સને 2005માં મત્સ્ય ઉત્પાદન 440 લાખ ટન હતું જે સને 2020માં વધીને 875 લાખ ટને પહોંચ્યું છે જે વિશ્વના કુલ મત્સ્ય ઉત્પાદનના અંદાજે 50 ટકા જેટલું છે પરંતુ મત્સ્ય ઉત્પાદનનું આ સ્તર તેની માંગને પહોંચી વળવા પૂરતું નથી તેમ એફએઓ (FAO – 2020) નો રીપોર્ટ જણાવે છે.
ભારતમાં મીઠા પાણીમાં મત્સ્ય ઉછેર માટેની મુખ્ય પ્રાથમિકતાઓ :
(1) મત્સ્ય ઉછેરમાં વૈવિધ્યકરણ (પ્રજાતિ અને પદ્ધતિ મુજબ)
(2) મત્સ્ય ઉછેરના ફાર્મ, યાંત્રિકરણ અને સ્વયંસંચાલિતતા (ઓટોમેશન)
(3) જાતિ (બ્રીડ) સુધારણા (વૃદ્ધિ અને રોગ-પ્રતિકારકતા)
(4) મત્સ્ય ઉછેર વ્યવસ્થા અને સલાહ
(5) મત્સ્ય ખોરાક ઉત્પાદનની તાંત્રિકતા
(6) મત્સ્ય ઉછેરમાં સામાજીક-આર્થિક અસર, નીતિગત સંશોધન અને આઈસીટી
પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના (PMSSY) :

ભારત સરકારે સને 2019-20ના કેન્દ્રિય અંદાજપત્રમાં પીએમએસએસવાય નામની એક નવી યોજનાની જાહેરાત કરેલ જેનો હેતુ મત્સ્ય ઉછેરના ક્ષેત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી મત્સ્ય ઉછેર ક્ષેત્રે વિકાસ સાધી તેની ક્ષમતામાં વધારો કરવાનો હતો. આ સરકારી યોજના ધ્વારા મત્સ્ય ખેડૂત સમાજને ટેકો પુરો પાડી મત્સ્યનું ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં સુધારો કરવાનો હતો.
મીઠા પાણીના મત્સ્ય ઉછેરમાં પ્રજાતિઓનું વૈવિધ્યકરણ :
ભારત દેશ વિવિધ મત્સ્ય પ્રજાતિઓથી સમૃદ્ધ છે અને તેમાં જૈવવૈવિધ્યતા ધરાવે છે. મત્સ્ય પ્રજાતિઓમાં પણ વૈવિધ્યતા ધરાવે છે અને તેમાંની ઘણી ઓછી પ્રજાતિઓનો ઉપયોગ મત્સ્યઉછેરમાં થાય છે. ઈન્ડિયન મેજર કાર્પ ઉપરાંત આપણા દેશમાં કેટલીક માઈનોર કાર્પનો ઉપયોગ મત્સ્ય ખેતી માટે કરવામાં આવે છે જેવી કે લેબિયો કલબાસુ (Labeo calbasu), લેબિયો ફિમબ્રિએટસ (Labeo fimbriatus), લેબિયો ગોનિયસ (Labeo gonius), લેબિયો બાટા (Labeo bata) અને પુન્ટિયસ સરાના (Puntius sarana) તથા પુન્ટિયસ ગોનિયોનોતુસેતે (Puntius gonionotusete). હાલ ભારતમાં મીઠા પાણીના મત્સ્ય ઉછેરમાં માછલીની પ્રજાતિઓમાં વૈવિધ્યતામાં વધારો જોવા મળેલ છે જેમાં પન્ગાસ (Pangus – Pangasionodon hypophthalmus), માગુર (Magur – Clarias magur), બટર કેટફિશ, (Butter catfish, Ompok pabda). સિંધી (Singhi – Heteropneustes fossilis), માયસ્ટસ કાવાસીયસ (Mystus cavasius), રેડ ટિલાપિયા (Red tilapia), ગીફ્ટ ટિલાપિયા (Gift tilapia), ક્લાઈમ્બિંગ પર્સ (Climbing perch, Anabus testudineus), મુરેલ્સ (Murrels – Channa stria અને C. Marulius), પેન્ગ્બા (Pengba, Osteobrama belangeri) અને ફ્રેશવૉટર પ્રોન (Freshwater prawn, Macrobrachium rosenbergii) વગેરે પ્રજાતિઓ તરફ વધુ ધ્યાન કેન્દ્રિત થયુ છે.
મીઠા પાણીમાં મોતી ઉત્પાદન :

મોતી (પર્લ – pearl) ને ‘ક્વીન ઑફ જેમ્સ (Queen of gems)’ કહેવામાં આવે છે જેનું સમૃદ્ધ સાંસ્કૃતિક મહત્વ છે. બજારમાં તેની ભયંકર માંગ છે અને તાજેતરમાં જે દેશો કુદરતી છીપલા સંસાધનો ધરાવે છે ત્યાં તે એક આકર્ષક છીપલા ઉદ્યોગ તરીકે વિકાસ પામ્યો છે. મીઠા પાણીમાં મોતી આપતાં છીપલાં ઉછેરવા માટે ક્લોરેલ્લા (Chorella) પ્રજાતિનું પ્રભુત્વ ધરાવતી ગ્રીન આલ્ગી, બ્લ્યુ ગ્રીન આલ્ગીને વધુ ખોરાક તરીકે પસંદ કરવામાં આવે છે. 35 થી 50 ગ્રામનું વજન અને 8 થી 10 સે.મી. લંબાઈ ધરાવતા મોતીના છીપલાંને પસંદ કરી તેનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. મોતી બનવા માટે અંદાજે 10 મહિના જેટલો સમય લાગે છે અને કલ્ચરને ગ્લાસ ટેન્ક, સિમેન્ટ ટેન્ક કે તળાવમાં રાખવામાં આવે છે. આમ મીઠા પાણીમાં મોતીનું ઉત્પાદન એ એક આકર્ષક ઉદ્યોગ છે જેની આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી માંગ છે.
પદ્ધતિમાં વૈવિધ્યકરણ :
રી-સરક્યુલેટરી એકવાકલ્ચર સીસ્ટમ CRAS) એ એક નવી અને વિરલ પદ્ધતિ છે કે જેમાં નિયંત્રિત વાતાવરણ, મર્યાદિત જગ્યા, પાણી વપરાશની કાર્યક્ષમતામાં સુધારો, ઊચ્ચ સ્ટોકિંગ ઘનતા, માનવશક્તિમાં ઘટાડો, ખોરાક આપવામાં સરળતા, કાપણીમાં સરળતા, પાણીને ગાળી અને સ્વચ્છ બનાવી ફરીથી ઉપયોગ કરીને વધુ ઉત્પાદન મળે તે રીતે મત્સ્ય ઉછેર કે સંવર્ધન કરવામાં આવે છે. આરએએસ એ જળચર પ્રાણીઓના કલ્ચર અને ટકાઉ વ્યવસ્થા માટે વધુ સ્વિકારવામાં આવેલ ખ્યાતનામ પદ્ધતિ છે.
બાયોફ્લૉક ટેકનોલૉજી (Biofloc technology – BFT)
બાયોફ્લૉક એ ડાયાટોમ્સ, મેક્રો આલ્ગી, ફ્રેકલ પેલૅટસ, એક્સઓસ્કેલેટન, મૃત સજીવો, જીવાણુઓ અને અપૃષ્ઠવંશી પ્રાણીઓ ધરાવતો સંયુક્ત વિસ્તાર છે. આ પદ્ધતિમાં મત્સ્ય સંવર્ધન તળાવમાં નિયંત્રિત પરિસ્થિતિ હેઠળ પરપોષી બેક્ટેરીયા અને આલ્ગીનો ઉછેર કરવામાં આવે છે. જો કાર્બન અને નાઈટ્રોજનનું દ્રાવણમાં સારૂ સંતુલન હોય તો એમોનિયમનું કાર્બનિક નાઈટ્રોજનયુક્ત કચરામાં રૂપાંતર થઈ બેક્ટેરીયલ બાયાંમાસ તૈયાર થાય છે. બાયોફ્લૉક તળાવમાં નાઈટ્રોજનના નિયંત્રણ માટે આ પદ્ધતિમાં કાર્બોહાઈડ્રેટસ ઉમેરી પરપોષી બેક્ટેરિયા ધ્વારા નાઈટ્રોજન લેવાતાં તેના પરિણામે માઈક્રોબાયલ પ્રોટીનનું સંશ્લેષણ એટલે કે ઉત્પાદન થાય છે અને પાણીમાંનો એમોનિયમ દૂર થાય છે. બાયોફ્લૉક ટેક્નોલૉજી ઊંચી ઉત્પાદકતા, ઓછો આહાર રૂપાંતરણ દર અને ઉછેર માટે સ્થિર વાતાવરણ પૂરૂ પાડે છે. આ પદ્ધતિ ઓછા ખર્ચે ટકાઉ ઉત્પાદન આપે છે.
ઍક્વાપોનિક્સ (Aquaponics) :

ઍક્વાપોનિક્સ એ પુનઃપરિભ્રમણ મત્સ્ય ઉછેર અને હાઈડ્રોપોનિક્સ પદ્ધતિના સંકલન ધ્વારા મત્સ્ય ઉત્પાદન મેળવવાની એક પદ્ધતિ છે. ઍક્વાપોનિક્સના યુનિટમાં ફિશ ટેન્કનું પાણી ફિલ્ટર ધ્વારા ચક્રમાં ફરે છે. મત્સ્ય ઉછેરમાં પેદા થતું ગંદુ પાણી વાતાવરણમાં છોડવાને બદલે પ્લાન્ટ બેડસમાં મોકલવામાં આવે છે અને આ જ સમયે પ્લાન્ટમાં પોષકતત્વો આપવામાં આવે છે કે જે ટકાઉ, યોગ્ય કિંમત ધરાવતાં અને બિન-રાસાયણિક સ્ત્રોત ધ્વારા મેળવાતા હોય. ઍક્વાકલ્ચર અને હાઈડ્રોપોનિક્સ પદ્ધતિને સંકલિત રીતે ચલાવતાં કેટલાક બિનટકાઉ બાબતોને દૂર કરે છે. નાઈટ્રિફાઈંગ બેક્ટેરીયા ફિશ વેસ્ટ (એમોનિયા)ને છોડના ખોરાક (નાઈટ્રેટ)માં રૂપાંતર કરે છે.
ફ્રેશવૉટર ઈન્ટિગ્રેટેડ મલ્ટિ-ટ્રોપિક ઍક્વાકલ્ચર (FIMTA)
ફિત્મા (FITMA) એ મત્સ્ય ઉછેરની એવી પદ્ધતિ છે જેમાં વિવિધ પોષણ સ્તરોમાં થતી પ્રજાતિઓને પૂરક ઈકોસીસ્ટમમાં કાર્યરત કરી ન ખાધેલ ખોરાક, બગાડ (કચરો) અને એક પ્રજાતિની આડપેદાશનો ઉપયોગ કરી ખાતરો, ખોરાક અને ઊર્જા બીજા પાકને પુરી પાડવામાં આવે છે અને તે રીતે મત્સ્ય પ્રજાતિઓમાં સામૂહિક કે સહકારી પ્રતિક્રિયાઓ વડે લાભ મેળવવામાં આવે છે. ફિત્મા પદ્ધતિ જૈવિક શમન અને મોનોકલ્ચર પ્રક્રિયામાં વૈવિધ્યતાની સવલત પુરી પાડી મત્સ્ય પ્રજાતિઓનો ઉપયોગ કરી પર્યાવરણીય અને આર્થિક લાભો પુરા પાડે છે.
ઘનિષ્ઠ મત્સ્ય ઉત્પાદન માટે ઈન-પોન્ડ રેઈસવે સીસ્ટમ (IPRS) :
આ પ્રકારની પદ્ધતિમાં તળાવમાંની માછલીઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી પાણીની આદર્શ ગુણવત્તા જાળવીને સતત પાણીનો પ્રવાહ પુરો પાડી અને ખોરાક વ્યવસ્થામાં સુધારો કરવામાં આવે છે. પાણીનું પરિભ્રમણ, મિશ્રણ અને હવાની અવરજવર (એરેશન) એ જટીલ બાબતો છે કે જે તળાવમાંની માછલીઓને ખોરાક પુરો પાડવા માટે અગત્યના છે. આ પદ્ધતિના ઉપયોગમાં કેટલાક પડકારો રહેલા છે જેમ કે કેટલીક પ્રજાતિઓમાં ઊંચી ઘનતાને કારણે રોગચાળો થવાની શક્યતા રહેલી છે અને બેકઅપ વિદ્યુત ઊર્જા રાખવા માટે જરૂરી છે.
ફાયબરગ્લાસ રેઈનફોર્સ્ડ પ્લાસ્ટિક (FRP) પોર્ટેબલ કાર્પ હેચરી :
એફઆરપી કાર્પ હેચરી એ કાર્પના બીજ ઉત્પાદન માટે એક અસરકારક ટુલ તરીકે સાબિત થયેલ છે જે ખેડૂતો માટે ફાયદાકારક છે, તેની સહેલાઈથી હેરફેર કરી શકાય છે, ઊભી કરી શકાય છે અને અંતરીયાળ વિસ્તારોમાં વાપરી શકાય છે. તેના કારણે ખેડૂતો કાર્પના બીજ સરળતાથી અને સમયસર પ્રાપ્ત કરી શકે છે. એફઆરપી હેચરી ખેતરોની સ્થિતિમાં એક પ્રક્રિયામાં 10 થી 12 કિલોગ્રામ કાર્પનું મત્સ્ય સંવર્ધન કરવા માટે અનુકુળ છે અને તે જૈવવૈવિધ્યતાનું સંરક્ષણ કરવા માટેના એક સાધન તરીકે વાપરી શકાય છે. પોર્ટેબલ હેચરી એ પ્લાસ્ટિકનું માળખું ધરાવતો સંપૂર્ણ સૅટ છે જે માછલીનાં ઈંડાં અથવા પુખ્ત કાર્પના ઈંડાંમાંથી બચ્ચાં નીકળવાની પ્રક્રિયાના સમયમાં ઘટાડો કરે છે જે એક નોંધપાત્ર બાબત ગણી શકાય.
ઍફઆરપી માગુર હેચરી :
12 સે.મી. નો વ્યાસ ધરાવતું અને 6 સે.મી. ઊંચું પ્લાસ્ટિકનું ટબ એક સ્ટેન્ડ ઉપર ગોઠવીને માગુર હેચરી માટે એક સરળ સાધન બનાવી શકાય છે. ઉપર રાખેલ ટાંકીમાંથી દરેક ટબને પ્લાસ્ટિકની પાઈપ વડે જોડીને સ્વતંત્ર નિયંત્રણ કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. તેમાં ઈંડાંનું સેવન થાય છે તેમજ તેમાંથી બચ્ચાં નીકળે છે. આ ટેક્નોલૉજી સાનુકુળ વાતાવરણ પુરૂ પાડી હેચિંગની ઊંચી ટકાવારી આપે છે જેમાં એક જ સમયે 50,000 જેટલાં ઈંડાંને સેવવામાં આવે છે.
તંદુરસ્ત મત્સ્ય ઉત્પાદન માટે આરોગ્ય વ્યવસ્થા :
મત્સ્ય ખેડૂતોનું નબળું જ્ઞાન અને ગુણવત્તાયુક્ત મત્સ્ય બીજ, મત્સ્ય આહાર અને દવાઓની પ્રાપ્તિને અભાવે માછલીઓમાં વિવિધ ગંભીર રોગોનો ઉપદ્રવ થાય છે જેવા કે, એરોમોનિયાસી એડવર્ડસીલોસીસ, કોલમનારીસ, ઈક્થીયોપ્થોરીયાસીસ, ડેક્ટીલૉજીરોસીસ, આરગ્યુલોસીસ, કોઈ હરપીસ વાયરસ (KHV), કાર્પ એડેમા વાયરસ, ગોલ્ડફિશમાં સાયપ્રિનિડ વાયરસ વગેરે. મીઠા પાણીની માછલીઓમાં વાયરસથી થતા રોગોના ઓળખવા માટે પીસીઆર આધારિત નિદાન અને રોગકારક જીવાણુંઓ માટે એલિસા (ELISA) આધારિત નિદાની પદ્ધતિઓનો વિકાસ કરવામાં આવેલ છે. વધુમાં મત્સ્ય ખોરાક આધારિત દવાઓ બનાવી તંદુરસ્ત મત્સ્ય ઉત્પાદન મેળવી શકાય છે.
મત્સ્ય સેવા (Matsya seva) મોબાઈલ એપ
મત્સ્ય સેવા એપ મત્સ્યની જાતો તેમજ વિષય મુજબ જાતે અભ્યાસ કરી શકાય તેવા અભ્યાસક્રમના મોડ્યુલ ધરાવે છે જેમાં ખ્યાતનામ મત્સ્યઉછેરના નિષ્ણાતો મત્સ્યપાલનની મુળભુત બાબતો, સંવર્ધનના પ્રત્યક્ષ નિદર્શનો, બીજ ઉત્પાદન અને કાર્પ, કેટફિશ, સ્કેમ્પી, મ્યુરેલ માછલીઘરમાં પ્રદર્શિત કરવામાં આવતી માછલીઓ (ઓર્નામેન્ટલ ફિશ) અને મોતીની ખેતી (પર્લ ફાર્મિંગ) વગેરે માછલીની જાતોનો વેપારી ધોરણે ઉછેર અને ઉત્પાદન વગેરેની માહિતી આપવામાં આવે છે. આ એપ મત્સ્ય ઉછેરની છેલ્લામાં છેલ્લી માહિતી તેના વપરાશકારોને આપે છે જેમાં દેશના મત્સ્ય ખેડૂતો, માછીમારો, યુવાનો અને ઉદ્યોગસાહસિકોનો સમાવેશ થાય છે. તે સરળતાથી વેપાર કરવાની સવલત પુરી પાડે છે.
સારાંશ :
ભારતમાં વાદળી ક્રાંન્તિ એટલે કે બ્લ્યુ રીવોલ્યુશન લાવવા માટે રાષ્ટ્રીય કક્ષાએ બ્રુડ સ્ટોકને અપગ્રેડ કરવા, રાષ્ટ્રીય કક્ષાએ પ્રસાર કાર્યક્રમો યોજવા, સમગ્ર વર્ષ દરમ્યાન મત્સ્ય બીજનું ઉત્પાદન કરવા, સ્થાનિક ઉપલબ્ધ ખાદ્ય સ્ત્રોતોનો ઉપયોગ કરી મત્સ્ય ખોરાક તૈયાર કરવા, રોગોનું સર્વેક્ષણ, નિદાન અને નિયંત્રણ કરવા અને ટેકનોલૉજીની અસર ચકાસવા વગેરે બાબતો ઉપર ભાર મૂકવો જરૂરી છે. ભારત દેશ સને 2030 સુધીમાં પ્રતિ વર્ષ અંદાજે 200 લાખ ટન મત્સ્ય ઉત્પાદન પેદા કરશે જે કુલ મત્સ્ય ઉત્પાદનના 80 ટકા થવા જાય છે તેથી જનીનિક રીતે મત્સ્યની સુધારેલી જાતો પેદા કરવી જોઈએ જે માટે પ્રાથમિકતા ધરાવતી માછલી અને છીપ (શેલફીશ – Shell fish) ની પ્રજાતિઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સંકલન સાધી ઓછી ખર્ચાળ માર્કેટ આધારિત અને જીનોમિક પસંદગી કાર્યક્રમો શરૂ કરવા જોઈએ. નીતિ આધારિત સહયોગ અને યોગ્ય વ્યૂહરચના વડે ટેકનોલૉજીની હેરફેર કરી અસરકારક રીતે સંસાધનોનો ઉપયોગ, જોડાણ, કાપણી પછી પેદાશનું પ્રોસેસિંગ વગેરે ધ્વારા હંમેશ માટે મત્સ્યઉછેરનો ટકાઉ વિકાસ સાધી શકાય છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ – ફેબ્રુઆરી 2023
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

