણીના સ્ત્રોતોનો સારામાં સારો ઉપયોગ થાય તે હિતાવહ છે.ભારત સરકાર ધ્વારા જળ શકિત અભિયાન હેઠળ નીચેની પદ્ધતિઓ ધ્વારા તાજા પાણીના સ્ત્રોતોનું સંરક્ષણ થાય તે માટેના પ્રયાસો એક જન આંદોલન રૂપે હાથ ધર્યા છે

() જળ સંગ્રહ ક્ષમતામાં વધારો :

        ખેત તલાવડીઓ,તળાવો જળાશયો અને નાના તથા મધ્યમ કક્ષાના ડેમ અને નદીઓ ધ્વારા સપાટી ઉપરના પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરી શકાય છે તેમજ ભૂગર્ભજળ રીચાર્જ કરી શકાય છે.ખાડાટેકરાવાળા વિસ્તારોમાં કન્ટુર બંધ બાંધીને  જમીનમાં પાણી સંગ્રહીને ભૂગર્ભજળમાં પાણીના સ્તરને ઊંચુ લાવી શકાય છે  અને જમીનનું ધોવાણ અટકાવી શકાય છે.ગલી પ્લગિંગ,નદીઓ ઉપર નાના ડેમોની હારમાળા બનાવી તેની મદદથી જળાશયોમાં પાણી સંગ્રહ કરવો.

(ખ) પિયત પદ્ધતિઓનો અસરકારક ઉપયોગ :

        જળ સંકટનો સામનો કરવા માટે પિયતની અસરકારકના વધારવી અતિ જરૂરી છે.મોટા ભાગના પાકોને બેઠું પાણી આપવાથી ૫૦ ટકાથી વધારે પાણીનો બગાડ થાય છે એટલું જ નહી ખેડૂતો માપીને પાણી નહી આપવાને બદલે ખેતરમાં જરૂર ન હોય છતાં વધારે પાણી ભરી દે છે.પરિણામે તેની નકારત્મક અસર થાય છે જેવી કે પોષકતત્વોનો નિતાર થઇ જવાથી તેના ખર્ચમાં વધારો થવો, ભૂગર્ભજળ પ્રદૂષિત થવું,જમીનમાં ક્ષારનું પ્રમાણ વધવું અને રોગ-જીવાતમાં વધારો થવો વગેરે.એટલે જ ભારતના ખેડૂતોએ સૂક્ષ્મ પિયત પદ્ધતિ અપનાવવી જોઇએ કે જેથી પાણીની જરૂરિયાત ઘટાડી શકાય એટલું જ નહી પાક ઉત્પાદન ખર્ચ પણ ઘટાડી શકાય.

() જળસ્ત્રાવ વિકાસ :

        જળસ્ત્રાવ વિકાસ એક અગત્યનો કાર્યક્રમ છે કે જેના ધ્વારા કૃષિ ઉત્પાદન માટે વરસાદના પાણીનો ઉત્તમ ઉપયોગ કરી શકાય તેમજ તેની સાથે જમીન સંરક્ષણ કરી જૈવવૈવિધ્યતામાં પણ સુધારો કરી શકાય.ભારત સરકારે વરસાદ આધારિત વિસ્તારોમાં જળસ્ત્રાવ વિકાસ કાયક્રમ ધ્વારા ખેતી માટે ખાત્રીબંધ પાણીનો પૂરવઠો પુરો પાડવાની ટોચ અગ્રિમતા આપેલી છે.જળસ્ત્રાવ વિકાસ કાર્યક્રમ હેઠળ કેચમેન્ટ વિસ્તારને એક એકમ ગણી વધુ વરસાદનું પાણી સંગ્રહાય તેવા પ્રયાસો કરવામાં આવે છે.એક અંદાજ મુજબ વરસાદ આધારિત વિસ્તારોની ૬૩ ટકાથી વધુ ખેતીલાયક જમીનોને જળસ્ત્રાવ વિકાસ હેઠળ જમીન તથા જળનું સંરક્ષણ કરવા માટે આવરી લેવામાં આવે તો પાક ઉત્પાદનમાં વધારો અને તેની સાથે જમીનમાંના પાણીનું સ્તર ઊંચુ લાવી શકાય.

() જળ પ્રદૂષણનું નિયંત્રણ :

        કૃષિ,ઉદ્યોગો અને ઘરવપરાશમાં વધારે પડતા પાણીનો ઉપયોગ જળ પ્રદૂષણ પેદા કરે છે કારણકે વધારાનું પાણી ક્ષારીય પાણી ,ગંદુ પાણી કે સુએઝમાં પરિણમે છે.આથી કિંમતી પાણીનો આદર્શ ઉપયોગ કરવા માટે લોકોને તેના સદુપયોગ માટે મેડલ,પ્રમાણપત્ર ઇનામો આપવા જોઇએ અને તેના દુરૂઉપયોગ માટે યોગ્ય શિક્ષા કરવી જોઇએ.નદીઓમાં  સુએઝ અને ગંદુ પાણી છોડવા ઉપર પ્રતિબંધ મૂકવો જોઇએ અને ગંદા પાણીને રીસાયકલ કરી પુનઃવપરાશ કરવો જોઇએ.આમ કરવાથી જળસ્ત્રોત સાફ રહેશે અને ભવિષ્યમાં પાણીની માંગમાં ઘટાડો થશે.સુએઝને માવજત આપી અને ગંદા પાણીને કૃષિ તથા ઉદ્યોગોના વપરાશમાં લેવું જોઇએ.


સંદર્ભઃ સેન્ટ્રલ એગ્રિલ..યુનિ ફાર્મ મેગેજીન,જુલાઇ-સપ્ટે-૨૦૧૯


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *