શહેરોના વિકાસની સાથે સાથે વિવિધ બગીચાઓ ઉછેરો (Gardens for urban development areas)

                વિશ્વની શહેરી વસ્તી આવતા ૩૦ વર્ષમાં બમણી થશે તેવો એક અંદાજ છે જેના કારણે ખોરાક અને પોષણની સલામતી સામે પડકાર તેમજ પર્યાવરણના પ્રશ્નો ઊભા થશે. ભારત જેવા વિકાસ પામતા દેશમાં લોકો ગામડાઓમાંથી શહેરો તરફ રોજગારી ખોરાક અને સલામત માટે તેમજ સારી જીંદગી જીવવા માટે પ્રયાણ કરે છે. આમ જોતાં એવો અંદાજ છે કે સને ર૦૩૦ સુધીમાં ભારતની કુલ વસ્તીના ૪૦ ટકા લોકો અને સને ર૦પ૦ સુધીમાં ૬પ ટકા લોકો શહેરોમાં રહેતા હશે. આમ આવા ઝડપી શહેરીકરણને પરિણામે શહેરોમાં ગરીબાઈ, ભૂખમરો, કુપોષણ અને બેરોજગારીના પ્રશ્નો ઊભા થનાર છે.

                શહેરોમાં વસતા લોકોની રહેણીકરણી, આવક, તંદુરસ્તી અંગેની સભાનતા, ખોરાકની ટેવો વગેરેમાં બદલાવ આવે છે. એક નિરીક્ષણ દ્વારા એવું માલૂમ પડેલ છે કે શહેરી લોકો પોતાના આહારમાં ધાન્યને બદલે પોષણયુક્ત ખોરાકને મહત્ત્વ આપતા થયા છે જેને લઈને ફળ અને શાકભાજીનો વપરાશ વધતો જોવા મળેલ છે. શહેરીકરણને લીધે લોકોને તેમની જરૂરિયાત મુજબની બાગાયતી પેદાશો પહોચાડવી પડશે, રોજગારી પુરી પાડવી પડશે, આવકના નવા સ્ત્રોતો ઊભા કરવા પડશે. આ હેતુથી શહેરો અને તેની આસપાસના વિસ્તારો બાગાયતી પાકો હેઠળ આવે તે તરફ લક્ષ્ય આપવું પડશે. કૃષિના જીડીપીમાં  બાગાયતી પાકોનો ફાળો ૩૦.૪ ટકા છે. સને ર૦૧૮-૧૯ દરમિયાન ૩૧.૪પ કરોડ મે. ટન બાગાયતી પાકોનું ઉત્પાદન મળેલ જે નીતિ ઘડવૈયાઓ, સંશોધકો, સરકાર તથા ખેડૂતોના સહિયારા પ્રયાસોથી શક્ય બન્યું છે.

                શહેરો અને તેની આજુબાજુના વિસ્તારોમાં જમીન, માનવ અને જળસ્ત્રાવોનો ઉપયેાગ કરી બાગાયતી પાકો ઉછેરીને તેની પેદાશોનું પ્રોસેસિંગ કરી વેચાણ કરવું જોઈએ. તેમાં વિવિધ પ્રકારના ફળો, શાકભાજી, મસાલા પાકો, ઔષધિય અને સુગંધિત પાકો, ફૂલો, મશરૂમ અને શોભાના ઝાડનો સમાવેશ કરી શકાય.

વિવિધ બગીચાઓ :

() કિચન ગાર્ડન :

                ઘર આંગણે ઉછેરેલ બગીચો એટલે કે કિચન ગાર્ડન. તે રોજબરોજના કુટુંબના ખોરાકમાં ઉપયોગમાં લેવાતા શાકભાજીનો પૂરવઠો નિયમિત રીતે પુરો પાડે છે. જમીનના પ્રકાર અને ખોરાકની ટેવ મુજબ વિવિધ જાતના શાકભાજી ઉછેરી તેની પેદાશ મેળવી ખોરાક તરીકે ઉપયોગમાં  લેવાય છે. બગીચાનું મોટા ભાગનું કામ કુટુંબના સભ્યો જાતે જ કરે છે. જમીનના પ્રકાર મુજબ બગીચાની પાક રચના, ઋતુ મુજબ પાકની પસંદગી વગેરે કરવામાં આવે છે. શહેરી વિસ્તારોમાં જમીન અંગેની મર્યાદા છે તે જોતાં શાકભાજીના પાક મકાનોના ધાબા ઉપર ઉગાડી શકાય છે જે માટે કૂંડા, ગ્રો બેગ્સ, વેસ્ટ કન્ટેનર અને સિમેન્ટ બેગનો ઉપયોગ કરી શકાય. સામાન્ય રીતે ઘરની પાછળના ભાગે જમીન આવેલી હોય તો તેનો ઉપયોગ કિચન ગાર્ડન માટે કરી શકાય.

() ટેરેસ ગાર્ડન :

                સામાન્ય રીતે બિલ્ડીંગના ઉપરના ભાગને ટેરેસ કહે છે. તેનો ઉપયોગ ટેરેસ ગાર્ડન બનાવવા માટે કરી શકાય. વધારાના સમયનો સદુપયોગ કરી ખાનગી ધારેણે ટેરેસ ગાર્ડન વિકસાવી શકાય છે જે કંટાળો પણ દૂર કરે છે. ટેરેસ ગાર્ડન માટે ચોક્કસ પ્રકારનું લેન્ડ સ્કેપ કરવા માટે સિવિલ વર્ક કરવું પડે છે જેમાં પગથિયા, ઢોળાવ (રેમ્પ) દિવાલ, પેઈડ પાથ  વગેરેનો સમાવેશ થાય છે. તેમાં વિવિધ શોભાના છોડ, ફૂલો, વેલો, લોન (હરિયાળી) વગેરે ઉછેરી શકાય છે.

() રૂફ ગાર્ડન :

                નાના-મોટા શહેરોમાં બગીચા માટે બાલ્કની કે ઘરના છાપરાનો ઉપયોગ કરી શકાય. ઘરના છાપરાનો બગીચા તરીકે ઉપયોગ કરતાં પહેલા છાપરાની મજબૂતાઈ અને વૉટરપ્રૂફિંગ કરેલ છે કે નહી તે ખાસ જોવું. બિલ્ડર પાસેથી આ માહિતીની ચકાસણી થઈ શકે. સામાન્ય રીતે છાપરા ઉપર કૂંડામાં થતાં છોડ જેવા કે, કેકટસ (થોર), ગુલાબ, ક્રિસેન્થીમમ, બોગનવેલ, ટામેટી-રીંગણી-મરચી જેવા શાકભાજી, પાંદડાવાળા શાકભાજી, વેલાવાળા શાકભાજી વગેરે ઉછેરી શકાય.

() માર્કેટ ગાર્ડન :

                શહેરોથી ૧પ થી ર૦ કિ.મી. દૂર સુધીના વિસ્તારોમાં ફળ-શાકભાજી-ફૂલોના ઉત્પાદન માટે માર્કેટ ગાર્ડન સ્થાપવા જોઈએ. તેમાં કયા પાકો ઉછેરવા તે સ્થાનિક બજારની માંગ મુજબ નક્કી કરી શકાય. આમાં મોટે ભાગે ઊંચુ મૂલ્ય ધરાવતા પાકો અને પાકની વહેલી પાકતી ફળ-શાકભાજી-ફૂલો અને મશરૂમની જાતો ઉગાડી શકાય. શહેર નજીક જમીનના ઊંચા ભાવ અને ઊંચી મજૂરી હોઈ પેદાશના ઊંચા ભાવ મળે તે જરૂરી છે. શહેરથી નજીક હોઈ વાહન વ્યવહારનો ખર્ચ ઓછો આવે અને મ્યુનિસિપાલિટીના કચરામાંથી ઉત્પાદિત કમ્પોસ્ટનો ઉપયોગ કરવામાં આવે તો આર્થિક રીતે ફાયદો વધુ થાય. શહેરોમાં જરૂરી શાકભાજીનો પૂરવઠો આખુ વર્ષ અને નિયમિત રીતે પૂરો પાડી શકાય  તે માટે ગ્રીનહાઉસ અને નેટહાઉસમાં ઓફ સીઝનમાં સંરક્ષિત ખેતી કરવી જોઈએ કે જેથી પેદાશના ઊંચા ભાવો મળે. જો મશરૂમની ખેતી કરવામાં આવે તો તેના માટે જમીન અને પ્રકાશની વધુ જરૂરિયાત નથી જેથી ઓછી જગ્યામાં ઊંચાઈમાં (વર્ટિકલ) ખેતી કરી વધુ ઉત્પાદન મેળવી શકાય અને સાથે મશરૂમ દ્વારા પોષણની માંગ પુરી પાડી શકાય.

() અર્બન લેન્ડસ્કેપ ગાર્ડન :

                લેન્ડસ્કેપ ગાર્ડનિંગમાં લોન (હરિયાળી), ફૂલો, કિનારીના છોડ, ફૂલકયારાઓ, કૂંડામાં છોડ, જીવંત વાડ, વૃક્ષો, વૉટર ગાર્ડન, રોક ગાર્ડન વગરેનો સમાવેશ થાય છે. છેલ્લા બે દસકામાં લેન્ડ સ્કેપિંગનો વેપારી ધારેણે ઉપયેાગ વધ્યો છે.  શહેરી વિસ્તારોમાં ઉગાડેલ વૃક્ષોથી અનેકવિધ ફાયદાઓ થાય છે જેવા કે જૈવ વૈવિધ્યતાનું સંરક્ષણ કરે છે, હવામાંના પ્રદૂષકોને દૂર કરે છે, પ્રાણવાયુ પેદા કરે છે, અવાજના પ્રદૂષણમાં ઘટાડો કરે છે, શહેરની ગરમીમાં ઘટાડો કરે છે, હવામાનનું નિયંત્રણ તેમજ જમીન ધોવાણ અટકાવે છે વગેરે.

                લોકોની જરૂરિયાત અને વપરાશને ધ્યાને લઈ જાહેર કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ફેકટરીઓ, ઔદ્યોગિક સ્થળો, ઐતિહાસિક સ્થળો, પ્રાર્થના સ્થળો, દેવસ્થાનો, રમતગમતના મેદાનો વગેરે સ્થળોએ લેન્ડસ્કેપિંગની માંગ છે. આ ઉપરાંત હાઈવે, રેલ્વેલાઈનની આજુબાજુની પડતર જમીનો, બસ ટર્મિનલ્સ, એરપોર્ટ વગેરે સ્થળો પણ લેન્ડ સ્કેપિંગ માટે મહત્ત્વના છે. ગોલ્ફ ઉદ્યોગ, ક્રિકેટ ગ્રાઉન્ડ માટેની પીચ અને લોન, વોલીબોલ ગ્રાઉન્ડ વગરે સ્થળોએ લેન્ડ સ્કેપિંગનો વ્યાપારી ધોરણે ઉપયેાગ થાય છે. સિંગાપુરમાં સુપર ટ્રી નામે હોટલ, મોલ, થીયેટરને આવરી લેતો વર્ટિકલ સ્કાય રાઈઝ ગાર્ડન બનાવ્યો છે જે લેન્ડ સ્કેપિંગનું એક નવપ્રવર્તન છે.

() ઈન્ડોર ગાર્ડન :

                ઘર, ઓફિસ, બેંક, હોટલ, રેસ્ટોરન્ટ, કલબ, હોસ્પિટલ અને શાળાની અંદર જીવંત છોડ ઉછેરવામાં  આવે તેને ઈન્ડોર ગાર્ડન કહેવાય. તે જે તે સ્થળની શોભામાં અભિવૃદ્ધિ કરે છે, સ્થળને આકર્ષિત બનાવે  છે તેમજ હવામાંના પ્રદૂષણને દૂર કરે છે. અગત્યના હવા શુદ્ધિકરણ કરતા ઈન્ડોર ગાર્ડનના છોડમાં પોથોસ, ડ્રેસિના, લીલી, સ્નેક પ્લાન્ટ, સ્પાઈડર પ્લાન્ટ અને ચાઈનીઝ એવરગ્રીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જાપાની કલા બોન્સાઈમાં કૂંડામાં નાનાં ઝાડ ઉછેરવામાં આવે છે. જેમાં આપણા ગરમ વાતાવરણવાળા દેશમાં ચીકુ, બેસિયા, આમલી, વડ વગેરે વધુ અનુકૂળ છે.

(૭) કન્ટેનર ગાર્ડન :

                ઘર એટલે કે ઈન્ડોર અને બહાર એટલે કે આઉટડોર વિસ્તારમાં જાળી ઉપર હેંગિંગ બાસ્કેટ લગાવવી અનુકૂળ છે. આવી બાસ્કેટ ઘરના પ્રવેશ દ્વાર ઉપર, રૂમ કે હોલમાં લટકાવી શકાય. ઘરની બહારની બાજુ આવેલા ઝાડ ઉપર લાઈટના થાંભલા ઉપર અને વાડ ઉપર પણ લટકાવી શકાય. આવી હેંગિંગ બાસ્કેટમાં પીટુનિયા, પેપ્સી, આઈવી, સાલ્વિયા, પેલારગોનિયમ, જીરેનિયમ વગેરે છોડ વધુ સારો દેખાવ આપે છે. બંધ ગ્લાસમાં ટેરેરીયમ જેવા છોડ ઉગાડી શકાય. કન્ટેનરમાં પણ નાનો બગીચો બનાવી શકાય જેમાં સનસેવીરીયા, સીન્ગોનિયમ, મની પ્લાન્ટ અને પેપ્રોનિયા વગેરે છોડ ઉછેરવા વધુ અનુકૂળ છે.

() હર્બલ ગાર્ડન :

                વિવિધ રોગો અને બિમારીમાં ઉપયોગમાં આવે તેવા ઔષધિય અને સુગંધિત છોડ ઉછેરવા તેને હર્બલ ગાર્ડન કહે છે. નાના-મોટા શહેરોમાં ઘણી બધી જમીનો ખાલી પડતર પડેલી હોય છે. આવી વણવપરાયેલ જમીનોમાં ઔષધિય છોડ, ઝાડવાં કે વૃક્ષો ઉછેરી હર્બલ ગાર્ડન બનાવી શકાય. આવા ગાર્ડનમાં ઉપયેાગી થાય તેવા છોડ જેવા કે પીપરમિન્ટ, કપુરાવલ્લી, તુલસી, કીઝાનેલ્લી, લેમન ઘ્રાસ, કુંવારપાઠું, તુલસી, લીંડી પીપર, કાલમેઘ (કરીયાતું) વગેરેનો સમાવેશ થાય છે.

() વર્ટિકલ ગાર્ડન :

                વર્ટિકલ ગાર્ડનમાં દિવાલ ઉપર ફૂલછોડ અને વેલો ઉછેરી દિવાલને જીવંત દિવાલ બનાવવામાં આવે છે. વિવિધ કોર્પોરેટ સેકટરમાં આઈટી પાર્ક,શોપિંગ મોલ વગેરે સ્થળોએ આ પ્રકારના ગાર્ડનની માંગ છે.

(૧૦) થીમ ગાર્ડન :

                ભારતના બગીચાઓના ઈતિહાસ જાઈએ તો તેમાં કેટલાક બગીચા તેની સ્ટાઈલ મુજબ જાણીતા હતા જેવા કે મોગલ બગીચા. આપણા દેશમાં કોઈ થીમ પસંદ કરી તેના ઉપર પણ બગીચા બનાવી શકાય જેને થીમ ગાર્ડન કહેવાય. આવા ગાર્ડન મુંબઈ, દિલ્હી, કલકત્તા, ચેન્નાઈ, બેંગલુરૂ વગેરે જેવા મોટા શહેરોમાં બનાવી શકાય તેમ છે જેમાં સોસિયલ થીમ ઉપર કોમ્યુનિકેશન ગાર્ડન, બાળકો માટે બર્ડ પાર્ક, બટરફલાય પાર્ક, વાતાવરણ માટે એનર્જી પાર્ક, બાગાયત થીમ ઉપર ફ્રેગરન્ટ ગાર્ડન, કલર્સ ગાર્ડન વગેરેનો સમાવેશ કરી શકાય.

                આવા ગાર્ડનને હીલિંગ ગાર્ડન, મેડિટેશન ગાર્ડન તરીકે વિકસાવી વૃદ્ધ અશક્ત માણસોને  તણાવ મુક્ત કરી શકાય, બાળકોને આનંદ-ઉત્સાહ પુરો પાડી શકાય તેમજ ઔષધિય છોડ ઉછેરી તેનો દવા તરીકે ઉપયોગ કરી શકાય.

વિશેષ :

(ક) સોઈલલેસ ફાર્મિંગ :

                જમીન વિહોણી ખેતીના અનેકવિધ ફાયદાઓ છે જેવા કે, રીસાયકલ કરેલ પાણીનો ઉપયોગ, પિયતના ૮પ થી ૯૦ ટકા પાણીનો બચાવ, શૂન્ય પ્રદૂષણમુક્ત વાતાવરણ અને સારૂ ઉત્પાદન છે. આ માટે મુખ્યત્વે બે પદ્ધતિઓ વપરાય છે.

• ઓપન ફાર્મિંગ કલ્ચર : તેમાં રૂટ ડીપિંગ ટેકનીક, હોગિંગ બેગ ટેકનીક અને ટ્રેન્ચ મેથડનો ઉપયોગ થાય છે.

• કલોઝડ ફાર્મિંગ કલ્ચર : તેમાં હાઈડ્રોપોનિક્સ, ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનીક, એરોપોનિક્સ અને એકવાપોનિક્સનો ઉપયોગ થાય છે.

                આપણા દેશમાં ઊંચુ મૂલ્ય ધરાવતા લીલાં પાંદડાવાળા શાકભાજી જેવા કે લેટયુસ, સેલેરી, વેલાવાળા શાકભાજી, કેપ્સિકમ, ટામેટી, રીંગણ (બોટલ બ્રિંજલ), ફળોમાં સ્ટ્રોબેરી, ફૂલોમાં જર્બેરા, કાર્નેશન, એન્થુરીયમ વગેરે ઉછેરી શકાય છે.

() અર્બન બીકીપિંગ :

                નાના-મોટા શહેરો અને તેની આજુબાજુના વિસ્તારોમાં બી-કીપિંગ એટલે કે મધમાખી ઉછેર કરી તેની જાળવણી કરવી જેથી પાકોમાં પરપરાગનયન સારૂ થાય તેમજ મધનું પણ ઉત્પાદન મળે. શહેરી લોકોએ પોતાના શોખ માટે મધમાખી પાલન અપનાવવું જોઈએ. વિશેષમાં મધની સાથે મીણનું ઉત્પાદન પણ મળે છે. ભારતીય મધમાખીના એક મધપૂડામાંથી અંદાજે વાર્ષિક ૧૦ કિલો મધનું ઉત્પાદન મળે છે.

() વેસ્ટ મેનેજમેન્ટ :

                દરરોજ શહેરો અને તેની આસપાસના વિસ્તારોમાં પેદા થતો ઘન કચરો એકઠો કરવામાં આવે છે જેમાં જે તે સ્ત્રોત મુજબ મ્યુનિસિપાલિટીનો કચરો, ઔદ્યોગિક કચરો, નુકસાનકર્તા કચરો, હોસ્પિટલનો કચરો અને ઈલેકટ્રોનિક કચરો વગેરેનો સમાવેશ થાય છે. આવો ઉપલબ્ધ કચરો યોગ્ય પદ્ધતિ વડે રીસાયકલ કરવામાં આવે છે અને  તે દ્વારા મળતા પદાર્થોનો ઉપયેાગ જમીન પૂરવા (લેન્ડફીલ), કમ્પોસ્ટ ખાતર બનાવવા, બાયોગેસ ઉત્પન્ન કરવા, વર્મિકમ્પોસ્ટ બનાવવા, આર્ગેનિક વેસ્ટમાંથી પેપર બનાવવા, પશુદાણ બનાવવા, શાકભાજીના કચરામાંથી ફન્કશનલ ફૂડ બનાવવા, ઘરગથ્થુ સુએઝના પ્રવાહી કચરાને માવજત આપી સુએઝ ખાતર બનાવવા તથા તેમાંથી મળતા પ્રવાહીનો પિયત તરીકે થાય છે. શહેરોમાં મળતા ઓર્ગેનિક વેસ્ટનો ઉપયોગ કરી બનાવેલ કમ્પોસ્ટ ખાતર શાકભાજીની ખેતીમાં વાપરીને કચરાને થાળે પાડી શકાય.

સરકારશ્રી દ્વારા બગીચાઓને પ્રોત્સાહન :

            ભારત સરકારની રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના ((RKVY) દ્વારા શહેરી વિસ્તારોમાં શાકભાજી ઉછેરને પ્રોત્સાહન આપવામાં આવે છે. બાગાયત વિકાસ યોજના મારફતે શહેરી લોકોને શાકભાજી ઉછેર માટે બાગાયતી કીટ આપવામાં આવે છે. હર્બલ ગાર્ડન બનાવવા માટે ઘી નેશનલ મેડિસિનલ પ્લાન્ટસ બોર્ડ (NMPB) દ્વારા નાણાંકીય મદદ પુરી પાડવામાં આવે છે.

સારાંશ :

                શહેરોની આસપાસના વિસ્તારોમાં વિવિધ હેતુઓ માટેના બગીચાઓ બનાવવા આવે તો શહેરી લોકોને ખોરાકનો પૂરતો પુરવઠો પુરો પાડી શકાય, વાતાવરણના પ્રદૂષણમાં ઘટાડો કરી શકાય, રોજગારી ઊભી કરી આવકમાં વધારો કરી શકાય તેમ છે. આ માટે સલામત ઉત્પાદન માટેની તાંત્રિકતાનો વિકાસ કરવો જોઈએ. શહેરી કચરાનો અસરકારક અને સલામત રીતે નિકાલ અને ઉપયેાગ કરવો જોઈએ. ઓછા ખર્ચે અસરકારક અને ટકાઉ ટેરેસ ગાર્ડન અને રૂફ ગાર્ડન ઊભા કરવા જોઈએ તેમજ વાતાવરણ મુજબ લેન્ડ સ્કેપ ગાર્ડન બનાવવા જોઈએ.


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *