ભારતમાં ખુલ્લા ખેતરો અને રક્ષિત ખેતીમાં સિમલા મરચાં તરીકે પ્રખ્યાત કેપ્સિકમ મરચાંનું વાવેતર કરવામાં આવે છે. તેને અંગ્રેજીમાં સ્વીટ પીપર કે બેલ પીપર (Sweet pepper or Bell pepper) કહે છે. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ગ્રાહકોની પસંદગી અને વિવિધ ખોરાકમાં ઉપયોગને કારણે ઊંચું મૂલ્ય ધરાવતા શાકભાજી તરીકે તેનું આર્થિક મહત્વ રહેલું છે. તેથી શહેરી અને અર્ધશહેરી વિસ્તારોમાં આવેલ વિવિધ બજારોમાં તેનું ગુણવત્તા યુક્ત ઉત્પાદન મેળવવા માટે કેપ્સિકમની રક્ષિત ખેતી પ્રખ્યાત બનતી જાય છે. પહેલાં શ્રીમંત અને ભદ્ર ખેડૂતો જ કેપ્સિકમની ખેતી કરતા હતા પરંતુ હવે નાના અને સીમાંત ખેડૂતો કેપ્સિકમની સફળતાપૂર્વક રક્ષિત ખેતી કરી નફો મેળવી શકે છે.
કેપ્સિકમ વિટામિન એ (8493 આઈયુ), વિટામિન સી (283 મિ.ગ્રા.) થી સમૃદ્ધ છે અને તે 100 ગ્રામ તાજા વજન દીઠ13.4 મિ.ગ્રા. કેલ્શિયમ, 14.9 મિ.ગ્રા. મૅગ્નેશિયમ, 28.3 મિ.ગ્રા. ફોસ્ફરસ અને 263.7 મિ.ગ્રા. પોટેશિયમ ધરાવે છે.
કેપ્સિકમ એ શિયાળુ ઋતુનો પાક છે પરંતુ રક્ષિત ખેતી હેઠળનાં માળખામાં તાપમાન અને સાપેક્ષ ભેજની જાળવણી કરી આખુ વર્ષ તેના પાકનું વાવેતર કરી શકાય છે. આ પાકને દિવસે 250 થી 300 સે, રાત્રે 180 થી 200 સે. તાપમાન અને 50 થી 60 ટકા સાપેક્ષ ભેજની જરૂર પડે છે. જો તાપમાન 350 સે થી વધે અથવા 120સે. થી ઘટે તો ફળોના બેસવા ઉપર અસર થવા પામે છે.
શહેરી બજારમાં રંગીન કેપ્સિકમની તીવ્ર માંગ રહે છે. તેની મોટે ભાગે હોટલ અને કેટરીંગ ઉદ્યોગમાં વધુ માંગ રહે છે. પરંપરાગત રીતે લીલા રંગના કેપ્સિકમની ખેતી કરતાં 4 થી 5 માસમાં તેની જાત અને ઋતુ મુજબ હેક્ટર દીઠ સામાન્ય રીતે 20 થી 40 ટન કેપ્સિકમનું ઉત્પાદન મળે છે. ગ્રીનહાઉસમાં રંગીન કેપ્સિકમનું વાવેતર કરતાં 7 થી 10 માસે અંદાજે હેક્ટર દીઠ 80 થી 100 ટન કેપ્સિકમનું ઉત્પાદન મળે છે.
રક્ષિત ખેતીમાં કેપ્સિકમ ઉછેરવાના ફાયદાઓ :
(1) ઊંચી ઉત્પાદકતાને પરિણામે ઉત્પાદનમાં વધારો થાય છે.
(2) છોડનો સારી રીતે ઉછેર થાય તેવું પર્યાવરણ પૂરૂ પાડે છે.
(3) વરસાદ, પવન અને ઊંચું તાપમાન સામે રક્ષણ આપે છે અને રોગ-જીવાત વગેરેનું નુક્સાન ઓછું કરે છે તેથી કેપ્સિકમની ગુણવત્તામાં સુધારો થાય છે અને ઉત્પાદન વધુ મળે છે.
(4) ખુલ્લા ખેતરોમાં કેપ્સિકમની ખેતી કરવામાં આવે તેની સરખામણીએ રક્ષિત ખેતીમાં આખુ વર્ષ પાક લેતાં 2 થી 3 ગણું ઉત્પાદન આપે છે.
જાતની પસંદગી :
8 થી 10 માસના લાંબા ગાળા સુધી સતત અને નિયમિત રીતે ફૂલો બેસી ફળો મેળવવા માટે ગ્રીનહાઉસમાં કેપ્સિકમની સંકર જાતોનું વાવેતર કરવું જોઈએ. મોટા ભાગની કેપ્સિકમની સંકર જાતો લીલાં ફળો પેદા કરે છે જે પક્વ થતાં જે તે સંકર જાત મુજબ લાલ, નારંગી કે પીળો રંગ ધારણ કરે છે. ફળો એકસરખા કદ અને આકારનાં, ચાર ખંડવાળાં, 150 ગ્રામ વજનવાળાં, પાકતાં એકસરખા રંગનાં અને આદર્શ સ્થિતિમાં પાંચ દિવસની સારી આવરદા ધરાવતા હોય તેવા લક્ષણો ધરાવે છે. પસંદ કરેલ સંકર જાતો વધુ ઉત્પાદન ધરાવતી હોઈ હેક્ટર દીઠ 100 ટન ઉત્પાદન આપે છે. સંકર જાતોમાં બે ગાંઠ વચ્ચેનું અંતર 7 થી 10 સે.મી. અને 10 માસના પાકના ગાળામાં છોડની વધુમાં વધુ ઊંચાઈ 3 મીટર જેટલી થાય છે.
ભારતમાં વેપારી ધોરણે વાવવામાં આવતી પ્રખ્યાત સંકર જાતોમાં ઈન્દ્ર, યમુના (લીલો), બોમ્બે, ટ્રિપલ સ્ટાર, નતાશા, ઈન્સ્પિરેશન, પસરેલ્લા (લાલ), સન્નીઝ, સ્વર્ણા, ઓરોબેલે અને બચત (પીળો) વગેરેનો સમાવેશ થાય છે. એકસરખા કદ અને આકાર ધરાવતી અને હેક્ટર દીઠ 100 ટન થી વધુ ઉત્પાદન આપે તેવી સંકર જાતો વાવેતર માટે પસંદ કરવી જોઈએ. સંકર જાતોનો જીવનકાળ 8 થી 10 માસનો હોય છે. તેના ફળો ચાર ખંડવાળા, એકસરખા રંગ અને પક્વતા સહિત સારી આવરદા ધરાવે છે.
નર્સરીમાં ઉછેર :
સારી જાતના ધરૂ મેળવવા માટે સારી ગુણવત્તા ધરાવતા બીજ જરૂરી છે. તેના ધરૂ ઉછેરવા માટે 98 ખાના ધરાવતી બીજ ઉછેરવાની ટ્રે (પ્રો-ટ્રે) નો ઉપયોગ કરવો. એક એકર વિસ્તારમાં રોપણી માટે 16,000 થી 20,000 ધરૂ જોઈએ જે માટે 160 થી 200 ગ્રામ બીની જરૂર પડે છે. પ્રો-ટ્રેના ખાનાઓમાં નિર્જીવીકરણ કરેલ કોકોપીટ ભરી તેમાં અડધો સે.મી. ઊંડે કેપ્સિકમનું બીજ વાવી ઉપર ફરી કોકોપીટનું આવરણ કરવું. આવી પ્રો-ટ્રેને એકબીજા ઉપર મૂકી બીનું સ્ફુરણ થાય ત્યાં સુધી પ્લાસ્ટિક શીટથી ઢાંકી રાખવી. એક અઠવાડીયા બાદ બીનું સ્ફૂરણ થાય છે. ત્યારબાદ ટ્રેને નેટહાઉસ કે પોલીહાઉસમાં લઈ જવી. હળવું પાણી આપવું. વાવણીના 15 દિવસ બાદ મોનો એમોનિયમ ફોસ્ફેટ (12:61:00) 3 ગ્રામ પ્રતિ લિટર અને વાવણીના 22 દિવસ બાદ નાઃફોઃપો (19:19:19) 3 ગ્રામ પ્રતિ લિટર મુજબ દ્રાવણથી ભીંજવવું. ધરૂની ફેરરોપણી પહેલાં ટ્રેને 3 ગ્રામ કોપરઑક્સીક્લોરાઈડ પ્રતિ લિટરના દ્રાવણથી ભીંજવવી. ધરૂ 30 થી 35 દિવસે રોપવા માટે તૈયાર થાય છે. ધરૂને રોપતાં પહેલાં તેના ઉપર 0.2 મિ.લિ. પ્રતિ લિટર મુજબ ઈમિડાક્લોપ્રિડ અને 1 ગ્રામ પ્રતિ લિટર મુજબ ક્લોરોથેલોનિલ દવાનો છંટકાવ કરવો. જંતુનાશક દવાનો છંટકાવ કરતા પહેલાં એક લિટર પાણી દીઠ 0.3 મિ.લિ વેટિંગ એજન્ટ હંમેશા ઉમેરવો.
જમીનની તૈયારી :
જમીનને સારી રીતે ખેડી, સમાર મારી તૈયાર કરવી. જમીનમાં એક ચો.મી. દીઠ 20 થી 25 કિ.ગ્રા. સારૂ કહોવાયેલ સેન્દ્રિય ખાતર ઉમેરી સારી રીતે મિશ્ર કરવું. આ જમીનમાં સફળતાપૂર્વક કેપ્સિકમના ત્રણ પાક લઈ શકાય છે. ખેતરમાં ગાદીવાળા ક્યારા તૈયાર કરી ધરૂ રોપવામાં આવે છે. ક્યારાની પહોળાઈ 90 થી 100 સે.મી. અને ઊંચાઈ 15 થી 22 સે.મી. રાખવામાં આવે છે. બે ક્યારાઓ વચ્ચે હરીફરી શકાય તે માટે 45 થી 50 સે.મી. જેટલી જગ્યા રાખવામાં આવે છે.
ધૂમિકરણ (ફ્યુમિગેશન) :
એક ચોરસ મીટરના ક્યારા દીઠ 4 લિટર પ્રમાણે ફોર્માલ્ડીહાઈડ લઈ ક્યારાને ભીંજવવા અને કાળા રંગની પ્લાસ્ટિક શીટ વડે તેને ઢાંકવા. ફોર્માલિનની માવજત આપતી વખતે માસ્ક, હાથમોજાં અને એપ્રોન અવશ્ય પહેરવાની કાળજી લેવી. ફોર્માલિનની માવજત આપ્યાના ચાર દિવસ બાદ ઢાંકેલ કાળા પ્લાસ્ટિકની શીટ દૂર કરવી અને ફેરરોપણી પહેલાં દરરોજ ફોર્માલિનની ગંધને સંપૂર્ણ રીતે દૂર કરવા માટે જમીનને ઉપરનીચે કરવી.
કેપ્સિકમના ત્રણ પાક લીધા બાદ અને જરૂર જણાય ત્યારે ફોર્માલિનની માવજત ફરીથી આપવી. ફોર્માલ્ડિહાઈડનું ધૂમિકરણ કરવાથી જમીનજન્ય રોગોને ઓછામાં ઓછા આવતા અટકાવી શકાય છે.
ખાતરો આપવાં :
પાયાના ખાતર તરીકે નાફોપો 50:62:5:50 કિ.ગ્રા. પ્રતિ હેક્ટર મુજબ ક્યારામાં ફેરરોપણી પહેલાં એકસરખી રીતે ખાતરો 200 કિ.ગ્રા. કેલ્શિયમ એમોનિયમ, નાઈટ્રેટ, 312.50 કિ.ગ્રા. સુપર ફોસ્ફેટ અને 80 કિ.ગ્રા. મ્યુરેટ ઑફ પોટાશ અથવા 100 કિ.ગ્રા. સલ્ફેટ ઓફ પોટાશના રૂપે આપવાં.
લીંબોળી ખોળ અને જૈવનિયંત્રક એજન્ટનો ઉપયોગ :
ફેરરોપણીના 15 દિવસ પહેલાં લીંબોળીના ખોળને ટ્રાયકોડર્મા હરજીયાનમ અને શ્યૂડોમોનાસ લિલાસિનસ જેવા જૈવનિયંત્રક (બાયો એજન્ટસ) સાથે મિશ્ર કરી આપવા. અંદાજે 200 કિ.ગ્રા. દિવેલીના ખોળનો ભૂકો લેવો અને તે સ્હેજ ભેજવાળો હોવો જોઈએ. ઉપરોક્ત બંને જૈવનિયંત્રકો તથા પેસિલોમાયસીસ ચિલ્મડોસ્પોરીયા જૈવ-નિયંત્રક દરેક 2 કિ.ગ્રા. પ્રમાણે લઈ લીંબોળીના ભૂકા સાથે સંપૂર્ણ રીતે મિશ્ર કરવા. આ મિશ્રણને 8 થી 10 દિવસ માટે ભીની કોથળીઓ અથવા સૂકા ઘાસ વડે ઢાંકી રાખવું. તેના ઉપર સીધો સૂર્યપ્રકાશ અને વરસાદ પડવો જોઈએ નહિ. દશ દિવસ બાદ આ સમૃદ્ધ થયેલ મિશ્રણને 600 કિ.ગ્રા. લીંબોળીનો ખોળ સાથે એકસરખી રીતે ક્યારાઓમાં એકરદીઠ આપવો. આ માવજત જમીન જન્ય રોગકારકો અને કૃમિની સમસ્યામાં ઘટાડો કરવા માટે ઉપયોગી છે. ક્યારાઓમાં એઝોસ્પિરિલમ અથવા એઝોટોબેક્ટર અથવા વામ (WAM) ને આપી શકાય છે કે જે નાઈટ્રોજનનું સ્થિરીકરણ કરે છે.
ટપક પિયત માટેની લાઈન નાખવી :
ક્યારાની મધ્યમાં જમીનમાં 16 મિ.મી. વ્યાસ ધરાવતી પાઈપ નાખવી જેના ઉપર દર 30 સે.મી.ના અંતરે 2 લિટર પ્રતિ કલાક અથવા 4 લિટર પ્રતિ કલાકના દરે પ્રવાહ વહે તેવા ઉત્સર્જિત બિંદુઓ હોય. પોલીથીનના આવરણથી ક્યારાઓને ઢાંકતા પહેલાં ટપક પદ્ધતિ પાઈપ ઉપર આવેલ દરેક ઉત્સર્જિત બિંદુઓની ચકાસણી કરી લેવી જેથી એકસરખો પ્રવાહ મળી રહે.
આવરણ (મલ્ચિંગ) અને અંતર :
ક્યારાઓને ઢાંકવા માટે 1.2 મીટર પહોળી અને 30 થી 100 માઈક્રોન જાડી કાળા રંગની બિન-રિસાયકલ કરી શકાય તેવી પોલીથીલીન મલ્ચ શીટ વાપરવામાં આવે છે. પોલીથીલીન ફિલ્મ ઉપર ભલામણ કરેલ અંતર (45 સે.મી. × 30 સે.મી.) મુજબ 5 સે.મી. ના વ્યાસ ધરાવતાં કાણાં પાડવામાં આવે છે. ફેરરોપણી માટેના ક્યારાને પ્લાસ્ટિક શીટ વડે ઢાંકી તેની ધારોને જમીનમાં દબાવી દેવામાં આવે છે. મલ્ચિંગ કરવાથી પાણીનું સંરક્ષણ થાય છે, નીંદણનું નિયંત્રણ થાય છે, રોગ-જીવાતના ચેપમાં ઘટાડો થાય છે અને તેને પરિણામે ઊંચુ ઉત્પાદન અને પેદાશની સારી ગુણવત્તા મળે છે.
ફેરરોપણી :
ફેરરોપણી કરતાં પહેલાં ક્યારાઓમાં તેની ક્ષમતા મુજબ પાણી આપવું. ફેરરોપણી માટે 30 થી 35 દિવસનું ધરૂ પસંદ કરવામાં આવે છે. પ્રો-ટ્રેમાંથી ધરૂ લેતી વખતે તેના મૂળને નુક્શાન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. પોલીથીલીન શીટમાં પાડેલ કાણાંમાં 5 સે.મી. ઊંડે ધરૂની ફેરરોપણી કરવી. ફેરરોપણી બાદ એક છોડ દીઠ 25 થી 30 મિ.લિ. પ્રમાણે (3 ગ્રામ કોપરઓક્સીક્લોરાઈડ અથવા 3 ગ્રામ કેપ્ટાન અથવા 2 ગ્રામ કોપરહાઈડ્રોક્સાઈડ પ્રતિ લિટર) ના દ્રાવણમાં ભીંજવવા.
પિયત :
ઢાંકેલ ક્યારાઓને દરરોજ બપોર બાદ એક અઠવાડીયા સુધી પાઈપ વડે નિયમિત રીતે પાણી આપવું જેથી ક્યારા ઉપર ઢાંકવામાં આવેલ પ્લાસ્ટિક શીટને કારણે ગરમી પેદા થતાં છોડના મૃત્યુદરને અટકાવી શકાય.
છાંટણી :
ફેરરોપણી બાદના 30 દિવસ પછી મથાળાની મુખ્ય શાખા દૂર કરી કેળવણી આપી ફૂટતી શાખાઓ પૈકી બે અથવા ચાર શાખા અંગ્રેજી ‘વી’ આકારમાં વિકસવા દેવી. ચાર શાખા વિકસાવવા છાંટણી કરવામાં આવે છે. 5 અથવા 6 આંતરગાંઠ પછી છોડની ટોચને બે ભાગમાં કેળવણી આપી વિકસવા દેવી. આ બે શાખા ફરીથી બે શાખામાં વિકસવા દેવી જેથી ચાર શાખા મળશે. દરેક ગાંઠ પર ફુટતી શાખા એક મજબૂત અને બીજી નબળી શાખા વિકસે છે. નબળી શાખાઓ દૂર કરવી. ફેરરોપણીના 30 દિવસ બાદ દર 8 થી 10 દિવસના અંતરે છાંટણી કરવી જોઈએ જેને પરિણામે ફળો મોટાં, સારી ગુણવત્તા ધરાવતાં અને વધુ ઉત્પાદકતા મળે છે.
કેળવણી :
ધરૂની ફેરરોપણીના ચાર અઠવાડીયા બાદ ગેલ્વેનાઈઝડ વાયરની જાળીનો ઉપયોગ કરી પ્લાસ્ટિકની દોરી વડે છોડનો મુખ્ય થડને ટેકો આપવો. છોડની નવી શાખાઓને પ્લાસ્ટિકની સુતળી વડે ટેકો આપી કેળવણી કરવી.
ટપક પિયત અને ફર્ટિગેશન :
ઋતુ પ્રમાણે એક ચો.મી. વિસ્તાર દીઠ દૈનિક 2 થી 4 લિટર પાણી ટપક પિયત પદ્ધતિ મારફતે આપવું જોઈએ. ફેરરોપણી બાદ ત્રીજા અઠવાડીયે પાણીમાં દ્રાવ્ય ખાતરો ફર્ટિગેશન મારફતે આપવા. કોઠામાં દર્શાવ્યા પ્રમાણે અઠવાડિયામાં બે વખત ભલામણ કરેલ ખાતરો ફર્ટિગેશન મારફતે આપવાં.
| ક્રમ | રાસાયણિક ખાતરો | ફર્ટિગેશનમાં ખાતરનું પ્રમાણ (એકર દીઠ) |
| 1 | 19:19:19 (ના:ફો:પો) | 4.0 કિ.ગ્રા. |
| 2 | પોટેશિયમ નાઈટ્રેટ | 1.5 કિ.ગ્રા. |
| 3 | કેલ્શિયમ નાઈટ્રેટ | 1.5 કિ.ગ્રા. |
ફેરરોપણીના બે માસ પછી દર ત્રણ અઠવાડીયાના અંતરે 3 ગ્રામ પ્રતિ લિટર પ્રમાણે પોટેશિયમ નાઈટ્રેટ અને કેલ્શિયમ નાઈટ્રેટ જેવા પાણીમાં દ્રાવ્ય ખાતરોનો છંટકાવ કરવો.
સંકલિત જીવાત અને રોગ વ્યવસ્થાપન :
કેપ્સિકમ એ પોલીહાઉસમાં લેવામાં આવતો 9 થી 10 માસ જેટલા લાંબા ગાળાનો પાક છે. જેથી રોગ-જીવાતનો ઉપદ્રવ થાય તો છોડના ભાગો (વાનસ્પતિક, ફૂલો, ફળો) ઉપર અસર થતા પેદાશના ઉત્પાદન, ગુણવત્તા અને બજાર મૂલ્ય ઉપર અસર થવા પામે છે. તેથી રોગ-જીવાતની ઓળખ અને યોગ્ય સમયે તેનું વ્યવસ્થાપન ઘણું જ મહત્વનું છે. અત્રે મુખ્ય રોગો અને જીવાતોની માહિતી આપેલ છે. રોગો અને જીવાતોની નિયંત્રણ માટે સંકલિત અભિગમ અપનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવેલ છે કે જેથી જંતુનાશકોના પ્રમાણને ઘટાડી શકાય, રસાયણો માટે થતો ખર્ચ ઓછો કરી શકાય અને રોગ-જીવાતનો ફરીથી ઉપદ્રવ થતો અટકાવી શકાય.
(ક) જીવાત વ્યવસ્થાપન :
(1) થ્રિપ્સ :

બચ્ચાં અને પુખ્તી બંને પાનની નીચેની બાજુએ અહી મુખાંગો વડે ઘસરકા કરી પાનમાંથી રસ ચૂસીને નુક્સાન કરે છે જેને પરિણામે પાન કોકડાઈ જાય છે. આવા પાનનું નિરીક્ષણ કરતાં હોડી આકારના જણાય છે. તેના ઉપદ્રવ વધતાં પાન કાળાં પડી સૂકાઈ જાય છે અને અનિયમિત ફળો આવે છે.
વ્યવસ્થાપન :
(1) અસરગ્રસ્ત પાન, ફૂલો, ફળો વગેરેને દૂર કરવાં.
(2) છોડના ખરી પડેલ તમામ ભાગોને ક્યારામાંથી દૂર કરવા.
(3) 5 થી 8 મિ.લિ. કરંજ તેલ અથવા 4 ટકા લીમડાના બીજનો અર્ક અથવા 7 ગ્રામ પ્રમાણે આઈઆઈએચઆર ધ્વારા વિક્સાવેલ પોન્ગામિયા/નીમ સોપ અથવા 1 મિ.લિ. ફિપ્રોનિલ અથવા 2 મિ.લિ. ક્લોરપાયરીફોસ અથવા 1.5 ગ્રામ એસીફેટ અથવા 0.5 મિ.લિ. ઈમિડાક્લોપ્રિડ પ્રતિ લિટરે છંટકાવ કરવો.
(4) 4 મિ.લિ. ક્લોરપાયરીફોસ અથવા 0.5 મિ.લિ. ઈમિડાક્લોપ્રિડ પ્રતિ લિટર મુજબ જમીનમાં ડ્રેન્ચિંગ કરવું.
(2) પાનકથીરી (માઈટસ) :

તે પાનની નીચેની બાજુએ રહી પાનમાંથી રસ ચૂસીને નુક્સાન કરે છે જેને પરિણામે પાન કોકડાઈ ઊંધી હોડી આકારનાં થઈ જાય છે. ઉપદ્રવિત પાન ભૂખરાં થઈ ખરી પડે છે અને છોડની વૃદ્ધિ અટકી જાય છે. તાપમાનમાં વધારો અને સાથે ઊંચો ભેજ હોય ત્યારે આ જીવાતનો વધુ ઉપદ્રવ જોવા મળે છે.
વ્યવસ્થાપન :
(1) જીવાતથી નુકસાન થયેલ છોડના ભાગો, ફૂલ, ફળ વગેરે દૂર કરવા.
(2) છોડ ઉપર 5 થી 8 મિ.લિ. કરંજ તેલ અથવા 8 થી 10 ગ્રામ પોન્ગામિયા/નીમ સોપ અથવા 2 મિ.લિ. ડાયકોફોલ અથવા 2 મિ.લિ. વેટેબલ સલ્ફર અથવા 0.5 મિ.લિ. એબામેક્ટીન અથવા 1 મિ.લિ. ઈકોમાઈટ અથવા પ્રોપરગાઈટ અથવા ક્લોરોફીનાપ્રી અથવા 1 મિ.લિ. ફેનાઝાક્વીન પ્રતિ લિટર પ્રમાણે છંટકાવ કરવો.
(3) મોલો :

તેનાં બચ્ચાં અને પુખ્ત પાનની નીચેની સપાટી ઉપર રહીને પાનમાંથી રસ ચૂસે છે જેથી છોડનો વિકાસ અટકે છે અને ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તે વિષાણુથી થતા રોગોનો ફેલાવો પણ કરે છે.
વ્યવસ્થાપન :
(1) મોલોનો ઉપદ્રવ થયો છે કે નહિ તે જાણવા માટે છોડ ઉપર નિયમિત દેખરેખ રાખવી.
(2) 8 થી 10 ગ્રામ પોન્ગામિયા/નીમ સોપ અથવા 0.5 મિ.લિ. ઈમિડાક્લોપ્રિડ અથવા 0.5 ગ્રામ થાયોમેથોક્ઝામ અથવા 2 મિ.લિ. ડાયમીથોએટ પ્રતિ લિટર મુજબ દવાનો છંટકાવ કરવો.
(4) ફ્રુટ બૉરર :

ફ્રુટ બોરરનો રાત્રિના સમયે વધુ કાર્યરત હોય છે. તેના પુખ્ત છોડના ફળ, ફૂલ અને પાન ઉપર મોટા જથ્થામાં ઈંડાં મૂકે છે અને તેમાંથી નીકળતાં બચ્ચાં ફળો અને પાનને ભારે નુકસાન પહોંચાડે છે જેથી તેની ગુણવત્તા ઉપર અસર થાય છે. જો રાત્રિ દરમ્યાન તાપમાન નીચુ હોય અને સાથે ઊંચો ભેજ હોય ત્યારે તેનો ઉપદ્રવ વધે છે. તે ઈંડાં જથ્થામાં મૂકતી હોઈ તેમાંથી નીકળતી ઈયળો એક જગ્યાએ દેખાતાં સહેલાઈથી ઓળખી તેનો નાશ કરી શકાય છે.
વ્યવસ્થાપન :
(1) તેની ઈયળો અને પુખ્તને પકડી તેનો નાશ કરવો.
(2) તે ઈંડાં, જથ્થામાં મુકતી હોઈ અને સેવાતાં હોઈ તેને ઓળખી તેનો તરત જ નાશ કરવો.
(3) 1 મિ.લિ. થાયોડિકાર્બ અથવા 1 મિ.લિ. ઈન્ડોક્ષકાર્બ અથવા 0.5 મિ.લિ. રીનાક્સીપીર અથવા 1.5 મિ.લિ. ક્લોરોફેનફર અથવા 1 મિ.લિ. ફિપ્રોનિલ પ્રતિ લિટર દવાનો છંટકાવ કરવો.
(4) વિશેષમાં વિકસતાં પુખ્ત માટે મીથોમાઈલ બેઈટિંગ ની માવજત આપવી જે સલામત, તંદુરસ્ત અને અસરકારક પદ્ધતિ છે.
મીથોમાઈલ બેટિંગ પદ્ધતિ :
10 કિ.ગ્રા. ડાંગરની ફોતરી (પેડી હસ્ક) અને 1 કિ.ગ્રા. ગોળને બરાબર મિશ્ર કરી તેને 6 થી 8 કલાક માટે સંગ્રહ કરો. તેમાં 500 ગ્રામ મીથોમાઈલ ઉમેરો. આ મિશ્રણમાંથી નાના કદના ગોળા બનાવવા અને છોડના મૂળ વિસ્તારની આજુબાજુ તેમજ પોલીહાઉસ કે નેટહાઉસની આજુબાજુ રાત્રિના સમયે પાથરી દેવા જેથી ફ્રુટ બોરરનો ઉપદ્રવ દૂર કરી શકાય. પાલતું પ્રાણીઓ/પશુઓને પોલીહાઉસ કે નેટહાઉસની આજુબાજુ રાત્રિના સમયે ફરવા કે પ્રવેશવા દેવા નહિ.
(5) કૃમિ (નીમેટોડસ) :

એકના એક ખેતરમાં જ્યારે 3 થી 4 વખત સોલાનેસીયસ પાકો લેવામાં આવે ત્યારે સામાન્ય રીતે કૃમિનો ઉપદ્રવ જોવા મળે છે. કૃમિને કારણે શરૂઆતમાં પાન પીળાં પડેલા જણાય છે ત્યારબાદ પાનના કદમાં ઘટાડો અને ફળના કદમાં ઘટાડો થાય છે. આવા છોડને ઉપાડીને જોતાં તેના મૂળ ઉપર કૃમિની અસંખ્ય ગાંઠો જોવા મળે છે.
વ્યવસ્થાપન :
(1) કેપ્સિકમના બદલે મેરી ગોલ્ડ, સ્વીટ કોર્ન અને કોબીજ જેવા પાકો લેવા જેથી કૃમિને દૂર કરી શકાય.
(2) ક્યારાઓમાં ધરૂની ફેરરોપણી કરતાં પહેલાં 4 થી 5 દિવસ અગાઉ એકર દીઠ 800 કિ.ગ્રા. પ્રમાણે જૈવનિયંત્રકોથી સમૃદ્ધ બનાવેલ લીંબોળીના ભૂકાને આપવો.
(3) ધરૂની રોપણીના સમયે એકર દીઠ 20 કિ.ગ્રા. કાર્બોફ્યુરાન (ફ્યુરાડાન) દાણાદાર દવા આપવી.
(4) ખાસ કરીને બીજો કે અને ત્રીજો પાક લેતી વખતે છોડ ઉપર કૃમિનો ઉપદ્રવ થયો છે કે નહીં તે બાબતે પુરતી કાળજી રાખવી.
કીટનાશક દવાઓ છાંટતી વખતે તેની સાથે સ્પ્રેડર અથવા સ્ટીકર અવશ્ય મિશ્ર કરવું. દવા છાંટતી વખતે છોડના ટોચથી માંડી નીચેનો ભાગ પણ આવરિત થઈ જવો જોઈએ તેનું ધ્યાન રાખવું. દવા છંટકાવ કરતી વખતે શરીરને માસ્ક, મોજાં અને એપ્રોન વડે સંપૂર્ણ રીતે ઢાંકેલુ રાખવું.
રોગ વ્યવસ્થાપન :
(1) ધરૂનો કહોવારો :

ધરૂ વાડીયામાં બીજ ઉગતી વખતે અને ઉગ્યા પછી એમ બે અવસ્થામાં આ રોગ જોવા મળે છે. આ રોગમાં બીજ જમીનમાં અંકુર પહેલાં સડી અથવા કોહવાઈ જાય છે પરિણામે અંકુર જમીનની બહાર નીકળી શકતું નથી. બીજ ઉગ્યા પછી છોડ પીળાશ પડતા જોવા મળે છે. થડના જમીન પાસેના ભાગ ઉપર બદામી, પાણીપોચા ડાઘ દેખાય છે. રોગની માત્રા વધતાં છોડની પેશીઓ કહોવાઈ છોડ ચીમળાઈ જાય છે.
વ્યવસ્થાપન :
(1) છોડ દીઠ 20 થી 25 મિ.લિ. 1 ગ્રામ કાર્બેન્ડાઝિમ અથવા 2 ગ્રામ મેટાલેક્ષીલ એમ ઝેડ અથવા 3 ગ્રામ કોપર ઓક્સીક્લોરાઈડ અથવા 3 ગ્રામ કેપ્ટાન પ્રતિ લિટર પ્રમાણે ડ્રેન્ચિંગ કરવું.
(2) છારો :

રોગની શરૂઆતમાં છોડના પાનની સપાટી ઉપર નાના પીળાં ટપકાં પડે છે અને પાનની નીચેની સપાટી ઉપર ફુગની વૃદ્ધિ જોવા મળે છે અને પાન સૂકાઈને ખરી પડે છે. આ રોગથી પાનનો વિકાસ ઘટે છે જેથી ફળોની ગુણવત્તા ઘટે છે અને ઉત્પાદન ઓછું મળે છે.
વ્યવસ્થાપન :
7 મિ.લિ કરંજ તેલ અથવા લીમડાનું તેલ + 2 ગ્રામ સલ્ફર ડબલ્યુ ડીજી-80 અથવા 2 ગ્રામ વેટેબલ સલ્ફર અથવા 0.5 મિ.લિ. હેક્ઝાકોનાઝોલ અથવા 1 ગ્રામ માયક્લોબુટાનિલ અથવા 1 મિ.લિ. ડિનોકેપ અથવા 0.5 મિ.લિ. એઝોક્ષીસ્ટ્રોબિન અથવા 0.5 મિ.લિ. પેનકોનાઝોલ અથવા 0.5 મિ.લિ. ફ્લુસિલાઝોલ પ્રતિ લિટર મુજબ દવાનો છંટકાવ કરવો.
(3) પાનનાં ટપકાં :

સરકોસ્પોરા નામની ફુગથી થતાં ટપકાંના રોગની શરૂઆત પાન પર ખૂણવાળા અનિયમિત આકારના પીળા ધાબા પડે છે અને સમય જતાં ધાબા ભૂખરા રંગની બની જાય છે. રોગ ઉગ્ર સ્વરૂપમાં હોય ત્યારે આવાં પાન ખરી પડે છે.
વ્યવસ્થાપન :
2.5 ગ્રામ ક્લોરોથેલોનિલ અથવા 2.5 ગ્રામ મેન્કોઝેબ અથવા 1 ગ્રામ કાર્બેન્ડાઝિમ પ્રતિ લિટર પ્રમાણે દવાનો છંટકાવ કરવો.
(4) પાછોતરો સૂકારો :

ફાયટોપ્થોરા ફુગથી થતો આ રોગ ફૂલો અને ફળો બેસવાના તબક્કે થાય છે જેમાં પાન ઉપર પાણી પોચા ભૂરાં ટપકાં પડે છે. જે પાન ઉપર ફેલાતાં પાન કાળું પડી જાય છે છેવટે છોડ નબળો પડી 2 થી 3 દિવસમાં મરી જાય છે. ભારે અને સતત વરસાદ સાથે ઊંચો ભેજ હોય ત્યારે આ રોગ વ્યાપક પ્રમાણમાં ફેલાય છે. નેટહાઉસમાં જો આ ફુગનો ઉપદ્રવ થાય તો 40 થી 80 ટકા જેટલું પાકને નુક્સાન થાય છે.
વ્યવસ્થાપન :
(1) રોગના ઉપદ્રવવાળા છોડનો નાશ કરવો.
(2) નેટહાઉસમાં રોગનો ઉપદ્રવ વધુ હોય તો કેપ્સિકમના વાવેતરથી દૂર રહેવું વધુ સારૂ છે.
(3) છોડ ઉપર 3 ગ્રામ કોપરઓક્સીક્લોરાઈડ અથવા 1 ટકા બોર્ડો મિશ્રણ અથવા 2 ગ્રામ મેટાલેક્ષીલ એમઝેડ અથવા 1 ગ્રામ ડાયમેથોમોર્ફે + 2.5 ગ્રામ મેન્કોઝેબ અથવા 2 ગ્રામ ફોસેટીલ એલ્યુમિનિયમ અથવા 0.5 મિ.લિ. એઝોક્ષીસ્ટ્રોબિન પ્રતિ લિટર પ્રમાણે દવાનો છંટકાવ કરવો.
(5) વિષાણુથી થતા રોગો :

વિષાણુથી થતા રોગોનો ફેલાવો મોલો અને થ્રિપ્સ મારફતે થાય છે. રોગોવાળા છોડ નાના રહે છે અને પાન નીચે કે ઉપરની બાજુએ વળી જાય છે. વધુ ઉપદ્રવ હોય તો પાન ખરી પડે છે, છોડ ઠીંગણા રહે છે અને ફળોની ગુણવત્તા તથા ઉત્પાદન ઘટે છે. વિષાણુથી અસર પામેલ ફળોનું બજારમૂલ્ય મળતું નથી.
વ્યવસ્થાપન :
(1) ધરૂવાડીયાને બીજ વાવ્યા બાદ 30 દિવસ સુધી 50 મેશવાળી નાયલોનની જાળીથી ઢાંકી રાખવા.
(2) મોલો, કથીરી અને થ્રિપ્સ એ વિષાણુથી થતા રોગોના વાહક હોઈ તેઓના નિયંત્રણ માટે યોગ્ય વ્યવસ્થાપન કરવું.
(3) વિષાણુના રોગોનો ચેપ કે ફેલાવો અટકાવવા માટે રોગિષ્ઠ છોડનો યોગ્ય નિકાલ કરવો.
કાપણી :
કાપણી માટે વહેલી સવારનો સમય વધુ અનુકુળ છે. ફેરરોપણી બાદ 55 થી 60 દિવસે લીલા રંગના કેપ્સિકમ, 70 થી 90 દિવસે લાલરંગના કેપ્સિકમ ઉતારવામાં આવે છે. 3 થી 4 દિવસે એક વખત ફળો ઉતારવામાં આવે છે. પીળા અને લાલ રંગના ફળો જ્યારે તેના 50 થી 80 ટકા રંગનો વિકાસ થાય ત્યારે ઉતારવામાં આવે છે. ફળોને ઉતાર્યા બાદ તેને ઠંડી જગ્યાએ સંગ્રહ કરવો અને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખવાં. ક્લિપ ટેકનિકનો ઉપયોગ કરી ફળોની કાળજીપૂર્વક હેરફેર કરવી જેથી ફળો ઉપર ઓછામાં ઓછો ઘસારો પડે.
ઉત્પાદન :
કેપ્સિકમનું હેક્ટર દીઠ સરેરાશ ઉત્પાદન 75 થી 100 ટન મળે છે.
કાપણી પછીની વ્યવસ્થા :
(1) ગ્રેડિંગ :
કેપ્સિકમ એ કુદરતી રીતે ઝડપથી બગડી જાય તેવાં ફળો છે અને ઘણી ઝડપે પાણી ગુમાવે છે. જેથી બગડી જવા પામે છે. તેના સારી ગુણવત્તા ધરાવતાં ફળોને પસંદ કરી એક સૂકા અને નરમ કાપડ વડે તે ફળ ઉપર રહેલ પાણીના ટપકાં કે ભીનાશ અથવા જંતુનાશક/ફુગનાશકના અવશેષોને સાફ કરવા. સામાન્ય રીતે 2 થી 3 ખાનાવાળા, 150 ગ્રામથી ઓછું વજન ધરાવતા, સારી ગુણવત્તાવાળા ફળો ‘બી’ ગ્રેડમાં જ્યારે 3 થી 4 ખાનાવાળા, 150 ગ્રામ વજન ધરાવતાં ફળો ‘એ’ ગ્રેડમાં આવે છે. આવાં ગ્રેડ ધરાવતાં ફળોનું કાર્ટન બોક્સમાં પેક કરવામાં આવે છે. સારી ગુણવત્તા ધરાવતા એકસરખા પક્વ, રંગ, આકાર, કદ, દવાના અવશેષોથી મુક્ત અને ડાઘા કે ટપકાં વગરના ફળો પેકિંગ માટે લેવામાં આવે છે. જ્યારે તડકાથી થયેલ નુક્સાન, ડાઘાવાળા, યાંત્રિક કે કીટકોથી થયેલ નુક્સાનવાળા, અનિયમિત આકારવાળાં ફળો પેકિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતાં નથી.
(2) પેકિંગ અને સંગ્રહ :
લાંબા અંતરે પરિવહન કરવા માટે કેપ્સિકમને એક અથવા વધુ સ્તરે પાતળા પેપરની વચ્ચે રાખી સીએફબી કાર્ટન એટલે કે કોરૂગેટેડ બોક્સમાં પેકિંગ કરવાં. જો 70 થી 80 સે તાપમાન સાથે 90 થી 95 ટકા સાપેક્ષ ભેજવાળી યોગ્ય સ્થિતિમાં સંગ્રહ કરવામાં આવે તો તેની આવરદા 2 થી 3 અઠવાડીયા લંબાવી શકાય છે. જો તાપમાન 50 સે. થી નીચે જાય તો તે ઠંડીથી થતા નુકસાન પ્રત્યે સંવેદનશીલ હોઈ તે પોચાં પડી, ખાડા પડી અને સડી જાય છે. કેપ્સિકમનો ખાસ કરીને કેરી, પપૈયા અને ટામેટા જેવા પાકતાં ફળો સાથે સંગ્રહ કરવો નહિ જેથી તેને ઝડપથી પાકતાં અને બગડતાં અટકાવી શકાય.
(3) શ્રિન્ક રેપિંગ ટેકનોલૉજી:

વ્યક્તિગત રીતે કેપ્સિકમના ફળોને શ્રિન્ક રેપિંગ કરવામાં આવે છે. કાપણી કરેલ તાજાં ફળોને સોર્ટિંગ કરી ગ્રેડિંગ કરી સંપૂર્ણ રીતે પાણીથી ધોઈ , સપાટીને સૂકાવા દઈ તેની દાંડી દૂર કરી વ્યક્તિગત ફળને લવચીક ફિલ્મમાં પેક કરી 1500 થી 1700 સે. તાપમાનવાળા શ્રિન્ક ટનલમાં 8 થી 10 સેકન્ડ માટે પસાર કરવામાં આવે છે. આવા શ્રિન્ક રેપડ કરેલ ફળોને એકત્ર કરી પેક કરી ઓરડાના સામાન્ય તાપમાને અથવા યોગ્ય સંગ્રહ સ્થિતિમાં સંગ્રહવામાં આવે છે. દરેક ફળ ઉપર ફિલ્મ શ્રિન્ક રેપથી સખત રીતે જકડાઈ જતી હોઈ તે એક રક્ષણાત્મક પડ તરીકે કાર્ય કરે છે. આમ આ ટેક્નોલૉજી ફળોની આવરદા વધારવામાં મદદ કરે છે જેથી તેનો દૂરના બજારોમાં વહન કરવા અને નિકાસ માટે ઉપયોગ કરી શકાય છે.
શ્રિન્ક રેપિંગ ટેકનોલૉજી એ ત્યારે જ ઉપયોગી થાય છે કે જ્યારે નીચા તાપમાને કેપ્સિકમનો સંગ્રહ કરવાનો હોય અન્યથા ફળો બગડી જાય છે. સામાન્ય સંગ્રહ કરતાં તે ફાયદાકારક છે કારણ કે તે વજનમાં ઘટાડો ઓછો કરે છે, તેની દ્રઢતા (મજબૂતી) જાળવે છે, તીવ્ર ઠંડીથી થતું નુક્સાન, ડાઘા અને ફળોને ચેપ લાગતો ઘટાડે છે. 80 થી 120 સે. જેટલા નીચા તાપમાનમાં શ્રિન્ક રેપડ ફળોનો સંગ્રહ કરવામાં આવતાં તેની આવરદામાં 6 અઠવાડિયા જેટલો વધારો કરી શકાય છે. તે પક્વતા અને જીર્ણાવસ્થામાં મોડુ કરતી હોઈ ફળોના સંગ્રહ કાળમાં વધારો થાય છે. તે સ્વચ્છતામાં સુધારો કરે છે જેથી બગડેલાં ફળો સહેલાઈથી અલગ પાડી શકાય છે અને ગ્રાહકોને પસંદગી યુક્ત જાત અને બ્રાન્ડ માટેની ઓળખની સવલત પુરી પાડે છે.
વધુ અને ગુણવત્તા યુક્ત ઉત્પાદન મેળવવાની ખાસ ચાવીઓ :
(1) જમીનમાં આપવામાં આવતું સેન્દ્રિય ખાતર કે કમ્પોસ્ટ ખાતર શ્યૂડોમોનાસ ફલુઓરેસન્સ, પેસિલોમાયસીસ લિલાસીનસ અને ટ્રાયકોડર્મા હરજીયાનમ વગેરે જૈવ-નિયંત્રક એજન્ટોથી સમૃદ્ધ કરેલ હોય તેવું આપવું અને જમીનના આરોગ્યમાં વધારો કરવા માટે પીએસબી, એઝોસ્પિરિલમ, એઝેટોબેક્ટર વગેરે જેવા બાયોફર્ટિલાઈઝર્સ આપવા.
(2) નેટ અથવા પોલીશીટના માળખામાં જો કોઈ નુક્સાન થયેલ હોય તો તેને તાત્કાલિક ધોરણે રીપેર કરી રોગ કે જીવાતનો પ્રવેશ અટકાવવો જોઈએ.
(3) પોલીહાઉસ કે નેટહાઉસમાં બે ધ્વારની પ્રવૃત્તિ હોવી જોઈએ કે જે રોગ અને જીવાતનો પ્રવેશ અટકાવવાનો સલામત રસ્તો છે. આવા ધ્વાર રસ્તાઓથી દૂર હોય તો તે વધુ પસંદ છે.
(4) જમીનની સપાટીથી 15 સે.મી. ઊંચે બનાવેલ ગાદીવાળા ક્યારાઓમાં પ્રો-ટ્રેમાં બીને વાવી ઉછેરેલ ધરૂ જ્યારે 30 થી 35 દિવસનું થાય ત્યારે તેની ફેરરોપણી કરવી.
(5) નિયમિત છાંટણી કરી 2/3 તંદુરસ્ત શાખાએ રાખવી અને દરેક શાખા ઉપર સારા આકાર અને કદનું એક ફળ રાખવું અને જો અનિયમિત આકારના ફળો હોય તો તેને શરૂઆતની અવસ્થાએ જ દૂર કરવાં.
(6) શાખાઓને યોગ્ય રીતે પ્લાસ્ટિકની સુતળીથી બાંધવાં અને ગેલ્વેનાઈઝાડ જાળીનો ટેકો આપવો જેથી ડાળીઓ અને ફળો ભાંગે નહિ.
(7) નિયમિત રીતે સમયપત્રક મુજબ ટપક પિયત અને ફર્ટિગેશન આપતા રહેવું.
(8) પાકનાં રોગ-જીવાત આવતા અટકાવવા માટે રોગનિવારક પગલાં લેવા. આ માટે યોગ્ય અને ભલામણ કરેલ જંતુનાશક દવા જરૂરી જથ્થા અને પ્રમાણ મુજબ લઈ રોગ-જીવાતનું નિયંત્રણ કરવું.
(9) ગ્રીનહાઉસમાં તંદુરસ્ત વ્યવસ્થા જાળવવી અને કહોવાયેલ, પડી ગયેલ અને રોગિષ્ઠ છોડ તેના ભાગો, ફળ વગેરેનો નિયમિત રીતે સાંજના સમયે નિકાલ કરવો. આવા રોગયુક્ત ભાગોને પ્લાસ્ટિક બેગમાં ભરી નિકાલ કરવાના સ્થળે પહોંચાડવા જેથી ખેતરમાં તેના ચેપનો ફેલાવો ન થવા પામે.
(10) ટોચની કળીને ચૂંટવી જોઈએ નહિ તે બાબતે કાળજી રાખવી અને તેને કથીરીના ચેપથી રક્ષણ આપવું.
(11) સંકલિત જીવાત, રોગ અને પોષણ વ્યવસ્થાપનમાં વનસ્પતિજ, જૈવ-નિયંત્રક એજન્ટસ, જૈવિક એજન્ટસ અને જૈવિક ખાતરો વાપરવાં જોઈએ.
(12) 3 થી 4 ખાનાવાળા તથા 150 થી 180 ગ્રામ વજન ધરાવતાં એ ગ્રેડના ફળોનું ઉત્પાદન 85 થી 90 ટકા મળવું જોઈએ. યુવાવસ્થાએ જ વિકૃત અને અનિયમિત આકારનાં ફળો ચૂંટી કાઢી દૂર કરવા જોઈએ અને 50 થી 70 ટકા ફળો રંગવાળા હોય ત્યારે તેની કાપણી કરવી અને યોગ્ય રીતે ગ્રેડિંગ-પેકિંગ કરવું જોઈએ.
જંતુનાશકોના ઉપયોગ સમયે ધ્યાનમાં લેવાના મુદ્દાઓ :
(1) બજારમાં મોકલવામાં આવતી પેદાશમાં જે તે જંતુનાશક દવાના સલામત પ્રમાણનું સ્તર (એમઆરએલ) જળવાઈ રહેવું જોઈએ જેથી જંતુનાશક દવાઓના અવશેષો તેની મર્યાદા ન ઓળંગે.
(2) આરોગ્યને નુક્સાન થતું અટકાવવા માટે દવા છાંટનાર વ્યક્તિએ દવા છંટકાવ દરમ્યાન શરીર ઉપર માસ્ક, હાથમોજાં, એપ્રોન, બુટ વગેરે અવશ્ય પહેરવા જોઈએ.
(3) જ્યારે નેટહાઉસ કે પોલીહાઉસમાં એકનો એક પાકનું વાવેતર કરવામાં આવે ત્યારે ખેતરમાં પાક પરિભ્રમણ અપનાવવું જરૂરી છે. કેપ્સિકમ પાકને બદલે કઠોળ, મેરીગોલ્ડ, કોબીજ, કોલીફ્લાવર, સ્વીટ કોર્ન અને અન્ય સ્વીટ/યુરોપિયન કાકડી અથવા લીલા વટાણા જેવા ઊંચુ મૂલ્ય ધરાવતા નફાકારક પાકો લેવા જોઈએ.
(4) જીવાત, રોગ અને વિદેશી સામગ્રીને અંદર આવતી અટકાવવા માટે પોલીહાઉસ કે નેટહાઉસના પ્રવેશ કે બહાર જવાના ધ્વાર બંધ રાખવાં જોઈએ.
(5) પોલીહાઉસ કે નેટહાઉસમાં કામ કરનાર સ્ટાફ અને અન્ય આવશ્યક વ્યક્તિઓ સિવાય અન્ય વ્યક્તિઓનો ઓછામાં ઓછો પ્રવેશ થવા પામે તેનું ધ્યાન રાખવું જોઈએ.
સારાંશ :
ભારત એ વિવિધ ખેત-હવામાન ક્ષેત્રો ધરાવતો દેશ હોઈ દરેક ઋતુમાં વિવિધ પાકોની વિશાળ પાયે ખેતી કરવાની વધુ ક્ષમતા ધરાવે છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મોટા પાયે ખાદ્ય જરૂરિયાતના હેતુથી શાકભાજીની ખેતી કરવામાં આવે છે. રક્ષિત ખેતી હેઠળ શાકભાજીનું અસરકારક રીતે સંસાધનોનો ઉપયોગ કરી ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન મેળવી શકાય છે અને તેનું ઘરેલું તેમજ નિકાસ માટેના બજારમાં વેચાણ કરી શકાય છે. ખુલ્લા ખેતરોની સરખામણીએ રક્ષિત ખેતીમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, એપ્રિલ 2023
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

