મગફળી એ ‘તેલીબિયાનો રાજા’ તરીકે પ્રખ્યાત કઠોળ વર્ગનો પાક છે. તેનુ મૂળ વતન દક્ષિણ અમેરિકા છે પરંતુ હાલ ઘણા દેશોમાં તેનુ વાવેતર થાય છે. ઈ.સ. પૂર્વે ૧૦૦૦ મા પેરૂના કિનારે તેની શોધ થયાની નોંધ છે. ૧૬ મી સદીમાં પોર્ટુગીઝો ધ્વારા બ્રાઝિલ થી પશ્ચિમ આફ્રિકા અને સ્પેનીશ ધ્વારા પેસિફિક થી ફિલિપાઈન્સમા ફેલાવો થયો. ત્યારબાદ ત્યાંથી ચીન, જાપાન, મેલશિયા, ભારત અને માડાગાસ્કરમાં તેનુ વાવેતર શરૂ થયું.
મગફળીનું ઉત્પાદન અને વિસ્તાર :
સને ર૦૧૮ની આંકડાકીય માહિતી મુજબ વિશ્વમાં ચીન મગફળીના ઉત્પાદન (૧૬૬.ર૪ લાખ ટન)માં મોખરે છે ત્યારબાદ ભારત (૬૮.પ૭ લાખ ટન), નાઈજીરીયા (૩૦.ર૮ લાખ ટન) અને યુએસએ (રપ.૭૮ લાખ ટન)નો નંબર આવે છે. ભારતમાં તેલીબિયાંના ઉત્પાદનમાં મગફળીનો ફાળો મોટો છે. સને ર૦૧૯-ર૦ની આંકડાકીય માહિતી મુજબ ભારતના ૩૯.૩૧ લાખ હેકટર વિસ્તારમાં મગફળીની ખેતી થાય છે જેમાં ગુજરાત રાજ્ય ૩૯.૪૮ ટકા ( ૧પ.પર લાખ હેકટર વિસ્તાર) સાથે પ્રથમ ક્રમે ત્યારબાદ રાજસ્થાન (૧૪.પ૮ ટકા), આંધ્રપ્રદેશ (૧૩.૬૬ ટકા), કર્ણાટક (૯.૮૭ ટકા), મધ્યપ્રદેશ (પ.૬પ ટકા) અને અન્ય (૧૬.૭૬ ટકા)નો સમાવેશ થાય છે. (સ્ત્રોત : www.agricoop.com). ભારતમાં પ્રથમ ક્રમે મગફળીમાં ઉત્પાદકતાની દૃષ્ટિએ તામિલનાડુ રાજ્ય (૧૬૦૪ કિ.ગ્રા./હેકટર) ત્યારબાદ ગુજરાત રાજ્ય બીજા ક્રમે (૧૧૯૦ કિ.ગ્રા./હેકટર) છે. ભારતમાં થતા કુલ ઉત્પાદનના ૮૦ ટકા ઉત્પાદનનો ઉપયોગ તેલ અને ખોળ તરીકે થાય છે.
મગફળીનું પોષણ મૂલ્ય :
વિશ્વમાં પોષકતત્વોથી સમૃદ્ધ ખોરાકમાં તરીકે મગફળીનો સમાવેશ થાય છે. કૃષિ ખાતાએ જણાવ્યા મુજબ તે વધુમાં વધુ પોષકતત્વો ધરાવે છે જેમાં આહાર શક્તિ (ફૂડ એનર્જી), પ્રોટીન, ફોસ્ફરસ, થાયમિન અને નિયાસિનનો સમાવેશ થાય છે. મગફળી ૨૧ ટકા કાર્બોહાઈડેટસ, ૭ ટકા ફેટ, ૧૬ ટકા પોલી અનસેચ્યુરેટેડ ફેટ, ૨૫ ટકા પ્રોટીન અને સારા એવા પ્રમાણમાં કેટલાયે વિટામિનો અને ખનીજો ધરાવે છે. ૧૦૦ ગ્રામ મગફળીના પોષણ મૂલ્યની વિગત કોઠા-૧ માં દર્શાવેલ છે.
કોઠો–૧ : ૧૦૦ ગ્રામ મગફળીમાં રહેલ પોષક મૂલ્ય
| શક્તિ (એનર્જી) |
૨૩૮૫કેજે (૫૭૦ કિલો કેલેરી) |
આર્જીનાઈન | ૩.૦૦૧ ગ્રામ |
| કાર્બોહાઈડ્રેટસ | ૨૧.૦ ગ્રામ | હિસ્ટીડાઈન | ૦.૬૩૪ગ્રામ |
| પાચ્ય રેસા | ૦૯.૦ ગ્રામ | એસ્પાર્ટિક એસિડ | ૩.૦૬૦ગ્રામ |
| ચરબી (ફેટ) | ૪૮ ગ્રામ | ગ્લુટેમિક એસિડ | ૫.૨૪૩ ગ્રામ |
| સેચ્યુરેટેડ | ૦૭ ગ્રામ | ફીનાઈલએલેનાઈન | ૧.૩૦૦ગ્રામ |
| મોનોઅનસેચ્યુરેટેડ | ૨૪ ગ્રામ | ટાયરોસીન | ૧.૦૨૦ગ્રામ |
| પોલીઅનસેચ્યુરેટેડ | ૧૬ ગ્રામ | પાણી | ૪.૨૬ ગ્રામ |
| પ્રોટીન | ૨૫ ગ્રામ | થાયામિન (વિટામિન બી૧) | ૦.૬ મિ.ગ્રા |
| ટ્રીપ્ટોફેન | ૦.૨૪૪ ગ્રામ | રાઈબોફ્લેવિન (વિટામિન બીર) | ૦.૩ મિ.ગ્રા. |
| થ્રીઓનાઈન | ૦.૮૫૯ ગ્રામ | નિયાસીન (વિટામિન બી૩) | ૧૨.૯ મિ.ગ્રા. |
| આઈસોલ્યુસીન | ૦૮૮૨ ગ્રામ | ||
| લ્યુસીન | ૧.૬૨૭ ગ્રામ | પેન્ટોથેનિક એસિડ (વિટામિન |
બી૫) ૧.૮ ગ્રામ |
| પ્રોલીન | ૧.૧૦૭ ગ્રામ | વિટામિન બી૬ | ૦.૩ મિ.ગ્રા. |
| સેરીન | ૧.૨૩૬ ગ્રામ | ફોલેટ (વિટામિન બી૯) |
૨૪૬ માઈકોગ્રામ |
| ગ્લાયસીન | ૧.૫૧૨ ગ્રામ | કેલ્શિયમ | ૬૨ મિ.ગ્રા. |
| લાયસીન | ૦.૯૦૧ ગ્રામ | આયર્ન | ૨ મિ.ગ્રા. |
| મીથીયોનાઈન | ૦.૩૦૮ ગ્રામ | મેગ્નેશીયમ | ૧૮૪ મિ.ગ્રા. |
| સીસ્ટીન | ૦.૩૨૨ ગ્રામ | ફોસ્ફરસ | ૩૩૬ મિ.ગ્રા. |
| વેલાઈન | ૧.૦૫૨ ગ્રામ | પોટેશીયમ | ૩૩ર મિ.ગ્રા. |
સ્ત્રોત : યુએસમડીએ ન્યટ્રીયન્ટ ડેટાબેઝ
સને ૧૯૯૦ સુધી મગફળીમાં રહેલ પ્રોટીન અને અન્ય કઠોળમાં રહેલ પ્રોટીન જેવા કે સોયા પ્રોટીનને માનવીની વૃદ્ધિ અને તંદુરસ્તી માટે જરૂરી પોષકતત્વો ધરાવતાં હોઈ માંસ અને ઈડાંની સમકક્ષ ગણવામાં આવતા હતાં.
નિયાસિન : મગફળી એ વિટામિન બી૩ નો ઊંચો સ્ત્રોત છે કે જેને નિયાસિન તરીકે ઓળખવામાં આવે છે. તે મગજની તંદુરસ્તી અને લોહીના પ્રવાહ માટે અગત્યનું છે. મગફળીમાં રહેલ વિટામિન બી૩ સ્મરણશક્તિને તેજ કરવાનું કામ કરે છે તેમજ સગર્ભા મહિલાના ગર્ભનો સારો વિકાસ કરે છે. પાગલ વ્યકિતઓની સારવારમાં નિયાસિનના પરિણામો પ્રોત્સાહજનક મળેલ છે.
રેસ્વેરાટ્રોલ : મગફળી એ રેસ્વેરાટ્રોલ નામના કુદરતી ફીનોલનો નોંધપાત્ર સ્ત્રોત છે કે જે શરીરમાં વૃદ્ધત્વને અટકાવે છે અને હૃદયરોગ તથા કેન્સરના જોખમને ઘટાડે છે. તાજેતરમાં શોધ થયા મુજબ ૧ ઔસ (૧૫ જેટલી મગફળી) મગફળી ખાવામાં આવે તો તેમાંથી અંદાજે સરેરાશ ૭૩ માઈક્રોગ્રામ રેસ્વેરાટ્રોલ મળે છે.
કો–અન્ઝાઈમ ક્યુ૧૦ : તેલ આપતી માછલીઓ, બીફ (માંસ), સોયાબીન અને પાલખની માફક મગફળી એ કોએનાઈઝાઈમ ક્યુ૧૦ નો સ્ત્રોત છે.
એન્ટિઓક્સીડેન્ટસ : ઘણા ફળોની માફક મગફળી પણ એન્ટિઓક્સીડેન્ટ ગુણ ધરાવે છે. મગફળીના શેકેલા દાણા બ્લેકબેરી અને રાસ્પબેરીની માફક એન્ટિઓક્સીડેન્ટ ધરાવે છે. સફરજન, ગાજર અને બીટ કરતા પણ તે એન્ટિઓક્સિડેન્ટથી સમૃદ્ધ છે. યુનિવર્સિટી ઓફ ફ્લોરીડાના વૈજ્ઞાનિકોએ કરેલ સંશોધન કે જે જર્નલ ઓફ ફૂડ કેમેસ્ટ્રીમાં પ્રકાશિત થયેલ છે તેમાં જણાવ્યા મુજબ મગફળી ઊંચા પ્રમાણમાં પોલીફીનોલ્સ એન્ટિઓક્સીડેન્ટ ધરાવે છે કે જે હૃદયરોગ અને કેન્સરથી થતા નુકસાનથી કોષોને રક્ષણ પુરૂ પાડે છે. મગફળીને શેકવાથી તેમાં રહેલ એન્ટિઓક્સીડેન્ટનાં પ્રમાણમાં ૨૨ ટકા જેટલો વધારો થાય છે પરંતુ તેમાં રહેલ ચરબી વજનમાં ઘટાડો કરતી નથી. ખારી સીંગ તંદુરસ્તી માટે સારી નથી. મગફળીના દાણાને ફળો સાથે ખાવા એ એક ઉત્તમ રસ્તો છે કે જેમાં મીઠું ન હોવાથી શરીરની તંદુરસ્તીને ફાયદો કરે છે.
મગફળીના કુદરતી લાભો અને ઔષદ્યિય ગુણો :
મગફળીનું પોષક મૂલ્ય ઊંચુ છે તેની સાથે ભાવ તે નોંધપાત્ર ઔષદ્યિય ગુણો ધરાવે છે. મગફળીનું તેલ એ મુખ્યત્વે મોનોસેચ્યુરેટેડ ફેટ છે જેમાં વધુ પ્રમાણમાં ઓલિક એસિડ રહેલો છે. તે ચામડીની તંદુરસ્તી માટે ફાયદાકારક છે. તે ચામડીને સુવાળી રાખે છે. મગફળીના તાજા શેકેલા દાણાને ગોળ અને બકરીના દૂધ સાથે ઉછરતા બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓને ખોરાક તરીકે આપવામાં આવે તો તે વધુ પોષણદાયી ખોરાક છે. તે ટીબી, હીપેટાઈટીસ સહિત તમામ પ્રકારના ચેપ સામે પ્રતિકારકશક્તિ પેદા કરે છે.મગફળીનો ખોરાક તરીકે વપરાશ કરતાં તંદુરસ્તી માટે થતા લાભો તથા અન્ય વિગતો અત્રે દર્શાવેલ છે.
(૧) વધુ પડતો રક્તસ્ત્રાવ : હીમોફીલીયા નામના લોહીના વારસાગત રોગ કે જેમાં હેરમેજ થાય છે તેની સારવાર માટે મગફળી કે મગફળીની બનાવટોનો ઉપયોગ કરવાનું ઈગ્લેંડના કેટલાક સંશોધકોએ નોંધ્યું છે. નાકમાંથી લોહી પડવું (નસ્કોરી ફુટવી) અને સ્ત્રીઓને ઋતુસ્ત્રાવ દરમ્યાન વધારે લોહી વહેવાના રોગોની સારવાર માટે કેટલાક કેસોમાં મગફળીના ઉપયોગના પરિણામો લાભકર્તા જણાયેલ છે.
(ર) મોટાપો (ઓબેસિટી) : મોટાપાની સારવારમાં મગફળી લાભકર્તા જણાયેલ છે. એક મુઠી ભરીને શેકેલા સીંગદાણા ખાંડવિહીન ચા અથવા કોફી સાથે બપોરના ખાણાના એક કલાક પહેલાં લેવાથી વજનમાં ઘટાડો થાય છે તેવું અખતરામાં જણાયેલ છે.
(૩) મધુપ્રમેહ (ડાયાબીટીસ) : ડાયાબીટીસ માટે મગફળી એ કિંમતી છે. દરરોજ એક મુઠી ભરીને સીંગદાણા ખાવાથી ડાયાબીટીસ ઉપરાંત કુપોષણ (ખાસ કરીને નિયાસિનની ઉણપ)ને દૂર રાખે છે.
(૪) ઝાડા (ડાયેરીયા) : મગફળી એ ક્રોનિક ડાયેરીયામાં ઉપયોગી છે. બકરીના દૂધમાં એક મુઠી તાજા શેકેલા શીંગદાણા લીંબુ નીચોવી લેવાથી તરત ફાયદો થાય છે. નિકોટિનક એસિડની ખામીથી આવા પ્રકારના ડાયેરીયા થાય છે. મગફળી જે જરૂરી માત્રામાં નિયાસિન ધરાવતું હોઈ આવા રોગની સારવાર માટે કિંમતી છે.
(પ) દાંતની તંદુરસ્તી : તાજા શીંગદાણાને થોડું મીઠું નાખીને ચાવીને ખાવાથી દાંતના એનેમલને રક્ષણ આપે છે અને નુકસાનકર્તા જીવાણુઓને મારી નાખે છે. મગફળી ખાધા બાદ પાણી લઈ કોગળા કરી મોં ચોખ્ખુ કરવું જરૂરી છે.
(૬) ચહેરા પર થતા ખીલ : તેનું એક ચમચી રીફાઈન્ડ તેલ અને લીંબુનો રસ સરખા ભાગે લઈ મિશ્ર કરી રાત્રે સૂતા પહેલાં ચહેરા ઉપર લગાવવું જેથી ચહેરો તાજો રહે છે અને ચહેરા ઉપર ખીલ થતા અટકાવે છે. આમ મગફળી સૌંદર્ય પ્રસાધન તરીકે પણ ઉપયોગી છે.
(૭) હૃદયરોગ : વૈજ્ઞાનિક પૂરાવાઓ સૂચવે છે કે દૈનિક ઓછી સંતૃપ્ત ચરબી અને કોલેસ્ટીરોલ ધરાવતા ૪૦ ગ્રામ દાણા ખોરાકમાં લેવાથી હૃદયરોગ થવાનું જોખમ ઘટે છે.
(૮) કુપોષણ : કુપોષણ સામેની લડતમાં મગફળી મદદરૂપ થાય છે. મગફળી ઊંચુ પ્રોટીન, એનર્જી અને પોષકતત્વો ધરાવતી હોઈ તેની પેસ્ટ દુષ્કાળ પિડીત વિસ્તારોમાં ખોરાક તરીકે આપી શકાય છે. વિકાસશીલ દેશોમાં વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO), યુનિસેફ (UNICEF) અને પ્રોજેક્ટ ગ્રાઉન્ડનટ બટર એન્ડ ડાકટર્સ વિધાઉટ બોર્ડસ મગફળીની પેસ્ટનો ઉપયોગ કુપોષણથી પીડાતા બાળકોને આપવા માટે કરે છે.
(૯) મગફળીની એલર્જી : કેટલાક લોકોને હળવાથી તીવ્ર પ્રકારની એલર્જી મગફળી ખાવાથી થાય છે. એક અમિરકન રિપોર્ટમાં જણાવ્યા મુજબ શેકેલા શીંગદાણા એલર્જન ૫દાર્થ (Ara h2) ને કારણે ટ્રીપ્સી નામના ખોરાકના પાચન માટે જરૂરી ઉત્સેચકને કાર્યરત થતાં અટકાવે છે. એક અન્ય સંશોધન મુજબ મગફળીનું રીફાઈન્ડ (શુદ્ધ) તેલનો ઉપયોગ કરતાં મોટા ભાગના લોકોને એલર્જી થતી નથી. મગફળીનું કાચુ તેલ એટલે કે અનરીફાઈન્ડ તેલનો ઉપયોગ કરતાં તેનાથી એલર્જી પેદા થવાની શક્યતા છે.
(૧૦) અફ્લાટોક્સીનનો ચેપ : મગફળીના દાણા પર એસ્પરજીલસ ફ્લેવસ નામની મોલ્ડનો ચેપ લાગે છે. તેના કારણે એફલાટોક્સીન નામનો કેન્સરજનક પદાર્થ પેદા થાય છે. મગફળીના તેલ ઉદ્યોગમાં તમામ મગફળીની ચકાસણી કરી એફ્લાટોક્સીન યુક્ત મગફળીનો નાશ કરી દૂર કરવામાં આવે છે. મગફળીમાં ઊંચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવતી હોઈ મોટા ભાગના સૂક્ષ્મજીવો નાશ પામે છે.
(૧૧) આહાર બાબત : મગફળીનો ખોરાકમાં વધુ પડતો ઉપયોગ અમ્લપિત્ત (એસિડિટી) અને સ્વપ્નદોષ પેદા કરે છે. સ્વપ્નદોષ થતા અકાળે વીર્ય સ્ખલન થાય છે. વધુ પડતા શીંગદાણા ખાવાથી દમનો રોગ થાય છે. આવી વ્યક્તિઓ મીઠાવાળા પાણીમાં મગફળી બાફીને ખાય તો ઓછુ નુકશાન કરે છે. જેઓને ગેસની તકલીફ અને કમળો થયો હોય તેઓએ મગફળી ખાવાથી દૂર રહેવું જોઈએ કારણકે તેનાથી જઠરમાં હાયપર એસિડિટી, અપચો અને દાહ (હાર્ટ બર્ન) થાય છે.
મગફળીની મૂલ્ય વર્ધિત બનાવટો :
(૧) પીનટ બટર : મગફળીના દાણાને શેકીને પીનટ બટર મેળવવામાં આવે છે જેને સીધુ જ ખોરાક તરીકે અથવા ખોરાકની બનાવટોમાં ઉમેરીને ખાઈ શકાય છે.
(૨) મગફળીનું તેલ : મોટા ભાગની રેસ્ટોરન્ટ અને હોટલોમાં તળવા માટેના તેલ તરીકે મગફળીના તેલનો ઉપયોગ થાય છે. સલાડ, શેકેલા શાકભાજી અને અન્ય ખોરાક સાથે મગફળીના અનરીફાઈન્ડ તેલનો ઉપયોગ એ કેટલાક લોકોની ખાસ પસંદ છે.
(૩) મગફળીનો લોટ : ફેટ વિહીન શેકેલી મગફળીનો લોટ એ ગ્લુટેન મુક્ત પ્રોટીનનો સ્ત્રોત છે. આ લોટનો ઉપયોગ સુપને જાડો બનાવવા, બ્રેડ, બિસ્કીટ, પેસ્ટ્રી, નાનખટાઈ જેવી બનાવટો તેમજ માંસ, મચ્છી વગેરે સાથે ખાવાના ઉપયોગમાં લેવામાં આવે છે.
(૪) બાયોડીઝલ : મગફળીના દાણા ૪૫ થી ૫૨ ટકા તેલ ધરાવે છે. એક એકરમાંથી ૫૪૫ થી ૬૮૦ લિટર બાયોડીઝલ આપવાની ક્ષમતા ધરાવે છે.
અન્ય ઉપયોગો :
- ભારતમાં પરંપરાગત રીતે મગફળીની અનેકવિધ બનાવટો બનાવી ખોરાકના વપરાશમાં લેવામાં આવે છે જેમ કે મગફળીના શેકેલા સીંગદાણાની ગોળ/ખાંડ સાથે મિશ્ર કરી બનાવેલ સુખડી, મગફળીની ચીકી વગેરે. મગફળીના દાણા તેલમાં તળીને ચેવડો, ચવાણું તેમજ અનેક જાતના ફરસાણમાં મિશ્ર કરવામાં આવે છે. ઉપવાસમાં પણ શીંગદાણા, સુખડી, ચીકી વગેરેનો મોટા પાયે વપરાશ થાય છે. ખારીસીંગ તો એટલી પ્રખ્યાત છે કે જે દરેક બસ સ્ટેશન/રેલ્વે સ્ટેશને વેચાતી જોવા મળે છે.
- મગફળીના દૂધમાંથી દહીં પણ બનાવી શકાય છે. તે સ્વાદે દૂધમાંથી દહીં બનાવેલ હોય તેવું લાગે છે અને સારા ગુણો ધરાવે છે.
- મગફળીના કુમળા દાણાનો કોઈ વખત શાક પણ ઉપયોગ કરી શકાય છે. તેના અંકુરિત દાણાનો પણ ઉપયોગ કરી શકાય છે. અંકુરિત દાણા ખાસ કરીને વિટામિન બી અને સી અને સારા આહાર મૂલ્યો ધરાવે છે.
- કાપણી બાદ મગફળીના છોડ મુખ્યત્વે પશુઓના ઘાસચારા, બળતણ અને કમ્પોસ્ટ ખાતર બનાવવા માટે વપરાય છે. થ્રેસિંગ દરમ્યાન મળતાં મગફળીના ફોતરાં ‘કેટલફીડ’ તરીકે પણ વપરાય છે. મગફળીની કેટલીક જાતો ધાસચારા તરીકે ઉગાડી તેની ગાંસડીઓ ચારા તરીકે વેચાય છે.
ભારત દેશના લોકોને મગફળીથી તંદુરસ્તી માટે થતાં લાભો બાબતની વિશેષ જાણકારી નથી. યુએસ અને વિકસિત દેશોમાં તંદુરસ્તી માટેના આહાર આયોજનમાં પીનટ બટરનો એક મહત્ત્વનો ભાગ તરીકે ઉપયોગ થાય છે. મગફળીને ગ્રામ્ય વિસ્તારોમાં કુપોષણ સામે લડત આપવા માટે ઉપયોગ કરવો જોઈએ. ફાર્મા કપંનીઓએ એન્ટિઓક્સીડેન્ટ અને વૃદ્ધત્વ અટકાવવાના ગુણને લઈ તેનો વેપારી ધોરણે દવાઓની બનાવટોમાં ઉપયોગ કરવો જોઈએ. કુદરતે આપણને મગફળી રૂપે પોષકતત્વોથી ભરપુર ખોરાક પુરો પાડેલ છે જેનો ઉત્તમ ઉપયોગ કરવો જોઈએ.
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

