કૃષિને ટકાઉ બનાવવા માટેની પદ્ધતિઓનો ઉપયોગ ન કરવામાં આવે તો ગ્રીનહાઉસ ગેસ પેદા થતાં પર્યાવરણ પર અસર થતાં હવામાન ફેરફારને નોંધપાત્ર અસર કરે છે. તેની વિરૂદ્ધ જો ટકાઉ ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે તો હવામાન ફેરફાર સામે રક્ષણમાં વધારો જૈવવૈવિધ્યતાનું સંરક્ષણ અને કુદરતી સ્ત્રોતોને ટકાઉ બનાવી શકાય છે. આ માટેની એક પદ્ધતિ સંરક્ષિત કૃષિ છે. સંરક્ષિત કૃષિ કુદરતી સ્ત્રોતો અને જૈવવિધ્યતાનું સંરક્ષણ કરે છે અને મજૂરીમાં ઘટાડો કરે છે. તે જમીનમાં જળની પ્રાપ્યતામાં વધારો કરે છે, ગરમી અને દુષ્કાળના તણાવને ઘટાડે છે અને લાંબે ગાળે જમીનના આરોગ્યની જાળવણી કરે છે.
યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇજેશન(FAO)ના જણાવ્યા મુજબ સંરક્ષિત કૃષિ એટલે એવી ખેતી પદ્ધતિ કે જેમાં જમીનને ઓછામાં ઓછો વિપેક્ષ (દા.ત ખેડ કરવી નહિ) આપવો જમીન ઉપર આવરણની કાયમી જાળવણી કરવી અને છોડની જાતોનું વૈવિધ્યકરણ કરવું. તે જમીનની ઉપર અને નીચેની સપાટીમાં જૈવવૈવિધ્યતા અને કુદરતી જૈવિક પ્રક્રિયાઓ ધ્વારા પાણી અને પોષકતત્વોનો કાર્યક્ષમ ઉપયોગ કરી પાક ઉત્પાદનમાં વધારો કરે છે.
સંરક્ષણ કૃષિ એ કૃષિ ઉત્પાદન ટકાવી રાખે તેવો અભિગમ છે જેનો હેતુ જમીનનું ધોવાણ અને જમીનને બગડતી અટકાવવાનો, તેની ગુણવત્તા અને જૈવવૈવિધ્યતામાં સુધારો કરવાનો, કુદરતી સ્ત્રોતો, પાણી અને હવા વગેરેનું સંરક્ષણ કરવાનો અને આદર્શ ઉત્પાદન મેળવવાનો છે.
સંરક્ષિત કૃષિ મુખ્ય ત્રણ સિદ્ધાંતો ઉપર આધારિત છે. જમીનને ઓછામાં ઓછો વિપેક્ષ, જમીનના આવરણની કાયમી જાળવણી અને પાકની જાતોની વિવિધતાનો ઉપયોગ કરવો.
સંરક્ષિત કૃષિ એ જમીનને ઓછામાં ઓછો યાંત્રિક રીતે વિપેક્ષ કરવો, જીવિત અથવા સૂકાઇ ગયેલ છોડના પદાર્થો સહિત જમીનના આવરણને જાળવવું અને પાકની ફેરબદલી કે આંતરપાકો ધ્વારા પાકોમાં વૈવિધ્યતા વગેરે સંબધિત સિદ્ધાંતો ઉપર આધાર રાખે છે. તે ખેડૂતોને ઉત્પાદન જાળવી તેમાં વધારો કરવામાં અને નફો વધારવામાં મદદ કરે છે, જમીનને બગડતી અટકાવે છે, પર્યાવરણનું રક્ષણ અને હવામાન ફેરફારના પડકારોનો સામનો કરે છે.
ખેડૂતો જમીનને ખેડ્યા વિના અથવા તૈયાર કર્યા વિના જમીનને વિપેક્ષ ન થાય તે રીતે શૂન્ય ખેડ અપનાવી સીધી પાકની વાવણી કે રોપણી કરે છે. અગાઉના પાકના અવશેષો હોવા છતાં ખેડૂતો સીધી બિયારણની વાવણી કરે છે.
શૂન્ય ખેડ એટલે કે જમીનને ખેડયા વગર આંતરપાક અને પાકની ફેરબદલી કરી બે કે વધુ પાકો એક જ સમયે એક જ જમીનમાં બે જુદા જુદા પાકોનું હરોળમાં વાવેતર કરે છે.
સંરક્ષિત કૃષિ એ ટકાઉ ખેતીનો અભિગમ છે જે હવામાન પરિવર્તનનો સામનો કરે છે અને અનુકુલન સાધે છે.
સંરક્ષિત કૃષિ એ એક પવિત્ર અભિગમ છે કે જેમાં એકબીજા ઉપર આધારિત ત્રણ સિદ્ધાંતોનો પ્રત્યક્ષ ઉપયોગ કરવામાં આવે છે જેમાં જમીનને યાંત્રિક રીતે ઓછામાં ઓછો વિપેક્ષ પહોંચાડ્યો, જમીનના આવરણને બાયોમાસથી આવરિત રાખવું અને પાકની જાતોનું વૈવિધ્ય વિક્ષેપ કરણનો સમાવેશ થાય છે. તેની સાથે સંકલિત પાક અને ઉત્પાદન વ્યવસ્થા અંગેની સારી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.
જમીનને વિક્ષેપ ન પહોંચાડવો અથવા ઓછામાં ઓછો વિક્ષેપ પહોંચાડવો :
આ પદ્ધતિમાં જમીનમાં ખેડ કરવામાં આવતી નથી. વાવણી બાદ ધોવાણ સામે અસરકારક રક્ષણ મેળવવા માટે ઓછામાં ઓછી ૩૦ ટકા જમીન આવરિત રહેવી જોઇએ. જો કે જમીનને ઉતરતી બનતી અટકાવવા માટે તે ૬૦ ટકાથી વધુ આવરિત હોય તેવી ભલામણ છે.
જમીન કાયમી ધોરણે આવરિત હોવી :
જમીન ઉપરના પડને વાર્ષિક પાકો ઉગાડી તેના બાયોમાસથી આવરિત કરી જાળવવું ખેતરની આજુબાજુ વૃક્ષોનું વાવેતર કરવું. આ રીતે જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરાય છે, જળસંગ્રહ શક્તિમાં વધારો થાય છે,નીંદણો ઉગતાં અટકે છે અને જમીનમાંથી ભેજનું મર્યાદિત પ્રમાણમાં બાસ્પીભવન થાય છે.
પાકની ફેરબદલી અને આંતરપાક ધ્વારા પાક વૈવિધ્યતા જાળવવી :
એકનો એક પાક વારંવાર લેવાથી જીવાત અને રોગનો ઉપદ્રવ વધતો જાય છે તેને બદલે પાકની ફેરબદલી કરવાથી કે આંતરપાકો લેવાથી રોગ-જીવાતના જીવનચક્રમાં વિક્ષેપ પડતાં રોગ-જીવાતનું સારૂ નિયંત્રણ થાય છે અને વધારામાં કુદરતી રીતે જમીનની ફળદ્ધુપતા અને જૈવવૈવિધ્યતામાં સુધારો થાય છે.
કોઠો–૧ : સંરક્ષિત કૃષિ વ્યવસ્થાની ઉત્તમ પદ્ધતિઓ અને હવામાન બદલાવ સામે તેનું શમન અને અનુકૂલન
ક્રમ | પદ્ધતિઓ | હવામાન બદલવમાં ઘટાડો (શમન) | હવામાન બદલાવમાં અનુકૂલન |
૧ | શૂન્ય ખેડ અથવા જમીનમાં ઓછામાં ઓછો વિક્ષેપ | ઓછા બળ વપરાશ અને ઓછા ઉત્સર્જનને કારણે અંગારવાયુના ઉત્સર્જનમાં ઘટાડો થાય. | જમીનની સ્થિતિસ્થાપક્તા અને કાર્યમાં વધારો થાય |
૨ | કાયમી ધોરણે જમીન આવરિત રહેવી | વધુ બાયોમાસ જમા થતાં જમીનમાં કાર્બનનો સંગ્રહ વધારે થાય | જમીનની સ્થિતિસ્થાપક્તા અને કાર્યમાં વધારો થાય |
૩ | પાક વૈવિધ્યકરણ | વધુ મૂળીયાંને કારણે જમીનમાં કાર્બનનો સંગ્રહ વધારે થાય | જમીનની સ્થિતિસ્થાપક્તા અને કાર્યમાં વધારો થાય |
૪ | ઇનપુટસનો આદર્શ ઉપયોગ | ઓછી શક્તિ (બળ) ના વપરાશને કારણે અંગારવાયુના ઉત્સર્જનમાં ઘટાડો | ઇનપુટસના વપરાશની અસરકારકતા અને ઉત્પાદક્તામાં વધારો |
૫ | આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ (ચોક્સાઇપૂર્વકની ખેતી નિર્ણય લેવામાં મદદકર્તા પદ્ધતિઓ વગેરે) | ઓછી શક્તિ (બળ) ના વપરાશને કારણે અંગારવાયુના ઉત્સર્જનમાં ઘટાડો | શક્તિ, મજૂરોની ઉપયોગની અસરકારકતા અને ઉત્પાદક્તામાં વધારો |
૬ | ખેતીરસાયણોનો યોગ્ય ઉપયોગ | ઓછી શક્તિ (બળ) ના વપરાશને કારણે અંગારવાયુના ઉત્સર્જનમાં ઘટાડો | ખેતરસાયણોના ઉપયોગની અસરકારક્તા અને ઉત્પાદક્તામાં વધારો |
૭ | આદર્શ પિયત વ્યૂહરચનાનો અમલ | ઓછી શક્તિ (બળ) ના વપરાશને કારણે અંગારવાયુના ઉત્સર્જનમાં ઘટાડો | જળ વપરાશ અસરકારક્તા અને વપરાશ ઉત્પાદક્તામાં વધારો |
૮ | પિયત વ્યવસ્થામાં કૃષિ, તાંત્રિક અને નાણાકીય પદ્ધતિઓના સંયુક્ત ઉપયોગ ધ્વારા સુધારણા | ઓછી શક્તિ (બળ) ના વપરાશને કારણે અંગારવાયુના ઉત્સર્જનમાં ઘટાડો | જળ વપરાશની અસરકારક્તામાં સુધારો તથા પાકના ઉષ્ણતામાન અને પાણીના તણાવના જોખમમાં ઘટાડો |
૯ | જૈવવૈવિધ્યતા માટે બહુવિધ કાર્યોનો અમલ | જમીનમાં કાર્બન સંચયનો વધારો | કૃષિ ઇકોસીસ્ટમની સ્થિતિસ્થાપક્તામાં વધારો |
કોઠો-૨ : સંરક્ષિત કૃષિના સિદ્ધાંતો અને નાના ખેડૂતો માટે વધુ સાનુકૂળ પદ્ધતિઓમાં સુધારો
ક્રમ | સિધ્દ્રાંત | સુધારણા અંગેની વિગત |
૧ | ઓછામાં ઓછી ખેડનો ઉપયોગ | અનુકુળ કવર પાક અને કઠોળ (દાણા આપે તેવા) પાકો શોધવા |
૨ | મલ્ચિંગ તથા મૃત કે સજીવ સેન્દ્રિય પદાર્થો ધ્વારા જમીનનુ સંરક્ષણ | મજૂરી ઘટાડવી અને /અથવા નીંદામણ અને સેન્દ્રિય પદાર્થોની વ્યવસ્થા અંગેનો ખર્ચ ઘટાડવો |
૩ | પાકની ફેરબદલી અથવા આંતરપાકોનો ઉપયોગ | ખેડ માટેના અનુકુળ સાધનો વિકસાવવા |
૪ | આખુ વર્ષ બાયોમાસનું ઉત્પાદન મળે તેવા પ્રયાસો કરવા | વેલ્યુ ચેઇન અભિગમ ધ્વારા માર્કેટ સાથે સારૂ જોડાણો કરવા |
૫ | બહુવિધકાર્યકારી કવર પાકનો ઉપયોગ | પાક પશુપાલનની સંયુક્ત ખેતી પદ્ધતિની અનુકુળતામાં સુધારો કરવો |
સંરક્ષિત કૃષિ પદ્ધતિમાં ઓછા રોકાણની જરૂરિયાત રહે છે.
ટુંકી જમીન ધારણ કરતા ખેડૂતોએ સંરક્ષિત કૃષિ માટે ખેતી પદ્ધતિમાં નીચે મુજબના ચાવી રૂપ ફેરફારો પોતાના ખેતર ઉપર કરવા જોઇએ.
(1) સંરક્ષિત કૃષિ અંગેનું જ્ઞાન અને તાલીમ :
ખેડૂતોએ સંરક્ષિત કૃષિ,ચોક્કસ પાક અંગેની વ્યવસ્થા તેમજ સામાન્ય ખેતી વિષયક માહિતીની તાલીમ લીધી હોય તો તેમાં સારી સફળતા મળે છે.
(2) સમયસરના ખેતી કાર્યો :
સંરક્ષિત કૃષિ અપનાવવા માટે તેની ટેકનોલોજી અંગેનો ઉપયોગ કરી સમયસર ખેતી કાર્યો કરવાં જોઇએ. આ માટે ખેતરની વ્યવસ્થા અને ખાતરો આપવાનું જ્ઞાન હોેવું જોઇએ તો જ પાકમાં સારો પ્રતિભાવ મળી શકે.
(3) નીંદણ વ્યવસ્થા અને મજૂરની પ્રાપ્યતા :
સંરક્ષણ કૃષિને કારણે મોટા ભાગના ટુંકી જમીન ધરાવતા ખેડૂતોના ખેતરમાં મજૂરની માંગમાં વધારો થવા પામ્યો છે એટલે તેની વ્યવસ્થા કરવી જટીલ બની છે. સંરક્ષિત કૃષિના ખેતરોમાં નીંદણ નિયંત્રણ માટે મજૂરોને બદલે નીંદણનાશક રસાયણોનું જ્ઞાન, અનુભવ અને ઉપયોગ કરવાની જરૂર પડશે.
(4) યાંત્રિકરણ/સાધનોનો ઉપયોગ :
સંરક્ષિત કૃષિમાં યંત્રો/સાધનોનો ઉપયોગ ન થતો હોઇ મજૂર વડે ખેતી કાર્યો કરવાં પડે છે પરંતુ તેની મર્યાદા હોઇ સંરક્ષિત કૃષિ ધરાવતાં ખેતરોમાં યાંત્રિકરણ કરવું પડે છે તે જોતાં યંત્રો/સાધનો વિષેનું જ્ઞાન, ક્ષમતા અને ઉપયોગ અંગેની જાણકારી મેળવવી જરૂરી છે.
સંરક્ષિત કૃષિનું મહત્વ :
વિશ્વમાં ઘણા વિકસિત અને વિકાસશીલ દેશોમાં સંરક્ષિત કૃષિ એ એક ઉત્તમ વૈકલ્પિક પદ્ધતિ છે. સને ૧૯૪૦ માં ખેડ વિના ખેતીપાકોનું વાવેતર અંગેનું સંશોધન શરૂ થયેલ અને સને ૧૯૬૦ માં સંરક્ષિત કૃષિના એક સિદ્ધાંતના ભાગ તરીકે ખેડૂતોએ તેને અપનાવેલ. સને ૨૦૦૫ સુધીમાં વિશ્વની અંદાજે ૧૦૫૦ લાખ હેકટર જમીન ખેડ્યા વિનાની ખેતી હેઠળ હતી. લેટિન અમેરિકામાં સને ૧૯૮૭ માં ૬,૭૦,૦૦૦ હેકટર વિસ્તાર હતો જે ૭૪ ઘણો વધીને સને ૨૦૦૮ માં ૪૯૬ લાખ હેકટર થયો.
સંરક્ષિત કૃષિ હેઠળ અંદાજે ૪૭ ટકા વિસ્તાર દક્ષિણ અમેરિકામાં, ૩૯ ટકા યુએસમાં, ૯ ટકા કેનેડા અને ૩.૫ ટકા ઓસ્ટ્રેલિયા તથા બાકીનો વિસ્તાર અન્ય દેશોમાં આવેલો છે. આ પદ્ધતિમાં એકર દીઠ ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ખેડ્યા વિનાની જમીનમાં સોયાબીનનું વાવેતર કરતાં આર્જેન્ટીનામાં ૨૭ યુએસ ડોલર, યુએસએમાં ૧૪.૧૮ યુએસ ડોલર અને બ્રાઝિલમાં ૧૧.૫૦ યુએસ ડોલર જેટલો એકરે ખર્ચ ઘટયોે હતો.
ચિતવન ખેડૂતોએ જણાવેલ અનુભવ મુજબ ડાંગરમાં સીધી જ બીની વાવણી અને ખેડ્યા વિનાની જમીનમાં ઘઉંની ખેતી કરતાં જમીનની તૈયારી પાછળ થતા ખર્ચમાં ૩૦ ટકા અને નીંદામણ માટેની આંતરખેડમાં થતા ખર્ચમાં ૨૫ ટકાની બચત થઇ હતી.ખેડયા વિનાની જમીનમાં કરેલ ઘઉંના ઉત્પાદન ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. ખેડૂતોના અંદાજ મુજબ બળતણ તરીકે ડીઝલનો ઓછો વપરાશ, ઓછા મજૂરો અને પંપ ધ્વારા પાણીની ઓછી જરૂરિયાતના લીધે હેકટર દીઠ ર ૨૫૦૦ નો ખર્ચ ઘટયો હતો.સીડ ડ્રિલના ઉપયોગથી રોપણી કરતાં સમયની પણ બચત થાય છે જેનો ખેડૂત અન્ય ઉત્પાદકીય કાર્ય માટે ઉપયોગ કરી શકે છે.
સંરક્ષિત કૃષિ અપનાવવાને કારણે પાણીના વપરાશની કાર્યક્ષમતા વધે છે અને ૧૫ થી ૫૦ ટકા સુધી પાણીની બચત થાય છે. આ પદ્ધતિ પાણીને વહી જતું અટકાવે છે. પાણી સારી રીતે જમીનમાં ઉતરે છે અને જમીનમાં જમા થઇ પાકને વૃદ્ધિના સમયે મળી રહે છે. આ પદ્ધતિમાં પાણીની અસરકારકતામાં ૫૦ ટકા જેટલો વધારો થાય છે. તે જ રીતે પાકમાં પોષકતત્વો વપરાશની અસરકારકતામાં ૧૫ થી ૨૫ ટકા જેટલો વધારો થાય છે.
અશ્મિભૂત બળતણ મુખ્યત્વે અંગારવાયુ પેદા કરે છે તેથી જો સંરક્ષિત ખેતીને મોટા પાયે અપનાવવામાં આવે તો એક અંદાજ મુજબ અશ્મિભૂત બળતણ ધ્વારા પેદા થતો ૧૬ ટકા અંગારવાયુ અટકાવી શકાય છે.
સંરક્ષિત કૃષિ પ્રતિકુળ વાતાવરણની અસરમાં ઘટાડો કરે છે. નાના ખેડૂતો પરંપરાગત ખેતીને બદલે સંરક્ષિત કૃષિ અપનાવે તો તેથી તેઓને ઘણા ફાયદાઓ થાય છે.
ડાંગર-ઘઉંની ખેતી પદ્ધતિમાં ખેડ્યા વિના ઘઉંની ખેતી કરતાં પરંપરાગત ખેતીની સરખામણીએ હેકટરદીઠ ૨૦૦ થી ૫૦૦ કિ.ગ્રા. ઉત્પાદન વધારે મળેલ છે. પાકના ઉત્પાદનમાં ૧૫ થી ૨૫ ટકા જેટલો વધારો નોંધાયેલ છે. સંરક્ષિત કૃષિ ધ્વારા હવામાંનો અંગારવાયુંનું નોંધપાત્ર પ્રમાણમાં જમીનમાંના સેન્દ્રિય પદાર્થોમાં રૂપાંતર થયેલ છે.સંરક્ષિત કૃૃષિમાં સુધારેલ ઇનપુટસ અસરકારક રીતે વાપરતાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં નોંધપાત્ર રીતે ઘટાડો થાય છે.
કોઠો-૩ : પંરપરાગત ખેડ, સંરક્ષિત ખેડ અને સંરક્ષિત ખેતી વચ્ચેની સરખામણી
ક્રમ | વિગત | પરંપરાગત ખેડ (ટ્રેડિશનલ ટિલેજ) | સંરક્ષિત ખેડ (કન્ઝરવેશન ટિલેજ) | સંરક્ષિત ખેતી (કન્ઝરવેશન એગ્રિકલ્ચર) |
૧ | ખેડ કરવી | ખેડથી જમીનને વિપેક્ષ અને ઉપરની સપાટી ખુલ્લી રહે | પરંપરાગત ખેડ કરતાં જમીનને વિક્ષેપ ઓછો અને જમીનને આવરિત રાખે | જમીનને ઓછામાં ઓછો વિપેક્ષ અને જમીનની સપાટીને કાયમી ધોરણે આવરિત રાખે |
૨ | ધોવાણ | પવનથી અને જમીનનું ધોવાણ વધુમાં વધુ | પવનથી અને જમીનનું ધોવાણ નોંધપાત્ર રીતે ઘટે | પવનથી અને જમીન ધોવાણ એકદમ ઓછું |
૩ | જમીનનું ભૌતિક આરોગ્ય | એકદમ ઓછું | નોંધપાત્ર રીતે સુધારો | ત્રણેમાં ઉત્તમ પદ્ધતિ |
૪ | જમીનનું ઘનીકરણ | જમીનનું ઘનીકરણ ઘટાડે અને જૈવિક છીદ્રોનો નાશ | ઓછી ખેડ ઘનીભવનમાં ઘટાડો કરે | મલ્ચનો ઉપયોગ અને જૈવિક ખેડને પ્રોત્સાહન આપતાં ઘનીભવનની મુશ્કેલી ઘટાડે છે. |
૫ | જમીનનું જૈવિક આરોગ્ય | વારંવાર વિક્ષેપ થવાથી એકદમ ઓછુ જૈવિક આરોગ્ય | એકંદરે જમીનનું જૈવિક આરોગ્ય સારૂ | વધુ વિવિધતા અને આરોગ્યપ્રદ જૈવિક ગુણો અને સૂક્ષ્મજીવોની વસ્તીમાં વધારો |
૬ | પાણીનો નિતાર | જમીનના છીદ્રો પુરાયેલ હોઇ પાણીનો નિતાર ઓછામાં ઓછો થાય | પાણીનો નિતાર સારો | પાણીનો નિતાર ઉત્તમ |
૭ | જમીનમાં સેન્દ્રિય પદાર્થો | જમીનના સેન્દ્રિય પદાર્થોનું ઓકસીડેશન અને તેનો નાશ | જમીનની સપાટી ઉપર સેન્દ્રિય પદાર્થોનું ગઠન | જમીનની સપાટી ઉપર સારી રીતે સેન્દ્રિય પદાર્થોનું ગઠન |
૮ | નીંદણ | નીંદણોનું નિયંત્રણ કરે છે અને નીંદણોના વધુ બીજ ઉગાવા માટે રહેવા દે છે. | ખેડ ઘટતાં નીંદણોનું નિયંત્રણ થાય છે અને અન્ય નીંદણોના બીને ઉગવા દે છે | આ પદ્ધતિ અપનાવવાના શરૂઆતના તબક્કે નીંદણોનો પશ્ન ઉદ્ભવે છે પરંતુ સમય જતાં અને પાકના અવશેષો ઉમેરાતાં નીંદણનો વિકાસ અટકાવવામાં મદદ કરે છે. |
૯ | જમીનનું ઉષ્ણતામાન | જમીનની સપાટીના ઉષ્ણતામાનમાં બહુ ફેરફાર જોવા મળે | જમીનની સપાટીના ઉષ્ણતામાનમાં મધ્યમ ફેરફાર જોવા મળે | જમીનની સપાટીના ઉષ્ણતામાનમાં મધ્યમથી ઓછો ફેરફાર જોવા મળે |
૧૦ | ડિઝલનો વપરાશ અને ખર્ચ | ડિઝલનો વપરાશ વધુ અને ખર્ચ વધુ | ડિઝલનો વપરાશ અને ખર્ચ મધ્યમ | ડિઝલનો વપરાશ એકદમ ઓછો અને ખર્ચ પણ ઓછો |
૧૧ | ઉત્પાદન ખર્ચ | ઊંચો | મધ્યમ | ઓછામાં ઓછો |
૧૨ | સમયસર કાર્યો કરવા | કાર્યો મોડા કરી શકાય | મધ્યમ રીતે કરી શકાય | આદર્શ રીતે કરી શકાય |
૧૩ | ઉત્પાદન | જો રોપણી મોડી થાય તો ઉત્પાદન ઓછુ મળે | પરંપરાગત ખેડ જેટલું જ ઉત્પાદન મળે | સમયસર રોપણી કરવાને કારણે ઉત્પાદન વધુ મળે |
સંરક્ષિત કૃષિના લાભો :
સંરક્ષિત કૃષિ અપનાવવાથી ઉત્પાદકો એટલે કે ખેડૂતો તથા સંરક્ષણવાદીઓને ઘણા લાભો મળે છે. સંરક્ષણવાદીઓના મતે સંરક્ષિત કૃષિ એ લાભદાયક છે. કૃષિ એ જૈવવૈવિધ્યતાનો નાશ કરવા માટેનું એક કારણ છે તે જોતાં સંરક્ષિત કૃષિ માનવ માટે સારો ખોરાક અને શક્તિ પુરી પાડતો એક રસ્તો છે. સંરક્ષિત કૃષિથી પર્યાવરણનું સંરક્ષણ કરી શકાય છે, જમીનના ધોવાણની શકયતાઓ ઘટે છે, પાણીનું સારૂ સંરક્ષણ થાય છે, ઉત્સર્જનમાં ઘટાડો થતાં હવાની ગુણવત્તામાં સુધારો થાય છે, અને જૈવવૈવિધ્યતાની તકોમાં વધારો થાય છે.
ખેડૂત એટલે કે ઉત્પાદકની રીતે જોતાં સંરક્ષિત કૃષિ એ દરેક રીતે પરંપરાગત ખેતી કરતાં સારી છે. સંરક્ષિત કૃષિના નિષ્ણાત થીઓડોર ફ્રીડરિચ ના માનવા મુજબ ”ખેડૂતને સંરક્ષિત કૃષિ ગમે છે કારણ કે તે કુદરતી સ્ત્રોતોનું સંરક્ષણ કરે છે, સુધારો કરે છે અને તેનો અસરકારક ઉપયોગ કરે છે. ખેડૂતને સંરક્ષિત કૃષિના લાભો શરૂઆતથી નહિ પંરતુ પછીથી મળી શકે છે. સંરક્ષિત કૃષિમાં જમીનમાં પુરતા પ્રમાણમાં સેન્દ્રિય પદાર્થો બનતાં સમય લાગે છે અને જમીન પોતે ખાતર બનાવે છે એટલે આ પ્રક્રિયા કઇ એક રાતમાં થઇ શકતી નથી. પરંતુ થોડા વર્ષો સુધી ઉત્પાદન મળ્યા બાદ સંતોષકારક પરિણામો મળવા શરૂ થાય છે”.
સંરક્ષિત કૃષિ અપનાવ્યાના ઘણા સમય બાદ પરંપરાગત ખેતી કરતાં વધુ ઉત્પાદન અને ઊંચી આવક મળે છે. જમીન એ પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે અને ખેડૂત તેનો ઉપયોગ કરી પાક પેદા કરે છે. ન્યુ સ્ટાન્ડર્ડ એનસાયક્લોપીડિયામાં જણાવ્યા મુજબ જમીન એ પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે એટલે કે જમીનમાંથી જે લેવામાં આવે છે તેને સમયસર જમીનમાં પરત આપવું જોઇએ. જો જમીનની વ્યવસ્થિત જાળવણી કરવામાં આવે તો જમીન તેની જાતે જ સારી રીતે જળવાય. સંરક્ષિત કૃષિ અપનાવતા ખેડૂતોએ જમીનની ઉત્પાદક્તા લાંબા સમય સુધી જાળવવા માટેની ખેતી પદ્ધતિઓ આપનાવવી જોઇએ.
ખેડૂતે પાકની કાપણી બાદ જમીનનો અન્ય રીતે ઉપયોગ કરવો જોઇઅે. જો ખેતરમાં પશુઓને ચરવા દેવામાં આવે તો તે ખેડૂત તેમજ જમીન બંને માટે લાભદાયક છે.પશુઓ ધ્વારા જમીનમાં ઉમેરાતું છાણ કુદરતી ખાતર તરીકે કાર્ય કરી વાવવામાં આવતા પાકને ફાયદો કરે છે. આમ પશુઓનું દર વર્ષે ચરિયાણ કરવામાં આવે તો જમીનમાં છાણ ઉમેરાતાં જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે અને ઘણા વર્ષો સુધી સારૂ ઉત્પાદન મળે છે.
ફૂડ એન્ડ એગ્રિકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એ સંરક્ષિત કૃષિના મુખ્ય ત્રણ લાભો જણાવ્યા છે :
(૧) સંરક્ષિત કૃષિ અપનાવતા ખેતરોમાં સેન્દ્રિય પદાર્થોમાં ખેડૂત વધારો થતો જોઇ શકે છે.
(૨) સેન્દ્રિય પદાર્થોનું સ્તર બનવાને કારણે જળ સંરક્ષણમાં વધારો થાય છે અને જમીન પરનું આવરણ જમીનનું ધોવાણ અટકાવે છે.
(૩) જમીનનો બાંધો અને મૂળ વિસ્તારમાં સુધારો થાય છે.
સંરક્ષિત કૃષિ હવામાન સ્માર્ટ કૃષિ કરતાં કઇ રીતે અલગ પડે છે ?
સંરક્ષણ કૃષિ અને હવામાન સ્માર્ટ કૃષિ (ક્લાઇમેટ સ્માર્ટ એગ્રિકલ્ચર) બંને સરખા છે પરંતુ તેઓના હેતુઓ અલગ છે. સંરક્ષિત કૃષિનો હેતુ નાના ખેડૂતોએ ટકાઉ ખેતી પદ્ધતિ અપનાવી કુદરતી પ્રક્રિયાઓ ધ્વારા પર્યાવરણ ઉપર સકારાત્મક અસરો પેદા કરવાનો છે. તેને અપનાવી ખેડૂતો હવામાનના જોખમો હોવા છતાં વધારે નફો મેળવે છે.
હવામાન સ્માર્ટ કૃષિનો હેતુ બદલાતા હવામાનની અસરો સામે રક્ષણ કે અનુકૂલન સાધવા જમીનમાં કાર્બનનો સંગ્રહ કરી અને ગ્રીનહાઉસગેસનું ઉત્સર્જન ઘટાડી ખેતીમાં ઉત્પાદક્તા અને નફાકારક્તા વધારી ખેડૂતોની આજીવિકા અને અન્નની સલામતી પુરી પાડવાનો છે.
સંરક્ષિત કૃષિને હવામાન સ્માર્ટ કૃષિ પણ કહેવામાં આવે છે કારણ કે તે હવામાન સ્માર્ટ કૃષિના હેતુઓને પણ સમાવે છે.
સ્ત્રોત : ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, મે-૨૦૨૨
સંપાદક : ડૉ. એન. વી. સોની (નિવૃત્ત તંત્રી ‘કૃષિગોવિદ્યા’) E-mail: krushikiran2023@gmail.com
www.krushikiran.in