ભારતમાં પરંપરાગત રીતે છૂટાં ફૂલો (લૂઝ ફલાવર્સ), ખુલ્લા ખેતરોમાં કટ ફલાવર્સ અને સંરક્ષિત ખતી હેઠળ ફૂલોનો ઉછેર કરવામાં આવે છે જે તેની આગવી લાક્ષણિકતા છે. ફૂલોના વેપારમાં સૂકા ફૂલોના ઉદ્યોગમાં પણ ભારતનો નોંધપાત્ર ફાળો છે. ફૂલ ક્ષેત્રના વિકાસમાં આ ઉપરાંત કૂંડાના છોડ, બાગ-બગીચાના છોડ, વૃક્ષો, પામ, લોન તેમજ બિયારણ અને રોપા વગેરેનો સમાવેશ થાય છે. પરંરાગત રીતે ભારતમાં નાના અને સીમાંત ખેડૂતો મુખ્યત્વે છૂટાં ફૂલોની ખેતી કરે છે જેના દ્વારા મેળવાતાં ફૂલોનો ઉપયોગ મુખ્યત્વે પૂજા, ફૂલહાર અને સુશોભન માટે થાય છે. ભારતમાં વૈશ્વિકરણની અસરને કારણે ઉદારીકરણ અપનાવાતાં ફૂલોની સંરક્ષિત ખેતીનો અવકાશ સને ૧૯૯૦ થી વધવા પામ્યો છે.
ભારતમાં ફૂલોની ખેતીનો વિકાસ :
ભારતીય સંસ્કૃતિમાં ફૂલો એક મહત્ત્વનું અંગ છે. સમગ્ર ભારતમાં દરેક સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પૂજા અને સુશોભન માટે ફૂલોનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. સને ૧૯૮૦ સુધી ફૂલોની ખેતી ઘરઉપયોગ માટે થતી હતી. સને ૧૯૮૦ બાદ ઉદારીકરણનો યુગ શરૂ થતાં બિયારણ અંગેની નીતિ અને ભારતીય અર્થકરણમાં ફેરફાર થતાં વેપારી ધોરણે ફૂલોની ખેતીની શરૂઆત થઈ. છઠ્ઠી પંચવર્ષિય યોજનામાં વેપારી ધોરણે ફૂલોની ખેતી હેઠળનો વિસ્તાર નહિવત હતો. સાતમી પંચવર્ષિય યોજના મુજબ વેપારી ફૂલોની ખેતીનો વિસ્તાર અંદાજે ૪૦,૦૦૦ હેકટર હતો જે આઠમી પંચવર્ષિય યોજનામાં વધીને ૭૧,૦૦૦ હેકટરે પહોંચેલ જેની વિગત કોઠા-૧માં દર્શાવેલ છે.
કોઠો–૧ : ભારતમાં છૂટાં ફૂલોનો વિસ્તાર અને ઉત્પાદન (વર્ષ ૧૯૯ર–ર૦૧૭)
સમય | વિસ્તાર (હેકટર) | ઉત્પાદન (ટનમાં) |
૧૯૯૨-૧૯૯૭ | ૭૧,૦૦૦ | ૩,૬૬,૦૦૦ |
૧૯૯૭-૨૦૦૨ | ૧,૦૬,૦૦૦ | ૫,૩૫,૦૦૦ |
૨૦૦૨-૨૦૦૭ | ૧,૨૯,૦૦૦ | ૬,૫૪,૦૦૦ |
૨૦૦૭-૨૦૧૨ | ૧,૯૧,૦૦૦ | ૧૦,૩૧,૦૦૦ |
૨૦૧૨-૨૦૧૭* | ૩,૦૧,૦૦૦ | ૧૬,૯૯,૦૦૦ |
*૨૦૧૬-૧૭ સુધી |
સંશોધનને કારણે ફૂલોની તાંત્રિકતાઓનો વિકાસ, સરકારની પ્રોત્સાહિક નીતિ, ઉદ્યોગસાહસિકોની સક્રિય ભાગીદારી અને ખેડૂતોનો ખેતીમાં રસ વગેરે કારણોસર ફૂલોની ખેતીનો વિસ્તાર અને ઉત્પાદનમાં વધારો થવા પામેલ છે. ચીન પછી ભારત દેશ ફૂલોની ખેતીમાં બીજા ક્રમે પહોંચેલ છે. ભારત આશરે ૩,૪ર,૦૦૦ હેકટર વિસ્તારમાંથી વર્ષે ૧૭,૬૦,૦૦૦ મેટ્રિક ટન છૂટાં ફૂલો અને ૭,૬૯,૦૦૦ મેટ્રિક ટન કટ ફલાવર્સનું ઉત્પાદન કરે છે. આઠમી અને દશમી પંચવર્ષિય યોજના દરમ્યાન છૂટાં ફૂલોના ઉત્પાદનમાં ર.૮૧ ગણો એટલે કે ત્રણ ગણો વધારો થયો છે. આજ સમય દરમ્યાન તેના વિસ્તારમાં ર.૬૯ ગણો વધારો થયો છે. ફૂલોના વેપારમાં વાર્ષિક ૭ થી ૮ ટકાના દરે વૃદ્ધિ જોવા મળી છે.
પરંપરાગત ફૂલોની ખેતી :
પરંપરાગત રીતે ફૂલોની ખેતીનો વિસ્તાર સને ર૦૧૬-૧૭ દરમ્યાન ૩,૦૬,ર૮૦ હેકટર હતો જેમાંથી ૧૬,૯૯,૪ર૦ ટન છૂટાં ફૂલો અને ૬,૯ર,૮૪૦ ટન કટફલાવર્સનું ઉત્પાદન મળેલ. તામિલનાડુ છૂટાં ફૂલોના ઉત્પાદનમાં ૪,૧૬,પપ૭ ટન ઉત્પાદન સાથે મોખરે છે ત્યારબાદ આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો ક્રમ આવે છે જેની માહિતી કોઠા-ર માં દર્શાવેલ છે.
કોઠો-રઃ ભારતમાં પરંપરાગત રીતે ઉગાડાતાં ફૂલોનો રાજ્યદીઠ વિસ્તાર અને ઉત્પાદન
(વર્ષ ર૦૧૬-૧૭)
રાજ્ય/કેન્દ્ર શાસિત વિસ્તાર | વિસ્તાર (હજાર હેકટરમાં) |
ઉત્પાદન | |
છૂટાં ફૂલો (હજાર ટનમાં) |
કટ ફલાવર્સ (હજાર ટનમાં) | ||
આંધ્રપ્રદેશ | ૧૯.૦૩ | ૨૬૯.૫૩ | ૦.૦૦ |
અરૂણાચલ પ્રદેશ | ૦.૦૨ | ૦.૦૧ | ૦.૦૭ |
આસામ | ૫.૦૩ | ૩૩.૭૬ | ૫૫.૬૦ |
બિહાર | ૦.૬૬ | ૭.૯૬ | ૦.૦૦ |
છત્તીસગઢ | ૧૧.૯૨ | ૪૮.૩૮ | ૯૩.૫૪ |
ગુજરાત | ૨૦.૬૪ | ૧૯૫.૯૮ | ૦.૦૦ |
હરિયાણા | ૫.૫૧ | ૫૬.૨૩ | ૩.૫૧ |
હિમાચલ પ્રદેશ | ૦.૭૧ | ૧૭.૯૫ | ૯.૫૫ |
જમ્મુ અને કાશ્મીર | ૪૯.૫૮ | ૨૯.૭૦ | ૦.૩૯ |
ઝારખંડ | ૧.૦૫ | ૧૩.૩૩ | ૨૯.૬૭ |
કર્ણાટક | ૫૨.૩૭ | ૨૩૮.૭૩ | ૬૨.૩૧ |
કેરાલા | ૧૬.૦૫ | ૦.૦૩ | ૦.૭૫ |
મધ્ય પ્રદેશ | ૧૭.૬૭ | ૧૪૬.૭૬ | ૪૭.૨૬ |
મહારાષ્ટ્ર | ૬.૭૮ | ૩૫.૭૮ | ૪૦.૯૨ |
મણિપુર | ૦.૦૮ | ૦.૦૫ | ૦.૨૪ |
મેઘાલય | ૦.૦૧ | ૦.૦૦ | ૦.૩૩ |
મિઝોરામ | ૦.૨૦ | ૦.૪૬ | ૦.૦૦ |
નાગાલેન્ડ | ૦.૦૫ | ૦.૦૨ | ૬.૧૮ |
ઓરિસ્સા | ૬.૫૭ | ૨૪.૮૨ | ૪૮.૧૬ |
પંજાબ | ૨.૦૫ | ૧૨.૮૨ | ૦.૦૦ |
રાજસ્થાન | ૨.૭૧ | ૪.૦૩ | ૦.૦૦ |
સિક્કિમ | ૦.૨૪ | ૧૬.૫૦ | ૦.૦૯ |
તામિલનાડું | ૩૨.૩૭ | ૪૧૬.૫૬ | ૭.૪૦ |
તેલંગણા | ૨.૯૫ | ૧૦.૦૬ | ૯.૦૦ |
ત્રિપુરા | ૦.૦૦ | ૦.૦૦ | ૦.૦૦ |
ઉત્તરપ્રદેશ | ૨૧.૦૦ | ૪૫.૯૭ | ૬૪.૧૬ |
ઉત્તરાખંડ | ૧.૪૦ | ૨.૦૭ | ૧૨.૧૦ |
પશ્ચિમ બંગાળ | ૨૬.૦૪ | ૭૧.૨૭ | ૨૦૧.૫૭ |
અન્ય | ૩.૫૯ | ૦.૬૮ | ૦.૦૧ |
છૂટાં ફૂલોના ઉત્પાદન કેન્દ્રો :
ભારતના વિવિધ ભાગોમાં વિશાળ પ્રમાણમા ગુલાબ, ક્રિસેન્થીમમ, હજાર, લીલી, મોગરો, ક્રોસેન્દ્રા, બારલેરીયા વગેરે છૂટાં ફૂલોનું ઉત્પાદન થાય છે. મુખ્ય છૂટા ફૂલોના ઉત્પાદન અને ભાવની વિગત તેના કેન્દ્રો સાથે કોઠા-૩માં દર્શાવેલ છે.
કોઠો–૩ : છૂટાં ફૂલોની ખેતીના મુખ્ય ઉત્પાદન કરતા રાજ્યો, તેનું ઉત્પાદન અને ભાવ
ક્રમ | મુખ્ય છૂટાં ફૂલો | ઉત્પાદન કરતાં મુખ્ય રાજ્યો | ઉત્પાદન (ટનમાં) | ભાવ (રૂ./કિ.ગ્રા.) |
૧ | ગુલાબ | કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, બિહાર, જારખંડ | ૯૧,૦૦૦ | ૩૦-૧પ૦ |
ર | ક્રીસેન્થીમમ | તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, કેરાલા, ઓરિસ્સા, મહારાષ્ટ્ર | ૧૦,૬૦૦ | ૩૦-૧પ૦ |
૩ | મેરીગોલ્ડ | ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર | ૪,૯૭,૦૦૦ | ર૦-૧૦૦ |
૪ | ટ્યુબરોઝ | તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર | ૪ર,૦૦૦ | ૩૦-૧પ૦ |
પ | જાસ્મિન | તામિલનડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરાલા, મહારાષ્ટ્ર | પ૬,૦૦૦ | ર૦-રપ૦૦ |
૬ | કોસેન્દ્રા | તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરાલા | – | પ૦-પ૦૦ |
૭ | ક્રીસેન્થીમમ (વાર્ષિક) | આંધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક | – | ૩૦-૧પ૦ |
૮ | ચાયના એસ્ટર | કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગણા | – | રપ-૧૦૦ |
૯ | બારબેરિયા | તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરાલા | – | ૩૦-૧૦૦ |
૧૦ | ગેલાર્ડિયા | મહારાષ્ટ્ર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, જારખંડ | – | ૩૦-૧પ૦ |
૧૧ | સ્પાયડર લીલી | મહારાષ્ટ્ર, ગુજરાત, છત્તીસગઢ, જારખંડ | – | ર૦-પ૦ (બંડલના) |
આ મુખ્ય છૂટા ફૂલો ઉપરાંત કમળ, વૉટર લીલી, કાલોટ્રોપિસ, હેલીક્રીઝમ, નેરિયમ, હિબિસ્કસ, મિચેલિયા, ટરબેરનીમોન્ટાના વગેરેનું પણ ઉત્પાદન થાય છે.
કટફલાવર્સ :
સને ર૦ર૦ના અંતિમ સમયમાં વિશ્વમાં ફૂલોનો વપરાશ ૧ર૦ થી ૧૬૦ અબજ (બિલિયન) ડૉલર એ પહોંચે તેવો અંદાજ છે. ફૂલોના વિશ્વ વ્યાપારમાં ૬૦ ટકા ફાળો કટફલાવર્સનો અને અન્ય ૪૦ ટકામાં જીવંત છોડ, કટ ફોલેએજ, સૂકા ફૂલો વગેરેનો સમાવેશ થાય છે. એશિયા ખંડમાં ફૂલોનો વપરાશ કરતા મુખ્ય દેશોનો સમાવેશ થતો હોઈ ફૂલોના નિકાસ વેપારમાં ભારત દેશ માટે સારી એવી વિશાળ તકો રહેલી છે. યુરોપિયન દેશોમાં શિયાળો તીવ્ર ઠંડો હોઈ ભારત દેશ માટે એક ફાયદાકારક બાબત છે કારણ કે બેંગ્લુરૂ, પુના, હૈદ્રાબાદ, નાસિક, ઉત્તર પૂર્વના વિસ્તારોમાં આખા વર્ષ દરમ્યાન મધ્યમ હવામાન રહે છે જે ઓર્કિડઝ અને એન્થુરિયમ માટે વધુ અનુકૂળ છે.
ભારતમાં આશરે ૯૮.પ ટકા ફૂલોની ખેતી ખુલ્લા ખેતરોમાં જ્યારે ફક્ત ૧.પ ટકા ફૂલોની ખેતી ગ્રીનહાઉસમાં થાય છે. દેશમાં હાઈટેક ફલોરીકલ્ચર ઉદ્યોગનો વિકાસ થતો જાય છે. સને ૧૯૯૦ બાદ કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા ફૂલોની ખેતીની શરૂઆત થયેલ છે. નેધરલેન્ડ, ફ્રાન્સ કે ઈઝરાયલ દ્વારા અપનાવાતી તાંત્રિકતાઓનો ઉપયોગ ફલોરીકલ્ચર પ્રોજેકટમાં કરવામાં આવ્યો છે. વિશ્વમાં ફૂલોના વેપારમાં ૬૦ ટકા ફાળો નેધરલેન્ડ, ૧૦ ટકા ફાળો કેન્યા, પ ટકા ફાળો કોલંબિયા અને ર ટકા ફાળો ઈઝરાયલનો જ્યારે ભારતનો ફાળો તની સરખામણીએ ફક્ત ૦.૪ ટકા છે.
કટ ફલાવર્સના ઉત્પાદનમાં ર,૦૧,૫૭૦ મે. ટન ઉપાદન સાથે પશ્ચિમ બંગાળ પ્રથમ ક્રમે ત્યારબાદ ૯૩,પ૪૦ મે. ટન ઉત્પાદન સાથે છત્તીસગઢ બીજા ક્રમે છે. ત્યારબાદ કટફલાવર્સના ઉત્પાદન કરતાં રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, કર્ણાટક, ઓરિસ્સા અને મહારાષ્ટ્ર વગેરેનો સમાવેશ થાય છે.
મુખ્ય કટફલાવર્સના ઉત્પાદન કેન્દ્રો :
ભારતમાં ઘરવપરાશ અને નિકાસ હેતુથી ગુલાબ, કાર્નેશન, ક્રીસેન્થીમમ, જર્બેરા, ઓર્કિડસ, એન્થુરિયમ્સ, લિલિયમ, બર્ડ ઓફ પેરેડાઈઝ, લિમોનિયમ અને લિસિએન્થસ વગેરે મુખ્ય કટફલાવર્સનું ઉત્પાદન કરવામાં આવે છે. ભારતમાં કટફલાવર્સના મુખ્ય ઉત્પાદન કેન્દ્રો, તેનું ઉત્પાદન અને ભાવની વિગત કોઠા ૪માં દર્શાવેલ છે.
કોઠો-૪ : ભારતમાં કટફલાવર્સની ખેતીના મુખ્ય ઉત્પાદન કેન્દ્રો, ઉત્પાદન અને ભાવ
ક્રમ | ફૂલપાક | મુખ્ય ઉત્પાદન કેન્દ્રો | ઉત્પાદન (ટનમાં) | ભાવ (રૂ./દાંડી) |
૧ | ગુલાબ | બેંગલુરૂ, પુના, નાસિક, દહેરાદુન, કોલકત્તા | ૧,ર૦,૦૦૦ | પ-પ૦ (વેલેન્ટાઈન દિવસ/શિક્ષકદિન) |
ર | કાર્નેશન | સાંગલી, સતારા, બેંગલુરૂ, ઊટી, કુલુ, સિમલા, સોલન | પ,૦૦૦ | પ-૧૦ |
૩ | ક્રીસેન્થીમમ | બેંગલુરૂ, દહેરાદુન, પુના | ૬,૦૦૦ | પ-૩૦ |
૪ | ગ્લેડિયોલસ | હરિયાણા, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, પંજાબ | પ૪,૦૦૦ | ર-પ |
પ | જર્બેરા | સાંગલી, સતારા, ઉત્તર કર્ણાટકા, પુના, બેંગલુરૂ, હોસુર | ર૧,૦૦૦ | ર-પ |
૬ | ઓર્કિડઝ | ત્રિવેન્દ્રમ, ચેન્નાઈ, મેંગ્લોર, ગોહત્તી, ગંગટોક | પ,૦૦૦ | ર૦-૧૦૦ |
૭ | ટયુબરોઝ | આંધ્રપ્રદેશ, કર્ણાટકા, તામિલનાડુ, મહારાષ્ટ્ર, તેલંગણા, પશ્ચિમ બંગાળ | પ,૦૦૦ | ૧-પ |
૮ | એન્થુરિયમ | કૂર્ગ, કેરાલા, બેંગલુરૂ, મેંગ્લોર, ઐઝોલ, ધિમાપુર, શિલોંગ | ર,૦૦૦ | ૧૦-૩૦ |
૯ | લિલિયમ | ઊટી, ભીમાતલ, કુલુ | – | ૩૦-પ૦ |
૧૦ | બર્ડ ઓફ પેરેડાઈઝ | બેંગલુરૂ | – | ર૦-૧૦૦ |
૧૧ | લાઈમોનિયમ અને લિસિએન્થસ | ઊટી | – | પ-૧પ |
આ કટફલાવર્સ ઉપરાંત કેરાલા, કર્ણાટક અને મહારાષ્ટ્ર રાજયમાં મર્યાદિત જથ્થામાં ઘરવપરાશના હેતુથી હેલિકોનિયા, રેડ જીંજર, ઓર્નામેન્ટલ બનાના વગેરે ખાસ પ્રકારના કટફલાવરનું ઉત્પાદન કરવામાં આવે છે. ઉત્તરના મેદાનો, હિમાચલ પ્રદેશની ટેકરીઓ અને ઉત્તરાખંડમાં વાર્ષિક ફૂલો તરીકે વપરાતા કેલેન્ડયુલા, સ્ટોક, ડાયેન્થસ, ગઝેનિયા, એન્ટિરહિનમ, ડેલ્ફિનિયમ, વગેરે કટફલાવર્સનું ઉત્પાદન કરવામાં આવે છે. પુના, કોલ્હાપુર, નાસિક, હોસુર, બેંગલુરૂ વગેરે વિસ્તારોમાં થતા ગુલાબનો ભારતમાંથી થતા ફૂલોની નિકાસમાં મુખ્ય ફાળો છે.
ભારતમાં ફૂલોના બજારનું નેટવર્ક :
ભારતમાં આવેલ મુખ્ય શહેરોના અસંગઠિત બજારોમાં છૂટાં ફૂલો અને કટ ફલાવર્સનો વેપાર થાય છે જેની વિગત કોઠા પ માં દર્શાવેલ છે.
કોઠો-૫ : ભારતમાં ફૂલપાકોના મુખ્ય બજારો અને તેનો ફાળો
ક્રમાંક | બજાર સ્થળ | બજારને આવરી લેતા રાજ્યો | બજારમાં ફાળો (ટકા) |
૧ | દિલ્હી | હરિયાણા, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ | રપ |
ર | મુંબઈ | મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, દમણ અને દીવ | ૧૦ |
૩ | બેંગલુરૂ | કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા, કેરાલા | ૧૦ |
૪ | ચેન્નાઈ | તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરાલા | ૧૦ |
પ | કોલકત્તા | પશ્ચિમ બંગાળ, મિઝોરામ, મેઘાલય, સિક્કિમ, ઓરિસ્સા | રપ |
નોંધ : અન્ય બજારોનો ફાળો ર૦ ટકા જેટલો છે. |
ભારતમાં કુલ ફૂલોના વ્યાપારમાં નવી દિલ્હીની ગાઝીપુર મંડી ફૂલોના બજારનો રપ ટકા હિસ્સો ધરાવે છે. ગાઝીપુર બજાર ખેડૂતો અને વેપારીઓને પુરતી આંતરમાળખાકીય સુવિધા પૂરી પાડે છે. ઉત્તરના રાજ્યો અને ટેકરીઓ ઉપર પેદા થતાં ફૂલોના વેપાર આ બજારમાં થાય છે. ભારતના પશ્ચિમ અને દક્ષિણના વિસ્તારોમાંથી મોટા જથ્થામાં વપરાશકારો માટે ફૂલો દિલ્હીના બજારમાં પહોંચાડવામાં આવે છે. પશ્ચિમ ભારતમાં મુંબઈમાં આવેલ દાદર ખાતેનું ફૂલ બજાર બીજુ મહત્ત્વનું બજાર છે. જો કે ત્યાં મર્યાદિત આંતરમાળખાકીય સુવિધા ઉપલબ્ધ છે. બજાર સવારે ૩-૦૦ થી ૭-૩૦ના સમય દરમ્યાન ખૂલે છે. બેંગલુરૂ ફૂલ બજાર કે.આર. માર્કેટ સ્થળે આવેલ છે જયાં મોટે ભાગે પરંપરાગત રીતે ઉછેરાતા છૂટાં ફૂલોનો વ્યાપાર થાય છે. બેંગલુરૂ ખાતે કટફલાવર્સ, ફિલર્સ અને અન્ય ફૂલોનું ફલાવર ઓક્શન સેન્ટર (ઈન્ટરનેશનલ ફ્લાવર ઓકશન બેંગ્લોર લિમિટેડ, હેબ્બલ) આવેલ છે. આ બજાર નેધરલેન્ડના આલસમીર ખાતે આવેલ ઈન્ટરનેશનલ ફલાવર ઓકશન સેન્ટરની તરાહ પર ચાલે છે. ચેન્નાઈ ખાતે આવેલ ફૂલબજાર શહેરના કામરાજ ફલાવર માર્કેટ, જયોર્જ ટાઉન અને પેરી કોર્નર ફલવાર માર્કેટ સ્થળે આવેલ છે. કોલકત્તાના માલિક ઘાટ ખાતે આવેલ ફૂલબજાર દિલ્હી જેટલું મોટું બજાર છે જયાં કદની દૃષ્ટિએ ફૂલોનો વેપાર થાય છે. ગુજરાત જેવા રાજયોમાં પણ ફૂલબજારોની શરૂઆત થઈ છે. કુલ ફૂલ વ્યાપારના ર૦ ટકા વ્યાપાર પૂના, નાસિક, કોચી, મદુરાઈ, વારાણસી, ઈન્દોર, ઉજ્જૈન વગેરે બીજા અને ત્રીજા ગ્રેડના શહેરોમાં થાય છે. છૂટાં ફૂલો પ૦ થી ર૦૦ કિ.મી. સુધી વાહનો દ્વારા બજારમાં પહોંચતા કરવામાં આવે છે જ્યારે કટ ફલાવર્સ ૩૦૦ કિ.મી. દૂર સુધીના અંતરે બજારમાં પહોંચાડાય છે. છૂટાં ફૂલોની જીવનમર્યાદા ઘણી ઓછી હોઈ તે ૬ થી ૮ કલાકમાં જ્યારે કટફલાવર્સ ર૪ થી ર૮ કલાકમાં વપરાશકારો સુધી પહોંચાડવામાં આવે છે.
(ક) છૂટાં ફૂલો :
છૂટાં ફૂલો માટેની બજારની લાક્ષણિક સાંકળમાં ફૂલપાકો ઉગાડનાર ખેડૂત, ફૂલો એકઠા કરનાર એજન્ટ, હોલસેલર અને રીટેઈલરનો સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશમાં રીતુ બજાર અને મહારાષ્ટ્રમાં અપના મંડી ખાતે ખેડૂતો સીધા જ ફૂલો વેચે છે. સામાન્ય રીતે એજન્ટો ખેતરના શેઢે થી ફૂલો એકત્ર કરી હોલસેલ બજારમાં વેચે છે. પૂરવઠો અને માંગ પ્રમાણે બજારના નિયમો પ્રમાણે ફૂલોનું વેચાણ થાય છે. હોલસેલર્સ દ્વારા ફૂલ વેચાણના નાણાં સમયાંતરે ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે. દક્ષિણ ભારતમાં રીલાયન્સ ફ્રેશ, મોર, હેરિટેજ, ત્રિનેત્ર, સ્પેન્સર્સ જેવી રીટેઈલ ચેઈન પણ છૂટા ફૂલો અને વેણી તથા ગજરા જેવી મૂલ્યવર્ધક બનાવટોનું વેચાણ ખેડૂતો/વેપારીઓ પાસેથી મેળવી કરે છે.
(ખ) કટફલાવર્સ :
વપરાશકાર એટલે કે ગ્રાહક સુધી કટ ફલાવર્સ પહોંચતા કરવાની લાક્ષણિક બજાર સાંકળમાં ઉત્પાદક/નિકાસકાર, ઓકશન હાઉસ (જેવાકે બેંગલુરૂ, નોઈડા), હોલસેલર, રીટેઈલ, ચેઈન્સ અને ફલોરીસ્ટનો સમાવેશ થાય છે. કટ ફલાવર્સની બજાર સાંકળ પ્રી-કૂલિંગ, કોલ્ડ સ્ટોરેજ અને રેફ્રિજરેટેડ વાહનવ્યવહાર જેવી પુરતી કાપણી પછીની પ્રક્રિયાઓ વડે સુગઠિત છે. કેટલાક રાજ્યોમાં સ્વ સહાય જૂથો અન ખેડૂત ઉત્પાદક સંધો દ્વારા ફૂલો સીધા જ હોલસેલ બજારમાં વેચવામાં આવે છે જેથી આ સાંકળ ટુંકી બને છે.
(ગ) કૂંડાના છોડ (પોટ પ્લાન્ટ્સ) :
ભારતમાં નર્સરી ઉદ્યોગ ધીમો છે પરંતુ તેનો દેશના ફૂલોના વ્યાપારમાં નોંધપાત્ર ફાળો છે. જો કે તેના વેપારની આંકડાકીય માહિતીની નોંધ કરવામાં આવતી નથી. નર્સરીઓ જાહેર અને ખાનગી એમ બંને રીતે અસ્તિત્વમાં છે. બાગાયતી પાકોની સાથે સુશોભિત કૂંડાના છોડ ઈન્ડિયન કાઉન્સીલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ (આઈસસીએઆર)ની સંશોધન સંસ્થાઓ, રાજ્યોની કૃષિ યુનિવર્સિટીઓ, રાજ્યના બાગાયત વિભાગો દ્વારા સંચાલિત નર્સરીઓ તથા દેશમાં સર્વત્ર ફેલાયેલ ખાનગી નર્સરીઓ દ્વારા વેચાણ કરવામાં આવે છે. આંધ્ર પ્રદેશમાં કડિયમ, કર્ણાટકમાં બેંગલુરૂ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં પુના અને નાસિક, તામિલનાડુમાં ઊંટી, ઉત્તર પ્રદેશમાં લખનૌ અન વારાણસી, ઉત્તરાખંડમાં દહેરાદુન, તેલંગણામાં હૈદ્રાબાદ અને પશ્ચિમ બંગાળમાં કાલિમ્પોંગ અને દાર્જિલિંગ ખાતે નર્સરીના મુખ્ય બજારો આવેલા છે.
નર્સરીઓ માટેની બજાર સાંકળમાં નર્સરી ઉછેરનાર, ગાર્ડન સેન્ટર, હોલસેલર્સ અને રીટેઈલર્સનો સમાવેશ થાય છે. ગાર્ડન સેન્ટરો માટે બગીચાની જરૂરિયાત અને ઈનપુટસ બેંગલુરૂ, પુના અને અમદાવાદના બજારો પુરી પાડે છે. સુશોભિત ફોલિએજ અને ફૂલો આપતા છોડનું હવે મોલમાં રીટેઈલ આઉટલેટ્સ મારફતે વેચાણ કરવામાં આવે છે. આવી નર્સરીઓ વિવિધ નર્સરીમેન એસોસિયેશનો મારફતે ચલાવવામાં આવે છે જેમકે ઈન્ડિયન નર્સરીમેન ઓસોસિયેશન, મહારાષ્ટ્ર નર્સરીમેન એસોસિએશન, સર આર્થર કોટન નર્સરીમેન એસોસિએશન, કડિયામ વગેરે. ધી ઈન્ડિયન નર્સરીમેન એસોસિયેશન અંદાજે ર૧૦૦ થી વધુ કાર્યરત સભ્યો ધરાવે છે.
સ્ત્રોત : ઈન્ડિયન હોર્ટિકલ્ચર, માર્ચ-એપ્રિલ, 2019
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in