ટ્રી બીનના પોષણ અને ઔષધિય ગુણો (Nutritional and medicinal profile of tree bean)

     ટ્રી બીન એ દક્ષિણ એશિયાઈ દેશોમાં થતું એક ખાદ્ય કઠોળ છે જે અન્નની સલામતી અને ઈકોસીસ્ટમને જાળવવાની કામગીરી કરી ખેડૂતોને મદદ કરે છે. તે યોંગચોક તરીકે પણ જાણીતુ છે. તેની શીંગો મધ્યમથી લાંબી, 30 થી 45 સે.મી. જેટલી લાંબી, ચપટી રિબિન જેવી અને કેટલીક વખત વળાંકવાળી પણ હોય છે. વૃક્ષની ટોચના ભાગે લીલી શીંગો પાકટ થતાં કઠણ, સખત અને ચમકતા લીલા રંગની દેખાય છે. શીંગોની અંદર ક્રીમ રંગનાં 15 થી 20 જેટલાં લપસણાં બી હોય છે. બીજ ફીક્કા લીલા રંગનાં અને બદામના કદ જેટલાં હોય છે. યોંગચોક બીન્સ કુદરતી ગેસ જેવી અણગમતી ગંધવાળાં, કડક, નરમ અને કઠણ સહિત તીખી સુગંધ ધરાવે છે. યોંગચોક બીન્સ એમિનો એસિડ ધરાવે છે જેને કારણે મૂત્રમાં શતાવરી અને સલ્ફર જેવી દુર્ગંધ (બદબૂ) આવે છે. ડિસેમ્બર થી માર્ચ દરમ્યાન તેની શીંગો બજારમાં મળે છે. અંદાજે 30 સે.મી. લાંબી આછા લીલા રંગની શીંગોથી શરૂ કરી તે પાકટ થાય ત્યાં સુધી તેનો વપરાશ કરવામાં આવે છે. તેનો પૂરક ખોરાકના સ્ત્રોત તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે તાજી, કાચી અને સૂર્યપ્રકાશમાં સુકવણી કરી ઑફ સીઝનમાં પણ ઉપયોગમાં લેવાય છે. તે સારો ખોરાક અને પશુઓ માટે બહુકાર્યકારી પાક છે. તે ઉગાડનાર અને વાપરનાર બંને માટે કિંમતી અને પ્રાથમિક પ્રોડક્ટસ ધ્વારા આવક પેદા કરી આધાર પુરો પાડે છે.  

ટ્રી બીનનું પોષણ મૂલ્ય :

        તે ઓછી ચરબી અને ઊંચા પ્રમાણમાં રેસા ધરાવતું હોઈ આરોગ્ય માટે લાભદાયી છે. તેની માહિતી કોઠામાં દર્શાવેલ છે :   

કોઠો – 1 : ટ્રી બીનનું પોષણ મૂલ્ય

ક્રમ પોષકતત્વો લીલી શીંગ અપક્વ શીંગ પાકટ શીંગ પક્વ માવો
1 ભેજ (ટકા) 8.4 7.1 6.7 10.0
2 પ્રોટીન (ટકા) 12.1 15.6 18.8 28.8
3 ફેટ (ટકા) 1.0 7.8 15.5 33.5
4 એશ (ટકા) 7.4 6.9 6.1 5.7
5 કાર્બોહાઈડ્રેટ અને ફાયબર (ટકા) 71.1 62.6 52.9 22.0
6 શક્તિ (કિલો કેલેરી) 342 383 426 505
7 ફોસ્ફરસ (મિ.ગ્રા. પ્રતિ 100 ગ્રામ) 320 315 298 270
8 મેગ્નેશિયમ (મિ.ગ્રા. પ્રતિ 100 ગ્રામ) 520 505 480 420
9 કેલ્શિયમ (મિ.ગ્રા. પ્રતિ 100 ગ્રામ) 176 181 172 180
10 આયર્ન (મિ.ગ્રા. પ્રતિ 100 ગ્રામ) 8.8 8.4 9.1 13.3
11 મેંગેનીઝ (મિ.ગ્રા. પ્રતિ 100 ગ્રામ) 2.8 2.1 2.4 2.9
12 ઝિન્ક (મિ.ગ્રા. પ્રતિ 100 ગ્રામ) 3.1 3.4 3.3 5.6
13 કોપર (મિ.ગ્રા. પ્રતિ 100 ગ્રામ) 0.6 0.5 0.6 0.7
14 ક્રોમિયમ (માઈક્રોગ્રામ પ્રતિ 100 ગ્રામ) 7.4 7.3 7.1 7.9

        ટ્રી બીનના પાક્ટ બીના પ્રોટીનની ગુણવત્તા આવશ્યક અને અર્ધ-આવશ્યક એમિનોએસિડસથી મર્યાદિત નથી અને આમ કઠોળમાં તે વિરલ (અનન્ય) લક્ષણ ધરાવે છે. આ ઉપરાંત તે પ્રોટીન, ખનીજતત્વો અને ફેટી એસિડસ ધરાવે છે.  

        આદિવાસી લોકો ટ્રી બીનનો પોતાના ખોરાકમાં વિવિધ રીતે ઉપયોગ કરે છે. તે બજારમાં શાકભાજી તરીકે વેચાય છે. તેની કાચી શીંગો મણિપુરમાં ‘સિંગજુ’ (Singju) નામના ખાસ મણિપુરી સલાડ બનાવવા માટે વપરાય છે. તેની શીંગોની છાલ ઉતારી તેના નાના કટકાઓ કરી માછલી સાથે મિશ્ર કરી ‘એરોમ્બા’ (Eromba) નામની ખાસ કઢી બનાવવા માટે વપરાય છે. તેની શીંગોનું અથાણું બનાવવા માટે પ્રખ્યાત છે. અન્ય ગારો, ખાસી, રીઅન્ગ, નાગા અને મિઝો આદિવાસી લોકો પણ તેની શીંગોનો શાકભાજી તરીકે ઉપયોગ કરે છે. તેના ફૂલો અને પાકટ બીને કાચાં અથવા માંસ સાથે રાંધીને ખવાય છે. તેના બી ખૂબ કડવાં હોઈ તેને શેકીને અથવા ઉકાળીને ખાવામાં આવે છે. ટ્રી બીનમાં રહેલ તીખી ગંધ તેમાં રહેલ થિયોપ્રોલિન નામના સલ્ફર યુક્ત એમિનોએસિડને કારણે રહેલી છે કે જે કેન્સર વિરોધી એજન્ટ તરીકે અસરકારક સાબિત થયેલ છે. ભારતના વિવિધ રાજ્યો અને વિવિધ જાતિના લોકો તેની જાતોનો ઉપયોગ કરે છે. ઉત્તર ભારતમાં રહેતા મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડ રાજ્યોના આદિવાસી સમાજના લોકો તેની શીંગો, બીજ, ફૂલો અને કુમળી કુંપળોનો સલાડ અને કઢી બનાવવામાં અને છાલનો ઉપયોગ ડાયાબીટીસની સારવારમાં કરે છે. કાચારિસ, દિમાસા, મિકિર અને ગારોસ જેવી અન્ય આદિવાસી પ્રજા તેમા છાલની પેસ્ટ બનાવી ખરજવાની સારવારમાં પ્લાસ્ટર લગાવવા માટે વાપરે છે.  

        તેની શીંગો, ફુડ પ્રોટીન અને શક્તિનો સારો સ્ત્રોત છે. તેની કુંમળી શીંગો ઊંચા પ્રમાણમાં સોડિયમ, કેલ્શિયમ,પૉટેશિયમ અને ફોસ્ફરસ વગેરે વિવિધ ખનીજો ધરાવે છે જ્યારે પાકટ શીંગો ઊંચા પ્રમાણમાં મેગ્નેશિયમ, આયર્ન, મેંગેનીઝ અને કોપર વગેરે ખનીજતત્વો ધરાવે છે શીંગના વિવિધ ભાગો વિવિધ પ્રમાણમાં ખનીજતત્વો ધરાવે છે. તેના બીજ ઓછા ગ્લોબ્યુલિન થી આલ્બ્યુમિનનું પ્રમાણ (1.6) ધરાવે છે જે શાકભાજી તરીકે પ્રોટીનની સારી પાચ્યતા અને સારૂ પોષણ મૂલ્ય દર્શાવે છે. તેના બી ફાયલેટ, ફોસ્ફરસ, ટ્રિપ્સીન, ઈનહીબીટર્સ અને સેપોનિન્સ જેવા પ્રતિ-પોષક અને ઝેરી પદાર્થો ઓછા પ્રમાણમાં ધરાવે છે જેને પરંપરાગત પ્રોસેસિંગ અને રાંધીને સહેલાઈથી દૂર કરી શકાય છે.  

        તેનાં બીજ ઊંચુ પ્રોટીન (6.0 થી 27.5 ટકા), ફેટ (1.6 થી 13.3 ટકા), કાર્બોહાઈડ્રેટસ (68.3 થી 68.7 ટકા), ખનીજો (0.5 થી 0.8 ટકા) અને રેસા (1.7 થી 2.0 ટકા) ધરાવે છે. તેના 100 ગ્રામ ખાદ્ય ભાગ કેલ્શિયમ (108 થી 265.1 મિ.ગ્રા.), મેગ્નેશિયમ (29 મિ.ગ્રા.), પોટેશિયમ (341 મિ.ગ્રા.), ફોસ્ફરસ (115 મિ.ગ્રા.) અને આયર્ન (2.2 થી 2.7 મિ.ગ્રા.) જેવા આવશ્યક ખનીજતત્વો ધરાવે છે કે જે માનવ શરીરની વિવિધ ચયાપચયની પ્રતિક્રિયાઓ માટે જરૂરી છે. તેના બી જૈવિક પદાર્થો ધરાવે છે જેવા કે ફીનોલ્સ (51.9 થી 84.24 મિ.ગ્રા. ગેલિક એસિડ ઈક્વીવેલન્ટ પ્રતિ ગ્રામ), ફ્લેવોનોઈડસ (47.4 થી 49.6 મિ.ગ્રા. રેટિનોલ ઈક્વીવેલન્ટ પ્રતિ 100 ગ્રામ સૂકા વજન આધારિત), ટરપેનોઈડસ જેવા કે બીટા-સિટોસ્ટીરોલ (ફેટી એસિડ કન્ટેન્ટના 3.42 ટકા), સ્ટિગમાસ્ટીરોલ (ફેટી એસિડ કન્ટેન્ટના 3.18 ટકા), લુપીઓલ (ફેટી એસિડ કન્ટેન્ટના 0.71 ટકા) અને કેમ્પેસ્ટીરોલ (ફેટી એસિડ કન્ટેન્ટના 2.29 ટકા). આ જૈવિક પદાર્થો અને પેપ્ટાઈડસ વિવિધ ઔષધિય ગુણો ધરાવે છે જેવા કે ઊચ્ચ રક્ત દબાણ વિરોધી, બળતરા વિરોધી, કેન્સર વિરોધી, પ્રતિઓક્સીકારક, સૂક્ષ્મજીવ વિરોધી અને પીડાશામક સુરક્ષા વગેરે. તેની જાતો મોટે ભાગે બધા જ પ્રકારના પોષકતત્વો અને પૂરક પદાર્થો ધરાવે છે જે ભારત દેશની અન્નની સલામતીમાં વધારો કરવા માટે જરૂરી છે.   

ટ્રી બીનનું ઔષધિય મૂલ્ય :    

        જે લોકો પોતાના આહારમાં વધુ રેસા લે છે તેઓમાં ઓછા રેસા લેતા લોકો કરતાં કબજીયાતનું પ્રમાણ ઓછું જોવા મળે છે. દ્રાવ્ય અને અદ્રાવ્ય એમ બે પ્રકારના રેસા જોવા મળે છે. સામાન્ય રીતે અદ્રાવ્ય રેસા ફળનો માવો, અનાજનું થૂલું અને શાકભાજીની છાલમાં જોવા મળે છે જે પ્રવાહીમાં ઓગળતા નથી. અદ્રાવ્ય રેસા બગાડ દૂર કરવા અને કેન્સર સામે રક્ષણ પુરૂ પાડવા સાથે સંકળાયેલા છે. દ્રાવ્ય રેસા વિવિધ શાકભાજીઓ, ફળો, બીજ, સૂકો મેવો, કઠોળ અને અનાજના દાણામાં રહેલા હોય છે જે પાણીમાં દ્રાવ્ય છે. તે ખાવાથી પેટમાં ધરાવાની લાગણી થાય છે, ખરાબ કોલેસ્ટીરોલનું પ્રમાણ ઘટાડે છે અને લોહીમાં ધીરે ધીરે ખાંડનું પ્રમાણ વધારે છે. વિશેષમાં તે હ્રદયરોગના જોખમમાં ઘટાડો, ટાઈપ-2 પ્રકારના ડાયાબીટીસ અને મોટાપા સાથે સંકળાયેલ મહત્વના દ્રાવ્ય રેસા છે. તાજેતરમાં થયેલ સંશોધનથી જાણવા મળેલ છે કે વધુ રેસા ધરાવતો આહાર એસ્ટ્રોજન સાથે જોડાઈને સ્તન કેન્સરને અટકાવે છે.  

મૂત્રપિંડની તંદુરસ્તી :

        શરીરના મૂળભૂત કાર્યો કરવા માટે પોટેશિયમ એ આવશ્યક ખનીજ છે. પોટેશિયમનું આહારમાં ઓછું પ્રમાણ હ્રદય અને મગજ બંનેને નુક્સાન કરી શકે છે. વધુમાં તે શરીરમાં પાણીનુ પુરતુ પ્રમાણ જાળવવામાં મહત્વનો ભાગ ભજવે છે. તે સોડિયમ સાથે કાર્ય કરી કોષોના કાર્યને ટેકો પુરો પાડી સોડિયમ-પોટેશિયમ પંપનું કાર્ય કરે છે. સંશોધન જણાવે છે કે તે મૂત્રપિંડમાં પથરીનું જોખમ ઓછુ કરે છે કે જે અતિ પીડાદાયક છે એટલે કે મૂત્રપિંડમાં પથરી સામે રક્ષણ માટે ઊંચું પોટેશિયમ અને ઓછા કોલેસ્ટીરોલ ધરાવતો ખોરાક ઉત્તમ ગણાય છે.   

સારૂ માનસિક સ્વાસ્થ્ય :

        તે ટ્રીપ્ટોફેન નામનો આવશ્યક એમિનોએસિડ ધરાવે છે કે જે આપણું શરીર પેદા કરી શકતું નથી. તે ખાસ કરીને સેરોટોનિન નામનો ખાસ કુદરતી અંતઃસ્ત્રાવ પેદા કરવામાં અને શરીરનું સંતુલન જાળવવામાં મદદ કરવા માટેની ક્ષમતા ધરાવી કુદરતી મૂડ નિયમન તરીકે કાર્ય કરે છે. સેરોટોનિન એ ન્યુરોટ્રાન્સમીટર હોર્મોન છે જેને હેપી મોલેક્યુલ (Happy molecule) કહે છે અને સેરોટોનિનના સ્તરમાં વધારો થતાં, ટ્રીપ્ટોફેન એમિનોએસિડ દરદીના જીવનની ગુણવત્તામાં સુધારો કરે છે કે જે વિવિધ માનસિક અને મગજને સંલગ્ન આરોગ્યની બિમારીઓથી પીડાય છે.   

હાડકાં અને દાંતની તંદુરસ્તી :  

        કેલ્શિયમ એ માનવ જીવન માટે અગત્યનું ખનીજ છે. કેલ્શિયમના આરોગ્યને લગતા અનેકવિધ ફાયદાઓ છે જેમાં દાંત અને હાડકાંનું આરોગ્ય જાળવવું તેમજ મોટાપો ઘટાડવો અને કોલોન કેન્સર અટકાવવું એ ઘણા મહત્વના છે. નવું સંશોધન જણાવે છે કે જો પુરતા કેલ્શિયમ યુક્ત અને ઓછી ચરબીવાળો ખોરાક લેવામાં આવે તો લોહીનું ઊંચું દબાણ અને હ્રદયરોગ સંબંધી જોખમ ઘટાડી શકાય છે. જો આ ખનીજ પુરતા પ્રમાણમાં લેવામાં ન આવે  તો દાંત અને નખના બરડપણામાં અને અસ્થિભંગ એટલે કે હાડકાં તૂટવામાં વધારો થાય છે અને એકંદરે સ્વાસ્થ્ય નબળું બને છે.   

ડાયાબીટીસ :

        પરંપરાગત ઔષધિ તરીકે આ છોડનો જ્યુસ ટાઈપ-2 ડાયાબીટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે જે સ્ટિગમાસ્ટીરોલ અને બીટા-સિટોસ્ટીરોલ જેવા છોડના સ્ટીરોલની સંયુક્ત અસરને કારણે થાય છે.   

સગર્ભાવસ્થા :   

        જ્યારે તમે સગર્ભાવસ્થામાં હોવ ત્યારે બાળકના શરીરના વિકાસ અને વધારાનું લોહી બનાવવા માટે આવશ્યક ખનીજતત્વો અને આયર્નના બમણા પ્રમાણની જરૂર પડે છે. ખાસ કરીને સગર્ભાવસ્થાના બીજા કે ત્રીજા ત્રિમાસિકના સમયે પ્લેસેન્ટા અને બાળકના વિકાસ માટે મહિલાને વધારાના આયર્નની જરૂર રહે છે જે વધુ મહત્વની બાબત છે.  

અંતઃસ્ત્રાવ (હોર્મોન)નું સંતુલન :   

        જો શરીરમાં ફોસ્ફરસ પુરતા પ્રમાણમાં ન હોય તો શરીર પોતાના કાર્યો સાચી રીતે કરી શક્તું નથી. શરીરમાં ફોસ્ફરસ એ બીજુ વધુ મહત્વનું ખનીજ છે. મૂત્રપિંડ અને હ્રદયની કામગીરી માટે ફોસ્ફરસ મહત્વનું છે. વધુમાં તે ઊર્જા માટે ચરબી અને સ્ટાર્ચના ચયાપચયમાં મદદ કરે છે, તૂટેલાં હાડકાં અને અન્ય ઈજાઓમાં ઝડપથી સુધારો લાવે છે તેમજ સામાન્ય ચેતા આવેગો માટે જરૂરી છે. તે હોર્મોનના ઉત્પાદન અને ઉત્સર્જન તથા એન્ડોક્રાઈન ગ્રંથિ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવામાં મદદ કરે છે.

ટ્રી બીન્સની આડ અસરો :

        ટ્રી બીન્સ એ સલામત છે અને ફક્ત કાચા ખાવા સિવાય વૈજ્ઞાનિક રીતે કોઈ આડ અસર સાબિત થયેલ નથી. રાંધ્યા બાદ ખરેખર સારા પોષણદાયી ગુણો ધરાવે છે. દરેક પ્રકારના કઠોળ લેસિથિન નામના ગ્લાયકોપ્રોટીન ધરાવે છે જે સામાન્ય રીતે વપરાતા અનેક વાનસ્પતિક ખોરાકમાં હોય છે. કાચા અને ઓછા રાંધેલા બીન્સમાં રહેલ લેસિથિન ઝેરી હોય છે જે એક પ્રશ્ન છે. માનવ આરોગ્ય ઉપર લેસિથિનની આડ અસર તરીકે એલર્જી અને પોષણની ઉણપ જોવા મળે છે પરંતુ મુખ્ય વારંવાર જોવા મળતી આડ અસર પાચનતંત્રની તકલીફ છે.  

        ટ્રી બીન્સ ઊંચું પ્રોટીન ધરાવે છે જેથી તેનો લાંબો સમય ઉપયોગ કરતાં મૂત્રપિંડને હાનિકારક અસર પહોંચાડી શકે છે. આ બીન્સનો ખોરાક તરીકે ઉપયોગ કરતાં ગંધ આવે છે. આ ગંધ વધુ વ્યાપક હોય છે અને તમારા મોં એથી 2 થી 3 દિવસ દુર્ગંધ આવે છે તેથી તેને દુર્ગંધયુક્ત કઠોળ (સ્ટિંક બીન – Stink bean) પણ કહેવાય છે.

સારાંશ :

        ટ્રી બીન્સ પ્રજાતિના સંશોધન, શિક્ષણ, સુધારણા, બિયારણની વૃદ્ધિ અને ઉપયોગો ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવેલ નથી. ટ્રી બીન્સ એ પરંપરાગત રીતે લેવામાં આવતો પાક છે જે સ્થાનિક રીતે ઉપયોગમાં લેવાય છે. વિશ્વના કેટલાક ભાગોમાં તેના બીજ અને શીંગો કાચી, રાંધીને અથવા અથાણું બનાવી સ્થાનિક રીતે ખોરાક તરીકે લેવાય છે. તે ફીનોલ્સ, ફ્લેવોનોઈડસ, સાયક્લીક પોલીસલ્ફાઈડસ અને અન્ય ફાયટોકેમિકલ્સ જેવા જૈવિક સક્રિય પદાર્થો ધરાવે છે. આવા ફાયટોકેમિકલ્સ ફાયદાકારક છે જે ડાયાબીટીસ વિરોધી, સૂક્ષ્મજીવ વિરોધી, એન્ટિઓક્સીડેન્ટસ, એન્ટિહાયપરટેન્શીવ અને હાયપોગ્લાયસેમિક અસર ધરાવે છે. તેના આવા ફાયદાઓને લઈ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગોમાં તેની નિકાસ કરવાની જરૂર છે. તેના આખા છોડની કિંમત જાણી તેનો ઉપયોગ કરવો જોઈએ. તેના વનસ્પતિજ તેલમાંથી કોલેસ્ટેટિન નામનું ફાયટોસ્ટીરોલ અલગ કરી મેળવાય છે જેનું ડાયેટરી સપ્લીમેન્ટ (ખોરાકમાં પૂરક) તરીકે બજારમાં વેચાણ કરી શકાય છે અને તે કેમ્પેસ્ટીરોલ નામનું મુખ્ય તત્વ ધરાવે છે. ફૂડ ઈન્ડસ્ટ્રીઝમાં બાયોએક્ટીવ પેપ્ટાઈડસને ફાયદાકારક ગણવામાં આવે છે જે માનવ શરીર માટે લાભદાયી ઔષધિય ગુણો ધરાવે છે. આથી ટ્રી બીન અંગેના અભ્યાસો અને વપરાશને ફક્ત દેશના આદિવાસી વિસ્તારો નહિ પરંતુ સમગ્ર દેશ અને વિશ્વમાં પ્રોત્સાહન પૂરૂ પાડવું જોઈએ.   


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જૂન – 2022


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *