બાસ્પોત્સર્જન અવરોધકો (એન્ટિટ્રાન્સપિરન્ટસ) : છોડની વૃદ્ધિ અને ટકી રહેવાની ક્ષમતામાં વધારો (Antitranspirants: Enhancing plant growth and survivability)

     પાણી એ કુદરતમાં મુખ્ય પ્રચલિત પદાર્થ છે અને કૃષિ ઉત્પાદકતા મેળવવા માટેનો મોટામાં મોટો સ્ત્રોત છે. કૃષિમાં પાણીનો મુળભૂત વપરાશ બાસ્પીભવન, શ્વસન અને ચયાપચયની પ્રક્રિયામાં થાય છે. જે છોડની રચના માટે ઉપયોગી છે. ભારત વિશ્વની વસ્તીની 18 ટકા વસ્તી અને વિશ્વની તાજા પાણીના 4 ટકા પાણી ધરાવે છે જેમાંના 80 ટકા પાણીનો ઉપયોગ ખેતીમાં થાય છે. ભારત દર વર્ષે સરેરાશ 4,000 અબજ ઘનમીટર પાણી વરસાદ ધ્વારા મેળવે છે. તેમ છતાં તેના ફક્ત 48 ટકા પાણીનો ઉપયોગ જમીનની સપાટી ઉપર અને ભૂગર્ભજળ તરીકે થાય છે. ફક્ત 2 થી 3 ટકા પાણી ચયાપચયની પ્રક્રિયામાં વપરાય છે જ્યારે 98 ટકાથી વધારે પાણી શ્વસન અને બાસ્પીભવનની ક્રિયાથી ઉડી જાય છે.

        ભારતમાં વરસાદ આધારિત ખેતીનો વિસ્તાર કુલ વાવેતર વિસ્તારના 51 ટકા જેટલો છે જેમાંથી અંદાજે 40 ટકા અન્ન ઉત્પાદન મેળવવામાં આવે છે. વરસાદ આધારિત ખેતી એ જટીલ છે ઊંચી વિવિધતા અને જોખમો ધરાવે છે. પુરતા પાણી વિના છોડ બરાબર ઉછરી શકાતા નથી જેથી સુકા અને અર્ધસૂકા વિસ્તારોમાં પાકના ઉત્પાદનમાં ઘણો મોટો ઘટાડો થાય છે કારણ કે જો છોડને પાણી પુરતા પ્રમાણમાં આપવામાં આવે તો દર કલાકે તે તેના સરખા વજનના પ્રમાણે પાણીનું બાસ્પોત્સર્જન કરે છે. પાકના વાનસ્પતિક વૃદ્ધિના સમયે જો પાણીની ખેંચ પડે તો છોડ નબળા પડતાં નાના ફળો આપે છે અથવા ફળો ખરી પડે છે. પાણીનો તણાવ છોડના પ્રજનન, ઉત્પાદકતા, કૃષિ અને જૈવવૈવિધ્યતા ઉપર ધરખમ અસર કરે છે. પાણી એ મર્યાદિત સંસાધન છે અને તેની પ્રાપ્યતાને હવામાનની પેટર્ન, હવામાન ફેરફાર અને માનવીય પ્રવૃત્તિઓની અસર કરે છે. ખેતીમાં જળ વ્યવસ્થા પદ્ધતિઓનો ઉપયોગ કરી પાણીના વપરાશની અસરકારકતામાં સુધારો કરી શકાય છે અને પાણીની અછતનું જોખમ ઘટાડી શકાય છે.   

        બાસ્પોત્સર્જન અવરોધકો એ એવા પદાર્થો છે કે જે છોડમાં બાસ્પોત્સર્જન ઘટાડીને તેમાં રહેલ પાણીના નાશને અટકાવવા માટે ઉપયોગમાં લેવાય છે. બાસ્પોત્સર્જન એ એવી પ્રક્રિયા છે કે જેમાં વાયુરંધ્રો, ક્યુટિકલ (મીણનું પડ) અને પર્ણરંધ્રો મારફતે છોડ પાણી ગુમાવે છે. છોડના વિકાસ માટે આ એક સામાન્ય અને જરૂરી પ્રક્રિયા છે પરંતુ વધારે પડતું બાસ્પોત્સર્જન પાણીનો તણાવ પેદા કરે છે જેને પરિણામે છોડની વૃદ્ધિ ઘટે છે અને છોડ મરી પણ જાય છે. આથી બાસ્પોત્સર્જન એ જરૂરી દૂષણ છે. બાસ્પોત્સર્જન અવરોધકોનો સામાન્ય રીતે ખેતી, બાગકામ અને જંગલમાં ઉપયોગ કરી છોડમાંના પાણીના તણાવ સામે રક્ષણ આપી શકાય છે. બાસ્પોત્સર્જન અવરોધકોને સામાન્ય રીતે ફોલિયર સ્પ્રે તરીકે પાંદડાં ઉપર છંટકાવ રૂપે આપવામાં આવે છે. કોઈવાર જમીન ઉપરના છોડના ભાગોને પણ તેનાથી પલાળવામાં આવે છે.

        બાસ્પોત્સર્જન અવરોધકોને તેના કાર્યના આધારે ચાર જૂથમાં વહેંચવામાં આવે છે જે અત્રે દર્શાવેલ છે :

(1) પર્ણરંધ્રને બંધ કરે તેવા (Stomatal closing type) :   

        આવા પદાર્થો અંતઃસ્ત્રાવ (હોર્મોન) અથવા અંતઃસ્ત્રાવ જેવી અસર પેદા કરી પાનમાં રહેલ રક્ષક કોષ (ગાર્ડ સેલ) પર કાર્ય કરી અંશતઃ પર્ણરંધ્રને બંધ કરે છે. તે રક્ષક કોષોના જલવિભવમાં ઘટાડો અથવા કોષરસસ્તરની અભેદ્યતામાં ફેરફાર કરી તેની તૃપ્તિ કરે છે. તે છોડની પ્રકાશસંશ્લેષણની ક્રિયાને અસર કરે છે. દા.ત. એટ્રાઝિન (ઓછી સાંદ્રતા), ફીનાઈલ મરક્યુરીક એસિટેટ (PMA), એસ્કોર્બિક એસિડ (ABA), ઉચ્ચ અંગારવાયુ (CO2), હાઈડ્રોક્સી સલ્ફોનેટ, સીલિસીલિક એસિડ, ઝેડ-3 હેક્ઝામાઈલ બુટીરેટ વગેરે.

(2) ફિલ્મ બનાવે તેવા (Film forming type) :

                આ પ્રકારના પદાર્થો પાનની સપાટી ઉપર એક પાતળી ફિલ્મ જેવું આવરણ બનાવી પાનમાંથી પાણીની બાસ્પને ઉડી જતી અટકાવે છે પણ તેઓ પાનમાંથી નીચલી બાહ્ય ત્વચા ધ્વારા અંગારવાયુને પ્રવેશવા દે છે. તેને પાન ઉપર આપતાં પર્ણરંધ્રો બંધ રહે છે. જેથી છોડમાંના પાણીનો બાસ્પોત્સર્જન ધ્વારા થતો ઘટાડો અટકે છે. પાનની સપાટી ઉપરની પાણી રોધક (વૉટર પ્રૂફ) ફિલ્મ પાનની સપાટી ઉપરથી પાણીને બાસ્પ રૂપે ઉડી જતું અટકાવે છે. પાન ઉપરની ફિલ્મ પ્લાસ્ટિક ઈમલ્સનથી બનાવાય છે જે કેટલેક અંશે પસંદગીયુક્ત અભેદ્યતા ધરાવે છે એટલે કે પાણીની વરાળ કરતાં અંગારવાયુ અને પ્રાણવાયુ માટે વધુ પારગમ્ય છે. દા.ત. સિલિકોન, લિક્વીડ પેરાફિન, સ્ટ્રેસ ગાર્ડ, વેપર ગાર્ડ, મીણ, પ્લાસ્ટિક ફિલ્મ, ઑક્ટાડેકાનોલ, હેક્ઝાડેકાનોલ વગેરે.    

(3) પરાવર્તન પ્રકાર (Reflectance type) :   

                આ સફેદ રંગનો પરાવર્તન કરે તેવા પ્રકારનો પદાર્થ છે. તે પાનની સપાટી ઉપર જલવિરાગી અવરોધ પેદા કરે છે જે બાસ્પોત્સર્જનની સપાટી ઉપરથી પાણીનો બાસ્પ રૂપે ઊડી જવાનો દર ઘટાડે છે. તે પાનનું તાપમાન ઘટાડે છે અને પાનમાંથી વાતાવરણમાં જતા બાસ્પ દબાણમાં ઘટાડો કરે છે જેથી બાસ્પોત્સર્જનમાં ઘટાડો થાય છે. પાનની ઉપરની સપાટી ઉપરથી પ્રકાશનું પરાવર્તન થતાં છોડના છત્ર ઉપર પ્રકાશનો ફેલાવો થાય છે. પરાવર્તક છોડના છત્ર ઉપર પ્રકાશની વહેંચણીમાં સુધારો કરે છે અને પ્રકાશસંશ્લેષણમાં વધારો કરી લાભકર્તા નીવડે છે. દા.ત. કેઓલિન, કેલ્શિયમ કાર્બોનેટ (Caco3), મેગ્નેશિયમ કાર્બોનેટ (Mgco3), લાઈમ વોટર, ગ્રીન મિરેકલ વગેરે.

(4) વૃદ્ધિ પ્રતિરોધક પ્રકાર (Growth retardant type) :   

        આ પ્રકારના રાસાયણિક પદાર્થો છોડના અંકુરની વૃદ્ધિમાં ઘટાડો અને મૂળની વૃદ્ધિમાં વધારો કરી શકે છે જેથી છોડ દુષ્કાળનો પ્રતિકાર કરી શકે છે. તે છોડના પાણીના સ્તરમાં સુધારો કરવા માટે ઉપયોગી છે. દા.ત. સાયકોસેલ, ફોસફોન-ડી, એલર વગેરે   

બાસ્પોત્સર્જન અવરોધકોના ફાયદાઓ :  

        બાસ્પોત્સર્જન અવરોધકો બાસ્પોત્સર્જનથી થતો ઘટાડો અટકાવે છે એટલું જ નહિ દેહધાર્મિક, વૃદ્ધિ, રોગ પ્રતિકારકતા, ગુણવત્તા, ઉત્પાદન અને ઉત્પાદન સંબંધી લક્ષણોમાં સુધારણા કરવામાં ઉપયોગી છે.

(1) પાણીની અછતવાળા વિસ્તારોમાં ઊંચી પાણીની માંગવાળા પાકો ઉગાડી શકાય છે.

(2) વરસાદની વિરલ પરિસ્થિતિમાં ઉત્પાદનનું યોગ્ય સ્તર જાળવી રાખે છે.

(3) શાકભાજીના ધરૂની હેરફેર કરી શકાય છે.   

(4) ઉનાળાના મહિનાઓમાં જ્યારે પાણીની અછત હોય ત્યારે મોટી નર્સરીઓને બચાવી શકાય છે.  

(5) કેટલાક ફળોને ફળ ઉપર પડતી ફાટ અને પ્રકાશની દાહક અસર સામે બચાવી શકાય છે.  

(6) બાસ્પોત્સર્જન અવરોધકોનો ઉપયોગ કરવાથી પાણીના તણાવની હાનિકારક અસરને અટકાવી પાકની વૃદ્ધિ જાળવી શકાય છે.

(7) જે ખેડૂતો પાસે ઓછી પિયતની સવલત છે તેઓ માટે વધુ ઉપયોગી છે.

બાસ્પોત્સર્જન અવરોધકોના આદર્શ લક્ષણો :      

        તે બિન ઝેરી, ઓછા ગતિશીલ અને પ્રકાશસંશ્લેષણના દરને નીચો લાવ્યા વિના બાસ્પોત્સર્જનને ઘટાડે તેવા હોવા જોઈએ. તે સસ્તા, સ્થિર અને લાંબા સમય સુધી ચાલે તેવા હોવા જોઈએ. તે કાયમી ધોરણે પર્ણરંધ્રની રચનાને નુક્સાન પહોંચાડે તેવા ન હોવા જોઈએ.   

બાસ્પોત્સર્જન અવરોધકોનો ઉપયોગ કરતી વખતે રાખવાની સાવધાની :  

        બાસ્પોત્સર્જન અવરોધકોનો વરસાદ બંધ થયા બાદ છંટકાવ કરવો જોઈએ. જો તેના છંટકાવના એક કલાક પછી વરસાદ આવે તો ફરીથી તેનો છંટકાવ કરવો જોઈએ. તેની અસરકારક પ્રતિક્રિયા માટે સ્પ્રે બોટલમાં સરફેક્ટન્ટ (પૃષ્ઠ સક્રિય પદાર્થ) મિશ્ર કરી આપવો જોઈએ.

અંગારવાયુ – એક કુદરતી બાસ્પોત્સર્જન અવરોધક :

        માનવીય પ્રવૃત્તિઓને કારણે અંગારવાયુના સ્તરમાં વધારો થાય છે પરિણામે હવામાન ફેરફાર ઉદભવે છે. પૃથ્વીના વાતાવરણમાં હાલમાં અંગારવાયુની સાંદ્રતા અંદાજે 412 પીપીએમ (10 લાખ ભાગમાં પ્રમાણ) છે અને તેમાં વધારો થતો જાય છે. પર્ણરંધ્રના ખુલ્લા થવા માટે અંગારવાયુની સાંદ્રતા અસર કરે છે. ઓછા અંગારવાયુની ઓછી સાંદ્રતા પર્ણરંધ્રને ખોલવા માટે પ્રેરિત કરે છે જ્યારે અંગારવાયુની વધુ સાંદ્રતા પર્ણરંધ્રને બંધ રાખવા પ્રેરિત કરે છે. કેટલાક છોડમાં પાંદડાં ઉપરની મુળભુત શ્વસન ક્રિયાને કારણે પર્ણરંધ્ર બંધ રહે છે. વાતાવરણમાં રહેલ અંગારવાયુનું ઊંચું સ્તર પાકને બે રીતે અસર પહોંચાડે છે. તે પ્રકાશસંશ્લેષણના દરમાં વધારો કરી પાકના ઉત્પાદનમાં વધારો કરે છે જે વૃદ્ધિને પ્રોત્સાહિત કરે છે અને તે બાસ્પોત્સર્જન ધ્વારા પાકમાંના પાણીના જથ્થાને ઘટાડે છે. છોડ પ્રકાશસંશ્લેષણની ક્રિયા દરમ્યાન પર્ણરંધ્ર ધ્વારા અંગારવાયુના અણુઓને શોષે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા દરમ્યાન પાણીની વપરાશની અસરકારકતામાં મોટો વધારો થવા પામે છે.  

બાગાયતમાં બાસ્પોત્સર્જન અવરોધકોનો ફાળો :     

        સામાન્ય રીતે બાસ્પોત્સર્જન અવરોધકો બાગાયતી પાકોમાં પાણીનો થતો ઘટાડો અટકાવવા અને પાણીના તણાવ સામે રક્ષણ પૂરૂ પાડવા માટે ઉપયોગમાં લેવાય છે. બાગાયતદારો નર્સરીમાં ઉત્પાદન, બાગની જાળવણી અને છોડની હેરફેર વગેરેમાં બાસ્પોત્સર્જન અવરોધકોનો વિવિધ રીતે ઉપયોગ કરે છે. નર્સરી ઉત્પાદનમાં ફેરરોપણી અને સ્થાપન સમયે રક્ષણ પૂરૂ પાડવા માટે બાસ્પોત્સર્જન અવરોધકોનો  ઉપયોગ કરવામાં આવે છે. જયારે એક સ્થળેથી બીજા સ્થળે છોડની રોપણી કરવામાં આવે છે ત્યારે શરૂઆતના સમયે મૂળને નુક્સાન અને ખલેલ પહોંચવાને કારણે પાણીનો તણાવ પેદા થાય છે તેવું ઘણીવાર અનુભવે જાણવા મળેલ છે. આમ આવા કટોકટીના સમયે બાસ્પોત્સર્જન અવરોધકો પાણીની ખોટ ઘટાડવા અને છોડને ફરીથી પાણીનો તણાવ ન થાય તે માટે મદદ કરે છે જેથી છોડ ઝડપથી સાજો થઈ અને વધુ સફળતાપૂર્વક સ્થાપિત થાય છે.  

        બાગ-બગીચાની જાળવણીમાં છોડને દુષ્કાળ અને ઊંચુ તાપમાન હોય તે સમયે થતા પાણીના તણાવ સામે બાસ્પોત્સર્જન અવરોધકો રક્ષણ પૂરૂ પાડે છે. આવા સમય દરમ્યાન છોડ પાણી શોષે તે કરતાં વધુ ઝડપથી પાણી ગુમાવે છે જેના કારણે છોડ સૂકાઈ કે મુરઝાઈ જાય છે, પાન ખરી પડે છે અને પાણીના તણાવના અન્ય લક્ષણો જોવા મળે છે. બાસ્પોત્સર્જન અવરોધકો પાનમાંના પાણીમાં થતો ઘટાડો અટકાવે છે અને છોડને નિર્જલીકરણ સામે રક્ષણ આપે છે.

        બાસ્પોત્સર્જન અવરોધકો છોડની હેરફેર દરમ્યાન છોડમાં પેદા થતા પાણીના તણાવ સામે રક્ષણ અને નિર્જલીકરણ થતું અટકાવે છે. જ્યારે છોડને એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે ત્યારે તેણે ઊંચુ તાપમાન, ઓછી સાંદ્રતા (ભેજ) અને અન્ય તનાવપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. બાસ્પોત્સર્જન અવરોધકો પાણીમાં થતો ઘટાડો અટકાવી અને હેરફેર દરમ્યાન છોડનું રક્ષણ કરીને છોડને સારી સ્થિતિમાં જે તે સ્થળે સારી રીતે પહોંચાડે છે. તેનો ઉપયોગ ક્રિસ્ટમ ટ્રી, કટફલાવર્સ, તાજી ફેરરોપણી કરેલ ઝાડીઓ અને અન્યને સાચવવા અને બચાવવા માટે થાય છે. કેટલાક સંશોધકોએ નોંધ્યું છે કે બાસ્પોત્સર્જન પદાર્થો ફક્ત પાણીનો ઘટાડો અટકાવે છે એટલું જ નહિ ઘણા ફળપાકોમાં દેહધાર્મિક ક્રિયા, રોગ પ્રતિકારકતા, ગુણવત્તા અને ઉત્પાદન વગેરે બાબતોમાં સુધારો કરે છે. આમ બાસ્પોત્સર્જન પદાર્થો તણાવને દૂર કરવામાં અને જ્યાં વરસાદ નહિવત પડે છે કે પડતો નથી તેવા વિસ્તારમાં ગુણવત્તામાં સુધારો કરવામાં મહત્વનો ફાળો આપે છે.   

કોઠો – 1 બાસ્પોત્સર્જન અવરોધકો અને તેની અસર

ક્રમ પાકનું નામ પ્રોડક્ટ બાસ્પોત્સર્જન અવરોધકનો વર્ગ બાસ્પોત્સર્જન અવરોધકની અસર
1 લીંબુ વર્ગ, કઠોળ (બીન્સ) કેઓલિન પરાવર્તિત (રીફ્લેક્ટીવ) વર્ગ રોપણીમાં લાગતો આંચકો ઘટાડે, બાયોમાસમાં
2 કેળ કેઓલિન પરાવર્તિત (રીફ્લેક્ટિવ) વર્ગ બાસ્પોત્સર્જનના દર અને પિયત પાણીના જથ્થામાં ઘટાડો, ઉત્પાદનમાં વધારો
3 દ્રાક્ષ એસ્કોર્બિક એસિડ (એબીએ) ચયાપચય (મેટાબોલિક) વર્ગ એન્થોસાયનિનમાં વધારો, રસની સુગંધમાં સુધારો
4 દાડમ કેઓલિન, કેલ્શિયમ કાર્બોનેટ પરાવર્તિત (રીફ્લેક્ટિવ) વર્ગ પ્રકાશની બળતરાથી થતા નુક્સાનમાં ઘટાડો, કુલ ઘનપદાર્થમાં વધારો
5 નાસપત્તી (પીઅર્સ) કેઓલિન પરાવર્તિત (રીફલેક્ટિવ) વર્ગ પિયત પાણી આપવામાં ઘટાડો
6 આંબો કેઓલિન પરાવર્તિત (રીફ્લેક્ટિવ) વર્ગ બાસ્પોત્સર્જનમાં હતાશા, પ્રકાશસંશ્લેષણમાં વધારો, સંબંધિત પાણીની માત્રામાં અને કલમોના અસ્તિત્વમાં વધારો     

આર્થિક પાસુ :

       બાસ્પોત્સર્જન અવરોધકોના સંશોધનમાં ખર્ચ અને ફાયદાનું પૃથક્કરણ જરૂરી છે. આ ચોક્કસ નિર્ણય લેવા માટે દુષ્કાળને સંબંધિત ઉત્પાદનમાં થતો ઘટાડો ગણતરીમાં લઈ પૂરાવા આધારિત સંચાર તથા બાસ્પોત્સર્જન અવરોધકો આપવાથી મળેલ ઉત્પાદનને પણ ગણતરીમાં લેવું જોઈએ. આર્થિક ક્ષમ્યમાત્રાની ગણતરી કરતી વખતે જમીનમાંના ભેજનો ઘટાડાથી માંડી હવામાન અને બાસ્પોત્સર્જન એવરોધક તરીકે વાપરેલ ફિલ્મની ગણતરી કરવી જોઈએ. જમીનમાંના ભેજનો ઘટાડાની ક્ષમ્યમાત્રા સંભવિત દાણાની કિંમત સાથે અને બાસ્પોત્સર્જન અવરોધકની કિંમત સાથે બદલાતી રહેશે. પરંતુ ખાસ કરીને નીચી સંભવિત દાણાની કિંમત ધ્યાને લઈ નિર્ણય કરવો જોઈએ.  

મુખ્ય અવરોધો :     

        બાસ્પોત્સર્જન અવરોધકોના અન્ય ઉપયોગ અંગેના સંશોધનમાં ખાઈ રહેલી છે જેને સંશોધન ધ્વારા પુરવી જોઈએ. બાસ્પોત્સર્જન અવરોધકોના સંશોધનમાં ખર્ચ અને ફાયદા અંગેનું પૃથક્કરણ કરવું જોઈએ. કેટલાક પાકોના છોડ ઉપર આવા રસાયણોનો છંટકાવ કરતાં પાનની સમગ્ર સપાટીને આવરિત કરવી મુશ્કેલ બને છે ત્યારે આવા રસાયણોની અસરકારકતામાં ઘટાડો થાય છે.  

સારાંશ :   

        બાસ્પોત્સર્જન અવરોધકો ઉત્પાદનમાં સુધારો, પિયતના પાણીનો બચાવ અને કેટલીક વખતે રોગ અને જીવાતના બનાવોમાં ઘટાડો કરે છે. ચયાપચય અને પરાવર્તન બાસ્પોત્સર્જન અવરોધકો વડે દેહધાર્મિક રચના પર અસર થતાં સૂકારાને દૂર રાખી શકાય તેવું વર્ણન કરવામાં આવે છે પરંતુ ખરેખર તે કઈ રીતે પ્રજનન પ્રક્રિયાને અસર કરે છે તે હજુ સુધી જાણી શકાયેલ નથી. બાસ્પોત્સર્જન અવરોધકોના વર્ગ વચ્ચે આંતર વિશિષ્ટ પ્રતિભાવ અંગેની તપાસ કરવી પણ રસદાયક છે. છોડ ઉપરના પ્રતિભાવની વિસંગતતાઓ જણાવે છે કે પ્રજાતિઓ, જીનોટાઈપ, પર્યાવરણ, રસાયણની પ્રકૃતિ અને બાસ્પોત્સર્જન અવરોધકનું પ્રમાણ વગેરે બાબતો બાસ્પોત્સર્જન અવરોધકોની અસરકારકતા ઉપર અસર કરે છે. ઓછું મૂલ્ય ધરાવતા પાકોની પદ્ધતિઓમાં બાસ્પોત્સર્જન અવરોધકોનો ઉપયોગ કરવો અતિ ખર્ચાળ છે એટલે તેના વિકલ્પ રૂપે સસ્તા બાસ્પોત્સર્જન અવરોધકો શોધવાની જરૂરિયાત છે. દુષ્કાળનું આવર્તન અને તીવ્રતા તથા પાકમાં નિષ્ફળતા ખેડૂતોને પાક ઉત્પાદન મેળવવા માટે બાસ્પોત્સર્જન અવરોધકોનો ઉપયોગ કરવા માટે ઉત્તેજન પુરૂ પાડે છે.  


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, મે 2023


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *