માનવ સંસાધનોની ગુણવત્તામાં સુધારો કરવા માટેની ગુરૂ ચાવી કૃષિ શિક્ષણનો સંકલિત રીતે ઉપયોગ કરવો તે છે. કૃષિ ક્ષેત્રનો ઈચ્છિત વિકાસ દર અને છેક ગ્રામ્ય કક્ષાના સ્તર સુધી સમૃદ્ધિ માટે પુરતી સંખ્યામાં લાયકાત ધરાવતું માનવબળ ઉપલબ્ધ નથી જે આજના કૃષિ વિજ્ઞાન અને ટેક્નોલૉજીની એક મોટી મુશ્કેલી છે. શિક્ષણમાં કરેલ રોકાણ અને ગરીબાઈ બંને વચ્ચે સીધો સંબંધ રહેલો છે જે કૃષિની ઉત્પાદકતા અને નફાકારકતા ઉપર અસર કરે છે. રાજ્યમાં આવેલ કૃષિ યુનિવર્સિટીઓ આ બાબતે એક મહત્વનો ભાગ ભજવી યુવા પ્રતિભાઓને આકર્ષી કોલેજમાં યોગ્ય વાતાવરણ અને રોજગારી પુરી પાડી શકે છે. આ ક્ષેત્રમાં આવતા નવા પડકારોને પહોંચી વળવા માટે જે તે રાજ્ય સરકાર યોગ્ય માળખાકીય સવલતો અને સાધનો પૂરા પાડવા માટે જરૂરી ફંડ આપવું જોઈએ.
ભારતનો સરેરાશ વાર્ષિક વિકાસ દર ચાર ટકા પ્રાપ્ત કરવા માટે સંલગ્ન ક્ષેત્રોને ધ્યાનમાં રાખી ફક્ત અન્ન જ નહીં પરંતુ પુરતા પોષણ સાથેના સંતુલિત આહાર ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. ટકાઉ ધોરણે ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો કરવા માટે સંશોધન અને વિકાસ થકી નવીન ટેક્નોલૉજી વિકસાવી તેનો ઉપયોગ કરવામાં આવે તો ચાવી રૂપ સફળતા પ્રાપ્ત થઈ શકે. આદર્શ ઉત્પાદન પ્રાપ્ત કરવા માટે મોટા રોકાણોની શરૂઆતો કરી સંશોધન અને શિક્ષણ જ નહિ પરંતુ ગ્રામ્યકક્ષા સુધી ટેક્નોલૉજી અસરકારક રીતે પહોંચે તે માટે કૃષિ યુનિવર્સિટીઓ ધ્વારા યુવા પ્રતિભાઓને વિકસાવી સક્ષમ માનવ સંસાધનો પેદા કરવા પડશે.
કૃષિ શિક્ષણ માટે મંજૂર કરેલ અંદાજપત્રમાં 10મી યોજનામાં ` 1,019.85 કરોડ, 11મી યોજનામાં ` 2,585 કરોડ, બારમી યોજનામાં ` 2,900 કરોડ અને સને 2018-20ની ત્રણ વર્ષીય યોજનાઓમાં ` 2,050 કરોડનો વધારો કરવામાં આવેલ. જો કે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં કોલેજો અને વિભાગોમાં થયેલ વધારા માટે અંદાજપત્રમાં કોઈ વધારાની જોગવાઈ કરવામાં આવેલ નથી. રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં વિવિધ વિષયોના વિભાગોના વધતા જાય છે પરંતુ તેના પ્રમાણમાં મળતો નાણાકીય હિસ્સો ઘટતો જાય છે.
આમ જોતાં રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની નાણાકીય હાલત ચિંતાજનક છે. ટેક્નોલૉજીની ક્ષમતાનો વિકાસ અને ગુણવત્તાયુક્ત સંશોધન અને શિક્ષણ માટે કેન્દ્ર તેમજ રાજ્ય એમ બંને સ્તરે અંદાજપત્રમાં નાણાકીય ટેકો પુરો પાડવો જોઈએ. ભારત સરકારે યુવા પ્રતિભાઓને પોતાનો ધંઘો શરૂ કરવા માટે રાહત દરે નાણાકીય ટેકો પુરો પાડવો જોઈએ અને ઉદ્યોગસાહસિકતાના વિકાસ માટે વિદેશી યુનિવર્સિટીઓ જોડે વિનિમય કાર્યક્રમો હાથ ધરવા જોઈએ.
આર્ય (ARYA – Attracting and Retaining Youth in Agriculture) :
ભારતના કૃષિ ક્ષેત્રના વિકાસમાં યુવાનો મહત્વનો ભાગ ભજવે છે તેમ છતાં ગ્રામ્ય યુવાનોના શહેરો પ્રતિ પ્રયાણમાં સતત વધારો થતો રહે છે. ગ્રામ્ય યુવાનોનો કૃષિમાં રસ અને વિશ્વાસ વધે તે માટે અને શહેરો પ્રતિ થતું પ્રયાણ અટકાવવા માટે કૃષિને વધુ નફાકારક વ્યવસાય બનાવવાની જરૂરિયાત છે. દેશને અન્નની સલામતી પુરી પાડવા ખાસ કરીને કૃષિના વિકાસ માટે યુવાનોનું મહત્વ જાણી આઈસીએઆર (ICAR) એ સને 2015-16 માં ‘આર્ય’ નામના એક કાર્યક્રમની શરૂઆત કરેલ. આ યોજના હેઠળ 35 વર્ષની નીચેની ઉંમરના ગ્રામ્ય યુવાનોનો સમાવેશ કરી તેઓને શહેરો પ્રતિ પ્રયાણ કરતા અટકાવવામાં આવ્યા.
આર્ય યોજનાના મુખ્ય હેતુઓ :
(1) પસંદ કરેલ જીલ્લાઓના ગ્રામ્ય વિસ્તારના યુવાનોને આકર્ષી સક્ષમ બનાવી વિવિધ કૃષિ અને તેને સંલગ્ન ક્ષેત્રોના ઉદ્યોગોમાં જોડી આવક અને રોજગારી પુરી પાડવી.
(2) યુવા ખેડૂતોને પ્રોસેસિંગ, મૂલ્ય વર્ધન અને માર્કેટિંગ જેવી ઘનિષ્ઠ રોકાણયુક્ત પ્રવૃત્તિઓમાં જોડવા માટે વિવિધ જૂથો બનાવી નેટવર્ક પૂરૂ પાડવું.
(3) ટકાઉ વિકાસ માટે ઉપલબ્ધ વિવિધ યોજના કે કાર્યક્રમો ધ્વારા વિવિધ સંસ્થાઓ સાથે યુવાનોને જોડી નિદર્શનો ગોઠવી વિવિધ તકો પુરી પાડવી.
આર્ય યોજનાની શરૂઆત દેશના 25 રાજ્યોમાં આવેલ જીલ્લાઓના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો મારફતે કરવામાં આવેલ. એક જીલ્લામાં 200 થી 300 યુવાનોને ઉદ્યોગસાહસિકતાની પ્રવૃત્તિઓ શરૂ કરવા માટેની કુશળતા વિકાસ માટે પસંદ કરવામાં આવેલ જેમાં મરઘાંપાલન, ડેરી ફાર્મિંગ, મત્સ્યપાલન, બકરાં પાલન, મશરૂમ ઉત્પાદન અને કૃષિ સંલગ્ન અન્ય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો કૃષિ યુનિવર્સિટી અને આઈસીએઆરની સંસ્થાઓને ટેક્નોલૉજીના ભાગીદાર બનાવે છે. એક કે બે ઉદ્યોગસાહસિક એકમો કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે શરૂ કરવામાં આવે છે કે જે ખેડૂતોને ઉદ્યોગસાહસિકતાની તાલીમ આપવામાં મદદરૂપ થઈ શકે. તાલીમ પામેલા ઉદ્યોગસાહસિકોને પ્રોજેક્ટ રીપોર્ટ બનાવવામાં સહાય પુરી પાડી બેંક લોન મેળવવામાં મદદ કરવામાં આવે છે. આ યોજનાનો હેતુ યુવાનો ધ્વારા ગામડાઓમાં આર્થિક મોડેલ ઊભું કરી તેઓને કૃષિ ક્ષેત્રે આકર્ષવાનો અને અન્ય ખેડૂતોને માર્ગદર્શન પૂરૂ પાડી એકંદરે ગ્રામ્ય પરિસ્થિતિમાં સુધારો લાવવાનો છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર અન્ય કાર્યક્રમો સાથે સંકલન સાધી યુવાનોનો જ્ઞાન, કુશળતા અને ઉત્સાહમાં વધારો કરી કૃષિ ક્ષેત્રમાં નવો જૂસ્સો ઉમેરી શકે છે.
કૃષિના વિષયમાં એવા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે કે જેઓને મેડિસિન, ઈજનેરી, મેનેજમેન્ટ કે વેટનરી જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ મળી શક્યો નથી. આથી આવા પ્રતિભાશાળી યુવાનોને કૃષિ શિક્ષણનું ઉત્તમ વાતાવરણ અને સવલતો પુરી પાડવી જોઈએ. શિક્ષક સમુદાય પુરતુ જ્ઞાન ધરાવતો, અપડેટેડ, તાલીમ પામેલ અને નવા વિચારો કે પદ્ધતિ અપનાવવામાં વધુ અભિપ્રેરિત હોવો જોઈએ. કોલેજના કેમ્પસ વિશ્વ કક્ષાના અને ‘વિદ્યાર્થીઓને પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ’ થઈ જાય તેવા હોવા જોઈએ. શૈક્ષણિક સંસ્થાઓની માળખાગત સુવિધાઓ અને પ્રાપ્ય સવલતો નવા પ્રવેશ પામતા વિદ્યાર્થીને આકર્ષે તેવી હોવી જોઈએ.
આઈઆઈએમ (IIMs), આઈઆઈટી (IITs) અને એઈમ્સ (AIIMS) સંસ્થાની માફક ભારતમાં ઉચ્ચ કૃષિ શિક્ષણ માટેની વિશ્વ કક્ષાની સંસ્થાઓ સ્થાપવી જોઈએ કે જેમાં પ્રતિભાશાળી યુવાનો અનુસ્નાતક અભ્યાસ અને સંશોધન માટે જોડાય તેમજ વિદેશી વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં જોડાય. વિશ્વ કક્ષાએ કૃષિ શિક્ષણ માટે બહારના દેશોમાં યુનિવર્સિટીના કેમ્પસ સ્થાપવા જોઈએ, એકબીજાના સહયોગ વડે પ્રોજેક્ટ શરૂ કરવા જોઈએ અને વિદ્યાર્થીઓના વિનિમયના કાર્યક્રમો શરૂ કરવા જોઈએ. કેટલાક રાજ્યો નવી શરૂ થયેલ કૃષિ યુનિવર્સિટીને સુધારણા માટે પબ્લિક ફંડ પૂરૂ પાડવું જોઈએ. નવી કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવાને બદલે વર્તમાન કૃષિ યુનિવર્સિટીઓ વધુ સક્ષમ બનાવવા માટેના પ્રયાસો હાથ ધરવા જોઈએ. શિક્ષકોની સંખ્યા અને ગુણવત્તા સુધારવાનો પ્રયાસ કરવો જોઈએ.
આઈપીઆરએસ (IPRS) અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) જેવા ક્ષેત્રો ટેક્નો-લિગલ સ્પેશ્યાલિસ્ટ, એગ્રિ-બિઝનેસ વગેરે જેવા મહત્વના ક્ષેત્રોમાં વિદ્યાર્થીઓને રોજગારીની ઉત્તમ તકો મળે તેવા પ્રયાસો કરવા જોઈએ. બાયોસેન્સર્સ, જીનોમિક્સ, બાયોટેક્નોલૉજી, નેનો ટેક્નોલૉજી, બાયોટિક અને એબાયોટિક સ્ટ્રેસ મેનેજમેન્ટ વગેરે જેવી નવી ઉભરતી ટેક્નોલૉજીના નવા કેન્દ્રો કૃષિ યુનિવર્સિટીઓમાં શરૂ કરવા જોઈએ. સંસ્થામાં ક્ષમતા નિર્માણની સાથે અન્ય સંસ્થાઓ જોડે સહયોગ કે ભાગીદાર બની શિક્ષકો અને વિદ્યાર્થીઓના વિનિમય અંગેના કાર્યક્રમો હાથ ધરવા જોઈએ. યુવા પ્રતિભાઓને આકર્ષવા માટે ફેલોશિપ આપવી જોઈએ. વિકાસશીલ દેશોમાં ખાનગી ક્ષેત્રોમાં નોકરીની તકો પેદા થશે તો અન્ય દેશોના વિદ્યાર્થીઓ કૃષિ શિક્ષણ મેળવવા પરદેશથી ભારત દેશમાં આવશે. આથી કૃષિ યુનિવર્સિટીઓમાં હોસ્ટેલ અને પરિવહન આવાસની સારી સવલત પુરી પાડવી જરૂરી છે. પીએચ.ડી. નો અભ્યાસ વિદ્યાર્થી પૂર્ણ કરે ત્યારબાદ તેને રિસર્ચ-પુલ-ઓફિસર તરીકેની એડહોક નિમણૂંક આપી તેનો સંશોધનનો તાલ જાળવી શકાય છે.
સને 2019માં નિમાયેલ ડૉ. આર. એસ. પરોડા કમિટીએ કૃષિમાં યુવાનો માટે નોંધપાત્ર ભલામણો રજૂ કરી છે :
નેશનલ મિશન ઓન યુથ ઈન એગ્રિકલ્ચર :
આ કમિટીએ યુવાનોમાં નવીન ટેક્નોલૉજીની કુશળતાઓ વિકસે તે માટે ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણ પૂરૂ પાડવાની ભલામણ કરેલ જેનો મુખ્ય હેતુ યુવાનો કૃષિ ક્ષેત્રે સારૂ જ્ઞાન અને કુશળતા મેળવે તે હતો. તેમાં નીચેની પાંચ બાબતોનો સમાવેશ થયો છે :
(1) માહિતી સંદેશાવ્યવહાર ટેક્નોલૉજી (આઈસીટી – ICT) નો સમાવેશ કરી અસરકારક રીતે જ્ઞાનનો પ્રસાર કરવો.
(2) નવિનીકરણ ખેતી માટે તાંત્રિક સહાય આપવી.
(3) નવા એગ્રિ-બિઝનેસ માટેના મોડેલ વિકસાવવા.
(4) વેલ્યૂ ચેઈન મારફતે ઉદ્યોગસાહસિક અને ખેડૂતોનું બજાર સાથે જોડાણ કરવું.
સદર કમિટીએ શાળા કક્ષાએથી કૃષિ શિક્ષણ ઉપર ભાર મૂકી સેન્ટ્રલ એગ્રિકલ્ચર યુનિવર્સિટી, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ અને આઈસીએઆરની સંસ્થાઓ મારફતે ઉદ્યોગસાહસિકતાની તાલીમો, વોકેશનલ અને ડિપ્લોમા કાર્યક્રમો શરૂ કરવા જોઈએ. વર્તમાનમાં યુવાનો અને બજારની જરૂરિયાત અને આકાંક્ષાઓ પ્રમાણે યુનિવર્સિટીના અભ્યાસક્રમોમાં જરૂરી ફેરફાર કરવા જોઈએ.
યુવા-કૃષિ જોડાણ (Youth agriculture nexus)
સદર કમિટીએ નવા સંશોધન અંગેની ભલામણો કરી છે, જેનો મુખ્ય હેતુ
(1) યુવાનોને ધ્યાને લઈ કૃષિ સંશોધન હાથ ધરવું.
(2) કૃષિ સંશોધન અને નવિનીકરણના વિકાસમાં યુવાન લોકોને જોડી તકોને ઓળખવી, અને
(3) ટકાઉ કૃષિ વિકાસ અને આવક મેળવવાના હેતુથી યુવાનો માટે ભવિષ્યનો રાહ નક્કી કરવો.
હળથી થાળી સુધી પહેલ (Plough – to – plate initiative) :
કમિટીને જણાયેલ કે જો યુવાનોને ખેતીમાં સહભાગી બનાવવામાં આવશે તો તેઓની મદદ વડે ખેડૂતોની આવક બમણી થશે. આ માટે જ્ઞાનની આપલે અને પ્રચાર-પ્રસાર, ટેક્નોલોજી પાર્ક કે નવિનીકરણના પ્લેટફોર્મ મારફત યુવાનોની ભાગીદારી, આઈસીટીનો ઉપયોગ, એગ્રિ-ક્લિનિકની રચના કરવી, માર્ગદર્શન અને ટેકો પુરો પાડવો, બૌદ્ધિક સંપદા અધિકારો (ઈનટેલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસ-IPRs) વગેરે ઉપર વધુ ભાર આપવાની તાતી જરૂર છે.
યુવા ખેડૂતથી મૂલ્ય હરોળના વિકાસકર્તા
(Youth as a farmer to youth as value chain developer) :
કમિટીએ યુવાનોને એક ખેડૂત થી મૂલ્ય હરોળના વિકાસકર્તા તરીકે વિકસાવવાની જરૂરિયાત માટે ભલામણ કરેલ છે. ગ્રામ્ય યુવાનોને બદલાતા કૃષિના પરિપ્રેક્ષ્યમાં ખેતરના સ્તરે ઉત્પાદન મળ્યા બાદ તે પછીની કામગીરી અને બજારમાં સારી આવક મેળવવાની આર્થિક તકો પુરી પાડવી એ આજની જરૂરિયાત છે. ખેતી અને બિન-ખેતી એમ બંને ક્ષેત્રમાં કૃષિની મૂલ્ય હરોળ, ટેક્નોલૉજી અને ઉદ્યોગસાહસિકતાનું જોડાણ યુવાનોને નવી આર્થિક તકો પુરી પાડશે. આ માટે તેઓને એગ્રિ સર્વિસ સેન્ટર શરૂ કરવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ જેથી નાના અને સીમાંત ખેડૂતો પોતાના ખેતીકાર્યોમાં યંત્રોનો ઉપયોગ કરી ઓછા ખર્ચે ઉત્પાદન મેળવી શકે.
પ્રોત્સાહન, એવોર્ડ અને પુરસ્કાર આપવાની પદ્ધતિને સ્થાપિત કરવી :
યુવાનોને સુખી જીવન માટે કૃષિને એક વ્યવસાય તરીકે અપનાવવાના હેતુથી પ્રેરણા અને આકર્ષણ પેદા કરવા માટે પ્રોત્સાહન એવોર્ડ કે પુરસ્કાર આપવાની પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. કૃષિના વિકાસ માટે સ્થાનિક, રાજ્ય અને દેશ કક્ષાએ એક વ્યૂહરચના અપનાવી તેને પ્રાધાન્ય આપવું જોઈએ.
યુવાનો માટે સફળ ઉદ્યોગસાહસિકનો એક રોલ મોડેલ (અનુકરણીય પાત્ર) તરીકે ઉપયોગ :
અન્ય યુવાનોમાં ક્ષમતાઓનો વિકાસ કરવા માટે સફળ થયેલ ઉદ્યોગસાહસિકને ઓળખી તેનો એક રોલ મોડેલ તરીકે ઉપયોગ કરવો જેથી તેઓને ઉદ્યોગસાહસિક બનવાની પ્રેરણા મળે. ભારતમાં કૃષિના વિવિધ ક્ષેત્રોમાં સફળ નીવડેલ ઉદ્યોગસાહસિકોની સફળ વાર્તાઓ કે કેસ સ્ટડીઝને એકત્ર કરી અગ્રતાક્રમે તેનું પુસ્તકના રૂપે પ્રકાશન હાથ ધરવું જેથી દરેક તેને જાણી શકે.
કૃષિ-યુવા નવિનીકરણ ફંડ (એગ્રિ-યુથ ઈનોવેશન કોર્પસ ફંડ) :
કોરપોરેટ સામાજીક જવાબદારી અને ખાસ પ્રોજેક્ટ ધ્વારા ગ્રામ્ય રોજગારીમાં વધારો કરવા માટે ખાનગી ક્ષેત્ર પાસે કૃષિ-યુવા નવિનીકરણ ફંડ હોવું ખાસ જરૂરી છે. તેના ધ્વારા નાના કૃષિ-ઉદ્યોગ સ્ટાર્ટ-અપ્સ, પબ્લિક- પ્રાઈવેટ કે પ્રાઈવેટ-પ્રાઈવેટ ઉદ્યોગસાહસિકો, પ્રાઈવેટ પ્લેયર્સ વગેરેને ઈનપુટ ડીલર્સ, સપ્લાયર્સ કે વિસ્તરણ એજન્ટ તરીકે ગ્રામ્ય યુવાનોને જોડી તેઓને સોફ્ટ લોન પુરી પાડવી અને માર્ગદર્શક કાર્યક્રમો યોજવા જોઈએ.
કૃષિમાં યુવા-વિભાગની રચના :
કમિટીએ ભલામણ કર્યા મુજબ ભારત સરકારના કૃષિ મંત્રાલયે કૃષિ માટે એક અલગ યુવા વિભાગ શરૂ કરવો જોઈએ. તેના ધ્વારા સાયન્સ અને ટેક્નોલૉજી, સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રિન્યુઅરશિપ, ફૂડ પ્રોસેસિંગ ઈન્ડસ્ટ્રી, રૂરલ ડેવલપમેન્ટ, કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઈઝર્સ વગેરે અન્ય મંત્રાલયોના વિભાગ જોડે સહયોગ અને સંકલન સાધવું જોઈએ જેથી યુવાનોની કૃષિ ક્ષેત્રની આકાંક્ષાઓ પૂર્ણ થાય. આ માટે નેશનલ મિશન ઓન યુથ ઈન એગ્રિકલ્ચર ની રચના કરી તેને ફંડ પૂરૂ પાડી યુવાનો માટેની એક સંસ્થા તરીકે વિકસાવવી જેથી કૃષિ અને તેના સંલગ્ન ક્ષેત્રોમાં યુવાનોને આકર્ષી તેઓને અભિપ્રેરિત કરી મદદરૂપ બની શકાય.
આઈસીટી જ્ઞાનથી સક્ષમ યુવાનો :
કમિટીના જણાવ્યા મુજબ યુવાનો સારી તાલીમ મેળવી અને ઈ-નામ (e-NAM), સ્ટાર્ટ-અપ, સ્ટેન્ડ અપ અને કુશળતા વિકાસ યોજનાઓ તથા કૃષિ વ્યાપાર કે ઉદ્યોગ વગેરેમાં આઈસીટીનો ઉપયોગ કરી નિષ્ણાત બની મહત્વનો ભાગ ભજવી શકે છે. યુવાનોને કૃષિ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે લાંબા ગાળાના રોકાણો, ધિરાણની પ્રાપ્યતા, ઉદ્યોગસાહસિકો માટે બજારના કાયદાઓમાં સુધારા, ગ્રામ્ય આધારિત પ્રાથમિક મૂલ્ય વર્ધન કરવા માટે યુવાનોને કરમાં મુક્તિ, નાબાર્ડ ધ્વારા એગ્રિ-ક્લિનિક સમિક્ષા, એપીએમસીના બજાર કાયદાઓમાં સુધારા, ઉદ્યોગસાહસિકોને સ્ટાર્ટ-અપના જોખમ સામે વીમાની જોગવાઈ વગેરે બાબતે યોગ્ય નીતિઓ ઘડી તેનો અમલ કરવો જોઈએ.
આઈસીએઆરનો કૃષિ શિક્ષણ વિભાગ સમગ્ર દેશમાંથી યુવા પ્રતિભાઓને શોધી તેને આવનાર વર્ષોમાં આગળ લાવશે.
ભારતના યુવાનો ધ્વારા ખેતી કરી શકાય :
સને 2017ના 12મા એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રીપોર્ટમાં દર્શાવ્યા મુજબ 14થી 18 વર્ષની ઉંમરના 42 ટકા યુવાનો કાર્યરત છે. તેમાંના 79 ટકા યુવાનો પોતાના ખેતરમાં જ ખેતીકામ કરે છે પરંતુ તેમાંના ફક્ત 1.2 ટકા જ ખેડૂત બનવા માંગે છે. તાજેતરમાં જીવન જીવવા માટેના વ્યવસાયી સ્ત્રોત તરીકે ખેતીનો ક્રમ છેલ્લો હતો. સને 2003માં કરવામાં આવેલ નેશનલ સેમ્પલ સર્વેમાં પાંચ ખેડૂતો પૈકી બે ખેડૂતો ખેતીના વ્યવસાયને છોડવા માંગતા હતા. ખેતીને બદલે અન્ય વ્યવસાય સ્વીકારવા માટે 76 ટકા લોકોએ પરંપરાગત તરીકે કૃષિનો વ્યવસાયમાં રસ દાખવેલ.
મોટા ભાગના ગ્રામ્ય યુવાનો કૃષિનો વ્યવસાય સ્વિકારવા માંગતા નથી ભારતની કુલ વસ્તીના 35 ટકા વસ્તી 15 થી 35 વર્ષની વય ધરાવે છે અને તેમાંના 75 ટકા ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે. યુવાનો મોટા પ્રમાણમાં શહેરો પ્રતિ પ્રયાણ કરી રહ્યા હોઈ ખેતી અને અન્નની સલામતી ક્ષેત્રે ભવિષ્યમાં મોટુ જોખમ ઊભુ થશે અને તણાવ પેદા થશે. યુવાનોનું શહેરો પ્રતિ પ્રયાણ અને કૃષિ વ્યવસાય તરફ અણગમો ફક્ત ભારત દેશના યુવાનોને લાગુ પડે તેવું નથી. આફ્રિકન દેશોમાં પણ ગ્રામ્ય યુવાનો કૃષિ વ્યવસાયને છોડી રહ્યા છે જેનું કારણ સાચી માહિતી અને જ્ઞાનનો અભાવ, ખેતી માટે જરૂરી ઈનપુટસ અને ધિરાણની ખામી વગેરે છે. વધુમાં ખેતીમાંથી વળતર ઓછું મળે છે તેથી કૃષિ પ્રત્યે નકારાત્મક સમજણ ધરાવે છે. કેરેબિયન ટાપુ પર રહેતા ગ્રામ્ય ગરીબો પણ વિશ્વના અન્ય ભાગોની જેમ શહેરો પ્રતિ પ્રયાણ કરે છે.
વિશ્વમાં ખેડૂતની ઉંમર એકધારી રીતે વધતી જોવા મળે છે. એક અમેરિકન ખેડૂતની સરેરાશ ઉંમર 58.3 વર્ષ જ્યારે જાપાની ખેડૂતની સરેરાશ ઉંમર 67 વર્ષ છે. આફ્રિકા અને એશિયામાં ખેડૂતોની ઉંમર વધતી જોવા મળી છે. એગ્રિકલ્ચર સેન્સસ ડિવિઝન – 2016 મુજબ યુનડીપી મુજબ કેન્યાના ખેડૂતની સરેરાશ ઉંમર 60 વર્ષની જોવા મળેલ છે.
આમ ખેડૂતોની વધતી જતી ઉંમર ખેતીના વિકાસમાં અનિશ્ચિતતા અને અણધાર્યાપણું સૂચવે છે. ફક્ત એક પેઢી વડે વિશ્વના વસ્તીને ખોરાક પુરો પાડવાનું શક્ય બનશે નહિ. માનવ સંસાધનની ભાગીદારી વિના કૃષિની આર્થિક ક્ષમતાને અસર થતાં ભવિષ્યમાં ખેતી ઉપર જીવન ગુજારતા ખેડૂતોની આવકમાં કદાચ ઘટાડો થવા પામશે.
ભારતમાં ખેડૂતોની ઉંમર વધતી જાય છે જેથી ‘બિન-આર્થિક ખેડૂતો’ ની સંખ્યા વધે છે. આવા ખેડૂતો જરૂરી સ્ત્રોતોનો વપરાશ કર્યા વિના ખેતી કરે છે અને પોતાના જીવનની અસલામતી અનુભવે છે. તથા મર્યાદિત સંસાધનો વડે જીવન ગુજારે છે.
આવા પ્રશ્નોને ધ્યાને લઈ ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સતત ચર્ચાઓ, વર્કશોપ, કોન્ફરન્સ, કન્સલ્ટેશન્સ અને અભ્યાસો હાથ ધરે છે જે કૃષિમાં યુવાનોને આકર્ષવા માટેની વ્યૂહરચના દર્શાવે છે. કૃષિના પડકારો જટીલ અને સમજાય નહિ તેવા છે. ઘણીવાર પ્રશ્નોને જાણી તેની સરળ ભલામણો ઉકેલ તરીકે રજૂ કરવામાં આવે છે. મોટા ભાગની ચર્ચાઓમાં જ્ઞાનની આપલે, યુવાનો માટેની ખાસ તાલીમ, જૂથ પ્રવૃત્તિ, આઈસીટીનો ઉપયોગ, નાણાં અને બજારની જાણકારી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ બાબતો યુવા પેઢીને કૃષિ ક્ષેત્રે પ્રવેશવા માટે પ્રેરિત કરે છે. આ અંગે નેશનલ એગ્રિકલ્ચરલ રિસર્ચ સીસ્ટમ (NARS) અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ કરેલ પ્રયત્નોને અનુરૂપ પ્રતિસાદ મળેલ નથી.
નીતિ ઘડવૈયાઓ અને વિભાગ ધ્વારા આ બાબત પરત્વે ભાર મૂકવામાં આવેલ ન હોઈ બે પ્રકારના મુળભૂત પ્રશ્નો પેદા થયા છે :
(1) યુવાનોને ચર્ચામાં નહિ સાંકળવાને કારણે તથા તેઓની જરૂરિયાતો અને આકાંક્ષાઓ પ્રત્યે નજરઅંદાજ કરવાને પરિણામે કૃષિ વ્યવસાય તરફ નકારાત્મક સમજ પેદા થઈ છે.
(2) વર્તમાન યુવાનોની ક્ષમતા બાબતોની જાણકારી માટેના મેપિંગની ખામી અને તે વિરોધમાં કૃષિ ઉદ્યોગને એક વ્યવસાય તરીકે સ્વિકારવાની ચાવી રૂપ જરૂરિયાતો.
યોગ્યતાના પાસાનો એટલે કે કૌશલ્યનો વિચાર કરતાં આજના યુવાનો વધુ લાયક અને ટેક-સેવી છે. તેઓ મુળભૂત વ્યવસ્થાના સિદ્ધાંતો અને કેટલીક વ્યાપારી બાબતો વિષે પણ જાણે છે. આથી વર્તમાન સમયે યુવાનોને કૃષિને લગતા ખાસ ઉદ્યોગસાહસિકતાના કાર્યક્રમો અંતર્ગત તાલીમ આપવી જોઈએ. જાહેર/ખાનગી સાહસની જેમ દર મહિને સતત એકધારી આવક કૃષિમાંથી મળી રહે તો યુવાનો કૃષિનો વ્યવસાય અપનાવવાનું વિચારી શકે. આથી યુવાન એગ્રિપ્રીન્યુઅર (Agripreneur) અથવા વ્હાઈટ કોલર ફાર્મર (White-collar farmer) ખેતીના વ્યવસાય કે સંલગ્ન પ્રવૃત્તિને જોખમ વિહિન અને એકધારી સ્થિર આવક આપે તેવું ઈચ્છે છે. દા.ત. સીમાંત કદ ધરાવતું બે એકરનું ખેતર મહિને એક લાખ રૂપિયાની આવક આપે.
આવી દર મહિને આવક એક પાકની ખેતી થકી મેળવી શકાય. આ માટે ખેતીની પ્રવૃત્તિઓમાં વૈવિધ્યતા લાવવી પડે જેમાં ઉત્પાદનનું રોકડેથી વેચાણ, બજારની માંગ મુજબ ગુણવત્તા ધરાવતી પેદાશ, ઊંચુ મૂલ્ય વગેરે બાબતોનો સમાવેશ થાય છે. દા.ત. ખેતીને કૂલ (cool) અને સ્માર્ટ (Smart) બનાવવાનો એખ રસ્તો છે કે જેમાં ફૂલો કે પરદેશી શાકભાજીની ખેતી અપનાવવી, જમીનનો બહુવિધ અને વર્ટિકલ ઉપયોગ કરવો, ખેતી સાથે બતક કે તીતરનો ઉછેર વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
સફળતા મેળવવા માટે અત્રે દર્શાવેલ સંબંધિત કામગીરી અને પ્રવૃત્તિઓ હાથ ધરવી જોઈએ.
(1) કૃષિમાં શેડ નેટ અથવા પોલીથીનથી સુરક્ષિત પાંજરાંનો ઉપયોગ કરી હવામાનની વિપરીત પરિસ્થિતિની અસર થયા વિના પાણીનો ખાત્રીપૂર્વક પૂરવઠો પુરો પાડવાની વ્યવસ્થા કરી ધારેલ ઉત્પાદન મેળવવું.
(2) ખુલ્લા ખેતરોમાં વૈજ્ઞાનિક રીતે ચોકસાઈપૂર્વક પિયત આપવું. દા.ત. દ્રાક્ષના પાકને જમીન ઉપર નહિ ફેલાતાં વાયર ઉપર વેલાને ઉપર ચડાવવા અને ગાદીવાળા ક્યારાની જમીન ઉપર ઓર્ગેનિક અથવા પ્લાસ્ટિક મલ્ચને પાથરી કાણાં પાડી તેમાં પાકની રોપણી કરવી.
(3) ઉત્પાદિત થયેલ પેદાશનું પ્રાથમિક પ્રોસેસિંગ અને મૂલ્ય વર્ધન કરવું. (સલામત, પ્રમાણિત અને પેકિંગ કરેલ પેદાશ ગ્રાહકોને મળે.)
(4) વિવિધ બજારના ભાવો જાણી તે મુજબ અનુસરવું.
(5) વિવિધ સારી ખેતી પદ્ધતિઓ, સાધનોનો ઉપયોગ તેમજ સરકારી યોજનાઓની માહિતીનો ટેકો પુરો પાડી કોઈપણ સ્થાનિક ખેતરનું ઉત્પાદક કંપની કે ઉત્પાદક જૂથમાં કાયદા વડે કે રૂપાંતર કરવું. આ માટે દર મહિને રૂપિયા એક લાખની આવક પ્રાપ્ત થાય તેવું એક આવક આપતું મોડેલ તૈયાર કરવું કે જે જ્ઞાન, જાણકારી અને ઘનિષ્ઠ રોકાણ ધરાવતું હોય.
ખેતસાહસિક વ્યક્તિ શિક્ષિત અને કૃષિ ટેક્નોલૉજીનો વૈકલ્પિક ઉપયોગ કરવા માટેની તાલીમ લીધેલ હોવો જોઈએ. તે કૃષિ વ્યાપારની તકો અને સંસાધનોનો અસરકારક રીતે ઉપયોગ કરવાની કુશળતા ધરાવતો હોવો જોઈએ. તેણે સરકારી નીતિઓ તથા સામાજીક સંસ્થાઓનો ટેકો લેવો જોઈએ.
ફરીથી કૃષિ અપનાવીએ :
કૃષિને સંબંધિત યુવાનોની જરૂરિયાતો, આકાંક્ષાઓ અને ધારણા (સમજ) અંગેનો અભ્યાસ કરવાની જરૂરિયાત છે. આ અંગેનો શોધ અભ્યાસ યુવાન પુરૂષો અને મહિલાઓને શિક્ષણ, માર્ગદર્શન અને સહાય પુરી પાડવા માટેની કાર્યકારી યોજના (એક્શન પ્લાન) તૈયાર કરવામાં માર્ગદર્શન પૂરૂ પાડશે જે છોડ અને પ્રાણીઓની વેપારી ખેતી, વેપાર માટે ઉભરતી તકો અંગેની વ્યવસ્થા, બજારનું મૂલ્યાંકન, ગ્રાહકોની માંગ, વેપારની પ્રગતિ ઉપર દેખરેખ કે નિયંત્રણ, ઉત્પાદક જૂથ સાથેનું નેટવર્ક (જોડાણ) વગેરે ક્ષેત્રોમાં પણ મદદરૂપ થશે.
વર્તમાન સમયે જાણકારી જરૂરી :
પાક અને પશુપાલનની આધુનિક પદ્ધતિઓ, ઈનપુટસ અને સેવા આપનાર સંસ્થાઓ અને યોજનાઓ, ફાર્મ મશીનરીની વ્યવસ્થા, પેદાશની હેરફેર અને પ્રોસેસિંગ, બજાર અને ગ્રાહક વગેરે બાબતોની જાણકારી કૃષિ વેપાર કરનારને હોવી જોઈએ અથવા તો તેણે રસ લઈ તે બાબતો શીખવી જોઈએ. એગ્રિકલ્ચર સ્કિલ કાઉન્સીલ ઑફ ઈન્ડિયા ધ્વારા નિયંત્રિત અને અનિયંત્રિત પરિસ્થિતિમાં ઊંચુ મૂલ્ય ધરાવતી પેદાશોનું ઉત્પાદન કરવા માટેના ખાસ તાલીમ કાર્યક્રમો શરૂ કરવા જોઈએ. જ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે જરૂરી અભ્યાસક્રમ તૈયાર કરી ભણાવવા જોઈએ.
ખેડૂતોનું ‘ખેતસાહસિકો’ (Agripreneur) માં રૂપાંતર કરવું :
જે તે વિભાગ ધ્વારા યુવાનો માટે ખાસ યોજનાઓ ચાલુ કરી નાણાકીય સેવા પુરી પાડી ખેતીમાં રોકાયેલ ખેડૂતોને ‘ખેતસાહસિક’ બનાવવા જોઈએ. આ માટે યુવા પુરૂષો અને મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે સામાજીક સંસ્થાઓનો ફાળો પણ અતિ મહત્વનો છે.
બજારનો વિકાસ :
બજાર અને વેપારનો ઝડપી વિકાસ થાય તો કૃષિમાં વધુ સફળતા મેળવી શકાય. આ માટે બજાર અંગેની પ્રવર્તમાન મુશ્કેલીઓનો ઉકેલ શોધવો જોઈએ. બજારની યોગ્ય સમયમાં વાસ્તવિક માહિતી મળવી જોઈએ, લે-વેચ માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ, ગ્રાહક અને બજારની માંગ જાણવી જોઈએ અને આઈસીટી ટુલ્સનો ઉપયોગ કરવો જોઈએ.
પ્રોસેસિંગ અને મૂલ્ય વર્ધન :
કૃષિ પેદાશોમાં સફાઈ, ગ્રેડિંગ, પેકિંગ વગેરે પ્રાથમિક પ્રોસેસિંગ અપનાવી મૂલ્ય વર્ધન ધ્વારા વધુ આવક અને રોજગારી મેળવી શકાય છે. ખેડૂત પોતાના ખેતર ઉપર જ પ્રોસેસિંગ પ્લાન્ટ ઊભો કરી શકે છે. આ માટે જે તે સત્તાધીશોની મંજૂરી લેવાની રહે છે જે એક જટીલ અને કંટાળાજનક પ્રક્રિયા છે. પ્રાથમિક પ્રોસેસિંગ માટે ખેડૂતોને રાહત દરે વીજળી પુરી પાડવામાં આવે છે. આમ પ્રાથમિક પ્રોસેસિંગને પ્રોત્સાહન આપવાથી વધુમાં વધુ આવક, રોજગારી અને બગાડ ઓછો કરી શકાય છે. ખેતીપેદાશોમાંથી મૂલ્ય વર્ધક બનાવટો તૈયાર કરવાનો પ્લાન્ટની એક ઉદ્યોગ તરીકે ગણના થતી હોઈ તેના માટે વપરાશમાં લેવાતી વીજળી ઉપર વ્યાપારી દર લાગુ પડે છે જે ખેડૂતને મોઘું પડે છે.
નીતિ વિષયક હસ્તક્ષેપ અને સંસ્થાકરણ :
‘સન-રાઈઝ એગ્રિકલ્ચર એન્ટરપ્રાઈઝ’ નામની વ્યૂહરચના અપનાવી કૃષિમાં યુવાનોને આકર્ષીને નવી જોબ ઊભી કરવામાં આવે છે. આ માટે નીતિ આયોગ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય ધ્વારા સંસ્થાકીય, નાણાકીય અને કાયદાકીય ટેકો પુરો પાડી યુવાનોને આકર્ષવામાં આવે છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, નવેમ્બર 2022
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

