કોઈપણ માનવી માટે તંદુરસ્તી જ તેની સંપત્તિ છે એટલે જ અંગ્રેજીમાં કહેવત છે કે ‘Health is Wealth’ આપણા ઘરમાં જ ઉપલબ્ધ ખાદ્ય પદાર્થો જેવા કે ગોળ, મધ, તજ, હળદર, મેથી તેમજ બજારમાં લભ્ય શાકભાજીને ફળોનો ઘરગથ્થુ રીતે જ ઉપયોગ કરવાથી કફ, કમળો અને ડેન્ગ્યુ જેવા રોગોની સારવાર કરી શકાય છે જેની વિગત અત્રે દર્શાવેલ છે જે દરેક વ્યક્તિને ઉપયોગી નીવડશે.
(ક) કફ અને શરદી :
જ્યારે શરદી સળેખમ ખાય છે ત્યારે નાક ખૂબ હેરાન કરી મૂકે છે. નાક આરોગ્યની દીવાદાંડીનું કામ કરી ચેતવણી આપે છે કે ‘સંભાળો, તમારાં ફેફસાં ખૂબ નબળાં છે, શરીરમાં રોગકારક શક્તિ અને જીવનશક્તિ ઓછી થઈ રહી છે. શરીરમાં ઝેર વધી રહ્યાં છે. હું લીંટ અને પાણી દ્વારા જંતુઓ અને વિજાતીય દ્રવ્યોના ઝેરોનો નિકાલ કરી નાખીશ. મારા કાર્યમાં વિક્ષપ નાખશો તો યાદ રાખજો કે ન્યુમોનિયા અને ક્ષય જેવા ભયંકર દર્દો તમારો નાશ કરશે.’
અપ્રાકૃતિક આહાર-વિહારને કારણે થતી શરદીને જઠરની શરદી કહે છે. તેથી પેટ સાફ થતાં કે ઉપવાસ દ્વારા પેટમાં જતાં ઝેર રોકાતાં શરદી આપોઆપ મટી જાય છે.
જૂની શરદી :
જૂની શરદી મટાડવી સહેલી નથી. જૂની શરદીને કારણે રોગ પ્રતિકારક શક્તિ શિથિલ થઈ જાય છે. જૂની શરદીમાં ઉપવાસ, એનિમા અને વરાળસ્નાન દ્વારા દેહશુદ્ધિ કરવી. ખોરાક બાબતે કડક નિયમ પાલન ફક્ત બે વખત જ ખોરાક લેવો. પચવામાં ભારે ખોરાક, કઠોળ ન લેવાં. ખાંડ, ચણા કે મેંદાની વાનગીઓ મીઠાઈઓ ન લેવી. શીખંડ, ફરસાણ, મિસ્ટાન્ન અને વાસી આહાર ન લેવો. કેળાં, છાશ, મોસંબીનો રસ, ઠંડા પીણાં ન લેવાં. ભોજનના અંતે ૩૦ મિનિટ બાદ પાણી પીવું.
કાચા પપૈયાનું શાક નિયમિત લેવું, પાકું પપૈયુ અવશ્ય ખાવું. સરગવાની શીંગ, પરવળ, કારેલા, દૂધી જેવા લીલા શાક લેવા. મેથી, સુવા, મૂળાની ભાજી અનિવાર્ય છે. મગ, મગની દાળ, ને ઓસામણ, ખીચડી, કઢી, કચુંબર, ઘઉંના ખાખરા, ટામેટા સૂપ વગેરે સાદો અને સમતોલ આહાર લેવો.
કફ થવાથી ગળામાંથી વારંવાર થૂંકવાની અને કફ બહાર કાઢવાની ક્રિયા કરવી પડે છે જેના કારણે એક જાતની બેચેની રહે છે. દરેક વ્યક્તિ સમયે સમયે કફનો નિકાલ કરે છે પરંતુ જો ત્રણ અઠવાડીયાથી વધુ કફ થતો રહે તો તેનાથી શ્વસનતંત્રને શરદીનો ચેપ લાગે છે. વાયરસને કારણે થોડા દિવસો કે અઠવાડીયામાં શ્વસનતંત્રને ચેપ લાગે છે. ફલુને કારણે ચેપ લાગે તો તેને દૂર કરતાં વધુ સમય લે છે અને કેટલીકવાર એન્ટિબોયોટિક્સ દવાઓ લેવાની જરૂર પડે છે.
શરદી કે ફલુથી થતા કફને દૂર કરવાના ઉપાયો :
- આદુવાળી ચા : સામાન્ય શરદી અને કફમાં આદુવાળી ચા ફાયદો કરે છે. તે નાકમાંથી પડતા પાણીને અટકાવે છે અને શ્વસનતંત્રમાં શરદીનો ચેપ અટકાવે છે. સામાન્ય શરદીમાં આદુવાળી ચાનો ઉપયોગ કરતાં શરદી જલ્દી મટે છે.
- દૂધ અને હળદર : દરેકના ઘરના રસોડામાં ઉપલબ્ધ હળદર ઘણા રોગોની સારવારમાં એન્ટિઓક્સીડેન્ટ તરીકે કામ આપે છે. શરદી અને કફની સામે રક્ષણ આપવા માટે ગરમ હૂંફાળા દૂધમાં હળદર નાખી રાત્રે સૂતા પહેલાં દૂધ પીવાથી શરદી અને કફમાં જલ્દી રાહત થાય છે. આ પ્રચલિત અને અસરકારક ઉપાય છે. દૂધમાં હળદરની સાથે ગંઠોડા, ધોળા મરી કે સૂંઠનો ભૂકો નાખી ઉકાળીને લઈ શકાય. શરદીની પ્રકૃત્તિવાળાને સાદુ દૂધ ન પીવું. મીઠાવાળા પાણીથી કોગળા કરવા એ કફ અને શરદીને મટાડવા માટેની જૂની રીત છે. જો મીઠાના પાણીમાં હળદર નાખી કોગળા કરવામાં આવે તો તે વધુ લાભદાયક છે.
- સૂંઠનું પાણી : એક પ્યાલા પાણીમાં ૧૦ ગ્રામ સૂંઠનો ભૂકો નાખી, ઉકાળી ર૦ ગ્રામ જેટલું પાણી રહે ત્યારે ગાળી તેમાં બે ચમચી દિવેલ નાખી પીવું.
- સૂંઠ અને લવિંગ : પાણીમાં સૂઠ અને લવિંગ નાખી તેને ઉકાળી સાધારણ ઠંડુ પાડી પીવાથી ફાયદો થાય છે.
- સૂંઠ, મરી અને લીંડીપીપીર : સૂંઠ, મરી અને લીંડી પીપર એમ ત્રણેનું ચૂર્ણ પ ગ્રામ ઘી અને જૂના ગોળ સાથે લેવું.
- દહીં, મરી અને ગોળ : જમતી વખતે ર૦ ગ્રામ દહીં, ૩ ગ્રામ મરીનો ભૂકો અને પ ગ્રામ ગોળ ભેગાં કરીને ખાવાં.
- લીંબુ, તજ અને મધનું મિશ્રણ : લીંબુ, તજ અને મધનું મિશ્રણ સામાન્ય શરીદી અને કફ મટાડે છે. અડધી ચમચી મધ, થોડા ટીપાં લીંબુનો રસ અને ચપટી તજનો ભૂકો મેળવી બનાવાતું સીરપ દિવસમાં બે વખત લેવાથી શરદી અને કફ મટે છે. હળવું ગરમ પાણી વારંવાર લેવાથી શરદી, કફ અને ગળદાહ (સૂકુ ગળુ) સામે રક્ષણ આપે છે અને બળતરા મટાડી શરીરને ચેપ લાગતો અટકાવવામાં મદદ કરે છે.
- ગોળનું ગરમ પાણી : ગરમ પાણીમાં કાળા મરી, જીરૂ અને થોાડે ગોળ નાખી બનાવેલ દ્રાવણને ગરમ ગરમ પીવાથી છાતીમાં જામેલ કફ છૂટો પડી રાહત થાય છે.
- તળેલું લસણ : ધીમાં તળેલું લસણ ગરમ ગરમ લેવામાં આવે તો તે સામાન્ય શરદી અને કફમાં રાહત આપે છે.
- મધ અને બ્રાન્ડી : બ્રાન્ડી લેવાથી શરીરનું તાપમાન વધતાં તે શરીરમાં ગરમાવો લાવે છે અને મધ કફ સામે લડવામાં મદદ કરે છે. એક ચમચી બ્રાન્ડીમાં થોડા ટીપાં મધના નાખી લેવાથી કફ અને શરદીમાં રાહત થાય છે.
(ખ) ડેન્ગ્યુ તાવ :

આ રોગ મચ્છર દ્વારા ફેલાય છે. મચ્છર કરડવાથી ડેન્ગ્યુ રોગ થતાં તાવ આવે છે. આ પ્રકારના તાવમાં સામાન્ય રીતે માથાનો દુઃખાવો, શરીર તાવને લીધે ગરમ રહેવું, ઉલટી, ઉબકા આવવા, ફોલ્લીઓ ગ્રંથિઓમાં સોજા તથા આંખોમાં દર્દ જેવા લક્ષણો જોવા મળે છે. આજકાલ ડેન્ગ્યુ રોગથી ઘણા લોકો પીડાય છે. આ રોગને અટકાવવા માટેની કોઈ અસરકારક દવા શોધાઈ નથી. તેથી તે અંગે સાવધાનીપૂર્વક સારવાર કરવી જરૂરી છે. આ અંગેની સારવાર ઘરે જ કરી શકાય તેવા કેટલાક ઘરગથ્થું ઉપાયો અત્રે દર્શાવેલ છે.
(૧) પપૈયાના પાનનો રસ :
ડેન્ગ્યુના તાવના દર્દીને પપૈયાના પાનનો રસ કાઢીને આપવો એક આદર્શ ઉપાય છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થતાં રોગ સામે શરીર અસરકારક રીતે રક્ષણ મેળવી શકે છે. વળી પપૈયાના પાન વિટામિન સી થી સમૃદ્ધ છે. વળી તેના પાનમાં લોહીમાં રહેલ પ્લેટલેટના કણોની સંખ્યામાં વધારવાની ક્ષમતા રહેલી છે.
આ માટે તાજાં પપૈયાના પાન પાણી સાથે લઈ તેને મિક્ષ્ચરમાં ફેરવી પપૈયાના પાનના રસ કાઢવો. ત્યારબાદ તેને ગાળીને દરદીને સારૂ ન થાય ત્યાં સુધી દરરોજ આપવો.
(ર) લીમડાના પાન :
આ ભારતીય વૃક્ષ અનેકવિધ ગુણકારી પદાર્થો ધરાવે છે જેથી તેનો ઉપયોગ વિવિધ પ્રકારની બિમારીઓમાં કરવામાં આવે છે. ડેન્ગ્યુના તાવમાં લોહીમાંના પ્લેટપ્લેટસનું પ્રમાણ ઘટી જાય છે. આ માટે લીમડાના પાનના રસનો ઉપયેાગ અનિવાર્ય છે. તે લોહીમાંના પ્લેટપ્લેટસને વધારે છે એટલું જ નહી લોહીમાંના શ્વેતકણોને પણ વધારે છે.
આ માટે એક બાઉલમાં એક પ્યાલા જેટલું પાણી લઈ તેમાં ધોયેલા તાજા લીમડાના પાન લઈ તેને ગરમી આપી ઉકાળવાં અને અડધુ પાણી બળી જાય એટલે મળતા દ્રાવણને ગાળી તેને થોડા દિવસ સુધી દરરોજ દિવસમાં બે-ત્રણ વખત દર્દીને આપવાથી ફાયદો થાય છે.
(૩) જામફળની પેસ્ટ :
જામફળ વિટામિનો, ખનીજતત્વો અને ટેનિન વગેરે પદાર્થો ધરાવતું સમૃદ્ધ ફળ છે. તે પુરતા પ્રમાણમાં વિટામિન સી ધરાવતુ હોઈ આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તેમાં રહેલા ઉપયોગી તત્વોને કારણે તે લોહીમાં પ્લેટલેટસની સંખ્યા વધારે છે અને તે રીતે ડેન્ગ્યુના રોગમાં અસરકારક રીતે ફાયદો કરે છે.
આ માટે એક કે બે નંગ તાજાં જામફળ લઈ તેને ધોયા બાદ નાના કટકા કરી મિક્ષ્ચરમાં ફેરવી તેની પેસ્ટ બનાવવી. આ પેસ્ટ દર્દીને આપવાથી ઈચ્છિત પરિણામ મળે છે. દરરોજ દર્દીને જામફળ ખોરાકમાં આપવામાં આવે તો પણ ફાયદો થાય છે.
(૪) મેથીના દાણા :
મેથીના દાણા વિવિધ ખનીજતત્વો, રેસા, વિટામિન-‘સી’ અને ‘કે’ થી સમૃદ્ધ છે. આ બધા જ તત્વો ડેન્ગ્યુના તાવને અટકાવવા માટે અગત્યના છે. તેમાં રહેલ તત્વોને કારણે તે લોહી નીકળતું અટકાવે છે અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. તે તાવ અટકાવવા માટેના ગુણો ધરાવતું હોઈ ડેન્ગ્યુના તાવનો ગાળો ટુંકો કરે છે.
આ માટે એક બાઉલમાં એક પ્યાલો પાણી લઈ તેમાં ર થી ૩ ચમચી મેથીના દાણા લઈ તેને થોડી મિનિટ ઉકાળવા. ત્યારબાદ તે પાણીને ગાળીને તેમાં થોડા ટીપાં મધ નાખી હળવું ગરમ હોય ત્યારે દર્દીને દરરોજ આપવું. આ ઉપરાંત એક રાત્રિ સુધી ર થી ૩ ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી રાખ્યા બાદ સવારે તે પલાળેલા દાણા સીધા ખાવાથી પણ સારૂ પરિણામ મળે છે.
(પ) ગોલ્ડનસીલ છોડના મૂળ :

ગોલ્ડનસીલ છોડ એ અમેરિકાનો વતની છે જે હાલ ઘણા દેશોમાં વવાય છે. તેના ફળો સુંદર હોઈ બગીચામાં વવાય છે. આ છોડનું વૈજ્ઞાનિક નામ Hydrastis canadensis છે. તે ઓરેન્જ રૂટ, આઈ રૂટ કે યલો પ્યુકન રૂટ તરીકે ઓળખાય છે. તેમાં રહેલ તત્વોને કારણે તે દવાના હેતુ માટે સિદ્ધ ઔષધિ તરીકે વપરાય છે. તેમાં રહેલ તંદુરસ્તીના અનેકવિધ લાભોને લીધે તેનો ઉપયોગ ડેન્ગ્યુ તાવની સારવારમાં થાય છે. તેમાં કુદરતી રીતે વિષાણુ સામે રક્ષણ આપતો ગુણ રહેલ હોઈ પ્રાચીનકાળથી તેનો ઉપયોગ તાવ અને અન્ય રોગોની સારવારમાં થાય છે. તે લોહીમાં રહેલ પ્લેટલેટસની સંખ્યામાં વધારો કરે છે.
આ માટે ગોલ્ડનસીલના એક ચમચી સૂકા મૂળ લઈ તેને મિક્ષ્ચરમાં દળીને ભૂકો બનાવવો. એક બાઉલમાં એક પ્યાલો પાણી લઈ તેને ગરમ કર્યા બાદ તેમાં આ ભૂકો નાખી પ થી ૧૦ મિનિટ રહેવા દેવું. ત્યારબાદ આ મિશ્રણને દિવસમાં બે વખત દર્દીને પીવા માટે આપવું. તેમાં થોડા મધના ટીપાં નાખવાથી તે સ્વાદિષ્ટ અને વધુ અસરકારક પરિણામ આપે છે.
(ગ) કમળો :

પિતાશયમાં ભેગું થયેલુ પિત્ત નાના આંતરડામાં જવાને બદલે લોહીમાં સીધુ ભળી જાય છે ત્યારે કમળો થાય છે. પિત્તરસનું રક્તમાં ભળી જવું એટલે કમળાનું દર્દ. શરીરમાં ઊંચા બીલીરૂબિનનું પ્રમાણ થતાં કમળાનો રોગ થાય છે જેના પરિણામે શરીરની ત્વચા અને આંખો પીળાશ પડતી દેખાય છે. યકૃત સારી રીતે કામ કરી શકતું ન હોઈ બીલીરૂબિનનું પ્રમાણ વધે છે. બાળકના જન્મના પહેલા અઠવાડીયામાં પણ કમળો થતો જોવા મળે છે. કમળાનું પ્રથમ લક્ષણ આંખો પીળી થવી તે છે. ત્યારબાદ ચહેરો ફીક્કો પડે છે અને મૂત્ર ગાઢ બને છે.
કમળામાં જોવા મળતા સામાન્ય લક્ષણો :
કમળાના રોગમાં કેટલાક લક્ષણો નોંધપાત્ર છે કે જે સહેલાઈથી કમળો રોગ થયાનું જણાવે છે. તેથી તે અંગેની સાવચેતી આપણે જલ્દીથી લઈ શકીએ છીએ. કમળાના રોગમાં પ્રારંભિક અવસ્થામાં પેટમાં ભાર, અનિંદ્રા, કબજીયાત, ભોજનમાં અરૂચિ, ગેસવાયુ વારંવાર છૂટવો ને તેમાંથી તીવ્ર દુર્ગંધ આવવી, પેટમાં ગરબડ વગેરે લક્ષણો જોવા મળે છે.
પિત્તના રજકણો લોહીમાં ભળવાથી કમળાના દર્દીની આંખ, ચામડી અને નખ નીચેનો ભાગ પીળો થઈ જાય છે. ઘણી વખત આખુ શરીર પણ પીળુ પડી જાય છે. અશક્તિ અને બેચેની ખૂબ વધી જાય છે. ઝાડાનો રંગ અને મોંનો સ્વાદ બદલાઈ જાય છે. હૃદયના ધબકારા વધે છે. પેશાબ રંગે પીળો જ નહિ, લોહી જેવા રંગનો પણ થાય છે. ઘણી વખત દર્દીને થોડોે તાવ ચઢે છે.
કમળો થવાના કારણો :
- ઝેરનિકાલની ખામીને લઈને યકૃતમાં વિકૃતિ થવાથી
- યકૃતમાં લોહીનો વધુ સંચય, જડતા કે કોઈ અડચણ ઊભી થવાથી
- યકૃતમાં પિત્ત ઉત્પાદક કોષોના કાર્યમાં વિક્ષેપ થવાથી
- નાના આંતરડામાં પિત્ત લઈ જનાર પિત્તનલિકામાં અવરોધ થવાથી
- પિત્તનલિકામાં સાજો કે સંકોચ કે કાંકરી આડે આવવાથી
- તીવ્ર પ્રકારના માનસિક આવેગથી
- જૂની કબજીયાત, જીર્ણ-અજીર્ણ વગેરે પાચનતંત્રની ખામીથી
કમળા માટેના કેટલાક ઘરગથ્થું ઉપાયો :
(૧) ટામેટાનો જ્યુસ :
ટામેટામાં યકૃતની તંદુરસ્તી માટે જરૂરી પદાર્થ લાયકોપીન રહેલો હોઈ તેનો રસ કમળાના રોગમાં ચમત્કારિક પરિણામ આપે છે. આ માટે ૪ થી પ ટામેટા લઈ તેને પાણીમાં ઉકાળવા. ત્યારબાદ તેને ક્રશ કરી ગળણી વડે ગાળીને જ્યુસ તૈયાર કરવો. આ જ્યુસ દરરોજ સવારે ખાલી પેટે આપવો. તેનું સારા પરિણામ મેળવવા જ્યુસમાં થોડું મીઠું અને મરચું નાખી શકાય.
(ર) કારેલાનો રસ :
કમળાના રોગને કારણે થતી પીળાશને કારેલાનો કડવો રસ દૂર કરવામાં મદદ કરે છે. દિવસમાં બે વખત બે ચમચા જેટલો કારેલાનો રસ દર્દીને પીવાડવાથી ફાયદો કરે છે.
(૩) પંડોળાના પાન :
નિષ્ણાતોના જણાવ્યા મુજબ પંડોળાના પાન કમળાના રોગમાં વપરાય છે. આ માટે એક પ્યાલા પાણીમાં ૭ થી ૮ પંડોળાના પાન લઈ ઉકાળવા. ત્યારબાદ પ્રવાહીને ઠંડુ પાડી તેમાં ધાણાની બીજનું પાણી મિક્ષ કરી બનતું દ્રાવણ દિવસમાં ત્રણ વખત દર્દીને પીવા આપવું.
(૪) સરગવાનાં પાન :
સરગવાનાં પાનનો ઉપયોગ પણ કમળાની સરવાર માટે થાય છે. આ માટે એક પ્યાલા પાણીમાં અડધો ચમચો સરગવાના પાનનો જયુસ ઉમેરી તેમાં બે ચમચી મોરસ નાખી દરરોજ સવારે આ દ્રાવણ દર્દીને આપવું.
(પ) તુવેરનાં પાન :
તુવેરના પાનને ક્રશ કરી પાણીમાં ઉમેરી તેનો જયુસ તૈયાર કરી દરરોજ આપવાથી કમળાના દર્દીને લાભ થાય છે. તુવેરના દાણાને પણ ખોરાકમાં લઈ શકાય છે.
(૬) હળદર :
કમળાને કારણે થતી પીળાશ હળદરના ઉપયોગથી દૂર કરી શકાય. આ માટે અડધો પ્યાલો પાણી લઈ તેમાં એક ચમચી હળદરનો ભૂકો નાખી બનાવેલ મિશ્રણ દિવસમાં ૩ વખત દર્દીને આપવાથી કમળામાં થતી પીળાશ દૂર થાય છે.
(૭) લીંબુ અને મોસંબીનો રસ :
ખાટાં લીંબુ અને મોસંબીના રસનો વધુ ઉપયોગ કરવો.
(૮) શેરડીનો રસ :
કમળાના રોગ માટેની તે ખાસ દવા છે. તેના દર્દીને નિયમિત શેરડીનો રસ આપવાથી કમળો મટાડે છે.
(૯) નાળિયેરનું પાણી :
ડોશીમાના વૈદિક મુજબ નાળિયેરનું પાણી એ કમળા માટે એક અસરકારક ઉપાય છે. તે શરીરમાંની ગરમીને ઘટાડે છે અને મૂત્રની પીળાશને દૂર કરે છે. દરરોજ ર થી ૩ વખત નાળિયેરનું પાણી દર્દીને પીવા આપવું જોઈએ.
(૧૦) લીમડાના પાન :
રોજ સવારે લીમડાના પાનનો રસ અને મધ ભેગા કરી પીવાથી કમળાના રોગમાં ફાયદો થાય છે.
(૧૧) જેઠીમધ :
જેઠીમધના મૂળ યકૃતમાં રહેલા ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે. આ માટે જેઠીમધના સૂકા મૂળોને દળી તેનો એક ચમચી પાઉડર સિંધાલૂણ અને ચિકોરીના બીજ સાથે દર્દીને દિવસમાં બે વાર અડધી ચમચી મુજબ મિશ્રણ આપવું.
ટુંકમાં કમળાના દર્દમાં શરીરની તમાક શક્તિ હણાઈ જાય છે એટલે પૂરતો આરામ અને તેની સાથે તંદુરસ્ત ખોરાક દર્દીને આપવામાં આવે તો જ ઝડપથી કમળો દૂર થાય. કમળાના દર્દીએ ટેલીવિઝન તેમજ સ્માર્ટ ફોનના ઉપયોગથી દૂર રહેવું જેથી આંખોને પૂરતો આરામ મળે તેમજ શરીરને પૂરતો આરામ આપવા માટે કોઈ શારીરિક પ્રવૃત્તિઓ પણ ન કરવી હિતાવહ છે.
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

