વિશ્વમાં હજારો વર્ષોથી વાવવામાં આવતો તેલીબિયાં પાક તલ છે જે તેલીબિયામાં વધુમાં વધુ તેલ ધરાવે છે જેથી તેને ‘તેલીબિયાની રાણી’ કહે છે. પ્રાચીનકાળથી પરંપરાગત રીતે દરેક ભારતીયના ઘરમાં તલ વપરાય છે. આર્યુવેદમાં જણાવ્યા અનુસાર શરીરમાં ગરમાવો લાવવા, શક્તિ મેળવવા, ત્વચા અને વાળની સંભાળ રાખવા તેનો ઉપયોગ થાય છે. તલમાંથી નિષ્કર્ષણ કરી તલનું તેલ મેળવાય છે. તલના પોષણ મૂલ્યની માહિતી કોઠામાં દર્શાવેલ છે.
| વિગત | ૧૦૦ ગ્રામમાં પ્રમાણ |
| શક્તિ | પ૭૩ કે. કેલેરી |
| કાર્બોહાઈડ્રેટસ | ૮૬.૭ ગ્રામ |
| ફેટ (ચરબી) | ૪૯.૬૭ ગ્રામ |
| પ્રોટીન | ૧૭.૩૦ ગ્રામ |
| ફાયબર (રેસા) | ૧૧.૮૦ ગ્રામ |
| કેલ્શિયમ | ૯૭પ.૦૦ મિ.ગ્રા. |
| ફોસ્ફરસ | ૬ર૯.૦૦ મિ.ગ્રા. |
| પોટેશીયમ | ૪૬૮.૦૦ મિ.ગ્રા. |
| મેગ્નેશીયમ | ૩પ૧.૦૦ મિ.ગ્રા. |
| આર્યન | ૧૪.પપ મિ.ગ્રા. |
| સોડિયમ | ૧૧.૦૦ મિ.ગ્રા. |
| ઝિંક | ૭.૭પ મિ.ગ્રા. |
| નિયાસીન | ૪.પર મિ.ગ્રા. |
| થાયામીન | ૦.૭૯ મિ.ગ્રા. |
| વિટામિન બી-૬ | ૦.૭૯ મિ.ગ્રા. |
| રાઈબોફલેવિન | ૦.રપ મિ.ગ્રા. |
| ફોલેટ | ૯૭ માઈક્રોગ્રામ |
| વિટામિન એ | ૯ માઈક્રોગ્રામ |
અલીબાબા અને ચાલીસ ચોરની અરેબિયન નાઈટસની વાર્તામાં ખજાનાનો દરવાજો ખોલવા માટે ‘ખુલ જા સીમ સીમ’ તે રીતે તલનું તેલ એ ચમત્કારિક છે કે જે આપણી તંદુરસ્તી માટેનો ખજાનો છે.
તલના વિવિધ ફાયદાઓ :
(૧) દાંતની તંદુરસ્તી :
દાંતના દુઃખાવાની ફરીયાદમાં તલનું તેલ એ ‘ક્વિકફીક્ષ’ જેવું કામ કરે છે. એક ચમચી તેલ મોંમાં લઈ ફેરવતાં મોંમા જીવાણુઓની વદ્ધિ અટકાવે છે. દાંત ઉપર તલનું તેલ ઘસવાથી દાંતનો કુદરતી રંગ પાછો આવે છે.
(ર) મોંની દુર્ગંધ દૂર કરનાર :
આપણા મોંમાં અનેક બેકટેરીયા ફૂગ અને વાયરસ રહેલા હોય છે જેને લઈ મોમાંથી કેટલીકવાર દુર્ગંધ આવે છે કે સડો થાય છે. પ્રાચીનકાળથી પરંપરાગત રીતે તેમજ આયુર્વેદમાં જણાવ્યા મુજબ તલનું તેલ એક ચમચી લઈ સવારે બ્રશ કરતા પહેલા તેના ૧૦ થી ૧પ મિનિટ સુધી કોગળા કરવાથી મોંની દુર્ગંધ દૂર થાય છે અને જંતુઓનો ફેલાવો અટકે છે. સ્નાન કરતી વખતે હળવા ગરમ પાણીમાં મીઠુ નાખી બનાવેલ દ્રાવણના કોગળા કરવાથી મોંમાં રહેલ ઝેરી પદાર્થો દૂર થાય છે.
(૩) શ્વસનતંત્રની તંદુરસ્તી :
ખોરાકમાં તલનો ઉપયોગ કરતાં તેના વાળમાં રહેલ મેગ્નેશીયમ શ્વસનતંત્રના રોગો જેવા કે દમ, શ્વાસ વગેરેમાં સુધારો કરે છે. સારી ઊંઘ લાવવામાં પણ મદદરૂપ થાય છે.
(૪) ઓસ્ટીયોપોરોસીસ અટકાવે :
ખોરાકમાં એક મુઠી તલનો ઉપયોગ હાડકાંની તંદુરસ્તી માટે સારો છે. એક પ્યાલા દૂધમાં રહેલ કેલ્શિયમ કરતાં તલ વધુ કેલ્શિયમ ધરાવે છે. તેમાં રહેલ ઝિંકનું ઊંચુ પ્રમાણ હાંડકાની મજબૂતાઈ વધારે છે. તેમાં રહેલ કોપરને કારણે તે વાના દર્દોમાં રાહત આપે છે તેમજ હાડકાં અને રક્તવાહિનીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
(પ) હીમોગ્લોબિનમાં વધારો :
સામાન્ય રીતે યુવાન વ્યક્તિઓ એનેમીયાથી પીડાતી હોય છે. કાળા તલનો ખોરાકમાં ઉપયોગ કરતાં હીમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે તેમજ થાકમાં ઘટાડો કરે છે.
(૬) હૃદયને તંદુરસ્તી બક્ષનાર :
તલનું તેલ સીસેમોલ અને સીસેમિન જેવા પોલીઅનસેચ્યુરેટેડ ફેટી એસિડસ ધરાવે છે જે ખરાબ કોલેસ્ટીરોલનું પ્રમાણ ઘટાડે છે અને હૃદયની ક્રિયાને નિયમિત કરે છે. તે એથરોસ્કેલેરોસીસ નામના રોગને અટકાવવામાં મદદરૂપ થાય છે એટલે કે હૃદયની રક્તવાહિનીની દિવાલોને જાડી થતી અટકાવે છે.
(૭) લોહીના દબાણનું નિયંત્રણ :
તલના તેલમાં રહેલા સીસેમિન અને સીસેમાલિન તત્વો કુદરતી રીતે લોહીના દબાણમાં ઘટાડો કરે છે. તેના બીજમાં રહેલ રપ ટકા મેગ્નેશીયમ લોહીના દબાણને ઘટાડવામાં મદદ કરે છે અને હૃદયને તંદુરસ્તી વધે છે.
(૮) રેસા – હૃદય માટે હિતકારી :
તેમાં રહેલ રેસા હૃદય માટે હિતકારી છે જે રક્તવાહિનીઓમાં ખરાબ કોલેસ્ટોરોલને જમા થતો અટકાવે છે જેથી હાર્ટ એટેક અને સ્ટ્રોકની શક્યતા ઘટે છે.
(૯) કેન્સર વિરોધી ગુણ :
તલ ફાયબર લિગ્નીન અને ફાયટોસ્ટીરોલનો સારો સ્ત્રોત હોઈ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને આંતરડા તથા સ્તનમાં થતા કેન્સર સામે રક્ષણ આપે છે.
(૧૦) પાચનમાં સુધારો :
શરીરમાં સારા પાચન માટે તલમાં રહેલા રેસા મહત્ત્વના છે. તે કબજીયાત અને ઝાડા અટકાવે છે. પાચનતંત્રના રોગો થતાં અટકાવી પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે.
(૧૧) વજનમાં ઘટાડો :
તલમાં રહેલ પ્રોટીન ચયાપચયની ક્રિયામાં વધારો, ભૂખમાં ઘટાડો, વધારાની કેલેરીમાં અટકાવ વગેરે કારણોસર વજનમાં ઘટાડો કરે છે. સલાડમાં તલ નાખી ખોરાકમાં લેવાથી બીમાં રહેલ રેસા તંદુરસ્તીમાં વધારો કરે છે.
(૧ર) ત્વચાની સંભાળ :
શરીરમાં કોલોજનના બનવા માટે જરૂરી તત્વ ઝિંક તલના બીજમાં રહેલું હોઈ તે સ્નાયુની પેશીઓ, વાળ અને ત્વચાને મજબૂત બનાવે છે. ઉપરાંત તલનું તેલ વિટામિન ઈ થી સમૃદ્ધ હોઈ ત્વચા પર પડતી કરચલીઓ અટકાવે છે અને ત્વચાની બળતરા ઓછી કરે છે.
(૧૩)વાળની તંદુરસ્તી :
તેના બીજ પોલીફીનોલ્સ ધરાવતા હોઈ વાળને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. તેના તેલમાં રહેલ વિટામિનો અને ખનીજતત્વોને કારણે વાળની વૃદ્ધિ સારી થાય તેના તેલની માલીશ કરવાથી ચામડી ખરબચડી કે રૂક્ષ થતી અટકે છે. તેલમાં રહેલ એમિનો એસિડ તથા એન્ટિઓક્સીડેન્ટસ રૂથી વાળનો ચળકાટ પરત લાવે છે.
(૧૪) ફોલિક એસિડથી સમૃદ્ધ :
તલ ફોલિક એસિડથી સમૃદ્ધ હોવાને કારણે પરંપરાગત રીતે સગર્ભા મહિલાએ થોડી માત્રામાં તલનું તેલ લેવું જોઈએ. દૈનિક આહારમાં શુદ્ધ તલના તેલનો ઉપયોગ કરવાથી ગર્ભનો સારો વિકાસ થાય છે અને તંદુરસ્તીમાં વધારો કરે છે.
(૧પ) તણાવ અને હતાશામાં ઘટાડો :
આપણા મગજમાં સેરોટીનીન ન્યુરોટ્રાન્સમીટર માટે તલના તેલમાં રહેલ ટાયરોસાઈન જવાબદાર છે. જો સેરોટીનીનના પ્રમાણમાં અસમતોલન થાય તો હતાશા ને તણાવ પેદા થાય છે. તેથી ખોરાકમાં તલના તેલનો ઉપયોગ કરવાથી તેના હકારાત્મક પરિણામો મળતાં તણાવ કે હતાશામાં ઘટાડો થાય છે.
(૧૬) અનિયમિત માસિકસ્ત્રાવ :
મહિલાઓ અનિયમિત માસિક સ્ત્રાવથી પીડાય છે જે મહિલાઓ માટે એક સામાન્ય મુશ્કેલ બાબત છે. અનિયમિત માસિકને કારણે અંતસ્ત્રાવના પ્રમાણમાં અસમતુલા, તણાવ, થાક વગેરે લક્ષણો જોવા મળે છે. આવી મહિલાઓ માટે તલનો ઉપયોગ માસિકચક્રનું નિયમન કરવા માટે મહત્ત્વનો છે. તલના બીમાં રહેલ લિગ્નીન વધારાના અંતઃસ્ત્રાવનું ઉત્પાદન અટકાવે છે. તલના બીને શેકી તેનો પાઉડર બનાવી ગોળ સાથે દરરોજ ખાવાથી આ પ્રશ્ન હલ થાય છે.
(૧૭)સગર્ભા મહિલાઓ માટે તલનું તેલ :
સગર્ભા મહિલાઅ ત્રીજા મહિના બાદ અલ્પ માત્રામાં તલના તેલનો ઉપયોગ ખાવામાં કરવો જોઈએ કે જેથી હાડકાં મજબૂત બને અને સલામત રીતે બાળકનો જન્મ થઈ શકે.
(૧૮) બાળકની તંદુરસ્તીમાં સુધારો :
નાના બાળકને તલના તેલની માલીશ કરવાથી તેનો વિકાસ સારો થાય છે અને ઊંઘ સારી આવે છે. તેની માલીશ ત્વચાને રૂક્ષ થતી અટકાવે છે. તલના તેલનો ઉપયોગ ચકામામાં રાહત આપે છે.
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

