હરિયાળી ક્રાન્તિની સાથે નવા રાસાયણિક ખાતરો, જંતુનાશક રસાયણો અને વધુ ઉત્પાદન આપતી જાતોની શોધ થવાના કારણે વૈશ્વિક ધોરણે કૃષિની ઉત્પાદકતામાં વધારો થવા પામ્યો છે. રાસાયણિક ખાતરોની મારફતે પાકને વધારાના પોષકતત્વો મળતાં પાકના ઉત્પાદનમાં વધારો થવા પામેલ છે. આવા રસાયણોના ઉપયોગને કારણે થોડા સમય પૂરતું પાક ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો પરંતુ લાંબા ગાળે તેની પર્યાવરણ ઉપર ખરાબ અસર જોવા મળેલ છે. તેના ઉપયોગથી સારૂ અને વધુ ઉત્પાદન મળવાને કારણે ખેડૂતો તેના ઉપર વધુ આધાર રાખતા થયા અને તેનો વધારેમાં વધારે ઉપયોગ કરી અને ગેરવપરાશ કરતા થયા. વર્તમાન સમયમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને કારણે પર્યાવરણને નુકશાન થયું છે અને માનવીના આરોગ્યને હાનિ પહોંચી છે. આમ વસ્તીમાં થતા વધારાની સાથે કૃષિના ઉત્પાદનને પણ વધારવું જરૂરી છે. આજના સમયે પ્રાચીન સમયે વપરાતી સજીવ ખેતીને ફરીથી અપનાવવી જરૂરી છે. ભારતમાં 4,000 વર્ષથી પણ વધુ સમય પહેલાં સજીવ ખેતીની પદ્ધતિઓ અપનાવાતી હતી અને પરંપરાગત રીતે આપણા દેશમાં સેન્દ્રિય ખાતરોનો લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવતો હતો. અર્થશાસ્ત્ર અને ઘણા સાહિત્યમાં જણાવ્યા મુજબ વૈદિક સમયમાં ખેડૂતો જમીનની ફળદ્રુપતા, બાજની પસંદગી, પાક સંરક્ષણ, વાવેતરની ઋતુ અને વિવિધ જમીનોમાં પાક વગેરે વિષેનું જ્ઞાન ધરાવતા હતા. પ્રાચીન ભારતમાં ખેડૂતો કુદરતના કાયદાઓ જાણતા હતા જે જમીનની ફળદ્રુપતાને લાંબા સમય સુધી જાળવવામાં મદદરૂપ થતા હતા.
સજીવ ખેતી એ એક પ્રકારની પદ્ધતિ છે જેમાં પાકના વાવેતરમાં ટકાઉ ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે અને કોઈપણ જાતના રાસાયણિક ઈનપુટસનો ઉપયોગ કરવામાં આવતો નથી. એફએઓ (FAO) ના જણાવ્યા મુજબ “સજીવ ખેતી એ એક વિરલ ઉત્પાદન વ્યવસ્થાની પદ્ધતિ છે જે ખેત ઈકોસીસ્ટમના આરોગ્યને પ્રોત્સાહન આપી વધારો કરે છે જેમાં જૈવવૈવિધ્યતા, જૈવિક ચક્ર, જમીનની જૈવિક પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે જે માટે કૃષિ, જૈવિક અને યાંત્રિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે અને કૃત્રિમ ઈનપુટસનો ઉપયોગ કરવામાં આવતો નથી.” સજીવ ખેતી એ કુદરતની સમજણ આધારિત હોઈ કૃષિને ટકાઉ બનાવે છે.
સજીવ ખેતી માટેની સામાન્ય પદ્ધતિઓની યાદી અંગે દર્શાવેલ છે :
સજીવ ખેતીની પદ્ધતિઓ :
(1) લીલા પડવાશના પાકો, પાકની ફેરબદલી, પાક ચક્ર, આંતરપાક અને મિશ્ર પાક વગેરે અપનાવી જમીનની ફળદ્રુપતા જાળવવામાં આવે છે.
(2) કઠોળપાકોની ખેતી જમીનમાં જૈવિક રીતે નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરી જમીનની રાસાયણિક અને જૈવિક ગુણવત્તામાં સુધારો કરે છે.
(3) સેન્દ્રિય પદાર્થો અથવા પાકના અવશેષોને જમીનમાં ઉમેરવા.
(4) છાણિયું ખાતર અથવા કમ્પોસ્ટ ખાતરનો જમીનમાં ઉપયોગ કરવો.
(5) જૈવિક ખાતરો, અઝોલા, બલ્યુ ગ્રીન આલ્ગી વગેરેનો ઉપયોગ કરવો.
(6) જમીન અને જળ સંરક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવો.
(7) જમીનમાં ઓછામાં ઓછી ખેડ કરવી.
(8) જમીનમાં વર્મિકમ્પોસ્ટનો ઉપયોગ કરવો.
(9) જૈવિક અને યાંત્રિક પદ્ધતિ વડે નીંદણોનું નિયંત્રણ કરવું.
(10) યોગ્ય જાતની પસંદગી, સંતુલિત પાક પરિભ્રમણ, યાંત્રિક ખેતી, જીવાતના કુદરતી દુશ્મનોને રક્ષણ અને જૈવિક પદ્ધતિ વડે જીવાત નિયંત્રણ વગેરે અપનાવીને રોગ-જીવાતનું નિયંત્રણ કરવું.
સજીવ ખેતીના લાભો :
(1) એક ટકાઉ સ્તર સુધી કૃષિનું ઉત્પાદન જાળવી રાખવામાં મદદ કરે છે.
(2) તે પ્રદૂષણના સ્તરમાં ઘટાડો કરી પર્યાવરણની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે.
(3) તે જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક ગુણોમાં સુધારણા કરી જમીનનું આરોગ્ય જાળવવામાં મદદ કરે છે.
(4) તે પાકની પેદાશોમાં અવશેષોનો ઘટાડો કરી માનવ અને પશુઓના આરોગ્યને થતી હાનિ ઘટાડવામાં મદદ કરે છે.
(5) તે રાસાયણિક ખાતરોના બદલે પુનઃવપરાશવાળા સ્ત્રોતનો પાકના પોષકતત્વો માટે ઉપયોગ કરી ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરે છે.
(6) પ્રાપ્ય કુદરતી સ્ત્રોતોનો ટુંકા સમય માટે આદર્શ રીતે ઉપયોગ કરી ભવિષ્યની પેઢી માટે તેની જાળવણી કરે છે.
(7) તે જમીનમાં રહેલ પાણી અને પોષકતત્વોનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે.
(8) તે જમીનમાં રહેલ કાર્બન નાઈટ્રોજનના ગુણોત્તરને જાળવવામાં મદદ કરે છે અને જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં વધારો કરે છે.
(9) તે પશુઓ અને યંત્રોના ઉપયોગ માટે વપરાતી ઊર્જા બચાવે છે અને પાક નિષ્ફળતા માટેનું જોખમ ઘટાડે છે.
(10) સજીવ ખેતી પેદાશોના કદ, સુગંધ તથા ગુણવત્તાને વધારવામાં મદદ કરે છે.
સજીવ ખેતીની મર્યાદાઓ :
(1) સજીવ ખેતી શરૂ કરવા માટેની પ્રક્રિયા વધુ સમય માંગે છે.
(2) શરૂઆતમાં સજીવ ખેતીમાં ઉત્પાદન ઓછું મળે છે.
(3) જમીનમાં રસાયણોની ઊંચી હાજરી હોવાને કારણે જમીન તાત્કાલિક સજીવ ખેતીની અસર બતાવતી નથી.
(4) રાસાયણિક ખાતરોની સરખામણીએ સેન્દ્રિય ખાતરો અને પોષકતત્વોની પ્રાપ્યતા મર્યાદિત છે.
(5) સારી ગુણવત્તા ધરાવતા સેન્દ્રિય ઈનપુટસની તીવ્ર ખેંચ હોવાને કારણે પાક ઉત્પાદનમાં થતા ઘટાડાનું જોખમ વધે છે.
(6) ઘરેલું બજાર અને આયાત માટે સજીવ ખેતી માટેની નીતિ અંગેની ખામી છે.
(7) ઊંચી ગુણવત્તા ધરાવતા કન્ટેઈનર્સની અછત છે.
(8) બજારની સવલતોનો અભાવ છે.
(9). સંશોધન અંગેની સવલતોનો અભાવ છે.
(10). ખેડૂતો માટે તાલીમ માટેની સવલતોનો અભાવ છે.
સારાંશ :
સજીવ ખેતીની પદ્ધતિ આરોગ્યપ્રદ ખોરાક પુરો પાડે છે, જમીનની ફળદ્રુપતાનું રક્ષણ કરે છે. કીટક કે જીવાતના હુમલા સામે રક્ષણ આપે છે અને પર્યાવરણનું સંતુલન જાળવે છે. આમ સજીવ ખેતી કૃષિને ટકાઉ બનાવવમાં તથા લોકોના આરોગ્યને રક્ષિત કરવામાં એક અગત્યનો ભાગ ભજવે છે અને ભારત દેશ માટે વધુ સલામત છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, સપ્ટે.-ઓક્ટો. 2023
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

