મદ્યપાન શરીરના સ્વાસ્થ્ય માટે સારૂ નથી એ સહુ કોઈ જાણે છે પરંતુ કેટલાક આલ્કોહોલ યુક્ત પીણાં જેવા કે બિયર, વાઈન વગેરેને નિયત માત્રામાં પીવામાં આવે તો તે હાનિકારક નથી તેવું કેટલાક રિપોર્ટમાં જણાવાયું છે. તાજેતરમાં થયેલ નવા સંશોધનમાં એવું દર્શાવેલ છે કે આલ્કોહોલ પીવા માટેનું કોઈ સુરક્ષિત સ્તર નથી. આ સંશોધન સને ૧૯૯૦ થી ર૦૧૬ દરમ્યાન ૧૯પ દેશોના ઉંમર અને પુરૂષ/સ્ત્રીની જાતિને ધ્યાને લઈ આલ્કાહોલ સંબંધિત સ્વાસ્થ્યના આધારે કરેલ અભ્યાસ મુજબ ગ્લોબલ બર્ડન ઓફ ડીસીઝની વાર્ષિક અભ્યાસમાં રજૂ કરવામાં આવેલ. આ અભ્યાસથી જાણવા મળ્યું છે કે સને ર૦૧૬માં વિશ્વમાં અંદાજે ૩૦ લાખ માનવીઓના મોત આલ્કોહાલ લેવાને કારણે થયાં હતાં જેમાં ૧ર ટકા પુરુષો ૧પ થી ૪૯ વર્ષની વયના હતા (દ. લેસેન્ટ, ર૩-૦૮-ર૦૧૮)
યુએસએના સિએટલ સ્થિત વોશિંગટન યુનિવર્સિટીના હેલ્થમેટ્રિક્સ એન્ડ ઈવેલ્યૂએશન સંસ્થાના ડૉ. ઈમ્મૈનૂએલા ગૈકિડોએ કરેલ અભ્યાસ અનુસાર મદ્યપાનને અકાળ મૃત્યુ, કેન્સર અને હૃદયરોગ સાથે સ્પષ્ટ સહસંબંધ માલૂમ પડેલ છે જે લોકો આલ્કોહોલનો ઉપયોગ કરતા નથી તેઓના સ્વાસ્થ્યને નુકસાન થવાનું જોખમ ન્યૂનતમ રહે છે.
આ અભ્યાસમાં વ્યક્તિગત આલ્કોહોલ ઉપયોગના ૬૯૪ ડેટાની સાથે આલ્કોહોલ ઉપયોગના જોખમો સંબંધિત પ૯ર અભ્યાસોનો ઉપયોગ કરવામાં આવેલ જેમાં ૪૦ થી વધુ દેશોના પ૦૦ થી પણ વધુ સંશોધકો શિક્ષણવિદો તથા અન્યાએ ભાગ લીધેલ. આ અભ્યાસના મુખ્ય સંશોધકના જણાવ્યા મુજબ એકત્ર કરેલ પ્રમાણિત આંકડાકીય માહિતી સ્વાસ્થ્ય અને આલ્કોહોલ વચ્ચે સ્પષ્ટ રીતે સીધો સંબંધ દર્શાવે છે કે વિશ્વમાં મદ્યપાન એ અનેક રીતે સ્વાસ્થ્યને હાનિ પહોંચાડવાનું કારણ છે.
આ અભ્યાસમાં આલ્કોહોલના ઉપયોગ અંગે દેશ અને જાતિ પ્રમાણે ફેરફાર જોવા મળે છે. સને ર૦૧૬માં વૈશ્વિક સ્તરે ૧૦૦ કરોડથી વધુ લોકો મદ્યપાન કરતા હતા જેમાં ૬પ ટકા પુરૂષો હતા. આ અભ્યાસમાં જાણવા મળેલ કે આલ્કોહોલથી ૧પ થી ૪૯ વર્ષની વય ધરાવતા લોકોના ઓછા મૃત્યુ પ્રમાણ દર્શાવતા મુખ્ય દેશો પૈકી મધ્યપૂર્વના કુવૈત, ઈરાન, પેલેસ્ટાઈન, લીબિયા, સાઉદી અરબ, યમન, જોર્ડન અને સીરિયા સહિત આઠ દેશો તથા અન્યમાં માલદીવ અને સિંગાપુરનો સમાવેશ થયેલ છે. તેનાથી વિપરિત વધુ મૃત્યુદરવાળા મુખ્ય ૧૦ દેશોમાં સાત બાલ્ટિક પૂર્વ યુરોપિય અથવા મધ્ય એશિયામાં આવેલ દેશો છે જેમાં વિશેષ રૂપે રૂસ, યુક્રેન, લિથુવનિયા, બેલારૂસ, મંગોલિયા, લાત્વિયા અને કઝાકિસ્તાનનો તથા અન્ય ત્રણ દેશોમાં લેસોઠો, બુરૂન્ડી અને મધ્ય આફ્રિકી ગણરાજ્ય છે. જો કે આ દેશોમાં ભારતનો સમાવેશ થતો નથી એ એક શુભ સમાચાર છે.
શ્રી ગૈકિડોના કહેવા મુજબ લોકોને આલ્કોહોલનો ઉપયોગ ઓછો કરવા કે સંપૂર્ણ રીતે તેનાથી દૂર રહેવા માટે પ્રોત્સાહિત કરવા માટે નીતિગત રીતે આમૂલ પરિવર્તન કરવાની તાતી જરૂરિયાત છે. ‘દિવસમાં એક કે બે પેગ આલ્કોહોલના લેવા આપણા માટે સારૂં છે’ તે કહેવત આ અભ્યાસથી ખોટી પડે છે. લાન્સેટના સંપાદકશ્રી રિચર્ડ હોર્ટન કહે છે કે “હવે અમે સમજી ગયા છીએ કે વર્તમાન દુનિયામાં આલ્કોહોલ એ મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક કારણ છે. હવે આપણે સક્રિય મુખ્ય બની લાખો લોકોના મોત થતા અટકાવવા માટે તૂરત જ કાર્યવાહી કરવી જોઈએ અને આપણે તે કરી શકીએ તેમ છીએ”.
સ્ત્રોત : ડ્રીમ ર૦૪૭, વોલ્યૂમ ર૧, નં.૧
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

