નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડના ડેટાબેઝ ૨૦૧૮ માં જણાવ્યા મુજબ ભારત દેશ ૬૫ લાખ હેકટર વિસ્તારમાંથી ૯૭૫.૫ લાખ મે.ટન ફળોના ઉત્પાદન સાથે વિશ્વમાં બીજા નંબરે છે જે વૈશ્વિક ફળ ઉત્પાદનમાં ૧૦.૫ ટકા ફાળો ધરાવે છે. કૃષિ ક્ષેત્રની આવકમાં બાગાયતી ક્ષેત્રનો ફાળો ૩૦ ટકા જેટલો છે જે બાગાયતી પેદાશોનું આર્થિક મહત્ત્વ દર્શોવે છે.ઘરગથ્થુ અને વિદેશોમાં બાગાયતી પેદાશોની માંગ વર્ષોવર્ષ વધતી જાય છે. ફળો માનવ આહારમાં મહત્ત્વનો ફાળો આપે છે. ફળો એન્ટિઓકસીડેન્ટસના ઊંચા સ્ત્રોત હોઇ તેની સંરક્ષિત આહાર તરીકે ગણના થાય છે.ભારત દેશ એ કેરી,કેળાં,જામફળ, પપૈયા,દાડમ,ચીકુ અને આમળાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે.
નેશનલ હોર્ટિકલચર બોર્ડના ડેટાબેઝ ૨૦૧૮ માં દર્શાવ્યા મુજબ જામફળ,કેરી,પપૈયા દાડમ અને મેન્ડેરીનની રાષ્ટ્રીય ઉત્પાદકતા અનુક્રમે ૧૫.૩૦,૯.૬૬,૪૩.૨૭, ૧૨.૧૬ અને ૧૧.૯૧ મે.ટન પ્રતિ હેકટર છે. વિશ્વની સરેરાશ ઉત્પાદકતાને જોતાં મોટા ભાગના મુખ્ય ફળોની સરેરાશ ઉત્પાદકતા ઓછી છે.ફળપાકોના વિકસ અને ઉત્પાદકતામાં ભેજની ખેંચને કારણે માઠી અસર થાય છે. જો યોગ્ય વ્યવસ્થા અને કાળજી લેવામાં આવે તો આંતરરાષ્ટ્રીય ઉત્પાદકતાના સ્તરે પહોંચી શકાય તેમ છે. આ માટેનો સહેલામાં સહેલો ઉપાય ફળપાકોમાં ભેજને રક્ષણ આપવા માટે મલ્ચિંગનો ઉપયોગ કરવાનો છે.
મલ્ચિંગ એ જમીન વ્યવસ્થાની મહત્ત્વની પદ્ધતિ છે કે જેના ધ્વારા જમીન પર થયેલા પાકની આજુબાજુની જમીનને સેન્દ્રિય કે કૃત્રિમ પદાર્થો વડે આવરિત કરી છોડની વૃદ્ધિ,વિકાસ,ઉત્પાદન અને પેદાશની ગુણવત્તા માટે સાનુકુળ પરિસ્થિતિ પેદા કરવાનો છે. ઘણા દસકાઓથી ખેડૂતો ભેજના સંરક્ષણ, નીંદણોના વિકાસને નાથવા અને જમીનમાંના તાપમાનને મધ્યમ રાખવા માટે વિવિધ પાકની આડપેદાશો જેવી કે સૂકાં પાંદડાં,સૂકા નીંદણો.સૂકા ઘાસ,નાળિયેરનાં છોતરાં,લાકડાનો વહેર,નાળિયેરનાં છોતરાંનો ભૂકો, ડાંગરનું પરાળ, ડાંગરનાં ફોતરાં,શેરડીનાં સૂકાં પાન,નાળિયેરનાં સૂકા પાન વગેરેનો ઉપયોગ કરે છે.પરંતુ તેના ઉપયોગમાં કેટલીક મર્યાદાઓ રહેલી છે જેવી કે મોટા જથ્થામાં સેન્દ્રિય પદાર્થોની જરૂરિયાત,છોડની આસપાસ નુકસાનકારક રોગકારકોની વૃદ્ધિ, સેન્દ્રિય પદાર્થોની સહેલાઇથી પ્રાપ્યતા ઓછી,મલ્ચ તરીકે ફેરઉપયોગનો ઓછો અવકાશ વગેરે.આ બાબતોને ધ્યાને લેતાં મલ્ચિંગ તરીકે વર્તમાનમાં પ્લાસ્ટિક ફિલ્મનો વપરાશ વધુ પસંદગી પામેલ છે. પ્લાસ્ટિક મલ્ચ તરીકે વિવિધ પ્રકારની કાળી, લાલ, પીળી, વાદળી,પ્રકાશ પરિવર્તત કરે તેવી અને પારદર્શક ફિલ્મનો ઉપયોગ કરી છોડની આસપાસનાં સૂક્ષ્મ હવામાનને અસર પહોંચાડી શકાય છે.પ્લાસ્ટિક મલ્ચ સીધી રીતે છોડની આસપાસના વાતાવરણને અસર પહોંચાડી જમીનમાં રહેલ ભેજને સપાટી ઉપરથી વાતાવરણમાં જતો અટકાવી જમીનમાંના ભેજમાં થતો ઘટાડો અટકાવે છે.પ્લાસ્ટિક મલ્ચથી નીંદણની વૃદ્ધિ ૧૦૦ ટકા અટકાવી શકાય છે. ફળોની ખેતીમાં પ્લાસ્ટિક મલ્ચિંગ પદ્ધતિનો ઉપયોગ કરી તેની લાભદાયી અસરોને કારણે સારી ગુણવત્તા ધરાવતા ફળોનું વધુ ઉત્પાદન અને સારૂ વળતર ખેડૂતો મેળવી શકે છે.
મલ્ચિંગના ફાયદાઓ :
- તે જમીનમાંના ભેજનું બાસ્પીભવન થતું અટકાવે છે અને તે રીતે પાણીનો ઘટાડો થતાં અટકાવી જમીનમાં ભેજનું સંરક્ષણ કરે છે.
- તે જમીનની ઉપલી ફળદ્રુપ સપાટીના સ્તરનું ધોવાણ થતું અટકાવે છે.
- પ્લાસ્ટિક મલ્ચ નીંદણની વૃદ્ધિને અવરોધે છે.
- દિવસ દરમ્યાન જમીનને ઠંડી અને રાત્રિ દરમ્યાન જમીનને હૂંફાળી રાખે છે.
- ખાતર આપવામાં મલ્ચ સહાય કરે છે અને નિતાર ધ્વારા પોષકતત્વોનો થતો ઘટાડો અટકાવે છે.
- જમીનમાંના રોગકારકોના વિકાસને મલ્ચિંગ અવરોધે છે.
- પ્રકાશને પરિવર્તિત કરતા (રીફલેકટીવ) મલ્ચિંગનો ઉપયોગ કેટલાક કીટકોને દૂર રાખી શકે છે.
- મલ્ચિંગ રાત્રીના સમયે હૂંફાળુ તાપમાન જાળવવામાં મદદકર્તા હોઇ બિયારણનું સ્કુરણ ઝડપથી થાય છે અને કુમળા છોડમાં મજબૂત મૂળતંત્રનો વિકાસ જાળવી રાખે છે.
- પાકમાં વહેલી પરિપકવતા લાવે છે.
- પાકની ઉત્પદકતામાં વધારો કરે છે.
- સેન્દ્રિય પદાર્થોની સરખામણીએ પ્લાસ્ટિક મલ્ચ લાંબા સમય સુધી ઉપયોગમાં લઇ શકાય છે.
- ઉષ્ણતામાનમાં થતા ફેરફારને જાળવી ઠંડી/હિમથી થતા નુકસાનને ઘટાડે છે અને છોડમાં પાણીનો ઘટાડો અટકાવે છે.
મલ્ચ ફિલ્મનો ઉપયોગ :
- જમીનમાંના ભેજનું સંરક્ષણ
- પિયતની સંખ્યામાં ઘટાડો અને પિયત વિસ્તારમાં પાણીની બચત
- ગ્રીનહાઉસની ખેતીમાં જમીનના તાપમાનની મધ્યસ્થતા
- જમીનજન્ય રોગોના નિયંત્રણ માટે જમીનનું સૌરકરણ
- વરસાદની અસર ઘટાડવા, જમીનનું ધોવાણ અટકાવવા અને જમીનનો બાંધો જાળવવા
- નિયંત્રિત પરિસ્થિતિમાં ઊંચુ મૂલ્ય ધરાવતા પાકોનો ઉછેર
પ્લાસ્ટિક મલ્ચ ફ્લ્મિના પ્રકાર :
ફળપાકોમાં મલ્ચિંગ કરવા માટે વિવિધ પ્રકારની પ્લાસ્ટિક ફિલ્મો ઉપલબ્ધ છે.મલ્ચિગ માટે એલડીપીઇ,એચડીપીઇ અને ફલેકસીકલ પીવીસીનો પણ ઉપયોગ કરવામાં આવે છે.હાલમાં મોટા પાયા ઉપર એલએલડીપીઇ આધારીત પ્લાસ્ટિક મલ્ચનો ઉપયોગ કરવામાં આવે છે.એલએલડીપીઇ મલ્ચ ફિલ્મ ઓછા ગેજની અને પંકચર સામે સારો પ્રતિકાર કરી શકે તેવા ગુણો ધરાવતી હોઇ વધુ ખ્યાતિ પામેલ છે. તે ઓછા ગેજની હોઇ ઓછા ખર્ચે પાતળી ફિલ્મ મેળવી શકાય છે અને પંકચર સામે પ્રતિકારક હોઇ નીંદણની વૃદ્ધિને અટકાવે છે.જમીનમાંના વાતાવરણને નિયંત્રિત કરવામાં વિવિધ રંગ અને જાડાઇમાં ઉપલબ્ધ પ્લાસ્ટિક ફિલ્મ મલ્ચ તરીકે કાર્ય કરે છે.
(૧) બ્લેક મલ્ચ ફિલ્મ :
કાળો રંગ ધરાવતી બ્લેક મલ્ચ ફિલ્મ સૂર્યપ્રકાશને જમીનમાં પસાર થવા દેતી નથી અને ફિલ્મ નીચેના ભાગે થતી પ્રકાશસંશ્લેષણની ક્રિયાને અટકાવે છે તેથી તે નીંદણની વૃદ્ધિ સંપૂર્ણપણે અટકાવે છે. જમીનમાંના તાપમાનમાં કાળો રંગ વધારો કરે છે. બ્લેક મલ્ચ મોટા ભાગે અલ્ટ્રાવાયોલેટ, દ્દશ્યમાન અને ઈન્ફ્રારેડ તરંગ લંબાઈવાળા સૌર કિરણોત્સર્ગને શોષી લે છે.બ્લેક પ્લાસ્ટિક મલ્ચ હેઠળ જમીનમાંનું તાપમાન ખુલ્લી જમીન કરતાં સામાન્ય રીતે દિવસ દરમ્યાન ૨ ઇંચની ઊંડાઇએ પ૦ ફે. અને ૪ ઇંચની ઊંડાઇએ ૩૦ ફે. જેટલુ વધુ હોય છે.
(૨) પારદર્શક મલ્ચ ફિલ્મ :
જમીનના સૌરકરણ માટે પારદર્શક મલ્ચ ફિલ્મ વધુ ઉપયોગી છે કે જે જમીનજન્ય રોગકારકોના ચેપનું નિયંત્રણ કરે છે .પારદર્શક ફિલ્મ સૂર્યપ્રકાશને અંદર દાખલ થવા દેતી નથી અને નીંદણની વૃદ્ધિ થવા દે છે.ફિલ્મની અંદરની બાજુ નીંદણનાશકનું કોટીંગ કરવાથી નીંદણની વૃદ્ધિને અટકાવે છે.દિવસ દરમ્યાન જમીનમાંનું તાપમાન ખુલ્લી જમીન કરતાં સામાન્ય રીતે ૨ ઇંચની ઊંડાઇએ ૮૦ થી ૧૪૦ ફે. અને ૪ ઈંચની ઊંડાઇએ ૬0 થી ૯0 ફે.વધુ હોય છે.આથી પહાડી વિસ્તારોમાં શિયાળાના ઠંડા વાતાવરણની પરિસ્થિતિમાં જમીનના તાપમાનમાં વધારો કરવા માટે પારદર્શક મલ્ચ ફિલ્મ વધુ અસરકારક નીવડે છે.
(૩) ટુ–સાઇડ (બંને બાજુવાળી) કલર મલ્ચ ફિલ્મ :
પસંદગીયુકત તરંગ લંબાઇવાળી ફિલ્મ અથવા ફોટો-સીલેકટીવ ફિલ્મ એવી રીતે બનાવેલી હોય છે કે જે ચોક્કસ તરંગ લંબાઇવાળા સૂર્યના કિરણોત્સર્ગને શોષી લે છે અને તેની અસર છોડની ઘટા(છત્ર) ઉપર થાય છે. છોડની વૃદ્ધિ અને વિકાસ જેવા કે મૂળનો વિકાસ,છોડની ઊંચાઇ, છોડની શાખાઓની આંતરિક વૃદ્ધિ, ફળનું કદ અને ગુણવત્તા વગેરે ઉપર સૂર્યપ્રકાશની નોંધપાત્ર અસર થવા પામે છે.બ્લેક મલ્ચ ફિલ્મ કરતાં બાય-કલર્ડ મલ્ચ ફિલ્મ પસંદગીયુકત તરંગ લંબાઇવાળી મલ્ચ હોઇ ઓછી ગરમી પેદા કરે છે કે જેથી પાંદડાંમાં ઓછુ તાપમાન જાળવવામાં મદદ કરે છે અને વધુ અલ્ટ્રાવાયોલેટ કિરણોને પ્રતિબિંબિત કરે છે જે વાયરસનું વહન કરતા કીટકો અને જીવાતોને અટકાવે છે.
કલર મલ્ચ ફિલ્મના પ્રકાર :
(૧) યલો–બ્લેક(પીળી–કાળી) : આ પ્રકારની મલ્ચ ફિલ્મ ચોક્કસ પ્રકારના કીટકોને આકર્ષે છે અને રોગનો ફેલાવો અટકાવી ટ્રેપ તરીકે કાર્ય કરે છે.
(૨) વ્હાઇટ-બ્લેક(સફેદ-કાળી) : આ પ્રકારની મલ્ચ ફિલ્મ જમીનને ઠંડી રાખવા માટે જમીનના તાપમાનમાં ઘટાડો કરવા માટે વપરાય છે.
(૩) સિલ્વર–બ્લેક(ચળકતી–કાળી) : આ પ્રકારની મલ્ચ ફિલ્મ મોલો અને થ્રિપ્સને દૂર રાખવામાં મદદ કરે છે અને જમીનને ઠંડી રાખે છે.
(૪) રેડ–બ્લેક(લાલ–કાળી): આ પ્રકારની મલ્ચ ફિલ્મ આંશિક અર્દ્યપારદર્શક હોય છે અને કિરણોને પસાર થવા દઇ જમીનને હૂંફાળી રાખે છે પરંતુ કિરણોને પ્રતિબિંબિત કરી પરત મોકલતી હોઇ છોડના છત્રને અસર કરે છે. પરિણામે છોડનો વાનસ્પતિક વિકાસ તથા ફૂલનો વિકાસ સારો થાય છે, ફળો વહેલાં બેસે છે અને ઊંચુ ઉત્પાદન મળે છે.
(૪)ફોટો-ડીગ્રેડેબલ મલ્ચ ફિલ્મ :
આ પ્રકારની પ્લાસ્ટિક મલ્ચ ફિલ્મ સૂર્યપ્રકાશ હેઠળ તેનો મલ્ચિંગ સમય પુરો થતાં કહોવાઇ જાય છે.
(૫) બાયોડીગ્રેડબલ મલ્ચ ફિલ્મ :
આ પ્રકારની પ્લાસ્ટિક મલ્ચ ફિલ્મ કુદરતી વાતાવરણની પરિસ્થિતિમાં કહોવાઇ જાય છે અને તેનો મલ્ચિંગ સમય પુરો થતાં જમીનમાં ભળી જાય છે.
મલ્ચ ફિલ્મની પસંદગી :
મલ્ચ ફિલ્મની પસંદગી મલ્ચિંગ માટેના ચોક્કસ હેતુ ઉપર આધાર રાખે છે જેવાકે ફળપાકનો પ્રકાર,નીંદણ નિયંત્રણ,જમીનમાંંના તાપમાનમાં વધારો અથવા ઘટાડો કરવો,જમીનમાંના ભેજનું સરંક્ષણ, છોડમાં થતા રોગોનું નિયંત્રણ, છોડના વૃદ્રિ અને વિકાસમાં વધારો,ઉત્પાદનમાં વધારો,પેદાશની ગુણવત્તામાં વધારો વગેરે.ફિલ્મની પસંદગી કરતી વખતે તેની જાડાઇ ધ્યાનમાં રાખવી જોઇએ.ફિલ્મની પહોળાઇ એવી હોવી જોઇએ કે જેથી પાકમાં કરવામાં આવતા ખેતી કાર્યો સહેલાઇથી કરી શકાય.સામાન્ય રીતે ૯૦ થી ૧૨૦ સે.મી પહોળાઇ ધરાવતી મલ્ચ ફિલ્મ બજારમાં સહેલાઇથી ઉપલબ્ધ હોય છે. ફળપાકોમાં મલ્ચ ફિલ્મની પહોળાઇ મુજબ તેનો વધુ અસરકારક અને આર્થિક રીતે ઉપયોગ કરવો જોઇએ. વિવિધ ફળપાકોમાં મલ્ચ ફિલ્મનો ઉપયોગ તેની જાડાઇ પ્રમાણે કરવામાં આવે છે. મલ્ચ ફિલ્મની જાડાઇનો આધાર ફળપાકનો પ્રકાર અને તેની ઉંમર ઉપર આધાર રાખે છે.ફિલ્મની જાડાઇ તેની આવરદા અને મજબૂતાઇ મુજબ રાખવી જોઇએ.વિવિધ ફળપાકો માટે ભલામણ કરેલ જાડાઇ અને કેટલી સપાટી કવર થાય તેની માહિતી કોઠા-૧ માં અને મલ્ચ ફિલ્મની જરૂરિયાતની ગણતરી કોઠા-૨ માં દર્શાવેલ છે.
કોઠો–૧ : વિવિધ ફળપાકોમાં ભલામણ કરેલ જાડાઈવાળી ફિલ્મ અને સપાટીનું કવરેજ
જાડાઇ (માઇક્રોન) | કવરેજ(ટકા) | ભલામણ કરેલ ફળપાકો |
૨૦-૨૫ | ૩૦-૫૦ | સ્ટ્રોબેરી |
૪૦-૫૦ | ૪૦-૬૦ | પપૈયા,પાઇનેપલ,ફળપાકોની શરૂઆતનો સમય(પાંચ વર્ષ સુધી) |
૧૦૦ | ૫૦-૭૦ | ફળપાકો(પાંચ વર્ષથી વધુ સમયના) |
કોઠો–૨ મલ્ચ ફિલ્મની જરૂરિયાતની અંદાજીત ગણતરી
માઇક્રોન | જાડાઇ ગેજ | મિલિ મીટર | આવરિત વિસ્તાર (ચો.મી./કિ.ગ્રા.) |
૨૦ | ૮૦ | ૦.૦૨ | ૫૪ |
૨૫ | ૧૦૦ | ૦.૦૨૫ | ૪૨ |
૪૦ | ૧૬૦ | ૦.૦૪ | ૨૬ |
૫૦ | ૨૦૦ | ૦.૦૫ | ૨૧ |
૧૦૦ | ૪૦૦ | ૦.૧૦ | ૧૧ |
ફળપાકોમાં મલ્ચ ફિલ્મનો ઉપયોગ :
- છોડના ઘેરાવા મુજબ મલ્ચિંગ વિસ્તાર પસંદ કરવો હિતાવહ છે.
- મુખ્ય મલ્ચ રોલમાંથી જરૂરિયાત મુજબના માપની મલ્ચ ફિલ્મ કાપવી. ફિલ્મની લંબાઇ અને પહોળાઇ બંને સરખી હોવી જોઇએ.
- કાતરની મદદ વડે ફિલ્મને યોગ્ય રીતે કાપવી (એકબાજુની મધ્યથી ફિલ્મના કેન્દ્ર સુધી).
- કેન્દ્રમાં સ્ટારના આકારે કાપ મૂકવો કે જેથી છોડના થડનો ભાગ ચુસ્ત રીતે કવર થાય.ફિલ્મને ખેતરમાં જ કાપવી અથવા સ્વચ્છ વિસ્તારોમાં કાપી પછી ખેતરમાં લઇ જવી.
- છોડની આજુબાજુ મલ્ચ ફિલ્મ મૂકતા પહેલાં જે તે વિસ્તારમાંના પત્થર,કચરૂ,નીંદણ વગેરે દૂર કરવા.
- મલ્ચ ફિલ્મ પાથરતા પહેલાં થોડા જથ્થામાં પાણી આપવું જોઇએ.
- મલ્ચિંગ વિસ્તારની આજુબાજુ નાની ખાઇ બનાવવી જોઇએ.
- વૃક્ષની આજુબાજુનો વિસ્તાર ફિલ્મથી આવરિત કરવો અને તેનો છેડો જમીનમાં દાટી દેવો જોઇએ.
- પાણીના હલનચલનની સરળતા માટે ફિલ્મની ચાર છેડાની ધારો ઉપર ગોળાકાર કાણાં પાડવાં જોઇએ.
- પવનની દિશાની સમકક્ષ તરડ(ચીરો)રહે તેમ ફિલ્મ રાખવી જોઇએ.
- ફિલ્મના છેડા ચારે બાજુએ ૪ થી ૬ ઈંચ જમીનમાં દબાવી દેવા જેથી ફિલ્મ સારી સ્થિતિમાં રહી શકે.
- કાપેલા ભાગથી ફિલ્મ ખોલી વૃક્ષ/છોડને કાપેલા ભાગની વચ્ચે રાખી વિસ્તારને આવરિત કરવો.
- ફિલ્મનો કાપેલો ભાગ ૬ ઇંચ સુધી ઓવરલેપ કરવો અને તે ભાગને પ્લાસ્ટિક ટેપ અથવા મેટલ હૂકથી સીલ કરવો.
- પવનની દિશાની સમકક્ષ ફિલ્મને ખોલવાની સ્થિતિમાં રાખવી.
મલ્ચ ફિલ્મને પાથરતી વખતે રાખવાની સાવચેતી :
- મલ્ચ ફિલ્મને વધુ સખત રીતે ખેંચીને લગાવવી જોઇએ નહિ.
- તાપમાનને કારણે ફુલવા કે સંકોચાવાની સ્થિતિ પેદા થાય તેને નાથવા તથા ખેતીકાર્યો માટે ફિલ્મ થોડી ઢીલી રાખવી જોઇએ.
- મલ્ચ ફિલ્મ પાથરતા પહેલાં નીંદામણ તથા ખાતર આપવાનુું કાર્ય પૂર્ણ કરી દેવું જોઇએ.
વપરાયેલ મલ્ચ ફિલ્મને દૂર કરવી :
નોન ડીગ્રેડેબલ મલ્ચ ફિલ્મ કહોવાઇને જમીનમાં ભળતી નથી તેથી વપરાયેલ મલ્ચ ફિલ્મને દૂર કરી તેનો યોગ્ય રીતે નિકાલ કરવો જોઇએ કે જેથી વાતાવરણીય પ્રદૂષણના પશ્નો ઉદ્ભવે નહિ.
પ્લાસ્ટિક મલ્ચિંગના ઉપયોગ ધ્વારા ફળપાકોના ઉત્પાદનમાં વધારો :
પંતનગર ખાતે આવેલ પ્રીસિઝન ફાર્મિંગ ડેવલપમેન્ટ સેન્ટર તથા ભારતમાં વિવિધ ખેત હવામાન વિભાગોમાં આવેલ અન્ય કેન્દ્રો ખાતે થયેલ અભ્યાસોમાં પ્લાસ્ટિક મલ્ચિંગના ઉપયોગથી ફળપાકોમાં ૨૫ થી ૫૦ ટકા જેટલું ઉત્પાદન વધારે મળેલ હતું જેની વિગત કોઠો-૩ માં દર્શાવેલ છે.
કોઠો-૩ : પ્લાસ્ટિક મલ્ચિંગના ઉપયોગથી ફળપાકોના ઉત્પાદનમાં થયેલ વધારો
ક્રમ | ફળપાક | મલ્ચ ફિલ્મની જાડાઇ (માઇક્રોન) | ઉત્પાદનમાં વધારો (ટકા) |
૧ | આંબો | ૧૦૦ | ૩૦-૩૫ |
૨ | જામફળ | ૧૦૦ | ૨૫-૩૦ |
૩ | સફરજન | ૧૦૦ | ૩૦-૩૫ |
૪ | જરદાલુ | ૧૦૦ | ૩૦-૩૫ |
૫ | પીચ | ૧૦૦ | ૩૦-૩૫ |
૬ | કિન્નુ | ૧૦૦ | ૨૫-૩૫ |
૭ | દાડમ | ૧૦૦ | ૩૫-૪૦ |
૮ | સ્ટ્રોબેરી | ૨૫ | ૪૦-૫૦ |
૯ | પપૈયા | ૫૦ | ૩૫-૪૦ |
૧૦ | પાઇનેપલ | ૫૦ | ૨૫-૩૦ |
પ્લાસ્ટિક મલ્ચ ફિલ્મની મર્યાદાઓ :
(૧) ઓર્ગેનિક મલ્ચની સરખામણીએ વેપારી ધોરણે ઉત્પાદન કરવામાં આવતું હોઇ પ્લાસ્ટિક મલ્ચ ખર્ચાળ છે.
(૨) જો કાળુ પ્લાસ્ટિક મલ્ચ તરીકે વાપરવામાં આવેલ હોય તો ફેરરોપણી કરેલ ધરૂ અથવા નાજૂક કુમળા છોડ ઉપર દિવસે ઊંચુ તાપમાન હોય તો સૂકારાની અસર જોવા મળે છે.
(૩) ખાતર પૂંકીને આપવાનું અશકય બને છે.
(૪) પ્લાસ્ટિક મલ્ચ વાતાવરણમાં પ્રદૂષણ પેદા કરે છે.
(૫) મશીનરી ચલાવવામાં મુશ્કેલી રહે છે.
(૬) પાતળી પ્લાસ્ટિક ફિલ્મનું ટકાઉપણું ઘણું ઓછું (એક મોસમ કરતાં વધુ નહિ) હોય છે.
(૭) પાતળી ફિલ્મમાં નીંદણનો ફેલાવો થવાની શકયતા રહે છે.
(૮) મોસમ પુરી થયા બાદ દૂર કરવા માટેનો પશ્ન ઊભો થાય છે.
સંદર્ભઃઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ-જાન્યુઆરી ૨૦૨૧
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in