મહિલાઓમાં ચાલીસ વર્ષની ઉંમર બાદ જોવા મળતી હાડકાં સંબધિત સમસ્યા – ઓસ્ટીયોપોરોસીસ (Osteoporosis in women after forty years age)

                સામાન્ય રીતે ૪૦ થી ૪પ વર્ષથી વધુ ઉંમર ધરાવતી મહિલાઓમાં હાડકાંની કમજોરી જોવા મળે છે જે મહિલાઓ માટે દર્દનાક છે અને વિકલાંગ બનાવે છે. તેને ઓસ્ટીયોપોરોસીસ એટલે કે હાંડકાની નબળાઈ કહે છે જેને ગ્રામ્ય ક્ષેત્રે બિમારી તરીકે માનવામાં આવતી નથી.

ઓસ્ટીયોપોરોસીસથી શા માટે ગભરાવું જોઈએ ?

                ઓસ્ટીયોપોરોસીસને લીધે દર્દનાક અને ગંભીર સ્થિતિ હાડકાં ભાગી જવાની સંભાવના વધી જાય છે. કેટલીક વાર પડી જવાને કારણે કે જોરથી ગળે મળવાથી પણ હાડકા તૂટી શકે છે. જેમાં ધીરે ધીરે સારૂ થાય છે, પણ એકદમ સારૂ થતું નથી અને કોઈકવાર લાંબા ગાળે વિકલાંગતા આવે છે કે ત્વરિત મૃત્યું પણ થઈ શકે છે. ખાસ કરીને આપણા દેશમાં તેને કૂબડાં રૂપે જોવામાં આવે છે જેને ઉંમરની સાથે આવું બને તેમ માનવામાં આવે છે. આમ હાડકાંમાં વિકૃતિને કારણે શરીરના વિવિધ અંગોને નુકસાન પહોંચે છે જેના પરિણામે કબજીયાતથી લઈને શ્વાસ લેવા સુધીની સમસ્યાઓ પેદા થાય છે. તેનાથી પીઠમાં દર્દ, બેચેની, ગાંઠો અને પગમાં સોજા વગેરે થાય છે.

સમસ્યાનું કારણ શું છે ?

                હાલમાં જોવા મળતી હાડકાંની સમસ્યાથી પેદા થતી પરેશાની એ એક ધીમી પ્રક્રિયા છે જે ૧૦ વર્ષ પહેલાં શરૂ થાય છે. આપણે હાડકાંને એક કઠણ અને નિષ્ક્રિય ભાગ તરીકે જોઈએ છે પરંતુ તે વાસ્તવમાં સક્રિય ભાગ છે. જેમાં નિયમિત રૂપે પુનઃનવિનીકરણની પ્રક્રિયા ચાલુ રહે છે. હાડકાંની અંદરના અને બહારના ભાગમાં જુદી જુદી પ્રક્રિયાઓ ચાલે છે. શરીરની માંગ મુજબ યુવાવસ્થામાં આ બંને પ્રક્રિયાનું નાજૂક સંતુલન થતુ રહે છે. વૃદ્ધાવસ્થા દરમ્યાન તેમાં મુશ્કેલી આવે છે. હાડકાંમાં જમા થતા કેલ્શિયમની સરખામણીએ વધુ કેલ્શિયમ બહાર નીકળી જાય છે જેથી હાડકા પોલાં અને નબળા બની જાય છે.  આ અસંતુલનનું વાસ્તિવક કારણ આજ સુધી જાણવા મળેલ નથી. હોર્મોન, આનુવંશિક ગરબડ, પોષણ, શારીરિક ગતિવિધિ, જીવનશૈલી કે આ બધાના સહયોગના કારણથી આ પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા છે.

                મહિલાઓમાં આ માટે એસ્ટ્રોજન હોર્મોન પણ એક કારણ છે. જ્યારે એસ્ટ્રોજન હોર્મોનનું ઉત્પાદન બંધ થાય ત્યારે હાડકાં નબળા પડવાની પ્રક્રિયા તેજ થઈ જાય છે. કેલ્શિયમ તથા વિટામિન ડી, સી અને ઈની ખામીને કારણે પણ યુવાનીમાં ઓસ્ટીયોપોરોસીસ થઈ શકે છે.

કોને તેનો ભય છે ?

                અત્રે જણાવેલ બાબતો પૈકી ગમે તે એક બાબત ઓસ્ટીયોપોરોસીસ થવા માટે જવાબદાર માનવામાં આવે છે.

(1) હાડકાંની બિમારી હોય તેવા કુટુંબના સભ્યો હોવું

(2) જેનું કદ નાનું અને પાતળુ હોય

(3) જેની ત્વચા ગોરી (ફેર સ્કીન) હોય

(4) ૪પ વર્ષની ઉંમર પહેલા અંડાશય દૂર કરવામાં આવે

(5) નિઃસંતાન હોય

(6) એવી મહિલા જે લાંબો સમય પથારીવશ હોય

(7) જેને ડાયાબીટીસ, મૂત્રપિંડ કે યકૃત સંવર્ધન બિમારી હોય

(8) જેને હાઈપોથાયરાયડિઝમ હોય એટલે કે થાયરોઈડ ગ્રંથિ બરાબર કાર્યશીલ ન હોય

(9) જે સુસ્ત (ગતિહિન) જીવન જીવતા હોય

(10) જે ધૂમ્રપાન કરતા હોય

(11) જે વારંવાર ઉપવાસ કરતા હોય કે ભૂખ્યા રહેતા હોય

માટે શું કરી શકાય ?

                જો કે આ રોગને રોકી શકાતો નથી પરંતુ નીચે જણાવેલ ઉપાયો દ્વારા ઓસ્ટીયોપોરોસીસ રોગનું આગમન ટાળી શકાય છે, તેની તીવ્રતામાં ઘટાડો કરી શકાય છે અને તેનાથી ઉદ્‌ભવતી સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકાય છે.

() આહારમાં વધારાના કેલ્શિયમનો સમાવેશ કરો :

                કેલ્શિયમ એ તંદુરસ્તી માટે આવશ્યક છે. મહિલાઓમાં રજોનિવૃત્ત પહેલાં દૈનિક ૧૦૦૦ મિ.ગ્રા. અને રજોનિવૃત્તિ પછી ૧પ૦૦ મિ.ગ્રા. કેલ્શિયમની જરૂરિયાત રહે છે. આહારમાં ડેરી ઉત્પાદનો, ટર્નિપ (શલગમ) માછલી, ખજૂર વગેરેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. રાગી એ કેલ્શિયમનો વધુ સારો સ્ત્રોત છે. તેને રોટલી કે અન્ય ખોરાક સાથે લઈ શકાય છે. ઔષધિય રૂપે કેલ્શિયમનો ખોરાક એક સસ્તો અને જરૂરી  વિકલ્પ છે. પ્રતિદિન ૧ થી ૧.પ ગ્રામ કેલ્શિયમ તત્વ  (રજોનિવૃત્તિની સ્થિતિ મુજબ) અને અઠવાડિયે ઓછામાં ઓછું પ૦,૦૦૦ યુનિટ વિટામિન ‘ડી’ આહારમાં લેવું જોઈએ. વિટામિન ‘ડી’ કેલ્શિયમને હાડકામાં સંયોજીત કરવામાં મદદ કરે છે. કેલ્શિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ પણ હાડકાંમાં કેલ્શિયમના શોષણને અસર કરે છે. તેથી ફોસ્ફેટ યુક્ત ખાદ્યપદાર્થનો ઉપયોગ આહારમાં ઓછો કરવો જોઈએ. કેલ્શિયમનું શોષણ અને ચયાપચય માટે વિટામિન ‘સી’ અને મેગ્નેશિયમની પણ જરૂર રહે છે. આ પ્રક્રિયા કેટલીકવાર ભ્રમ પેદા કરે છે તે જોતાં તમારા ફેમિલી ડૉકટરનું માર્ગદર્શન લેવું બહેતર છે.

() જીવનશૈલીમાં બદલાવ લાવો :

                તમારા શરીરના હાડકાં નબળા પડવાનું પ્રમાણ તમારા જીવન વ્યવહારની રીતો ઉપર પણ રહેલું છે. આ માટે તમારે તમારી રોજબરોજની જીવનશૈલીમાં નીચે મુજબના ફરફાર કરવા જોઈએ.

  • શરીરને નિષ્ક્રિય રાખવામાં આવે તો હાડકાં તૂટવાનો ભય વધે છે. અસ્થિભંગ થયા બાદ ડૉકટરની સલાહ પ્રમાણે ચાલવાની પદ્ધતિ અપનાવવી જોઈએ.
  • વધુ પ્રમાણમાં માંસનો આહારમાં ઉપયોગ ન કરવો કારણ કે શાકાહારીઓની તુલનામાં માંસાહારી વ્યક્તિઓમાં ઓસ્ટીયોપોરોસીસની સંભાવના બમણી છે. અનાજ, કઠોળ, શાકભાજી, સૂકો મેવો વગેરે ખોરાકમાં વધુ પ્રમાણમાં લેવા જોઈએ.
  • ઘી, માખણ, વનસ્પતિજ તેલ (નાળિયેર કે તાડનું તેલ) જેવા વધુ ચરબીવાળા અને સંતૃપ્ત ચરબીવાળા ખોરાક લેવા નહિ. જો કે ખોરાકમાં ચરબીની પણ જરૂર છે  જેથી ફેટ રહિત દૂધની જાહેરાતોથી સાવધ રહેવું.
  • ખોરાકમાં મોરસ (શર્કરા)નું સેવન ઓછામાં ઓછું કરવું કે જે લોહીમાં અમ્લતા પેદા કરે છે જેના પરિણામે હાડકામાંથી અધિક પ્રમાણમાં કેલ્શિયમ દૂર થાય છે.
  • વધુ ફોસ્ફેટ સાંદ્રતા ધરાવતા પ્રોસેસ્ડ યા ડબાબંધ માંસ, પ્રોસેસ્ડ પનીર, સૂપ, મીઠાઈ (તળેલા), પેસ્ટ્રી અને ઠંડાં પીણાંનો ખોરાકમાં ઓછામાં ઓછો ઉપયોગ કરવો.
  • ધૂમ્રપાન અને દારૂનું સેવન બંધ કરી દેવું કારણ તે બંને લોહીમાં એસ્ટ્રોજનની માત્રા ઘટાડે છે જેથી હાડકાં નબળાં પડે છે.
  • ચા અને કોફીનું સેવન ઓછું કરવું.

() દરરોજ કસરત કરો :

                દરરોજ કસરત કરવાથી માંસપેશીઓની સાથે હાડકાં પણ મજબૂત થાય છે. સારૂં પોષણ મેળવતી મહિલાઓની હાડકાંની ઘનતા (બોન ડેન્સિટી) સારી હોય છે.  તેથી જ કસરત નાની ઉંમરથી જ શરૂ કરી દેવી જોઈએ. તમે ગમે તેટલા વૃદ્ધ હોવ પણ કસરતથી જ તમારા હાડકાં મજબૂત થાય છે. રજોનિવૃત્તિ બાદ પણ કસરત કરવામાં આવે તો હાડકાં સંબંધી સમસ્યાઓ દૂર કરવામાં કસરત મદદરૂપ નીવડે છે. હાડકાંની મજબૂતાઈ માટે જોગિંગ, એરોબિક્સ, સ્કિપિંગ કે ઝડપી રીતે ચાલવું વગરે કસરતો સારી છે. નૃત્ય અને તરવાની કસરત પણ સારી છે. અઠવાડીયામાં ઓછામાં ઓછા ચાર દિવસ તમારી નાડીને મધ્યમ ગતિ સુધી લઈ  જવા માટે ર૦ થી ૩૦ મિનિટ સુધી ઝડપી ગતિથી કસરત કરવી જોઈએ. આથી વધારે સમય માટે કસરત કરવી નહિ કારણ તેનાથી ફાયદો થવાને બદલે હાડકાંને નુકસાન થવા સંભવ છે. તેથી જ આપના ફેમિલી ડૉકટરનું માર્ગદર્શન મેળવી તે મુજબ કસરત કરવી જોઈએ.

() સ્વચિકિત્સામાં સાવધાની રાખો :

                કેટલાક લોકો જાતે દવાઓ લે છે અથવા લેભાગુ ડૉકટરોની સલાહથી સ્ટીરોઈડના સેવનથી હાડકાં નબળાં પડે છે. અમ્લતાનાશક ઔષધિઓમાં એલ્યુમિનિયમ રહેલું હોય છે જેના નિયમિત સેવનથી ઓસ્ટીયોપોરોસીસની શક્યતા વધે છે. ઊચ્ચ રક્તચાપ (હાઈ બી.પી.)ની દવાઓથી પેશાબની માત્રા વધે છે. જેના કારણે પેશાબમાં કેલ્શિયમ વધુ જાય છે જે હાડકાંના વિનાશનું કારણ બને છે. આવી દવાઓ લેતા હોય ત્યારે ડૉકટરની સલાહ લઈ કેલ્શિયમ અને વિટામિન ‘ડી’ વાળો ખોરાક લેવો જોઈએ.

હોર્મોનથી સારવાર શક્ય છે ?

                જ્યારે અંડાશય કાર્યરત ન હોય અને એસ્ટ્રોજન હોર્મોન પેદા ન થાય ત્યારે હાડકાં નબળા પડવાની શક્યતા વધે છે એટલે એમ કહી શકાય કે એસ્ટ્રોરોજન  હોર્મોન હાડકાંના રક્ષક તરીકે કામ કરે છે. જે એક ચર્ચાનો વિષય છે પણ દાવો કરવામાં આવે છે કે તે હાંડકાના વિઘટનને અટકાવે છે, પરંતુ તે હાડકાંના બંધારણમાં વૃદ્ધિ કરતો નથી. સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે હાડકાં નબળાં પડતાં જાય છે. જો આ રોગની સારવાર અટકાવવામાં આવે તો હાડકાંને નુકસાન શરૂ થઈ જાય છે. તેની સાથે મહિલાઓમાં ગર્ભાશય, સ્તન અને યકૃતનું કેન્સર, હાઈ બીપી, પિત્તાશયના રોગ, ડાયાબીટીસ વગેરે રોગો થવાની શક્યતા વધે છે. આથી જ હોર્મોન રીપ્લેસમેન્ટ થેરેપીનો ઉપયોગ ગર્ભાશય કે સ્તનનું કેન્સર, ડાયાબીટીસ, યકૃતના રોગ, પિત્તાશયની પથરી, માઈગ્રેન અને ગર્ભાશયમાં ગાંઠ વગેરે કૌટુંબિક ઈતિહાસ ધરાવતી મહિલાઓ માટે એક ઈચ્છનીય વિકલ્પ નથી.

                તેનો એવો મતલબ નથી કે ઓસ્ટીયોપોરોસીસ ધરાવતી મહિલાઓએ એસ્ટ્રોજન ન લેવું જોઈએ. હાલમાં થયેલ એક સંશોધન મુજબ પ્રોજેસ્ટીરોજનની સાથે એસ્ટ્રોજન હોર્મોન લેવાથી કેન્સરનો ખતરો ઓછો થાય છે. એવું સંયોજન મોટે ભાગે દરેક ગર્ભનિરોધક ગોળીઓમાં જોવા મળે છે, પરંતુ આવી સારવાર સખ્ત ચિકિત્સા નિરીક્ષણ હેઠળ લેવાવી જોઈએ.

                આમ ઓસ્ટીયોપોરોસીસને કારણે રોજબરોબજના જીવનમાં થતી પીડા અને દર્દને દૂર કરવા માટે કોઈ જાદુઈ ગોળીની શોધ થઈ નથી કે જે રાત્રે લઈ સૂઈ ગયા બાદ સવારે ઉઠવાથી તમારા દર્દને દૂર કરી દે. તેથી જ આપણે આહાર અને જીવનશૈલીમાં બદલાવ લાવી તેનું આજીવન પાલન કરીએ તે જરૂરી છે.


સ્ત્રોત : ડ્રીમ – ર૦૪૭, માર્ચ ર૦ર૦


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *