નાળિયેર એ માનવજાત માટે એક ઉયપોગી વૃક્ષ છે કે જે લાખો નાના અને સીમાંત ખેડૂતોને જીવનની સલામતી બક્ષે છે. એશિયા અને પેસિફિક વિસ્તારોમાં રહેતા લાખો લોકોને તે ખોરાક, જીવનની સલામતી અને રોજગારીની તકો પુરી પાડે છે. તેનું સાંસ્કૃતિક, સામાજીક અને આર્થિક રીતે ઘણું મહત્ત્વ છે. નાળિયેરની ખેતીમાં ખર્ચ વધુ થાય છે અને ફળોના ઉત્પાદનની કિંમત પ્રમાણમાં ઓછી મળે છે જેને કારણે તેની ખેતી નફાકારક રહી નથી. નાળિયેરના છોડના દરેક ભાગો એક યા બીજી રીતે માનવજાતને ઉપયોગી છે. નાળિયેરના કુલ ઉત્પાદનના ૬૮ ટકાનો ઉપયેાગ કોપરા મેળવવા, ૩૦ ટકાનો ઉપયોગ ખોરાકની બનાવટોમાં અને ફક્ત ર ટકાનો ઉપયોગ લીલા કોપરા તરીકે થાય છે.
નાળિયેરની વિવિધ પ્રોડક્ટસ પૈકી તેના પુષ્પોમાંથી રસ મેળવી તેનો બાયોપ્રોડક્ટ તરીકે ઉપયોગ કરતાં ઊંચી આવક મેળવી શકાય તેમ છે. આમ વેલ્યૂ એડિશન દ્વારા નવી પ્રોડક્ટ બનાવીને નાળિયેરની ખેતીને વધુ નફાકારક બનાવી શકાય તેમ છે. નાળિયેરીના પુષ્પોનો રસ અને તેની પ્રોડક્ટસ એ એક આશાસ્પદ બાબત છે કે જેના દ્વારા નિયમિત આવક અને સારૂ વળતર ખેડૂતો અને ટેપર્સ (વૃક્ષો ઉપર ચઢઉતર કરનારા)ને મળી શકે છે.
નાળિયેરના પુષ્પોમાંથી મેળવતા રસને ‘નીરો’ કહે છે. નાળિયેર ઉગાડતા દરેક વિસ્તારોમાં તેના ખીલ્યા ન હોય તેવા પુષ્પોમાંથી પરંપરાગત પદ્ધતિએ નીરો મેળવવામાં આવે છે. તેનો રસ મીઠો, પારદર્શક, રંગ સફેદ દૂધ જેવા અને ઊંચુ પોષણ મૂલ્ય ધરાવે છે. તે રીડયુસિંગ અને નોનરીડયુસિંગ સુગરની સાથે વિપુલ ખનીજતત્વો અને વિટામિનોનો ભરપુર સ્ત્રોત છે. તે આયર્ન, ફોસ્ફરસ અને એસ્કોર્બિક એસિડનો પણ સારો સ્ત્રોત છે. તેની નોંધપાત્ર લાક્ષણિકતા એ છે કે તે ઓછો ગ્લાયસેમિક ઈન્ડેક્ષ ધરાવે છે જેથી ડાયાબિટીસના દર્દીઓ પણ તેને લઈ શકે છે. વર્તમાન સમયમાં લો જીઆઈ સુગરનો મર્યાદિત જથ્થો પ્રાપ્ત હોઈ તેની વિશ્વમાં ઊંચી માંગ છે. નીરો એ લો જીઆઈ સુગરનો કુદરતી સ્ત્રોત છે જે આ માંગની કમી પુરી પાડી શકે તેમ છે.
નીરાનું જીવરાસાયણિક બંધારણ :
નીરો શર્કરા, થોડા પ્રમાણમાંં પ્રોટીન, ચરબી, ખનીજ તત્વો અને વિટામિનો ધરાવે છે. તેનો પી.એચ. ૩.૯ થી ૪.૭ હોય છે. તેના ૧૦૦ મિ.લિ. રસમાં કુલ ધનતત્વો ૧પ.ર થી ૧૯.૭ ગ્રામ, કુલ શર્કરા ૧૪.૪ ગ્રામ, રીડયુસિંગ સુગર ૯.૮પ ગ્રામ અને શૂન્ય આલ્કોહોલ હોય છે. નાળિયેરના તાજા પાણી પીવા કરતા નીરો એ વધુ સારો છે કારણ કે તે ૧પ થી ૧૮ ટકા કુલ શર્કરા, ૧૦૦ મિ.લિ. રસમાં ૧.૩ મિ.ગ્રા. વિટામિન સી અને ૮.૦ મિ.ગ્રા. ફીનોલ્સ ધરાવે છે.
નીરાનું પોષણ બંધારણ :
૧૦૦ મિ.લિ. નીરામાં ૦.૧પ ગ્રામ આર્યન, ૭.પ૯ ગ્રામ ફોસ્ફરસ અને ૧૬ થી૩૦ મિ.ગ્રા. વિટામિન સી થી સમૃદ્ધ છે. નીરો ૯૦.પ પીપીએમ પોટેશિયમ, ૬૦ પીપીએમ કેલ્શિયમ, ૧પ પીપીએમ ફોસ્ફરસ, ૪પ પીપીએમ આયર્ન અને ૯.પ પીપીએમ સોડિયમ વગેરે ખનીજતત્વો ધરાવે છે. ૧૦૦ મિ.લિ. નીરામાં ૯૦.૬ મિ.ગ્રા. સોડિયમ, ૧૬૮.૪ મિ.ગ્રા. પોટેશિયમ, ૩.૯ મિ.ગ્રા. ફોસ્ફરસ, ૦.૦૧ર મિ.ગ્રા. મેંગેનીઝ, ૦.૦૩૧ મિ.ગ્રા. કોપર, ૦.૦ર૦ મિ.ગ્રા. ઝિંક અને ૦.૦પ૩ મિ.ગ્રા. આયર્ન રહેલું છે.
ઊંચુ પોષણ મૂલ્ય :
નાળિયેરીમાંથી મેળવાતી સુગર પરંપરાગત રીતે બનતા ખોરાકમાં અને પીણામાં એક પદાર્થ તરીકે વપરાય છે. નીરો ઊંચુ પોષણ અને સાથે ઔષધિય મૂલ્ય ધરાવે છે. પામ વાઈન ઊંચી કેલેરી (૩૦૦ કેલેરી/ લિટર), પ્રોટીન (૦.પ થી ર ગ્રામ /લિટર) અને વિટામિનનો સારો સ્ત્રોત છે.
નીરાના ઉપયોગનું મહત્ત્વ :
(૧) એક પીણા તરીકે : તાજો નીરો સુગર અને આલ્કોહોલિક બેવરેજ એટલે કે પીણાં તરીકે સ્થાનિક લોકો પીએ છે જે ઊંચુ પોષણ મૂલ્ય અને સારી પાચ્યતા ધરાવે છે. તાજો રસ એટલે કે નીરો કે જેમાં સહેલાઈથી આથો આવતો હોઈ તે પ થી ૮ ટકા આલ્કોહોલ ધરાવે છે અને તેનું રૂપાંતર ૪ થી ૭ ટકા એસિટિક એસિડ ધરાવતા એસિટિક પ્રવાહીમાં થાય છે. નીરામાં આથો લાવી બનતું પ્રવાહી આલ્કોહોલિક પીણા તરીકે પીવાય છે જેને ‘પામ તાડી’ કે ‘પામ વાઈન’ પણ કહે છે.
(ર) તંદુરસ્તી માટે લાભકર્તા :
નીરો સુગર લો ગ્લાયસેમિક ઈન્ડેક્ષ (ન્ક૩પ થી ૪ર) ધરાવે છે જેથી ડાયાબીટીસના દર્દીઓ માટે તે સુગરનો આદર્શ સ્ત્રોત છે. તંદુરસ્ત અને ડાયાબીટીસ ધરાવતા એમ બંને લોકો માટે તે સુગરનો સારો સ્ત્રોત છે. નીરો શુક્રોઝ, ફ્રુકટોઝ અને એમિનો એસિડ ધરાવે છે કે જે ખોરાકમાં આલ્કલ પાયરાઝાઈન્સના અગ્રગામી છે. એનેમિક દર્દીઓ કે જેઓમાં હીમોગ્લોબીન ઓછું છે તેઓની સારવારમાં નીરો અને તાડી યોગ્ય પ્રમાણમાં આપવાથી ફાયદો થાય છે. તે વિટામિનની ખામીવાળા દર્દીઓને પણ ફાયદો કરે છે. તેનો ઉપયોગ આંખથી જોવાની દૃષ્ટિમાં સુધારો અને આંખના દર્દોમાં ફાયદો કરે છે.
(૩) પામ સુગર, આલ્કોહોલ, વિનેગાર વગેરેનું ઉત્પાદન :
આલ્કોહોલ અને વિનેગાર બનાવતા ઉદ્યોગો માટે નીરો એ ઊંચુ પોષણ મૂલ્ય ધરાવતો કાચો માલ છે. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં સ્થાનિક લોકો દ્વારા નીરો જ્યુસ તરીકે અને પામ સુગર, વિનેગાર તથા એસેટીક એસિડ બનાવવા ઉપયોગમાં લેવામાં આવે છે. જગરી ઉદ્યોગ દ્વારા નીરોમાંથી આથો લાવવાની કામગીરી કરવામાં આવે છે. કુદરતી રીતે નીરામાંથી આથો આવતા તેનું આલ્કોહોલિક પીણામાં અને તેમાંથી વિનેગાર અને એસેટિક એસિડ બને છે. નીરા ઉપર હીટ પ્રોસેસ એટલે કે ગરમી આપીને નેચરલ સ્વીટનર (કુદરતી મીઠાશ)માં રૂપાંતર કરવામાં આવે છે. પામ વાઈન એ પોષકતત્વોથી સમૃદ્ધ છે કે જે કૂકિંગ અને બેકિંગમાં સ્વીટનર તરીકે વપરાય છે. નીરો ૧ર થી ૧૮ ટકા શુક્રોઝ ધરાવે છે કે જે સીધો જ પીણા તરીકે ઉપયોગમાં લેવાય છે અથવા તેમાં આથો લાવી આલ્કોહોલિક પીણાં અને વિનેગારમાં રૂપાંતર કરવામાં આવે છે. એશિયા ખંડમાં બ્રેડ બનાવતા ગ્રામિણ ઉદ્યાગોમાં આથો લાવવા માટે તેના રસનો ઉપયોગ થાય છે.
નીરાનું આર્થિક પાસુ :
ખેડૂતના ખેતર ઉપર નાળિયેરના ૧૦૦૦ વૃક્ષો હોય તો એક ઝાડ દીઠ દૈનિક એક લિટર નીરો મળે તો એક મહિને ૩૦,૦૦૦ લિટર નીરો મળી રહે. જો એક ઝાડ બે લિટર નીરો આપે તો મહિને ૬૦,૦૦૦ લિટર નીરો મળી રહે. આ અંગેની આર્થિક માહિતી કોઠા-૧માં દર્શાવે છે.
કોઠો-૧ : ૧૦૦ વૃક્ષ દીઠ નીરાનું ઉત્પાદન અને અર્થકરણ
વૃક્ષોની સંખ્યા (ટેપિંગ માટે) | દૈનિક નીરાનું વૃક્ષ દીઠ ઉત્પાદન લિટરમાં | માસિક નીરાનું વૃક્ષદીઠ ઉત્પાદન લિટરમાં | નીરાની કિંમત પ્રતિ લિટર રૂ. | માસિક નીરા ઉત્પાદનની કિંમત ( (રૂ.લાખમાં) | ખેડૂતની માસિક આવક (રૂ.લાખમાં) | નીરો એકઠો કરનાર ટેકનીસીયનની માસિક આવક (રૂ.લાખમાં) |
૧૦૦૦ | ૧.૦ | ૩૦,૦૦૦ | ૧૦૦ | ૩૦ | ૧૫.૦૦ | ૦૭.૫૦ |
૧૦૦૦ | ૧.૫ | ૪૫,૦૦૦ | ૧૦૦ | ૪૫ | ૨૨.૫૦ | ૧૧.૨૫ |
૧૦૦૦ | ૨.૦ | ૬૦,૦૦૦ | ૧૦૦ | ૬૦ | ૩૦.૦૦ | ૧૫.૦૦ |
સંભાવનાઓ :
- હેકટરે ૧૭પ વૃક્ષોની ખેતીનો ખર્ચ ૬૦,૦૦૦/-
- નીરાની ગ્રાહક માટેની કિંમત ૧૦૦ પ્રતિ લિટર
- ખેડૂતનો હિસ્સો-ગ્રાહકની કિંમતના પ૦ ટકા
- નીરા ટેકનીસીયનનો હિસ્સો – ગ્રાહકની કિંમતના રપ ટકા
નીરો ટેકનીસીયન દૈનિક ૧પ થી ર૦ વૃક્ષો ઉપરથી નીરો એકઠો કરી શકે છે. નીરા ટેકનીસીયનની અંદાજીત માસિક આવકની ગણતડી કોઠા-રમાં દર્શાવેલ છે.
કોઠો-ર : નીરા ટેકનીશીયનની અંદાજે માસિક આવક
વૃક્ષદીઠ દૈનિક નીરા ઉન્પાદન લિટરમાં | નીરા ટેકનીસીયન દ્વારા દૈનિક વૃક્ષોનું ટેપિંગ દ્વારા આવક | ||
૧૫ (રૂ.) | ૨૦ (રૂ.) | સરેરાશ ૧૭.પ (રૂ.) | |
૧ | ૧૧,૨૫૦ | ૧૫,૦૦૦ | ૧૩,૧૨૫ |
૨ | ૨૨,૫૦૦ | ૩૦,૦૦૦ | ૨૬,૨૫૦ |
સરેરાશ ૧.પ | ૧૬,૮૭૫ | ૨૨,૫૦૦ | ૧૯,૬૮૭ |
આમ ખેડૂતોને નીરા દ્વારા આવક થાય છે તેની સાથે હજારો નીરા ટેકનીસીયનોને રોજગારી પણ મળે છે. (સંદર્ભ : નાળિયેર વિકાસ બોર્ડ કોચીની નોટ તા. ૧૪/૬/ર૦૧૩)
કેરાલા રાજ્યમાં નાળિયેરી ઉગાડતા ખેડૂતોની સંખ્યા અંદાજે પ૦ લાખ છે જે પૈકી ૧૦ લાખ ખેડૂતો ફક્ત નાળિયેરીની ખેતી ઉપર નભે છે. જો રાજ્યમાં નીરાના ઉત્પાદન અને વિતરણનું યોગ્ય આયોજન કરવામાં આવે તો ખેડૂતોની આવકમાં મોટા પાયે વૃદ્ધિ કરી શકાય તેમ છે. તેઓ વચેટીઆઓને લીલાં નાળિયેર રૂ.૪ થી પ ના ભાવે વેચે છે જે રીટેઈલ બજારમાં ૧પના ભાવે મળે છે.
કોકોનટ ડેવલોપમેન્ટ બોર્ડના ચેરમેન શ્રી ટી. કે. જોશના જણાવ્યા મુજબ નીરાની ગ્રાહકને આપવાની કિંમતના પ૦ ટકા ખેડૂતને, રપ ટકા નીરા વર્કરને અને રપ ટકા પ્રોસેસિંગ, પેકેજિંગ અને માર્કેટિંગ માટે વાપરવામાં આવે તો ખેડૂતોની આવકમાં સારો એવો વધારો થઈ શકે. જો રાજ્યમાં ફક્ત ૧૦ ટકા વૃક્ષોમાંથી નીરો મેળવવામાં આવે તો નીરાની બજાર કિંમત લિટરના ૧૦૦ રૂપિયે ગણતરીમાં લઈએ તો રાજ્યના જીડીપીમાં અંદાજે રૂ.પ૪૦૦૦ કરોડની રકમનો ઉમેરો થાય. વળી ગ્રામ્ય ક્ષેત્રે અંદાજે ૧૦ લાખ લાકોને રોજગારી પુરી પાડી શકાય જેનું મૂલ્ય રૂ.૧૩,પ૦૦ કરોડ થાય. નાળિયેર ઉગાડતા ખેડૂતોની આવકમાં અંદાજે રૂ.ર૭,૦૦૦ કરોડનો વધારો થાય. રાજ્યને નીરા ઉદ્યોગ થકી ખેડૂતો અને નીરા વર્કરોની ખરીદ શક્તિમાં વધારો થતાં રૂ.૪૦પ૦ કરોડની રેવન્યું આવક થાય. આમ રાજ્યની કુલ જીડીપીમાં ૧૭ ટકાનો વધારો થવા પામે.
કેરાલા એગ્રિકલ્ચર યુનિવર્સિટી દ્વારા કેરામરીથમ (નીરો)નું ઉત્પાદન :
એક નીરા વર્કર (ટેપર) દૈનિક ૧ર વૃક્ષોને ટેપિંગ કરી દરરોજ ૧૮ લિટર રસ મેળવે તો તેમાંથી ૯ લિટર કેરામરીથમ (નીરો) પેદા થાય. તેની ૧પ૦ મિ.લિ.ની બોટલ રૂ. ર૦ લેખે વેચવામાં આવે તો ૧ર વૃક્ષમાંથી માસિક રૂ.૩૬૦૦૦ની આવક થાય. તેમાંથી ખર્ચ બાદ કરતાં મહિને ચોખ્ખી આવક રૂ.૧ર૦૦૦ થાય.
સંદર્ભ : ધી હિન્દુ તા. ર૯/૭/ર૦૧૬
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in