મોરૈયાને અંગ્રેજીમાં (Barnyard millet) કહે છે. તે સનવા, જન્ગોરા, શ્યામા, ઉડાલુ, ભગર, ખીરા, સ્વાન્ક કુથીરાઇવોલી, ઉડાલુ વગેરે વિવિધ નામે જાણીતું છે. તેની મુખ્યત્વે બે પ્રજાતિઓ જાણીતી છે. (૧) ભારતીય મોરૈયા (Indian barnyard millet)Echinochloa frumentacea અને(૨) જાપાનીઝ મોરૈયો (Japanese barnyard millet- Echinochloa esculenta). તે વિશ્વના એશિયા ખંડના ગરમ પ્રદેશો જેવા કે ભારત, ચીન, કોરીયા અને જાપનમાં પ્રાચીન સમયથી થતો પાક છે. ગૌૈણ મિલેટમાં ઉત્પાદનની દૃષ્ટિએ તે ચોથા ક્રમે છે અને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ મિલેટ રિસર્ચ (IIMR) સંસ્થાના જણાવ્યા અનુસાર ભારત વિશ્વમાં મોરૈયા પેદા કરતો મોટોે ઉત્પાદક દેશ છે. ભારતમાં વધુમા વધુ મોરૈયાનું વાવેતર ઉત્તરાખંડ રાજ્યમાં થાય છે.
પોષણ અને આરોગ્યલક્ષી ફાયદાઓ :
(૧) મૌૈરૈયૌ પ્રોટીન (૬.૨ ટકા) નો સારો સ્ત્રોત છે જે ઊંચી પાચ્યતા ધરાવે છે.
(૨) તે ૫ ટકા દ્રાવ્ય અને ૮ ટકા અદ્રાવ્ય રેસા મળીને કુલ ૧૩ ટકા ડાયેટરી રેસાનો ઉત્તમ સ્ત્રોત છે.
(૩) તેમાં લિનોલેઇક એસિડ, પાલ્મિટિક એસિડ અને ઓલેઇક એસિડ જેવા ફેટી એસિડ રહેલા છે.
(૪) તે ૬૫.૫ ટકા કાર્બોહાઇડ્રેટ ધરાવે છે જે કોમ્પ્લેક્ષ કાર્બોહાઇડ્રેટના રૂપે રહેલો છે. તેનો ગ્લાયસેમિક આંક નીચો હોઇ ટાઇપ-૨ ડાયાબીટીસની સારવારમાં ઉપયોગી છે.
(૫) તે ૧૦૦ ગ્રામ પ્રમાણમાં ૨૦ મિ.ગ્રા. કેલ્શિયમ અને ૩ મિ.ગ્રા. ઝિન્ક ધરાવે છે.
(૬) તેનો આહારમાં ઉપયોગ કરતાં કબજીયાતમાં રાહત આપે છે
(૭) તે આપણા શરીરમાં હાયપોેગ્લાયસેમિક અને હાયપોલિપિડેમિક અસર કરે છે.
(૮) તે ગ્લુટેન મુક્ત હોઇ સેલિએકના દર્દીઓ માટે સારો આહાર છે. .
(૯) લાંબા સમય સુધી તેનો ખોરાક તરીકે ઉપયોગ કરતાં શરીરના વજનમાં ઘટાડો કરે છે.
વાનગીઓ :
મોરૈયામાંથી ખીચડી, ખીર, ભાત વગેરે વાનગીઓ બનાવી શકાય છે કે જે દૈનિક આહારમાં લેવાથી તંદુરસ્તી ઉપર સકારાત્મક અસર કરે છે. અત્રે મોરૈયાની ખીચડી અને ખીરની માિહતી દર્શાવેલ છે.
(ક) મોરૈયાની ખીચડી :
મોરૈયાની ખીચડી એ ઝડપી બનતી, સાદી અને સહેલાઇથી રાંધીને બનાવી શકાય છે. આ વાનગી ગ્લુટેન મુક્ત છે તેથી સેલિએકના દર્દીઓ તેમજ અન્ય લોકો પણ સહેલાઇથી ખોરાકમાં લઇ શકે છે.
ક્રમ | પદાર્થ | પ્રમાણ |
૧ | મોરૈયો | ૧૨૫ ગ્રામ (અડધો કપ) |
૨ | મગની દાળ | ૫૦ ગ્રામ |
૩ | ડુંગળી | ૧ (મધ્યમ કદ) |
૪ | લીલાં મરચાં | ૨ નંગ |
૫ | ગાજર | ૧ નંગ (મધ્યમ કદ) |
૬ | આદુ-લસણની પેસ્ટ | અડધી ચમચી |
૭ | હળદર (પાઉડર) | અડધી ચમચી |
૮ | ગરમ મસાલો | અડધી ચમચી |
૯ | મીઠુ | સ્વાદ મુજબ |
૧૦ | લીલા ધાણાના પાન | જરૂર મુજબ |
૧૧ | તેલ | ૧ ચમચી |
૧૨ | પાણી | ૩૭૫-૪૦૦ મિ.લિ. (ર કપ) |

રીત :
(૧) સૌ પ્રથમ મોરૈયો અને મગની દાળને એક બાઉલમાં લઇ ૨ થી ૩ વખત પાણીથી ધોઓ .
(૨) તેને પુરતા પાણીમાં ૩૦ થી ૪૫ મિનિટ પલાળી રાખો જેથી રાંધવાનો સમય ઘટાડી શકાય.
(૩) વાસણમાં તેલ લઇ ગરમ કરી તેમાં ડુંગળીના કટકાઓને સાંતળો.
(૪) ત્યારબાદ તેમાં આદુ-લસણની પેસ્ટ ઉમેરી ૧-૨ મિનિટ હલાવો.
(૫) પછી તેમાં લીલા મરચાંના કટકા અને ગાજરના ટુકડા ઉમેરી ૧-૨ મિનિટ સાંતળો.
(૬) તેમાં અડધો ભાગ લીલા ધાણાને સમારી હલાવો.
(૭) ત્યારબાદ ત્રણ કપ જેટલું પાણી લઇ તેમાં હળદરનો ભૂકો, મીઠું અને ગરમ મસાલો ઉમેરી ઉકાળવા દો.
(૮) જ્યારે પાણી ઉકળે ત્યારે તેમાં ભીજવેલ મોરૈયા અને મગની દાળને ઉમેરો અને વાસણને ઢાંકી ધીમા તાપે થવા દોે.
(૯) થોડા સમય બાદ ચમચા વડે હલાવો. મોરૈયો ચઢી જાય અને પાણી શોપાઇ જાય એટલે ખીચડી તૈયાર થઇ ગણાય.
(૧૦) ત્યારબાદ તેમાં બાકીના અડધા સમારેલા લીલા ધાણાને ઉમેરી ગરમ ગરમ ઘી સાથે પીરસો.
(ખ) મોરૈયાની ખીર :
ક્રમ | પદાર્થ | પ્રમાણ |
૧ | મોરૈયો | ૧૦૦ ગ્રામ (અડધી કટોરી) |
૨ | દૂધ | ૫૦૦ મિ.લિ |
૩ | મોરસ | ૨ થી ૩ ચમચી (સ્વાદ મુજબ) |
૪ | બદામ (પલાળેલ) | ૪ થી ૫ નંગ |
૫ | પિસ્તા | ૪ થી ૫ નંગ |
૬ | દ્રાક્ષ | ૨ ચમચી |
૭ | એલચી પાઉડર | અડધી ચમચી |

રીત :
(૧) મોરૈયાને પાણીથી બરાબર ધૂઓ ત્યારબાદ બાઉલમાં ૨ કલાક માટે પલાળી રાખો.
(૨) ત્યારબાદ તેમાંનું વધારાનું પાણી દૂર કરો.
(૩) એક વાસણમાં દૂધ લઇ તેને મધ્યમ તાપે ગરમ કરો.
(૪) દૂધ ઉકળવા માંડે એટલે તેમાં મોરૈયો ઉમેરી તેને ચઢવા દેવો. વાસણને તળિયે મોરૈયો ચોંટે નહિ તે માટે વચ્ચે હલાવતા રહેવું.
(૫) મોરૈયો ચઢી જાય એટલે તેમાં બદામ અને પિસ્તાના ટુકડા તથા દ્રાક્ષ ઉમેરી તેને મિશ્ર કરવી.
(૬) ત્યારબાદ એલચીનો ભૂકો ઉમેરી મિશ્ર કરવો.
(૭) છેલ્લે મોરસ ઉમેરી ગેસ બંધ કરવો એટલે ખીર તૈયાર.
સ્ત્રોત : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, જૂન-૨૦૨૩
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in