કૃષિ એ ઘણું મોટુ આર્થિક ક્ષેત્ર છે જે દેશના લોકોના ખોરાક અને કાચા માલની જરૂરિયાત, દેશની વસ્તીના મોટા ભાગના લોકોને રોજગારી અને રાષ્ટ્રના આર્થિક વિકાસ અને મૂડીમાં વધારો કરવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
ભારતના અર્થકરણમાં કૃષિ :
દેશની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો નોંધપાત્ર ફાળો છે. પ્રાથમિક રીતે જોતાં ભારત એક કૃષિપ્રધાન દેશ છે. ભારતના અર્થકરણમાં કૃષિનું મહત્ત્વ અનેક ગણું છે. કૃષિ એ ભારતનો મોટામાં મોટો અગત્યનો ઉદ્યોગ છે. ભારતના ૫૦ ટકાથી વધારે લોકો સીધી કે આડકતરી રીતે કૃષિ ઉપર પોતાનું જીવનધોરણ ગુજારે છે. ભારતનું અર્થકરણ એ વિકસિત દેશોની સરખામણીએ વિકાસશીલ તબક્કામાં છે.
આર્થિક વિકાસમાં કૃષિનો ફાળો :
દેશના આર્થિક વિકાસને કૃષિ આગળ ધપાવેે છે. યુકે, યુએસએ, જર્મની, ઈજીપ્ત, જાપાન વગેરે વિકસિત દેશોનો આર્થિક ઈતિહાસ એવું દર્શાવે છે કે કૃષિનો વિકાસ ઉદ્યોગોના વિકાસની પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. દેશને મળેલ આઝાદી પછી હરિયાળી ક્રાંતિ બાદ આપણે અન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ. દુનિયામાં ૧૧મી મોટી આર્થિક તાકાત તરીકે આપણી ગણતરી થાય છે. આપણા લોકોની ખરીદશક્તિની ક્ષમતા પ્રમાણે આપણે દુનિયામાં ચોથા નંબરે છીએ. ભારતની કુલ આવકમાં ૫૫ ટકા ફાળો સેવા ક્ષેત્રનો, ૨૯ ટકા ફાળો ઉદ્યોગોનો અને ૧૬ ટકા ફાળો કૃષિ ક્ષેત્રનો છે.
રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વપરાશ :
રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વપરાશને કારણે આપણા દેશની જમીનોની ફળદ્રુપતા ઘટવા પામી છે. ભારત યુએસએ, રશિયા અને ચીન પછી ખાતરોના વપરાશમાં ચોથા નંબરે છે.
કૃષિનો પ્રવાહ :
કૃષિનો વ્યવસાય એ ૧૦૦૦ વર્ષથી પણ જૂનો છે. શરૂઆતના તબક્કે ખેડૂત ફક્ત પોતાની વ્યક્તિગત જરૂરિયાતો પુરી કરવા માટે ખેતી કરતો હતો. આજે સમગ્ર વિશ્વને પેદાશ પુરી પાડવા માટે ખેડૂતો ખેતી કરી રહ્યા છે. આપણો દેશ ખેતીની પેદાશોના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરે છે. ભારત આઝાદ થયો ત્યારે ૯૦ ટકા વસ્તી ખેતી ઉપર નિર્ભર હતી જેમાં વર્ષોવર્ષ ઘટાડો થતાં હાલ અંદાજે ફક્ત ૫૨ ટકા વસ્તી ખેતી ઉપર નભે છે. વિશ્વની વસ્તી ખોરાક વિના રહી શકે નહિ. આમ ભારતની આર્થિક કરોડરજ્જૂ કૃષિ છે.
પૃથ્વી :
માનવજાતની જીંદગીનો આધાર મુખ્યત્વે અન્ન ઉત્પાદન ઉપર છે નહિ કે સેવા ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર કે અન્ય ક્ષેત્રોના વિકાસ ઉપર. પૃથ્વી માનવજાતની સ્વાર્થી જરૂરિયાતો માટેની બધી જ પેદાશ પૂરી પાડે છે. પૃથ્વી એ માનવીની જરૂરિયાતો જેવી કે તેનું નિવાસ સ્થાન, વીજળી વગેરેનો સ્ત્રોત છે. પૃથ્વી કપાસ, લોખંડ, પથ્થર, રેતી, લાકડું ઉપરાંત હાઈડ્રો અને થર્મલ પાવર, એટમ વગેરે માટેનો સમૃદ્ધ સ્ત્રોત છે. હાલમાં કૃષિ એક માંદો ઉદ્યોગ બન્યો છે જેના કારણોમાં મજૂરો,પાણી, વીજળી, રાસાયણિક ખાતરો અને જમીનની અછત, વસ્તીનું ભારણ, કૃષિની જમીનનો રહેઠાણ, શૈક્ષણિક સંસ્થાઓ, ઉદ્યોગોના સ્થળો અને આર્થિક ઝોન તરીકે ઉપયોગ વગેરેનો સમાવેશ થાય છે.
ખેડૂતોના પ્રશ્નો :
અન્ન ઉત્પાદનમાં થયેલ મોટા ઘટાડા માટે વૈશ્વિક તાપમાનનો મુખ્ય ફાળો છે. વાતાવરણમાં ફેરફાર અને કૃષિ એ એકબીજા સાથે સંકળાયેલ પ્રક્રિયાઓ છે કે જેની વૈશ્વિક અસર થાય છે. વૈશ્વિક તાપમાનને કારણે કૃષિ ઉપર તેમજ સાથે ઉષ્ણતામાન, અંગારવાયુ અને હિમ વગેરે પર હાનિકારક અસર થવા પામેલ છે. કૃષિ ક્ષેત્રને તેના કારણે નીચે જણાવેલ અસરો થવા પામી છે.
(1) પાકનું ઓછુ ઉત્પાદન અને પાકની ગુણવત્તામાં ઘટાડો
(2) પિયત અને કૃષિના ઈનપુટસ (જેવા કે નીંદણનાશકો, કીટનાશકો અને રાસાયણિક ખાતરો)માં ફેરફાર/પરિવર્તન
(3) પર્યાવરણ ઉપર વિપરીત અસરો થવી જેવી કે જમીન ધોવાણ, પાકોની જૈવવૈવિધ્યતામાં ઘટાડો વગેરે
કૃષિમાં ઓછુ ઉત્પાદન મળવાને કારણે દેશના વિવિધ ભાગોમાં ખેડૂતોએ આપઘાત કરેલ તેવા સમાચારો અવારનવાર સમાચારપત્રોમાં જોવા મળે છે. જો કે તે માટે અન્ય કારણો પણ જવાબદાર હોય છે.
ખેડૂતોને હાલમાં પડતી મુશ્કેલીઓ :
(1) કૃષિ પેદાશ માટે કોઈ યોગ્ય ભાવ નિર્ધારણ કરેલ નથી.
(2) ખેતમજૂરો અન્ય ઉદ્યોગોની કામગીરી માટે શહેરોમાં જાય છે.
(3) જમીનના ભૂગર્ભ જળમાં ઘટાડો થયો છે.
(4) નદીના પાણીની વહેંચણી માટે બે રાજયો વચ્ચે વાંધા પડેલ છે.
(5) વાવાઝોડા, પુર, અતિ ભારે વરસાદ, ધરતીકંપ, સુનામી વગેરે કુદરતી આપદાઓ નડે છે.
(6) નકલી જૈવિક ખાતરોથી નુકશાન થાય છે.
(7) ખેડૂતોએ પેદા કરેલ પેદાશના ભાવો નક્કી કરવા માટેની કોઈ પ્રક્રિયા નથી.
(8) ખેડૂતોને વધુ નફો મળતો નથી
(9) વચેટીયાઓ વધુ નફો મેળવે છે.
એક કિલો ટામેટા કેટલીકવાર પાંચ રૂપિયા કે પચાસ પૈસાના ભાવે વેચાય છે. પરિણામે ખેડૂતોને જ પોતાની પેદાશના વેચાણમાં ખોટ ખાવી પડે છે. જ્યારે પેદાશની કિંમતમાં ઘટાડો થાય ત્યારે ખેડૂતને જ સહન કરવાનું આવે છે પરંતુ જ્યારે પેદાશની કિંમત/ભાવ વધે ત્યારે એજન્ટો, હોલસેલર્સ અને રીટેઈલર્સને જ વધુ ફાયદો થાય છે. આમ ખેતપેદાશોના સારા ભાવ ન મળતાં છેવટે ખેડૂતોએ જ સહન કરવાનું આવે છે એટલે કે નુકસાનનો ભાર વેઠવો પડે છે.
ભારતની વસ્તી વધતી જાય છે અને મૃત્યુ દર ઘટતો જાય છે. વિશ્વની કુલ વસ્તીના ૧૭.૫ ટકા વસ્તી ભારતમાં રહેલી છે જેની વિગત કોઠા-૧ અને ૨માં દર્શાવેલ છે. ભારત વિશ્વની કુલ ખેતીલાયક જમીનનો ફક્ત ૨.૫ ટકા વિસ્તાર ધરાવે છે તે જોતાં કૃષિ ઉત્પાદન એ સંતોષકારક ગણાય નહિ.
કોઠો–૧ : વિશ્વના પ્રથમ દશ દેશોમાં વસ્તીનું પ્રમાણ
ક્રમ | દેશ | વસ્તી |
૧ | ચીન | ૧૮.પ ટકા |
ર | ભારત | ૧૭.૭ ટકા |
૩ | યુએસએ | ૪.ર ટકા |
૪ | ઈન્ડોનેશિયા | ૩.પ ટકા |
પ | પાકિસ્તાન | ર.૮ ટકા |
૬ | બ્રાઝિલ | ર.૭ ટકા |
૭ | નાઈજીરિયા | ર.૬ ટકા |
૮ | બંગ્લાદેશ | ૧.૯ ટકા |
૯ | રશિયા | ર.૧ ટકા |
૧૦ | મેક્સિકો | ૧.૭ ટકા |
૧૧ | અન્ય દેશો | ૪ર.૩ ટકા |
કોઠો–૨ : ભારતની વસ્તીમાં થયેલ વધારો
વર્ષ | વસ્તી (૧૦ લાખમાં) |
૧૯૦૧ | ૨૩૮.૪ |
૧૯૧૧ | ૨૫૨.૧ |
૧૯૨૧ | ૨૫૧.૩ |
૧૯૩૧ | ૨૭૯.૦ |
૧૯૪૧ | ૩૧૮.૭ |
૧૯૫૧ | ૩૬૧.૧ |
૧૯૬૧ | ૪૯૩.૨ |
૧૯૭૧ | ૫૪૮.૨ |
૧૯૮૧ | ૬૮૩.૨ |
૧૯૯૧ | ૮૪૬.૪ |
૨૦૦૧ | ૧૦૨૮.૭ |
૨૦૧૧ | ૧૨૧૦.૨ |
કોઠો–૩ : ભારતની વસ્તીમાં થનાર અપેક્ષિત વધારો
વર્ષ | વસ્તી (૧૦ લાખમાં) |
૨૦૧૬ | ૧૩૨૪.૫૧ |
૨૦૧૭ | ૧૩૩૮.૬૬ |
૨૦૧૮ | ૧૩૫૨.૬૨ |
૨૦૧૯ | ૧૩૬૭.૬૦ |
૨૦૨૦ | ૧૩૭૮.૬૦ |
૨૦૨૧ | ૧૩૯૧.૯૯ |
૨૦૨૨ | ૧૪૦૫.૨૦ |
૨૦૨૩ | ૧૪૧૮.૨૧ |
૨૦૨૪ | ૧૪૩૦.૯૯ |
૨૦૨૫ | ૧૪૪૩.૫૪ |
૨૦૨૬ | ૧૪૫૫.૮૨\ |
ભારતની કૃષિમાં થયેલ ઘટાડાના કારણો :
(1) ખેતી માટે ઓછી મૂડીનું રોકાણ
(2) ખેતપેદાશોના સંગ્રહ માટે યોગ્ય ગોડાઉન, સ્ટોર હાઉસ, વેરહાઉસ વગેરેનો અભાવ
(3) ખેતી પેદાશોની નિકાસ અને આયાત કરવા માટેની પ્રક્રિયા અને બજારની મુશ્કેલીઓ
(4) તાંત્રિકતાઓનો ઓછામાં ઓછો ઉપયોગ
(5) સરકાર ધ્વારા પુરી પાડવામાં આવતી સહાયનું પ્રમાણ ઓછુ
વિશ્વમાં ઘઉંની ખેતી અંગેની આંકડાકીય માહિતી મુજબ ભારત બીજા સ્થાને તથા અન્ય દેશોના ઘઉંના ઉત્પાદનની સરખામણીએ હેકટરે ફક્ત ૨૬૧૯ કિ.ગ્રા ઘઉં પેદા કરે છે જે કોઠા-૪ અને ૫માં દર્શાવેલ છે.
કોઠો–૪ : વિશ્વમાં ઘઉનું દેશ દીઠ ઉત્પાદન
ક્રમ | દેશ | ઘઉંનું ઉત્પાદન |
૧ | ચીન | ૧૭.૨૪ ટકા |
૨ | ભારત | ૧૧.૪૪ ટકા |
૩ | યુએસએ | ૯.૪૬ ટકા |
૪ | રશિયા | ૭.૪૩ ટકા |
૫ | ફ્રાન્સ | ૫.૮૪ ટકા |
૬ | કેનેડા | ૪.૫૦ ટકા |
૭ | અન્ય | ૪૪.૦૯ ટકા |

કોઠો–૫ : વિવિધ દેશોમાં હેકટરે ઘઉનું ઉત્પાદન
ક્રમ | દેશ | ઘઉંનું (કિ.ગ્રા./હેકટર) ઉત્પાદન |
૧ | ગ્રેટ બ્રિટન | ૮૦૩૯ |
૨ | ફ્રાન્સ | ૬૭૪૦ |
૩ | ઈજીપ્ત | ૬૪૫૫ |
૪ | ચીન | ૪૪૬૬ |
૫ | ઈટાલી | ૩૬૮૨ |
૬ | સ્પેન | ૨૮૪૮ |
૭ | અમેરિકા | ૨૮૨૫ |
૮ | રોમાનિયા | ૨૭૭૪ |
૯ | ભારત | ૨૬૧૯ |
૧૦ | કેનેડા | ૨૫૮૯ |
૧૧ | આર્જેન્ટીના | ૨૫૪૫ |
૧૨ | પાકિસ્તાન | ૨૫૧૯ |
૧૩ | સીરીયા | ૨૪૫૨ |
વિશ્વમાં ડાંગરની ખેતી અગેની માહિતી મુજબ ભારત પ્રથમ ક્રમે તથા અન્ય દેશોના ડાંગરના ઉત્પાદનની સરખામણીએ હેકટરે ફક્ત ૩૧ર૪ કિ.ગ્રા. ડાંગર પેદા કરે છે જે કોઠા-૬ અને ૭ માં દર્શાવેલ છે.
કોઠો–૬ : વિશ્વમાં ડાંગરનું ઉત્પાદન
ક્રમ | દેશ | ડાંગરનું ઉત્પાદન |
૧ | ભારત | ૨૯.૦૧ ટકા |
ર | ચીન | ૨૧.૫૧ ટકા |
૩ | ઈન્ડોનેશિયા | ૮.૫૭ ટકા |
૪ | બંગ્લાદેશ | ૬.૮૯ ટકા |
૫ | વિયેટનામ | ૫.૬૫ ટકા |
૬ | થાઈલેન્ડ | ૪.૬૧ ટકા |
૭ | અન્ય | ૨૩.૭૬ ટકા |

કોઠો–૭ : વિશ્વના વિવિધ દેશોમાં ડાંગરનું હેકટર દીઠ ઉત્પાદન
ક્રમ | દેશ | ઘઉંનું ઉત્પાદન (કિ.ગ્રા./હેકટર) |
૧ | ઈજીપ્ત | ૧૦૫૯૮ |
૨ | અમેરિકા | ૭૬૯૪ |
૩ | જાપાન | ૬૩૩૬ |
૪ | ચીન | ૬૨૬૫ |
૫ | વિયેટનામ | ૪૮૯૧ |
૬ | ઈન્ડોનેશિયા | ૪૭૭૨ |
૭ | રશિયન ફેડરેશન | ૪૩૯૪ |
૮ | બંગ્લાદેશ | ૩૯૦૪ |
૯ | બ્રાઝિલ | ૩૮૬૮ |
૧૦ | ફિલિપાઈન્સ | ૩૬૮૪ |
૧૧ | મ્યાનમાર | ૩૫૦૦ |
૧૨ | પાકિસ્તાન | ૩૧૬૪ |
૧૩ | ભારત | ૩૧૨૪ |
ભારત કરતાં વસ્તીની દૃષ્ટિએ ચીન પ્રથમ ક્રમાંકે છે પરંતુ ચીને ઈન્ફોર્મેશન ટેકનોલોજી, વાહન ઉત્પાદન, ઈલેકટ્રોનિક સામાન, વાહનવ્યવહાર અને બેકિંગ ક્ષેત્રે મોટી હરણફાળ ભરી છે. કૃષિ ક્ષેત્રે પણ તે ભારતની સરખામણીએ સ્વાશ્રયી છે. એક અંદાજ મુજબ સને ૨૦૨૦ બાદ ભારત વસ્તીની દૃષ્ટિએ આગળ વધશે અને અન્ય ઉત્પાદનમાં સહેજ ઘટાડો આવશે.
કૃષિને અગ્રિમતા આપો :
વૈશ્વિકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણને કારણે વિશ્વ સાકડું બની ગયેલ છે એટલે કે દૂર દૂરના દેશો એકબીજાની નજીક આવી ગયા છે. ઉદ્યાગસાહસિકો પોતાનો ઉદ્યોગ દેશમાં ગમે ત્યાં શરૂ કરી શકે તે માટે ખેતીલાયક જમીનોનું રીયલ એસ્ટેટમાં કે ખાસ આર્થિક ઝોનમાં રૂપાંતર કરવું જરૂરી છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને તામિલનાડું જેવા રાજ્યોમાં શહેરીકરણને કારણે શહેરોની હદને વિસ્તાવામાં આવી છે. ભારતનું અન્ન ઉત્પાદન મોટા ભાગે પંજાબ, હરિયાણા, મહારાષ્ટ્ર અને ગુજરાત એમ ચાર રાજ્યો ઉપર િનર્ભર છે. આ સિવાયના રાજ્યોમાં કૃષિ ક્ષેત્રને ખાસ મહત્ત્વ આપવામાં આવતું નથી.આ જોતાં આપણે અન્ન ઉત્પાદનમાં વધારો કરવો પડશે. આપણે લભ્ય જમીનમાં કૃષિ ઉદ્યોગો સ્થપાય તે માટેની અગ્રિમતા આપવી પડશે.
ભૂખ, ગરીબાઈનો સામનો કરવા માટે પોષણયુક્ત આહાર પેદા કરવો જોઈએ. આવનાર દશ વર્ષમાં ચીન, જાપાન અને અમેરિકા કરતાં પણ આપણા દેશમાં યુવાધન વધારે હશે. તે જોતાં યુવાનો, બાળકો અને વૃદ્ધોને ઊંચો પોષણયુક્ત આહાર પુરો પાડવો પડશે.
જમીનો રાસાયણિક ખાતરોના ઉપયોગને કારણે પ્રદૂષિત બની છે. કેટલાક રાસાયણિક ખાતરો કરમિયાં વગેરેને નુકસાન પહોંચાડે છે. આપણે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે કુદરતી ખાતરોના ઉપયોગ માટેની જૂની પધ્ધતિઓના ઉપયોગ તરફ પાછા વળવું પડશે. અળસિયાં એ માનવીનું મિત્ર છે તેથી તેનો ખેતીમાં વિશેષ ઉપયોગ કરવાની જરૂર છે. વર્મિકમ્પોસ્ટ ટેકનોલોજીનો ખેતીમાં ઉપયોગ દેશના આર્થિક વિકાસમાં મહત્ત્વનો ફાળો આપશે.
ખેતીલાયક જમીનોના નાના નાના ટુકડા ન બને તે માટે એક કાયદો ઘડી તેનો અમલ કરવાની જરૂરિયાત છે.
વૈશ્વિક તાપમાનની અસરને કારણે અન્ન ઉત્પાદનમાં ૨૦ થી ૩૦ ટકા જેવું નુકસાન થવાની શક્યતા છે. પુર, દુષ્કાળ, સુનામી વગેરે કુદરતી આપદાને કારણે ભોગ બનતા ખેડૂતોને નુકસાનીથી બચાવવા માટે ખેડૂત વીમા યોજના શરૂ કરવી જોઈએ.
યુવાનોને કૃષિમાં રસ લેતા કરવા જોઈએ.
ખેડૂતો નવી તાંત્રિકતાની જાણકારી મેળવે તે માટે તેઓને પ્રોત્સાહિત કરવા વર્કશોપ, તાલીમ, સેમિનાર વગેરે યોજવા જોઈએ.
સ્ત્રોતઃ ડ્રીમ ૨૦૪૭, ફ્રેબુ.૨૦૧૬
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in