તમારી રોગપ્રતિકારક શક્તિ વધારીકોરોના સામે રક્ષણ મેળવો (Immunity boosters and anti-viral foods against Covid-19)

                ચીનના વુહાન ખાતે આવેલ સી-ફૂડ માર્કેટમાંથી ઉદ્‌ભવેલ અને આખા વિશ્વમાં ફેલાયેલ કોરોના વાયરસથી ભારતના લોકોને રક્ષણ પૂરૂ પાડવું જરૂરી છે. આ એક પ્રકારની વૈશ્વિક મહામારી હોઈ તે માટે  તાત્કાલિક ઉપાયો હાથ ધરવા પડે અને લોકોની તંદુરસ્તી જળવાય અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવા પ્રયાસો હાથ ધરવા પડે.  હાલ તેની વેક્સીન શોધી શકાઈ નથી તેથી માસ્કનો ઉપયોગ અને ૬ ફૂટની દૂરી જ તેનાથી બચવા માટેનો અક્સીર ઉપાય છે.

                સામાન્યતઃ  જે લોકોને ડાયાબીટીસ, હાઈપરટેન્શન, હૃદયરોગ અને શ્વસનતંત્રના રોગો વગેરે બિમારીઓ હોય તેઓને કોવિડ-૧૯નો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. વિશેષમાં ઉંમર વધવાની સાથે રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થતો હોય છે તેથી વૃદ્ધોને  યુવાનોની સરખામણીએ આ રોગ થવાની શક્યતા વધી જાય છે.

                અત્રે દરેક વ્યક્તિ પોતાની રોગપ્રતિકારક શક્તિ કઈ રીતે વધારી શકે તેના પગલાં દર્શાવેલ છે જે દરેક વ્યક્તિને કોવિડ-૧૯ સામે રક્ષણ મેળવવા માટે ઉપયાગી થશે.

() તમારા ખોરાકમાં બદલાવ લાવો :

                ખોરાક એ માનવીની રોગપ્રતિકારક શક્તિ અને તંદુરસ્તી માટે એક અગત્યની બાબત છે. ઓછા કાર્બોદિત પદાર્થોવાળા ખોરાક લેવામાં આવે તો લોહીમાં શર્કરાનું નીચું પ્રમાણ અને દબાણ ઘટાડી શકાય એટલે કે તે ડાયાબીટીસમાં ઘટાડવામાં મદદરૂપ થાય. પ્રોટીન- રીચ આહાર શરીરને સુડોળ રાખે છે. નિયમિત રીતે  બીટા કેરોટીન, એસ્કોર્બિક એસિડ અને અન્ય જરૂરી વિટામિનોથી યુક્ત ફળો અને શાકભાજી આહારમાં લેવા જોઈએ. રોગના ચેપ સામે સાવચેતી રૂપે ટામેટા, મશરૂમ, લીંડીપીપર, પાલક અને બ્રોકોલી રૂપે લીલા શાકભાજી વગેરેનો આહારમાં ઉપયોગ કરવો જોઈએ.

                આદુ આમળા અને હળદર જેવા પદાર્થોનું સેવન કરવું જોઈએ કે જે કુદરતી રીતે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જો કે ભારતીય લોકોના આહાર અને નાસ્તામાં આવા પદાર્થો રોજબરોજના આહારમાં લેવામાં આવે છે. લસણ, તુલસીનાં પાન અને જીરૂ જેવા ઔષધિય મૂલ્ય ધરાવતા પદાર્થોનો પણ આહારમાં રોગપ્રતિકારક શક્તિ માટે લેવાય છે. અળસી તેમજ સૂર્યમુખી, કોળુ અને શક્કરટેટીના બીજ પણ પ્રોટીન અને વિટામિન ઈના ઉત્તમ સ્ત્રોતો છે.

                દહી, યોગર્ટ વગેરે પ્રોબાયોટિક્સ અને આથવેલ ખોરાકનો ઉપયોગ કરતાં આપણા શરીરમાં પોષકતત્વોનું શોષણ સારૂ થાય છે. વૃદ્ધાવસ્થાએ પહોંચેલ વ્યક્તિઓ માટે તેનો આહારમાં ઉપયોગ મહત્ત્વનો છે.

() પુરતુ પાણી પીઓ :

                દરેક વ્યક્તિ પોતાના શરીરમાં પાણીનું સ્તર જાળવી રાખવા માટે રોજ ૮ થી ૧૦ પ્યાલા પાણી પીવું જોઈએ. પુરતુ પાણી પીવાથી શરીરમાંના ઝેરી તત્વો બહાર નીકળી જાય છે અને ફલુ થવાની શક્યતા ઘટે છે. ગરમી સામે રક્ષણ મેળવવા માટે લીંબુ વર્ગના ફળોનો રસ અને નાળિયેરનું પાણી લેવું જોઈએ.

() દરરોજ નિયમિત કસરત કરો :

                સારા આહારની સાથે કસરત પણ એટલી જ જરૂરી છે. દરરોજ નિયમિત કસરત કરો. હળવી કસરત પણ દરરોજ નિયમિત રીતે કરવાથી શરીરમાં રહેલ ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે.  તમારી શક્તિ પ્રમાણે રોજ ૩૦ થી ૪પ મિનિટ કસરત કરવી જોઈએ. આ માટેની શરૂઆત ન કરી હોય તો આજે જ કરો અને આ માટે યુટુબ ચેનલમાં જોઈ ઘરે જ કસરત કરી શકાય. આ કોરોના મહામારીના સમયે જીમમાં જવાની જરૂર નથી. નિયમિત કસરત શરીરની ચયાપચયની ક્રિયામાં સુધારો કરે છે, જેનો સીધો સંબંધ શરીરની રોગપ્રતિકારક શક્તિ સાથે છે.

() પુરતી ઊંઘ લો :

                તમારા શરીરને રોગપ્રતિકારક બનાવવા માટે દૈનિક ૭ થી ૮ કલાકની ઊંઘ લેવી જરૂરી છે. ઓછી ઊંઘથી શરીરમાં થાક વર્તાય છે અને મગજના કાર્યને અસર પહોંચે છે. અનિંદ્રાને લીધે શરીરને પુરતો આરામ ન મળતાં શરીરના અવયવો બરાબર કાર્યશીલ રહેતા નથી પરિણામે તેની સીધી અસર રોગપ્રતિકારક શક્તિ ઉપર થાય છે.

() ધૂમ્રપાન, શરાબ અને અન્ય કુટેવોથી દૂર રહો :

                ધૂમ્રપાન અને શરાબની લત તેમજ નુકસાનકર્તા પદાર્થો લેવાની ટેવ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટાડી તેને નબળું પાડે છે અને શ્વસનતંત્રની બિમારીઓ પેદા કરે છે. ધૂમ્રપાનને કારણે શ્વસનતંત્રના કોષોને નુકસાન થતાં તે વાયરસ સામે લડી શકતા નથી. જેઓ શરાબનું વધુ પ્રમાણમાં સેવન કરે છે. તેઓ  એઆરડીએસ (ARDS – એકયુટ રેસ્પીરેટરી ડીસ્ટ્રેસ સીન્ડ્રોમ) થી પીડાય છે જે કોવિડ-૧૯નો ચેપ લાગવા માટેની પરિસ્થિતિ માટે જવાબદાર છે. તમે જો એકાએક ધૂમ્રપાન કે શરાબ કે લતવાળા પદાર્થો લેવાનું છોડી દો તો પણ જોખમ ઊભું થઈ શકે છે.

() હતાશ બનશો નહિ :

                હાલમાં સરકાર દ્વારા કોરોનાનું ટેસ્ટીંગ મોટા પાયે થઈ રહ્યું છે. લોકો ઘણા સમય સુધી પોતાના ઘરની અંદર જ પુરાઈ રહ્યા છે.  તેથી તેની શરીર ઉપર અસર થવાની શક્યતા રહેલી છે.  વૈશ્વિક ધોરણે પણ અર્થકરણ ઉપર વિપરીત અસરો થવા પામી છે. તે જોતાં  હતાશા પેદા ન થાય તે માટે યોગ્ય પગલાં લેવા જોઈએ નહિ તો હતાશાને કારણે રોગપ્રતિકારક શક્તિ ઉપર વિપરીત અસર થાય છે. વધુ પડતી હતાશાને કારણે કોર્ટીસોલ નામનો હોર્મોન પેદા થાય છે. જેના કારણે શરીરમાં જલ્દી ચેપ લાગવાની શક્યતા વધે છે. હતાશા દૂર કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય ધ્યાન (મેડિટેશન) કરવું તે છે. ધ્યાન કરવાથી  કંટાળો, થાક દૂર થાય છે અને શરીરના ચેતાતંત્રને રાહત મળે છે. ધ્યાન કરવા માટેની માહિતી યુટુબ ચેનલ દ્વારા પણ મેળવી શકાય છે.

() યોગ્ય આહાર દ્વારા રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરો :

                તમારા શરીરને કેટલાક પદાર્થો ખોરાક તરીકે પૂરા પાડો તો તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી શકો છો. શરદી અને ફલુ જેવા રોગોથી બચવા માટે તમે નીચે જણાવેલ ગ્રોસરીમાં મળતા પદાર્થોનો ઉપયોગ આહારમાં કરી તમારી રોગપ્રતિકારક શક્તિને શક્તિશાળી બનાવી શકો છો. આ અંગેની સંક્ષિપ્ત વિગત અત્રે દર્શાવેલ છે.

() લીંબુ વર્ગના ફળો :

                ઠંડી કે શરદીમાં મોટાભાગના લોકોએ વિટામિન સી લેવું  જોઈએ કે જે રોગપ્રતિકારક શક્તિ પેદા કરવામાં મદદ કરે છે. વિટામિન સી શ્વેતકણોનું ઉત્પાદન વધારવામાં  મદદ કરે છે કે જે શરીરમાં લાગતા ચેપ સામે લડત આપે છે. આવા ફળોમાં લીંબુ, લાઈમ, મોસંબી, સંતરા, દ્રાક્ષ વગેરે ફળોનો સમાવેશ થાય છે. વિશેષમાં વિટામિન સીનો શરીરમાં સંગ્રહ ન થતો હોઈ તેને દરરોજ આહારમાં તંદુરસ્તી માટે લેવું જરૂરી છે. મોટા ભાગના લીંબ, વર્ગના ફળો વિટામિન સી થી સમૃદ્ધ છે. ખોરાકમાં લીંબુવર્ગના ફળોનો રસ ઉમેરી વિટામિનની સી ની પૂર્તિ કરી શકાય છે. આ પૈકી લીંબુ અને નારંગીની માહિતી અત્રે દર્શવોલ છે.

() લીંબુ :

                દુનિયામાં લીંબુનો ઉપયોગ સર્વાધિક પ્રમાણમાં થાય છે કારણ કે તે સર્વ સ્થળે સરળતાથી પ્રાપ્ત થાય  તેવું સસ્તુ અને ઉત્તમ ફળ છે. તેનો શાકભાજી, દાળ-શાક, ઠંડા શરબતો, અથાણાઓ અને અનેક ખાદ્યચીજોની બનાવટમાં ઉપયોગ થાય છે. ‘રોજના એક લીંબુ વાપરનારને ડૉકટરની જરૂર ન પડે’ તેવી કહેવત પ્રચલિત છે. આધુનિક વિજ્ઞાનના મતાનુસાર લીંબુ રૂચિકર, પાચનકર્તા, ભૂખવર્ધક, મૂત્ર ઉત્પન્નકર્તા, તાવનાશક, રક્તપિત્તનાશક, રક્તપૌષ્ટિક તથા વાયુનું શમન કરનાર છે. લીંબુમાંથી વિટામિન સી તથા બી ઉપરાંત પોટેશીયમ, ફોસ્ફરસ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, લોહ, તાંબુ અને કલોરીન તત્વો મળે છે. ૧૦૦ ગ્રામ લીંબુમાં અંદાજે ર૬ થી ૬૩ મિ.ગ્રા. વિટામિન સી હોય છે.  શરીરના લોહીમાંથી ઉત્પન્ન અમ્લતાના વિષનો લીંબુ નાશ કરે છે. તેના સેવનથી શરીરની સુસ્તી દૂર થાય છે અને શરીરમાં સ્ફૂર્તિ પ્રગટે છે. તે કબજીયાત, મૂત્રદાહ, રક્તવિકાર, અરૂચિ, મંદાગ્નિ, સંધિવા, અમ્લપિત્ત, જઠરની વિકૃતિ ને ત્વચાના રોગોમાં લીંબુ એક અક્સીર ઈલાજ છે.

() નારંગી :

                નારંગી  લીંબુ વર્ગની એક જાત છે. બિમાર દર્દીઓ અને દરેકની તંદુરસ્તી સુધારનાર અને વધારનાર છે. ફક્ત એક નારંગી આખા દિવસનો શરીરનો જરૂરી વિટામિન સી નો પૂરવઠો આપી શકે છે નારંગીમાં વિટામિન સી ઉપરાંત વિટામિન બી-૧, બી-ર, બી-૬ અને ફોલિક એસિડ હોવાથી પેટના જૂના દર્દો માટે ફાયદાકારક છે. અનેક રોગોમાં તેનો રસ લેવો લાભપ્રદ છે. નિસર્ગોપચારકો તેનો ખૂબ ઉપયેાગ કરે છે. હૃદયરોગીઓને નારંગીના રસ ઉપર રખાય છે. તાજા જન્મેલા બાળકને એક સપ્તાહમાં જો નારંગીનો રસ અપાય તો તેનામાં રોગપ્રતિકારક શક્તિ પેદા થાય છે. નારંગીના સેવનથી શરીરમાં લોહીની વૃદ્ધિ થાય છે અને વજન પણ વધે છે. લોહીની ફિકાશ દૂર થઈ લોહી લાલ બને છે. દાંત અને હાડકાની મજબૂતાઈ વધે છે. નારંગી સુપાચ્ય, સ્ફૂર્તિપ્રદ રક્તસુધારક, રક્તવર્ધક અને શરીરમાં ઠંડક પહોંચાડી શક્તિ આપે છે.

() પપૈયા :

                પપૈયાનું મૂળ વતન દક્ષિણ અમેરિકા છે જે ૧૭ મી સદીમાં પોર્ટુગીઝો દ્વારા ભારતમાં આવેલ છે. હાલ તે સર્વત્ર થાય છે. પાકા પપૈયા ટુકડા કરીને ખવાય છે. કાચા અને અધકચરા પપૈયાનું શાક બને છે. કાચા પપૈયાની ચટણી, કચુંબર બને છે. ખાવામાં હંમેશા તાજુ પપૈયું જ લેવું. ખૂબ વાસી પપૈયું ખાવામાં ન વાપરવું.

                પપૈયુ એ વિટામિન સી થી ભરપુર સ્ત્રોત છે. ફક્ત એક પપૈયામાંથી વ્યક્તિને માટે ભલામણ કરેલ રોજીંદી જરૂરિયાતના રર૪ ટકા વિટામિન સી મળી શકે છે. પપૈયામાં પાચન માટે જરૂરી પેપેઈન સામનો ઉત્સેચક રહેલો છે જે બળતરા વિરોધી છે. પપૈયામાં સારા એવા પ્રમાણમાં પોટેશીયમ, વિટામિન બી અને ફોલેટ રહેલું છે. જે આપણા શરીરની તમામ પ્રકારની તંદુરસ્તી માટે વધુ ફાયદાકારક છે. આયુર્વેદ વિજ્ઞાન મુજબ પાકા પપૈયા સ્વાદે મધુર, રૂચિકર્તા, પિત્તદોષનાશક, પચવામાં જરા ભારે, ગુણમાં ગરમ, સ્નિગ્ધતાવર્ધક, ઝાડો સાફ લાવનાર, વીર્યવર્ધક, હૃદય માટે હિતકારી, વાયુદોષનાશક, પરમ પથ્ય, મૂત્ર સાફ લાવનાર, ભૂખ લગાડનાર,  પાચન કરનાર તથા ગાંડપણ, યકૃતવૃદ્ધિ, બરોળવૃદ્ધિ, અગ્નિમાંદ્ય, આંતરડાના કૃમિ, લોહીનું ઊંચુ દબાણ વગેરે દર્દો મટાડે છે.

                આધુનિક વિજ્ઞાન મુજબ પપૈયામાં વિટામિન એ ભરપૂર હોય છે જેથી તે આંખ, મૂત્રાશય અને મૂત્રપિંડના રોગો મટાડે છે અને શારીરિક વૃદ્ધિ કરી  આરોગ્યની રક્ષા કરે છે. પપૈયામાં વિટામિન સી સારા પ્રમાણમાં હોઈ હાડકાંના દર્દો, દાંતના દર્દો, લોહીનું ઊંચુ દબાણ, ક્ષાધાત, ગાંઠીયો વા, ઊલટી, અપચો જેવા દર્દો મટાડે છે.

() સફરજન :

            સફરજનના યુરોપ અને ભારતના ડૉકટરોએ ખૂબ ગુણગાન ગાયા છે એટલે કે તેને આરોગ્ય માટે ખૂબ ઉપયોગી ગણ્યું છે. તેના વિષે અંગ્રેજીમાં કહેવત છે કે An apple a day, keeps a  doctor away અર્થાત ‘રોજ એક સફરજન ખાવ ને ડૉકટરને તમારાથી દૂર રાખો’. ધર્મગ્રંથોમાં તેને નવયૌવન  વધારનાર ફળ કહ્યું છે. આધુનિક વિજ્ઞાન મુજબ તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ તથા વિટામિન એ, બી અને સી પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત તેમાં કેલ્શિયમ, લોહ, ફોસ્ફરસ અને પોટાશ જેવા ખનીજો પણ સારા પ્રમાણમાં રહેલા છે. તેમાં અન્ય ફળો કરતાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય છે જે મગજશક્તિ વધારવામાં મદદ કરે છે. તેમાં રહેલ લોહતત્વ શરીરને ચેતનવંતુ, લાલાશ પડતું અને પુષ્ટ બનાવે છે. વજન ઘટાડવા માટે તેમજ હૃદયરોગના દર્દીઓ માટે સફરજન અકસીર છે. તેના ઉપયોગથી હાઈ બ્લડ પ્રેસર ઘટે છે. તેના નિયમિત સેવનથી શરીર તાજગી અને તંદુરસ્તીપૂર્ણ બને છે. પશ્ચિમના આહારશાસ્ત્રીઓના અનુભવ મુજબ તે એક ઉત્તમ સ્વાસ્થ્યપ્રદ ફળ  છે કે જે શરીરમાંના રોગકર્તા દ્રવ્યોને નિર્મૂલ કરવામાં બેનમૂન છે. યુનાનીના મતે સફરજન દિલ, દિમાગ, યકૃત અને હોજરીને બળ આપે છે. ભૂખ લગાડે છે અને શરીરની ક્રાંતિ વધારે છે. ટુંકમાં સફરજન ઉત્તમ ખાદ્ય ફળ, ટોનિક, ઉત્તમ દવા અને સૌંદર્યવર્ધક સાધન હોઈ, ‘ઓલ ઈન વન’ એટલે કે‘એકમાં બધુ’ છે.

() કીવી :

            કીવી એ પરદેશી ફળ છે જે પૂર્વ એશિયાના ચીન અને તાઈવાનનું વતની છે. તે ચાઈનીઝ ગુઝબેરી તરીકે પણ ઓળખાય છ. તેનું વૈજ્ઞાનિક નામ Actinidia deliciosa છે. તેની વેપારી ધોરણે ન્યુઝીલેન્ડ અને અમેરિકાના કેલિફોર્નિયા વિસ્તારમાં ખેતી થાય છે. તેની અન્ય જાતોમાં ગોલ્ડન કીવી, ચાઈનીઝ એગ ગુઝબેરી, સિલ્વર વાઈન, પર્પલ કીવી અને કોલ્ડ હાર્ડી જાતનો સમાવેશ થાય છે. હાલ બજારમાં એક નંગના ૧પ થી ૩૦ રૂપિયાને ભાવે કીવી વેચાય છે.

                પપૈયાની માફક કીવી પણ કુદરતી રીતે ફોલેટ, પોટેશીયમ, વિટામિન કે અન સી જેવા જરૂરી પોષકતત્વો ધરાવે છે.  તેના કાચા ફળોમાં ઊંચા પ્રમાણમાં વિટામિન સી અને કે રહેલું છે. તેમાં રહેલ વિટામિન સી શ્વેતકણોને ચેપ સામે લડવાની શક્તિ પૂરી પાડે છે.જ્યારે તેમાં રહેલ અન્ય પોષકતત્વો શરીરની ક્રિયાઓને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે.

() ડ્રેગન ફ્રુટ / કમલમ્ :

            ડ્રેગનફ્રુટને હિન્દીમાં ‘પિતાયા’ કહે છે. તે મેક્સિકો, મધ્ય અમેરિકા અને દક્ષિણ અમેરિકાનું વતની છે. તે મ્યાનમાર, શ્રીલંકા, મલાયા, આફ્રિકા અને ભારત દેશમાં  થાય છે. વિશ્વમાં ડ્રેગ્નફ્રુટ એ સ્વાદિષ્ટ ફળોમાંનું એક ફળ ગણાય છે.  તેના ફળો દેખાવે ફણસ જેવા, ૧પ થી ર૦ સે.મી. લાંબા, કાંટાળા અસ્તરવાળા અને ગુલાબી રંગના હોય છે. તેનો ગર ગ્રે રંગનો, સ્વાદ કીવી અને પીપરના વચ્ચેનો ફળ જેવો થોડો લહેજતદાર હોય છે. તેનું ૧૭૦ ગ્રામ ફળ ૧૦ર કેલેરી, શૂન્ય ચરબી, ર ગ્રામ પ્રોટીન, રર ગ્રામ કાર્બોહાઈડ્રેટસ, પ ગ્રામ રેષા, ૧૩ ગ્રામ શર્કરા, ૧૦૦ આઈયુ વિટામિન એ, ૪ મિ.ગ્રા. વિટામિન સી, ૩૧ મિ.ગ્રા. કેલ્શિયમ, ૧ ગ્રામ આયર્ન અને ૬૮ મિ.ગ્રા. મેગ્નેશીયમ ધરાવે છે. તેના ફળોનો ગર સીધો જ ખાઈ શકાય છે તેમજ તેને સલાડમાં, યોગર્ટ સાથે જામ, શરબત વગેરે બનાવીને લઈ શકાય છે. બજારમાં ફળ નંગના  ૬૦ થી ૧૦૦ ના ભાવે વેચાય છે.

                ડ્રેગનફ્રુટ એ વિટામિનો અને ખનીજતત્વોથી ભરપુર ઊંચી રસાયણશક્તિ ધરાવતું ફાયદાકારક ફળ છે. તે ઓછી કેલેરી ધરાવતું અને ચરબીયુક્ત ફળ છે. તેના મુખ્ય ફાયદાઓ નીચે મુજબ છે.

(1) તે ફલેવોનોઈડસ,ફીનોલીક એસિડ અને બીટાસાયનીન જેવા એન્ટિઓકસીડેન્ટસ ધરાવે છે જે કેન્સર અને વૃદ્ધત્વને અટકાવે છે.

(2) તેમાં રહેલા વધુ રેસાને કારણે તે લોહીનું દબાણ અને વજનને જાળવે છે તેમજ આંતરડાં અને હૃદયને તંદુરસ્ત રાખે છે.

(3) લોહીમાં શર્કરાના પ્રમાણને ઘટાડે છે એટલે કે ડાયાબીટીસના દર્દીને ફાયદાકારક છે.

(4) તેમાં રહેલ આયર્ન હીમોગ્લોબીનને વધારે છે એટલે કે લોહી બનાવવામાં મદદ કરે છે અને શક્તિ પુરી પાડે છે. તે પ્લેટલેટસ કણો વધારવામાં મદદ કરે છે.

(5) તે ઓછું કોલેસ્ટીરોલ ધરાવતું હોઈ વજન ઘટાડવામાં મદદ કરે છે.

(6) તેમાં રહેલ પોટેશિયમ અને કેલ્શિયમનું ઊંચુ પ્રમાણ હૃદય અને મૂત્રપિંડ માટે ફાયદાકારક છે.

(7) તેમાં રહેલ વિટામિન સી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તેમજ આયર્નનું શરીરમાં શોષણ થવા માટે મદદરૂપ થાય છે.

(8) તેમાં રહેલ કેલ્શિયમ હાડકાં નબળાં પડી ગયા હોય તો ફાયદો કરે છે. તેનું ર૦૦ ગ્રામ સેવન કરતાં ૧૭.૬ ગ્રામ કેલ્શિયમ મળે છે.

(9) તેમાં રહેલ મેગ્નેશીયમ કોષના કાર્યો માટે મહત્વનું છે.

(10) તે પ્રોબાયોટિક્સ હોઈ આંતરડાના ખોરાકના પાચનમાં મદદ કરે છે.

(11) તે શરીરની ત્વચાની તંદુરસ્તી જાળવે છે અને કરચલીઓ પડતી અટકાવે છે.

(12 )તેના ફળનો ઉપયોગ ગર્ભવતી મહિલા અને સ્તનપાત કરાવતી માતા માટે ફાયદાકારક છે.

(13) ડ્રેગનફ્રુટ અને મધનો ફેઈસ માસ્ક તરીકે ઉપયોગ કરતાં કરચલી પડતી અટકાવે છે.

() એવોકડો :

            એવોકડો એ દક્ષિણ મધ્ય મેક્સિકોનું વતની છે. જેનું વૈજ્ઞાનિક નામ Persea americana છે. તેના વૃક્ષોનું અમેરિકા, આફ્રિકા ઉપરાંત ઉષ્ણ કટીબંધના વિવિધ દેશોના બગીચાઓમાં વાવેતર થાય છે. તેના ફળનો ગર માખણ જેવો પોચો હોય છે. તે ઊંચુ પોષણ મૂલ્ય ધરાવતું ફળ છે. તે ર૦ જેટલા વિટામિનો અને ખનીજ તત્વો ધરાવે છે. તેમાં કેળા કરતાં વધુ પોટેશિયમ રહેલું છે. તે લોહીનું દબાણ અને કોલેસ્ટીરોલનું પ્રમાણ ઘટાડે છે કે જે હાર્ટ એટેક, સ્ટ્રોક અને કિડનીના ફેલ્યોર માટે જવાબદાર છે. તેના ફળો નિયમિત રૂપે ખોરાકમાં લેતી વ્યક્તિઓને તેમાંથી સારા પોષકતત્વો મળતા તેઓની તંદુરસ્તી સારી રહે છે. એવોકડોમાં રહેલ એન્ટિઓકસીડેન્ટસ આંખોની તંદુરસ્તી જાળવી રાખવામાં મદદરૂપ છે. વાના દર્દીને તેના ફળોના ઉપયોગથી રાહત થાય છે.  તેના ફળોમાં ઓછો કાર્બોહાઈડ્રેટસ અને રેસાનું પ્રમાણ વધુ હોઈ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

() તરબૂચ :

                તરબૂચ મૂળ આફ્રિકન ફળ છે જે ભારતમાં મોટે ભાગે નદીના ભાઠામાં ઉનાળાની ઋતુમાં થાય છે. તરબૂચ એ વિટામિન એ અને સી થી ભરપુર છે. તે લાયકોપીન, કેરોટીનોઈડસ અને કુકુરબીટાસીન ઈ વગેરે મહત્ત્વના એન્ટિઓકસીડેન્ટસથી સમૃદ્ધ છે. તેમાંના કેટલાક એન્ટિઓકસીડેન્ટસ કન્સર વિરોધી અસર કરે છે. પાકુ લાલ ગર્ભવાળું તરબૂચ સ્વાદમાં મધુર, ગુણમાં શીતળ, શીતવીર્ય, પિત્ત અને ગરમીનો નાશ કરનાર, પુષ્ટિ અને તૃપ્તિ આપનાર, ઝાડો સાફ લાવનાર, પેશાબ સાફ લાવનાર તથા દાહને શાંત કરનાર છે. તે કફ વધારે છે. તરબૂચનો રસ હૃદય અને શરીરમાં સ્ફૂર્તિ લાવનાર સ્વાદિષ્ટ પીણું છે. તે શરીરની એસિડીટી (અમ્લતા) ઘટાડવા, પેશાબ સાફ લાવવા  તથા લોહીનું ઊંચુ દબાણ ઘટાડવામાં ખાસ ઉપયોગી છે.

() બદામ :

                બદામ એ સૂકા મેવાનો રાજા કહેવાય છે. સૂકા મેવામાં તે સૌથી વધુ પૌષ્ટિક, ગુણકારી અને સર્વોત્તમ છે. મગજશક્તિ અને દેહશક્તિ અને પુષ્ટિ વધારનાર શ્રેષ્ઠ ઔષધ તરીકે હજારો વર્ષોથી ભારતમાં તે પ્રચલિત છે. આર્યુવેદના મતે બદામ સ્વાદે મધુર, સ્નિગ્ધ, પચવામાં ભારે, ઉષ્ણવીર્ય, મધુર વિપાકી, વાતદોષનાશક, કફ, પિત્ત તથા પુષ્ટિવર્ધક, ભૂખવર્ધક, શરીરમાં સ્નિગ્ધતાવર્ધક, વાયુની સવળી ગતિ કરનાર, હળવો જુલાબ કરનાર, વિકૃત્ત કફને બહાર કાઢનાર, પેશાબ સાફ લાવનાર, વીર્ય જન્માવનાર, બળ અને પુષ્ટિ વધારનાર, વાજીકર્તા, ધાવણ વર્ધક, આર્તવ જન્માવનાર, મગજની નબળાઈ, નાડીઓની નબળાઈ, અગ્નિમંદતા, પેટનો વાયુ, જૂની કબજીયાત, વાયુની સૂકી ખાંસી, મૂત્રકર્ષ્ટ, શ્વેતપ્રદર અને પીડાયુક્ત માસિકસ્ત્રાવના દર્દોમાં લાભપ્રદ છે.  યુનાની મતે બદામ સમશીતોષ્ણ છે. તે શરીરમાં નવુ લોહી અને વીર્ય ઉત્પન્ન કરે છે અને જૂના રક્ત-વીર્યને સાફ કરે છે.

                આયુર્વેદના એક પ્રાચીન ગ્રંથમાં જણાવ્યા મુજબ બદામ વ્યક્તિને દીર્ધાયુષ્ય બક્ષે છે. દર શિયાળામાં વ્યક્તિ જો નિયમિત ૪ થી પ બદામ ખૂબ ચાવીને ખાય, મહિનામાં ૧પ-૧પ દિવસના અંતરે બે ઉપવાસ કરે અને શિયાળામાં બ્રહ્મચર્ય પાળે તેમજ દારૂના સેવનથી દૂર રહે તો તે વ્યક્તિ સવા સો વર્ષથી વધુ જીવે છે.  તેમાં રહેલ વિટામિન ઈ શરીરની રોગપ્રતિકારક શક્તિને તંદુરસ્તી બને છે. તે ચરબીમાં દ્રાવ્ય વિટામિન હોઈ શરીરમાં સારી રીતે મળે છે. અંદાજે ૪૬ નંગ બદામ એટલે કે અડધો પ્યાલો બદામનો આહારમાં ઉપયોગ કરતાં આપણા શરીર માટે ભલામણ કરેલ વિટામિન ઈનો ૧૦૦ ટકા જથ્થો પુરો પાડે છે. આધુનિક દૃષ્ટિએ ડાયાબીટીસના દર્દીને ખાંડ વિનાની બદામની ખીર અપાય છે. બદામ શ્વસનતંત્ર, મૂત્રતંત્ર અને પ્રજનનતંત્રના રોગો ઉપર અન્ય પદાર્થો સાથે આપવાથી લાભ થાય છે.

() સૂર્યમુખીના બીજ :

                સૂર્યમુખીના બીજ ફોસ્ફરસ, મેગ્નેશીયમ અને વિટામિન બી ૬ જેવા પોષક તત્વો ધરાવે છે.  તેમાં શક્તિશાળી એન્ટિઓકસીડેન્ટ વિટામિન ઈ પણ ઊંચા પ્રમાણમાં રહેલું છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિનું નિયમન તથા જાળવણી કરવાનું કાર્ય કરે છે.

(૧૦) હળદર :

                ભારતીય આહારમાં અનેકવિધ બનાવટોમાં તેનો મસાલા તરીકે ઉપયોગ થાય છે. હળદરનો ઉપયોગ પ્રાચીનકાળથી સંધિવાનો દુઃખાવો દૂર કરવા માટે થાય છે. વિશેષમાં સંશોધનથી જાણવા મળેલ છે કે હળદરમાં રહેલ કુરકુમીનનું ઊંચુ પ્રમાણ સ્નાયુઓને થતા નુકસાનને અટકાવે છે.

                આર્યુવેદ વિજ્ઞાનના મતે હળદર રસમાં કડવી-તીખી-તૂરી, ગરમ, ઉષ્ણવીર્ય, ધાવણની શુદ્ધિકર્તા, પચવામાં હળવી, વાતશામક, પિત્તરેચકશામક, કફનાશક, શરીરનો રંગ સુધારનાર, શ્વાસ, ખાંસી, હેડકી અને સોજાનાશક, રૂચિવર્ધક, કૃમિનાશક, મૂત્રસંગ્રાહક અને મૂત્રવિરેચક, ગર્ભાશય શુદ્ધકર્તા, વીર્ય શુદ્ધકર્તા, પૌષ્ટિક અને વિષનાશક છે. હળદર કોઢ, વ્રણ, આમદોષ, પ્રમેહ, શોષ, પાંડુ, કર્ણરોગ, વાતરક્ત, કૃમિ, જૂની શરદી, ચળ, અરૂચિ, અપચોનાશક છે. તે યકૃતને ઉત્તેજીત અને બળવાન બનાવે છે. તે પાચનતંત્ર, રસધાતુ, રક્તધાતુ, ત્વચા અને ત્રણ દોષો (વાત-પિત્ત-કફ) ઉપર વિશેષ પ્રભાવ પાડે છે. વિકૃત કફ તથા આમદોષનો નાશ કરે છે.

(૧૧) આદુ :

                આદુ એ ગૃહિણીના રાસોડામાં રોજ વપરાતી ઉપયોગી શાક સામગ્રી છે. ગુજરાતમાં આદુનું શરબત, અથાણું અને તેનો પાક બનાવી ગૃહિણીઓ વાપરે છે.  અપચો કે અજીર્ણ થાય કે ખાવાની રૂચિ નાશ પામે ત્યારે ડોશીમાનું વૈદુ કહે છે કે આદુની કાતરી-કચુંબર કરી તેના પર મીઠું તથા લીંબનો રસ નાખી ખાતા પહેલાં ખાવ.

                આયુર્વેદના મતે આદુ તીખુ, મધુર, તીક્ષ્ણ, ગરમ, જઠરાગ્નિને વધારનાર, પચ્યાથી મધુર, જરાક સ્નિગ્ધ, વાયુ તથા કફદોષ મટાડનાર, હૃદય માટે હિતકર અને આમવાતમાં પથ્ય છે. આદુ ખોરાક પચાવે છે. ભૂખ લગાડે છે. રૂચિ ઉત્પન્ન કરે છે. પાતળા થયેલા ઝાડાને ઘટ બાંધે છે. કફથી થયેલા દર્દો, શરદી, સળેખમ, ઉધરસ, તાવ, ઝાડા, અપચો, કબજીયાત તથા સાજાને મટાડે છે. આદુ વધારે લાળ પેદા કરે છે તેમજ તેના સેવનથી હોજરીમાં પણ પાચક રસોનો સ્ત્રાવ વધે છે તેથી અરૂચિ અને મંદાગ્નિમાં આદુના સેવન પર આયુર્વેદે ખાસ ભાર મૂક્યો છે. માંદા માણસને માંદગીમાંથી બેઠો કવા માટે આદુ અગત્યનું છે. આદુ શરીરમાંના દુઃખાવો, ગળાનો દુઃખાવો, શરદી, નાકમાં પડતુ પાણી વગેરેને મટાડે છે. તેનો વિવિધ આહાર અને વાનગીઓમાં ઉપયોગ થાય છે. તેમાં રહેલ જીન્જીરોલ તત્વ શરીરને ગરમાવો આપે છે. આદુનો ઉપયોગ કોલેસ્ટીરોલના પ્રમાણમાં ઘટાડો કરે છે અને શરીરનો દુઃખાવો મટાડે છે.

(૧ર) લસણ :

                વિશ્વમાં દરેક જગ્યાએ આહારમાં તેનો ઉપયોગ જાણીતો છે. તે ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે અને શરીરની તંદુરસ્તીમાં વધારો કરે છે. પ્રાચીનકાળમાં પણ ચે૫ સામે લડવા માટે તેનો ઉપયોગ થતો હતો. નેશનલ સેન્ટર ફોર કોપ્લીમેન્ટરી એન્ડ ઈન્ટિગ્રેટિવ હેલ્થમાં જણાવ્યા અનુસાર લસણ એ લોહીના દબાણને ઘટાડવામાં અને રક્તવાહિનીઓને સખ્ત બનતી અટકાવે છે. લસણમાં રહેલ ગંધક ધરાવતા  એલીસીન જેવો પદાર્થ શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ભારતમાં પ્રાચીનકાળથી વિવિધ ખોરાકની બનાવટમાં તેનો ઉપયોગ થાય છે. તે સ્વેદલ, મૂત્રલ, ઉષ્ણ, કફધ્ન, હૃદયોત્તેજક, વિષધ્ન, કૃમિધ્ન, પૌષ્ટિક, ઉત્તેજક, દીપક, પાચક, સડો અટકાવનાર અને વાતહર છે. તે શરદી, ખાંસી, ટાઈફોઈડ, અરૂચિ, ડીપ્થેરીયા, દમ, ક્ષય, પેટશૂળ વગેરે રોગોમાં અપાય છે. લોહીના દબાણવાળા માટે પણ તે ઉપયોગી છે. તે નબળાં જ્ઞાનતંતુઓને મજબૂત કરે છે તેથી બુદ્ધિપ્રદ ગણાય છે.

(૧૩) પાલક :

                પાલકની ભાજી માનવી માટે કુદરતની અમૂલ્ય લાભપ્રદ ભેટ છ. ઉત્તરપ્રદેશ અને પંજાબમાં પાલકની ભાજીનું વિશેષ ચલણ છે. ત્યાંના લોકો પાલક-પનીર, પાલક-વટાણા, પાલક-બટાટા, પાલક-ટામેટા અને એકલી પાકની ભાજી બનાવી તેનો ખુબ છૂટથી ઉપયોગ કરે છે. ગુજરાતમાં પણ હવે તે ખૂબ વેચાય છે. તેની ભાજી ખૂબ ગુણકારી હોઈ તેનો વિશેષ ઉપયોગ કરવાની જરૂર છે.

                પાલકની ભાજી એ વિટામિન ‘સી’ થી સમૃદ્ધ છે. તેમાં રહેલા અનેક એન્ટિઓકસીડેન્ટસ અને બીટા કેરોટીનને કારણે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો  થાય છે. બ્રોકોલીની માફક તેનો ઉપયોગ ખોરાકમાં એવી રીતે કરવો કે જેથી તેમાંના પોષકતત્ત્વો નાશ ન પામે. તેમાં રહેલ વિટામિન એ અને ઓકઝેલિક એસિડમાંથી અન્ય પોષક તત્વો છૂટાં પડી શરીરને મળે છે. આયુર્વેદની દૃષ્ટિએ પાલક સ્વાદે મધુર-તીખી, પથ્ય, ઠંડી, રૂક્ષ, કફકર્તા, ઝાડો છૂટા પાડનાર, પચવામાં જરા ભારે, મળને રોકનાર, વાયુકર્તા, શીતવીર્ય, દાહશામક, મૂત્રલ, તૃપ્તિકર્તા, પિત્તકર, રૂચિકર્તા, શામક તથા મદ (નશો), શ્વાસ, પિત્ત, રક્તવિકાર, વિષ, પિત્તજવર, કંઠશૂળ, રક્તપિત્ત, શ્વાસ, કફદોષ વગેરે મટાડે છે. પાલકની ભાજીના લીલા પાન નિસર્ગોપચારના મતે જીવનશક્તિનો સુંદર સ્ત્રોત છે. પાલકની ભાજીમાંથી લોહતત્ત્વ સૌથી વધુ અંશે પ્રાપ્ત થાય છે. તે શરીરના લોહીના લાલ કણો કે હીમોગ્લોબીન તત્વ વધારવા માટે તે ખૂબ જ ઉપયોગી બને છે તેથી તે પાંડુરોગ કે રક્ત અલ્પતામાં હિતકારી છે.

(૧૪) બ્રોકોલી :

                બ્રોકોલી એ વિટામિનો અને ખનીજ તત્વોનો ભરપુર ખજાનો છે. તેમાં વિટામિન એ, સી અને ઈ ઘણા અન્ટિઓકસીડેન્ટસ, ફાયબર વગેરે ધરાવે છે કે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મદદરૂપ છે. તેના પાનનું શાક પણ થાય છે.

(૧પ) કેપ્સિકમ :

                તેને અંગ્રેજીમાં રેડ બેલ પીપર (Red bell peppers) કહે છે.  કેપ્સિકમ, લીંબુ વર્ગના ફળો કરતા બમણું વિટામિન સી ધરાવે છે. તે બીટા કેરોટીનનો પણ ઊંચો સ્ત્રોત છે તે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરવાની સાથે ત્વચાને તંદુરસ્ત બનાવે છે. બીટા કેરોટીન આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. 

(૧૬) ગ્રીનટી :

                                વિશ્વમાં પાણી બાદ ‘ચા’નો વપરાશ બીજા ક્રમે છે.  દુનિયામાં અંદાજે ૭૮ ટકા બ્લેક ટી અને ર૦ ટકા ગ્રીન ટી વપરાશમાં લેવાય છે. તે ચીન અને ભારતની વતની છે કે જયાં સદીઓથી તેનો વપરાશ તંદુરસ્તી માટે થતો હતો. હાલમાં યુએસમાં પણ તેનો વપરાશ થવા માંડયો છે.

                ગ્રીન ટી અને બ્લેક ટીને એક જાતના એન્ટિઓક્સીડેન્ટ ફલેવોનોઈડસ સાથે પેક કરવામાં આવે છે. તેમાં રહેલ બીજુ શક્તિશાળી એન્ટિઓકસીડેન્ટ એપિગેલોકેટેચીન ગેલેટ (ઈય્ઝ્રય્) રોગપ્રતિકારક શક્તિમાં વધારો  કરે છે. બ્લેક ટીમાં રહેલ ઈજીસીજી આથવણની ક્રિયાથી નાશ પામે છે જ્યારે ગ્રીન ટીમાં વરાળથી તે જળવાય છે. ગ્રીન ટી એ એલ-થીયાનાઈનનો સારો સ્ત્રોત છે. તે ટી-સેલમાં રોગકારકો સામે લડવા માટેના રસાયણો પેદા કરવામાં મદદ કરે છે.

ગ્રીનટીના ફાયદાઓ :

(1) ગ્રીન ટી પોલીફીનોલ એન્ટિઓકસીડેન્ટ (કેટેચીન સહિત) ધરાવે છે જેની શરીરની તંદુરસ્તી પર સારી અસર થાય છે.

(2) તે કોફીના પ્રમાણમાં ઓછું કેફેઈન ધરાવે છે. તે એમિનો એસિડ એલ-થીયાનાઈન ધરાવે છે જે મગજના કાર્યોમાં સુધારો કરે છે.

(3) ટુંકા સમયમાં તે ચરબીનું દહન કરી શરીરની ચરબીમાં ઘટાડો કરી વજન ઘટાડે છે તેવું માનવામાં આવે છે.

(4) તેમાં રહેલ શક્તિશાળી  એન્ટિઓસીડેન્ટસ કેન્સરને અટકાવે છે. ઘણા અભ્યાસમાં ગ્રીન ટી લેનારને કેન્સરનું જોખમ ઓછું જણાયેલ છે.

(5) પાછલી અવસ્થામાં ઉન્માદ કે ચિત્તભ્રમ જેવી જ્ઞાનતંત્રની બિમારી થવાનું જોખમ ઘટાડે છે.

(6) ગ્રીન ટીમાં રહેલ કેટેચીન મોંમાં જીવાણુંઓની વૃદ્ધિ અટકાવી મોમાંથી આવતી દુર્ગંધ અટકાવે છે.

(7) ગ્રીન ટી લેવાથી લોહીમાં શર્કરાના પ્રમાણમાં થોડો ઘટાડો થાય છે એટલે તે ટાઈપ-ર ડાયાબીટીસનું જોખમ ઘટાડે છે.

(8) ગ્રીન ટી નિયમિત રીતે લોકોને હૃદયના રોગો થવાનું જોખમ ઘટાડે છે.

(9) ગ્રીન ટી શરીરના વજનમાં ઘટાડો કર છે. તે પેટની ચરબી ઘટાડવામાં વધુ અસરકારક છે.

(10) વિવિધ અભ્યાસ પરથી માલૂમ પડેલ છે કે ગ્રીન ટી નહિ લેનાર કરતાં નિયમિત ગ્રીન ટી લેનારના આયુષ્યમાં વધારો જોવા મળેલ છે.

                ગ્રીન ટીમાં રહેલ કેટલાક પદાર્થો અન્ય રોગોની દવા લેનાર વ્યક્તિઓને હાનિકારક નીવડવાની શકયતા હોઈ તેવી વ્યક્તિઓએ ડૉકટરની સલાહ લઈ ગ્રીન ટી લેવી હિતાવહ છે.

સારાંશ :

                યોગ્ય પોષણ માટે ખોરાકમાં વિવિધતા હોવી જરૂરી છે. ઉપરોક્ત પૈકી એકનો એક આહાર શરીરને પૂરતા પ્રમાણમાં રોગપ્રતિકારક શક્તિ પેદા કરતો નથી. તેથી ભલામણ મુજબ દૈનિક આહારમાં જરૂરી વિટામિનો અને ખનીજો પૂરતા પ્રમાણમાં લેવો જોઈએ. આમ સાચી રીતે ખોરાક લેવો એ તમે અને તમારા કુટુંબને માંદગીથી રક્ષણ આપવા માટે  જરૂરી છે. જયાં સુધી કોવિડ-૧૯ની વેક્સિન ન શોધાય ત્યાં સુધી આહાર દ્વારા જ શરીરને રોગ પ્રતિકારક શક્તિ ધરાવતું બનાવી શકાય તે જરૂરી છે.


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *