પશુઓની પેદાશોની માંગ વધતી જાય છે.પશુઓ એક પ્રકારની સંપત્તિ છે.કેટલીવાર જો તેની યોગ્ય રીતે વ્યવસ્થા ન કરવામાં આવે તો તે એક જવાબદારી બની જાય છે.પશુઓના છાણનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેમાંથી
પેદા થતો મીથેન નામનો ગ્રીનહાઉસ ગેસનો ફેલાવો અટકાવી શકાય છે.ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પશુઓના છાણનો નિકાલ કરવાની અનેક રીતો છે.સેન્દ્રિય પદાર્થોનું જીવાણુઓથી કહોવાણ કરી કમ્પોસ્ટ બનાવી શકાય છે.અળસિયાંનો ઉપયોગ કરી પશુઓના છાણમાંથી વર્મિકમ્પોસ્ટ ખાતર બનાવી શકાય છે.ગાયની પેદાશોમાંથી પંચગવ્ય પણ બનાવી શકાય છે.ઘણા વંર્ષોથી છાણ અને મૂત્રનો ઉકરડામાં સંગ્રહ કરી છાણીયા ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
પશુઓના છાણ–મૂત્રની વ્યવસ્થાના હેતુઓ :
(૧) છાણ-મૂત્ર એકત્ર કરી યોગ્ય વ્યવસ્થા ધ્વારા પર્યાવરણમાં થતું પ્રદૂષણ અટકાવવું.
(૨) પશુઓના છાણમાંથી પેદા થતો ગ્રીનહાઉસ ગેસ મીથેન અને અંગારવાયુથી જૈવ-વૈવિધ્યતાને રક્ષણ પૂરૂ પાડવું(ભારતમાં પેદા થતા કુલ મીથેનના ઉત્પાદનમાં પશુઓને ફાળો ૫૯ ટકા જેટલો છે.ગાયો,ભેંસો વગેરે મીથેન ઉત્સર્જનના મુખ્ય સ્ત્રોત છે.એક અંદાજ મુજબ દૈનિક ૦.૨૮ થી ૧.૯૫ ગ્રામ મીથેન હવામાં ભળે છે.
(૩) પરંપરાગત રીતે ખેતરોમાં છાણનો સીધો જ ઉપયોગ ખાતર તરીકે કરતાંં પાકમાં ઊધઇનો ઉપદ્રવ વધે છે.ગામડાઓમાં છાણનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.પશુઓના છાણ-મૂત્રનો યોગ્ય રીત ધ્વારા ખાતર તૈયાર કરી ઉપયોગ કરવો.
કમ્પોસ્ટ ખાતર :
વિશ્વમાં વિવિધ આડપેદાશોનો ઉપયોગ કરી કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે.કમ્પોસ્ટ એ સેન્દ્રિય પદાર્થ છે કે જે કહોવાણ ધ્વારા પેદા થાય છે જે ખાતર અને જમીન સુધારક તરીકે વપરાય છે.સેન્દ્રિય પદાર્થોમાંથી પ્રાણવાયુની હાજરીમાં સૂક્ષ્મજીવો ધ્વારા કુદરતી રીતે કહોવાણની પ્રકિયા ધ્વારા છોડને/પાકને ઉપયોગી પોષકતત્વો ધરાવતું હયુમસ તૈયાર થાય છે.આ પધ્દ્રતિમાં સેન્દ્રિય પદાર્થોનું કહોવાણ થાય છે જેમાં તેને નિયમિત રીતે ઉપરનીચે ફેરવવામાં આવે છે,તેમાં કીડાઓ અને ફુગનો પણ ઉપદ્રવ થાય છે,વાતજીવી જીવાણુઓ ધ્વારા રાસાયણિક પ્રક્રિયા થતાં ગરમી પણ પેદા થાય છે.
અવાતજીવી ખાડા પદ્ધતિમાં માનવ ધ્વારા કૃત્રિમ રીતે જમીનમાં ખાડો બનાવી પશુઓના છાણ-મૂત્રને તેમાં ભરી અવાતજીવી શ્વસન ધ્વારા ખાતર તૈયાર કરવામાં આવે છે.આ પદ્ધતિ ફકત આયોજિત ડેરી ફાર્મ પુરતી ઉપયોગી છે.
છાણ–મૂત્રના પરંપરાગત ઉપયોગ :
છાણના ઢગલાનો ઉપયોગ પ્રાચીન સમયથી વિવિધ હેતુઓ માટે કરવામાં આવે છે.છાણનાં છાણાં બનાવી ગરીબ લોકો બળતણ તરીકે ખોરાક રાંધવા માટે ઉપયોેગમાં લે છે.બે કિલો છાણાં અંદાજે એક કિલો લાકડું અથવા ૫૦૦ ગ્રામ કોલસા જેટલી ગરમી પુરી પાડે છે.ગ્રામ્ય વિસ્તારોમાં છાણ,ચીકણી માટી અને પાણીનો ઉપયોગ કરી ગારો બનાવી દિવાલો અને ભોંયતળીયાને લીંપવામાં આવે છે જે ચેપ સામે પ્રતિકારક ગુણો ધરાવે છે.ઘણા ઔષધોને શુદ્ધ કરવા માટે છાણની ભસ્મનો ઉપયોગ થાય છે. હર્બલ દવાઓમાં પણ તે ડીટોકસીફાયર તરીકે કામ કરે છે.છાણ એ ખેતીની જમીન માટેના કુદરતી ખાતર તરીકેનો એક સ્ત્રોત છે.જમીનની ફળદ્રુપતા,બાંધો અને ભેજધારણ ક્ષમતાને જાળવી રાખવા માટેના જરૂરી સૂક્ષ્મતત્વો છાણીયુ ખાતર પુરાં પાડે છે.ટુથ પાઉડર બનાવવા માટે તેની રાખ એક ઉત્તમ પદાર્થ છે.સૂકવેલ છાણાંની રાખ તેલને શોષવા માટે, વાસણોમાં ચોંટેલ ચિકાશ દૂર કરવા અને સફાઇ માટે કિલનર તરીકે વપરાય છે.છાણને લીમડાના પાન સાથે મિશ્ર કરી ચામડી પર ચોપડતાં ચામડી પર પડેલ ઘા ને રૂઝ લાવે છે અને ગરમીની ફોલ્લીઓ મટાડે છે.
મૂત્ર એ કુદરતી,સહેલાઇથી પ્રાપ્ય,નુકસાનવિહિન અને ફાયદાકારક પદાર્થ છે જે કેટલાક રોગો સામે રક્ષણ પુરૂ પાડે છે.પરંપરાગત ઐષધિ તરીકે ગૌમૂત્રનો ભારતમાં દવા તરીકે થાય છે જેનો એક લાંબો ઇતિહાસ છે.ગાયને પવિત્ર માનવામાં આવે છે.રમતવીરોના પગ ઉપર ગૌમૂત્ર લગાવતાં તે રાહત આપે છે.યુવાનીમાં થતા ખીલને મટાડવા માટે તાજા ગૌમૂત્રનો ઉપયોગ મદદરૂપ નીવડે છે.કીટકના કરડવા ઉપર મૂત્રનો ઉપયોગ પીડાને ઓછી કરે છે.ગાયના મૂત્રનો કીટનાશક તરીકેનો ઉપયોગ જાણીતો છે.દેશી ગાયના ૧૦ લિટર ગૌમૂત્ર અને એક કિલો લીમડાના પાનને તાંબાના વાસણમાં ૧૫ દિવસ હવાચુસ્ત રીતે રાખ્યા બાદ તે પ્રવાહીમાં ૧૫ ગ્રામ લસણ ઉમેરી ઉકાળીને અડધો જથ્થો રહે તેટલું રાખવામાં આવે છે .આ રીતે બનતા મિશ્રણમાંથી એક લિટર પ્રવાહીને ૧૦૦ લિટર પાણીમાં નાખી હલાવીને કીટનાશક તરીકે ઉપયોગ કરવામાં આવે છે.ગૌમૂત્રનો ઉપયોગ પથરી,યકૃતના રોગો,સંધિવા,આંતરડાના રોગો,વાયુ,મેદસ્વિતા,હ્ય્દયરોગો વગેરેમાં કરવામાં આવે છે.તેનો ઉપયોગ કેન્સર પ્રતિકારક તરીકે કેન્સરની સારવારમાં થાય છે કારણકે તેનામાં મુકત કણોને બાંધવાની ક્ષમતા રહેલી છે.
વિશેષ ઉપયોગો :
(૧) બાયોગેસ : ખેતીની આડપેદાશોનો ઉપયોગ કરવાની આ એક ચાવી છે.બાયોેગેસ એ ખેતીની આડપેદાશ એટલે કે સેન્દ્રિય પદાર્થો સહિત છાણને અવાતજીવી આથવણ લાવી કહોવડાવીને મેળવાતો પદાર્થ છે.ભારતમાં નાના પાયે બંધ કૂવામાં પશુઓના છાણમાં આથવણ લાવી બાયોગેસ પેદા કરવામાં આવે છે જેને ગોબરગેસ કહે છે.તેમાં મીથેન અને અંગારવાયુ એમ બે મુખ્ય વાયુઓ પેદા થાય છે.તેમાંનો મીથેન નામનો ગ્રીનહાઉસ વાયુ પર્યાવરણમાં પ્રદૂષણ પેદા કરવા માટે જવાબદાર છે.બાયોગેસ પ્લાન્ટમાંથી પેદા થતો મીથેન ગેસ તરીકે વપરાતાં એટલે કે હવામાં ન જતાં પ્રદૂષણ પેદા કરતો નથી અને તેની આડપેદાશ તરીકે મળતો ઘન પદાર્થ કે જે સ્લરી તરીકે ઓળખાય છે તે પણ વાતાવરણમાં પ્રદૂષણને હાનિ કરતું નથી પણ ખેતરમાં ખાતર તરીકે વપરાય છે.ગોબરગેસનો મુખ્ય ઉપયોગ ખોેરાક રાંધવા,વીજળી પેદા કરવા અને નાના પાયા ઉપરના ગ્રામ્ય ઉદ્યોગોમાં થાય છે.
(૨) વર્મિકમ્પોસ્ટ : અળસિયાંનો ઉપયોગ કરી સેન્દ્રિય પદાર્થોમાંથી વર્મિકમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે છે.કુદરતી રીતે કમ્પોસ્ટ ખાતર તૈયાર થવા માટે લાંબો સમય લાગે છે.ઢગલા પદ્ધતિ ધ્વારા ૧૦ કિવન્ટલ છાણ દીઠ એક કિલો જેટલા અળસિયાં વાપરી ઓછા સમયમાં વર્મિકમ્પોેસ્ટ ખાતર તૈયાર કરી શકાય છે.કમ્પોસ્ટ ખાતર કરતાં વર્મિકમ્પોસ્ટમાં નાઇટ્રોજન ,ફોસ્ફરસ અને પોટાશ ખાતરના પ્રમાણમાં ૩ થી ૪ ગણો વધારો થવા પામે છે.વર્મિકમ્પોસ્ટ ખાતરમાં નાઇટ્રોજનને ફિકસ કરતાં જીવાણુઓ ઉમેરી તેનું ખાતર મૂલ્ય વધારી શકાય છે.
(૩) પંયગવ્ય : પંચગવ્ય એ ગાયમાંથી પેદા થતા પાંચ પદાર્થોને મિશ્ર કરી બનાવાય છે અને ભારતીય તહેવારોમાં તેનો પરંપરાગત રીતે ઉપયોગ કરવામાં આવે છે.તે બનાવવા માટે ગાયનું છાણ,મૂત્ર અને દૂધનો સીધો ઉપયોગ અને દૂધમાંથી બનાવાતા ‘દહીં’ અને ઘીનો એમ બે બનાવટોનો આડકતરી રીતે ઉપયોગ થાય છે.આ પાંચ પદાર્થોનું યોગ્ય પ્રમાણ રાખી મિશ્ર કરી પંચગવ્ય બનાવવામાં આવે છે.આ પાંચેય પદાર્થો ઘણા રોગો માટે ઔષધિય ગુણો ધરાવતા હોઇ ઔષધિય હેતુ માટે વપરાય છે.આ પ્રકારની સારવારને કાઉપેથી અથવા પંચગવ્ય થેરેપી કહે છે.પંચગવ્યનો ખેતીકાર્યોમાં ખાતર અને જીવાતનાશક તરીકે પણ ઉપયોગ થાય છે પરંતુ તેના વૈજ્ઞાનિક આધાર પૂરાવા નથી.
આમ પશુઓની દેખભાળ રાખી તેમાંથી મળતી છાણમૂત્ર જેવી આડપેદાશનો આર્થિક રીતે પર્યાવરણ મિત્ર તરીકે અને સમાજમાં સ્વિકાર્ય હોય તેવા ઉપયોગો કરવા જરૂરી છે.આપણે આહાર માટે પશુુપેદાશો ઉપર નિર્ભર છીએ. તેની સાથે પશુઓની આડપેદાશોનો ઉપયોગ કરવા માટેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવી જોઇએ જે સહુના હિતમાં છે.
સંદર્ભઃ ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ,અપ્રિલ ૨૦૨૧
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in