શેરડીની ખેતીમાં આંતરપાક તરીકે મસાલા પાકો – લાભો, મુશ્કેલીઓ અને સાવચેતી  (Intercropping of spices with sugarcane – Advantages, difficulties and precautions)

                શેરડીની ખેતીમાં તેની બે હરોળ વચ્ચે લેવામાં આવતા પાકોને આંતરપાકો કહેવાય છે. આંતરપાકો લેવાનો મુખ્ય આશય શેરડીની બે હરોળ વચ્ચે આવેલી જમીનમાં મસાલાના પાકો ઉગાડી તેનો સારો ઉપયોગ કરવો અને તેની કોઈ નકારાત્મક અસર શેરડીના પાક ઉપર ન થાય તે ધ્યાને લેવામાં આવે છે તેમજ મુખ્ય પાક શેરડીની આવક ઉપરાંત મસાલા પાકોને આંતરપાક તરીકે ઉછેરી વધારાની આવક ખેડૂત પ્રાપ્ત કરી શકે છે. ખેડૂત શેરડીના પાકમાં મસાલા પાકો, તૈલી પાકો, કઠોળ પાકો, શાકભાજી પાકો વગેરે આંતરપાક તરીકે લઈ પોતાના ઘર માટે જોઈતા શુદ્ધ મસાલા, તેલ, કઠોળ, શાકભાજી વગેરે પ્રાપ્ત કરી શકે છે. આંતરપાક લેવાથી ખેડૂત વિવિધ લાભો મેળવી શકે છે જેમકે, વધારાની આવક, પાક અવશેષો જમીનમાં  ઉમેરી કહોવાતાં તેમાંથી સીધું જમીનમાં નાઈટ્રોજનનું સ્થિરીકરણ, જમીનમાં પોષકતત્વોની લભ્યતામાં વધારો, સેન્દ્રિય પદાર્થોના સ્તરમાં વધારો થવાથી જમીનના ભૌતિક બાંધામાં સુધારો, કુટુંબને રોજગારીની તકો મળવી વગેરે.

        શેરડી એ રોકડિયો પાક છે જેનું વાવેતર પાનખર (શરદ ઋતુ)માં થાય છે જેમાં વસંતઋતુમાં કરેલ વાવેતર કરતાં 15 થી 20 ટકા વધુ ઉત્પાદન મળે છે અને ખાંડની મિલો 0.3 થી 0.5 યુનિટ વધુ ખાડનું ઉત્પાદન આપે છે. વર્તમાન હવામાનને ધ્યાને લઈ યુપી-કેન રિસર્ચ કાઉન્સીલ ધ્વારા શેરડીની ખેતી માટે ‘મોડિફાઈડ ટ્રેન્ચ મેથડ’ વિકસાવી છે જે પાકની ઉત્પાદકતા અને ખાંડના ઉત્પાદનમાં અને એકમ વિસ્તાર દીઠ આવકમાં વધારો કરે છે. ખેડૂત શેરડીની બે હરોળ વચ્ચે આવેલ 120 થી 150 સે.મી. જેટલી જગ્યાનો ઉપયોગ કરી તેમાં સહેલાઈથી શાકભાજી, તૈલી પાકો, કઠોળ પાકો અને મસાલા પાકો ઉછેરી શકે છે. ખેડૂતો યુપી સુગરકેન રિસર્ચ કાઉન્સીલ, શાહજહાપુર ધ્વારા વિક્સાવેલ વધુ ખાંડ ધરાવતી અને ઊંચુ ઉત્પાદન આપતી શેરડીની જાતોનો ઉપયોગ કરી પોતાની ખેતીની આવક બમણી કરી શકે છે તેમજ અન્ય શેરડીની જાતો પણ મોડિફાઈડ ટ્રેન્ચ મેથડનો ઉપયોગ કરી.

વસંત ઋતુના અંતે શેરડીનું વાવેતર :        

       શેરડીની ખેતીમાં મગ, અડદ, ભીંડા, આદુ, હળદર, ચોળી (શીંગો અને લીલા પડવારા તરીકે) તેમજ લીલા પડવારાના પાકો તરીકે શેરીયાં, શણ, મગ વગેરે તથા ઘાસચારાના પાકો આંતરપાકો તરીકે લઈ શકાય છે. ફુદીનાને ઠંડુ વાતાવરણ જોઈએ. તેથી તે પાનખર અને શરદ ઋતુમાં (હૂંફાળું હવામાન અને ઊંચું ઉષ્ણતામાનમાં) ભારતમાં મોટે ભાગે ફેબ્રુઆરી થી મે  માસ દરમ્યાન ફુદીનો ઉગાડવામાં આવે છે. જ્યારે બીજી કરફ અમેરિકા જેવા ઠંડા દેશોમાં (મુખ્યત્વે યુએસ માં) 90 ટકા ફુદીનો ઉગાડવામાં છે.  શેરડીમાં આંતરપાક તરીકે અખતરા લેવાની કામગીરી યુપી-સુગરકેન રિસર્ચ કાઉન્સીલ ધ્વારા સને 1950 બાદ શરૂ થયેલ જેમાં શેરડીના એકલપાકના ઉત્પાદન કરતાં બટાટા, લસણ, વટાણા, મઠ વગેરેનું શેરડીમાં આંતરપાક તરીકે વાવેતર કરતાં ઊંચું ઉત્પાદન મળેલ હતું.

        શેરડીમાં લસણ અને બટાટાનો આંતરપાક લેવાથી એકલપાક શેરડી કરતાં વધુ ઉત્પાદન મળેલ. આ અખતરા સને 1993 થી 1997 એમ ત્રણ વર્ષ લેવામાં આવેલ જેમાં ધાણા, અજમો, વરિયાળી, કાળાં મરી, જીરૂ, મરચી, લસણ, મેથી, બનારસી રાઈ વગેરે પાકોનો સમાવેશ કરેલ. લસણના પાકમાં ઊંચી ચોખ્ખી આવક તેમજ શેરડીમાં એકલપાક શેરડી કરતાં ઊંચુ ઉત્પાદન મળેલ હતું.  

        પાનખર ઋતુમાં શેરડીના વાવેતરમાં મસાલા પાકોનો આંતરપાક લેવો વધુ સરળ છે કારણ કે મોટા ભાગના મસાલા પાકો શિયાળુ ઋતુમાં થાય છે. વસંત ઋતુમાં શેરડીના વાવેતરમાં પણ કેટલાક લાભ મેળવી શકાય છે કારણ કે શરૂઆતના 4 થી 5 માસ દરમ્યાન શેરડીનો વિકાસ ધીમો હોય છે જેથી આ સમયે શેરડીમાં આંતરપાકો લેવાથી વધારાના લાભો મેળવી શકાય છે.

શેરડીમાં આંતરપાકો લેવાથી થતા લાભો :   

        શેરડીમાં મસાલા પાકોનું આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે તો અત્રે દર્શાવેલ પ્રાથમિક ફાયદાઓ મેળવી શકાય છે :

(1) સૂર્ય ઊર્જા, જમીન અને પાણી વગેરે સંસાધનોનો અસરકારક રીતે ઉપયોગ કરી શકાય છે.

(2) વધારાની આવક પેદા કરે છે.

(3) કુટુંબના સભ્યો કે અન્ય લોકોને વધારાની રોજગારીની તકો પુરી પાડે છે.

(4) શેરડીની ખેતી રોકડ નાણાં મેળવવા માટે અને દૈનિક જરૂરિયાત માટે મસાલા, અનાજ, કઠોળ અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે.

(5) શેરડીની બે હરોળ વચ્ચેની જગ્યામાં આંતરપાકો લેવાથી નીંદણનું નિયંત્રણ થાય છે જેથી નીંદણ નિયંત્રણ માટેનો ખર્ચ ઘટતાં નાણાંની બચત થવા પામે છે.

(6) કઠોળપાકો હવામાંના નાઈટ્રોજનનું જમીનમાં સ્થિરીકરણ કરે છે અને જમીનને ખેડતાં પાક અવશેષો જમીનમાં ઉમેરાતાં અને મિશ્ર થતાં જમીનમાં સેન્દ્રિય પદાર્થોના પ્રમાણમાં વધારો થવા પામે છે અને તે રીતે જમીનના ભૌતિક ગુણોમાં સુધારો થાય છે.

(7) મસાલા, કઠોળ અને તૈલી પાકોની ખેતી ખર્ચાળ છે અને તેને વધુ રાસાયણિક ખાતરોની જરૂર રહે તે જોતાં આંતરપાક તરીકે લેવાથી તેને ઉગાડવા માટેના ખર્ચમાં ઘટાડો થાય છે. મસાલા પાકોમાં લસણ, શાકભાજી પાકોમાં ડુંગળી, ઔષધિય અને સુગંધિત પાકોમાં ફુદીનો વગેરેને શેરડીમાં આંતરપાક તરીકે લેવાથી તે શેરડીની ખેતીમાં ઉપદ્રવ કરતા કેટલાક કીટકોનો ઘટાડો કરવામાં મદદ કરે છે.  

(8) આંતરપાક તરીકે લેવામાં  આવતા મસાલા પાકોનાં મોટા ભાગના કાર્યો મજૂરો પર અવલંબે છે જેથી કુટુંબના સભ્યોને રોજગારી મળી રહે છે. તેમાં કરવામાં આવતી કામગીરીને કારણે પોષકતત્વોની પ્રાપ્યતા અને ઉપયોગમાં વધારો થવાને કારણે શેરડીનો વિકાસ સારો થતાં તેનું ઉત્પાદન અને આવક વધે છે.

(9) મસાલાના પાકોની પેદાશો ખોરાક તરીકે બજારમાં વેચાણ માટે પ્રાપ્ય છે. તેના વેપારથી સરકારને વેચાણ કર મળતાં વધારાની રેવન્યુ આવક મળે છે.  

શેરડીમાં આંતરપાક લેવામાં પડતી મુશ્કેલીઓ :

        શેરડીમાં આંતરપાકો લેવાના અનેક લાભો હોવા છતાં તેની ખેતીમાં કેટલાક પ્રશ્નો વિચાર માંગી લે તેવા છે જેમ કે,

(1) મસાલા એ ખોરાકમાં ઉપયોગમાં લેવાની ખર્ચાળ ચીજવસ્તુ છે. તેના વેચાણ થકી ખેડૂતોને વધુ નફો મળે છે. ફક્ત લસણ પાક સિવાયના અન્ય મસાલા પાકો શેરડીમાં આંતરપાક તરીકે લેવાથી એકલપાક શેરડી કરતાં ઉત્પાદનમાં ઘટાડો થયેલ જોવા મળે છે. શેરડીની ખેતીમાં બે હરોળ વચ્ચે પાંચ હારમાં લસણની રોપણી કરવામા આવે તો શેરડીના ઉત્પાદનમાં વધારો જોવા મળેલ છે.

(2) જો શેરડીમાં મસાલા પાક આંતરપાક તરીકે લેવામાં આવે તો સમયસર વાવણી અને કાપણી કરવાની જરૂર રહે છે. તેને કારણે મજૂર મેળવવાના અને તેના માટે વધારાનો ખર્ચ કરવાના પ્રશ્નો પેદા થવા પામે છે.

(3) મસાલાના પાકોની કાપણી બાદ શેરડીના પાકમાં પાક વ્યવસ્થા પ્રવૃત્તિઓ (જેવી કે પિયત, ખાતરો આપવાં અને અન્ય કાર્યો વગેરે) હાથ ધરવામાં મુશ્કેલી પડે છે.

(4) ખેતરમાં પુરતા નિતારની ખામી હોય  તો પોષકતત્વોનો ઘટાડો થતાં પાક ઉપર તેની નકારાત્મક અસર થવા પામે છે.  

(5) કેટલાક મસાલાના પાકો રોગ કે જીવાત સામે સહેલાઈથી ટકકર જીલી શકતા નથી પરિણામે મસાલા પાકોમાં થતા રોગ કે જીવાત શેરડીના પાકને પણ અસર કરે છે.

શેરડીની ખેતીમાં આંતરપાક તરીકે મસાલા પાકોની પસંદગી કરવા માટે રાખવાની સાવચેતીઓ

        અત્રે દર્શાવેલ કેટલીક સાવચેતીઓ જાળવીને શેરડીના પાકમાં આંતરપાક તરીકે સાનુકુળ પાકની પસંદગી કરવી જોઈએ :

(1) પસંદ કરેલ મસાલા પાક 3 થી 4 માસના ગાળામાં તૈયાર થતો હોય તેવો જોઈએ.

(2) શેરડીના પાક ઉપર છાંયો ન પડે, પાકનો વિકાસ ધીમો હોય અને રોગ-જીવાતમાં વધારો ન કરે તેવો પાક આંતરપાક તરીકે પસંદ કરવો જોઈએ.

(3) આંતરપાક હવા, પાણી, પ્રકાશ અને પોષકતત્વો માટે મુખ્ય પાક સાથે હરીફાઈ ન કરે તેવો હોવો જોઈએ.

(4) વધુ ઊંચા ન થાય તેવા એટલે કે ઠીંગણા પાક આંતરપાક તરીકે પસંદ કરવા.

(5) જેવો પાક પાકીને તૈયાર થાય એટલે કે કાપણીલાયક થાય ત્યારે તેની તરત જ કાપણી કરી ત્યારબાદ વરસાદ આવતા પહેલાં પિયત, કરબ મારવી અને જમીનમાં અવશેષો ભેળવી નાઈટ્રોજન ઉમેરવો.

(6) આંતરપાક શેરડીના પાકને અનુરૂપ અને સહેલાઈથી તેની વ્યવસ્થા થઈ શકે તેવો હોવો જોઈએ.

(7) એવો આંતરપાક પસંદ કરવો કે જેની સ્થાનિક બજારમાં પુરતી માંગ હોય અને બજારમાં તેનું સહેલાઈથી વેચાણ કરી શકાય.

(8) રાસાયણિક ખાતર શેરડીના મુખ્ય પાકને મળે તે રીતે અલગથી તેમ જ આંતરપાકને ભલામણ કરેલ પ્રમાણ મુજબ આપવું જોઈએ.

(9) શેરડીના પાકની વાવણી કરી તેના બીજા જ દિવસે તરત જ આંતરપાકની વાવણી કરવી જેથી જરૂરી સ્ત્રોત આવનાર સમયમાં સલામત રીતે જાળવી શકાય.

(10) શેરડીના પાક કે તેમાંના આંતરપાકને હળવું પિયત આપવામાં આવે ત્યારે મૂળને કોઈ નુક્સાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.

(11) શેરડીની બે હરોળ વચ્ચે ઓછામાં ઓછું 90 સે.મી. (રેઝરથી વાવણી) અને 120 સે.મી. (ટ્રેન્ચ વાવણી) અંતર જળવાઈ રહે તે જરૂરી છે નહિ તો આંતરપાક લેવામાં મુશ્કેલી પડે છે.

(12) શેરડીની કાપણી અને આંતરપાકની વાવણી સમયસર કરવી જોઈએ. શેરડીની હરોળ સામાન્ય રીતે પૂર્વ-પશ્ચિમ રાખવી જોઈએ જેથી પાકમાં એકબીજા ઉપર છાંયો પડવાની અસર ઘટે અને પાકની સારી વ્યવસ્થા કરી શકાય.

(13) શેરડીની બે હરોળ વચ્ચે આંતરપાકના બીની વાવણી કરવામાં આવે ત્યારે આંતરપાકમાં જ્યાં બી ઉગે નહિ કે ખાલાં પડે ત્યાં ફરીથી બીની વાવણી કરવા માટે આંતરપાકનાં થોડાં બી અલગ રાખવાં જોઈએ.

(14) જો શેરડીના ખેતરમાં વધુ નીંદામણ હોય તો એવા નીંદણનાશક વાપરવાં જોઈએ કે જેની હાનિકારક અસર આંતરપાક ઉપર ન થાય.

શેરડીમાં આંતરપાક તરીકે મસાલા પાકોમાં ઓછો રસ લેવાના કારણો :   

        ખેડૂતો શેરડીના પાકમાં આંતરપાક તરીકે મસાલા પાકો ઉપરાંત બટાટા, શાકભાજી, તૈલીપાકો, મકાઈ, સૂર્યમુખી, લીલો પડવારા, કઠોળ વગેરે  પાકો લેવા માટેનો રસ ધરાવે છે. શેરડીમાં આંતરપાક તરીકે મસાલા પાકો વધુ ખ્યાતિ પામેલ નથી અથવા તો મસાલા પાકો લેવામાં ખેડૂતો ઓછો રસ ધરાવે છે. તેનું કારણ લસણ, ધાણા, મેથી, વરિયાળી, સેલેરી, આદુ, હળદર, મરચી, કાળાં મરી, જીરૂ વગેરે પાકોમાં કરવા પડતાં યાંત્રિક અને ભૌતિક કાર્યો અને તેની સમયસર કરવી પડતી વાવણી અને કાપણી મુશ્કેલીભરી છે વળી તેમાં પક્વતા પણ જોવા મળે છે.


સ્ત્રોત : ઈન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, એપ્રિલ – 2023


સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com

www.krushikiran.in

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *