મરીમસાલાનું ઔષધિય મહત્વ (Medicinal importance of spices)

(1) લવિંગ :

લવિંગ ઝાડને અંગ્રેજીમાં ક્લોવ ટ્રી (Clove Tree) કહે છે જેનુ વૈજ્ઞાનિક નામ Syzygium aromaticum  છે. લવિંગ તેના મસાલેદાર અને તીખો સ્વાદ તથા ઔષધિય ગુણોને લીધે જાણીતું છે. લવિંગ મેંગેનીઝ, ફાયબર અને વિટામીન સી તથા કે વગેરે અગ્ત્યનાં પોષકતત્વો ધરાવે છે કે જે મગજના કાર્યને ગતિશીલ બનાવે છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે. યુનાઈટેડ સ્ટેટસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રિકલ્ચર (USDA) ના નેશનલ ન્યુટ્રિયન્ટ ડેટાબેઝમાં જણાવ્યા અનુસાર 1 ચમચી દળેલાં લવિંગ 6 કિલો કેલેરી, 0.13 ગ્રામ પ્રોટીન, 0.27 ગ્રામ એટલે કે 2.1 ગ્રામ ફેટ, 1.38 ગ્રામ કાર્બોહાઈડ્રેટસ અને 0.7 ગ્રામ ફાયબર ધરાવે છે.  

               

સારા પાચન માટે :

       લવિંગ પાચક ઉત્સેચકો ના રસને ઉત્તેજીત કરી ખોરાકના પાચનમાં મદદ કરે છે. લવિંગ આમવાત, હોજરીમાં બળતરા, અજીર્ણતા અને ઉબકા વગેરેમાં લેવું ફાયદાકારક છે. પાચનતંત્રના રોગોમાં શેકેલા લવિંગના ભૂકાને મધ સાથે લેવાથી રાહત થાય છે.

જીવાણુ પ્રતિકારક ગુણ :

        મનુષ્યને નુક્સાનકર્તા અનેક જીવાણુઓ સામે લવિંગ પ્રતિકાર કરવાનો ગુણ ધરાવે છે. તેનો અર્ક  આવા જીવાણુઓને મારી નાખવા સક્ષમ છે. કોલેરા માટેના જીવાણુઓ સામે તેનો અર્ક વધુ અસરકારક છે.

કેન્સર વિરોધી ગુણ

        લવિંગ કેન્સર વિરોધી ગુણો ધરાવે છે. એક સંશોધન મુજબ લવિંગમાં રહેલ ઓલેનોલિક એસિડ ગાંઠ થવાની ક્રિયાને અવરોધે છે. અન્ય એક સંશોધન લવિંગમાં રહેલ યુજેનોલ ગર્ભાશયનું કેન્સર થતું અટકાવે છે.

યકૃતનું રક્ષણ :

       લવિંગ ઊંચા પ્રમાણમાં એન્ટિઓક્સિડેન્ટસ ધરાવે છે. તેથી તે યકૃત જેવા અવયવોનું ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપે છે. યકૃતમાં એન્ટિઓક્સીડેન્ટસનું પ્રમાણ ઘટે ત્યારે લાંબા ગાળે ચયાપચયની ક્રિયાથી ફ્રી રેડિકલ્સ અને લિપિડ પ્રોફાઈલનું પ્રમાણ વધે છે. આ અસરને  લવિંગનો અર્ક ઘટાડે છે.  

ડાયાબીટીસ માટે :

        અનેક રોગોની ઔષધિય સારવારમાં લવિંગનો ઉપયોગ થાય છે જે પૈકીનો ડાયાબીટીસ એક રોગ છે કે જેમાં દર્દીના શરીરમાં ઈન્સ્યુલીન ઓછુ પેદા થાય છે કે પેદા થતું નથી. આવા દર્દીને લવિંગનો અર્ક આપવાથી તેના લોહીમાં રહેલ શર્કરાના પ્રમાણને નાથવામાં મદદ કરે છે.

આસ્ટીયોપોરોસીસ માટે :

        લવિંગનો અર્ક યુજેનોલ, ફ્લેવોન્સ, આઈસોફલેવોન્સ અને ફ્લેવોનોઈડસ વગેરે ધરાવે છે જેના લીધે તે હાડકાંને મજબૂત બનાવે છે અને હાડકાંમાં ખનીજ તત્વોનું પ્રમાણ વધારી ઓસ્ટીયોપોરોસીસ રોગ થતો અટકાવે છે.

જનીનિક ફેરફાર થતા અટકાવવાનો ગુણ :

        મ્યુટેજન એવા રસાયણો છે કે જે જમીનના ડીએનએના બંધારણમાં ફેરફાર (મ્યુટેશન) કરાવે છે. લવિંગમાં રહેલ ફીનાઈલપ્રોપેનોઈડસ જેવા પદાર્થો જનીનિક ફેરફાર અટકાવવાના ગુણો ધરાવે છે જે મ્યુટેશન ધ્વારા થતા જનીનિક ફેરફાર અટકાવે છે.

રોગપ્રતિકારક શક્તિમાં વધારો :  

        આયુર્વૈદ એ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતી અનેક વનસ્પતિઓ જણાવેલ છે તે પૈકીની એક વનસ્પતિ લવિંગ છે.

        લવિંગ એવા રાસાયણિક પદાર્થો ધરાવે છે કે જે શ્વેતકણોની સંખ્યામાં વધારો કરી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે પરિણામે અતિસંવેદનશીલતા ઘટાડે છે.

માથાના દુઃખાવાની સારવાર :

        લવિંગનો ઉપયોગ માથામાં થતો દુઃખાવો ઘટાડે છે. થોડા લવિંગ લઈ તેની પેસ્ટ બનાવી તેમાં ચપટી સિંધાલૂણ નાખી દૂધમાં પીવાથી માથાના દુઃખાવામાં તરત જ રાહત થાય છે.  

(2) કાળાં મરી :

કાળાં મરીની મસાલા પાક તરીકે ખેતી થાય છે. તેનાં ફળોને મરી કહે છે. તેનુ અંગ્રેજી નામ Black pepper અને વૈજ્ઞાનિક નામ Piper nilgrum છે.

       

પાચનમાં મદદ :

        મરી લેવાથી જઠરમાં હાઈડ્રોક્લોરીક એસિડનો રસ વધુ ઝરે છે જે ખોરાકના પાચન માટે જરૂરી છે. મરી શરીરમાં રહેલ ઝેરી પદાર્થોને મૂત્ર ધ્વારા કે પરસેવા માટે દૂર કરવામાં મદદ કરે છે. તે શરીરમાં રહેલ અશુદ્ધિ, યુરિયા અને યુરિક એસિડ, ચરબી અને વધારાના પાણીને દૂર કરવાનું કામ કરે છે.

વજન ઘટાડવામાં મદદ :

        મરી ચરબીને સહેલાઈથી પાચ્ય બને તેવા સ્વરૂપમાં ફેરફાર કરે છે કે જેથી તેનો શરીર યોગ્ય રીતે ઉપયોગ કરી શકે. તે ચરબીને શરીરમાં ખોટી જગ્યાએ જમા થતી અટકાવે છે.

કફ અને શરદીની સારવાર :

        મરીનો ઉપયોગ કરવાથી શરદી અને કફમાં રાહત થાય છે. તે શરીરમાંનો કફ બહાર કાઢે છે. તેથી તેનો ઉપયોગ કફ અને શરદીમાં ટોનિક કે દવાની બનાવટમાં થાય છે.

ચાંદાંની સારવાર :  

        મરીમાં રહેલ એન્ટિઓક્સીડન્ટ તથા બળતરા વિરોધી ગુણોને લીધે તેનો જઠરમાં પડેલ ચાંદાંની સારવાર માટે ઉપયોગી થાય છે.

ત્વચાની તંદુરસ્તી :

        કેટલાક લોકોને ત્વચા પર સફેદ ડાઘ પડે છે જેને કોઢ તરીકે ઓળખાય છે. મરીમાં રહેલ પાઈપરાઈન તત્વને કારણે અલ્ટ્રાવાયોલેટ લાઈટ થેરેપી સાથે તેનો કોઢની સારવારમાં ઉપયોગ થાય છે. તે સૂર્યપ્રકાશની નુક્સાનકારક અસર ઘટાડી ત્વચાના કેન્સર થવા અંગેનું જોખમ ઘટાડે છે.

પોષકતત્વોનું શોષણ :

        પોષક તત્વોથી ભરપૂર ફળો અને શાકભાજીનો ઉપયોગ મરી સાથે કરવામાં આવે ત્યારે તે તેમાં રહેલ પોષકતત્વોનું રહેલ પોષકતત્વોનું શરીરમાં વધુ સારૂ શોષણ થાય છે. આમ તે પોષકતત્વોની શરીરમાં લભ્યતા વધારે છે.

(3) તજ :

તજ એ મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે. તજને અંગ્રેજીમાં Cinnamon કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ Cinnamomum zeylanicum  છે. સમગ્ર વિશ્વમાં તજની છાલનો એક પરંપરાગત ઔષધ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

        એક સંશોધન મુજબ તજનો ઉપયોગ ડાયાબીટીસના દર્દીના લોહીમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે જ્યારે અન્ય સંશોધન મુજબ તે ફાયદાકારક નથી તેમ જણાયેલ છે.

        તજ એ એન્ટિઓક્સીડેન્ટ, એન્ટિબોયોટિક અને બળતરા વિરોધી (એન્ટિ-ઈન્ફલેમેટરી) ગુણ ધરાવે છે.

      

(4) એલચી (ઈલાયચી) :

એલચીને અંગ્રેજીમાં Cardamom કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ Elettaria cardamomum છે. એલચીમાં રહેલ સુગંધને કારણે તેનો ઉપયોગ વાનગીઓમાં, નાસ્તામાં, વિવિધ પીણાં, ચા, કોફી વગેરેમાં મોટા પ્રમાણમાં થાય છે.

તે કેન્સરવિરોધી ક્ષમતા ધરાવે છે. હ્રદયની તંદુરસ્તી અને ચયાપયની ક્રિયામાં ફાયદાકારક છે. તે લોહીમાં શર્કરાનું સપ્રમાણ જાળવે છે. મનને શાંત કરે છે, ગેસ-વાયુને અટકાવે છે, સૂક્ષ્મજીવો સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે, બળતરા અને રોગચાળા વિરોધી છે, શ્વસનતંત્રને તંદુરસ્ત રાખે છે, લોહીનું પરિભ્રમણ સારૂ કરે છે, ઊલટી અટકાવે છે અને શરદી અટકાવે છે વગેરે.  

(5) જીરૂ :

વિશ્વમાં જીરૂ મસાલા તરીકે પ્રખ્યાત છે જેને અંગ્રેજીમાં Cumin કહે છે. તેનું વૈજ્ઞાનિક નામ Cuminum cyminum છે. તેની ખેતી ચીન, ભારત, મિડલ અને ભૂમધ્ય સમુદ્રના પ્રદેશોમાં થાય છે.

        જીરૂમાં રહેલ એપિગેનિન અને લ્યુટીઓન તત્વો કુદરતી રીતે એન્ટિઓક્સીન્ટસનું કાર્ય કરે છે, આ તત્વોની શરીરની તંદુરસ્તી વધારે છે, શક્તિ પુરી પાડે છે અને ત્વચાને તંદુરસ્ત રાખે છે.

        કેટલાક પ્રયોગો મુજબ કેન્સરના કોષોની વૃદ્ધિને મર્યાદિત રાખવાની ક્ષમતા ધરાવતું માલૂમ પહેલ છે. ઉંદર પર થયેલ એક અભ્યાસ મુજબ ઉંદરને જીરૂ આપતાં તે કોલોન કેન્સર સામે રક્ષણ આપે છે. સંશોધકોના જણાવ્યા મુજબ પ્રખ્યાત ઔષધિઓ અને મસાલા પૈકી તુલસી અને જીરૂ વધુ કેન્સર વિરોધી શક્તિ ધરાવતા માલૂમ પડેલ છે.

        ડાયાબીટીસના દર્દમાં ઔષધિય દવા તરીકે એક ભાગ તરીકે વપરાય છે. ડાયાબીટીસના દર્દીને તેની સ્થિતિ જાળવી રાખવામાં આ દવા સફળતાપૂર્વક મદદ કરે છે. લેબોરેટરીના સંશોધનમાં ડાયાબીટીસ ધરાવતા પ્રાણીઓની સારવારમાં જીરૂ લાભકર્તા જણાયેલ છે.

       

        સામાન્યતઃ જીરૂનું તેલ હાયપોગ્લાયસેસિક એજન્ટ તરીકે સ્વીકારાયેલ છે. જીરાના બીમાંથી મેળવેલ તેલ લગાવતા જીવાણુઓને ખતમ કરી નાખે છે.  

        જીરૂ અસરકારક રીતે કેન્દ્રિય ચેતાતંત્રને ઉત્તેજીત કરી આપણા શરીરને મદદરૂપ બને છે જેના પરિણામે મગજની યાદશક્તિ તીક્ષણ બને છે અને હાથ-પગ પર સારૂ નિયંત્રણ કરે છે. પાર્કિસન્સના રોગની સારવારમાં પણ જીરૂ મદદરૂપ છે.  


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *