રાજગરાની ખેતી એકલપાક તરીકે અને મકાઈ, બાવટો, સામો, સોયાબીન, કુલથી, ફણસી વગેરે ખેતીપાકોમાં આંતરપાક તરીકે લેવામાં આવે છે. રાજગરો સમુદ્ધની સપાટીથી 1,000 થી 3,000 મીટરની ઊંચાઈ સુધી થાય છે અને સૈકાઓથી પહાડી વિસ્તારોના પશુઓના ખોરાક તરીકે તેનાં પાન અને દાણા ઉપયોગમાં લેવાય છે. ટેકરીઓવાળા વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં વરસાદ પડે ત્યારે મે-જૂન માસમાં તેની વાવણી કરવામાં આવે છે. મેદાનોવાળા વિસ્તારોમાં તે ખરીફ અને રવી પાક તરીકે લેવામાં આવે છે પરંતુ સામાન્ય રીતે શિયાળા દરમ્યાન ઓક્ટોબર-નવેમ્બર માસમાં તેની વાવણી કરવામાં આવે છે. બજારમાં તેના વધુ ભાવ મળતા હોઈ ખેડૂતો આ પાકની ખેતી તરફ આકર્ષાયા છે.
સને 2008-09 પછી આ પાકના વાવેતરમાં વધારો થયો છે. સને 2005માં 1 કિલો રાજગરાનો ભાવ ` 20 થી 25 હતો જે વધીને સને 2022માં ` 70 થી 75 એ પહોચ્યો છે. પહેલાંના સમયે શિયાળામા લોકો તેની રોટલી કે પરોઠા બનાવીને ખાતા હતા. હાલમાં નાસ્તા તરીકે અને બીને શેકીને ખાવામાં આવે છે. ધી ઉત્તરાખંડ ઓર્ગેનિક કોમોડિટી બોર્ડ (UOCB) ખેડૂતોને રાજગરાની પરંપરાગત અને ઓર્ગેનિક બનાવટોના માર્કેટિંગમાં મદદ કરે છે.
રાજગરાનું પરંપરાગત મૂલ્ય :
રાજગરાને હિન્દીમાં રામદાણા પણ કહે છે જે લોકોમાં એક રામબાણ ઔષધ તરીકે જાણીતું છે. તે હરસ/અર્શ (પાઈલ્સ) અને ખરજવાં (એકઝીમા) ને મટાડે છે. તે ચૂક (પેટશૂળ) માં રાહત આપે છે અને મૂત્રવર્ધક તરીકે કાર્ય કરે છે. રાજગરાના પાનને ઉકાળીને તેને શરીરમાં દર્દ થતુ હોય તે ભાગે પોટીસ તરીકે લગાવવામાં આવે છે અને સર્પદંશ કે વીંછીના ડંખ ઉપર લગાવાય છે. ભારતના ખેડૂતો ગાયોને તેનાં પાંદડાં ખવડાવે છે જે આંચલમાં દુગ્ધવર્ધક તરીકેના ગુણ ધરાવે છે. આમ રાજગરો એ એક ભવ્ય અને પોષકતત્વોથી ભરપૂર ધાન્ય છે. જો કે તે ‘ચિયા સીડ’ ની માફક લોકોમાં પ્રચલિત થયેલ નથી. પરંતુ તેના વિકલ્પ રૂપે વધુ તંદુરસ્તી બક્ષે તેવું ધાન્ય છે. ખાસ કરીને ભારતમાં તેને બિન-ધાન્ય તરીકે ગણના થતી હોઈ ઉપવાસના સમયે ફળાહાર તરીકે ખોરાકમાં લેવામાં આવે છે. વૈજ્ઞાનિકો ધ્વારા રાજગરાને ધાન્ય તરીકે ગણેલ છે. રાજગરાની રોટલી, શાક, રાયતું, ખીર, હલવો, લાડુ વગેરે વાનગીઓ બનાવી આહારમાં લેવાય છે. જે લોકો ઉપવાસ કરે છે તેઓ માટે રાજગરાની વાનગી એ સંપૂર્ણ આહાર છે.
રાજગરાના લાભો :
(1) ચેપ સામે રક્ષણ પૂરૂ પાડે છે.
(2) ચામડીની તંદુરસ્તીની જાળવણી કરે છે.
(3) તમામ પ્રકારના કુદરતી એન્ટિઓક્સીડેન્ટ ધરાવે છે.
(4) અલ્ઝાઈમર (ભૂલવાની બિમારી) રોગમાં સુધારો કરે છે.
(5) ઊંચા પ્રમાણમાં પ્રોટીન ધરાવતું હોઈ સ્નાયુઓને મજબૂત બનાવે છે.
(6) હાડકાં માટે સારૂ છે.
(7) લોહતત્વથી ભરપૂર હોઈ નવા કોષોની રચનામાં વધારો કરે છે.
(8) વાળ અને ચામડી માટે લાભદાયક છે.
રાજગરાના ઔષધિય ગુણો :
(1) રાજગરો કોલેસ્ટીરોલમાં ઘટાડો કરે છે, રોગપ્રતિકારક તંત્રને ઉત્તેજે છે, ગાંઠવિરોધી ગુણ ધરાવે છે, લોહીમાંના ગ્લુકોઝના સ્તરમાં ઘટાડો કરે છે અને પાંડુરોગ (એનીમિયા) તથા હાયપરટેન્શન એટલે કે હાઈ બ્લડપ્રેસરમાં સુધારો કરે છે વગેરે.
(2) રાજગરો ફાયટિક એસિડ ધરાવતો હોઈ હ્રદયરોગની સમસ્યાઓ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
(3) તે ગ્લુટેન મુક્ત છે અને તે પેટને લગતા રોગોથી પીડાતા હોય તેઓ માટે વધુ અનુકુળ છે.
(4) રાજગરાના દાણાને શેકતાં તેના પોષણ ગુણવત્તામાં સુધારો થાય છે અને એમિનો એસિડની લભ્યતા વધે છે.
(5) ઘણી આધુનિક દવાઓમાં રાજગરામાંના વાનસ્પતિક રંગદ્રવ્યનો ઉપયોગ દેખાવમાં સુધારો કરવા માટે થાય છે.
રાજગરાનું પોષણ મૂલ્ય :
રાજગરો એ ઉત્તમ પોષણ મૂલ્ય ધરાવે છે જે તેમાં રહેલ મહત્વના સૂક્ષ્મતત્વો જેવા કે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટસ, રેસા, ચરબી, રાખ, આયર્ન, કેલ્શિયમ, બીટા-કેરોટીન, વિટામિન સી અને ફોલિક એસિડ તેમજ લાયસીન જેવા આવશ્યક એમિનો એસિડસ (કે જે પરંપરાગત ધાન્યોમાં અપુરતા પ્રમાણમાં હોય છે) ને આભારી છે. તે રેસા અને જૈવિક રીતે સક્રિય પદાર્થોથી સમૃદ્ધ છે.
રાજગરાનું પોષણ મૂલ્ય
| ક્રમ | વિગત | 100 ગ્રામમાં પ્રમાણ |
| 1 | કાર્બોહાઈડ્રેટસ | 61.46 ગ્રામ |
| 2 | પ્રોટીન | 13.27 ગ્રામ |
| 3 | ફેટ | 5.56 ગ્રામ |
| 4 | શક્તિ | 1489 કિલોજુલ |
| 5 | ફોસ્ફરસ | 0.41 ગ્રામ |
| 6 | મેગ્નેશિયમ | 0.27 ગ્રામ |
| 7 | પૉટેશિયમ | 0.41 ગ્રામ |
| 8 | કેલ્શિયમ | 0.16 ગ્રામ |
| 9 | આયર્ન | 0.008 ગ્રામ |
| 10 | કુલ રેસા (ફાયબર) | 7.47 ગ્રામ |
| 11 | ભેજ | 9.20 ટકા |
રાજગરાની અન્ય ધાન્યપાકો સાથે પોષણ મૂલ્યની દ્રષ્ટિએ સરખામણી (100 ગ્રામમાં)
| પાક | કાર્બોહાઈડ્રેટસ (ગ્રામ) | પ્રોટીન (ગ્રામ) | આયર્ન | ફેટ (ગ્રામ) | ખનીજતત્વો | શક્તિ (કિલો કેલેરી/પ્રતિ 100 ગ્રામ) |
| રાજગરો | 62.0 | 16 | 18 | 7.5 | 3.0 | 333 |
| ઘઉં | 69.7 | 12 | 10 | 3.5 | 2.7 | 309 |
| ચોખા | 74.9 | 6.7 | 3 | 2.8 | 0.3 | 353 |
| મકાઈ | 70.0 | 11 | 3 | 7 | 1.1 | 338 |
રાજગરામાંથી બનતી મૂલ્ય વર્ધિત બનાવટો
રાજગરાના લોટમાંથી વિવિધ પ્રકારની મૂલ્ય વર્ધક બનાવટો બનાવી શકાય છે જેવી કે, રોટલી, ઢોંસા, હલવો, બેકરીની બનાવટો (કેક, બિસ્કીટ, ફૂડીઝ) અને રાજગરાને ફોડીને લાડુ અને ચિકી વગેરે. અત્રે કેટલીક મૂલ્ય વર્ધિત બનાવટોની માહિતી દર્શાવેલ છે.
(1) રાજગરાની લાડુ :

પદાર્થો : 800 ગ્રામ ફોડેલો રાજગરો, 800 ગ્રામ ગોળ, 100 ગ્રામ ઘી, 500 મિ.લિ પાણી
બનાવટ :
સૌ પ્રથમ રાજગરાને એક તાવડીમાં લઈ 2000 સે. તાપમાને ગરમ કરી ફોડવા. એક તપેલીમાં પાણીને ગરમ કરી તેમાં ગોળ નાખી બે થી ત્રણ તારવાળી ચાસણી બનાવો અને તેમાં ઘી ઉમેરી ફોડેલો રાજગરો મિશ્ર કરી તેને બરાબર હલાવી તેમાંથી અંદાજે 10 ગ્રામ જેટલું મિશ્રણ લઈ હાથની હથેળીનો ઉપયોગ કરી ગોળ લાડુ બનાવવા. ત્યારબાદ ઠંડા થયે તેને હવાચુસ્ત ડબામાં સંગ્રહ કરવા.
રાજગરાના લાડુનું પોષણ મૂલ્ય (100ગ્રામમાં)
| ક્રમ | ઘટક | પ્રમાણ |
| 1 | પાણી | 29.72 ગ્રામ |
| 2 | પ્રોટીન | 5.54 ગ્રામ |
| 3 | ફેટ | 6.57 ગ્રામ |
| 4 | કાર્બોહાઈડ્રેટસ | 61.34 ગ્રામ |
| 5 | ખાદ્ય રેસા | 4.76 ગ્રામ |
| 6 | કુલ ખાંડ | 37.01 ગ્રામ |
| 7 | આયર્ન | 2.60 મિ.ગ્રા |
| 8 | કેલ્શિયમ | 87.24 મિ.ગ્રા |
| 9 | પૉટેશિયમ | 273.52 મિ.ગ્રા |
| 10 | ઝિન્ક | 0.92 મિ.ગ્રા |
| 11 | થાયમિન | 0.03 મિ.ગ્રા |
| 12 | રાઈબોફ્લેવિન | 0.06 મિ.ગ્રા |
| 13 | કેલેરી | 220.46 કિલો કેલેરી |
(2) રાજગરાનો હલવો :

પદાર્થો : 250 ગ્રામ રાજગરાનો લોટ, 125 ગ્રામ મોરસ અથવા ગોળ, 250 ગ્રામ ઘી, 500 મિ.લિ પાણી અને મુઠ્ઠીભરીને કાતરેલો સૂકો મેવો.
બનાવટ : સૌ પ્રથમ એક વાસણમાં પાણી લઈ તેમાં મોરસ કે ગોળ નાખી તેને પાણીમાં ઓગળે ત્યાં સુધી ગરમ કરો. એક વાસણમાં ઘી લઈ તેમાં રાજગરાનો લોટ નાખી તેને હળવા તાપે સોનેરી કથ્થાઈ રંગ આવે ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેમાં ખાંડ કે ગોળનું પાણી ઉમેરી બધુ પાણી શોષાઈ જાય ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવું. ત્યારબાદ તેમાંથી ઘી છૂટુ પડે ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવું. ઘી છૂટુ પડે એટલે રાજગરાનો હલવો તૈયાર.
રાજગરાના હલવાનું પોષણ મૂલ્ય (100 ગ્રામમાં)
| ક્રમ | ઘટક | પ્રમાણ |
| 1 | પાણી | 27.43 ગ્રામ |
| 2 | પ્રોટીન | 1.90 ગ્રામ |
| 3 | ફેટ | 10.34 ગ્રામ |
| 4 | કાર્બોહાઈડ્રેટસ | 14.23 ગ્રામ |
| 5 | ખાદ્ય રેસા | 1.39 ગ્રામ |
| 6 | કુલ ખાંડ | 6.02 ગ્રામ |
| 7 | આયર્ન | 0.69 મિ.ગ્રા |
| 8 | કેલ્શિયમ | 41.96 મિ.ગ્રા |
| 9 | પૉટેશિયમ | 68.51 મિ.ગ્રા |
| 10 | ઝિન્ક | 0.25 મિ.ગ્રા |
| 11 | થાયમિન | 0.01 મિ.ગ્રા |
| 12 | રાઈબોફ્લેવિન | 0.02 મિ.ગ્રા |
| 13 | કેલેરી | 155.96 કિલો કેલેરી |
(3) રાજગરાની ચિકી :

પદાર્થો : 850 ગ્રામ ફોડેલો રાજગરો, 1,250 ગ્રામ ગોળ, 450 મિ.લિ. પાણી
બનાવટ : પાણીમાં ગોળ નાખી ઉકાળીને જાડો સીરપ બનાવો. તેમાં ફોડેલો રાજગરો ઉમેરી બરાબર મિશ્ર કરો. ટ્રે કે વાસણમાં ઘીનો ધાબો આપી તેમાં મિશ્રણને પાથરો અને વેલણ વડે તેને દબાવો. તે ઠરી જાય એટલે ચપ્પા વડે કાપા મૂકી ઉપાડો એટલે એકસરખા જાડાઈ ધરાવતી રાજગરાની ચિકી તૈયાર.
રાજગરાની ચિકીનું પોષણ મૂલ્ય (100 ગ્રામમાં)
| ક્રમ | ઘટક | પ્રમાણ |
| 1 | પાણી | 7.08 ગ્રામ |
| 2 | પ્રોટીન | 5.92 ગ્રામ |
| 3 | ફેટ | 2.90 ગ્રામ |
| 4 | કાર્બોહાઈડ્રેટસ | 83.45 ગ્રામ |
| 5 | ખાદ્ય રેસા | 5.15 ગ્રામ |
| 6 | કુલ ખાંડ | 57.50 ગ્રામ |
| 7 | આયર્ન | 2.84 મિ.ગ્રા |
| 8 | કેલ્શિયમ | 111.10 મિ.ગ્રા |
| 9 | પૉટેશિયમ | 333.02 મિ.ગ્રા |
| 10 | ઝિન્ક | 1.03 મિ.ગ્રા |
| 11 | થાયમિન | 0.03 મિ.ગ્રા |
| 12 | રાઈબોફ્લેવિન | 0.08 મિ.ગ્રા |
| 13 | કેલેરી | 271.50 કિલો કેલેરી |
(4) રાજગરાની કેક :

પદાર્થો : 100 ગ્રામ રાજગારનો લોટ, 50 ગ્રામ ઘઉંનો લોટ, 50 ગ્રામ મોરસ, 15 ગ્રામ કોકો પાઉડર, 50 ગ્રામ મિલ્ક પાઉડર, અડધી ચમચી બેકિંગ સોડા, 1/2 ચમચી બેકિંગ પાઉડર અને 50 ગ્રામ ઘી.
બનાવટ :
બધા જ સૂકા પદાર્થોને મિશ્ર કરી બે વખત ચાળવા. તેમાં મિલ્ક કોકો પાઉડર ઉમેરી 1800 સે. તાપમાને 15 મિનિટ માટે ઓવનમાં મૂકો. ઘીને ઓગળે ત્યાં સુધી ગરમ કરી તેમાં મોરસ ઉમેરો. એક ટ્રેમાં ઘીનો ધાબો દઈ તેમાં ઉપરોક્ત મિશ્રણ મૂકી ઓવનમાં 1800 સે. તાપમાને 30 થી 35 મિનિટ માટે પકવવા મૂકો. ઓવનમાંથી તૈયાર થયેલ રાજગરાની કેક બહાર કાઢી પીરસો.
રાજગરાની કેકનું પોષણમૂલ્ય (100 ગ્રામમાં)
| ક્રમ | ઘટક | પ્રમાણ |
| 1 | પાણી | 1.26 ગ્રામ |
| 2 | પ્રોટીન | 1.81 ગ્રામ |
| 3 | ફેટ | 3.14 ગ્રામ |
| 4 | કાર્બોહાઈડ્રેટ | 8.47 ગ્રામ |
| 5 | ખાદ્ય રેસા | 1.08 ગ્રામ |
| 6 | કુલ ખાંડ | 3.45 ગ્રામ |
| 7 | આયર્ન | 0.62 મિ.ગ્રા |
| 8 | કેલ્શિયમ | 38.30 મિ.ગ્રા |
| 9 | પૉટેશિયમ | 78.53 ગ્રામ |
| 10 | ઝિન્ક | 0.26 મિ.ગ્રા |
| 11 | થાયમિન | 0.02 મિ.ગ્રા |
| 12 | રાઈબોફ્લેવિન | 0.06 મિ.ગ્રા |
| 13 | કેલેરી | 66.06 કિલો કેલેરી |
સારાંશ :
રાજગરો એ ઊંચું પોષણમૂલ્ય ધરાવતું ધાન્ય છે જે તાજેતરમાં તેના આરોગ્યવર્ધક લાભોને કારણે વધુ ખ્યાતિ પામેલ છે. તે પ્રોટીન, રેસા, ખનીજ તત્વો અને એન્ટિઓક્સીડેન્ટસથી સમૃદ્ધ છે જેથી તેનો સમતોલ આહારમાં એક કિંમતી પૂરક તરીકે સમાવેશ કરવામાં આવેલ છે. રાજગરા માટે ભવિષ્યમાં મૂલ્ય વર્ધન ધ્વારા તેની બજારમાં ઉજળી તકો રહેલી છે. અન્ય પાકો કરતાં ઓછાં સ્ત્રોતોનો ઉપયોગ કરી રાજગરાનું વાવેતર સહેલાઈથી કરી શકાય છે. વપરાશકારો પર્યાવરણીય સભાનતાને કારણે તેની સજીવ બનાવટો લેતા થયા છે. આમ, ખોરાકની પસંદગીમાં રાજગરાની માંગ વધવાને કારણે ખેડૂતો તેની ખેતી તરફ આકર્ષાયા છે. રાજગારના ગુણો અને પોષણ અંગે થતા સંશોધનો ધ્વારા તેના નવિનીકરણ ઉપયોગો શોધાતા જાય છે. આમ રાજગરાના ઉપયોગ અંગેની મૂલ્ય વર્ધક તકો વધતી જાય છે જેથી બજારમાં તેની માંગ વધવા પામી છે. જો કે કોઈપણ ખેતીપેદાશમાં સફળતા માટે બજારની વ્યૂહરચના, વપરાશકારોની સ્વિકાર્યતા અને ઉદ્યોગમાં હરીફાઈ આ બાબતો વિશેષ અસર કરે છે.
સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ,સપ્ટે-ઓક્ટો 2023
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in

