લોકાટ (Loquat) એ રોઝેસી કુટુંબનું વૃક્ષ છે. તેનું વૈજ્ઞાનિક નામ Eriobotrya japonica Lindl છે. લોકાટનું મૂળ વતન ચીન અને જાપાન છે. તેને જાપાનીજ પ્લમ, જાપાનીઝ મેડલર કે ચાઈનીઝ પ્લમ પણ કહે છે. ભારતમાં વેપારી ધોરણે તેનું વાવેતર ઉત્તરપ્રદેશ (સહરાનપુર, દહેરાદુન, મુઝફરનગર, મીરૂત, ફરૂકાબાદ, કાનપુર, બરેલી, ગોરખપુર), દિલ્હી, હિમાચલ પ્રદેશ (કાંગ્રા) અને જૂજ પ્રમાણમાં આસામ, મહારાષ્ટ્ર, તામિલનાડુ (નંદી હિલ્સ) અને મ્હૈસુરમાં થાય છે. પંજાબમાં કિચન ગાર્ડન તરીકે આ ફળને પસંદ કરવામાં આવે છે તેથી તે નાના પાયે ગુરદાસપુર, હોશિયારપુર, અમૃતસર, પઠાણકોટ અને રૂપનગર જીલ્લાઓમાં ઉગાડી શકાય તેમ છે.
પોષણ મૂલ્ય :
લોકાટ એ વિટામિન એ/કેરોટીનોઈડસનો ઉત્તમ સ્ત્રોત છે જે માટે લોકાટની વિવિધ જાતો પ્રમાણે ફળો પીળાશ થી સફેદ કે પીળા થી ગાઢ ઓરેન્જ રંગની છાલ અને માવો જવાબદાર છે. ફળ ૬૦ થી ૭૦ ટકા માવો અને ૧પ થી ર૦ ટકા બીજ ધરાવે છે. તેના ૧૦૦ ગ્રામ માવામાંથી ૪૭ કેલેરી મળે છે એટલે કે ઓછી કેલેરી ધરાવતું ફળ છે. પાકેલું ફળ ફ્રુકટોઝ, શુક્રોઝ અને મેલિક એસિડ ધરાવે છે. તેનો ૧૦૦ ગ્રામ માવો ૦.૪ર ટકા ક્રુડ પ્રોટીન, ૧૪૬ મિ.ગ્રા. આવશ્યક એમિનો એસિડ અને ૩૮૭ મિ.ગ્રા. કુલ એમિનો એસિડ ધરાવે છે. ફળ પોલીફીનોલ અને વિટામિન સી એન્ટિઓકસીડેન્ટનો પણ સારો સ્ત્રોત છે જેના પ્રમાણમાં જાતો મુજબ ફેરફાર જોવા મળે છે અને તે કેન્સર, સંધિવા, હૃદયરોગ, મગજના કાર્ય અને ઘરડા થવાની પ્રક્રિયાને અટકાવે છે. લોકાટના ફળો પાચન રેસાનો સમૃદ્ધ સ્ત્રોત છે જે પેકટીન તરીકે ઓળખાય છે જે રેચક, રેસાયુક્ત આહાર ધરાવે છે અને આંતરડામાં પેદા થતા વિષને દૂર કરે છે. તે પોટેશીયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા ખનીજતત્વોનો પણ સારો સ્ત્રોત છે. તેનો છોડ ઊંચુ ઔષધિય મૂલ્ય ધરાવે છે. તેના પાનનો ઉપયોગ ચામડીના રોગો, કફ ને ગાંઠની સારવાર કરવા માટે થાય છે. તેના પાનનો કવાથ ઝાડામાં અપાય છે.
વૃક્ષનું વર્ણન :
લોકાટ એ ઝડપથી વધતું, બારેમાસ લીલુ રહેતું ૭.૫ થી ૧૦.પ મીટર સુધી ઊંચુ થતું અને ૨૫ થી ૩૦ સે.મી લાંબા પાન ધરાવતું વૃક્ષ છે. તેના પાન કાટ જેવા રંગના ખરબચડા હોય છે. ઓકટોબર માસમાં મીઠી સુગંધ ધરાવતા સફેદ રંગના ફૂલોની શરૂઆત થાય છે જે ડિસેમ્બર-જાન્યુઆરી સુધી ચાલુ રહે છે. તેના ફળો ઝૂમખામાં ઈંડાકાર, ગોળ કે પીઅરના આકાર જેવા ૩ થી પ સે.મી. લાંબા, પીળા કે નારંગી રંગની છાલ ધરાવતા અને માવાનો રંગ જાત પ્રમાણે સફેદ, પીળો કે નારંગી જેવો જોવા મળે છે.
વિવિધ જાતો :
ફળોનો આકાર અને ગુણો મુજબ લોકાટની મુખ્ય બે જાતો છે. એક ચાઈનીઝ અને બીજી જાપાનીઝ. ચાઈનીઝ જાતો મોટી પીયર જેવાં ફળ અને ફળમાં પીળો માવો ધરાવતી જ્યારે જાપાનીઝ જાતો નાની, ગોળાકાર ફળો અને ફળમાં સફેદ થી ફીક્કો પીળાશ પડતો માવો ધરાવે છે. તેની વિવિધ જાતો અત્રે દર્શાવેલ છે.
(૧) સોનેરી પીળી (ગોલ્ડન યલો) : આ જાતના ફળો મધ્યમ કદના, ઈંડાકાર, સોનેરી પીળા રંગના ફળો ધરાવે છે. દરેક ફળ ૪ થી પ મધ્યમ કદના બી ધરાવે છે. ફળ માર્ચના ત્રીજા અઠવાડિયામાં પાકે છે. તેની ઉત્તર ભારતના વિસ્તારોમાં વાવેતર માટે ભલામણ થયેલ છે.
(ર) ફીક્કો પીળો (પેલ યલો) : તેના ફળો ફીક્કા પીળાશ પડતા રંગના, સ્હેજ નળાકાર થી ગોળાકાર અને સફેદ માવો ધરાવે છે. તેના ફળો ર થી ૩ મધ્યમ કદના બી ધરાવે છે. એપ્રિલના બીજા અઠવાડીયામાં ફળો પાકે છે. પંજાબ અને તેના કિનારાના રાજ્યોમાં વાવેતર માટે ભલામણ થયેલી છે.
(૩) કેલિફોર્નિયા એડવાન્સ : તે નળાકાર થી ગોળાકાર, મધ્યમ કદના, પીળા ફળો અને ક્રીમી સફેદ માવો ધરાવે છે. તેના ફળો ર થી ૩ મધ્યમ કદનાં બી ધરાવે છે. એપ્રિલના ચોથા અઠવાડીયામાં ફળો પાકે છે. આ જાતનું વેપારી ધોરણે વાવેતર ઉત્તર ભારતના રાજ્યોમાં થાય છે.
(૪) સુધારેલી સોનેરી પીળી (ઈમ્પ્રુવ્ડ ગોલ્ડન યલો) : તે કદમાં મોટા, ઈંડાકાર થી પીરામિડ આકારના પીળા ફળો અને નારંગી માવો ધરાવે છે. તેના ફળો ૩ થી પ બી ધરાવે છે અને માર્ચના અંતે પાકે છે.
(પ) તનાકા : તે નાના કે મોટા અંડાકાર કે ગોળાકાર ફળો, નારંગી કે નારંગી-પીળા રંગના અને પીળો માવો ધરાવે છે. તેના ફળો ર થી ૪ મધ્યમ કદના બી ધરાવે છે. તે એપ્રિલના અંતે પાકે છે.
(૬) ફાયર બોલ : ફળો નાનાથી મધ્યમ, નળાકાર થી અંડાકાર, ગાઢ લાલ રંગના અને સારી ગુણવત્તા ધરાવે છે. તેનું વાવેતર ઉત્તરપ્રદેશમાં થાય છે.
(૭) થેમ્સ પ્રાઈડ : ફળો મધ્યમ કદના, પાકે ત્યારે ગાઢ પીળા રંગના અને ફીક્કા નારંગી રંગનો માવો ધરાવે છે. તેનો સ્વાદ હળવા એસિડ જેવો હોય છે. તેનું વેપારી ધોરણે વાવેતર ઉત્તરપ્રદેશ અને તામિલનાડુમાં થાય છે.
જમીન અને આબોહવા :
લોકાટને સારા નિતારવાળી, ફળદ્રુપ, હલકી રેતાળ લોમ પ્રકારની જમીન વધુ માફક આવે છે. તે મધ્યમ હવામાન કે જયાં ૬૦ થી ૧૦૦ સે.મી. સારો વહેંચાયેલો વરસાદ પડતો હોય ત્યાં સારી રીતે થાય છે. ફળો પાકવાના સમયે ઈચ્છિત સુગંધ અને મીઠાશ મેળવવા માટે ગરમ અને સૂકુ હવામાન હોવું જરૂરી છે. તેના ફળો સૂર્યપ્રકાશની સીધી અસર સહન કરી શકતા નથી તેથી સનબર્નની અસરવાળા ફળો બજારમાં સ્વિકારાતા નથી. પાણીનો ભરાવો થતો હોય તેવી પરિસ્થિતિ આ વૃક્ષ સહન કરી શકતું નથી જેથી આવી જમીન તેના ઉછેર માટે નુકસાનકર્તા છે.
વાવણી પદ્ધતિ :
લોકાટનું વાવેતર ફેબ્રુઆરી-માર્ચ અને ઑગષ્ટ-સપ્ટેમ્બર માસમાં ૬.પ મીટર ટ ૬.પ મીટરના અંતરે કરવામાં આવે છે જે માટે હેકટર દીઠ રરપ છોડની જરૂર પડે છે.
તેની રોપણી પહેલાં ખેતરને સમતળ કરવું. ત્યારબાદ ૧ મી. X ૧ મી. X ૧ મી. ના ખાડા તૈયાર કરવા. ખાડા ૧:૧ પ્રમાણમાં છાણિયું ખાતર તથા સારી માટી ભેળવી પૂરવા. દરેક ખાડા દીઠ ૧પ મિ.લિ. કલોરપાયરીફોસ ર૦ ઈસી ર કિ.ગ્રા. માટીમાં ભેળવી આપવું જેથી ઊધઈના હૂમલાને અટકાવી શકાય.
તેના સંવર્ધન માટે લોકાટના રોપા ઉછેરી તેના પર સારી વ્યાપારી જાતની કલમ જુલાઈ-ઓગષ્ટ માસમાં કરવામાં આવે છે. લોકાટના છોડના સારા વિકાસ માટે પુરતી માત્રામાં પિયત આપવું જરૂરી છે. નવેમ્બરથી માર્ચ માસ દરમ્યાન ફળના સારા વિકાસ માટે સામાન્ય રીતે ૩ થી ૪ પિયત આપવાની ભલામણ કરવામાં આવે છે. ઝાડની ઉંમર પ્રમાણે ખાતર આપવું જોઈએ.
ખાતરો :
અત્રે પંજાબની પરિસ્થિતિ પ્રમાણે કોઠામાં દર્શાવ્યા મુજબ ખાતરો આપવાની ભલામણ કરવામાં આવે છે.
છોડની ઉંમર (વર્ષ) | છાણિયું ખાતર કિ.ગ્રા./છોડ | યુરિયા ગ્રામ/છોડ | સુપર ફોસ્ફેટ ગ્રામ/છોડ | મ્યુરેટ ઓફ પોટાશ ગ્રામ/છોડ |
૧ થી ર | ૧૦-ર૦ | ૧પ૦-પ૦૦ | ર૦૦-પ૦૦ | ૧પ૦-૧૦૦ |
૩ થી ૬ | રપ-૪૦ | ૬૦૦-૭પ૦ | પ૦૦-૧ર૦૦ | ૬૦૦-૧૦૦૦ |
૭ થી ૧૦ | ૪૦-પ૦ | ૮૦૦-૧૦૦૦ | ૧પ૦૦-ર૦૦૦ | ૧૧૦૦-૧પ૦૦ |
૧૦ થી વધુ | પ૦ | ૧૦૦૦ | ર૦૦૦ | ૧પ૦૦ |
જો કે ઉપરોક્ત પ્રમાણમાં જમીનની જાત અને સ્થાનિક પરિસ્થિતિ મુજબ ફેરફાર હોઈ શકે છે. છાણિયા ખાતરની સાથે બધો જ સુપર ફોસ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ સપ્ટેમ્બર મહિનામાં આપી દેવો. યુરિયાનો અડધો ભાગ ઑકટોબર અને બાકીનો અડધો ભાગ જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં ફળો બેઠા બાદ આપવો.
રોગ :
કળીનો સૂકારો (શૂટ ફ્રુટ બ્લાઈટ),છાલ ઉપર ટપકાં (બાર્ક કેન્કર), થડની ટોચનો કહોવારો (ક્રાઉન રોટ) અને મૂળનો કહોવારો (રૂટ રોટ) વગેરે જેવા ગંભીર રોગો થાય છે. શૂટ ફ્રુટ બ્લાઈટ અને ક્રાઉન રોટનું નિયંત્રણ તેના પેચ લાગેલ ભાગો દૂર કરી તેના પર બોર્ડો પેસ્ટ લગાવવી. આ માવજત બાદ બોર્ડોમિશ્રણનો છંટકાવ કરવો. જો જરૂર જણાય તો ફરીથી છંટકાવ કરી શકાય. મૂળના કહોવારાના નિયંત્રણ માટે તેના મૂળ ખોદી અને કોલરના ભાગ સુધી કાપી તેના પર બોર્ડો પેસ્ટ ચોપડવી. જ્યાંથી કહોવાયેલ મૂળ ખોદ્યા હોય તે જમીનમાં બોર્ડો મિશ્રણ આપવું.
જીવાત :
(ક) છાલ કોરી ખાનાર ઈયળ (બાર્ક ઈટિંગ કેટરપિલર) તે છાલમાં કાણું પાડી અંદરથી થડ અને ડાળીઓનો ખોરાક ખાઈને કાણું પુરી દે છે. આકટોબર-નવેમ્બર અને જાન્યુઆરીમાં આવા કાણાઓને ખોતરી તેમાં કેરોસીન નાખવું. ખેતરની આજુબાજુ થયેલા નકામા છોડ ઉપર જીવાત નભતી હોઈ તેનો નાશ કરવો અથવા તેના ઉપર જંતુનાશક દવાનો છંટકાવ કરવો.
(ખ) ફળમાખી(ફ્રુટ ફલાય) : માર્ચ-એપ્રિલ દરમ્યાન ફળમાખીનો ઉપદ્રવ જોવા મળે છે જેથી ફળમાં કીડા જોવા મળે છે. તેના નિયંત્રણ માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી દરમ્યાન જમીનમાં ઊંડી ખેડ કરવી જેથી તેના કોશેટા બહાર આવતાં કુદરતી દુશ્મનો દ્વારા તેનો નાશ થશે. માર્ચ-એપ્રિલ દરમિયાન વૃક્ષો ઉપર ફળમાખીના ટ્રેપ લટકાવવાં.
કાપણી :
લોકાટના વૃક્ષોની રોપણી બાદ ત્રીજા વર્ષથી ફળો આવવાનું શરૂ થાય છે. ફળો સમૂહમાં બેસે છે અને એક સાથે પાકે છે. ફળોના ઝૂમખાને હાથ વડે નહિ તોડતાં ક્લિપર વડે ઉતારવાં જાઈએ.
ઉત્પાદન :
લોકાટનું એક વૃક્ષ સરેરાશ ૧૬ કિ.ગ્રા. ફળો આપે છે. જો યોગ્ય માવજત આપવામાં આવે તો વૃક્ષ દીઠ ૪૦ કિ.ગ્રા. ફળોનું ઉત્પાદન મળી શકે છે.
સંદર્ભ : ઈન્ડિયન હોર્ટિકલ્ચર, માર્ચ-એપ્રિલ ર૦૧૯
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in