ભારતમાં ગ્રામ્ય સમાજ માટેની સરકારી યોજનાઓ (Government schemes for rural communities in India)

                ગ્રામ્ય લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારોમાં રોજગારી માટે પ્રયાણ કરે છે. તેને ધ્યાને લઈ ભારત સરકારે ગ્રામ્ય સમાજના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટસ સને 2020-21 દરમ્યાન શરૂ કરેલ છે જેની ટૂંકી માહિતી અત્રે દર્શાવેલ છે :

(1) ગરીબ કલ્યાણ રોજગાર અભિયાન  

       આ યોજના તા. 20-06-2020 ના રોજ મા. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ શહેરોમાંથી ગ્રામ્ય વિસ્તારમાં પરત આવેલ અને ગ્રામ્ય લોકો માટે શરૂ કરવામાં આવેલ. આ યોજના લોકોને સક્ષમ બનાવી જીવન જીવવાની તકો પુરી પાડે છે. આ યોજનામાં દેશના કુલ 116 જીલ્લો આવરી લેવામાં આવેલ છે જેમાં બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઝારખંડ અને ઓરિસ્સા એમ છ રાજ્યોના શહેરોમાંથી ગામડાઓમાં પરત આવેલ 25,000 થી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ યોજનામાં ` 50,000 કરોડની ચૂકવણી કરવામાં આવેલ છે.

 

(2) ટ્રાન્સપેરન્ટ ટેક્ષેસન-હોનરિંગ ધી ઓનેસ્ટ સ્કીમ (Transparent taxation – honouring the honest scheme)  

                આ યોજનાની શરૂઆત તા. 13-08-2020ના રોજ થયેલ મા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના પ્રામાણિક કરદાતાઓના લાભાર્થે શરૂ કરેલ કે જેઓએ સખત મહેનત કરી દેશની પ્રગતિમાં સાથ આપેલ છે. આ યોજના હેઠળ ભારતમાંના કરમાળખાને સરળ બનાવી અને જરૂરી સુધારાઓ કરવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ ડોક્યુમેન્ટ આઈડેન્ટિફિકેશન નંબર (DIN) આપવાનો છે. આમ આવકવેરા વિભાગ ધ્વારા આ નંબર વડે જ દરેક પત્રવ્યવહાર કરવામાં આવશે.

 

(3) પઢના લિખના અભિયાન :

                આ યોજના મા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તા. 8-09-2020ના રોજ ઈન્ટરનેશનલ લિટરેસી ડે ના નિમિત્ત શરૂ કરવામાં આવેલ જેનો હેતુ વિશ્વમાં કોવિડ-19ની મહામારી બાદ શિક્ષણને લગતા પડકારોને પહોંચી વળવા માટે દેશના પુખ્ત લોકોને શિક્ષિત બનાવવાનો છે. આ યોજના હેઠળ આદિવાસી અને વન વિસ્તાર તેમજ જેલમાં રહેતા કેદીઓ અને ઝૂંપડીપટ્ટી વિસ્તારના લોકોને આવરી લેવામાં આવેલ છે. આ યોજનામાં ઈ-મટેરીયલ્સ અને મોબાઈલ એપ્સ વગેરે ટેક્નોલૉજીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવશે. જો કે ભારત દેશ સને 2023ના અંત સુધીમાં 100 ટકા સાક્ષરતા પ્રાપ્ત કરી શકેલ નથી.  

 

(4) સ્વામિત્વ સ્કીમ (SVAMITVA Scheme) :

        મા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નેશનલ પંચાયતી રાજના દિને તા. 24-04-2020ના રોજ આ સ્વામિત્વ યોજનાની સ્થાપના કરેલ. આ યોજનાનો મુખ્ય હેતુ ગ્રામ્ય લોકોને તેમના ઘરની મિલકતોના દસ્તાવેજ બનાવી આપવા જેથી આર્થિક હેતુ માટે તેનો ઉપયોગ કરી શકે. માન. પ્રધાનમંત્રીશ્રી મોદીએ તા. 10-10-2020ના રોજ ગ્રામ્ય લોકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરેલ. આ યોજનાથી લાખો લોકો સક્ષમ બનશે. પ્રોપર્ટી કાર્ડને આધાર કાર્ડની માફક યુનિક આઈડેન્ટીફિકેશન નંબર (UIN) આપવામાં આવશે. આ રીતે ગ્રામ્ય લોકો પ્રોપર્ટી કાર્ડનો ઉપયોગ લોન કે નાણાંકીય લાભો મેળવવા માટે કરી શકશે.   

 

(5) પીએમ સ્વનિધિ સ્કીમ અથવા પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ સ્કીમ :

                કેન્દ્ર સરકાર ધ્વારા તા. 1-06-2020 ના રોજ આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ. કોવિડ-19ની મહામારી બાદ શેરી વિક્રેતાઓ એટલે કે લારી-ગલ્લાવાળાઓને તેમની આજીવિકાની પ્રવૃત્તિઓને અસર થયેલ જે માટે લોનની સવલત પુરી પાડી મદદ કરવામાં આવેલ.  

 

(6) આત્મનિર્ભર ભારત સ્કીમ :   

        પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તા. 12-05-2020ના રોજ આ યોજના શરૂ કરેલ જેનો હેતુ ભારત દેશને સ્વાવલંબી ભારત (Self-reliant India) અને આત્મનિર્ભર ભારત (Self-sufficient India) બનાવવાનો છે. મા. મોદીશ્રીના સ્વાવલંબી બનવા માટેના મુખ્ય પાંચ સ્તંભો છે : આર્થિક કરકસર, આંતરમાળખાકીય, માળખુ, ટેક્નોલૉજી સંચાલિત પદ્ધતિ, જીવંત વસ્તી અને માંગ.  

 

(7) ઓપરેશન ગ્રીન્સ સ્કીમ (Operation greens scheme) :   

                કેન્દ્ર સરકાર ધ્વારા 11-11-2020ના રોજ આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ જેનો હેતુ હિમાલય અને ઉત્તર પૂર્વના રાજ્યોમાંથી 41 જેટલા નોંધાયેલ ફળો અને શાકભાજીને દેશના ગમે તે ભાગે હવાઈ પરિવહનથી મોકલવા માટે 50 ટકા સહાય (સબસિડી) આપવાનો છે. આવા 21 ફળોમાં કેરી, કેળાં, જામફળ, નારંગી, મોસંબી, લીચી, કીવી, લીંબુ, લેમન, પાઈનેપલ, દાડમ, પપૈયા, સફરજન, બદામ, પીઅર, ચીકુ, પેશન-ફ્રુટ, જેકફ્રુટ, કિન્નુ અને આમળાંનો જ્યારે 20 શાકભાજીમાં ડુંગળી, બટાટા, ટામેટા, ફણસ, લસણ, રીંગણ, કેપ્સિકમ, ગાજર, કોલીફ્લાવર, કારેલા, લીલાં મરચાં, કાકડી, વટાણા, મોટી ઈલાયચી, ભીંડા, આદુ, કોબીજ, મૂળા અને સૂકી હળદર વગેરેનો સમાવેશ થાય છે.  

 

(8) પ્રધાન મંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY)

      આ યોજના મા. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તા. 10-09-2020 ના રોજ શરૂ કરી હતી જેનો મુખ્ય હેતુ ભારતમાં મત્સ્ય ક્ષેત્રનો ટકાઉ વિકાસ સાધવાનો છે. આ યોજના હેઠળ ભારતના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત વિસ્તારોને આવરી લેવામાં આવેલ છે જેમાં સને 2020-21 થી 2024-25 સુધીના પાંચ વર્ષના ગાળામાં ` 20,050 કરોડનો ખર્ચ કરવામાં આવશે. તેનો હેતુ સને 2024-25 સુધીમાં ભારતના કુલ મત્સ્ય ઉત્પાદનમાં વધારાના 70 લાખ ટનનું ઉત્પાદન કરી અને મત્સ્ય નિકાસમાં 1 લાખ કરોડ રૂપિયાનો વધારો કરવાનો છે.  

 

(9) પીએમ વાય-ફાય એસેસ નેટવર્ક ઈન્ટરફેસ (PM Wi-Fi Access Network Interface PM-WANI)

                કેન્દ્ર સરકારની કેબિનેટ ધ્વારા તા. 9-12-2020 ના રોજ આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ જેનો મુખ્ય હેતુ ભારતમાં વાયરલેસ જોડાણોમાં સુધારો કરવાનો છે કે જેથી વ્યવસાય કરવામાં સરળતા (Ease of Doing Business) અને જીવનમાં સરળતા (Ease of living) ને વધુ ઉત્તેજન મળે.  

 

(10) આયુષ્યમાન સહકાર સ્કીમ :    

        આ યોજનાની શરૂઆત તા. 19-10-2020 ના રોજ ભારત સરકારના કૃષિ મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાએ કરી હતી. જેનો મુખ્ય હેતુ સહકારી મંડળીઓ માટે તંદુરસ્ત માળખાકીય સવલતો ઊભી કરવાનો છે જે માટે ` 10,000 કરોડનું ફંડ આપવામાં આવેલ છે.  

 

(11) નેશનલ ડિજિટલ હેલ્થ મિશન :  

        ભારતના મા. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તા. 15-08-2020 ના રોજ આ યોજનાની શરૂઆત કરેલ જેનો મુખ્ય હેતુ દેશના તમામ નાગરિકોને તેઓના સલામત આરોગ્ય માટે રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ ડિજિટલ હેલ્થ ઈકોસીસ્ટમ પુરી પાડવાનો છે. ભારત દેશમાં આરોગ્ય ક્ષેત્રે ટેકનોલૉજીના ઉપયોગથી નવી ક્રાન્તિ લાવવામાં આ પ્રોજેક્ટ મહત્વનો ભાગ ભજવશે. આ યોજના હેઠળ ભારતના દરેક નાગરિકને હેલ્થ આઈડી કાર્ડ આપવામાં આવશે.

 

(12) પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના

        ભારતના મા. પ્રધાન મંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તા. 26-03-2020ના રોજ આ યોજનાની શરૂઆત કરેલ જેનો મુખ્ય હેતુ રાષ્ટ્રના દરેક ગરીબ નાગરિકોને અન્ન પૂરૂ પાડવાનો છે. આ યોજના હેઠળ વ્યક્તિદીઠ 5 કિલો ચોખા કે ઘઉં (પ્રાદેશિક ખોરાકની પસંદગી અનુસાર) અને કાર્ડ દીઠ એક કુટુંબને 1 કિ.ગ્રા. દાળ આપવામાં આવે છે.

 


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ઓક્ટોબર – 2022


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *