છેલ્લા કેટલાક વર્ષોમાં સજીવ ખેતી તરફ વિશ્વનું ધ્યાન દોરાયુ છે.રસાયણવિહીન ઉગાડેલ ફળો અને શાકભાજીના બજારો શરૂ થયા છે.ખાસ કરીને શહેરી વિસ્તારોમાં રહેલા લોકોની આરોગ્ય અને પર્યાવરણની જાગૃતતાને લઇ સજીવ ખોરાકના વપરાશમાં સને ૨૦૨૦ થી ૨૦૨૫ દરમ્યાન ૧૬.૪ ટકાના દરે વધારો થશે તેવો એક અંદાજ છે.
સજીવ ખેતીમાં રસાયણોને બદલે કુદરતી ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ પર્યાવરણ મિત્રનું કામ કરશે અને સાથોસાથ આરોગ્યના લાભો પણ પુરા પાડશે.આથી સજીવ ખેતીમાં જૈવિક ખાતરો અને અન્ય સૂક્ષ્મજીવો આધારીત ઇનપુટસનો ઉપયોગ ખેતીને ટકાઉ બનાવવા તરફ વધુ ધ્યાન દોરવામાં આવ્યું છે.જો કે સજીવ પેદાશ અને રસાયણોના ઉપયોગથી પેદા થતી પેદાશ વચ્ચે ભાવનો મોટા તફાવત હોવા છતાં શહેરી કેન્દ્રો ખાતે સજીવ પેદાશની ખરીદી થાય છે.બીજી તરફ જોઇએ તો ખર્ચાળ રાસાયણિક ખાતરો,જંતુનાશકો અને અન્ય ખેતીના ઇનપુટસનો ખેડૂતો ઉપયોગ કરી પાકનું સારૂ ઉત્પાદન મળે તે તરફ ભાર મૂકવામાં આવે છે.સજીવ ખેતીમાં ખેડૂતે જીવાતને દૂર રાખે તેવા ઇનપુટસ વાપરી પાકનું આરોગ્યપ્રદ ઉત્પાદન મેળવવાનું રહે છે.
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરથી અંદાજે ૧૦૦ કિ.મી. દૂર પડરૂની ટેકરીઓ ઉપર મીનીમુુલુરૂ નામનું આદિવાસી ગામડું આવેલ છે.રાજ્યમાં રહેતી ૩૩ આદિવાસી જાતિઓ પૈકી પરાજા આદિવાસી જાતિના લોકો ત્યાં વસે છે.સામાન્ય રીતે આ જાતિના લોકો ૧ થી ૧.૫ એકરની જમીન ધરાવે છે જેમાં તેઓ ડાંગર,હળદર અને કોફીની ખેતી કરે છે.આ આદિવાસી લોકો પોતાના જીવન-નિર્વાહ અને ખોરાક માટે કુદરત પર આધાર રાખવા માટે જાણીતા છે.આદિવાસી સમાજના પોષણ અંગેના સંશોધન અભ્યાસોમાં આદિવાસી મહિલાઓમાં પોષણનું જે સ્તર હોવું જોઇએ તેથી ઓછુ માલૂમ પડેલ છે.
‘ટેકનોસર્વ’નામની ગરીબાઇને દુર કરતી સંસ્થા આંધ્રપ્રદેશના પડેરૂ વિસ્તારમાં નહી નફાના ધોરણે કાર્ય કરે છે .તેના ધ્વારા વોલમાર્ટ ફાઉન્ડેશનના નાણાંની મદદથી ‘સસ્ટેનેબલ લાઇવલીહૂડસ ફોર સ્મોલહોલ્ડર ફાર્મસ ઇન આંધ્રપ્રદેશ’ નામનો કાર્યકર્મ શરૂ કરવામાં આવેલ.તેનો હેતુ આદિવાસી મહિલાઓના પોષણના સ્તરમાં સુધારો અને તે વિસ્તારની જમીનની ફળદ્ગુપતામાં વધારો કરવાનો હતા.પદમશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર અને ઝીરો બજેટ નેચરલ ફામિઁગ મોડલના શોધક એવા શ્રી સુભાષ પાલેકરની પ્રેરણા લઇ આ કાર્યક્રમ હેઠળ આદિવાસી મહિલાઓને સજીવ શાકભાજી બગીચા એટલે કે ઓર્ગેનિક કિચન ગાર્ડનની તાલીમ આપી તેમના વાડાઓમાં કિચન ગાર્ડન બનાવ્યા.ખેડૂતોને તેના થકી પોષણની સલામતી,આર્થિક પ્રવત્તિઓની ભાગીદારીમાં વધારો અને વધારાની આવક પ્રાપ્ત થઇ.
વિશાખાપટ્ટનમ જીલ્લાના પડેરૂ અને ચિન્તાપલ્લી પ્રદેશોના ૪૧ ગામોની ૧૦૦૦ આદિવાસી મહિલાઓને સપ્ટેમ્બર ૨૦૧૯ થી આ કાર્યક્રમ હેઠળ તાલીમ આપી,બિયારણની વહેંચણી કરી,કિચન ગાર્ડન તૈયાર કરાવ્યા. રીંગણી,ટામેટી,મરચી,ફણસી,ચોળા,મૂળા અને પાલક એમ શાકભાજીની કુલ આઠ જાતના બિયારણોનું વિતરણ કરવામાં આવેલ.
જીવામૃત–એક સજીવ પ્રવાહી ખાતર :
ઓછી આવક ધરાવતા ખેડૂતો નાણાકીય મુશ્કેલીને કારણે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ વાપરી શકતા નથી.આથી ટીમ ધ્વારા આદિવાસી મહિલાઓને સજીવ પ્રવાહી જીવામૃત બનાવવાની તાલીમ આપવાનું નક્કી કર્યુ કે જેથી પાકને પુરતાં પોષક તત્વો મળે અને જમીનની ફળદ્વપતામાં સુધારો થાય.
આ તાલીમ માટે સમુદાય સંશોધન વ્યક્તિ (કોમ્યુનિટી રિસર્ચ પરસન) અને ટેકનોસર્વના સ્ટાફ ધ્વારા મહિલાઓને છ ગૃપમાં વહેંચવામાં આવી જેથી તાલીમ પ્રકિયા દરમ્યાન સારી એવી સમજૂતિ મળી રહે તેમજ તાલીમ લીધા બાદ તેઓ રાસાયણિક ખાતરો પર આધાર રાખે નહી.આ જીવામૃત પ્રવાહી જૈવિક ખાતર સહેલાઇથી ઉપલબ્ધ બને અને તે માટેના ખર્ચ ઊપાડી શકે તેવા ગાયનું છાણ,ગૌમૂત્ર,કાળો ગોળ,ચણાનો લોટ(બેસન)અને ખેતરના શેઢાપાળાની માટી વગેરે ચીજવસ્તુઓમાંથી બનાવવામાં આવેલ. તાલીમના હેતુ માટે ટીમ ધ્વારા ગોળ અને બેસન મહિલાને આપવામાં આવેલ દરેક મહિલાને ૨૦૦ ગ્રામ ગોળ અને ૨૦૦ ગ્રામ બેસન ૨૦ લિટર જીવામૃત તૈયાર કરવા માટે આપવામાં આવેલ.એક વ્યકિતદીઠ તેના માટે તેના માટે રૂપિયા ૧૧ નો ખર્ચ કરવામાં આવેલ.
અન્ય ચીજવસ્તુઓ સ્થાનિક રીતે ઉપલ્બધ હોઇ મહિલાઓએ પોતે તે એકત્ર કરી વાપરેલ.આ માટે ગૃપ પાડી ગાયનું છાણ,ગૌમૂત્ર અને જમીન એકત્ર કરવામાં આવેલ.આ રીતે એકત્ર કરેલ ચીજવસ્તુઓ દરેક મહિલાને જીવામૃત બનાવવા માટે આપવામાં આવેલ.
મહિલાઓને ચીજવસ્તુઓ આપ્યા બાદ તાલીમ શરૂ કરવામાં આવેલ.સિમેન્ટ અથવા માટીના પાત્રમાં જીવામૃત બનાવી શકાય પરંતુ મોટા ભાગ ગ્રામ્ય મહિલાઓએ પ્લાસ્ટિકના પીપમાં બનાવવાનું શરૂ કરેલ.ટીમની સૂચના મુજબ પદાર્થો પીપમાં ઉમેરી જીવામૃત બનાવવાનું શરૂ કરેલ.૨૦૦ લિટર જીવામૃત બનાવવા માટે જોઇતા પદાર્થોની વિગત કોઠા-૧માં દર્શાવેલ છે
કોઠો ૧ઃ૨૦૦ લિટર જીવામૃત બનાવવા માટે જોઇતા પદાર્થો
ક્રમ | પદાર્થો | પ્રમાણ |
૧ | ગાયનું છાણ | ૧૦ કિ.ગ્રા. |
૨ | ગૌમૂત્ર | ૧૦ લિટર |
૩ | ગોળ | ૨ કિ.ગ્રા. |
૪ | બેસન(ચણાનો લોટ) | ૨ કિ.ગ્રા. |
૫ | શેઢાપાળાની માટી | ૨ કિ.ગ્રા. |
૬ | પાણી | ૧૯૦ લિટર |
અંદાજે ૨૦ લિટર જૈવિક ખાતર બનાવવા માટે જોેઇતું પાણી પ્લાસ્ટિકના પીપમાં ઉમેરી તેમાં ગાયનું છાણ અને ગૌૈમૂત્ર ઉમેરી તેને બરાબર મિશ્ર કર્યુ.ત્યારબાદ ગોળ,બેસન અને શેઢાપાળાની જમીન ઉમેરી લાકડી વડે હલાવી સારી રીતે મિશ્રણ તૈયાર કર્યુ.ત્યારબાદ પીપનું મોં શણના કોથળાથી ઢાંકી દઇ તેને આથો લાવવા માટે છાંયે મૂકી દીધું.
આ રીતે તૈયાર થયેલ જીવામૃત જમીનમાં પાકના મૂળ વિસ્તાર નજીક સીધુ જ આપી શકાય છે.તેને ૧ઃ૧૦ ના પ્રમાણમાં પાણી સાથે મેળવી પાક ઉપર જીવામૃતના પ્રવાહીનો પંપ ધ્વારા છંટકાવ કરી શકાય છે.
જીવામૃતની અસર :
આ તાલીમમાં ભાગ લેનાર મહિલાઓને તેઓએ તૈયાર કરેલ જીવામૃત પ્રવાહી ખાતરનું વિતરણ કરવામાં આવેલ .પ્રથમ વખતે ખેતીમાં જીવામૃતના ઉપયોગના હકારાત્મક પ્રતિભાવો મળ્યા.મંગમા નામે તાલીમ લીધેલ મહિલાએ જણાવેલ ‘‘મારા વાડામાં આ પહેલાં શાકભાજી ઉગાડેલ તેના કરતા સારાં,તાજાં અને તંદુરસ્ત શાકભાજી મળેલ.મને સૂચવ્યા મુજબ મેં જીવામૃતનો ઉપયોગ કરેલ અને મારા પાકમાં દર વર્ષે આવતી જીવાતથી પાકને દૂર રાખેલ.’’
ટેકનોસર્વ સ્ટાફના શ્રી વિશાલે આ તાલીમ બાદ મળેલ પ્રતિભાવ અંગે જણાવેલ કે ‘‘પહેલાં ઘણા ખેડૂતોએ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વપરાશ અંગે પોતે સક્ષમ નથી તેમ જણાવેલ.જયારે અમે તેઓને જીવામૃત બનાવવાની તાલીમ આપવાનું જણાવેલ ત્યારે તેની અસર અંગે આશંક્તિ હતા. પરંતુ જયારે તેઓએ તાલીમ લીધી અને જીવામૃતનો પોતાના પાકમાં ઉપયોગ કર્યો ત્યારે તેઓને સમજાયું કે તે સજીવ ખાતર છે,બનાવવામાં સહેલું,સસ્તુ અને અસરકારક પણ છે.’’
કોવિડ–૧૯ ની અસર :
કોરોનાની મહામારીને કારણે લોકડાઉનની પરિસ્થિતિ ઊભી થઇ.પેડારૂ વિસ્તારના આદિવાસી ખેડૂતોને જથ્થાબંધ કૃષિ બજાર બંધ રહેતાં પોતાના જીવનધોરણ ઉપર અસર થઇ.જેને લઇ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે શાકભાજી નો પૂરવઠો પણ બંધને કારણે મેળવી શકતા નહોતા તે સમયે કિચન ગાર્ડનમાં જૈવિક ખાતરો વાપરી શાકભાજી ઉગાડયા. જે સમયે ગામડાઓમાં લોકડાઉનને કારણે શાકભાજી મળી શકે તેમ નહોતા તે સમયે પેડારૂની આદિવાસી મહિલાઓએ સ્વાશ્રયી બની પોતાના કુંટુબને તથા ગામના અન્ય લોકોને શાકભાજી પુરા પાડયા.મંગમ્માના જણાવ્યા મુજબ ‘‘લોકો મારા બાગમાં તંદુરસ્ત શાકભાજી ઉછેરેલા જોતા અને તેઓને આ જીવામૃતને કારણે છે તેમ જણાવતી.લોકડાઉનને કારણે કૃષિના ઇનપુટસ ખરીદવા માટેનો કોઇ રસ્તો નહોતો ત્યારે તેના વિકલ્પ રૂપે જીવામૃત સહેલાઇથી પ્રાપ્ય બનેલ અને તે ખાતર તથા જંતુનાશક તરીકે અસરકારક જણાયેલ છે.’’
ભાવિ પથ :
સમગ્ર કાર્યક્મ દરમ્યાન ૩૨ આદિવાસી ગામોની ૭૦૮ મહિલાઓને જીવામૃત બનાવવાની તાલીમ આપી.તેમાંથી મોટા ભાગની મહિલાઓએ આ જૈવક ખાતરોનો ઉપયોગ કરી હકારાત્મક પરિણામો મેળવી ઉત્પાદન પેદા કરેલ.આ તાંત્રિકતા ખેડૂત ઉત્પાદક સંસ્થાઓ મારફતે વધુ ખેડૂતો સુધી પહોંચશે. જીવામૃત જૈવિક ખાતરને પેડારૂ વિસ્તારના ખેડૂતોએ અપનાવેલ તે જોઇ ટેકનોસર્વ સંસ્થા આ મોડલને અન્ય વિસ્તારોમાં અને ત્યારબાદ સમ્રગ દેશમાં અમલમાં મૂકવાનુ વિચારે છે.
ટેકનોસર્વ સંસ્થાનું સરનામુ : બી-૧,૨૦૧ સેન્ટર પોઇન્ટ,૨૪૩ એન.એમ.જોષી માર્ગ,મુંબઇ,મહારાષ્ટ્ર-૪૦૦૦૧૩
સ્ત્રોત : LEISA INDIA,માર્ચ ૨૦૨ર,વોલ્યુમ ૨૩ ,અંક-૧
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in