
નવિનીકરણ એટલે કે નવપ્રવર્તન એ ભારતના આર્થિક વિકાસ માટે જ નહિં પરંતુ દેશના સર્વાગી વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવે છે. આ બાબત ધ્યાને લઈન ભારત સરકારે વર્ષ ર૦૧૧-ર૦ના દશકને નવિનીકરણના દશક તરીકે જાહેર કર્યું છે. નવિનીકરણને એક મુખ્ય શક્તિ ગણીને રાષ્ટ્રીય વિજ્ઞાન ટેકનોલોજીની નીતિની નવેસરથી રચના કરીને સને ર૦૧૩માં તેને વિજ્ઞાન, ટેકનોલોજી અને નવિનીકરણ નીતિ નામ આપવામાં આવ્યું. આ નીતિને અનુરૂપ રાષ્ટ્રીય સ્તરે નવિનીકરણના અમલ માટે ‘રાષ્ટ્રીય નવપ્રવર્તન પરિષદ (Nationl Innovation Coucil- NIC) ની રચના કરવામાં આવેલ છે.
આ પરિષદ દ્વારા નવિનીકરણ કરનાર વ્યક્તિઓ/સમુદાય, તેમના વિચારો અને નવિનીકરણ સંસાધનોને એક જ મંચ ઉપર લાવી તેઓની આપૂર્તિ કરવાના હેતુથી ‘ઈન્ડિયા ઈનોવેટિવ પોર્ટલ’ (India Innovative Portal) ની શરૂઆત કરી છે. આ પરિષદ રાજ્ય સ્તરે પણ રાજ્ય નવિનીકરણ પરિષદની રચના કરવાની કામગીરી કરે છે.
વિશ્વમાં નવિનીકરણ ક્ષેત્રે ભારતનું સ્થાન :
વર્લ્ડ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઈઝેશન દ્વારા દર વર્ષે વિશ્વ કક્ષાએ દેશોની નવિનીકરણ યાદી પ્રકાશિત કરવામાં આવે છે. આ સંસ્થા દ્વારા વૈશ્વિક નવિનીકરણ સૂચકાંક (Global Innovation Index – GII) ર૦ર૦ અનુસાર કુલ ૧૩૧ દેશોમાં ભારત ૪૮મા સ્થાને છે જે સને ર૦૧૪માં ૭૬મા સ્થાને હતો. સ્વિટઝરલેન્ડ આ યાદીમાં પ્રથમ સ્થાને ત્યારબાદ સ્વીડન, યુ.એસ., યુ.કે. અન.ે નેધરલેન્ડ આવે છે. જો કે મધ્ય વ દક્ષિણ એશિયાના ૧૧ દેશોમાં ભારત નવિનીકરણ ક્ષેત્રે પ્રથમ સ્થાન ઉપર છે. પરંતુ આવકને ધ્યાને લેતાં આપણો દેશ લોઅર મિડલ ઈન્કમ ગૃપમાં ત્રીજા સ્થાને છે જે સને ર૦૧પમાં સાતમા સ્થાન ઉપર હતો.

ભારતમાં નવિનીકરણને પ્રોત્સાહન :
જે લોકો નવિનીકરણ દ્વારા ઉદ્યોગ કે પ્રોટોટાઈપ વિકસાવવા માટે માર્ગદર્શન કે નાણાકીય સહાયતા મેળવવા ઈચ્છે છે તેઓ માટે ભારતમાં અનેક સંભાવનાઓ છે. નવિનીકરણ ફક્ત સંશોધકો સુધી જ સિમિત નથી કારણ કે નવિનીકરણનો વિચાર કોઈપણ વિદ્યાર્થી, ગૃહિણી, વૈજ્ઞાનિક, ખેડૂત, સામાન્ય કે ગરીબ વ્યક્તિને પણ આવી શકે છે. આવા નવિનીકરણ વિચારોથી સ્થાનિક, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમસ્યાઓનું સમાધાન થઈ શકે, માર્ગદર્શન મળી શકે કે વિચારો ઉપયોગી બની શકે તે માટે તેવી વ્યક્તિઓને સહાયતા કરવી જરૂરી છે. કેટલાક સંગઠનો દ્વારા વિચારવિમર્શ કરીને નાણાંકીય મદદ કરવા માટે વિવિધ યોજનાઓનું સંચાલન કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા સંચાલિત આવી કેટલીક યોજનાઓની સંક્ષિપ્ત માહિતીની એક ઝલક સર્વેની જાણ અને અમલ સારૂ અત્રે રજૂ કરી છે.
(૧) વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગ (Department of Scientific and Industrial Research – DSIR) :

સને ર૦૧૩માં ‘પેટન્ટ એકવીઝીશન એન્ડ કોલાબોરેટિવ રિસર્ચ એન્ડ ટેકનોલોજી ડેવલપમેન્ટ’ વિભાગ શરૂ કરવામાં આવ્યો કે જે ભારતીય ઉદ્યોગોમાં શરૂઆતના તબક્કે પેટન્ટ માટેની સુવિધા પ્રદાન કરે છે.
તાંત્રિકતા વિકાસના હેતુ માટે પ૦ ટકા સુધીની નાણાંકીય મદદ લોન સ્વરૂપે આપવામાં આવે છે. ‘ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. પ્રમોશન પ્રોગ્રામ’ની યોજના અંતર્ગત વિભિન્ન ઉદ્યોગોને સંશોધન અને વિકાસ માટે, યુનિવર્સિટીઓ, તાંત્રિક સંસ્થાઓ, વૈજ્ઞાનિક સંસ્થાઓ, એન્જિનીયરિંગ કોલેજો વગેરેને પ્રમાણિત કરી માન્યતા આપવામાં આવે છે.
(ર) વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (Department of Science & Technology – DST) :
નવી દિલ્હી સ્થિત આ સંસ્થાના ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ (TDB) દ્વારા ‘સીડ સપોર્ટ ફંડ’ સ્થાપવામાં આવેલ છે. તેમાંથી ટેકનોલોજી બિઝનેસ ઈન્ક્યુબેટર તથા સાયન્સ એન્ડ ટેકનોલોજી પાર્ક શરૂ કરવા ત્રણ વર્ષ માટે રૂપિયા એક કરોડનું અનુદાન આપવામાં આવે છે. આ અનુદાન યુવાન ઉદ્યોગસાહસિકોને શરૂઆતના તબક્કે તાંત્રિકતામાં નવિનીકરણ કરવા માટેની મદદ માટે આપવામાં આવે છે. ઈન્ક્યુબેશન અને ટેકનોલોજીના પ્રસાર માટે વધુમાં વધુ રપ લાખ રૂપિયાનો ઉપયોગ કરી શકાય છે.

(૩) તાંત્રિકતાની માહિતી પૂર્વાનુમાન અને મૂલ્યાંકન પરિષદ ( Technology Information Forcasting and Assessment Council – TIFAC-xkEVuf) :

ટાઈફેક, નવી દિલ્હી મારફતે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (Micro, Small and Medium Enterprises – MSME)ને નવિનીકરણ સંશોધન કાર્યોમાં સહાયતા કરવાના હેતુથી ભારતીય લઘુ ઉદ્યોગ વિકાસ બેંક (Small Industrial Development Bank of India – SIDBI) ખાતે ’ ૩૦ કરોડ જમા કરવામાં આવ્યા છે. ઉદ્યોગ શરૂ કરવા માટેની દરખાસ્ત ટાઈફેક અથવા સિડબી મારફતે કરવાની રહે છે. દરખાસ્ત મંજૂર થયા બાદ નાણાંકીય ફંડ પૂરૂ પાડવામાં આવે છે.
ટકેનોલોજી કોમર્સિયાલાઈઝેશન ફેસિલિટેટર (TCF) મારફત સને ર૦૦૯ થી ટાઈફેક એ ટેકનોલોજી રીફાઈનમેન્ટ એન્ડ માર્કેટિંગ પ્રોગ્રામ શરૂ કરેલ છે. ટાઈફેક નવિનીકરણ તાંત્રિકતાઓની ઓળખ માટે વર્ષે આઠ લાખ રૂપિયાનું અનુદાન ટીસીએફને આપે છે. આવી સહાયતા મેળવવા માટે પેટન્ટ અંગે સંભવિત પ્રોટોેટાઈપ મોડેલ અને તેનું વ્યાપારીકરણ શક્ય હોવું જરૂરી છે. આ નવિનીકરણથી થયેલ શોધનું વ્યાપારીકરણ થાય તેની જવાબદારી ટીસીએફ એ લેવાની રહે છે.
(૪) જૈવતાંત્રિકતા ઔદ્યોગિક સંશોધન સહાયતા પરિષદ (Biotechnology Industry Research Assistence Council – BIRAC-–બાઇરૈક) :

‘બાયોટેકનોલોજી ઈગ્નિશન ગ્રાન્ટ’ યોજના હેઠળ વ્યક્તિ કે કંપનીને વ્યવસાયિક રીતે સંશોધનનો સાચો અમલ થાય તે હેતુથી ૧૮ માસ માટે રૂપિયા પ૦ લાખનું અનુદાન આપવામાં આવે છે. હાલમાં આ યોજના નીચેના કેન્દ્રો ખાતેથી સંચાલિત થાયછે.
(૧) આઈકેપી ટેકનોલોજી પાર્ક, હૈદરાબાદ
(ર) સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલેક્યુલર પ્લેટફોર્મ્સ, બેંગ્લુરૂ
(૩) ફાઉન્ડેશન ફોર ઈનોવેશન એન્ડ ટેકનોલોજી ટ્રાન્સફર, નવી દિલ્હી
(૪) કેઆઈઆઈટી ટેકનોલોજી બિઝનેસ ઈન્ક્યુબેટર, ભુવનેશ્વર
(પ) વેન્ચર સેન્ટર, પુના
હાલમાં નીચે દર્શાવેલ પાંચ યુનિવર્સિટી ખાતે બિરાક યુનિવર્સિટી ઈનોવેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.
(૧) અન્ના યુનિવર્સિટી, ચેન્નાઈ (તામિલનાડુ)
(ર) પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢ (પંજાબ)
(૩) તામિલનાડુ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, કોઈમ્બતુર (તામિલનાડુ)
(૪) યુનિવર્સિટી ઓફ રાજસ્થાન, જયપુર (રાજસ્થાન)
(પ) યુનિવર્સિટી ઓફ એગ્રિકલ્ચરલ સાયન્સીસ, ધારવાડ (મહારાષ્ટ્ર)
આ યોજના હેઠળ એમ.એસસી. અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને નવિનીકરણ સંશોધન માટે મદદ કરવામાં આવે છે. ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા સ્થાપિત બિરાક એ એક સાર્વજનિક ક્ષેત્ર છે જે સ્મોલ બિઝનેસ ઈનોવેશન રિસર્ચ ઈનિસિયેટિવ બાયોટેકનોલોજી ઈન્ડસ્ટ્રી પાર્ટનરશિપ પ્રોગ્રામ, બાયો-ઈન્ક્યુબેટર સપોર્ટ વગેરે યોજનાઓ હેઠળ વ્યક્તિ/ સંસ્થા/ કંપનીને સહાયતા પૂરી પાડે છે.

(પ) સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (Ministry of Micro, Small and Medium Enterprises – MoMSME):ઃ
આ વિભાગ હેઠળ ડેવલપમેન્ટ કમિશ્નરની ઓફિસ દ્વારા સને ર૦૦૦ માં ભારત સરકાર દ્વારા લઘુ ઉદ્યોગો (Small Scale Industry-SSI) માટે ‘ક્રેડિટ-લિન્કડ કેપિટલ સબસિડી ફોર ટેકનોલોજી અપગ્રેડેશન’ યોજના શરૂ કરવામાં આવેલ. આ યોજના હેઠળ માન્ય તાંત્રિકતા માટે મૂડીના ૧પ ટકા સહાય આપવામાં આવે છે. આ માટે વિવિધ પ૧ ક્ષેત્રોની ૧પ૦૦ થી વધુ ટેકનોલોજીનો સમાવેશ એસએસઆઈ હેઠળ કરવામાં આવેલ છે. આ અંગેની સહાય જાહેર બેંકો, ખાનગી બેંકો, રાજ્ય નાણાંકીય નિગમ વગેરે ખાતેથી મેળવી શકાય છે.
નવિનીકરણ, ઉદ્યોગસાહસિકતા અને કૃષિ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટેની યોજના હેઠળ આજીવિકા આપનાર વ્યવસાય અને ટેકનોલોજીનો વ્યવસાય શરૂ કરનારને સહાયતા આપવામાં આવે છે જેમાં મુખ્ય ત્રણ બાબતોનો સમાવેશ કરવામાં આવેલ છે.
(૧) હાલમાં ચાલુ ઉદ્યોગ અને નવિનીકરણ દ્વારા નવા ઉદ્યોગની સ્થાપના માટે સહાય
(ર) નવિનીકરણના વિચારોના વિકાસ માટે સહાય
(૩) નવિનીકરણ વિચારો દ્વારા ઉદ્યોગ સ્થાપવાના હેતુ માટે સહાય
નવિનીકરણનું સંરક્ષણ :

વિશ્વમાં નવિનીકરણની રક્ષા કરવા માટે વિવિધ કાયદાઓ ઘડવામાં આવ્યા છે પરંતુ નવિનીકરણની રક્ષા કરવા માટે ધનની જરૂર પડે છે. જે લોકો નવિનીકરણમાં પેટન્ટ, ઔદ્યોગિક ડીઝાઈન, ભૌગોલિક સંકેતન વગેરે માટે મોટા પ્રમાણમાં ખર્ચ કરી શકે તેમ નથી, તેઓ સહાયતા માટે નીચે દર્શાવેલ કેન્દ્રોનો સંપર્ક સાધી શકે છે.
(૧) પેટન્ટ સુગમિકરણ કેન્દ્ર (Patent Facilitation Centres – PFC ) :
ડીપાર્ટમેન્ટ ઑફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (DST) ની સહાય દ્વારા ભારતના વિવિધ રાજ્યોમાં પેટન્ટ ફેસિલિટેશન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં સંકલનની કાગમીરી ટાઈફેક દ્વારા થાય છે. આ કેન્દ્ર યુનિવર્સિટીઓ/સરકારી સંસ્થાઓમાં ડીએસટીના ફંડ દ્વારા ચલાવતી સંશોધન યોજનાઓ દ્વારા ઉત્પન્ન થતા નવિનીકરણ માટેની પેટન્ટ અંગેની સંપૂર્ણ પ્રક્રિયામાં નિઃશુલ્ક સહાયતા પ્રદાન કરે છે.
(ર) બૌદ્ધિક પેટન્ટ સુગમિકરણ કેન્દ્ર (Intellectual Property Facilitation Centres – IPFC) :
આ કેન્દ્રોને ભારત સરકાર ફંડ પુરૂ પાડે છે. તેનું સંકલન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના ડેવલપમેન્ટ કમિશ્નર દ્વારા થાય છે. ભારતના વિવિધ ભાગોમાં તેના કેન્દ્રો આવેલા છે જે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં તેમની બૌદ્ધિક સંપત્તિની આવશ્યકતાઓ, બૌદ્ધિક સંપત્તિની રક્ષા, જાગૃતતા માટે પ્રશિક્ષણ, તાલીમ વ્યવસ્થા વગેરે માટે સહાયતા પુરી પાડે છે.

(૩) નવિનીકરણ સગવડતા કેન્દ્ર (Innovation Facilitation Centre – IFC) :

ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ, નવી દિલ્હી અંતર્ગત સ્થપાયેલ નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NRDC) મારફતે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS), નવી દિલ્હી અને એમિટી યુનિવર્સિટી, નોઈડા ખાતે ઈનોવેશન ફેસિલિટેશન સેન્ટર સ્થાપવામાં આવ્યા છે. આ કેન્દ્રોનો હેતુ શૈક્ષણિક સમુદાયમાં બૌદ્ધિક સંપદાનો વિકાસ, વૃદ્ધિ અને સુવિધા પુરી પાડવાનો છે.
નવિનીકરણ માટે પુરસ્કારો :
સર્વશ્રેષ્ઠ નવીનતમ વિચારોને તાંત્રિકતામાં પરિવર્તિત કરવાના હેતુથી નિયમિત રીતે વિવિધ પ્રકારની હરિફાઈઓ અને કાર્યક્રમો યોજવામાં આવે છે. આમાં વિજેતા થયેલ વ્યક્તિ / સંસ્થાને સન્માનની સાથે ખ્યાતિ મળે છે તેમજ તેમની શાધે માટેની પેટન્ટ અંગે અથવા તો નવો ઉદ્યોગ શરૂ કરવા માટેની સહાય મળે છે. આ હેતુથી નિયમિત રૂપે યોજનાની હરિફાઈઓની વિગત અત્રે દર્શાવેલ છે.
(૧) સીએસઆઈઆર એવોર્ડ ફોર એસ એન્ડ ટી ઈનોવેશન ફોર રૂરલ ડેલપમેન્ટ (CSIR Award for S&T Innovation for Rural Development) :
ભારતમાં રજીસ્ટર્ડ થયેલ સંસ્થા કે કંપનીને સીએસઆઈઆર, નવી દિલ્હી મારફતે વિજ્ઞાન અને તાંત્રિકતા ક્ષેત્રે નવિનીકરણ માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે કે જે દ્વારા ગ્રામ્ય લોકોના જીવનધોરણમાં સુધારો થયો હોય અથવા તો ગ્રામ્ય લોકોને રોજગાર મળેલ હોય. આ પુરસ્કાર હેઠળ રૂપિયા દશ લાખ આપવામાં આવે છે.

(ર) એનઆરડીસી મેરીટોરિયસ ઈનોવેશન એવોર્ડ (NRDC Meritorius Innovation Award) :

નેશનલ રિસર્ચ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NRDC) દ્વારા નીચે દર્શાવેલ ત્રણ શ્રેણીમાં પુરસ્કાર આપવામાં આવે છે.
(ક) એનઆરડીસી ઈનોવેશન એવોર્ડ ઑફ ધી ઈયર / NRDC Innovation Award of the Year
(ખ) એનઆરડીસી સોસિયલ ઈનોવેશન એવોર્ડ ઑફ ધી ઈયર / NRDC Social Innovation Award of the Year
(ગ) એનઆરડીસી બડિંગ ઈનોવેટર્સ એવોર્ડ ઑફ ધી ઈયર (વિદ્યાર્થીઓ માટે) / NRDC Budding Innovators Award of the year (For Students)
(૩) ઈગ્નાઈટ / IGNITE :

ભારત સરકારના ડીએસટી અંતર્ગત અમદાવાદ ખાતેની નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન (NIF)તથા અન્ય સંગઠનોના સહયોગથી ૧રમા ધોરણ સુધીનો અભ્યાસ કરેલ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક વિચારો પેદા કરવા તથા સ્થાનિક સમસ્યાઓનું નિરાકરણ શોધવા માટે નવિનીકરણ માટેની ટેવ પાડવાના હેતુથી દર વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ એક વાર્ષિક હરિફાઈ ‘ઈગ્નાઈટ’નું આયોજન કરવામાં આવે છે. નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશન દ્વારા નવિનીકરણની જરૂરિયાતને ધ્યાને લઈ તેની તાંત્રિકતાના રક્ષણ અને વિકાસ માટે નાણાંકીય સહાય પુરી પાડવામાં આવે છે.
(૪) ઈન્ડિયા ઈનોવેશન ઈનિશિયેટિવ /India Innovation Initiative (III) :

ડીએસટી અને અન્ય સંગઠનોના સહયોગથી સીઆઈઆઈ દ્વારા સંયુક્ત રીતે આ પુરસ્કાર ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા નવિનીકરણ કરનાર વ્યક્તિઓને સહાયતા અને પ્રોત્સાહન માટે આપવામાં આવે છે. આ માટે ઔદ્યોગિક અથવા સામાજીક સમસ્યાનું નિરાકરણ કરી શકે તેવા નવિનીકરણની શોધ જરૂરી છે. આવી વ્યક્તિઓને નવિનીકરણ અંગેના રાષ્ટ્રીય મેળાઓમાં નિમંત્રિત કરવામાં આવે છે યાં તેઓની પસંદગી થાય તો પુરસ્કાર રૂપે રોકડ નાણાં આપવામાં આવે છે. પસંદ કરેલ શોધ માટે નાણાંકીય સહાય પણ પુરી પાડવામાં આવે છે.
(પ) ઈનિશિયેટિવ ફોર રિસર્ચ એન્ડ ઈનોવેશન ઈન સાયન્સ /Initiative for Research and Innovation in Science (IRIS) :
આ એવોર્ડ ડીએસટી અને સીઆઈઆઈની સાથે ઈન્ટેલ એજ્યુકેશન દ્વારા એક કાર્યક્રમ અંતર્ગત પાંચ થી બારમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ નવિનીકરણ માટે આપવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓને નવિનીકરણ સંશોધન માટેની સમિક્ષા વૈજ્ઞાનિક મૂલ્યાંકન સમિતિ દ્વારા કરવામાં આવે છે અને પસંદ કરેલ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય મેળામાં ભાગ લેવા માટે નિમંત્રિત કરવામાં આવે છે. આમાં પસંદ થયેલ વિદ્યાર્થીઓને ઈન્ટેલ ઈન્ટરનેશનલ સાયન્સ એન્ડ એન્જિનીયરિંગ મેળામાં ભારત દેશના પ્રતિનિધિ રૂપે આમંત્રિત કરવામાં આવે છે.
(૬) ગ્રાસરૂટસ ઈનોવેશન એન્ડ આઉટસ્ટેન્ડિંગ ટ્રેડિશનલ નોલેજ એવોર્ડ / Grassroots Innovation and Outstanding Traditional Knowledge Award :
આ પુરસ્કાર અંતર્ગત વ્યાપક વિષયો/ક્ષેત્રોમાં જમીની સ્તરે નવિનીકરણના વિચારો અને પરંપરાગત જ્ઞાન અંગેની માહિતી આપવા માટે વ્યક્તિઓને આમંત્રણ આપવામાં આવે છે. આવેલ માહિતીમાંથી પ્રથમ ત્રણ સર્વશ્રેષ્ઠ નવિનીકરણને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. એક અન્ય પુરસ્કાર જીવનકાળ દરમ્યાન મેળવેલ ઉપલબ્ધિ માટે પણ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને પણ આ હરીફાઈમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે અને તેમાંથી પસંદ કરેલ વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે.
(૭) માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ એવોર્ડસ / Micro, Small & Medium Enterprises Award – MSME Awards :

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં, નવિનીકરણ ક્ષમતા માટે અને તેને પ્રોત્સાહન આપવા માટે એમએસએમઈ મંત્રાલય દ્વારા નીચે દર્શાવેલ કેટલાક મહત્ત્વના પુરસ્કારો આપવામાં આવે છે.
(૧) નેશનલ એવોર્ડઝ ફોર ઈનોવેશન ઈન માઈક્રો એન્ટરપ્રાઈઝીસ
(ર) નેશનલ એવોર્ડઝ ફોર ઈનોવેશન ઈન સ્મોલ એન્ટરપ્રાઈઝીસ
(૩) નેશનલ એવોર્ડઝ ફોર ઈનોવેશન ઈન મીડિયમ એન્ટરપ્રાઈઝીસ
(૪) નેશનલ એવોર્ડઝ ફોર આર એન્ડ ડી ઈન માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝીસ
ઉપરોક્ત યોજનાઓ અને પુરસ્કારોની જાહેરાતથી ભારતમાં નવિનીકરણને વેગ મળશે અને વિશ્વમાં આપણું સ્થાન આગળ આવશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. આ માટે દરેક ક્ષેત્રે લોકોમાં જાગૃત્તિ લાવવી જોઈએ તો જ તેનો વધુમાં વધુ લાભ દેશને મળી શકે.
સ્ત્રોત : ડ્રીમ ૨૦૪૭, ફેબ્રુઆરી ૨૦૧૬
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in