ભારત સરકારના જણાવ્યા મુજબ સને 2020માં ભારતનો 1,03,16,000 હેક્ટર વિસ્તાર શાકભાજીની ખેતી હેઠળ આવેલ જેમાંથી 18,94,630 લાખ ટન ઉત્પાદન મળે છે. હાલના વર્તમાન સમયે ખેડૂતની જમીન ધારણ ક્ષમતામાં ઘટાડો થતો જાય છે તે જોતાં સારી ગુણવત્તાવાળા શાકભાજીની માંગને પહોંચી વળવા જમીનનો અસરકારક ઉપયોગ કરી અન્ય સંસાધનોના ઉપયોગથી સંરક્ષિત ખેતી વડે ગુણવત્તાયુક્ત શાકભાજી ઉગાડવા પડશે. પંજાબમાં ખુલ્લા ખેતરોમાં આત્યંતિક હવામાનની સ્થિતિએ શાકભાજીમાં વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તા મેળવવામાં એક અવરોધ રૂપ પરિબળ છે. આવી પરિસ્થિતિમાં રક્ષિત ખેતી એ એક ઉત્તમ વૈકલ્પિક ઉપાય છે.
ખેતી ધ્વારા નોંધપાત્ર પ્રમાણમાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે જે ગ્લોબલ વૉર્મિંગ અને હવામાન ફેરફારમાં મોટી અસર કરે છે. ખેતી આ બંનેનો ભોગ બને છે અને હવામાન ફેરફારમાં ભાગીદાર બને છે. એક તરફ ખેતીકીય પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને પશુઓના વેસ્ટના ઉપયોગ કરવાને પરિણામે અંદાજે કુલ ગ્રીનહાઉસ ગેસના 30 ટકા જેટલું ઉત્સર્જન થવા પામે છે. વધતી જતી વૈશ્વિક વસ્તીની માંગ માટે અન્નનું વધુ ઉત્પાદન, ડેરી અને માંસની બનાવટોની વધુ માંગ અને ખેતીમાં ઘનિષ્ઠ પદ્ધતિઓનો ઉપયોગ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનના પ્રમાણમાં હજુ વધારો કરશે.
બીજી તરફ નાઈટ્રસ ઑક્સાઈડ(N2O), કાર્બન ડાયોક્સાઈડ (CO2) અને મીથેન (CH4) જેવા ગ્રીનહાઉસ ગેસને કારણે હવામાન ફેરફાર અને ગ્લોબલ વૉર્મિંગ થવાથી ખેતીના ઉત્પાદનની પદ્ધતિઓમાં અસર પહોંચશે. ખેડૂતોમાં રક્ષિત ખેતી નામની ખેતી પદ્ધતિ પ્રચલિત બનતી જાય છે. તેમાં પાકને આવરિત કરી વાતાવરણનું નિયમન કરવામાં આવે છે, છોડને સારા વિકાસ માટેની સવલત પુરી પાડવામાં આવે છે, ઉત્પાદનના ગાળામાં ફેરફાર કરી શકાય છે, વહેલી પાકની પરિપક્વતા લાવી શકાય છે અને ઊંચુ તથા સારી ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકાય છે.
ટેકનોલૉજીનો ઉપયોગ અને પર્યાવરણીય હવામાનના નિયંત્રણ માટે હાઈટેક ગ્રીનહાઉસ એ સારામાં સારી બાંધકામના માળખાની સુવિધા છે કે જે વિશાળ પ્રમાણમાં ગરમી, ઠંડી, ભેજ, વધારાનો પ્રકાશ વગેરે જેવી હવામાન નિયંત્રણ માટેની વ્યૂહરચના ધરાવે છે અને પાકનો સારો વિકાસ કરે છે. મોટે ભાગે તેમાં જમીન વિહોણા કલ્ચર (Soilless culture) નો ઉપયોગ કરવામાં આવે છે. જેને નિયંત્રિત વાતાવરણમાં ખેતી (Controlled – environment agriculture) કે નિયંત્રિત પર્યાવરણ પદ્ધતિ (Controlled – environment system) પણ કહે છે. વિશ્વમાં બાગાયત ક્ષેત્રે આવા અભિગમો અસ્તિત્વમાં છે.
રક્ષિત ખેતીમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન માટેના પરિબળો :
રક્ષિત ખેતી એ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન માટે એક ગંભીર ખતરો છે. ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન માટેના મુખ્ય પરિબળોમાં બાંધકામના ભાગો, આવરિત કરવા માટેના પદાર્થો, વિવિધ આધાર સામગ્રી, ગરમી અને ઠંડી પેદા કરવા માટે વપરાતું બળતણ (ઊર્જા), પિયત, રાસાયણિક ખાતરો તથા જંતુનાશકો, કાપણી બાદની હેરફેર અને પેકેજિંગ પદાર્થો વગેરેનો સમાવેશ થાય છે. ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનનું ઈનપુટ ફેક્ટર કોઠામાં દર્શાવેલ છે :
| ઘટક | ઈનપુટ ફેક્ટર |
| નાઈટ્રોજન (N) | 4.77 |
| ફોસ્ફરસ (P) | 0.73 |
| પૉટાશ (K) | 0.55 |
| ફુગનાશક | 14.30 |
| નીંદણનાશક | 23.10 |
| કીટનાશક | 18.70 |
| વિજળી/(ઈલેક્ટ્રીસિટી) વિદ્યુત | 0.94 |
ગ્રીનહાઉસના બાંધકામમાં વપરાતા ભાગો :
ગ્રીનહાઉસ સ્ટીલ અને એલ્યુમિનિયમની ફ્રેમનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. ગ્રીનહાઉસનું માળખુ કાર્બનડાયોક્સાઈડના ઉત્સર્જન માટે વધુ જવાબદાર છે અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યા પેદા કરે છે. ગ્રીનહાઉસના બાંધકામમાં વપરાતું સ્ટીલ, એલ્યુમિનિયમ અને આવરિત કરવા માટે વપરાતા ગ્લાસ વગેરેને પેદા કરવા માટે પ્લાસ્ટિક અને કોંક્રીટ પદાર્થો કરતાં ઊંચી ઊર્જાની માંગ રહે છે. તેમાં ફેન અને પેડ સીસ્ટમ, ઍક્ઝોસ્ટ પંખા, એર ફ્લો માટેના પંખા, વિદ્યુત પ્રકાશ વગેરે જેવા વિવિધ ઊર્જા વાપરતા સાધનોનો ઉપયોગ ગ્રીનહાઉસ પદ્ધતિ ચલાવવા માટે થાય છે. કુદરતી રીતે હવાની અવરજવર ધરાવતા પોલીહાઉસ કરતાં સંપૂર્ણ સ્વયંસંચાલિત ગ્રીનહાઉસ ઊંચા પ્રમાણમાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરે છે. આમ ગ્રીનહાઉસનું માળખુ એ ગ્લોબલ વોર્મિંગ પેદા કરવામાં 37 ટકા જેટલો નોંધપાત્ર ફાળો આપે છે ત્યારબાદ સહાયક સાધનો 30.8 ટકા અને રાસાયણિક ખાતરો 30.6 ટકા જેટલો ફાળો ગ્લોબલ વોર્મિંદમાં આપે છે.
જમીનવિહોણી ખેતીમાં વપરાતા પદાર્થો (સબસ્ટ્રેટસ – Substrates) :
વર્તમાન સમયે સારી જાતના ફળો અને શાકભાજી પેદા કરવા માટે જમીનવિહોણા ખેતીમાં પાકો ઉગાડવાની ભરપૂર તકો રહેલી છે. રક્ષિત ખેતીમાં પરલાઈટ, કોકો-કોયર, વર્મિક્યુલાઈટ, રોક વૂલ, સેન્ડસ્ટોન, પીટ, છાલ વગેરે વિવિધ જાતના પદાર્થોનો ઉપયોગ ધરૂ તેમજ ફળ-શાકભાજી ઉછેર માટે થાય છે. બીજી તરફ પીટ અને છાલ જેવા પદાર્થો તેમાંના સંગ્રહાયેલ કાર્બનડાયોક્સાઈડને મુક્ત કરે છે અને કાર્બનડાયોક્સાઈડના સંતુલનને હાનિકારક અસર પહોંચાડે છે. આવા પદાર્થો પેદા કરવા માટે ઊંચી ઊર્જાની જરૂર પડે છે અને તેનાથી ઊંચા પ્રમાણમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન થતાં પ્લાસ્ટિક મટીરિયલ્સ અને મેટલ કરતાં ગ્લોબલ વોર્મિંગ પેદા કરવામાં નોંધપાત્ર ફાળો આપે છે.
રાસાયણિક ખાતરો અને જંતુનાશકો :
રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધારે પડતો ઉપયોગ કાર્બનડાયોક્સાઈડના સંતુલનમાં એક પ્રકારનો ગંભીર ખતરો પેદા કરે છે. વર્ષ દરમ્યાન પાકના ઉત્પાદનમાં વપરાતું નાઈટ્રોજન રાસાયણિક ખાતર વાતાવરણમાં ઊંચા પ્રમાણમાં ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરે છે. નાઈટ્રસ ઓક્સાઈડ (N2O) એ ઓઝોનના સ્તરને મોટુ નુક્સાન પહોંચાડે છે. એક ટન નાઈટ્રસ ઓક્સાઈડ એ અંદાજે 300 ટન કાર્બન ડાયોક્સાઈડ બરાબર ગણાય છે જે સ્ટ્રેટોરફીયરમાં 170 વર્ષ સુધી રહે છે. યુએનઈપી એ સને 2019માં જણાવ્યા મુજબ કૃષિ ક્ષેત્ર મારફતે માનવ સર્જિત નાઈટ્રસ ઓક્સાઈડનું અંદાજે 80 ટકા ઉત્સર્જન થાય છે. દરેક ઋતુમાં ઘનિષ્ઠ રીતે પાક ઉત્પાદન, સાનુકુળ ઉષ્ણતામાન, સમયસર પિયત વગેરે ધરાવતી ગ્રીનહાઉસ પદ્ધતિ વધુ નાઈટ્રસ ઓક્સાઈડના ઉત્સર્જન માટે આદર્શ બાબત ગણાય છે. હાઈડ્રોપોનિક્સ અને એરોપોનિક્સ જેવી રક્ષિત ખેતી પદ્ધતિઓમાં વપરાતા પદાર્થોના ઉત્પાદન માટે વધુ ઊર્જાની માંગ પણ ગ્રીનહાઉસ ગેસના ઉત્પાદન માટે જવાબદાર છે. ઋતુગત વિવિધતા પણ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને નોંધપાત્ર રીતે અસર કરે છે. ઉનાળામાં ઊંચું તાપમાન અને પાકનો વિકાસ પાનખર ઋતુ કરતાં બમણો નાઈટ્રોજન ગેસ પેદા કરે છે. વધુમાં પિયત માટે વપરાતી વિવિધ પદ્ધતિઓ પણ નાઈટ્રસ ઓક્સાઈડના ઉત્સર્જનમાં નોંધપાત્ર અસર કરે છે.
અશ્મિભૂત બળતણનો વપરાશ ઘટાડો :
ગ્રીનહાઉસ પદ્ધતિમાં વપરાતી હીટિંગ અને કૂલિંગ પદ્ધતિના સાધનો ઊંચી ઊર્જા વાપરતા હોઈ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં મુખ્ય ફાળો આપે છે. જો સોલર ફોટો વોલ્ટેઈક સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવે તો અશ્મિભૂત બળતણ માટે વપરાતી ઊર્જામાં બચત કરી શકાય. ગ્રીનહાઉસમાં આવરણ માટે વપરાતા પદાર્થો પણ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન માટે જવાબદાર હોઈ તેનો પણ મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવો જોઈએ.
કાપણી બાદની હેરફેર અને પેકેજિંગ :
આજકાલ પર્યાવરણીય પ્રદૂષણ માટે ઓછા ખર્ચે તૈયાર થતું પોલીથીન પેકેજિંગ એ એક ભયંકર ખતરો બની ગયું છે. કાપણી બાદની હેરફેર એ ગ્રાહકોની માંગ અને પૂરવઠા ઉપર અવલંબે છે. મેટ્રો શહેરોમાં માલ મોકલવા માટે નોંધપાત્ર પ્રમાણમાં બળતણ વપરાય છે જે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં વધારો કરવામાં નોંધપાત્ર ફાળો આપે છે. માર્કેટિંગ હરોળમાં પ્લાસ્ટિક મટીરિયલ્સના વિકલ્પ રૂપે ટેક્ષટાઈલ બેગનો ફરી ઉપયોગ કરવો એ એક ઉપાય છે. બાયોપ્રોડક્ટસ વેસ્ટમાંથી પેકેજિંગ મટીરિયલ્સ બનાવવું એ પણ એક સારો વિકલ્પ છે કે જે કૃષિમાં કચરાની વ્યવસ્થા કરે છે.
ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનનું શમન કરવાની વ્યૂહરચના :
(1) યોગ્ય પિયત અને રાસાયણિક ખાતરો આપવાનો કાર્યક્રમ અને તેની વ્યવસ્થા ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન ઘટાડવામાં મદદ કરે છે.
(2) પિયત પદ્ધતિ ધ્વારા પાણીનો અસરકારક ઉપયોગ કરીને ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઓછું કરી શકાય છે.
(3) રોક વૂલને બદલે કોકોનટ કોયર (નાળિયેરના રેસા) જેવા શૂન્ય ઊર્જા આધારિત કુદરતી પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ.
(4) પીટને બદલે કમ્પોસ્ટ, લાકડાના રેસા (wood fibers) અથવા બાયોચારનો ઉપયોગ કરવાથી ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઓછું કરી શકાય છે.
(5) અશ્મિભૂત બળતણ ધ્વારા સંચાલિત હીટિંગ અને કૂલિંગ પદ્ધતિનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ.
(6) રક્ષિત ખેતીમાં આવરણનો ઉપયોગ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં અસરકારક રીતે ઘટાડો કરે છે જો કે પાકના ઉત્પાદનમાં મધ્યમ ઘટાડો કરે છે.
(7) બંધ અને અર્ધ-બંધ (Closed & Semi-closed) પ્રકારના ગ્રીનહાઉસમાંનું હવામાન વધુ નિયંત્રિત રહે છે અને ઊંચા સ્તરે ઉત્પાદન આપે છે.
(8) સુપરમાર્કેટ જેવી જગ્યાઓએ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ઉપર સંપૂર્ણ પણે પ્રતિબંધ મૂકી દેવો જોઈએ.
(9) પ્લાસ્ટિક બેગોને બદલે તેના વિકલ્પ રૂપે ટેક્ષટાઈલ્સ બેગો વાપરવી જોઈએ કે જેનો ફરીથી ઉપયોગ થઈ શકે છે.
(10) અશ્મિભૂત બળતણથી ઊર્જા પેદા કરવાને બદલે સોલર સેલથી વીજળી પેદા કરવી જોઈએ.
(11) સમયાનુસાર બારીઓના વેન્ટિલેશનનું ઈન્સ્યુલેશન વીજળીના પ્રવાહવાહકનું અચ્છાદન નબળુ હોય તો તેને બદલવું જોઈએ.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ઓક્ટોબર – 2022
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

