માઈક્રોગ્રીન્સનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાની પ્રક્રિયાઓ (Quality production practices for microgreens)

      માઈક્રોગ્રીન્સ એટલે ખાદ્ય પાકોના છોડના વિકાસનો પ્રારંભિક તબક્કો કે જેમાં બી અંકુરિત થાય ને મૂળ ફૂટે તે સમયે તેની કાપણી કરી ખોરાક તરીકે ઉપયોગ થાય છે. માઈક્રોગ્રીનમાં વિશિષ્ટપણે પાકની પ્રજાતિ મુજબ છોડની દાંડી, કોટીલેડોન્સ (બીમાં રહેલ પ્રથમ પાન) અને છોડના પ્રથમ સાચા પાન (ટ્રુ લીફ) નો સમાવેશ થાય છે. માઈક્રોગ્રીન્સની કાપણી પ્રથમ સાચુ પાન નીકળે તે પહેલાં કે પછી ઉગાડનાર કે ગ્રાહકની પસંદગી મુજબ કરવામાં આવે છે. માઈક્રોગ્રીન્સનું કદ 5 થી 7.5 સે.મી. જેટલું હોય છે જે અનેક ગુણો ધરાવે છે જેવા કે, પોષણ, સુગંધ, રંગ, આકાર અને બાંધો વગેરે. તાજેતરના વર્ષોમાં માઈક્રોગ્રીન્સનું તેની નફાકારક ક્ષમતાને કારણે કે તેનું ઉત્પાદન ચક્ર ઝડપી છે, ઈનપુટસ માટેનો ખર્ચ ઓછો આવે છે અને ઘણી ઓછી જગ્યામાં તેને મોટા પ્રમાણમાં ઉગાડી શકાય છે.

        માઈક્રોગ્રીન્સ વધુ નફાકારક હોવા છતાં તેના વેચાણ માટે બજારની ખાતરી હોય તો જ તેનું ઉત્પાદન કરવું જોઈએ. કોઈપણ પાકનું ઉત્પાદન કરવું અને તેનું વેચાણ કરવું એ બંને અલગ અલગ અને અગત્યની બાબતો છે. જો ખાતરી પૂર્વક પાક ઉગાડી બજારમાં લક્ષાંક સહિત વેચાણ કરીને કંપની મારફતે ગ્રાહકો સુધી માલ પહોંચાડી શકાય તો જ તેની વિકાસ પ્રક્રિયા પૂર્ણ થાય.

જાતો :  

        માઈક્રોગ્રીન્સ એ જે તે પાકનું ટુંકું ચક્ર ધરાવે છે જેનો આધાર પાકની વિવિધ પ્રજાતિઓ અને જાતો તેમજ વિવિધ વૃદ્ધિ દર ઉપર રહેલો છે. શાકભાજીને માઈક્રોગ્રીન્સ તરીકે ઉગાડી 7 થી 14 દિવસમાં કાપણી કરી શકાય છે જ્યારે ઔષધિય છોડ કે જડીબુટ્ટીઓને માઈક્રોગ્રીન્સ તરીકે તૈયાર કરવા માટે સરેરાશ 16 થી 25 દિવસનો સમય લાગે છે.  

        અત્રે પાકની સામાન્ય જાતો પ્રમાણે પરિભ્રમણ એટલે કે ચક્ર મુજબ ત્રણ વિભાગ પાડવામાં આવેલ છે :

(1) ઝડપી વિકાસ પામતાં શાકભાજી (7 થી 14 દિવસ) :   દા.ત. કોબીજ, મકાઈ, કાલે, રાઈ, મૂળા વગેરે

(2) ધીમા વિકાસ પામતા શાકભાજી (15 થી 25 દિવસ) :  દા.ત. રાજગરો, બીટ, ગાજર, સ્વિસ ચાર્ડ (Swiss chard) વગેરે.

(3) ધીમા વિકાસ પામતાં ઔષધિય છોડ (15 થી 30) :  દા.ત. સુવા, તુલસી, અજમો, વરિયાળી, પાર્સલે, સોલ્ટવર્ટ (Saltwort), લાલ અંબાડી (Sorrel) વગેરે

ઉત્પાદનની પદ્ધતિ :

        પાકને ઉગાડી કેવી રીતે તેની કાપણી કરવી તે પાક ઉગાડનાર ખેડૂત નક્કી કરે છે. કઈ રીતે ઉત્પાદન મેળવવું તે તેના લાભો, પડકારો અને જાળવણી ઉપર આધાર રાખે છે. વેપારી ધોરણે નીચે મુજબ માઈક્રોગ્રીન્સનું ઉત્પાદન મેળવવામાં આવે છે.  

(ક) જમીન આધારિત :   બગીચામાં ક્યારા કે ખેતરમાં બનાવેલ ક્યારાઓ ધ્વારા

(ખ) જમીન વિના – હાઈડ્રોપોનિક્સ વડે :

  • હાઈડ્રોપોનિક્સના વિવિધ પ્રકાર મુજબ પાક ઉત્પાદન મેળવી શકાય છે.
  • સબસ્ટ્રેટ કલ્ચર કે જેમાં તટસ્થ પી એચ ધરાવતા માધ્યમમાં ઉગાડવામાં આવે છે.
  • સોલ્યુશન કલ્ચર કે જેમાં પોષણયુક્ત દ્રાવણમાં મૂળ ઉગાડવામાં આવે છે.
  • ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનિકમાં પોષણથી સમૃદ્ધ પાણીના વહેતા પ્રવાહમાં મૂળ ઉગાડવામાં આવે છે.
  • એરોપોનિક્સ પદ્ધતિ વડે છોડ ઉછેરવામાં આવે છે.
  • માઈક્રોગ્રીન્સનું ઉત્પાદન મેળવવાની રીત લગભગ સરખી છે. સ્થાનિક જરૂરિયાત પ્રમાણે સલામત રીતે માઈક્રોગ્રીન્સ ઉછેરી ખોરાક તરીકે વપરાય છે.  
  • સામાન્ય પાકના વિકાસને ધ્યાને લઈએ તો માઈક્રોગ્રીન્સ માટે વધુ જથ્થામાં બીજની જરૂર પડે છે. બી માટે થતો ખર્ચની ગણતરી કરી તે નફાકારક રહેશે કે નહિ તે જાણવું અતિ જરૂરી છે. માઈક્રોગ્રીન્સ ઉગાડવા માટે વધુ જથ્થામાં બીજની પ્રાપ્તિ, વિશ્વાસપાત્ર બીજ મેળવવા અને વિશાળ જથ્થામાં ખરીદવા માટે થતો ખર્ચ વગેરે બાબતો અતિ મહત્વની છે. જો બીના સપ્લાયર્સ વધુ હોય તો તેની અછત, મર્યાદિત વિવિધતા, અન્નની સલામતી અને મુશ્કેલીઓ વગેરેનો ભય રહેતો નથી.
  • માઈક્રોગ્રીન્સનું ઉત્પાદન કરનારે તેના સપ્લાયર્સ શોધી અન્નની સલામતીની ખાતરી અને પેદાશના ઑર્ગેનિક પ્રમાણપત્રો મેળવવાં જોઈએ.
  • કેટલીક પ્રજાતિઓના બીજ સખત હોઈ તેને પાણીમાં અથવા એસિડિક દ્રાવણમાં ભીંજવીને અંકુરિત કરવા પડે છે. આમ દરેક પ્રજાતિના બીજની અંકુરીત થવાની જરૂરિયાત અલગ અલગ હોઈ તે મુજબ ઉત્પાદકે તેને ઉગાડવા પડે છે.  
  • બીને ભીંજવવા માટેના દ્રાવણમાં રોગકારકો અને જીવાણુઓનો ચેપ લાગતો અટકાવવા માટે ચેપનાશક તરીકે હાઈડ્રોજન પેરોક્સાઈડનો ઉપયોગ કરવામાં આવે છે.   
  • કેટલીક વાર ચેપનાશક તરીકે ગરમ પાણીની માવજત પણ આપવામાં આવે છે. કેટલાક બીજ ચીકણા (મ્યુસીલેજીનસ) હોય છે જેવા કે અરૂગુલા (Arugula), તુલસી, ચિયા (Chia), અળસી વગેરે. ઉપર જણાવેલ બીજ જ્યારે પાણીના સંપર્કમાં આવે ત્યારે બીની આજુબાજુ જેલ જેવા પદાર્થનું પડ કે આવરણ બનતુ હોય છે.
  • આ પ્રકારનું પડ બીને અંકુરિત કરવામાં મદદરૂપ થાય છે તેમ છતાં આદર્શ અંકુરણ માટે જરૂરી પગમાં લેવાં હિતાવહ છે.
  • આવાં ચીકણાં બીને વાવતાં પહેલાં પાણીથી ભીંજવવાં નહિ. બીને ઉગાડવા માટેના માધ્યમના પ્રકાર મુજબ એક સમાન રીતે બીને વાવી સારી રીતે અંકુરિત થાય તે જોવું જોઈએ.
  • બીજની રોપણી કર્યા બાદ ઉગાડનારે ભેજ જાળવી રાખવા માટે બીની ઉપરની બાજુ ફાઈન ગ્રેડ વર્મિક્યુલાઈટ સિંગલ પ્લાય પેપર ટોવેલ અથવા જમીન વિહોણા ઉછેર માધ્યમનું પાતળું સ્તર કરવું.
  • સામાન્ય રીતો બીજની ગીચતા નીચે મુજબની હોય છે.

(ક) 100 થી 120 ગ્રામ – સૂર્યમુખી, વટાણા, મકાઈ.

(ખ) 60 થી 70 ગ્રામ – રાઈ, બ્રોકોલી, મૂળા, સ્વિસ ચાર્ડ, લાલ કોબીજ.

(ગ) 50 થી 60 ગ્રામ – સવા, તુલસી, અરૂગુલા.

 અંકુરણ અને વિકાસ :    

        માઈક્રોગ્રીન્સનું ઉત્પાદન કરનારે પર્યાવરણ અને બીજના અંકુરણ માટેની જરૂરિયાતો વિષે જાણી તેના નિષ્ણાત બનવું જોઈએ. આ પદ્ધતિમાં જે તે પ્રજાતિ આધારીત હીટિંગ મેટનો ઉપયોગ પ્રકાશમાં વધારો અથવા સંપૂર્ણ અંધારપટ અને વધુ કે ઓછા પાણીની જરૂરિયાત વગેરેનો સમાવેશ થાય છે.

પર્યાવરણ :

        માઈક્રોગ્રીન્સના વિકાસ માટે આદર્શ પર્યાવરણની જરૂર રહે છે. જેનો આધાર પાકની જાત, મોટા ભાગને જોઈતુ 180 થી 240 સે. નું તાપમાન અને 40 થી 60 ટકા સાપેક્ષ ભેજ ઉપર રહેલો છે. ઉષ્ણતામાન અને ભેજની સતત જાળવણી કરવા હવાની પુરતી અવરજવર માઈક્રોગ્રીન્સના વાવેતર વિસ્તારમાં રાખવામાં આવે છે.

પ્રકાશ :

        ઘણા છોડ કુદરતી પ્રકાશને બદલે કૃત્રિમ પ્રકાશમાં અલગ રીતે વર્તે છે એટલે પ્રકાશની લંબાઈ, તેની તીવ્રતા અને પાકથી અંતર બાબતે ધ્યાન રાખવું જરૂરી છે. જો પ્રકાશ છોડને દૂરના અંતરે મળતો હોય તો છોડ લાંબા થાય છે. જો પ્રકાશની તીવ્રતા અપુરતી હોય તો પાકનો રંગ પુરેપુરો આવતો નથી ફ્લોરોસન્ટ પ્રકારનો પ્રકાશ વાપરતાં તે ગરમી પેદા કરે છે. જો 150 થી વધુ ફ્લોરોસન્ટ લાઈટો વાપરવામાં આવે તો હવાના ઉષ્ણતામાનમાં નોંધપાત્ર અસર પેદા થાય છે. તાજેતરના વર્ષોમાં વેરહાઉસમાં એલઈડી (Light Emitting Diodes – LED) લાઈટો વાપરવામાં આવે છે કે જે ગરમીનું ઓછુ ઉત્સર્જન કરે છે અને વાપરવામાં સરળ છે.

        ગ્રીનહાઉસના વાતાવરણમાં દૈનિક 6 કલાક સૂર્યપ્રકાશને બદલે દૈનિક 12 થી 18 કલાક પ્રકાશ વાપરવામાં આવે તો માઈક્રોગ્રીન્સનો ઉત્પાદન ખર્ચ વધે છે. તાજેતરના વર્ષોમાં તેના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરવાના પ્રયાસો ચાલુ છે તેમછતાં એલઈડી લાઈટિંગ સીસ્ટમના દર ઊંચા છે આથી માઈક્રોગ્રીન્સના ઉત્પાદકો અંદાજીત સ્થાયી અને અસ્થાયી મૂડીરોકાણ અંગેનો અંદાજ જાણી તે મુજબ ઉદ્યોગ નાખવો જોઈએ કે જેથી ઉદ્યોગસાહસિકનું એકમ નફાકારક બને.  

પિયત :

        માઈક્રોગ્રીન્સના ઉછેર માટે ગણતરી પૂર્વકનું પાણી આપવું જરૂરી છે. બીજના અંકુરણ માટે પાણી આપવા મિસ્ટ નોઝલનો ઉપયોગ કરવો જોઈએ. પાકના વિકાસના તબક્કે વધુ પાણી પૂરૂ પાડવા શોઅર હેડ નોઝલનો ઉપયોગ કરવો. જો પાકને વધુ પાણી આપવામાં આવેલ હોય તો તેને દૂર કરવા માટે અસરકારક નિતાર વ્યવસ્થા કરવી જરૂરી છે. જો ભોંયતળિયે પાણી ભરાઈ રહે તો નુક્સાનકર્તા રોગ-જીવાતનો ઉપદ્રવ થાય છે તેમજ કામદારોની સલામતી પણ જોખમાય છે.  

કાપણી :

        તમે ટ્રેમાં ઉગાડેલ માઈક્રોગ્રીન્સને વેચવા માટે તેની હેરફેર અંગે જરૂરી પરવાનો લેવો પડે છે અને ખોરાક સલામત રીતે પહોંચાડી શકાય તે અંગેની પ્રક્રિયા કરવી પડે છે. તેના વિતરણ કરતા પહેલાં સ્થાનિક અને જે તે પ્રાંતના કાયદા અને પ્રમાણનો અંગે પુરતી તપાસ કરી લેવી જોઈએ. માઈક્રોગ્રીન્સ વિવિધ પ્રકારે તૈયાર પ્રોડક્ટસના રૂપે મળે છે જેમ કે,

(1) માઈક્રોગ્રીન્સ યુક્ત જીવંત ટ્રે/જીવંત છોડનું વેચાણ

(2) મિશ્ર માઈક્રોગ્રીન્સ સંયોજન

(3) માઈક્રોગ્રીન્સનો સમાવેશ કરી બનાવેલ મૂલ્ય વર્ધિત કે પ્રોસેસ્ડ પ્રોડક્ટ.  

        ઉત્પાદન પ્રક્રિયામાં માઈક્રોગ્રીન્સની કાપણી કરવી એ એક નિર્ણાયક બાબત છે કે જે લાંબો સમય માંગે છે અને ઘણા પ્રયાસો કરવાની જરૂર પડે છે. આવા નાનું કદ ધરાવતા માઈક્રો છોડની સાવચેતીપૂર્વક કાપણી કરવી એ એક જાતનો પડકાર છે. પાકની કાપણી બાદ તેની તાજગી અને પાકની ગુણવત્તા જાળવવા અને ખોરાકને સલામત રાખવા માટે રેફ્રિજરેટરનો ઉપયોગ કરવાની ખાસ ભલામણ કરવામાં આવે છે.

ધોવું અને સૂકવણી :

        માઈક્રોગ્રીન્સને ધોવા એ એક ઘણું અગત્યનું પગલું છે કે જેના વડે પ્રોડક્ટના મૂલ્યમાં વધારો થાય છે. ખરીદનારને સંપૂર્ણ રીતે પ્રોડક્ટ સાફ કરેલી છે અને ખોરાક તરીકે સલામત છે તે અંગેની પ્રક્રિયાની જાણકારી આપવી પડે છે. વધુમાં માઈક્રોગ્રીન્સ મોટે ભાગે કોઈપણ પ્રોસેસ કર્યા વિના કે ગરમ કર્યા વિના ખોરાક તરીકે વાપરવામાં આવે છે. માઈક્રોગ્રીન્સ એકદમ સાફ કરેલ અને કાપણી બાદ તેમાં બી, બીના છોડાં, મૂળતંત્ર અને જમીન માધ્યમની હાજરી જોવા મળે છે. એકથી વધુ વખત ઠંડા પાણીથી માઈક્રોગ્રીન્સને ધોવાથી નિતાર ધ્વારા તેમાં રહેલ પ્રદૂષકો દૂર થાય છે. તેને ઠંડા પાણીથી ધોવાથી પાકનું ઉષ્ણતામાન તથા સૂક્ષ્મજીવોની વૃદ્ધિની શક્યતાઓ ઘટે છે.  

        માઈક્રોગ્રીન્સમાં સૂક્ષ્મજીવોનો વિકાસ થવાની શક્યતા વધુ રહેલી હોઈ તેને સંપૂર્ણ રીતે સૂકવણી કરવી જરૂરી છે. તેની આવરદામાં વધારો કરવા માટે કાપણી, ધોવુ, સૂકવણી અને પેકેજિંગ વગેરે પ્રક્રિયાઓમાં કોઈ વધારે વિલંબ થવો જોઈએ નહિ.  

પેકેજિંગ :

        બજાર અને ખરીદનાર ગ્રાહકોની અપેક્ષા મુજબ પેકેજિંગ કરવું જોઈએ. પેકેજિંગ કરતી વખતે પ્રોડક્ટનો જથ્થો, કિંમત અને બજાર વગેરે મુજબ નિર્ણય લેવા જોઈએ. પેકેજિંગ ધ્વારા પ્રોડક્ટને ચેપ અને નુક્સાન થતું અટકાવી શકાય છે. આ સાથે પ્રોડક્ટનું લેબલિંગ નિયમોનુસાર કરવું જોઈએ.  

        આ માટે સામાન્ય રીતે નીચે મુજબનું પેકેજિંગ કરવામાં આવે છે.  

(1) વિવિધ માપની પારદર્શક પ્લાસ્ટિક બેગ્ઝ

(2) ઢાંકણ સહિતના નાના પ્લાસ્ટિક કપ

(3) વિવિધ આકાર અને કદ ધરાવતા પ્લાસ્ટિકના સાધનો (clamshells).  

            માઈક્રોગ્રીન્સના ઉગાડનારા ખેડૂતો તેની આવરદા વધારવા પ્રકારનું પેકેજિંગ વાપરવું તે અંગે વિવિધ મતો ધરાવે છે. તેની આવરદા વધારવા માટે યોગ્ય સંગ્રહ અને વાહનવ્યવહારની સ્થિતિ એ બે મુખ્ય જરૂરી બાબતો છે. કાપણી કરેલ માઈક્રોગ્રીન્સને 40 સે.થી નીચા તાપમાને રાખતાં સૂક્ષ્મજીવોનો વિકાસ અટકે છે અને તાજા હોય તે રીતે સંરક્ષિત કરી શકાય છે. માઈક્રોગ્રીન્સને છીછરા પાત્રમાં સંગ્રહ કરવામાં આવે છે જેથી તેની ઝડપથી સૂકવણી થાય છે અને રોગકારકોનો ચેપ લાગવાનું જોખમ ઘટે છે.

લેબલિંગ :

        માઈક્રોગ્રીન્સના ઉત્પાદનમાં ખોટી ઓળખ અને ચેપને ઘટાડવા માટે યોગ્ય લેબલિંગની પદ્ધતિ અપનાવવી જોઈએ. માઈક્રોગ્રીન્સના લેબલમાં નીચે દર્શાવેલ વિગતોનો અચૂકપણે સમાવેશ કરવો જોઈએ.  

  • સામાન્ય નામ
  • એલર્જી કરતા પદાર્થો
  • ચોખ્ખો જથ્થો
  • પોષણ માટેનું લેબલિંગ
  • વિતરકનું નામ અને સરનામું
  • વપરાશનો ટકાઉ સમય (તારીખ)
  • ઘટકોના વિગત
  • બિલિંગની વિગત  

સંગ્રહ અને નૌપરિવહન (શિપિંગ) :

  • માઈક્રોગ્રીન્સને કાપણી બાદ શક્ય હોય ત્યાં સુધી ઠંડા રાખવા જેથી પ્રોડક્ટને નુક્સાન થવા ન પામે.
  • પ્રોડક્ટને ઓરડાના તાપમાને થોડા સમય માટે રાખી શકાય છે.  
  • માઈક્રોગ્રીન્સમાં સૂક્ષ્મજીવોનો વિકાસ ન થાય તે માટે તેને સ્વચ્છ અને 40 સે.થી ઓછા તાપમાને રેફ્રિજરેટર યુક્ત વાતાવરણમાં રાખવા જોઈએ.
  • માઈક્રોગ્રીન્સને બગડતા અટકાવવા માટે ઠંડી સૂકી જગ્યાએ રાખવા જોઈએ. જો વધુ પડતા પેકેટ કે બેગ્ઝ ઉપરાઉપરી મૂકવામાં આવે તો નીચે આવેલ પેકેટ કે બેગ્ઝમાં રાખેલ પ્રોડક્ટ ઝડપથી બગડી જવાનો ભય રહે છે.
  • પાકની વિવિધ પ્રજાતિ અને જાતો મુજબ તેની આવરદામાં તફાવત જોવા મળે છે. મોટા ભાગના માઈક્રોગ્રીન્સની આવરદા યોગ્ય હેરફેર અને સંગ્રહ કરેલ હોય તો અંદાજે 5 થી 10 દિવસની હોય છે.
  • પ્રોડક્ટની ઊંચા સ્તરે કાળજી રાખી પૂરતું ધ્યાન આપી અને યોગ્ય રીતે સંગ્રહ કરી વિતરણ કરવાના સ્થળ સુધી હેરફેર કરવી ખાસ જરૂરી છે.
  • માઈક્રોગ્રીન્સને ચેપ લાગતો અટકાવવા અને સૂક્ષ્મજીવોનો વિકાસ ન થાય તે માટે તેને રેફ્રીજરેટેડ રૂમમાં રાખવી જોઈએ. માઈક્રોગ્રીન્સનો ખોરાક તરીકે ઉપયોગ કરતા પહેલાં ગ્રાહકે આહાર સલામતીની માર્ગદર્શિકાનો જવાબદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. તેમજ માઈક્રોગ્રીન્સ ઉગાડનાર ખેડૂતોએ પણ પોતાના ગ્રાહકોને માઈક્રોગ્રીન્સની હેરફેર અને સંગ્રહ માટેની જાણકારી પુરી પાડવી જોઈએ.

     અત્રે દર્શાવેલ ઉત્તમ પદ્ધતિ અને યોગ્ય પાક વ્યવસ્થાનો ઉપયોગ કરી માઈક્રોગ્રીન્સને એક વેપાર તરીકે ઉગાડવા જોઈએ.  


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જાન્યુઆરી – 2023 


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *