આજના આધુનિક દિવસો પહેલાં પ્રાચીનકાળમાં કૃત્રિમ દવાઓને બદલે છોડમાંથી મેળવેલ દવાઓ ગંભીર રોગોની સારવાર માટે વાપરવામાં આવતી હતી. તે કુદરતી રીતે છોડમાં જોવા મળતા રસાયણ નામે ફાયટોકેમિકલ્સ, વિટામિનો, ખનીજો અને એન્ટિઓક્સીડેન્ટસથી સમૃદ્ધ છે. તે વિટામિન સી, એ, બી-2, બી-6 અને બી-9 નો મોટો સ્ત્રોત છે. તે આયર્ન, કોપર, કેલ્શિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, પોટેશિયમ અને ઝિંક વગેરે ખનીજો ધરાવે છે. થાઈમ તેલ ઉડ્ડયનશીલ, કુદરતી, જટીલ છે જે તીવ્ર ગંધ ધરાવે છે અને તે સુગંધિત છોડના સંશ્લેષણ ધ્વારા મેળવાય છે જે ગૌણ પરિવર્તનશીલતા ધરાવે છે. થાઈમ તેલના રાસાયણિક બંધારણમાં વિવિધ કાર્યકારી જૂથના સેન્દ્રિય પદાર્થના જટીલ મિશ્રણ હોય છે જે મુખ્યત્વે ટરપેન્સ અને ટરપીનોઈડસ ધરાવે છે.
ગરમી અને સૂકા હવામાનમાં થાયમસ જાતિની અંદાજે 21 પ્રજાતિઓ બારે માસ સારી રીતે થાય છે. આ એક પરંપરાગત દવા તરીકે વધુ ઉપયોગમાં લેવાતી જાતિ છે. તેનો મૂત્રવર્ધક તથા જીવાણું વિરોધી તરીકે ઉપયોગ થતો હતો કે જ્યારે પ્રાચીન સમયે જંતુ કે બૅક્ટેરીયાની સમજણ ન હતી પરંતુ તેની ક્ષમતા જાણીને તેનો ઉપયોગ ઘાની સારવાર, ચીરા, ઉઝરડા કે સોળ, કીટકોના ડંખ, મચકોડ અને અન્ય ઈજા ઉપર કરવામાં આવતો હતો. થાઈમ ઓઈલના આરોગ્યલક્ષી લાભો હજારો વર્ષોથી નોંધાયેલા છે.
થાઈમ ઓઈલના આરોગ્યલક્ષી લાભો :
(1) સૂક્ષ્મજીવ વિરોધી અને જીવાણુનાશક ગુણ :
(ક) સૂક્ષ્મજીવ વિરોધી :
ખાદ્ય ઉદ્યોગમાં મુખ્યત્વે બે કારણોસર રાસાયણિક પદાર્થો વાપરવામાં આવે છે. (1) કુદરતી બગાડ પ્રક્રિયાથી ખોરાકનું રક્ષણ કરવું (ખોરાકની જાળવણી) અને (2) સૂક્ષ્મજીવોને અટકાવવા અથવા તેની વૃદ્ધિ મર્યાદિત કરવી. જો કે આજે ખાદ્ય ઉદ્યોગમાં કૃત્રિમ સૂક્ષ્મજીવ વિરોધી રાસાયણિક પદાર્થોના ઉપયોગ ઘટાડવા માટે પશ્ચિમના દેશોમાં ઝૂંબેશ ચાલે છે જેમાં ખાદ્ય બનાવટો ઉપર હરિત ઉપભોક્તાવાદ અને ક્લીન (સ્વચ્છ) લેબલિંગનો આગ્રહ રાખવામાં આવે છે. કૃત્રિમ પરિરક્ષકોના વિકલ્પ રૂપે છોડમાંથી મેળવાતા સૂક્ષ્મજીવ વિરોધી પદાર્થોનું વેચાણ કરવામાં આવે છે જેને ‘નેચરલ’ એટલે કે કુદરતી એડિટિવ્ઝ અને પરિરક્ષકો પણ કહે છે.
(ખ) જીવાણુનાશક :
થાઈમ ઓઈલ કેરીયોફાયલીન અને કેમ્ફેન નામના પદાર્થો ધરાવે છે જેના કારણે તેનું તેલ સડાનિરોધક છે અને ચામડી અને શરીરમાં રહેલ ચેપને મારી નાખે છે. તે જીવાણુ વિરોધી છે અને જીવાણુઓનો વિકાસ અટકાવે છે તેથી તેનું તેલ આંતરડામાં લાગેલ ચેપ, જનનાંગ અને મૂત્રમાર્ગમાં જીવાણુઓનો ચેપ, શ્વસનતંત્રમાં જીવાણુઓનો ચેપ અને ઘા ના કારણે લાગેલ ચેપ વગેરેની સરવારમાં ઉપયોગમાં લેવાય છે. તેલ સડાનિરોધક અને જીવાણુનાશક ગુણ ધરાવતું હોઈ કુદરતી રીતે મોંમાં રહેલ જંતુઓને મારી નાખી મોં વાટે થતો ચેપ અટકાવે છે તેથી તેનો પાયોરીયા અને શ્વાસની બદબૂની સારવાર માટે ઉપયોગ થાય છે. થાઈમ ઑઈલમાં થાયમોલ નામનું સક્રિય તત્વ રહેલું છે જેથી તેનો ઉપયોગ ‘ડેન્ટલ વોર્નિશ’ તરીકે દાંતનો સડો અટકાવવા માટે થાય છે.
(2) કેન્સર અને મૂત્રવર્ધક સામે લડત :
સ્તન કેન્સરમાં કોષોને મૃત કરવા માટે જંગલી અજમાનો ઉપયોગ થાય છે. માનવીમાં સ્તન કેન્સરના 98 ટકા કોષો થાઈમ તેલની 72 કલાકની સારવાર બાદ મરી જાય છે. એવું જંગલી થાઈમ અંગે સંશોધનથી જણાયેલ છે. સંશોધકોના જણાવ્યા મુજબ સ્તન કેન્સરની સારવાર માટેની દવા બનાવવા માટે આ તેલ આશાસ્પદ છે. મૂત્રવર્ધક તરીકે થાઈમ તેલ શરીરમાંના વધારાના પાણી, ક્ષાર અને ઝેરને દૂર કરવામાં મદદ કરી વજન ઘટાડવામાં, લોહીનું દબાણ અને પાચન વગેરેમાં મદદરૂપ થાય છે.
(3) આરોગ્ય (હેલ્થ) ટોનિક તરીકે થાઈમ તેલ :
થાઈમ આવશ્યક તેલ રૂધિરાભિસરણ તંત્ર, પાચનતંત્ર, ચેતાતંત્ર, સ્નાયુઓ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જાણીતું છે.
(4) રોગોમાં ઉપયોગી થાઈમ તેલ :
(1) હ્રદયની તંદુરસ્તી : થાઈમ તેલ એ એન્ટિ-સ્પેસમોડિક છે એટલે કે સ્નાયુ ખેંચાણને દૂર કરવા માટે વપરાય છે. તે ધમનીઓ તથા નસોને આરામ આપે છે, લોહીનું દબાણ અને હ્રદયના તણાવને ઘટાડે છે. તે હ્રદયના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
(2) પેટમાં ગેસ કે પેટનું ફૂલવું : થાઈમ તેલ એ વાતહારક છે તેથી જઠરાંત્રિયમાં પેદા થતા વાયુને અટકાવવામાં મદદ કરે છે એટલું જ નહિ તે શરીરમાંના વધારાના વાયુને દૂર કરવાનું કાર્ય કરી પેટમાં થતા ગેસ સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.
(3) માસિકસ્ત્રાવની નિયમિતતા : થાઈમ તેલ માસિક સ્ત્રાવ ઉત્તેજક છે એટલે કે મહિલાઓના પેલ્વિક વિસ્તાર અને ગર્ભાશયમાં લોહીના સ્ત્રાવને ઉત્તેજીત કરી માસિક સ્ત્રાવ પેદા કરે છે. આથી આ તેલ અનિયમિત માસિક સ્ત્રાવ, અકાળે મેનોપોઝ અને માસિકને લગતા અન્ય રોગોમાં ઉપયોગી છે.
(4) ચામડીના ડાઘ : ખીલ, શીતળા રોગના ડાઘ અને ચામડી પરના અન્ય ડાઘને દૂર કરવામાં થાઈમ તેલ મદદ કરે છે.
(5) કફનાશક : થાઈમ તેલ એ કફનાશક છે એટલે કે તે ફેફસાં અને શ્વાસનળીમાં થતા કફને દૂર કરવામાં મદદ કરે છે. શ્વાસનળીનો સોજો, ઉટાંટિયું (હૂપિંગ ઉધરસ) અને ઉપલા શ્વસનમાર્ગમાં ચેપ વગેરે રોગો માટેની સારવાર માટે થાઈમ તેલને જર્મનીના કમિશને મંજૂરી આપેલ છે.
(6) કફ : અગાઉ જણાવ્યા મુજબ થાઈમ તેલ કફનાશક અને એન્ટિ-પ્લાસમોડિક છે એટલે કે તે કફને દૂર કરવામાં અને છાતીમાંના ચેપની સારવારમાં મદદ કરે છે.
(7) જીવાતો ભગાડનાર (રીપેલ પેસ્ટસ) : થાઈમ તેલ કીટકો અને જીવાતો સામે વધુ અસરકારક છે. તેનો મચ્છર, ચાંચડ, જૂ, માંકડ, માખીઓ, બીટલ્સ, ફૂદાં વગેરેને દૂર ભગાડવા માટે ઉપયોગ થાય છે.
(8) ઉત્તેજક : થાઈમ તેલ રૂધિરાભિસરણ, પાચનતંત્રના અંતઃસ્ત્રાવોનો અને ખોરાકમાંના ચયાપચયને ઉત્તેજીત કરે છે.
(9) પરજીવીઓ : થાઈમ તેલ કૃમિનાશક છે એટલે કે તે ગોળકૃમિ, પટ્ટીકૃમિ, અંકુશ કૃમિ અને કીડાને મારી નાખે છે.
(10) યીસ્ટ : થાઈમ તેલ ફુગનાશક ગુણ ધરાવે છે તેથી તે કેન્ડિડા આલ્બિકન્સ (Candida albicans) યીસ્ટની સામે અસરકારક છે કે જે યીસ્ટના ચેપ લાગવા માટેનું સામાન્ય કારણ છે.
થાઈમ તેલનો ઘરે ઉપયોગ :
થાઈમ તેલ એ શક્તિશાળી પદાર્થ છે તેથી તેના તેલનો સીધો ત્વચા ઉપર ઉપયોગ ન કરવો જોઈએ નહિ તો સંવેદનશીલતા અને બળતરા થાય છે. પ્રથમ તેને ઓલિવ, કોપરેલ કે બદામના તેલમાં મિશ્ર કરી લેવું જોઈએ. તેનો વિવિધ રીતે ઉપયોગ કરી શકાય છે. તેનો અરોમાથેપીમાં કે માઉથવોશ તરીકે ઉપયોગ કરી શકાય છે.
સાવચેતી :
થાઈમ તેલને સીધુ ખોરાકમાં લેવું ન જોઈએ નહિ તો તેનાથી ઉબકા, ચક્કર, ઉલ્ટી, ઝાડા અને સ્નાયુ તાણ પેદા થાય છે. તમારા હ્રદય, ફેફસાં અને શરીરના તાપમાન ઉપર નકારાત્મક અસર પણ થઈ શકે છે. તે થાયરોઈડ ગ્રંથિને ઉત્તેજ છે તેથી તે હાયપરથાયરોડિઝમ એટલે કે થાઈરોઈડ ગ્રંથિની અતિસક્રિયતા ધરાવતા લોકો માટે થાઈમ તેલની ભલામણ કરવામાં આવતી નથી.
થાઈમ તેલનો ઉપયોગ લોહીના પરિભ્રમણને વધારવા માટે કરી શકાય છે તેથી ઊંચા લોહીના દબાણ ધરાવતા લોકોને આ તેલ આપવું ન જોઈએ. સગર્ભા મહિલાઓને આ તેલથી દૂર રાખવી જોઈએ કારણ કે તે માસિકસ્ત્રાવને ઉત્તજના પુરી પાડે છે વિશેષમાં આ તેલને નાના અને તરૂણ બાળકોથી દૂર રાખવું જોઈએ કે તેઓ તેની અસરો પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે.
થાઈમ તેલ આપતી વનસ્પતિઓની જાતો અને તેના ઉપયોગો :
(1) હીથ બ્રિટિશ (Health british, Thymus citriodorus)

(2) ગાર્ડન થાઈમ (Garden thyme, Thymus valgaris)

ઉપરોક્ત બંને છોડ યુરોપના છે જે લીંબુ જેવી સુગંધ ધરાવે છે. તેની પાન અને ડાળી યુરોપમાં રસોઈની વાનગીઓ ઉપર શણગાર અને લહેજત માટે નાખવામાં આવે છે. તે અથાણામાં આથવા માટે વપરાય છે. તેના ફૂલો કપડાંને સુગંધી બનાવવા અને ઊધઈથી બચાવવા માટે રાખવામાં આવે છે. તેના પાન અને ફૂલમાંજરમાંથી સુગંધી ઉડ્ડયન તેલ મળે છે જે અજમા (carom seeds, Ajwain, carum copticum) ના બીજમાંથી મળતા તેલ જેવી સુગંધ અને ગુણ ધરાવે છે. પાનમાંથી તેલ ઓછું મળે છે તેના તાજા ફૂલોમાંથી 0.5 થી 1 ટકા અને સૂકા ફૂલોમાંથી 2.5 ટકા તેલ મળે છે. જેમાં થાયમોલ હોય છે. તેનું તેલ આક્ષેપહર તથા કફનાશક ગુણ ધરાવે છે. તે ખાંસી, શરદી, તાવ, કોલેરા અને મધુપ્રમેહ માટે વપરાય છે. તેને ચોપડવાથી જખમોમાં થતો સડો અટકાવે છે અને જંતુઓને મારી નાખી રૂઝ લાવે છે. તેના ફૂલોમાંથી મધમાખીઓ પુષ્કળ મધ મેળવે છે.
(3) અનઅજવાન, માસો રીંગ્સબુર (Mother of thyme, Thymus serphyllum) :

આ છોડ પશ્ચિમ હિમાલય, કાશ્મીરથી કુમાઉ, એશિયાના બીજા પહાડો અને તિબેટમાં જોવા મળે છે. તેના પાન અને ફૂલમાંજર આક્ષેપહર, વાતહર, પૌષ્ટિક, કફનાશક અને દીપક ગુણો ધરાવે છે. તે શરદી, ખાંસી, મંદાગ્નિ, યકૃતરોગ, મૂત્રરોગ, ગર્ભાશયના વ્યાધિ, નષ્ટાર્તવમાં ઉપયોગી છે. તે સડો અટકાવનાર હોવાથી નહિ રૂઝાતા ઝેરી વ્રણો ઉપર ચોપડવાથી તેમાંના જંતુઓને મારી નાખી જલ્દી રૂઝ લાવે છે. તે રોજમેરીના તેલને મળતી સુગંધ ધરાવે છે. તેના ફૂલોમાંથી પુષ્કળ મધ મધમાખીઓને મળે છે જેથી મધમાખી પાલકો તેનું વાવેતર કરે છે. મધ સુગંધી, વધુ મીઠું અને લહેજતદાર હોય છે. તેના પાન અને ફૂલમાંથી સુગંધી તેલ મળે છે. તેના 100 કિલો સૂકા છોડમાંથી 150 ગ્રામ પીળા રંગનું એસેન્સ મળે છે જેને સરપોલેટ (Serpolet) કહે છે. આ તેલમાંથી 30 થી 70 ટકા ફીનોલ અને થાઈમોલ તથા કારવેક્રોલ તત્વ થોડા અંશે મળે છે. તેના બીજ કૃમિદન છે.
(4) થાયમસ ઝાયગિસ (Thymus zygis)

તેના પાન અને ફૂલમાંથી ઉડ્ડયનશીલ તેલ મળે છે જેમાં 51 ટકા થાઈમોલ હોય છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ જુલાઈ – 2021
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

