આપણા દેશમાં અન્ય દેશોમાં થતા શાકભાજીને આયાત કરી તેનો ઉછેર કરવામાં આવે ત્યારે તે શાકભાજી પરદેશી શાકભાજી કહેવાય. આવા પરદેશી શાકભાજીનો ઉછેર પરંપરાગત રીતે ઉગાડાતા શાકભાજી કરતાં જૂદો પડે છે. પરદેશી શાકભાજીમાં તેનો દેખાવ, રંગ, ગુણવત્તા, વધુ પોષકતત્વો, ઔષધિય મૂલ્ય વગેરે તેની આગવી ઓળખ છે. વૈશ્વિકરણને કારણે શહેરોના મોલ તથા સુપરમાર્કેટમાં આવા પરદેશી શાકભાજીની માંગ વધવા પામેલ છે. મોટી હોટલો, ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટસ તેમજ મોટા ઘરોમાં વિદેશી શાકભાજીની ડીસ (વાનગી) તરીકે પીરસવામાં આવે છે.
સેલેરી, પાર્સલે, ફલોરેન્સ, ફનેલ વગેરે લીલા પાંદડાંવાળા પરદેશી શાકભાજી સલાડ તરીકે જ્યારે બ્રોકોલી, કોલ, કોલાર્ડ વગેરેને ઉકાળી સુપ તરીકે સંગ્રહવામાં આવે છે. શહેરીકરણને લીધે તેમજ તંદુરસ્તી માટે લોકોમાં વધેલી જાગૃતિ, પોષણયુક્ત શાકભાજી વિષેની જાણકારી, પોષણ તેમજ દેખાવ માટે રંગીન શાકભાજી ઉછેરવાની ઘેલછા, ખોરાક તરીકે ઊંચા ભાવ વગેરે કારણોસર આવા પરદેશી શાકભાજી ઉછેરી તેના વેચાણ થકી વધુ નફો મેળવી શકાય છે. વળી તેના ઉપયોગ દ્વારા લોકોની તંદુરસ્તીમાં વધારો થશે, સંપત્તિમાં વધારો થશે અને જીવનધોરણ ઊંચુ આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આમ પરદેશી શાકભાજી ઉગાડવા માટેની વિશાળ તકો આપણા દેશમાં રહેલી છે.
ભારત દેશમાં ઊંચી ગુણવત્તા ધરાવતા પરદેશી શાકભાજીની શક્યતાઓ :
- મોટા શહેરોની ફાઈવસ્ટાર હોટલો તેમજ ફાસ્ટફૂડ રેસ્ટોરન્ટસમાં પરદેશી શાકભાજીની માંગ
- વિદેશી પ્રવાસીઓના પ્રવાહ વધવાની સાથે સાથે આવા પરદેશી શાકભાજીની ખ્યાતિમાં વધારો
- ફૂડ પ્લેટમાં પીરસાતા ખોરાકની સાથે પરદેશી શાકભાજીનો તેનો રંગ અને ગુણવત્તાના લીધે લોકોમાં થતુ આકર્ષણ
- વિવિધ ખેત-હવામાન પરિસ્થિતિ ધરાવતા અને ઓછી જમીન ધારણ કરતા વિસ્તારોના ખેડૂતોને પરદેશી શાકભાજી ઉગાડવાની અમર્યાદિત તકો અને તેના દ્વારા તેઓની નફાકારકતામાં વધારો
- વાર્ષિક ૧પ થી ર૦ ટકા ના દરે પરદેશી શાકભાજીની માંગમાં વધારો થવાની શક્યતાઓ
- ભવિષ્યમાં કોન્ટ્રાકટ ફાર્મિંગ દ્વારા પરદેશી શાકભાજી ઉછેરની શક્યતાઓ
- ભારતમાં ૮પ ટકા થી વધુ પરદેશી શાકભાજીની આયાત કરવામાં આવે છે તે જોતાં ભવિષ્યમાં પરદેશી શાકભાજીની નિકાસની તકોમાં વધારો
- પરંપરાગત શાકભાજીને બદલે પરદેશી શાકભાજી ઉગાડવાથી ખેડૂતોની નફાકારકતામાં વધારો
- શહેરીકરણ તેમજ જીવનશૈલીમાં બદલાવ થવાના કારણે સારૂ પોષણ તથા સ્વાદ ધરાવતા પરદેશી શાકભાજીની માંગમાં વધારો
આપણાં દેશમાં ઉછેરી શકાય તેવા કેટલાક આશાસ્પદ પરદેશી શાકભાજીની વિગત કોઠામાં દર્શાવેલ છે.
પરદેશી શાકભાજીની વિગત
ક્રમ | પરદેશી શાકભાજી (અંગ્રેજી નામ) | વૈજ્ઞાનિક નામ | કુટુંબ | છોડના કયા ભાગનો વપરાશ |
1 | ચેરી ટામેટો (Cherry Tomato) | Solanum lycopersicum var, cerasiforme | સોલેનેસી | ફળ |
2 | કેપ્સિકમ | Capsimum annum | સોલેનેસી | ફળ |
3 | લેટયુસ (Lettuce) | Lactuca sativa | એેસ્ટરેસી | પાન, દડો |
4 | સેલેરી (Celery | Apium graveolens var. dulce | એપિએસી | પાનની દાંડી, પાન |
5 | બ્રોકોલી | Brassica oleracea var. italica | બ્રાસિએસી | ફૂલકળી |
6 | રેડ કેબેજ | Brassica oleracea var. rubra | બ્રાસિએસી | દડો |
7 | બ્રસેલ્સ સ્પ્રાઉટ | Brassica oleracea var. gemmifera | બ્રાસિએસી | દડો |
8 | કેલ | Brassica oleracea var. acephala | બ્રાસિએસી | પાન |
9 | કોલાર્ડ | Brassica oleracea var. viridis | બ્રાસિએસી | પાન |
10 | ચાઈનીઝ કેબેજ | Brassica rapa var. pekinensis & chinensis | બ્રાસિએસી | દડો, પાન |
11 | એસ્પેરેગસ | Asparagus officinalis | લિલિએસી | કુમળી ડૂંખો |
12 | પાર્સલે | Petroselinum crispum | એપિએસી | પાન |
13 | ફલોરેન્સ ફનેલ | Foeniculum vulegere var. dulce | એપિએસી | પાનની કુમળી દાંડીઓ |
14 | લીક | Allium empeloprasum L. Var. porrum | એલિએસી | થડ, પાન |
15 | ચાઈનીઝ પી / સ્નો પી |
Pisum sativum var. saccharatum | લેગ્યુમિનોસી | કુમળી શિંગો |
16 | સ્નેપ પી / સુગર સ્નેપ પી |
Pisum sativum var. macrocarpon | લેગ્યુમિનોસી | કુમળી શિંગો |
17 | બેબીકોર્ન | Zea mays | ગ્રામિની | કુમળી ડોડી |
18 | બ્લ્યુ કોર્ન | Zea mays sub sp. mays | ગ્રામિની | કુમળી ડોડી |
પરદેશી શાકભાજી ઉછેરવામાં પડતી કેટલીક મુશ્કેલીઓ :
- પરંપરાગત શાકભાજીની ખેતીની સરખામણીએ પરદેશી શાકભાજીની ખેતી તથા વેચાણમાં તફાવત રહેલો છે.
- પરદેશી શાકભાજીના ઉછેર માટે કુશળ મજૂરોની જરૂરિયાત રહે છે.
- પરદેશી શાકભાજી ઉછેર માટે ખાસ પ્રકારનું હવામાન તથા જમીનની સ્થિતિ હોવી જરૂરી છે.
- મોટા ભાગના પરદેશી શાકભાજીનું ઉત્પાદન તથા ઉત્પાદકતા ઓછી છે.
જૈવિક અને પ્રતિજૈવિક પરિબળોનો પ્રશ્ન :
- પરદેશી શાકભાજીની ખેતી માટે સંરક્ષિત પરિસ્થિતિ (ગ્લાસ હાઉસ, નેટહાઉસ) પૂરી પાડવી જરૂરી છે.
- પરદેશી શાકભાજીની ખેતીમાં સુધારેલી તાંત્રિકતાનો અભાવ જેથી ધાર્યું ઉત્પાદન પ્રાપ્ત ન કરી શકાય.
- પરદેશી શાકભાજીમાં સુધારેલી જાતોની ખામી છે.
- પરદેશી શાકભાજીના બિયારણની ઊંચી કિંમત છે.
- પરદેશી શાકભાજી માટે યાગ્ય બજાર અને બજારમાં તરલતાની ખામી છે.
- ભારતમાં પરદેશી શાકભાજી અંગેના સંશોધનની ખામી છે.
ભારતમાં પરદેશી શાકભાજી ઉછેર દરમ્યાન પડતી મુશ્કેલીઓના નિવારણ માટેના કેટલાક સૂચનો :
- ખેડૂતોને પરદેશી શાકભાજીના ઉછેર અંગેની જાણકારી અને તાલીમ પૂરી પાડવી.
- પરદેશી શાકભાજીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકાય તે અંગેની તાંત્રિકતાઓનો વિકાસ કરવો.
- પરદેશી શાકભાજીમાં ગુણવત્તાયુક્ત બિયારણ પેદા કરવું.
- પરદેશી શાકભાજીમાં ઈચ્છિત ગુણો ધરાવતી સુધારેલી જાતોનો વિકાસ કરવો.
- પરદેશી શાકભાજી માટેના પોસ્ટ હાર્વેસ્ટ યુનિટોની સ્થાપના કરવી.
- પરદેશી શાકભાજી માટેના બજાર અંગેની સ્થાપના કરવી.
કેટલાક પરદેશી શાકભાજીની સંક્ષિપ્ત ખેતી પદ્ધતિ :
જે વિસ્તારોમાં અનુકૂળતા હોય તે વિસ્તારોમાં પરદેશી શાકભાજી ઉછેરવામાં આવે તો આજની જરૂરિયાત મુજબ વપરાશકારોને પસંદ પડે તેવા શાકભાજી પુરા પાડી શકાય.
પરદેશી શાકભાજીની સંક્ષિપ્ત ખેતી પદ્ધતિ :
(૧) ચેરી ટામેટા :

ઉપયોગ : કોન્ટીનેટલ હોટલમાં ડીસમાં પીરસવામાં આવે છે. તે સામાન્ય ટામેટા કરતા વિશેષ માત્રામાં ફલેવિનોઈડસ ધરાવે છે જે હૃદયરોગ, લોહીનું દબાણ અને હાડકાં માટે ઉપયોગી છે. તેને પોલીહાઉસમાં ઉછેરી શકાય છે.
વાવણી અંતર : પ૦ સે.મી. X પ૦ સે.મી.
નર્સરી : નર્સરી ટ્રેમાં ઉછેરી પ થી ૬ પાનવાળા હોય તેવા છોડ પોલીહાઉસમાં રોપવા.
ટેકા આપવા : વાંસની લાકડીનો ટેકો આપી છોડને દોરીથી બાંધવા.
કાપણી સમય : દેખાવે આકર્ષક લાગે અને પુરા પાકટ થાય તેવા ફળો ઉતારવા.
(ર) કેપ્સિકમ :

ઉપયોગ : રંગીન કેપ્સિકમ મરચાં કાચાં કે રાંધીને, બેકરી, પીઝા કે સલાડમાં વપરાય છે.
વાવણી સમય : પોલીહાઉસમાં ઑગષ્ટ – નવેમ્બરમાં વાવણી કરી શકાય છે.
બિયારણનો દર : ૩પ૦ થી ૪૦૦ ગ્રામ/હેકટર
વાવણી અંતર : ૪પ સે.મી. X ૩૦ સે.મી., ૪પ સે.મી. X ૪પ સે.મી.
કાપણી : માર્કેટની જરૂરિયાત મુજબ તાજા ફળો ઉતારવા
ઉત્પાદન : ઓપન પોલીનેટેડ જાતોમાં ર૦૦ ક્વિન્ટલ/હેકટર અને
હાઈબ્રિડ જાતોમાં ૪૦૦ થી પ૦૦ ક્વિન્ટલ/હેકટર
(૩) લેટયુસ :

ઉપયોગ : સલાડ, સુપ અને સેન્ડવીચ બનાવવામાં ઉપયોગ થાય છે. ઓછી કેલેરીવાળો અને અસરકારક ખોરાક છે. તે હૃદયરોગ સામે રક્ષણ આપે છે તેમજ એલર્જી વિરોધી છે તથા વિટામિન ‘સી’ ધરાવે છે.
બિયારણનો દર : ૪૦૦ થી પ૦૦ ગ્રામ
વાવણી સમય : સપ્ટે. – ઓકટો. (મેદાનો) અને ફેબ્રુ-જૂન (ટેકરીઓ પર)
વાવણી અંતર : ૪પ સે.મી. X ૩૦ સે.મી., ૪પ સે.મી. X ૪પ સે.મી. (કૂંડામાં પણ ઉછેરી શકાય)
કાપણી સમય : જ્યારે પાન અને હેડ પુખ્ત થાય ત્યારે (જો ઉષ્ણતામાનમાં વધારો થાય તો પાન કડવાશ પકડે છે.)
ઉત્પાદન : ૧૦ થી ૧પ ટન/હેકટર
(૪) બ્રોકોલી :
ઉપયોગ : ખોરાકમાં સલાડ અને શાક તરીકે તે કેન્સર વિરોધી અને એન્ટિઓકસીડન્ટ ગુણો ધરાવે છે.
બિયારણનો દર : ૩૦૦ થી ૪૦૦ ગ્રામ/હેકટર
વાવણી સમય : સપ્ટેમ્બર થી નવેમ્બર
વાવણી અંતર : ૬૦ સે.મી. X ૪પ સે.મી., ૪પ સે.મી. X ૪પ સે.મી., પ૦ સે.મી. X પ૦ સે.મી.
ખાતર : ર૦ ટન છાણિયું ખાતર / હેકટર
૧રપ-૬પ-૬પ કિ.ગ્રા.ના. ફો.પો./હેકટર અથવા ૯૦-૭પ-૬૦ કિ.ગ્રા. ના.ફો.પો/હેકટર
કાપણી સમય : ફૂલકળી ખીલે તે પહેલાં અને દડો ઢીલો થાય તે પહેલા કાપણી કરવી.
ઉત્પાદન : ૧પ થી ર૦ ટન / હેકટર
(પ) કેલ અને કોલાર્ડ :


ઉપયોગ : પાન સલાડ અને ભાજી તરીકે વપરાય છે. તે કેન્સર વિરોધી ગુણ ધરાવે છે.
બિયારણનો દર : ૪૦૦ થી પ૦૦ ગ્રામ /હેકટર
વાવણી સમય : ઓકટોબર- નવેમ્બર (મેદાનેામાં) અને ઓગષ્ટ -સપ્ટેમ્બર (ટેકરીઓ પર)
વાવણી અંતર : ૬૦ થી ૯૦ સે.મી. X ૪પ થી ૬૦ સે.મી.
કાપણી સમય : (ક) કેલ : વાવણી બાદ ૪૦ દિવસે કાપણી કરવી અથવા સમયાંતરે નીચેના પાન ચૂંટવા (ખ) કોલાર્ડ : રપ થી ૩૦ સે.મી.ની ઊંચાઈ થયે ગમે તે સમયે બધા જ લીલા ભાગની કાપણી કરવી.
(૬) ચાઈનીઝ કેબેજ :


ઉપયોગ : સલાડ અને શાક તરીકે ઉપયોગમાં લેવાય છે. તે વધુ માત્રામાં કેલ્શિયમ તથા વિટામિન એ અને સી ધરાવે છે.
બિયારણનો દર : ૪૦૦ થી પ૦૦ ગ્રામ/હેકટર
વાવણી સમય : ઑકટોબર-નવેમ્બર
વાવણી અંતર : ૪પ સે.મી. X ૩૦ સે.મી., ૩૦ સે.મી. X ૩૦ સે.મી., ૪પ સે.મી. X ૪પ સે.મી.
કાપણી : દડા કઠણ અને તૈયાર થયે ઉતારવા
ઉત્પાદન : ૩પ૦ થી ૪૦૦ ક્વિન્ટલ/હેકટર
(૭) એસ્પેરેગસ :

ઉપયોગ : શાકભાજી તરીકે વપરાય છે. આ બહુવર્ષાયુ શાકભાજી છે જે એકવાર ઉછેર્યા બાદ ૧૦ વર્ષ ઉત્પાદન આપે છે. તે મોટેભાગે ઘરના વાડાના બગીચામાં ઉગાડાય છે. તે ઠંડી ઋતુનો પાક છે જે ફળદ્રુપ અને સારા નિતારવાળી જમીનમાં સારી રીતે ઉગાડી શકાય છે. બે વર્ષ બાદ તેની પ્રથમ કાપણી કરી શકાય છે.
બિયારણ : ર થી ૩ કિ.ગ્રા. બિયારણ / હેકટર (તેનું બી ૩ થી ૪ અઠવાડીયમાં ઉગે છે અથવા પીલા દ્વારા ઉછેરી શકાય છે.)
રોપણી સમય : જુલાઈ-નવેમ્બર (મેદાનોમાં) અને માર્ચ-એપ્રિલ (ટેકરીઓમાં)
કાપણી : રોપણી બાદ છ મહિને કાપણી કરી શકાય છે.
ઉત્પાદન : ૧ર થી ૩૦ ટન/હેકટર
(૮) પાર્સલે :

ઉપયોગ : સલાડ તરીકે ઉપયોગમાં લેવાય છે. તે વધુ માત્રામાં લોહ તત્વ, વિટામિન કે, ઈ, સી, બી ધરાવે છે. તે કેન્સર વિરોધી ગુણ ધરાવે છે.
બિયારણનો દર : ૧.પ કિ.ગ્રા./હેકટર
વાવણી સમય : સપ્ટેમ્બર-નવેમ્બર (મેદાનોમાં) અને માર્ચ-મે (ટેકરીઓ પર)
વાવણી અંતર : ૩૦ સે.મી. X ૧૦ સે.મી., ર૦ સે.મી. X ર૦ સે.મી.(કૂંડામાં પણ ઉછેરી શકાય)
કાપણી : સમયાંતરે બહારના અને મોટા પાન ચૂંટી તેની નાની જૂડીઓ બનાવી બજારમાં મોકલવી અને છેલ્લે આખા છોડની કાપણી કરવી.
ઉત્પાદન : ર૩૦ થી રપ૦ ક્વિન્ટલ/હેકટર અથવા સૂકા છોડ ર૦ થી ૩૦ ક્વિન્ટલ/હેકટર
(૯) ફલોરેન્સ ફનેલ :

ઉપયોગ : પરદેશી શાકભાજીઓ પૈકી વરિયાળીની આ એક જાત સુશોભિત શાકભાજી તરીકે વધુ ઉપયોગી છે. મીઠાશ અને આકર્ષક સુગંધને લીધે કાચી કે રાંધીને ખવાય છે.
બિયારણનો દર : ૧૦ થી ૧ર કિ.ગ્રા./હેકટર
વાવણી સમય : ૧પ ઓગષ્ટ – ૧પ સપ્ટેમ્બર
વાવણી અંતર : ૩૦ થી ૪પ સે.મી. X રપ થી ૩૦ સે.મી.
(૧૦) સ્નેપ પી :

ઉપયોગ : તેની આખી શીંગોનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. તે મીઠી અને પ્રોટીનથી ભરપુર છે. ઉનાળામાં રોકડીયા પાક તરીકે ટેકરીઓ પર ઉછેરી શકાય છે.
વાવણી સમય : ઓકટોબર-નવેમ્બર (મેદાનોમાં) અને માર્ચ-એપ્રિલ (ટેકરીઓ પર)
બિયારણનો દર : ૮૦ થી ૯૦ કિ.ગ્રા./હેકટર
વાવણી અંતર : ૩૦ થી પ૦ સે.મી. ટ ૧૦ સે.મી.
કાપણી : શીંગો પકવ થયે કાપણી કરવી
ઉત્પાદન : ૧ર૦ થી ૧પ૦ ક્વિન્ટલ/હેકટર
સ્ત્રોત : સએયુ ફાર્મ મેગેઝીન, ડિસે-2019
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in